Saturday, June 3, 2017

પટરાણી સાતમી.



મારા ઘરના આંગણામાં ખેલી રહ્યા છે મોર અને ઢેલ
મદમસ્ત વર્ષાઋતુમાં કરી રહ્યા છે મનગમતા ખેલ.
એ જોઈને તને પામવા ઉત્સુક છે તેજીલી ભદ્રા
છુપી રીતે મોકલું છું હૃદય કોતરેલી સુવર્ણ મુદ્રા.
મારુ હૃદય તને યાદ કરીને આનંદને હિલ્લોળે ચઢ્યું છે.
આથમતા સુરજમાં વવાદળછાંયુ આકાશ સોને મઢ્યું છે.
સાંભળ્યું છે ગોકુળમાં તેં ગોપીઓને ઘેલી કરી,
પણ અહીં તો ભદ્રા તને પરણવા થનગની રહી.
ચાલ આવી જા અચાનક અતિથિની જેમ,
આ ભદ્રાને તું હરિ જા એક શૂરવીર ની જેમ
ખબર નથી કોઈને જે આપે ઘરે બાતમી,

બનાવી લે તું મને તારી પટરાણી સાતમી.

છઠ્ઠું આભૂષણ.


પ્રતિ,
શ્રી કૃષ્ણકાંત યાદવ,
દ્વારિકા, ગુર્જરભૂમિ, સિંધુપ્રદેશ.
કેવું લાગ્યું અમારું આ સંબોધન ?
સમજો તો સારું છે, સંબોધન મારુ ન્યારું છે.
જો જીત્યા તો અહીં જ આપનું સાસરું છે.
હવે કહું વાત માંડીને,
વાંચો કૌશલરાજાની શરતને.
જે સાત સાંઢને નાથે એ મને પરણે.
હાર્યા તો અનેક જે મને ન ગમે.
આપે તો નાથ્યા છે છ સાંઢને અગાઉથી
બાકી રહેલા એકને હરાવો જરૂરથી.
રાગ, દ્વેષ,, મોહ, લોભ, મદ અને ઈર્ષા
આ છ સાંઢ તો ગયા હવે એકને હરાવો,
પછી હું અને તમે,
રથમાં સવાર થઈને નીકળી પડીશું.
આપણી યાત્રા હશે અંતહીન પણ નહિ દિશાહીન.
બસ તમે સ્મિત રેલાવતા રહેજો
અને હું સંગીત.
નથી મારામાં કોઈ દુષણ,
બનશે આ નાગજીતી આપનું છઠ્ઠું આભૂષણ.
લિ. પ્રત્યુત્તરની અપેક્ષાએ,
રાજકુમારી નાગજીતી

(પંકજદાંડી)

શું હું રાધા ન બની શકું ?


ઓ માય ડિયર,
વીલ યુ કમ નિયર ?
મારે તારી જરૂર છે
મારા અંતરના અણુ એ અણુ નો આ પોકાર છે.
હું ઉંમરમાં જરૂર નાની છું,
આથી જ મને તારા પ્રેમની વધુ જરૂર છે.
હું તમને પરણી તો ય મારી ભાષા હજુ કાલી જ છે.
અને આટ આટલો પ્રેમ પામવા છતાં
અંતર હજુ ખાલી જ છે.
પણ હવે હું મોટી અને સમજદાર થવા માંગુ છું.
મારા અંતરમાં જાગતી મિથ્ય ઈચ્છાઓ,
મને તારાથી દૂર અવળા માર્ગે ધકેલે છે.
હું એનાથી બચવા માંગુ છું.
હે સ્વામી,
તોફાનનો મહાસાગર પણ શાંતિની ઝંખના કરે છે.
તેમ આ કાલિન્દી તને એક પ્રાર્થના કરે છે.
શું હું બીજી રાધા ન બની શકું ?

(પંકજદાંડી)

તારી જ રાહમાં મિત્રવિન્દા


કઝીન કહું કે સખા કહું, કે પછી કહું મેરે યાર,
મિત્રવિન્દા બેઠી મહેલે, આજ કરે છે વિચાર.
મારુ જીવન આપને સમર્પિત છે.
મારા શરીરનો એક એક અંશ,
અરે એ અંશનો પણ અંશાંશ,
જપ્યા કરે છે માત્ર તમારું જ સ્મરણ.
મારી ઇચ્છાશક્તિ તમને  પામવાની છે.
હું તમને પામું, તમને સ્પર્શું
તમારી જ અનુભૂતિ પામું.
હું તમારામાં જ મારુ શરણું શોધું છું.
જેથી
હર એક ક્ષણે મારો પ્રેમ
તમારા ચરણે સમર્પિત થતો રહે.
મારી જાતને તમારી સાથે બાંધી રાખે
તમારા સ્નેહ સંબંધમાં હું સદાય બંધાયેલી રહું.
મારા જીવનની અભીપ્સા પુરી કરો મારા નાથ.
હું તમારી પાંચમી પત્ની બનવા તૈયાર છું.
મારુ હરણ કરો, હરણ કરો, હરણ કરો.
અને હા ! યાદવોમાં તો મામા-ફોઈના સંતાન પરણે જ છે.

લિ. તમારી જ રાહમાં મિત્રવિન્દા.

પ્રતીક્ષામાં છું.


હે અષ્ટભાર્યા !
મધરાત થવા આવી,
પણ મનમાં એક ઉચાટ છે.
જે જીવન જીવવા હું પૃથ્વી પર આવી,
એ તો હજુ હું જીવી શકી જ નથી.
મેં કેટલીય રાતો મારા હૃદયસંગીતની શોધમાં વિતાવી છે.
પણ પવનની એકાદ બે લહેરખી સિવાય,
મારા પ્રેમ પરિમલ નો ભંડાર અણઉઘડ્યો જ રહ્યો છે.
ક્યારેક મને સંભળાય છે,
મારા મહેલ પાસેથી પસાર થતા
તમારા આછા પદધ્વનિનો ઝંકાર.
હમણાં જ ડોરબેલ વાગશે એમ માની,
દરવાજે ઉભી રહી જાઉં છું.
હે નાથ !
હું આપણા અમર પ્રેમનું ગીત ગાવાની પ્રતીક્ષામાં છું.
પ્રતીક્ષા એ જ મારો જીવનમંત્ર છે.
હું આઠમી પટરાણી છું અને આજે આઠમ છે.
આવશો ને નાથ ??
મારી પ્રતીક્ષાનો સમય છેક પરોઢ સુધીનો છે.

લિ. તમારી લક્ષ્મણા

તારી જામ્બુવતી.


હે સ્વામી,
પુષ્પની અધખીલી કળી જેવી હું,
જેનું સૌંદર્ય હજુ ખીલી રહ્યું છે તે હું,
જેની સૌંદર્યની પૂર્ણતા હજુ પ્રગટી નથી,
એવી એક રીંછ કન્યાને તું વરી લે.
જો તું ન વરીશ તો,
મારુ સૌંદર્ય ધૂળમાં મળી જશે.
હું જાણું છું તારા મહેલમાં હું એકલી નહીં હોઉં
પણ મને તારા સ્પર્શનું સુખ તો મળશે ને ?
તારા ચરણે ધરેલ આ કન્યાને
તું તારા રાણીવાસમાં લઇ લે.
પ્લીઝ, જલ્દી કર,
મારા આત્મસમર્પણ નો આનંદ વહી જાય એ પહેલાં.

લિ. તારી જામ્બુવતી.

મારા રૂપનું અભિમાન


હે નાથ !
હું સત્યભામા,
મને મારા રૂપનું અભિમાન, અને અલંકારોનું આકર્ષણ.
આ રૂપના અભિમાને રચી દીધી એક છે દીવાલ,
મારી, તમારી અને શૌક્ય વચ્ચે એક અદ્દશ્ય દીવાલ.
આથી જ તમારી સૌમ્ય વાણી મારા અલંકારોને ભેદીને
મારા હૃદય સુધી પહોંચતી નથી.
પણ હવે,
ફેંકી દીધા છે મેં તમામ અલંકાર,
પરવા નથી હવે મને બાહ્ય સૌંદર્યની
હવે મેળવ્યું છે મેં સાચું આંતરસૌંદર્ય.
હે સ્વામી,
મારો અંહકાર લજ્જિત થઇ અદ્દશ્ય થઈ ગયો છે.
હું તો હવે તમારા ચરણોમાં બેઠી છું.
હે અષ્ટભાર્યા !
મારી બીજી કોઈ ઈચ્છા નથી.
બસ ખળખળ વહેતાં ઝરણાની જેમ,
મારા અવિરત વહેતા પ્રેમમાં વહ્યા કરો.
તમારા જ્ઞાનના સંગીતની સુરાવલીથી,
મારા હૃદયને ભરી દો કે જેથી મને મળે,
કૃષ્ણાનંદ ! પરમાનંદ ! ભ્રહ્માનંદ !

લિ. આપની નિત્યપ્રિયા.

મારા સપનાના સોદાગર !


હે મારા સપનાના સોદાગર !
કર મારાં સપના ઉજાગર.  
મારુ ખોળિયું ત્યજી દઈશ સહર્ષ,
કારણ કે પ્રત્યેક અણુ ઝંખે છે તારો સ્પર્શ.
ઓ મારા નાથ !
મારા જીવનપથ પર આવી રહેલી
સમસ્યાઓમાંથી મને ઉગાર.
કારણકે મારા અંતરના મંદિરમાં તું બેઠો છે.
મારા પ્રત્યેક કર્મમાં હવે તું જ પ્રગટ થશે.
કારણ હું જાણું છું,
તારા સિવાય આ ધરતી પર,
માનવતાના દુશ્મનોને મારવાની શક્તિ કોનામાં છે ?
જે અંતરમાં હતું તે અહીં કર્યું બહાર છે,
હવે બાકીનું મારુ જીવન તને ઉધાર છે.

લિ.  તારી તારી અને માત્ર તારી જ રુકિમણી.

હું, તું અને તે


કવિતાની દરેક કડીમાં તારી યાદ મુકું છું,
સત્તાવન વર્ષે પણ યુવાનીનો સ્વાદ મુકું છું.
સાચવી છે ભૂતકાળની એક એક યાદ
છતાંયે કરી નથી તને ક્યારેય ફરિયાદ.
આજેજ હાથ લાગ્યો એક જુનો પ્રેમપત્ર,
ને સ્મૃતિપટ પર રિપીટ થયું તેજ સૂનું સત્ર.
સોંપ્યો હતો દોસ્તને, તે પહોંચાડવા તને,
પકડાવાની બીકમાં, પરત કર્યો હતો મને.
ભૂતકાળમાં દોસ્ત ત્રણ હતા આપણે,
આજે છીએ  હું, તું અને તે ના સ્વરૂપે.

(પંકજદાંડી)

સાંવરિયા ઓ સાંવરિયા



રાધા શોધે વોટ્સ એપમાં ને શ્યામ શોધે ફેસબૂકમાં
મીરાંબાઈ હજુય જપે છે સાંવરિયા સાંવરિયા
મોરલીના સુર હવે રેડિયો એફ એમ પર રેલાય
રાધાની ઓઢણી જીન્સ ઉપર પહેરાય
મીરાંબાઈ હજુય જપે છે સાંવરિયા સાંવરિયા
ગરબામાં ડિસ્કોનો તડકો થાય
ને રાસ નું રેપ સોંગ રચાય, તોય
મીરાંબાઈ હજુય જપે છે સાંવરિયા સાંવરિયા
(પંકજદાંડી)


યાદી ભરી ત્યાં આપની



જરા પાછળ નજર મારી પડી
યાદી ભરી ત્યાં આપની,
સ્કૂલના એ બાગ માંથી 
યાદી ઝરે છે આપની.
બોયઝ ગર્લ્સની કોમેન્ટ પર 
તાલી ઉપર પાડે તાલી,
જયાં જયાં સ્ટુડન્ટ, જયાં જયાં સ્કૂલો
ત્યાં ત્યાં નિશાની આપની.
સમરમાં અહીં આવતી 
એરકંડીશનની ઠંડી લહર,
તેની ઉપર આવી પડે 
એકદમ સવારી આપની.
ભૂલી જવાય છે ઘણી વાતો 
હવે તો એક સામટી,
તોયે હજુ અકબંધ છે 
એકલી ને એજ યાદી આપની.

(પંકજદાંડી)