Monday, March 31, 2025

1.1 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - લેખકનું નિવેદન

 

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય

લેખકનું નિવેદન

પ્રિય વાચકમિત્રો,

દાંડી વિશ્વપ્રસિધ્ધ ગામ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ મેળવવાનો એક રસ્તો અહીંથી શોધ્યો હતો. જે ધરતી પર એક વિશ્વમાનવનાં પગલાં પડયાં, અહીં તે ગામનો પરિચય કરાવવાનો પ્રયત્ન થયો છે.

મારું નામ પંકજ, અને ગામ દાંડી. આ બે નો જોડિયો શબ્દ ‘પંકજદાંડી’ મારું બ્રાન્ડનેમ. જયારે મારા બ્રાન્ડનેમમાં જ મારા ગામનો સમાવેશ થયેલો છે ત્યારે એ ગામનો પરિચય કરાવતી વેળા સાચી વાતો જ લખાય, અથવા અનુમાન બાંધતાં સત્યની વધુમાં વધુ નજીક હોય, એનું જ વર્ણન થાય તે અત્યંત જરૂરી છે.

ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમ્યાન મારી બા ના અવસાનને કારણે હું દાંડીમાં જ હતો, ત્યારે 94 વરસની જૈફ વયે ધીરુભાઈ પગના ઘૂટણ અને પ્રોસ્ટેટની તકલીફને કારણે પથારીવશ હતા. એમણે મને એમના ઘરે બોલાવીને મારા હાથમાં એક નોટ પકડાવી દીધી. જેમાં તેમણે દાંડીનો ઇતિહાસ લખવા માટે કરેલી તૈયારીઓની કાચી નોંધ હતી. મારા હાથમાં જેકપોટ આવી પડયું, જેમાં માહિતીનો ખજાનો હતો.

ગામના ઇતિહાસને લખવા માટે મારા પહેલાં પણ કોઈકે પ્રયત્ન કર્યો હશે પરંતુ મને એવા કોઈ રેફરન્સ મળ્યા નથી. મારી પાસે પૂરતો સમય હતો અને દાંડીના ઇતિહાસની બાબતમાં ઊંડા ઉતરવામાં મને રસ પણ હતો. તેમાં હું ઉતરતો ગયો, ત્યારે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા. મારા પપ્પા (અમૃતભાઈ મકનજી), દાદા (કેશવભાઈ નાનાભાઈ), મામા (મ.ના.પટેલ), સોમભાઈ, ભગવાનદાસ કાલીદાસ, પરભુભાઈ રામભાઈ, વલ્લભભાઈ ભાણાભાઈ, કેસુરભાઈ પટેલ, લલ્લુભાઇ પરભુભાઈ, જસુભાઈ ફકીરભાઈ, મારાં બા (પાર્વતીબહેન) વગેરે પાસેથી તેમનાં અવસાન પહેલાં માહિતી મેળવી લેવાનું હું ચુક્યો. પરંતુ નાનપણથી મારા પપ્પા પાસેથી અને અન્ય રીતે મળેલી માહિતીઓને યાદ કરીને તેને શબ્દદેહ આપવાનો પ્રયત્ન કર્યો છે.

જેમના પિતાજી ગામના આગેવાન હતા, એવા મારા કેટલાક મિત્રો દેશમાં અને પરદેશમાં છે. તેમનો સંપર્ક કર્યો. કેટલાકે સરસ માહિતી મોકલી. પરંતુ જ્યાંથી મને ઘણી આશા હતી એવા કેટલાક મિત્રોએ ખાસ રસ દાખવ્યો નહીં. છતાં જેટલી પણ માહિતી મળી તેનો ઉપયોગ કરી એક નાનકડી પરિચય પુસ્તિકા બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

સુજ્ઞ વાચકોને સમક્ષ વિનમ્રભાવે એક સ્પષ્ટતા કરવાની કે, મારા આ લખાણ પાછળનો આશય કોઇપણની લાગણી દુભાવવાનો નથી. ગામના લોકજીવન બાબતે આજના સમયના સાપેક્ષમાં થોડા દસકાઓ પહેલાંની પરિસ્થિતિ જુદી હોવાને કારણે, અને ત્યારનું લોકજીવન ભિન્ન હોવાને કારણે ક્યાંક ક્યાંક આપણને લઘુતાગ્રંથીનો અનુભવ પણ થઇ શકે એમ છે. પરંતુ મેં અહીં લોખંડ ઉપર સોનેરી રંગ લગાવી તેને સોનુ કહેવાની કુચેષ્ટા નથી કરી. મળેલી ખરબચડી માહિતીઓને પોલિશ કર્યા વિના જેવી હતી તેવી જ રજુ કરી છે.

દાંડીનો પરિચય આપવામાં કોઈ ત્રુટિ કે વિવાદાસ્પદ લખાણ જણાય તો તે લેખક તરીકે મારી પોતાની અંગત જવાબદારી છે એમ સમજવું.

શારીરિક અને સામાજિક કદમાં નાનો માણસ છું, અને નાની નાની બાબતો વણી લઈને આપની સમક્ષ પ્રસ્તુત થાઉં છું. અનુભવની ઉણપ પણ ગણાય. કારણ કે આ મારો પ્રથમ પ્રયાસ છે. આશા રાખું છું મારી મર્યાદાઓને નજર અંદાજ કરીને મારા પ્રામાણિક પ્રયાસને આપનો આવકાર મળશે.

અત્યારે એનું પ્રિન્ટિગ કરવાનો ઈરાદો નથી. થોડો સમય એને ડિજિટલ અવસ્થામાં રાખવું છે, જેથી અધૂરી, અપૂરતી, ખોટી અને નકામી માહિતીઓની સર્જરી કરી શકાય.

સહુને મારા જય શ્રી કૃષ્ણ !

 

લવાલ /મોન્ટ્રિઅલ                                                       પંકજદાંડી

તારીખ : 01/01/2025

 

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય

No comments:

Post a Comment