|
દાંડીની પસંદગી ઈશ્વરની કેમ?
|
શું
આપ દાંડી ગયા છો? ત્યાંના ગાંધીસ્મારકની
મુલાકાત લીધી છે? સ્મારક પરની તકતીઓનું લાખણ વાંચ્યું છે?
જો આ ત્રણે પ્રશ્નોનો જવાબ 'હા' હોય તો તમને જરૂર યાદ હશે બાપુના એ બોલ;"દાંડીની
પસંદગી મનુષ્યની નથી,પણ ઈશ્વરની છે". હા એ પસંદગી
ઈશ્વરની જ છે એ હકીકત છે. તો ચાલો જાણીએ એ હકીકત. પરંતુ એ માટે આપણે માત્ર સ.ન.
૧૯૩૦ માં જવાને બદલે હજારો વર્ષ પાછળ, પુરાતનકાળમાં ડોકિયું
કરવું પડશે.
ગુજરાતનો
ડાંગ જિલ્લો એટલે રામાયણ કાળના દંડકારણ્યનો એક ભાગ. આ દંડકારણ્યનો વિસ્તાર મહારાષ્ટ્રમાં
છેક નાસિકથી પણ આગળ સુધી ગણાય. એના ભીલ રાજા આહુવા અને રાણી વાઘદેવીના બે પુત્રો, ભાર્ગવ અને ભગીરથ. આ બંને પૈકી મોટો ભાર્ગવ, રાજા
આહુવા જેવો શાંત, સૌમ્ય પણ રંગે શ્યામ. નાનો ભગીરથ પરાક્રમી, ઉત્સાહી, શિકારનો શોખીન અને રંગે રૂપે રાણી વાઘદેવી
જેવો રૂપાળો. અયોધ્યાના રાજા ભગીરથના ગંગા અવતરણની વાતો જાણી આ ભગીરથને પણ એવું
કઈંક નવું કરવાની તમન્ના.
શિકારના
અને ફરવાના શોખીન ભગીરથને દંડકારણ્યમાંથી વહેતી અન્નપૂર્ણા
(હાલની આપણી પૂર્ણા નદી) ના સાગર સંગમ જોવાની ઈચ્છા
થઇ. પિતાની આજ્ઞા લઇ એ તો નીકળી પડયો. ક્યાંક ચાલીને,
ક્યાંક તરીને શિકાર કરતો કરતો બે ચાર દિવસ બાદ નદી અને સમુદ્રના
સંગમસ્થાન સુધી પહોંચી ગયો. ભગીરથે પહેલી વાર સમુદ્રના દર્શન કર્યાં. અદભુત દશ્ય
જોઈને એ તો દંગ રહી ગયો. વિશાળ જલરાશિ જોઈ એનું મન પ્રફુલ્લિત થઇ ગયું. ક્યાં
દંડકારણ્યની વનરાજી, ડુંગરોની હારમાળા, હિંસક પ્રાણીઓના અવાજો અને ક્યાં કાદવ-માટી અને ખારાં પાણી તથા નાનાં
ક્ષુપ જેવાં વૃક્ષોની આ ધરતી. વનસ્પતિના
નામે તિવાર, નાનું ઘાસ, થોર અને મરજાલ.
થોડા તાડ અને ખજૂરી સિવાય એક પણ ઊંચું ઝાડ નહીં. દૂર ક્ષિતિજ સુધી
આકાશને મન ભરીને માણી શકાય. સેંકડોની સંખ્યામાં દરિયાઈ પક્ષીઓ અને ઉછળકૂદ કરતી
ડોલ્ફિન. સુંદર કુદરતી સૌંદર્ય માણવામાં ઘણો સમય વહી ગયો, અને
ખારી હવાએ એની અસર બતાવી. એને ખુબ તરસ લાગી. પાણીનો તો દરિયો ભરેલો હતો પરંતુ તરસ
છીપાવવા એક ખોબો મીઠું પાણી ઉપલબ્ધ ન હતું. દૂર નજર દોડાવતાં એને દરિયા કિનારા
નજીક થોડા કુદરતી બેટ દેખાયા. સૌથી નજીકના મોટા લગતા બેટ ઉપર એક ઝૂંપડી નજરમાં
આવી. અને ભગીરથે એ ઝુંપડીની વાટ પકડી.
ઝૂંપડી
તરફ કોઈ અજાણ્યા યુવાનને આવતો જોઈ ઝૂંપડીમાં રહેતા માછી કુટુંબના સભ્યો બહાર આવ્યા.
નજીક આવી યુવાને પીવા માટે પાણી માગ્યું. માછી કુટુંબની દીકરી પાણી લઇ આવી. ભગીરથ
અને માછી કન્યાની નજર મળી. ભગીરથે પાણી
પીતાં પીતાં એને બરાબર નીરખી. ગૌરવર્ણ, ભરાવદાર
શરીર અને કમનીય કાયા ધરાવતી રૂપ રૂપના અંબારસમી લગભગ
સોળેક વર્ષની લાગતી આ મત્સ્ય કન્યા ભગીરથના મનમાં વસી ગઈ. કોઈપણ બહાનું કરીને અહીં વધુ રોકાવું જરૂરી
સમજી એણે પોતે ભૂખ્યા હોવાની અને દંડકારણ્યના રાજાના પુત્ર હોવાની વાત જણાવી. આ
રૂપાળી કન્યાનું નામ મંછા છે એ તો એણે વાતવાતમાં જ જાણી લીધું.
અને
પછીતો રાજકુમારની મહેમાન નવાજીમાં માછી કુટુંબ લાગી ગયું. ભગીરથે જોયું તો
ઝુંપડીની બહાર થોડી સૂકી માછલીઓનો ઢગલો, બળતણ માટે
એકઠાં કરેલ લાકડાં અને માછલીઓ પકડવાની થોડી જાળ સિવાય આ કુટુંબની કોઈ ખાસ મિલકત હતી નહીં.
બહાદુર ભગીરથને શ્વાસનો ‘દમ’ રોગ હતો. દંડકારણ્યની ગરમ અને ભેજવાળી હવામાં આ રોગ વકરતો હતો. પરંતુ અહીં
દરિયાકિનારાની હવામાં એને ઘણું સારું લાગતું હોવાથી એ થોડો સમય અહીં જ રોકાય ગયો.
આ
રોકાણ દરમ્યાન એનું ભ્રમણ તો ચાલુ જ રહ્યું. પહેલાં તો એને અનેક છુટાછવાયા બેટો
ઉપર આછીપાતળી વસ્તી ધરાવતા ગામનું નામ દાંડી હોવાની અને એ પણ પોતાના રાજ્યનો જ એક
હિસ્સો હોવાની જાણ થઈ. ચાર પાંચ વાર હોડીમાં
બેસી દરિયામાં દૂર સુધી માછલીઓ પકડવા જવાનો અનુભવ પણ મળ્યો. દરિયામાં તરતાં શીખી
લીધું. અને સાથે સાથે મંછાના દિલમાં પણ ઘર કર્યું. અને એ પ્રેમ લગ્નમાં પરિણમ્યો.
બંને એ ગાંધર્વ લગ્ન કર્યાં.
ત્રણ
માસમાં જ દમના રોગમાંથી ભગીરથને મુક્તિ મળી. પોતે રોગમુક્ત થયો છે એ ખુશીના સમાચાર
પોતાના માં-બાપને આપવા એ અધીરો બન્યો. જયારે એણે દંડકારણ્ય પરત ફરવાની વાત કરી ત્યારે જ મંછાએ પણ પોતે
ગર્ભવતી હોવાની વાત જણાવી. આમ એક સાથે અનેક ખુશીના સમાચારો આપવા ફાગણ માસમાં જયારે
દરિયામાં મોટી ભરતીઓની શરૂઆત થઇ ત્યારે પતિ-પત્નીએ સજોડે દંડકારણ્યની વાટ પકડી.
દાંડી ગામના લોકો પોતપોતાની હોડીઓ અને મછવાઓમાં બેસી અન્નપૂર્ણા નદીમાં દૂર સુધી જઈ વળાવી આવ્યા.
વખત
જતાં મંછાએ એક પુત્રને જન્મ આપ્યો. નામ રાખ્યું દોલત. પરંતુ મંછા દાંડી ગામની
પુત્રી હોવાથી લોકો દોલતને વહાલથી ‘દાંડી’ નામે બોલાવતા. જોગાનું જોગે ભાર્ગવને સંતાનમાં કોઈ પુત્ર ન હોવાથી ભગીરથ
અને મંછાનો પુત્ર દોલત ઉર્ફે દાંડી દંડકારણ્યનો રાજા બન્યો.
દાંડી
એક સદ્દગુણી રાજા હતો. માતા મંછા પોતે એક મત્સ્યકન્યા હોવા છતાં સદગુણોનો ભંડાર
હતાં. પિતા પરાક્રમી, માતા સદ્દગુણી. આ બંનેના
ગુણોનો ગુણાકાર પુત્ર દાંડીમાં થયો હતો. આ રાજાની ચાર પેઢી થઇ ત્યાં સુધી સમગ્ર
દંડકારણ્યમાં દાંડી ગામ બાબતે જાત જાતની સાચી ખોટી વાતો પ્રસિદ્ધ થઇ. પરંતુ દાંડી
જવાથી શ્વાસના રોગમાંથી મુક્તિ મળે છે એ સત્ય લોકોને જરૂર સમજાયું. દંડકારણ્યના
ગરમ અને ભેજવાળા હવામાન કરતા દાંડીના દરિયા કિનારાનું ખુશનુમા વાતાવરણ આરોગ્યપ્રદ
ગણાયું.
રામાયણના
અરણ્યકાંડમાં શબરીમાતાની વાત આવે છે. પરંતુ એની પહેલાં બનેલો બનાવ વિસારી દેવાયો
છે. શબરી માતાના બોર ખાધાં તે પહેલાં પણ તેઓ વનના ફળો ખાતા હતા. ખાસ કરીને બોર
ખાવાને લીધે લક્ષ્મણને ઉધરસ થઇ. એ ઉધરસ ધીમે ધીમે બેકાબુ બનતી ગઈ. એના શ્વાસ ટૂંકા
થઇ ગયા. સ્થાનિક ઋષિઓએ કેટલાક ઉપાયો બતાવ્યા. એમાં ઉધરસ તો સારી થઇ પરંતુ દમનો રોગ
ઘર કરી ગયો. ત્યારે વૈદૠષિઓએ દંડકારણ્યના હાલના રાજાની ચોથી પેઢીના પરદાદા ભગીરથને
પણ દમનો રોગ હતો. જે દરિયાકિનારે વસેલ દાંડી ગામમાં રહેવાથી સારો થયો હતો એ વાત
ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જણાવી. જો એ ટાપુ પર જવાથી ભાઈ લક્ષ્મણ રોગમુક્ત થતો
હોય તો ત્યાં જવું ખોટું નથી એવું શ્રી રામને પણ લાગ્યું.
ભગવાન
રામે આખી રાત મંથનમાં વિતાવી. દાંડી સુધી પહોંચવનો માર્ગ પણ જાણી લીધો. પરંતુ સો
સવાસો વર્ષ પહેલાં દાંડી જેવું હતું એવું જ હજુ હશે કે કેમ એ જાણવું જરૂરી છે. આ
માટે શ્રી રામે ધ્યાન ધર્યું. પરંતુ
ભગવાનને જે દશ્ય દેખાયું તે દર્દનાક હતું. જે દાંડી ગામની વાતો દંડકારણ્યમાં
પ્રચલિત હતી, જે દાંડી ગામની માતાનું રુધિર
એમના રાજાઓની નસોમાં વહેતુ હતું એ ગામનું અસ્તિત્વ જ રહ્યું ન હતું. એક મહાભયંકર ધરતીકંપ અને ત્સુનામીના તોફાનમાં આ
સમગ્ર વિસ્તાર દરિયામાં ગરકાવ થઇ ગયો હતો. અન્નપૂર્ણા નદીના મુખપ્રદેશ નજીકના
દાંડી ટાપુને બદલે નવી જગ્યાએ નવા બનેલા અનેક ટાપુઓ પૈકી એક ઉપર નવી માનવ ટોળીઓ
વાળું નવું દાંડી અસ્તિત્વ લઇ ચૂક્યું
હતું. મર્યાદાપુરુષોત્તમ શ્રી રામથી આ દર્દ
જોયું ન ગયું, અને એમણે પછીથી ક્યારેક કોઈ
દરિયા કિનારે લક્ષ્મણને લઈને જઈશું એવું વિચારી દાંડી જવાનો કાર્યક્રમ મોકૂફ
રાખ્યો. ભાઈ લક્ષ્મણનો દમનો રોગ છેક રાવણ સાથેના સંગ્રામમાં બેહોશ થયા બાદ
હનુમાનજીની સંજીવની વાળા ઉપચાર બાદ આપોઆપ સારો થયો.
નારદમુનિની
જ્યાં ને ત્યાં અચાનક ટપકી પડવાની વાતો આપણે સાંભળી છે. અહીં પણ નારદમુનિ આવે છે.
ખરેખર તો તેઓ પ્રખર જ્ઞાની છે. કથાકારોએ એમના વ્યક્તિત્વને ખોટી રીતે દર્શાવ્યું છે.
નારદમુનિ ત્રિકાળજ્ઞાની હતા. શ્રીરામ જયારે દાંડી જવા અંગે મંથન કરી રહ્યા હતા
ત્યારે નારદમુનિએ 'ટેલીપથી' ના માધ્યમથી શ્રી રામ જોડે સીધો સંપર્ક કર્યો. નારદમુનિએ કહ્યું કે તમે જે
ટાપુ પર જવાનું આયોજન કરી રહ્યા છો એ ટાપુ અતિ નાનો છે અને નહીંવત વસ્તી ધરાવે છે.
ભવિષ્યમાં આપે અતિ મોટા એક દેશ જેવા ટાપુ ઉપર જઈ ત્યાં ધર્મયુદ્ધ કરવાનું બાકી છે.
જે ટાપુ ઉપર પવિત્રતાનો છાંટો પણ નથી. આથી તમારું ધ્યાન હવે દક્ષિણ દિશામાં
કેન્દ્રિત કરો. સીતાજીની ચામડી ઉપર જે ફોલ્લા થાય છે તે દક્ષિણમાં ઉનાઈ જેવા જ ગરમ
પાણીના વધુ ઝરા આવશે ત્યાં નાહવાથી એમને રાહત મળશે. અને લક્ષ્મણજી નો દમનો રોગ પણ
થોડો શાંત રહેશે. ત્યારબાદ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી પંચવટીમાં રહ્યાં.
એક
દિવસ પંચવટીમાં શ્રી રામ અને સીતામાતા બેઠાં હતાં અને લક્ષ્મણ ખોરાકની શોધમાં
જંગલમાં ગયા હતા ત્યારે સીતામાતાએ અચાનક શ્રી રામને ભાઈના હવાફેર માટે દાંડી કેમ ન
ગયા એવું પૂછ્યું. અચાનક દાંડી વિશેના પ્રશ્નથી શ્રી રામ મૂંઝાઈ ગયા પરંતુ
સત્યવક્તા શ્રી રામે જયારે દાંડીની સાચી પરિસ્થિતિનું વર્ણન કર્યું ત્યારે
સીતામાતાની આંખોમાં અશ્રુ ઉભરાઈ આવ્યાં. વધુમાં શ્રી રામે કહ્યું,
"સીતે, જે ગામમાં જવાની મારી ઈચ્છા હતી
તે ગામ ભલે હવે નથી પરંતુ નવા વસેલા ગામમાં આ અવતારે નહીં તો પછીના અવતારે કોઈક ને
કોઈક રૂપે હું ત્યાં જઈશ. શક્ય હશે તો હું કોઈ મહામાનવના રૂપમાં જઈ આ સ્થળને
પવિત્રતા જરૂર બક્ષીશ.”
સમય
વીતતો ગયો. રામાવતાર પછી કૃષ્ણાવતાર આવ્યો. એક યુગ પૂરો થયો. જુદા જુદા ગ્રંથો
જુદો જુદો સમય બતાવે છે તે મુજબ એક થી પાંચ હજાર વર્ષ નો ગાળો પસાર થયો હશે. જો કે
આધુનિક શંશોધનો બતાવે છે કે આ બે અવતાર વચ્ચે માત્ર
અઢીસો વર્ષનો જ ગાળો હતો. જે હોય તે પરંતુ નવો યુગ આવી ગયો. અનેક આંધી, તોફાન, વાવાઝોડાં, રેલ,
દુષ્કાળ, ધરતીકંપો અને ત્સુનામીઓ જેવી કુદરતી
આફતો આવતી રહી. દાંડીની ભૂગોળ બદલાતી રહી. અનેક ટાપુઓ દરિયામાં ડૂબતા ગયા અને નવા
અસ્તિત્વ પામતા ગયા. જુદી જુદી જાતિઓની માનવ ટોળીઓ આવતી જતી રહી. પરંતુ કોઈ ટોળી
અહીં સ્થિર થઈને વસી નહીં. અનેક તકલીફો
વચ્ચે જીવવાનું હોય ત્યાં કોણ લાબું ટકે ?
જમનાનાં
જળમાંથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા હાંકી કઢાયેલા નાગરાજા દાંડી નજીક આવેલા નવસારીની
નાગતળાવડીમાં વસ્યા હતા. (આ અંગે એક અલગ પ્રકરણ લખાયેલ છે, જે હવે પછી પ્રગટ થશે.) આ નાગની નાગણોએ કૃષ્ણ ભગવાનને મૃત્યુ પહેલાં શાપ
આપ્યો હતો કે; "હે કૃષ્ણ, અમે
તારું કશું બગાડ્યું ન હતું છતાં તારે કારણે અમારે જમનાનો ઝરો છોડાવો પડયો. જે
કષ્ટ અમારે વેઠવું પડયું તેનો બદલો તને જરૂર મળશે. જે દિશામાં અમારો નાગ વિસ્થાપિત
થશે, એક દિવસ એજ દિશામાં તું પણ અમારા નાથ કરતા પણ વધારે દૂર વિસ્થાપિત થઈશ. અને
તારું મૃત્યુ પણ એ તરફ જ થશે".
પોતે
ભગવાન હોવા છતાં શ્રીકૃષ્ણ નાગણોના શાપમાંથી મુક્ત ન રહી શકયા. મહાભારતમાં
ગાંધારીના શાપની વાત આવે છે પરંતુ બાળપણમાં કૃષ્ણ કનૈયાને મળેલા નાગણોના શાપનો
સીધો ઉલ્લેખ મળતો નથી. આ ઐતિહાસિક સંશોધનનો વિષય છે.
જયારે મથુરા અને વૃંદાવન છોડી નવી નગરી
વસાવવા કૃષ્ણ ગુજરાત આવ્યા ત્યારે તેમને મધ્ય ગુજરાતમાં ડાકોરની આજુબાજુ આવ્યા બાદ
ક્યાં જવું એ સૂઝતું ન હતું. તેઓ વિષ્ણુના આઠમા અવતાર હતા. સાતમા અવતારમાં દાંડી ન
જઈ શકવાની બાબતથી માહિતગાર હતા. પરંતુ દાંડી નજીક નવસારીમાં નાગતળાવડી ખાતે જમનાના
ઝરાવાળા નાગને સહકુટુંબ વસતો હોવાની વાત જાણી પાછો કોઈ કલેશ ન થાય, પાછા કોઈ શાપનો ભોગ બનવું ન પડે એવું વિચારી ભગવાન ડાકોરથી દક્ષિણમાં
જવાને બદલે પશ્ચિમમાં ગયા. અને છેક દ્વારિકા બેટ સુધી પહોંચી ગયા. આમ દાંડીની
પસંદગી પહેલા નંબરની હોવા છતાં વધુ સુરક્ષિત દ્વારિકાની પસંદગી કરી. દ્વારિકા
બેટનું નામ વારિકા બેટ (વારિ એટલે પાણી, જૂની ગુર્જર ભાષામાં બેટને વારિકા પણ કહેવાતું) હતું. ભગવાન શ્રીકૃષ્ણે
તેમાં દાંડીનો 'દ' જોડી દ્વારિકા
કર્યું. મહાભારતમાં આ અંગે પણ કોઈ ઉલ્લેખ નથી.
મધ્યમ
માર્ગ એ શ્રીકૃષ્ણની ફિલોસોફી હતી. દાંડી ને બદલે દ્વારિકા જઈ નાગરાજથી દૂર રહી
યુદ્ધ ટાળ્યું, આમ મધ્યમ માર્ગ અપનાવ્યો.
શ્રીકૃષ્ણ નું બીજું નામ મોહન હતું. રામાવતારમાં રામ અને કૃષ્ણાવતારમાં મોહન દાંડી
ન જઈ શકયા. આમ બબ્બે અવતારોમાં ભગવાન વિષ્ણુ દાંડી જવાનું ચુક્યા.
પૌરાણિક
ગ્રંથોમાં દ્વારિકા ડૂબવાની વાતો આવે છે. આધુનિક સંશોધનો દ્વારા અને દરિયામાં
ડૂબકીઓ લગાવીને કૃષ્ણની દ્વારિકા શોધી લેવામાં આવી છે. પરંતુ જે ભયાનક ધરતીકંપ અને
ત્સુનામીમાં દ્વારિકા ડૂબ્યું તેમાં દાંડી પણ ડૂબ્યું. માત્ર દાંડી જ નહિ પણ
પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર અને છેક ગોવા સુધીનો ઘણો વિસ્તાર ડૂબ્યો.
સૌરાષ્ટ્રનો ભાલ નળ કાંઠો અને કચ્છ નો ઘણો ભાગ ઉપર આવી ગયો. કચ્છનું નાનું રણ
ત્યારે બન્યું હોવાની સંભાવના વધુ છે. ત્યારે જ ગંગા, જમના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ
પૈકી સરસ્વતી નદી લુપ્ત થઇ. એના જુના વહેણો હાલની સાબરમતી, હાથમતી, રૂપેણ, બનાસ અને
સરસ્વતી રૂપે જોઈ શકાય છે. આધુનિક સેટેલાઇટ સિસ્ટિમ દ્વારા પણ આ વહેણ ની પુષ્ટિ
મળે છે.
દાંડી
ગામના જુના લોકો દરિયામાં કૂવો હોવાની વાતો કરતા. મારા પિતાજીએ એઓ નાના હતા ત્યારે
અમાસ કે પૂનમ દરમ્યાન ઓટ (લો ટાઇડ) હોય ત્યારે એક કૂવાનું થાળું જોયું હોવાનું મને
જણાવ્યું હતું. વળી એમના દાદા પરદાદા તો એવું જણાવતા હતા કે જૂની નવસારી નગરી પણ
દરિયામાં ગરક થયેલી છે. જે હોય તે પરંતુ જૂનું દાંડી દરિયામાં ડૂબ્યું હતું એ
હકીકત છે. માત્ર પુરાવાઓનો અભાવ છે.
ફરી
વર્ષો અને યુગો વીત્યા. ફરીથી દાંડી ડૂબ્યું. ફરીથી નવા ટાપુઓ બન્યા. પહેલીવાર
ભાઠલા નામે ઓળખાતા અનાવિલ બ્રાહ્મણો દાંડી
આવ્યા. ત્યારે દાંડીના બે ટાપુઓ હતા. જે પૈકી મોટા ટાપુ પર તેમના એકાદ બે કુટુંબો
વસ્યા. થોડી ખેતી થતી હતી. જરૂર જેટલું મીઠું પાણી પણ હતું. આજે ગામમાં કોઈ અનાવિલ
નથી. પરંતુ તેમેણે વસાવેલું દેસાઈ ફળિયું હજુ મોજુદ છે. દેસાઈ લોકોના મૂળ ગામોમાં
આપણા વિસ્તારમાંથી એરૂ અને દાંડી બે ગામો ઓરીજીનલ દેસાઈ લોકોના ગામોની યાદીમાં આવે
છે. ત્યારબાદ જૈન સોની કુટુંબ પણ આવ્યું.
હવે
વાત કરીએ સ.ન. ૧૪૫૮ થી ૧૫૧૧ની. ત્યારે પાવાગઢ ખીચી ચૌહાણ
રાજપૂતોનો ગઢ હતો. આ રાજપૂતોના સૈન્યમાં કોળી સૈનિકો ની સંખ્યા ઘણી વધારે હતી. એ
ઉપરાંત રાઠવા અને અન્ય આદિવાસીઓ પણ ખરા. રાજપૂતો તેમના સરદારો હતા. સુલતાન અબુલ
ફત્હ નસીરુદ્દીન મહેમૂદશાહ જે મહંમદ બેગડા ના નામે જાણીતો હતો તેણે પાવાગઢ ઉપર
હુમલો કર્યો. ભયાનક યુદ્ધ થયું. પરંતુ તેમાં બેગડાનો વિજય થયો. મોટાભાગના રાજપૂત
સરદારો અને રાજા પણ માર્યા ગયા. હવે બેગડો પ્રજાનું ધર્માંતર કરાવશે એ વાત નક્કી
સમજી બચેલા કોળી સૈનિકો સહીત મોટાભાગના કોળી કુટુંબો ત્યાંથી ભાગ્યા. અને નર્મદા
નદી પાર કરી નર્મદાની દક્ષિણે પોતપોતાની રીતે વસી ગયા. કહેવાય છે કે દક્ષિણ
ગુજરાતના મોટાભાગના કોળી લોકો મૂળ પાવાગઢ વિસ્તારના છે. જે લોકો પૂર્વમાં ભાગ્યા
તે છોટાઉદેપુર વિસ્તારના જંગલોમાં હજુ પણ રહે છે ને કોળી અટક સાથે રાઠવા કરતાં
ઊંચા હોવાનું અભિમાન પણ રાખે છે.
જૂનું
મુંબઈ અનેક ટાપુઓ પર વસેલું હતું. ત્યાંના
કોળી લોકો દરિયા કિનારે રહેતા હોવાથી તેમનો વ્યવસાય માછીમારીનો બની ગયો.
ખરેખર માછી અને કોળી અલગ જાતિ છે. પરંતુ મુંબઈ વિસ્તારમાં આવું નથી. ત્યાં લગભગ
કોળીનો મતલબ માછી થાય છે. મહંમદ બેગડાએ આ
ટાપુ પણ કોળી જાતિ પાસેથી પડાવી લીધો. ત્યાંથી પણ ઘણા કોળી લોકો સ્થાળંતર કરી ગયા.
તે પૈકીના કેટલાક દક્ષિણ ગુજરાતમાં આવ્યા. આમ દક્ષિણ ગુજરાતના કોળીઓ બે દિશામાંથી
આવીને વસેલા છે. દાંડીમાં પણ ત્યારથી જ કોળી
કુટુંબોનું આગમન શરુ થયું. હાલનું દાંડી જુદા જુદા આઠ થી દશ કુટુંબોનું બનેલું ગામ
છે.
ઈ.સ.
૧૪૭૯માં સિદ્ધપુરના વતની હાજીયાણી દાઈ
સૈયદના યુસુફ નઝમુદ્દીન સાહેબના માતા નૂરબીબી અને બહેન ફાતિમા મક્કા મદીનાની હજ
પઢીને શઢવાળા વહાણમાં પાછાં ફરતાં હતાં ત્યારે ભયંકર વાવાઝોડામાં વહાણ ફસાયું અને
તમામ લોકો સાથે તેણે જળસમાધિ લીધી. તે પૈકી માત્ર માતા નૂરબીબી અને દીકરી ફાતેમાબીબીના
મૃતદેહો તણાઈને દાંડીના કાંઠે આવ્યા. અહીંના કોળી લોકોએ એમના અંતિમ ‘ભૂ-સંસ્કાર’ દાંડીની ભૂમિમાં
કર્યા. પછીથી અહીં મઝાર બની. ત્યારથી આ મઝારમાં મુસ્લિમ દાઉદી વોહરાના નીતિ નિયમ
મુજબ પૂજા અર્ચના ( નમાજ ,બંદગી વગેરે) થાય છે. દર વર્ષે મહોરમ
માસની બાવીસમી તારીખે અહીં ભવ્ય ઉર્સ યોજાય છે.
દાંડી
ગામમાં હનુમાનજીની એક દેરી હતી, જૈન વાણીયા
લોકોનું કુળદેવીનું મંદિર હતું અને ત્રીજી આ મઝાર થઇ. આમ હિન્દૂ, જૈન અને ઇસ્લામ ધર્મોના સ્થાનકો અહીં થયાં. હાલ જૈન વાણીયા લોકોની
કુળદેવીનું મંદિર ત્યાંથી ખસેડી નવસારી લઇ જવાયું છે.
આ ત્રણ ધર્મો અને મંદિરોની વાત લખવાનું કારણ માત્ર દાંડીની ધરતીની પવિત્રતા
દર્શાવવાનું જ છે. ( આ દેરી અને જૈન કુળદેવી
અંગે પણ અલગ આર્ટિકલ લખાયેલ છે)
હવે
આપણે અર્વાચીન યુગમાં આવીએ. સ.ન. ૧૯૩૦ની દાંડીકૂચને યાદ કરીએ. ગાંધીજીની મૂળ યોજના
આવી કોઈ કૂચ સાબરમતી આશ્રમથી ખેડા જિલ્લા સુધી કરી લોકોમાં જાગૃતિ લાવવાની હતી.
પરંતુ દાંડીના કોઈ વિદ્યાર્થીએ મરોલીમાં મીઠુબેન પીટીટને વાત કરી કે, “જો બાપુએ મીઠું ઉપાડી સત્યાગ્રહ કરવો જ હોય તો
ખેડા સુધી જઈ ટૂંકી કૂચ ને બદલે અમારા ગામ દાંડી સુધી કેમ ન કરવી. વળી અમારા
ગામમાં કુદરતી રીતે મીઠું પાકે છે. એને માટે સ્પેશિયલ ક્યારીઓ બનાવી પકવવામાં
આવતું નથી”. મીઠુબેનને આ વાત ગમી. અને વાયા વિઠ્ઠલભાઈ પછી
વલ્લભભાઈ દ્વારા ગાંધીજી સુધી પહોંચાડાઈ. બાપુએ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના આ
વાત સ્વીકારી લીધી. અને પછીનો ઇતિહાસ તો જગજાહેર છે. દાંડી ખાતે હાલ જયાં ગાંધી
સ્મારક છે ત્યાં વડનું વિશાળ વૃક્ષ હતું. બાપુની સભા આ વડ નીચે થઇ. બાપુએ દાંડીના
એમના વ્યક્તવ્યમાં એક વાત ભાર પૂર્વક જણાવી હતી કે; "દાંડીની
પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની છે". બાપુ
જેટલા દિવસ દાંડી રહ્યા તેટલા દિવસ સવાર સાંજની પ્રાર્થના આ વડલા નીચે જ થતી. સ.ન.
૧૯૬૨માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા હાલના સ્મારકનું ઉદઘાટન થયું.
અને ઓરીજીવલ વડલો સ.ને. ૧૯૭૮-૭૯ માં વાવાઝોડામાં ઉખડી પડયા બાદ એ જ વડની ડાળીમાંથી
ઉછેરેલ વડનો નવો રોપ ત્યારના વડાપ્રધાન મોરારજી દેસાઈને વરદ હસ્તે રોપાયેલ છે.
ઘણા
લોકોનું માનવું એવું છે કે મહાત્મા ગાંધીજી ઈશ્વરીય અવતાર હતા અથવા તેમનામાં
દૈવત્વ હતું. એમનું નામ મહનદાસ અને કૃષ્ણનું નામ પણ મોહન. વળી ગાંધીજીને રામનામ
પ્રિય હતું. એમને હૈયે રામનો વાસ હતો. આમ રામાવતારના રામ અને કૃષ્ણાવતારના કૃષ્ણ
દાંડી જવામાં સફળ નહોતા થયા તે ગાંધી ને નામે એક મહાત્મા અથવા મહામાનવરૂપે દાંડી
પધાર્યા. આમ હજારો વર્ષ પહેલાં પંચવટીમાં ભગવાન રામે સીતાજીને આપેલ વચન
પાળ્યું. મહામાનવના રૂપમાં દાંડી પધારી પવિત્ર ધરતીને ઐતિહાસિકતા બક્ષી.
ઘણા
ધાર્મિક સંતોએ દાંડીની ધરતીમાં પવિત્રતા છે અને એમને અહીં ધ્યાન ધરવામાં ઘણી સરળતા
રહી છે એવું જણાવેલ છે. જે પૈકી ભારતીબાળા અને વિનોબા ભાવેના નામો મને બરાબર યાદ
છે. મને પોતાને આધુનિક બાબાઓ અને ગુરુઓમાં જરા પણ વિશ્વાસ નથી. છતાં મારા જે
મિત્રો બાબાસ્વામીના શિષ્યો છે તેમને તેમના ઘર અને અન્ય આશ્રમ કરતાં દાંડીના
આશ્રમમાં ધ્યાન ધરવામાં ઘણી સરળતા રહે છે એવું એમનું કહેવું છે.
આજના
વર્તમાન દાંડીમાં દારૂ પીવાય છે, માંસાહાર
થાય છે, જુગાર રમાય છે. અને અન્ય દુષણો પણ છે જ છતાં દાંડીની
ધરતીમાં એવું કઈંક છે જે એને બીજાં ગામો કરતાં જુદું પાડે છે અને પવિત્રતા બક્ષે
છે. એટલે જ જેમણે મનુષ્ય અવતારમાં દાંડીમાં
જન્મ લીધો છે તે તમામ ભાગ્યશાળી જીવો છે એમ કહેવું જરાએ અતિશયોક્તિ ભરેલું નથી.
ઉપરાંત પરણીને દાંડી આવેલી વહુઓ પણ નસીબદાર ખરી જ. મિત્રો હવે સમજ્યાને, દાંડીની પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની જ છે તે ?
અને મને પોતાને પણ પંકજકુમાર કે પંકજ પટેલને બદલે ‘પંકજદાંડી’ ના નામે ઓળખાવાનું ગમે છે, કારણ કે દાંડીની પસંદગી.
........
(પંકજદાંડી)
નોંધ : અહીં રામાયણ અને મહાભારતની વાતો કાલ્પનિક છે. જેને પંકજના
ભેજાંની પેદાશ કહી શકાય. બાકીની વાતોમાં હજાણી બીબી, મહંમદ બેગડો અને કોળી લોકોનો ઇતિહાસ, દાંડીકૂચ, દરિયામાં કૂવો વગેરે વાતો સંપૂર્ણ સત્ય
છે.