Wednesday, March 15, 2017

JALPARI AND VIJPARI


જલપરી અને વીજપરી

લગભગ હજાર વર્ષ કરતાં પણ જૂની વાત છે. ત્યારે સુરત એક બંદરીય શહેર હતું. વિશ્વના ચોર્યાસી બંદરોના વાવટા અહીં લહેરાતા.

શહેરમાં ગંગાધર નામે એક મોટા શેઠ રહે. એમના પત્નીનું નામ અરૂંધતી. શહેર આખામાં એમની ઊંચી શાખ. ખુબ ધનવાન, પણ શેર માટીની ખોટ. મિત્રો, સબંધીઓ અને ખુદ પત્ની અરુંધતીના આગ્રહથી શેઠે બીજાં લગ્ન કર્યાં, અને તે પણ પત્ની અરૂંધતીની જ સાવકી નાની બહેન યશોધરા સાથે. છતાં પણ સંતાનસુખ પ્રાપ્ત ન થયું.

અનેક વૈદો પાસે સારવાર લેવા છતાં અને અનેક બાધા, માનતા અને જાત્રાઓ કરવા છતાં શેઠને સંતાનસુખ નથી એ વિષય 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો. છતાં બંને પત્નીઓ હિમ્મત હારી નહીં. વૈદોના ઉપચાર કે ભગવાનની કૃપા જે કહો તે પણ એક ચમત્કાર થયો. બંને પત્નીઓ એકસાથે સગર્ભા બની.

જયારે અષાઢ મહિનામાં સમગ્ર ભારતવર્ષમાં ચોમાસું એની ચરમસીમાએ હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ થયો. નર્મદા, તાપી, પૂર્ણા, ઔરંગા સહીત તમામ નદીઓમાં ભયંકર પૂર આવ્યું.  ત્યારે આ બંને સ્ત્રીઓએ એક એક બાળકીને જન્મ આપ્યો.

અરુન્ધાતીની પુત્રીનું નામ જલપરી અને યશોધરાની પુત્રીનું નામ વીજપરી રાખવામાં આવ્યું. કારણકે મુશળધાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે તેમનો જન્મ થયો હતો.

બંને દીકરીઓના ઉછેરમાં શેઠે કોઈ કચાશ ન રાખી. ચીનથી આવતા રેશમના વસ્ત્રો પહેરીને તથા ભૂમધ્યના ખજૂર, કાજુ, બદામ અને પિસ્તા ખાઈને બંને બહેનો દિવસે ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધે. આમ કરતાં કરતાં તેઓ પરણવા લાયક થઇ ગઈ. શેઠની ઉમર પંચોતેર પાર કરી ગઈ. અરૂંધતી અને યશોધરાના વાળ પણ સફેદ થઇ ગયા.

સુરતમાં એક બીજા મોટા શેઠ પણ હતા. તેમનું નામ દ્વારકાદાસ. આ દ્વારકાદાસના બે જોડિયા પુત્રો, પુરુષોત્તમદાસ અને નરોત્તમદાસ.

ગંગાધર ગુજરાતી અને દ્વારકાદાસ મૂળ બંગાળી. બંનેનો વ્યવસાય જુદો. પરંતુ બંને વચ્ચે મૈત્રી. આ બંને કુટુંબોમાં પરસ્પર આવાન-જાવનને કારણે યુવાનીમાં પ્રવેશેલ પુરુષોત્તમદાસ અને જલપરી ક્યારે પ્રેમમાં પડી ગયાં તેની કોઈને ખબર ન પડી.  જયારે લગ્ન માટે ગંગાધર શેઠે મુરતિયાઓ શોધવાનું શરુ કર્યું ત્યારે પુરુષોત્તમદાસે હિમ્મત કરીને પોતાના પ્રણયની વાત ઘરમાં કરી. આ પ્રણય સબંધનો બંને કુટુંબોમાંથી વિરોધ ન થયો. અને પ્રણય લગ્નમાં પરિણમે એ માટેના ચક્રો ગતિમાન થયાં.

આ બંનેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી ત્યારેજ બીજી લવસ્ટોરી સામે આવી. નરોત્તમદાસ અને વીજપરી પણ એકમેકને દિલ આપી ચૂક્યાં હતાં. આ લવસ્ટોરીનો અંત કદાચ જુદો જ હોત જો વીજપરીએ હિમ્મત કરીને તેમના પ્રેમસંબંધની જાણ પોતાની માતા યશોધરાને ન કરી હોત. કારણકે નરોત્તમદાસ મહેનતી અને ખંતીલા ખરા પરંતુ તેમનો શરમાળ સ્વભાવ આવી બાબતની ચર્ચા કે જાહેરાત નાપસંદ કરતો હતો.

એકસાથે બંને ભાઈઓની જાન આવી. ધામધૂમથી લગ્ન લેવાયાં. ત્યારની પ્રથા મુજબ  કન્યાઓના પિતાએ પુત્રીઓને વળાવતી વેળા પૂર્ણ નદીના કિનારે આવેલી પોતાની તમામ જમીન બંને દીકરીઓને દહેજમાં આપી. એટલું જ નહીં પોતાનો તમામ કારોબાર પણ જમાઇઓને આપી પોતે સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકારી લીધી. આમ પણ પોતે પંચોતેર વર્ષની ઉમર વટાવી ચુક્યા હતા.

માત્ર પાંચ વર્ષના ગાળામાં પુરુષોત્તમદાસ અને નરોત્તમદાસને ઘરે ત્રણ ત્રણ વાર પારણા બંધાયાં. બંનેને ઘરે બે બે પુત્રો અને એક એક પુત્રીઓએ જન્મ લીધો. એક બાજુ આ છ બાળકો મોટા થવા લાગ્યાં અને બીજી બાજુ શેઠ શેઠાણીઓએ દુનિયાથી  વિદાય લઇ લીધી.

આ ચારે પુત્રોના લગ્ન થયાં પરંતુ વહુઓ અને સાસુઓ વચ્ચેના અણબનાવે કુટુંબને વિખેરી નાખ્યું. પહેલાં પુરુષોત્તમદાસ અને પછી નરોત્તમદાસ પણ ટૂંકી માંદગી બાદ આવસાન પામ્યા. માત્ર પચાસ વર્ષની આસપાસની ઉમર ધરાવતી જલપરી અને વીજપરી પોતાની દીકરીઓ અને જમાઇઓને લઈને પૂર્ણા નદીના કિનારે પિતાજીએ કરિયાવરમાં આપેલ જમીનમાં આંબાવાડીમાં નાના ઘરો બનાવી રહેવા લાગ્યાં. બંને જમાઈઓ ખુબ મહેનતુ અને ખંતીલા હતા. તેમણે સરસ ખેતી શરુ કરી. બંને જમાઈઓ જમીનદાર બન્યા.

એમના ખેતરોની ફરતે મજૂરોની વસ્તી ઉભી થવા લાગી. ધીમે ધીમે ત્યાં ગામ વસાવા માંડયું. તેમના વારસદારો પોતાને 'લાલા' કહેવડાવતા. જલપરીના વરાસદારોનું ગામ તે જલ-લાલપુર અને વીજપરીના વરાસદારોનું ગામ વીજ-લાલપુ  કહેવાયાં. કાળક્રમે દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાએ પોતાનું પોત પ્રકાશ્યું, અનેજલ-લાલપુર નું જલાલપુર તથા વીજ-લાલપુર નું વિજલપુર થયું.

અંગ્રેજોની ગુલામી વેળા જલાલપુર નું જલાલપોર અને વિજલપુરનું વિજલપોર થયું. એ ગાળા દરમ્યાન જ સામાપુરનું પણ સામાપોર થયેલું. પછી તો જલાલપોર તાલુકો બન્યો. હાલ આ બન્ને ગામો નવસારી શહેરમાં સમાવિષ્ઠ છે.

આ છે જલાલપુર અને વિજલપુરની કહાણી.

(પંકજદાંડી)

નોંધ : આ એક વાર્તા છે. તેનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી.    

No comments:

Post a Comment