Tuesday, April 11, 2017

નવસારીનું નામકરણ

નવસારીનું નામકરણ

આપણે નવસારી શહેર અને જિલ્લાના લોકો નવસારી નામ કેવી રીતે થયું એ બાબતે અજ્ઞાન છીએ. બહારથી આવતા ઘણા લોકો આપણને પૂછે છે કે, આ નામ કેવી રીતે પડયું ? આ નામનો અર્થ શું થાય ?  પણ આપણી પાસે તેનો વ્યવસ્થિત ઉત્તર નથી. તો ચાલો એનો ઉત્તર શોધીએ.
ભક્ત કવિ નરસિંહ મહેતાનું ભજન, 'જળ કમળ છાંડી જાણે બાળા...' યાદ છે ને ? બાલકૃષ્ણે કાલીનાગને નાથ્યા પછી એ નાગનું શું થયું ? આ આખી કથાનો ઉત્તરાર્ધ આપણા નવસારી સાથે જોડાયેલો છે.
ભગવાન શ્રીકૃષ્ણ પ્રકૃતિપ્રેમી હતા. નાહકની હત્યા કે અત્યાચાર એમને પસંદ ન હતાં. કાલીનાગને નાથ્યા પછી એને એની બંને રાણીઓ સાથે જમનાનો ઝરો છોડી જવાની ફરજ પાડી હતી. હારેલો નાગ પોતાની બંને રાણીઓ સંગ જમનાનાં સપાટ મેદાનોનો વિસ્તાર છોડી દક્ષિણના ઉચ્ચ પહાડી પ્રદેશો તરફ આગળ વધ્યો. પછી અમરકંટકનો રસ્તો લીધો.
અમરકંટક એનું સાસરું હતું. પરંતુ માર્ગમાં બંને નાગણો નોળીયાઓ સાથેની લડાઈમાં ઘાયલ થઇ. નોળીયાઓને તો ભગાડયા પરંતુ લડાઈમાં થયેલ ઘા રુઝાયા નહીં. બંને નાગણોને મૃત્યુ હવે નજીક દેખાયું. આ બંને નાગરાણીઓ સગી બહેનો હતી અને બંને એકસાથે એકજ નાગને પરણી હતી. તેમના સૌથી નાના કાકાને નવ દીકરીઓ હતી. તેઓ પરણવા લાયક થઇ હતી. પરંતુ એમની કક્ષાનો ઉત્તમ નાગરાજા અમરકંટક વિસ્તારમાં હતો નહિ. આથી આ બંને નાગણોએ મૃત્યુ પહેલાં પોતાના પતિદેવ પાસેથી વચન લીધું કે તેઓ અમરકંટક જઈ એમની નવ પિતરાઈ બહેનો સાથે પુનઃલગ્ન કરે અને પશ્ચિમ તરફ નવો સારો સુરક્ષિત વિસ્તાર શોધી  ત્યાં પોતાનું રાજ સ્થાપે.
વળી મૃત્યુ પહેલાં તેમણે શંકર ભગવાનનું ધ્યાન ધરી, તન અને મનથી સંપૂર્ણ ક્રોધાગ્નિ પ્રગટાવી બાળ કનૈયાને શાપ આપ્યો, "કનૈયા, તું બબ્બે નિર્દોષ નાગણોના મૃત્યુનું કારણ છે. તારે કારણેજ અમે જમનાનો ઝરો છોડયો અને મૃત્યુના મુખમાં ધકેલાયાં. અમારો બબ્બે પત્નીઓનો પતિ નાગરાજ તારે કારણે વિધુર થઇ રહ્યો છે. આથી અમે મરતાં પહેલાં તને શાપ આપીએ છીએ કે જે રીતે અમારો કંથ અમને હવે  ક્યારેય મળી શકવાનો નથી એજ રીતે એકવાર દૂર ગયા પછી તું પણ તારી પ્રિયતમાનું મુખ જોવા પામીશ નહીં. અનેક પત્નીઓ સાથે રહેવા છતાં પણ તને તારી પ્રિયતમાની યાદ સતાવતી રહેશે. ઉપરાંત અમારો નાગ જે દિશામાં વિસ્થાપિત થશે એ જ દિશામાં અમારા નાગથી પણ વધુ દૂર તું વિસ્થાપિત થઈશ. અમે નાગ લોકો પ્રાણીઓને પગમાં કરડીને ઝેરથી મારી છીએ તેમ તારું મૃત્યુ પણ પગમાં ઝેર લાગવાથી જ થશે. બબ્બે પતિવ્રતા નારીઓનો આ શાપ છે."  બસ આટલું બોલી બંને નાગણોએ દેહ છોડી દીધો.
કહેવાય છે કે કોઈપણ પતિવ્રતા નારીનો શાપ કદિ ખાલી જતો નથી. આ બંને નાગણો પતિવ્રતા હોવાને કારણે ખુદ ભગવાનને પણ એમના શાપમાંથી મુક્તિ મળી નહીં.  તેઓ એકવાર વૃંદાવન છોડી ગયા પછી રાધાને ક્યારેય મળી ન શક્યા. આઠ આઠ રાણીઓના પતિ હોવા છતાં તેમનું દિલ રાધામય જ રહ્યું. મથુરાથી પશ્ચિમમાં છેક દ્વારિકા સુધી ભાગવું પડયું. અંતે મૃત્યુ પણ પગમાં ઝેરી તીર વાગવાને કારણે જ થયું. મહાભારતમાં ગાંધારીના શાપની વાત ખુબ ચગી પણ આ નાગણોના શાપનો કોઈ ઉલ્લેખ દેખાતો નથી.
ભૂખ્યા, તરસ્યા અને નાસીપાસ થયેલ નાગરાજા એકલા અમરકંટક પહોંચ્યા. સાસરામાં સમાચાર મળ્યા કે સસરાજી તો એક વરસ અગાઉ મૃત્યુ પામ્યા હતા. કાકાસસરાને પોતાની કથા વ્યથા કહી. બંને પત્નીઓના આગ્રહની વાત પણ કરી. પરંતુ પોતાની નવે નવ કન્યા એકજ હારેલા અને નાઠેલા વિધુરને પરણે એ એક રાજસ્વી પિતા તરીકે તેમને મંજુર ન હતું. પરંતુ આ નવે નવ બહેનો નાગરાજાને જોઈને તેના પ્રેમમાં પડી ગઈ. પિતાજીની નારાજગીનો તેમને ખ્યાલ હતો. આથી તક જોઈને એક રાતે સૌ નર્મદા નદીમાં ઉતરી પશ્ચિમ તરફ ભાગી છૂટયા. બીજી સવારે ગાંધર્વ લગ્ન કરી લીધાં.
દિવસ અને રાત તરતાં તરતાં તેઓ એક બેટ ઉપર આવી પહોંચ્યાં. એ બેટ એટલે આજનો આપણો કબીરવડ બેટ. અને પછી ત્યાંથી દક્ષિણની વાટ પકડી તાપીમૈયાને  કિનારે અશ્વનીકુમાર ખાતે આવી પહોંચ્યા. અહીં તેમણે ફરીથી વિધિસર લગ્ન કર્યા.
તાપીનો કિનારો આમતો સરસ હતો. પોતાનું નવું રાજ્ય સ્થાપી શકાય એવો હતો પરંતુ ત્યાં માછી લોકોની વસ્તી ઘણી હતી. માનવ વસાહતોથી દૂર જ રહેવું છે એવું વિચારી દશ નાગ-નાગણોનો કાફલો સલામત વિસ્તાર શોધતો શોધતો પૂર્ણા નદીના કિનારે પહોંચી ગયો.
નદીથી થોડે દૂર એક તળાવ દેખાયું. તળાવ કુદરતી હતું અને કુદરતે તેમાં મન મૂકીને સુંદરતા બક્ષી હતી. સુંદર વનરાજી અને આંબા, આમલી, સીતાફળ, બોરડી જેવાં ઝાડો સાથે કમળ અને કમળકાકડીના ફૂલો શોભામાં અભિવૃદ્ધિ કરી રહયાં હતાં. ભગવાન શિવનું ધ્યાન ધરીને તેમણે આ જ તળાવને પોતાનું આશીયાનું બનાવ્યું. ખોરાક માટે નાની મોટી જીવાતો, દેડકાં અને માછલીઓની સાથે ઉંદર અને પક્ષીઓ પણ મળ્યાં. અહીં ઉંદરોનું પ્રમાણ ઘણું વધારે હતું. એમના દરમાં જઈને મારી ખાવાનું ખુબ સરળ હતું. અહીંનો માહોલ પણ જમનાના ઝરા જેવો હતો. બાજુના મોટા તળાવનું પાણી દુધિયું હતું. સ્નાન કરવા માટે નાગરાજા સહપરિવાર આ દુધિયા પાણીવાળા  તળાવમાં જતા. નાગરાજની નવે નવ નવી રાણીઓ જુના સંબંધમાં સાળીઓ હતી. આથી જે તળાવમાં તેઓ રહેતા તે નાગતળાવડી’, જેનું પાણી દુધિયું તે દુધિયાતળાવ અને એ આખો વિસ્તાર નવસાળી તરીકે ઓળખાવા લાગ્યો. સ્થાનિક લોકોની દેશી ભાષાને કારણે અપભ્રંશ થઈને નવસાળીનું નવસારી થઇ ગયું.
હવે તેમને સંતાનપ્રાપ્તિની ઝંખના જાગી. અગાઉની બંને રાણીઓને સંતાનો ન હતાં પરંતુ આ નવેનવ રાણીઓને અનેક સંતાનો થયાં. જે પૈકી પ્રથમ સાત સંતાનો પુત્રો હતા. સાતે થોડા તોફાની પરંતુ સાહસિક. એક દિવસ સાતે ભાઈઓ સવારના સૂર્યને નમસ્કાર કરી ઉગતા સૂર્યની દિશામાં નીકળી પડયા. ઘણા દિવસો થયા છતાં પુત્રો પાછા ન ફરતાં સૌને ચિંતા થવા લાગી. રાણીઓએ નાગને સાતે પુત્રોને શોધી લાવવા આજીજી કરી. અને પછી નાગરાજા પોતે એકલા પોતાના સાતે પુત્રોને શોધવા  નીકળી પડયા.
થોડે દૂર એમને એક જગ્યાએ માણસોનું ટોળું દેખાયું. આથી તેઓ સંતાય ગયા. તેમણે સંતાયને જોયું તો જણાયું કે આ માણસોનું ટોળું તો પોતાના જ પુત્રોને મારી રહ્યું છે. હવે નાગના ગુસ્સાનો પાર ન રહ્યો. તેઓ ટોળાંને કરડાવા દોડયા. ફૂંફાડા મારતા મહાકાય નાગને આવતો જોઈ ટોળામાં નાસભાગ થઇ. નાગે જોયું તો પોતાના છ યુવાન પુત્રોના મરણ થઇ ચૂક્યાં હતાં અને સાતમો ગંભીર રીતે ઘાય થઇ ને મરણ પથારીએ હતો. એના જણાવ્યા મુજબ તેઓ કોઈને પણ કરડયા ન હતા છતાં પણ લોકોએ તેમની આ દશા કરી. આટલી વાત કરી સાતમા પુત્રે પણ પ્રાણ ત્યાગી દીધા.
નાગરાજાનો ગુસ્સો હવે સાતમા આસમાને ગયો. આપણે જાણીએ છીએ કે ક્રોધનું પરિણામ ખરાબ જ આવે. અહીં પણ આવું જ બન્યું. નાગ લોકોને કરડાવા દોડે અને લોકો ભાગે. ભાગતા લોકો એને મારવાનો પ્રયત્ન પણ કરે. આ સમયે એક ઢીમર (માછી) એ જે ધરામાં નાગ સંતાયો હતો તેમાં પોતાની જાળ નાખીને  ફસાવ્યો. જરા વારમાં તો લોકોએ એનું કાસળ કાઢી નાખ્યું. આમ બધા નાગો મૃત્યુ પામ્યા. 
વખત જતાં જે ધરામાં નાગ પકડાયો તે ધરો 'નાગધરો' કહેવાયો. અને અહીંનું ગામ 'નાગધરા' તરીકે જાણીતું થયું. જયાં સાત નાગપુત્રો મરાયા તે 'સાતેમ' અને જે ગામના લોકોની ટોળીએ તેમને માર્યા તે ગામ 'ટોળી' તરીકે ઓળખાયાં. સરકારી દફતરે આ નામો હજુ પણ હયાત છે.
નાગતળાવડીમાં બાકી બચેલા નાગોની પેઢી વધવા લાગી. વસ્તી વધતાં તેમને એ વિસ્તાર નાનો પડતાં તેઓ અન્યત્ર વસવાટ કરવા બહાર નીકળ્યા. તેમને બહાર શિકાર માટે ખુબ ઉંદરો મળવા મંડયા. તેમની વસ્તી કૂદકે ને ભૂસકે વધવા લાગી. બીજી બાજુ ઉંદરોનું જૈવિક નિયંત્રણ થતાં ખેડૂતો પણ ખુશ થયા. નાગોના ઝેરનો ડર હોવા છતાં સાવધાની વર્તવાથી ખેતીમાં ઉંદરોથી થતું નુકશાન ઘટ્યું. સાપને ગુજરાતી ભાષામાં 'એરુ' પણ કહે છે. આથી જયાં ખુબ સાપ હતા એ વિસ્તાર 'એરુ' તરીકે જાણીતો બન્યો. ત્યાં આજે એરુગામ વસેલું છે. ત્યાં અનાવિલોની વસ્તી છે. આમતો અનાવિલો ભગવાન રામના ભક્તો ગણાય પરંતુ વિષ્ણુના આઠમા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તડીપાર કરાયેલા નાગને તેઓ આજે પણ મારતા નથી.
કૃષ્ણ ભગવાન જયારે નવી વસાહતની શોધમાં ગુજરાત આવ્યા ત્યારે તેમને રામાવતારમાં દાંડી ન જઈ શકવાની વાત યાદ આવી. તેમના મનમાં દાંડીના બેટ ઉપર એક સુંદર નગરીનું આયોજનનો વિચાર આવ્યો. પરંતુ મધ્યમમાર્ગ અપનાવતા શ્રી કૃષ્ણને નવસારીની નાગતળાવડીમાં રહેતા નાગો સાથે પાછો કોઈ વિવાદ થાય અને પાછા શાપનો ભોગ બનવું પડે એના કરતાં એમનાથી દૂર જ રહેવું સારું એવું વિચારી સૌરાષ્ટ્રમાં થઈને છેક દ્વારિકા સુધી જવું વધુ યોગ્ય લાગ્યું. દ્વારિકા બેટને લોકો વારીકાબેટ નામે ઓળખાતા. ભગવાન કૃષ્ણે એમાં દાંડીનો જોડી દ્વારિકા કર્યું. પછી મનોમન ખુશ થયા, કારણેકે તેમાં દાંડીના '' ઉપરાંત વાસુદેવનો '' અને રાધા તથા રુકિમણીનો '' અને કાલિંદીનો '' પણ આવતા હતા.
તો આમ થયાં આપણા નવસારી અને અન્ય ગામોનાં નામકરણ. 
(પંકજદાંડી)

નોંધ : આ એક વાર્તા છે. કોઈ ઐતિહાસિક દસ્તાવેજ કે પુરાવો નથી.

No comments:

Post a Comment