આમતો તુલસી કેનેડાની વનસ્પતિ નથી. ભારત જેવા
ઉષ્ણ વાતાવરણ ધરાવતા દેશોમાં ઉગે છે. અહીનું ઠંડુ હવામાન તેને માફક ન આવે.
આથી ફરજીયાત પણે કુંડામાં રોપી શિયાળા દરમ્યાન ઘરમાં સાચવવી પડે છે. મોટાભાગના
હિંદુ ઘરોમાં તુલસીનો છોડ અવશ્ય જોવા મળે. ઘણીવાર આપણા રામજી મંદિરના પ્રવેશ
દ્વારે નાના નાના પ્લાસ્ટિક કે થર્મોકોલના પ્યાલામાં તુલસીના છોડ મુકેલા
જોયા છે, જેને જરૂર લાગે તે લઇ જાય. ભારતમાં તેને ઘરના આંગણામાં વાવવાની પ્રથા હજારો
વર્ષ જૂની છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને કારણે ઘરમાં
નકારાત્મકતા આવતી નથી. એનું મુખ્ય કારણ આરોગ્ય અને પર્યાવરણની જાળવણી માં એનું
મહત્વ છે. આયુર્વેદમાં એને સંજીવની બુટ્ટી ગણવામાં આવી છે. તુલસીમાં એવા ઘણા ગુણો છે જે
મોટી-મોટી બિમારીઓને પણ દૂર કરે છે. તુલસીના પાનના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક
ક્ષમતા વધે છે. તુલસીનો
છોડ ઘરમાં રાખવાથી તેની સુંગધ ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે સાથે હવામાં રહેલા
બેકટેરીયાનો પણ નાશ કરે છે.
આમ ઘરનુ વાતાવરણ પવિત્ર અને નીરોગી રહે છે.
જેની તુલના ન થઇ શકે તે તુલસી. જોકે તેને ઘણા નામો છે પરંતુ તે નામો
સાહિત્યિક કે વૈદકીય ભાષાઓ પૂરતાં સીમિત રહ્યાં છે. ભારતવર્ષમાં તે તુલસીના નામેજ
વધુ ઓળખાય છે. તે વિષ્ણુ ને પ્રિય હતી
આથી 'વિષ્ણુપ્રિયા', ઉત્તમ રસ ધરાવતી હોવાથી 'સુરસા', દરેક જગ્યાએ સુલભ છે
આથી 'સુલભા' તમામ ગામડે ઉપલભ્ધ છે આથી 'ગ્રામ્યા' વધારે મંજરી આવતી હોવાથી
'બહુમંજરી' રાક્ષસી રોગોને ભગાડતી હોવાથી ‘અપેતરાક્ષસી’ દેવોને દન્દુભીની
જેમ હર્ષ ઉપજાવે તેથી 'દેવદન્દુભી' રોગોના શૂળનો નાશ કરનારી એટલે 'સુલદની' વગેરે. જો કે તેનું વૈજ્ઞાનિક નામ Ocimum tenuiflorum છે. મુખ્ય બે પ્રકારની તુલસીનું
ભારતમાં વાવેતર કરાય છે. લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા
વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).
ભારતીય સંસ્કૃતિમાં તુલસીને પવિત્ર અને પૂજનીય
છોડ માનવામાં આવ્યો છે. કારણકે તે અનેક પ્રકારની બીમારીઓની અકસીર ઔષધી છે. પરંતુ આપણે પૂજાનેજ વળગી રહ્યા અને એના ઔષધીયગુણોને ભૂલતા ગયા. અરે ભગવાનનો ભોગ પણ તુલસીપત્ર
વિના અધુરો ગણાયો. તુલસીના પાનને ભગવાનના ભોગમાં અનિવાર્ય બનાવવાને કારણે મનુષ્ય
પરાણે પણ એકાદ તુલસીપત્ર ખાય અને એનું આરોગ્ય જળવાય. વળી આ પાનને લીધે પ્રસાદ,
પંચામૃત કે ચરણામૃત જલદી બગડતાં નથી. કેનેડામાં
આપણે તુલસીનો છોડ ક્યાં વાવવો એ ખાસ જાણવું જરૂરી છે. તુલસી પોતે ' ઇનડોર ગાર્ડન
પ્લાન્ટ’ નથી. આથી છાયડામાં કે અંધારી જગ્યાએ એ સારી રીતે ઉછરી શકતો નથી. વળી આપણે
એને ઘર બહાર રાખી શકીએ એમ પણ નથીજ. આથી એને સરસ કુંડામાં યોગ્ય માટી અને સેન્દ્રીય
ખાતર ના મિશ્રણ માં વાવી ઘરમાં જ્યાં વધારેમાં વધારે સમય સુર્યપ્રકાશ મળી શકે તેવી
જગ્યાએ રાખવો જોઈએ. પાન એ વનસ્પતિનું રસોડું છે. સુર્યપ્રકાશની હાજરીમાં પાન
પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા કરે છે. જેમાં તે કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સીજન છૂટો
પાડે છે. અંધારામાં આ શક્ય નથી. વિન્ટર દરમ્યાન ઘરમાં ચાલતાં
હીટરથી એને દુર રખાવો જોઈએ. હીટરની ગરમીથી છોડને વિપરીત અસર થાય છે. તુલસીને
નિયમિત પણે છતાં માત્ર જરૂરિયાત પુરતુજ પાણી આપવું. ઓછા પાણીથી છોડ સુકાય અને વધુ
પાણીથી કુંડાની માટીમાં હવાની જવર જવર અટકે આથી મૂળ કહોવાય જાય પરિણામે છોડ નાશ
પામે. શક્ય બને ત્યાં સુધી એને રાસાયણિક ખાતર ન આપવું.
ઘણા ઘરોમાં મેં તુલસી ઉપર થતા અત્યાચાર જોયા છે. તે
પૈકી સૌથી મોટા બે અત્યાચાર એટલે છોડ ઉપર કંકુ, અબીલ, ગુલાલ વગેરેનો છંટકાવ કરવો
અને સળગતી અગરબત્તી છોડની બિલકુલ બાજુમાં રાખવી. અગરબત્તી પેટાવવી એ પૂજાનોજ
એક ભાગ છે. તેનાથી વાતાવરણ સુગંધિત થાય અને મન પ્રભુ ભક્તિમાં લીન થાય. પણ આગળ
જણાવ્યું તેમ પાન એ વનસ્પતિનું રસોડું છે અને આપણે પુણ્ય કમાવાના લોભે કંકુ,
અબીલ, ગુલાલ વગેરેનો છંટકાવ કરી એ રસોડાનેજ નુકશાન પહોચાડીએ છીએ. વળી સળગતી
અગરબત્તીઓ છોડને દઝાડે છે, વારંવાર આમ કરવાથી છોડ મ્રત્યુ પામે તેમાં શી નવાઈ!
છોડઉપર અબીલ, ગુલાલ કે કંકુ છાંટવાથી કે તેની બાજુમાંજ અગરબત્તી સળગાવવાથી
કોઈ પણ પ્રકારનું પુણ્ય મળતું નથી. પણ પાપ જરૂર થાય છે.
કેટલીક સ્ત્રીઓને પોતાના વાળ
ઓળ્યા બાદ કાંસકી માંથી વાળનું ગુચડું કાઢી તેને તુલસીના ક્યારા કે કુંડાની
માટીમાં દબાવી દેવાની આદત હોય છે. તે બરાબર નથી. આ વાળ તુલસીના પાન ઉપર અને
પછી ભગવાનના ભોગમાં અને આપણા મોમાં પાન આવી શકે
છે.
એક તરફ પ્રાણીઓમાં ગાયને અને વનસ્પતિમાં
તુલસીને માતાનો દરજ્જો આપીએ છીએ અને બીજી તરફ આજ માતાઓ પ્રત્યે નિષ્ઠુર બનીએ છીએ.
જયારે આપણે તુલસી નજીક અગરબત્તી પેટાવીએ છીએ ત્યારે આપણે આપણી માને દાઝાડીએ છીએ.
જયારે તેના પર અબીલ,ગુલાલ કે કંકુ છાંટીએ છીએ ત્યારે આપણે આપણી માને ભૂખે મારીએ
છીએ. જયારે છોડને નિયમિત પાણી નથી આપતા ત્યારે આપણે આપણી માને તરસે મારીએ છીએ,
તેને અપૂરતા પ્રકાશમાં રાખીને અને હીટરની નજીક રાખીને વધુ અત્યાચારો કરીએ છીએ.
તેના ઉપર વાળ નાખીને આપણી માને બદસુરત બનાવીએ છીએ. આને નિરક્ષરતા કહેવી, અજ્ઞાનતા
કહેવી કે ક્રુરતા કહેવી ?
હું તો તુલસી પર્ણને શિવલિંગ કે અન્ય
ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવાની બાબતનો પણ વિરોધી છું.મૂર્તિ ઉપર તુલસીપત્ર કે
તેલ ચડાવવાનો કોઈ અર્થ નથી.આગળ જણાવ્યું તેમ તુલસીપત્ર આરોગ્ય માટે ઉત્તમ હોવાથી
એનું નિયમિત સેવન કરવું જરૂરી છે.આથીજ તો એને ભગવાનના ભોગમાં અનિવાર્ય ગણ્યું છે. तुलना नास्ति अथैव तुलसी - ગુણોમાં જેની તોલે
કોઈ ન આવે તે તુલસી. તુલસીના ગુણો અને ઉપયોગીતા વિષે લખવા જઈએ તો ઘણું લાંબુ લખી
શકાય પરંતુ ટૂંકમાં જોઈએ તો તે કડવી, તીખી, મધુર, સુગંધી, રુચિકર, ગરમ, પિત્તકર્તા, ભૂખ લગાડનાર, અગ્નિ
વધારનાર છે. તે કફ, વાયુ,સોજો, કૃમિ, ઉલટી, દુર્ગંધ, કોઢ, શૂળ, ઝેર, મુત્રાલ્પતા,
રક્તાલ્પતા, તાવ, ખાંસી, શરદી, હેડકી વગેરેનો રામબાણ ઈલાજ છે. ટૂંક સમયમાં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા' ચંદ્ર ઉપર માનવ
વસવાટની શક્યતા ચકાસવા માટે કેટલીક વનસ્પતિઓ ચંદ્ર ઉપર રોપવા માંગે છે. આપણી તુલસી
એમની પ્રથમ પસંદગી છે. જે ને આધુનિક વૈજ્ઞાનિકો આટલું મહત્વ આપી રહ્યા છે, જેના
ગુણગાન આપણા પૂર્વજો, ઋષિઓ ,મુનીઓ , આયુર્વેદાચાર્યો ગાતા રહ્યા છે એ તુલસી માતા
નું મહત્વ આપણે સમજવું જરૂરી
છે.
કેનેડામાં વસતા ભારતીયોમાં કોલેસ્ટ્રોલ
અને પીઠના દુખાવાનો પ્રશ્ન ઘણો સામાન્ય છે. તુલસી આ કોલેસ્ટ્રોલ ની માત્રાને કાબુમાં રાખવાનો ગુણ ધરાવે છે.
પીઠના દુખાવાના દર્દીએ દરરોજ એક ચમચી તુલસીનો રસ લેવો ફાયદાકારક સાબિત થશે. પાતાળકોટના આદિવાસી હર્બલ
જાણકારો મુજબ તુલસીના પાનને ત્વચા પર ઘસવામાં આવે તો કોઈપણ પ્રકારના ત્વચાના
સંક્રમણ (ચેપ) ની સમસ્યા થતી નથી.તુલસીમાં એક વિશેષ પ્રકારની વાસ છે જે ઝેરી
સાપોને ગમતી નથી. આમ તુલસી આવા ઝેરી સાપોને ઘરથી દુર રાખવામાં પણ ઉપયોગી છે.
એવું માનવામાં આવે છે
કે ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા છે, તેથી ગોપીઓ
તુલસીજી ને પોતાની સૌતન માને છે. વૈષ્ણવો ને મન દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે.
કારતક સુદ એકાદશી એ તુલસી ઉત્પન્ન થવાની તિથી મનાય છે. તે દિવસે તુલસી વિવાહ રચાય
છે. શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશી થી ભગવાન પોઢેલા
હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે.તેથી આ દિવસને પ્રબોધિની
એકાદશી ના નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે. ગોવા કોંકણમાં
આ તુલસીવિવાહની ઉત્સવ ઉજવણી દિવસભર ચાલે છે જે “તુલસી ચે લાગીન” ના નામે ઓળખાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ
અને પંજાબમાં પણ આ ઉત્સવ નું ઘણું જ મહત્વ છે. હિમાચલ પ્રદેશમાં આ ઉત્સવ પૂરા પાંચ
દિવસ ચાલે છે. તુલસી વિવાહ બાદ જ ભારતમાં લગ્નની મોસમ શરુ થાય છે.
પંકજ પટેલ ( દાંડી )
Good!! https://homyopethic.blogspot.com
ReplyDelete