Monday, February 27, 2017

હૃદયના દર્પણમાં


જોઈ લે તું તારા હૃદયના દર્પણમાં
તરત આવી જશે બધુંય સમજણમાં
સમય લાગશે મારાં ગીતો સમજવામાં
તને તું દેખાઈશ અનોખા સગપણમાં.
થોડુંક જો મોન્ટ્રિઅલમાં, થોડુંક ટોરોન્ટોમાં
પાછળ જો ઇન્ડિયામાં અને હવે કેનેડામાં
કર સરવાળો, બાદબાકી ને ગુણાકાર,
કવિતામાં દેખાશે તને તારોજ આકાર.
(પંકજદાંડી)


હવે જિંદગી જીવવા જેવી લાગી



એક દિ અચાનક જીવનના 
સરવાળા ને બાદબાકી કરી જોયાં.

શું હતું સારું અને શું ખરાબ 
નો તફાવત શોધી જોયો.

કહેવાય છે મિત્રો વિનાનું
જીવન નકામું છે,
છતાંય મિત્રોની
છણાવટ કરી જોઈ

મારી તકલીફમા ખુશ થનાર
મિત્રોની બનાવી યાદી,
પછી  કરી દીધી તે 
તમામની બાદબાકી,

પરિણામ, હવે જિંદગી
જીવવા જેવી લાગી.


(પંકજદાંડી)

બ્રોકન હાર્ટનું દર્દ


સેવન્ટીઝમાં સ્વપ્ન બનીને આવી હતી,
મને ભુલભુલામણીમાં નાખી ગઈ,
હું હજુ શાયરીઓ વાળા પ્રેમપત્રો લખતો રહ્યો,
ને તું તો પરણીને કેનેડા ય આવી ગઈ.
ત્રણ દિવસ પહેલાં અચાનક ...... બેતાલીસ વરસ પછી,
મારા જ ઘરે પાર્ટીમાં, સૌથી પહેલી આવીને
બિન બુલાયે મહેમાન વાળી સરપ્રાઈઝ દઈ ગઈ.
એકવાર જરૂર ફરી મળીશ વાળી પ્રોમિસ નિભાવી ગઈ
 'સી યુ અગેઇન' કહીને ટોરોન્ટો રિટર્ન થઇ ગઈ.
હવે મારા બ્રોકન હાર્ટનું દર્દ બતાવું તો કોને ?
જસ્ટ 'હેલો-હાય' કહીને તું ખુદ 'ગુડ બાય' થઇ ગઈ.
 (પંકજદાંડી)



ત્યારથી રહ્યો છું ચૂપ



છોડયું છે જ્યારથી વૃંદાવન
ત્યારથી રહ્યો છું ચૂપ,
પણ સાચું કહું છું રાધા
મને ગમતું'તું તારું જ રૂપ.
નથી વગાડતો મોરલી હવે
ને નથી રમતો રાસ,
પણ સાચું કહું છું રાધા
મને ગમતો તારો જ સહવાસ.
મીઠી મીઠી યાદોની
સુગંધ વળે છે વીંટળાય
પણ સાચું કહું છું રાધા
મને ખોટ તારી વરતાય.
વૃંદાવનથી વોટ્સ એપ તો 
ઢગલાબંધ આવે,
પણ સાચું કહું છું રાધા
મને સપનામાં હજુ ય તું સતાવે.
(પંકજદાંડી)


જીવનની કિતાબ



ગભરાશો નહિ, થોડી ગેરસમજથી,
કદાચ સારું જીવાશે,
ઉતાવળ કરશો નહિ, ખુલાસો કરવાની,
 દુખી જરૂર થવાશે.
જીવનની કિતાબ હમેશા બંધ રાખવી સારી,
કેમકે ટોસ જીતીને પણ મેચ હારી જવાય છે.
અનુભવ કહે છે
રડી રડીને આપણું દુઃખ જાણનારા ,
હસી હસીને આપણી મજાક ઉડાવતા હોય છે.
(પંકજદાંડી)


જીવન હવે જરા જુદું લાગે



મને જીવન હવે જરા જુદું લાગે છે,
તારી લાઈક મળે એ જ ગીત લાગે છે.
મારુ કામ તો છે બસ લખતા રહેવાનું,
તારી લાઈક જ  હવે લાઈફ લાગે છે.
હાલ મૂલવું છું આપણા ભૂતકાળને
તને હારી ગયા પછી પણ વિજય લાગે છે.
દુઃખથી ડર્યો નથી ને મસ્તીમાં રહ્યો છું,
તારી એક કોમેન્ટ બીજું ગીત લખે છે.
ખબર નથી કેટલું જીવીશ, રસભર્યું,
પણ હવે જુના ઝખ્મોની પ્રીત લાગે છે.

(પંકજદાંડી)


વાંસળી થઈને વાગો.



ગોપી કહે છે 'ગુડ મોર્નીગ' ને કાન હવે તો જાગો,
તમે અમારા મોન્ટ્રીઅલમાં મોરલી થઈને વાગો.
ચાલો રમવા ક્રિકેટ આજે વેધર સારું લાગે,
બોલ બેટ પણ સંગ તમારી બંસી જેવાં લાગે.
તમે અમારા ફેસબુકમાં મિત્ર બનીને આવો,
પછી અમારા લેપટોપમાં વાંસળી થઈને વાગો.
મોન્ટ્રીઅલમાં હરશું ફરશું, ગીત મધુરાં ગાશું,
પાર્કની અંદર, કોર્નર બેન્ચ પર વાત લવલી કરશું,
પેપ્સી નહિ તો કોક સાથે ફ્રેન્ચ ફ્રાય આરોગો,
પછી અમારા મંદિરમાં સ્મિત વદને બિરાજો.


(પંકજદાંડી)