Monday, March 31, 2025

2 ઐતિહાસિક દાંડી ગામનો પરિચય -- દાંડીનો ઈતિહાસ

 

2. દાંડીનો ઈતિહાસ

દાંડીની ગઈકાલને યાદ કરવા અને આજના વર્તમાનને સમજવા માટે આપણે દાંડીનાં ઇતિહાસ અને ભૂગોળ સમજવાં પડશે. પછી લોકજીવન, સમાજના આગેવાનો, મહત્વના સ્થળો, વિકાસના ક્રમમાં દાંડીનું સ્થાન, રમત ગમત, શિક્ષણ, આરોગ્ય, આજીવિકા વગેરે વિષયો પર પણ નજર નાખી લઈએ. ઐતિહાસિક દાંડીકૂચ અને તેની સીધી- આડકતરી, લાંબા- ટૂંકા ગાળાની અસરને પણ જોઈ-સમજી લઈએ. અંતે આપણને આવતીકાલનું દાંડી કેવું હશે તેનું આછેરો ખ્યાલ આવી શકશે.

અહીં દાંડીની ગઈકાલ એટલે ગામની સ્થાપનાથી લઈને વીસમી સદીના અંત (ઈ.સ.2000) સુધીનો સમય ગાળો. આજનો અર્થ ઈ.સ.2001 થી ઈ.સ.2025 સુધીનું વર્તમાન. અને આવતીકાલ એટલે ઈ.સ. 2025 પછીનું ભવિષ્ય.

પ્રથમ બે બાબતો વિચાર માંગી લે છે. એક તો ગામનું નામ દાંડી કેવી રીતે પડયું હશે, અને બીજું તેની પ્રથમ વસાહત ક્યારે અને કોની થઇ હશે.

સામાન્ય ગુજરાતી તળપદી ભાષામાં નદીના મુખપ્રદેશમાં બનતા મોટા ટાપુ, (મુખત્રિકોણ DELTA) ને દાંડો કહેવામાં આવે છે. સંભવ છે નાના ટાપુને દાંડી કહેવાતું હોય. આવા જ એક નાના ટાપુ પર વસેલું ગામ ‘દાંડી’ કહેવાયું હોય શકે. ગુજરાતથી લઇ કેરળ સુધી અનેક દાંડી ગામો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આપણા દાંડીની નજીકમાં ઉત્તરે વાંસી બોરસીનું દાંડી અને મોર ભગવા દાંડી તથા દક્ષિણે વલસાડ જિલ્લાનું તીથલ દાંડી આવેલાં છે.

દાંડીની પ્રથમ વસાહત અંગે જુદાં જુદાં મંતવ્યો મળ્યાં. કેટલાક લોકોની ધારણા મુજબ સન 1820 ની આસપાસ દાંડી સ્થપાયું હશે. કોઈકે જણાવ્યું કે વર્ષો પહેલાં ઓરીજીનલ દાંડીને દરિયો ભરખી ગયો એટલે ગામના લોકોએ હાલ છે એ જગ્યાએ સ્થળાંતર કરી નવું ગામ વસાવેલું.

કોળી પ્રજાનો ઇતિહાસ તપાસતાં પાવાગઢ વિસ્તારથી તેઓ આવ્યા હોવાના રેફરન્સ મળે છે. 21 નવેમ્બર 1484માં મહંમદ બેગડાએ પાવાગઢ જીત્યું. પાવાગઢના શાસક પતઇ રાવળનું સૈન્ય, જેમાં કોળી સૈનિકોની સંખ્યા ઘણી હતી, તેઓ ઇસ્લામ ધર્મ કબુલ ન કરવો પડે એટલા માટે પોતાના કુટુંબ કબીલા સાથે દક્ષિણ દિશામાં ભાગીને નમર્દા પાર કરી હાલના દક્ષિણ ગુજરાતમાં વસ્યા. આ પૈકીના કોઈક કબીલા ધીરે ધીરે દક્ષિણ તરફ અને દરિયા તરફ વધતા વધતા દાંડી સુધી આવ્યા હોય એવું બની શકે છે. આમ પંદરમી સદીના અંત કે સોળમી સદીની શરૂઆતમાં દાંડી વસ્યું હોય એવું બને.

માણસ જ્યાં પણ વસે ત્યાં પોતાનું ધર્મસ્થાન જરૂર ઉભું કરે. દાંડીમાં વસનારાઓએ પણ પોતપોતાનાં ધર્મસ્થાનો જરૂર બનાવ્યાં હશે. દાંડીમાં એક મઝાર અને થોડાં મંદિરોનો આધાર લઇ શકાય એમ છે.

હજાણી બીબી દરગાહ ટ્રસ્ટ તરફથી જે માહિતી જાહેર કરવામાં આવી છે તે મુજબ હજાણી બીબી હજયાત્રા પુરી કરીને જયારે પોતાના દેશ પાછાં ફરતાં હતાં ત્યારે હિ. સ. 900 માં 22-23મી મહોરમે તેઓનું વહાણ દાંડી નજીક તોફાનમાં સપડાયું અને અંતે ભાંગીને ભુક્કો થઇ ગયું. વહાણના બધા મુસાફરો દરિયાને ખોળે સમાઈ ગયા. સૈયદના યુસુફ નજમુદ્દીન સાહેબ (આ.કુ.) ના માતાજી અને બહેનની લાશ મુબારક એક પાટિયાને આધારે તરતી તરતી દાંડીના કિનારે આવી.

હજાણી બીબી ટ્રસ્ટની માહિતીને સાચી માની લઈએ તો ઈ.સ. 1494,ઓક્ટોબર 23, બુધવાર અને ગુરુવારની રાતે આ ઘટના ઘટી. સામાન્ય મુસ્લિમ કેલેન્ડર અને દાઉદી વહોરા કેલેન્ડર વચ્ચે પણ થોડો તફાવત છે. એ ધ્યાનમાં લઈએ તો પંદરમી સદીના અંત કે સોળમી સદીના આરંભમાં આ ઘટના બની હોવી જોઈએ. એટલે કે પંદરમી સદીથી કે તે પહેલાંથી દાંડીમાં વસાહત થઇ હોવી જોઈએ.

દરગાહ બનાવવા માટે કોળી અથવા માછી લોકોએ પોતાની જમીન દાનમાં આપી હતી એવા હેવાલ છે. આ દાન મુખ્યત્વે વાઘાફળીયાના કુટુંબ તરફથી મળ્યું હતું. વાઘાફળિયાનાં ઘરોની રચના જોઈએ તો તે હજાણીના કમ્પાઉન્ડની બિલકુલ બાજુમાં જ છે. એમનાં ઘરોની આગળ વધારે જગ્યા નથી. જયારે માણસ દાન કરે ત્યારે પોતાને ભવિષ્યમાં અગવડ ન પડે તેટલું તો અવશ્ય વિચારે. એટલે એક કલ્પના એવી કરી શકાય કે, જયારે હજાણી મા અને દીકરીને દફન કરવામાં આવ્યાં ત્યારે આ જગ્યાએ માત્ર વાડો હોવો જોઈએ. અને વાઘાફળિયાનાં ઘરો પણ આજે છે ત્યાં ન હોવાં જોઈએ.

દાંડીની ઉત્તરે પુર્ણાને કિનારે સિંધવાઇ માતાનું મંદિર છે. ખરેખર તો એ સિંધવાળી માતા છે. અપભ્રંશ થઈને સિંધવાઇ બન્યું. પરંતુ સિંધથી આવેલા કોળી લોકો ક્યારે આવ્યા તેની માહિતી મળી શકી નથી. જો કે તેઓ પુર્ણાને ઉત્તરે વસ્યા હતા.

માલણ વિસ્તરમાં આવેલું અગાસી માતાનું મંદિર તો હમણાં જ બન્યું. પરંતુ ત્યાં એક પથ્થરને દેવ માનીને પૂજા કરવામાં આવતી હતી. આ માતાને મરઘાનો બલિ ચડાવાતો હતો. ત્યાં નૈવેદ્યમાં માંસાહાર અને મદિરાપાન પણ થતાં. આ કોળી પ્રજાની કુળદેવી છે. પરંતુ આ સ્થાનક ક્યારે અસ્તિત્વમાં આવ્યું એની કોઈ વિગત મળી શકી નથી.

રાધાકૃષ્ણ મંદિરની જગ્યાએ હનુમાનજીની દેરી હતી. તે પ્રાઇવેટ પ્રોપર્ટી હતી. પરંતુ ત્યાં પણ હનુમાનજીની પ્રતિમાની સ્થાપનાના સમયગાળાની માહિતી મળતી નથી.

ગામી તળાવના ઈશાન ખૂણામાં વણિક સમાજનું ખત્રીબાપાનું મંદિર છે. એટલે ક્યારેક દાંડીમાં વણિક સમાજનો પણ વસવાટ હોવો જોઈએ. બીજું એક મંદિર પહાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રેવામાતાનું છે. રેવા એટલે નર્મદા. નર્મદા વિસ્તારથી આવેલી પ્રજાએ રેવામાતાનું સ્થાનક બનાવ્યું હોય શકે. દેસાઈ ફળિયામાં રાંદલમાતાનું સ્થાનક છે. રાંદલમાતાનો સંબંધ સૌરાષ્ટ્રના ગોંડલ વિસ્તાર સાથે છે. કોઈ કુટુંબ ગોંડલ વિસ્તારથી પણ આવ્યું હોઈ શકે. આટલાં સ્થાનક, દેરાં, મંદિર હોવા છતાં તેમની સ્થાપના બાબતે કોઈ વિગત મળતી નથી.

ગામમાં દાઉદી વહોરા સમાજના કેટલાક બંગલા હતા. તે પૈકીનો એક હાલ દરિયા કિનારે દાંડીરોડ પૂરો થાય છે ત્યાં હતો. એટલે દરિયો ત્યાંથી દૂર હોવો જોઈએ. ઈ.સ. 1950 સુધી દરિયાની ભરતીનાં પાણી ઉતરી જાય ત્યારે એક કૂવાના અવશેષ દેખાતા. આ ઉપરથી અનુમાન થઇ શકે કે, દરિયાનો કિનારો ઘણો ધોવાયો છે.

પંદરમી-સોળમી સદીમાં વસેલા દાંડીના ટાપુને દરિયો ભરખી ગયો હોય અને પછી હાલના સ્થાને ગામ ફરીથી વસ્યું હોય એવું બની શકે. જો કે આ તમામ ધારણાઓ અને અંદાજિત ગણતરીઓ છે.

છેલ્લા બસો વરસના સમયગાળાની મળતી વિગતો મુજબ દાંડીની ગઈકાલના ઇતિહાસને ચાર તબક્કામાં વહેંચી શકાય છે.

·       પહેલો તબક્કો, સન. 1870 પહેલાંનો, જેમાં દાંડીના અસ્તિત્વથી લઇ મિ. સી. ફોર્ડ ના માટીના બંધો સુધીનો પિરિયડ આવે.

·       બીજો તબક્કો, સન 1870 થી 1930 સુધીનો, જેમાં સી. ફોર્ડના બંધથી ગાંધીજીની દાંડીકૂચ સુધી.

·       ત્રીજો તબક્કો, સન 1930 થી 1951 સુધીનો જેમાં દાંડીકૂચથી સ્વરાજપ્રાપ્તિ અને માટીના બંધોની ફરીથી વ્યવસ્થિત શરૂઆત.

·       ચોથો તબક્કો સન 1951 થી 2000 સુધીનો જેમાં બંધ નિર્માણ પછીનું દાંડી આવે.



           

No comments:

Post a Comment