Wednesday, October 21, 2015

હટકે ગરબા

હટકે  ગરબા
(1)
(ઢાળ- ખમ્મા મારા નંદજીના લાલ )

ખમ્મા મારી સાસુજીના લાલ,
 ટાવર નથી પકડાતો..
હું રે સુતીતી મારા શયનભવનમાં,
સંભાળ્યો નો'તો રીંગ નો ટોન, 
ટાવર નથી પકડાતો..
ભર રે નીંદર માંથી ઝબકીને જાગી,
ગઈ'તી ભૂલી આજે રીચાર્જ,
 ટાવર નથી પકડાતો..
સ્કુટી  પર બેસી હું તો શોપિંગ કરવા ચાલી,
જાણ્યા મેં તો દિયરજીના દાવ,
ટાવર નથી પકડાતો..
ટીવી  કરીને ઓન સીરીયલ જોવા બેઠી,
દીઠા મેં તો સાસુ વહુના ખેલ, 
ટાવર નથી પકડાતો..
(પંકજદાંડી)

  

(2)
(ઢાળ- માડી તારા મંદિરીયે ઘંટારવ બાજે)

માડી તારા ભક્તો હવે મોબાઈલ રાખે,
મોંઘા મોંઘા આઈફોન તેઓ હાથમાં રમાડે.
જય અંબે....... બોલો અંબે
જગદંબે.......... બોલો અંબે
ફૂલ ફટાક ડ્રેસ અને  ચણીયા ચોળી, સાડી
લાંબા ટૂંકા સ્કર્ટ  વળી  જીન્સ, ટોપ, ટી શર્ટ,
મેક અપ વાળા મુખડાં સાથે લાલ ચટાક લીપસ્ટીક,
કાર માંથી ઉતરે કન્યા ગરબા રમવા માટે.
જય અંબે....... બોલો અંબે
જગદંબે......... બોલો અંબે
(પંકજદાંડી)


(3)
(ઢાળ- જીવણ જોવા હાલી મારી ઓછી ઉમરમાં )

બોયફ્રેન્ડ બનાવી લીધો રે ..
બોયફ્રેન્ડ બનાવી લીધો મારી ઓછી ઉમરમાં
ઓછી ઉમરમાં ..(૨)  
બોયફ્રેન્ડ બનાવી લીધો....
કાર બેસી જાઉં રે, બાઈક બેસી જાઉં  ...
મારી ઓછીરે ઉમરમાં
ફિલમ જોવા જાઉં રે, પાર્ટી એટેન્ડ કરું ... 
મારી ઓછીરે ઉમરમાં
બોયફ્રેન્ડ બનાવી લીધો રે..........
પ્રપોઝ  કર્યું એણે મારી ઓછી ઉમરમાં ..
ઝટ પાર્લર ગઈ ને, પટ્ટ રેડી થઇ રે ....
હેન્ડ બેગ લીધી ‘પ્રાડા’ ને, 
મમ્મીને કરી ટાટા ને
સેલ્ફી લીધા ફોટા મારી ઓછી ઉમરમાં ....
(પંકજદાંડી)

(4)
(ઢાળ- એક વણઝારી ઝૂલણ ઝૂલતી તી )

એક કોલેજ કન્યા હાલતી  તી, 
એ તો કોકને મેસેજ મોકલતી તી.
એણે પહેલે તે નાકે પગ વાળ્યો, 
એના પગમાં સેન્ડલ લાલ મારી બેન.
એક કોલેજ કન્યા હાલતી  તી,
એણે બીજે  તે નાકે પગ વાળ્યો,
એનું ઘુટણ સમાણું સ્કર્ટ મારી બેન,
એક કોલેજ કન્યા હાલતી  તી,
એણે  ત્રીજે તે નાકે પગ વાળ્યો, 
એના સ્કર્ટ નો પટ્ટો લાલ મારી બેન
એક કોલેજ કન્યા હાલતી  તી
 એણે ચોથે તે નાકે પગ વાળ્યો,
એનું નાઈકી નું ટી શર્ટ મારી બેન,
એક કોલેજ કન્યા હાલતી  તી,
એણે પાંચમે તે નાકે પગ વળ્યો, 
એનો આઈ ફોન મોંઘો દાટ મારી બેન
એક કોલેજ કન્યા હાલતી  તી,
(પંકજદાંડી)
  
(5)
(ઢાળ- એક લાલ દરવાજે તંબુ...)

એક શોપિંગ સેન્ટર માં ટેન્ટ તાણીયા  રે લોલ
 મોન્ટ્રીઅલ છે નગરી, એને ફરતે નદીએ સંઘરી   
મેકડોનાલ્ડ ની મઢી,
ગુજરાતી જોવા હાલી.
ઓ બેન તમે ના જશો જોવાને ત્યાં ફ્રેંચડો બડો મિજાજી. એક શો...
મેટ્રો રેલ ગાડી,
ગુજરાતી જોવા હાલી
સેન્ટ લોરેન્ટનું પાણી,
ગુજરાતી જોવા હાલી
ઓ બેન તમે ના જશો જોવાને ત્યાં ફ્રેંચડો બડો મિજાજી .એક શો..
રામજી મંદિર માહીં,
બીરાજે અંબા માડી,
માડીને મંદિરીયે, 
ગુજરાતી જોવા હાલી,
બેન તમે જરૂર જજો જોવાને, તમારું મન થશે ઘણું રાજી . એક શો..
(પંકજદાંડી)


(6)
(ઢાળ- બહુચરમાના દેરા પાછળ કૂકડે કૂક બોલે )

મેક ડોનાલ્ડ ના મકાન પાછળ ઈંગ્લીશ ફ્રેંચ બોલે
છોકરા તારી બોલી મને મીઠી મીઠી લાગે.
હિન્દી સોંગ ની ધૂન પર મસ્ત બનીને ઝૂલે
છોકરા તારી બોલી મને બહુ મીઠી લાગે.
મોન્ટ્રીઅલના  રસ્તા વચ્ચે તિરંગો લઈને ચાલે,
છોકરા તારી છટા મને મર્દ જેવી લાગે
પરેડ ઇન્ડિયા વેળા, તું  મસ્ત મસ્ત નાચે
છોકરા તારી મસ્તી મને બહુ વ્હાલી લાગે.
(પંકજદાંડી)

(7)
(ઢાળ- મારી મટકી ફોડી રે ઓલા..)

મને મિસકોલ કર્યો રે ઓલ નંદલાલે
ગઈ તી સાગર ડેરી મહીં, 
લેવા માખણ અને દહીં
મને પકડી લીધી ભઈ,
મને પકડી લીધી ભઈ ઓલા નંદલાલે ,
 મને મિસકોલ ......
ગઈ તી કોલેજ ભણવા શહેર, 
કરવા કોલેજમાં લહેર
મને ટપલી મારી જાહેર,
મને ટપલી મારી જાહેર, ઓલા નંદલાલે ,
 મને મિસકોલ ......
ગઈ તી શોપિંગ લઈને કાર,લેવા મોતીઓનો હાર,
મને દીધો ચોકોબાર,
મને દીધો ચોકોબાર ઓલા નંદલાલે , 
મને મિસકોલ ......

(પંકજદાંડી)

 (8)
(ઢાળ - મેંદી તે વાવી માળવે )

મેસેજ તે મોકલ્યો મોન્ટ્રીઅલ ને એનો રંગ ગયો ટોરોન્ટો રે
મેસેજ રંગ લાવ્યો.
નાનો મોબાઈલ ફાંકડો ને એના ફીચર ઘણા અપાર રે
મેસેજ રંગ લાવ્યો.
ફેસ તે બૂક માં ફ્રેન્ડ શોધીને મોકલ્યા મેસેજ દેશ પાર રે
મેસેજ રંગ લાવ્યો
મેસેજ મોકલીને મેં તો કરી કમાલ,  પછી થઇ ઘણી ધમાલ રે
મેસેજ રંગ લાવ્યો.

(પંકજદાંડી)

 (9)
( ઢાળ - વા વાયા ને વાદળ ઉમટ્યા)

સમર ગયા ને વિન્ટર પધાર્યા
મોન્ટ્રીઅલથી ભાગ્યા લોક, 
મળવા આવોને શુરવીર શામળિયા
તમે મળવા ન આવો શા માટે ?(૨)
ન આવો તો ઓપ્શન અનેક, 
મળવા આવોને શુરવીર શામળિયા
તમે ક્રિકેટ કાયમ રમંતા  (૨)
અમે સચિનના છીએ ફેન, 
મળવા આવોને શુરવીર શામળિયા
તમે નવરાતમાં ગરબા રમંતા (૨)
અમે ફાલ્ગુનીના ફેન, 
મળવા આવોને શુરવીર શામળિયા

(પંકજદાંડી)

 (10)
(ઢાળ- વાદલડી વરસી રે )

સ્નો ફોલ થયા રે, 
બુલડોઝર ફરી વળ્યા,
મોન્ટ્રીઅલ માં મ્હાલવું રે, 
નવસારીથી નવા આવ્યા
મારા પગ કેરા બૂટડા રે , 
બ્રધર મારો લેવા હાલ્યો
 બ્રધર લઈને વ્હેલો (2)  આવજે રે, 
સાસરિયા મારા ઘેરે બેઠા
મારા હાથ કેરા ગ્લવ્ઝ રે બ્રધર મારો...
મારો વિન્ટર કેરો કોટ રે બ્રધર મારો...
પરણ્યાને ક્વેશ્ચન કર્યો રે આવું કેમ કરો છો ?
પરણ્યાએ એન્સરદીધો રે સ્પોન્સર માં ખર્ચ્યા ઘણા'તા
હવે તું જાણે ને તારી માં, બુલડોઝર ફરી વળ્યા.
સ્નો ફોલ થયા રે, બુલડોઝર ફરી વળ્યા,
(પંકજદાંડી)

 (11)

મોબાઇલ મુંબઈ શે' થી આવ્યો રે
મારા ડીયરે  ભેટમાં અપાવ્યો રે
મારો મોંઘો ડાયમંડ મોબાઇલ
એની ઉપર ચમકે ચાંદલિયા
એને કાયમ નેટવર્ક મળિયા,  
એની અંદર બેઠા ગુગલીયા
મારો મોંઘો ડાયમંડ મોબાઇલ
એના ફ્રેન્ડસે માંગ્યો મોબાઈલ
એની કલીગ્સે માંગ્યો મોબાઈલ
તોએ મને આપ્યો મોબાઈલ
મારો મોંઘો ડાયમંડ મોબાઇલ
મોબાઈલ લઇ હું નવસારી ગઈ
ત્યાં આવી એને ખોઈ
અને પછી ઘણું ઘણું રોઈ
મારો મોંઘો ડાયમંડ મોબાઇલ.
(પંકજદાંડી )


No comments:

Post a Comment