Thursday, March 23, 2017

વાલિયા હનુમાન

 
પાંડવોના ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન તેઓ ગુજરાત પણ આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તેમના આવ્યા હોવાના પુરાવા પણ છે. પરંતુ તેઓની  દક્ષિણ ગુજરાતની મુલાકાતના ખાસ સંદર્ભો મળતા નથી.
એક વાત મુજબ વનવાસ દરમ્યાન પાંડવો નવસારી નજીક આવ્યા અને નાગતળાવડીને કિનારે રોકાયા. નવસારી ખાતે હતા ત્યારે જ એકાદશી આવી. એકાદશી ભીમને ક્યારેય ગમતી નહિ. કારણકે એ દિવસે એકટાણું કરવું પડતું. ઉપવાસ રાખી ભીમે હનુમાનજીનું ધ્યાન ધર્યું. પરંતુ ભૂખને કારણે ધ્યાન ધરી ન શકાયું.
પછી એકલો એ પુર્ણાને કિનારે ચાલતો છેક પૂર્ણાના મુખ સુધી પહોંચી ગયો. ત્યાં એને ખુબ તરસ લાગી. પરંતુ નસીબજોગે એક ડોશીમા દરિયાકિનારે બનાવેલા પોતાના ખેતરમાં કામ કરતાં હતાં તેમની પાસેથી પીવાનું પાણી મળી ગયું. ડોશીમાએ ખેતરમાં ઉગેલી પાપડી બાફીને ભીમને ખવડાવી. ઉપવાસી ભીમનું એકટાણું થઇ ગયું. એણે ધરાઈને ખાધું.
ભીમ પાસે ડોશીમાને આપવા કશું જ ન હતું. આથી એણે દરિયાકિનારે પડેલ પથ્થર લઇ થોડો આમતેમ ઘસી તેને માનવના મુખ જેવી આકૃતિ આપવાનો પ્રયત્ન કર્યો. વ્યવસ્થિત આકૃતિ ન બનતાં તેણે આંખોની જગ્યાએ પાપડીના દાણા, જેને આપણે 'વાલ' કહીએ છીએ તે ચોંટાડી દીધા. પછી તેમાં હનુમાનજીને આમંત્ર્યા. પોતાના લઘુબંધુના આમંત્રણ ને માન આપી તરત હનુમાનજીએ એ પથ્થરની પ્રતિમામાં પોતાના પ્રાણ પૂર્યા. પછી ભીમે ડોશીમાના ખેતરના એક ખૂણે આ પ્રતિમા રાખી દીધી. કહ્યું, "આ વાલેશ્વર હનુમાન છે." પરંતુ ડોશીમા 'વાલેશ્વર' શબ્દ બરાબર બોલી ન શક્યાં. આથી એમણે એને 'વાલિયા હનુમાન' કહ્યા. 
વર્ષો સુધી એ ડોશીમાનું કુટુંબ અને અન્ય ગ્રામજનો આવતાં જતાં અને વાર તહેવારે 'વાલિયા હનુમાન' ની પૂજા કરતા રહ્યા. પરંતુ એની નિયમિત પૂજા થતી નહિ. કોઈ મંદિર પણ બનાવ્યું ન હતું. અહીં વસતા માછીમારો રામના ભક્તો હતા. એમણે હનુમાનજીના આ પથ્થરને ત્યાંથી લઇ દરિયા કિનારાથી લગભગ બે કિલોમીટર દૂર એક ખાડીના કિનારે આવેલા ટેકરા પર સ્થાપ્યો.  આ ખાડીમાં તેઓ માછલી પકડવાની જાળ બંધાતા હતા. સેંકડો વર્ષ એ ત્યાં રહ્યો. કોઈએ પૂજા કરી કોઈએ ન કરી. આમ કરતાં કરતાં લોકો એને ભૂલી ગયા.
ચાર પાંચ હજાર વર્ષ દરમ્યાન દરિયા કિનારે અનેક ઉથલ પાથલ થઇ. કેટલાય ટાપુઓ દરિયામાં ગરક થયા અને નવા બન્યા. ક્યારેક માનવ વસાહત થઇ અને વિખેરાઈ. પરંતુ ખાડીને કિનારે એક ટેકરા ઉપર પડેલા આ વાલિયા હનુમાનની મૂર્તિ અકબંધ રહી.
પછી ધીમે ધીમે અન્ય ટાપુઓ ઉપર માનવ વસાહતો આવતી ગઈ. જે ખાડીને કિનારે આ મૂર્તિ પડી હતી તે ખાડીમાં માછી લોકો માછલીઓ પકડવા માટે 'ગોલવું' નામની જાળ બંધાતા હતા. અને આ 'ગોલવા' જયાં સુકવતા એ 'ગોલવાડો' કહેવાયો. પછી માછીઓ ગયા અને કોળી લોકો આવ્યા પરંતુ કોળીઓ પણ માછલી પકડાતા. તેઓ પણ આજ જગ્યાએ 'ગોલવા' સુકવતા.
આ કોળીઓ પૈકી એક વ્યક્તિએ હનુમાનજીની આ મૂર્તિ ઉઠાવી પોતાના ખેતરને છેડે રાખી. પછી ત્યાં દેરી બનાવી. હવે આ દેરી અને મૂર્તિ વ્યક્તિગત માલિકીના બન્યા. છતાં શ્રદ્ધાથી લોકો ત્યાં જતા. ઘણી વાર ત્યાં સમૂહ ભોજન થતું જેમાં  બાફેલા વાલ, જુવારના રોટલા, છાશ અને ડુંગળી (કાંદો) રહેતાં.
અહીં વાલ- પાપડી ના ખેતરો હતાં. મોટાભાગના ખેડૂતો પાસે વાલના ખેતરો હતાં. બાફેલ વાલ અને શણગાવેલા વાલ (સીપદાળ) તથા મગ, મઠ, અડદ, ચોળી, ગુવારશિંગ વગેરે અહીંના લોકોનો 'વેજિટેરિયન' ખોરાક. પરંતુ તાજી અને સૂકી માછલીઓ જ  'મેઈન ડાયેટ' ગણી શકાય.
હવે પ્રશ્ન એ થાય છે કે જે ટાપુઓ અને ગોલવાડાની વાત અહીં આવે છે તે જ આપણું આજનું દાંડી નથી શું ? જો એ જ હોય તો ત્યાં જે હનુમાનજીની મૂર્તિ છે એ જ વાલિયા હનુમાન છે ?
હાલ રાધાકૃષ્ણ મંદિર, દાંડી ભવ્ય કળામય મંદિર છે. એનું એક 'ટ્રસ્ટ' દ્વારા વ્યવસ્થિત આયોજન થાય છે. ત્યાં  હવે હનુમાનજી સાથે શિવલિંગ, રાધાકૃષ ઉપરાંત અન્ય દેવી, દેવતાઓ અને ભક્તોની મૂર્તિઓ પણ છે. જો આ જ મૂર્તિ ઓરીજીનલ વાલિયા હનુમાનની મૂર્તિ હોય તો તે દાંડીને ઐતિહાસિકતા અને ધાર્મિકતા બક્ષે છે. કારણકે લગભગ ચાર હજાર વર્ષ પહેલાં  તેને ભીમ દ્વારા બનાવવામાં આવેલ છે. હનુમાનજી ખુદ તેમાં પ્રિતિષ્ઠિત છે.
આપણે વૈજ્ઞાનિક રીતે પણ એ તપાસવું જોઈએ. આ માટે કોઈ સારી લેબોરેટરીમાં તેનો 'કાર્બન ટેસ્ટ' કરી શકાય. પરંતુ તે માટે મૂર્તિનો થોડો ભાગ તોડીને સેમ્પલ લેવો પડે. આ સેમ્પલને લેબમાં મોકલી ટેસ્ટ કરી શકાય. જેથી પથ્થરની ઉમર જાણી શકાય. પરંતુ સેમ્પલ લેવાથી મૂર્તિ ખંડિત થાય. અને ખંડિત મૂર્તિની પૂજા થઇ શકે નહિ. ઉપરાંત આપણે કોઈ મૂર્તિનું પાણીમાં વિસર્જન કરીએ છીએ ખરા પણ ખંડિત કરતા નથી. આથી હાલ જેમ છે એમ જ રહેવા દઈએ તો શું ખોટું ?
જય શ્રી વાલિયા હનુમાન.
(પંકજદાંડી)
નોંધ : આ એક વાર્તા છે. એને કોઈ ઐતિહાસિક, પૌરાણિક કે ધાર્મિક સમર્થન નથી.



No comments:

Post a Comment