Monday, July 24, 2023

મધુરમ 17

 

મધુરમ 17

એકબાજુ મોટેલ મધુ વેચાઈ ગઈ, બીજી બાજુ સ્નેહા અને નીલ તથા બાળકોએ ડિજિટલ દુનિયાના બિઝનેસમાં ઝંપલાવ્યું. હવે મધુ અને મહેશભાઈ તથા ઇલાબહેન અને અરવિંદભાઈ ફરજીયાત રિટાયર્ડ લાઈફ જીવવા માટે તૈયાર થઇ ગયા.

મધુ અને મહેશભાઈ જયારે માયામીનો કારોબાર સંકેલીને મોન્ટ્રિઅલ પરત થયેલાં ત્યારે માયામી અને મોન્ટ્રિઅલ બંને એરપોર્ટ ઉપર મધુની કડક તાપસ થયેલી. હવે મધુએ જ્યાં પણ જાય ત્યાં કડક તપાસમાંથી પસાર થવું પડશે એ નક્કી થઇ ગયું. કારણ પાસપોર્ટના બારકોડ બધી જ ઇન્ફોરમેશન આપી દે છે.

ઈલાબહેનની તબિયત બગડતી જાય છે. દવાઓ પણ હવે વધારે અસર કરતી નથી. આખું શરીર લગભગ લકવાગ્રસ્ત થઇ ગયું છે. ઈલાબહેનનું અંતરમન હવે મૃત્યુ ઈચ્છે છે. મધુ ખુબ સેવા કરે છે, છતાં હવે ઈલાબહેનને મધુની સેવા લેવાનું ગમતું નથી. ઇલાબહેને ઇન્ડિયા જઈને પ્રાણ ત્યાગવા છે.

ઈલાબહેનની અંતિમ ઈચ્છા મુજબ તેમને લઈને અરવીંદભાઈ તથા મધુ અને મહેશભાઈ ઇન્ડિયા આવ્યાં. વધુ ત્રણ વાર મોન્ટ્રિઅલ, પેરિસ અને મુંબઈ એરપોર્ટ ઉપર મધુની અલગથી તપાસ થઇ. મુંબઈમાં તો એક હજાર ડોલરની લાંચ આપવી પડી.

ગામમાં આવ્યા પછી અગિયારમા દિવસે ઇલાબહેને અંતિમ શ્વાસ લીધા. તેમની અંતિમ ક્રિયાઓ પતાવી બાકીનાં ત્રણ, મહિના પછી પાછા મોન્ટ્રિઅલ પરત થયા. વધુ એક વાર મધુએ એરપોર્ટ ઉપર અગ્નિપરીક્ષા આપવી પડી.

હવે મધુએ મન બનાવી લીધું છે, કેનેડાની બહાર પગ ન મુકવાનું. બસ કેનેડા એ જ મધુનો દેશ. હવે અંતિમ શ્વાસ અહીં જ લેવાશે. એરપોર્ટ ઉપરની અગ્નિપરીક્ષાઓ અસહ્ય અને માનસિક યાતના અપાવનારી હોય છે.

ઘણા વખત પછી આજે અચાનક મધુને પંકજની યાદ આવી. પંકજને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યો. જુલાઈ મહિનાની મેઘલી સાંજે બાર્બેક્યૂની મઝા માણતાં માણતાં મધુએ પંકજને કહ્યું; "તેં મારી જીવનકથા લખી નાખી. હવે મધુ થાકી ગઈ છે. પણ મારે અત્યારથી મરવું નથી. મારા જીવનનું રાજુ ઉર્ફે રફીક ઉર્ફે રિઝવાન વાળું રહસ્ય હું અને તું બે જ જાણીએ છીએ. પણ આ રહસ્ય તેં મારી જીવનકથાના સ્વરૂપમાં જગત સમક્ષ મૂકી દીધું છે. ગમે ત્યારે મહેશ, અરવિંદભાઈ, સ્નેહા, નીલ સહીત મારાં સ્વજનો સમક્ષ એ આવશે એ નક્કી છે હવે મારે શું કરવું ?"

"મધુ, તારા આરાધ્યદેવ કૃષ્ણને યાદ કર. એમના કર્મના સિદ્ધાંતને યાદ કર. કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ કહે છે કે, તમારે તમે કરેલાં કર્મોનું ફળ ભોગવવાનું જ છે. તેં રાજુ  ઉર્ફે રફીક ને પ્રેમ કર્યો. તેને ઓળખ્યા પારખ્યા વગર. ખરાબ વ્યક્તિને પ્રેમ કરવો એ પણ ગુનો ગણાય. હવે એની સજા તારે ભોગવવાની જ છે. ખરેખર તો તેં સજા ભોગવી લીધી છે. બસ હવે દ્રૌપદી મટીને મીરાં બની જા. રાધા બનવાનું તો હવે શક્ય જ નથી. તેં હંમેશાં દ્રૌપદીની જેમ યાચના કરી છે. તારી મુશ્કેલીઓ તારા આરાધ્યદેવે દૂર પણ કરી છે. રાધાએ જે ગોકુળમાં રહીને રાસમાંથી મેળવ્યું, તે જ મીરાં એ મહેલમાં રહીને ભજનમાંથી મેળવ્યું. તું પણ આધુનિક રીતે કૃષ્ણને પામવાનો પ્રયત્ન કર." પંકજે ફિલોસોફી વાળો જવાબ આપ્યો.

આપણો સમાજ પુરુષપ્રધાન છે. આથી સ્ત્રીઓની જ હંમેશાં કસોટી થઇ છે. માતા સીતાનું અપહરણ રાવણે કર્યું પણ અગ્નિપરીક્ષા સીતાની જ થઇ. અને તે પછી પણ વનવાસ સહેવો પડયો. મત્સ્યવેધન કરી અર્જુન દ્રૌપદીને જીત્યો છતાં પાંચ ભાઈઓને ભાગે તે વહેંચાઈ. કોઈએ પોતાનો ભાગ છોડયો નહીં. ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિરે પણ નહીં. અહલ્યા સાથે કપટ ઇન્દ્રે કર્યું અને પથ્થર બનવાનું અહલ્યાને ભાગે આવ્યું. હરિશ્ચંદ્ર વાળી તારામતીની એક માતા તરીકેની વ્યથા ક્યાં અજાણી છે ! મંદોદરી એકલા રાવણની હતી, જયારે રાવણ પાસે અનેક સ્ત્રીઓ હતી.પંકજે દાખલા આપીને મધુના મનદુઃખને હળવું કરવાનો પ્રયત્ન કર્યો.

હું કવિતા લખું છું, મારા પોતાના આનંદ માટે. ફેસબુક અને વોટ્સએપ પર પોષ્ટ કરું છું. કોણ અને કેટલા લોકો વાંચે છે તેની દરકાર નથી કરતો. હવે આપણે આપણા માટે જીવવાનું છે. બીજા લોકો શું કહેશે તેની પરવા નથી કરવાની. મારી જાતને મેં સિક્સટીન ઉપર ફિક્સ કરી દીધી છે. હું મનથી સોળ વરસનો જ રહુ છું. મઝા માણું છું, કૃષ્ણનાં અને પ્રેમનાં ગીતો લખવાની. ફ્લર્ટ કરું છું એકલો એકલો, બિન્દાસ્ત બનીને. તું પણ આવું કઈંક કરી જો. પંકજે સલાહના સ્વરૂપમાં પોતાની કહાણી ટૂંકમાં જણાવી.

મધુને પંકજની સલાહ ગમી. આમ પણ એ સાહિત્યની દીકરી હતી. પણ એણે પંકજને વિનંતી કરી અબ ઘડી મારે માટે એક કવિતા બનાવ. તારી કવિતા મારે માટે મોટિવેશન બનશે.

પંકજ કંઈ શીઘ્ર કવિ નથી છતાં એણે પ્રયત્ન કર્યો. એક પેપર અને પેન લઈએક લાંબુ વાક્ય કવિતા સ્વારૂપમાં લખ્યું :

એકવીસમી સદીના પ્રારંભના દિવસે,

ચુમ્માલીસ વરસની ઉંમરે,

કેનેડાની ધરતી પર પગ મૂકીને,

મોન્ટ્રિઅલ થી માયામી સુધી,

બિઝનેસનો ઝંડો ફરકાવનાર,

ચતુર,ચપળ, હોંશિયાર, મહેનતુ,

જાજરમાન અને જિંદાદિલ

સુંદર, સુશીલ, હસમુખ,  

હેતાળ, પ્રેમાળ અને સમજદાર

પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર

 કોળી પટેલ, બિઝનેસ પર્સનાલિટીનું 

નામ મધુ છે.

મધુને આ રચના ખુબ ગમી. કોઈ કોળી પટેલનું નામ ગૌરવ સાથે લેવાયું હોય એવો ભાવ જાગ્યો. પહેલીવાર કોઈ મિત્ર દ્વારા કવિતાના સ્વરૂપમાં મધુના વખાણ થયાં. માત્ર બે મિનિટમાં રચાયેલી રચના મધુ માટે ખરેખર મોટિવેશન સાબિત થઇ. મહેશભાઈ પણ ખુશ થયા. અરવિંદભાઈએ મરક મરક હસતાં કહ્યું; “પંકજની આ જૂની માસ્ટરી છે. એના કોલેજકાળમાં એણે ઘણી રચનાઓ કરી છે. પછી મહેશભાઈના કાનમાં કહ્યું; “અને તે પૈકી કેટલીક દ્વિઅર્થી.

સોરી પંકજ તારો સિક્રેટ જાહેર કરવા બદલ. પણ તારા મિત્રો પાસેથી મને જાણવા મળેલી આ હકીકત છે. અરવિંદભાઈએ આંખ મીચકારતાં કહ્યું.

પછી બિયરના જામ ભરાતા ગયા અને ચિકનનું બાર્બેક્યૂ ખવાતું ગયું. હસી-મજાક, ગપ્પાં- ગમ્મત, જ્ઞાન-વિજ્ઞાન અને ગામ-ગપાટા બાદ મોડી રાતે પંકજની ઘર વાપસી થઇ.

બીજા દિવસે સવારે ફેસબુકના પેજ ઉપર મધુની પ્રથમ કૃષ્ણ કવિતા ઝબકી......

 

હે સખા !

મને ખાતરી છે કે,

આ જગતમાંથી હું વહેલી વિદાય થવાની નથી.

મારે જીવવું છે મારે માટે, અને તે પણ આંનદથી

પણ મારી અંતિમ ક્ષણે હું માત્ર એટલું જ કહીશ,

તારા જ્ઞાન રૂપી પ્રકાશના મહાસાગરમાં પુસ્તકોને સહારે

ડૂબકી લગાવવાનો ચાન્સ મને મળ્યો છે.

જીવનપર્યંત મને તારો આધાર મળ્યો છે.

તારું સુક્ષ્મદર્શન પામીને જ હું ધન્ય બની છું.

તારો વારંવાર મળેલો સહારો

મારા સમગ્ર જીવનનું ભાથું છે.

તને માનવ સ્વરૂપે મેળવવાનું તો શક્ય જ ન હતું,

પણ અંતરમન સખા સ્વરૂપે પામીને હું ધન્ય બની.

મારા જીવનની આખરી પળે

મારી જિહવા પર તારું નામ જ હોય

એ જ મારી અંતિમ યાચના છે.

લિ.  તારી સખી મધુ.

 

અને મધુની કવિતાને લાઈક કરી કોમેન્ટમાં 'well done. Keep it up’ લખીને અહીંથી આ વાર્તાના લેખક, પંકજ પટેલે, વાર્તાને અંતિમ વિરામ આપ્યો.

પંકજ પટેલ (દાંડી).

મધુરમ 16

 

મધુરમ 16

2019ની સાલમાં ચાઈનામાં પહેલીવાર કોરોના વાયરસે દેખા દીધી. ધીરે ધીરે આખી દુનિયામાં ફરી વળ્યો. અમેરિકા પણ એની ઝપેટમાં આવ્યું અને સૌથી વધુ લોકોને ભરખી ગયો. આ દરમ્યાન આખી દુનિયા લોકડાઉનમાં સપડાઈ. એની સીધી અસર પ્રવાસન ઉદ્યોગને થઇ. ઘણી હોટેલો અને મોટેલોએ દેવાળાં ફૂંક્યાં. નીલની મોન્ટ્રિઅલની બંને મોટેલો પણ માંદી પડી. પરંતુ માયામી ખાતે મોટેલ મધુ એ એનો બિઝનેસ વધાર્યો. કારણકે કોરોનાગ્રસ્ત લોકોને સરકારે મોટેલોમાં કોરોનટાઇન કર્યા. મધુએ પેશન્ટોને સારી સેવા પુરી પાડી. પોતે પણ બાસઠ વર્ષની ઉમર ધરાવતી હોવા છતાં દઢ મનોબળ અને તેની ભગવાન કૃષ્ણ ઉપરની શ્રદ્ધાને કારણે મહેશભાઈ અને મધુને કોઈ વાંધો આવ્યો નહીં. મોટેલ મધુના સ્ટાફમાં તમામ લોકોએ વેક્સીન લઇ લીધી. સદનસીબે મોટેલ મધુમાં કોરોનટાઇન થયેલ તમામ ગ્રાહકો અને સ્ટાફમાંથી જેને જેને ચેપ લાગ્યો તે તમામે મૃત્યુને હરાવ્યું.

મોન્ટ્રિઅલની બંને મોટેલો માટે પણ મધુએ જ કોરોનટાઇન પેશન્ટો માટે સગવડ કરાવી. એ માટે એણે પોતાને ઓળખીતા એવા અમેરિકન કોન્ટેકટનો સહારો લીધો. આમ પણ મોન્ટ્રિઅલમાં સરકારને જરૂર હતી જ. સાલ 2020માં માંદી પડેલી બંને મોટેલોએ 2021ની સાલમાં નફો રળી લીધો. મધુ વધુ એકવાર માન ખાટી ગઈ અને ઇલાબહેન જોતાં રહી ગયાં.

ઈલાબહેનને કોરોના એ લપેટમાં લીધાં. પૂરાં બે વીક હોસ્પિટલમાં એડમિટ રહ્યાં પણ કોરોનાને હરાવ્યો. જો કે હવે ઇલાબહેન ઘણાં ઢીલાં પડી ગયાં. તેમના શરીરમાં સ્ફૂર્તિ રહી નથી.

રિષભ અને રિયાનો અભ્યાસ સરસ ચાલે છે. રિષભ કોલેજમાં અને રિયા હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં છે. આજે રિયાની સ્વીટ સિક્સટીન છે. પરંતુ કોરોનાનું કોરોનટાઇન અને સોસીયલ ડિસ્ટન્સ આ ઉજવણીની પરવાનગી નથી આપતું. જીવનમાં આ દિવસ પાછો ક્યારેય આવવાનો નથી એ જાણતી રિયા અને એની બહેનપણીઓએ ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક મીડિયાનો સહારો લીધો. વોટ્સએપ કોન્ફરન્સની મદદથી સખીઓ હાજર રહી અને માત્ર ઘરની છ વ્યકતિઓની હાજરીમાં જ બર્થ ડે કેક કપાઈ.

રિષભનાં 21 વર્ષ પૂરાં થયાં. એણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. રિયા પણ એની પાછળ પાછળ એ જ લાઈનમાં આગળ વધી રહી છે. સ્નેહાએ તો માસ્ટર્સ કર્યું જ છે.

મુંબઈમાં પ્રોપર્ટી ખરીદીને કોલસેન્ટર ચાલુ કરવાનો પ્રોગ્રામ મોકૂફ રખાયો. હવે તેમણે તેમનું ધ્યાન મોન્ટ્રિઅલ ઉપર કેન્દ્રિત કર્યું. 2023ના જાન્યુઆરી મહિનામાં સ્વપ્નિલ, સ્નેહા, રિષભ, રિયા ના નામ ઉપરથી ‘SSRR Software Corporation’ નામની સોફ્ટવેર ડેવલપિંગ કંપની ચાલુ કરી. સાથે રિષભે માસ્ટર્સનો અને રિયાએ બેચલરનો અભ્યાસ ચાલુ રાખ્યો.

અરવીંદભાઈએ હવે ફરજીયાત ઘરે જ રહેવું પડતું. ઇલાબહેનની તબિયત હવે સારી રહેતી નથી. ઈલા વારંવાર બોલે છે કે આખી જિંદગી મેં ઢસરડો વેઠયો અને હવે આ ઉંમરે માંદગી પરેશાન કરી રહી છે. હું મારે માટે તો જીવી જ નથી. પહેલાં સેટલ થવા મહેનત કરી પછી સેટ થવા. રિષભ અને રિયાને મેં જ મોટાં કર્યાં. તમે બધાં તો બિઝનેસ પાછળ પડયાં હતાં. હવે મારી સેવા માટે કોઈ પાસે સમય નથી.

ઈલાબહેનનો બળાપો ખોટો નથી એવું સૌને લાગે છે. થોડા સમય પછી મમ્મી મધુનો પણ આવો ખરાબ સમય આવી શકે એવું વિચારી નીલ અને સ્નેહાએ માયામીની મોટેલ મધુ વેચી દેવાનો નિર્ણય કર્યો. અને મધુએ તેને વધાવી લીધો.સારી કિંમતે એનું વેચાણ થયું અને એ જ રકમ નવી કંપનીમાં વાપરી. બેન્ક પાસે લોન લેવાનો સમય જ ન આવ્યો.

મધુને મોટેલ મધુ માટે ઘણી લાગણી હતી. ખુબ મહેનતથી એણે એને વિકસાવી અને પ્રખ્યાત કરી હતી. પરંતુ બે મહિના પહેલાં બનેલા એક બનાવે મધુને હચમચાવી મૂકી હતી. અને તેથી જ મધુ એ મોટેલનો બિઝનેસ સમેટવા રાજી થઇ ગઈ હતી. 

બન્યું હતું એવું કે 21મી સપ્ટેમ્બર 2022, સ્નેહાના જન્મદિને મધુને વોટ્સએપ ઉપર કોઈ અજાણી વ્યક્તિ તરફથી એક મેસેજ મળ્યો. સામાન્ય રીતે મધુ અજાણ્યા સાથે સોસીયલ મીડિયા ઉપર ટચમાં નથી રહેતી. પણ આજે સ્નેહાનો બર્થ ડે હોવાથી એણે એ મેસેજ જોયો. જેમાં કુલ નવ પિક્ચર હતાં. આ તમામ પિક્ચર આજથી 44 વરસ પહેલાં નવસારીના એક રેસ્ટોરન્ટમાં પોતાના બોયફ્રેન્ડ રાજુ સાથેનાં હતાં. મધુને માથે જાણે આભ તૂટી પડયું. મૂંઝવણ એના ચહેરા પર દેખાતી હતી. જરા વાર પછી બીજો એક મેસેજ મળે છે. આવતા સોમવારે તારી મોટેલમાં આવું છું. પચાસ હજાર ડોલર કેશ તૈયાર રાખજે. નહીં તો તારા તમામ પિક્ચર સોસીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવશે. ઉપરાંત તારા પતિની પણ હત્યા કરવામાં આવશે.

અત્યારે કાઉન્ટર પર એ એકલી હતી. આ વાત કોઈને પણ કહેવાય એવી તો હતી નહીં. પોલીસને જાણ કરવાનો વિચાર કર્યો પણ તેનાથી શું વળશે ? વધુ એક મેસેજ મળે છે, તેરા રાજુ અભી જિન્દા હૈ ઔર તેરે સામને ખડા હૈ. મધુએ એ મેસેજ વાંચ્યો અને સામે એક સિત્તેરેક વરસની ઉંમરનો જણાતો, મુસ્લિમ પહેરવેશમાં, દાઢીધારી પુરુષ દેખાયો. કાઉન્ટર પર એણે એક એન્વેલોપ મૂક્યું. તેમાં પણ પેલા ફોટા હતા. પછી બોલ્યો; "મધુ, હું તારો રાજુ."

મધુના હોશકોશ ઉડી ગયા. વર્ષોના વહાણાં પછી પણ બદલાયેલી સુરતમાં મધુએ રાજુ ને ઓળખી લીધો. જેનાથી એ ખુબ ડરતી હતી એ ફોટા અને રાજુ ઉર્ફે રફીક એની સામે ઉભો હતો. મધુએ ધીમેથી ફોટા વાળું એન્વેલોપ ગાર્બેજમાં ફેંકી દીધું. ફોટા સહીત તે ડિસ્ટ્રોય થઇ ગયું. મધુ માંડ માંડ બોલી શકી;" હું પૈસાની વ્યવસ્થા કરું છું. પ્લીઝ પણ હવે પછી મને હેરાન કરતો નહીં. મેં તારું કશું બગાડયું નથી. તું જ મારા જીવનમાં આવ્યો અને તું જ જતો રહ્યો."

તું તો મેરી સોને કે અંડે દેને વાલી મુર્ગી હો. કૈસે જાને દુંગા? તેરે પાસ દો રાસ્તે હૈ, પહેલા મૈં જબ ભી પૈસે માંગુ દેતે રહેના. યા દુસરા તું મેરી બેગમ બન જા."

તું ગાંડો નથી થઇ ગયો? આ ઉંમરે આવું થાય ? અરે મારે પણ સંસાર છે. મધુએ કહ્યું.

"જાનતા હું. સબ જાનતા હું. તેરે પાસ કેનેડામેં ભી બિઝનેસ હૈ. અગર મુઝે પૈસે નહીં મિલેંગે તો સબ કો માર ડાલુંગા. ફીર તુઝે ઉઠાઉંગા. મૈં ને કચ્ચી ગોલીયાં નહીં ખાઈ હૈ. તુઝે બેગમ બનાના મેરા ખ્વાબ થા, ખ્વાબ હે ઔર રહેગા.

મધુએ મનોમન પોતાના આરાધ્યદેવ કૃષ્ણને યાદ કર્યા. "હે પ્રભુ તારી ભક્તાણી મધુ આજે દ્રૌપદી બનીને તને પોકારે છે. કૃપા કરો પ્રભુ કૃપા કરો." આટલું વિચારતાં તે બેહોશ થઈને ઢળી પડી. તેને દૂર દૂર ફટાકડા ફૂટતા હોય તેવા અવાજો સંભળાયા. જયારે આંખ ખુલી ત્યારે તે કોઈ અજાણી જગ્યાએ હતી. 

કોઈ એના માથા ઉપર હાથ ફેરવી રહ્યું હતું. એ હાથ રફીકનો તો નથી ને એ જાણવા મધુએ પ્રયત્ન પૂર્વક પોતાની આંખ ખોલી. તે કોઈ સફેદ વસ્ત્રધારી સ્ત્રી હતી. મધુને લાગ્યું તેનું મૃત્યુ થયું છે અને તે હાલ સ્વર્ગમાં છે.

ધીરે ધીરે મધુ હોશમાં આવી. ડોક્ટર અને એક નર્સ હાજર હતાં. તેમણે ધીરે ધીરે મધુ સાથે વાતચીત શરુ કરી. મધુ પણ સ્વસ્થ થવા લાગી. હવે મધુને પુરેપુરો ખ્યાલ આવી ગયો કે તે હોસ્પિટલમાં છે. પણ કોણ લાવ્યું અને અને શું કામ એની ખબર નથી. ઉપરાંત મહેશભાઈ કયાં ? મધુએ મહેશભાઈ માટે પૂછ્યું. અને ડોક્ટરે મહેશભાઈને હાજર કર્યા.

મહેશભાઈને એ વળગી પડી. પણ પછી ખ્યાલ આવ્યો એના જમણા હાથ ઉપર પાટે બંધાયેલો છે  હાથમાં ફ્રેક્ચર હતું. પછી પોલીસ આવી. મધુને સવાલો પૂછી શકાય એવી હાલત છે તે જાણ્યા પછી પોલીસે તેનું નિવેદન લીધું.

તમારી સામે કાઉન્ટર પર ઉભેલી વ્યક્તિ સાથે તમે શું વાત કરતાં હતાં?” પોલીસનો પહેલો સવાલ.

મધુનામાં માનસિક સ્વસ્થતા આવી ચુકી હતી. હવે થોડું જૂઠું તો બોલવું પડે એવી કૃષ્ણની કુટનીતિ યાદ આવી. જે અસત્ય આપણને કે બીજાને પણ હાનિ ન પહોંચાડે પણ થોડે ઘણે અંશે પણ ફાયદો કરી શકે તે અસત્ય સત્ય કરતાં પણ વધારે પવિત્ર છે. મધુએ જવાબ આપ્યો; આઈ ડોન્ટ નો.હજુ પણ એણે બચવાનું હતું રફીકથી અને સમાજથી. મોટા ભાગના સવાલોના જવાબમાં એણે આઈ ડોન્ટ નો નો જ સહારો લીધો.

પોલીસ અને ડોકટરો એવા નિર્ણય ઉપર આવ્યા કે દર્દીને કશું જ યાદ નથી. એની યાદદાસ્ત આવે પછી જ વધુ સવાલો કરી શકાય એમ છે. પછી એને સુવા દીધી. મધુ પણ ઊંઘવાનો ડોળ કરી સુઈ રહી. આ દરમ્યાન પોતાની જાતને અને શરીરને મજબૂત કરવાનો પ્રયત્ન કરતી રહી.

છેક મોડી સાંજે મહેશભાઈ મધુ સાથે બેઠા છે. એક નર્સ અને ડોક્ટર ખડે પગે હાજર છે. અને ડોકટરની સૂચનાથી મહેશભાઈએ મધુને હકીકતથી વાકેફ કરવાની શરૂઆત કરી.મધુ અમે આપણા સી.સી.ટી.વી. ચેક કર્યા. કોઈ ગેસ્ટ આવે છે, તારી સાથે વાત કરે છે, તને કોઈ એન્વેલોપ આપે છે, તું તે જોઈને પછી તેને ગાર્બેજમાં નાંખે છે. પછી પણ વાત ચાલુ રહે છે. તું અચાનક ઢળી પડે છે. અને ત્યારબાદ કોઈ એક વ્યક્તિ હાથમાં ગન લઈને આવે છે અને આપણા કાઉન્ટર ઉપર ઉભેલા પુરુષ ઉપર અંધાધૂંધ ફાયરિગ કરે છે. પછી એક ગ્રેનેડ ફેંકીને ભાગી જાય છે. થોડી સેકન્ડ પછી ગ્રેનેડ ફાટે છે. પેલા પુરુષના ફુરચે ફુરચા ઉડી જાય છે. આપણા કાંઉન્ટરમાં પણ નુકશાન થાય છે. આપણો રોડ્રિક્સ દોડી આવીને તને ઊંચકીને દૂર લઇ જાય છે. પછી એમ્બ્યુલન્સ અને પોલીસને બોલાવવામાં આવે છે. તરત તને આ હોસ્પિટલમાં ખસેડી અને હવે તું સલામત છે.

આટલું બધું? હજુ બીજું કંઈ?” મધુ એ પૂછ્યું.

"હા, તારો આઈફોન બળી ગયો છે પણ પોલીસ તે લઇ ગઈ છે. ઉપરાંત ગાર્બેજ બિન પણ." મહેશભાઈએ ઉત્તર વાળ્યો.

મધુ સ્વસ્થ હતી પણ મહેશભાઈની  આઈફોન અને ગાર્બેજ બિન વાળી ઈન્ફોર્મેશને મધુને અકળાવી. પોતાની અકળામણ છુપાવવા મધુએ પોતાને ઊંઘ આવતી હોવાનું જુઠાણું ચલાવ્યું. અને ડોકટરે પણ તેને આરામ કરવાની સલાહ આપી. મધુ હવે પછી વિચારોના ચકડોળે ચડી. પાછી મનોમન કૃષ્ણને પ્રાર્થવા લાગી.

બીજી સવારે ફરીથી પોલીસ આવી. લેડી પોલીસ ઓફિસરે મધુને એકલીને રૂમમાં રાખીને પૂછપરછ કરી. મધુએ તમામ સાચી હકીકત જણાવી દીધી. પરંતુ આ બ્લાસ્ટમાં કે રફીકની હત્યામાં એનો હાથ નથી તે પણ સ્પષ્ટ કર્યું.

અમેરિકન પોલીસે પણ મધુના નષ્ટ થઇ ગયેલા આઈફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત મધુનો નંબર હવે વોચલિસ્ટમાં હતો.

બીજી બાજુ હત્યારો પણ પકડાઈ ગયો હતો. આ એક ગેંગવોર હતી. મરનાર રીઝવાન હતો. તેનું ઓરિજીન પાકિસ્તાન હતું. તેનું પાકિસ્તાનનું સરનામું પેશાવર હતું. રેફ્યુજી તરીકે તે 2004ની સાલમાં એક બેગમ અને પાંચ બાળકો સાથે કેનેડા આવ્યો હતો. અહીં આવીને ડ્રગ્સના ધંધામાં પડી ગયો હતો. આ ધંધામાં હરીફાઈ થઇ અને અંતે રિઝવાનનું કાસળ કાઢી નંખાયું. આ બધું ટીવી અને ન્યુઝ પેપરમાં આવતું હતું.

મરનાર પાકિસ્તાની રિઝવાન એ મૂળે ભારતીય રફીક હતો અને એક કસ્ટમ ઓફિસરનો હત્યારો હતો એ માહિતી હવે અમેરિકન પોલીસ અને એફ.બી.આઈ એ ભારતીય એજન્સી રો અને સી.બી.આઈ. સાથે શેર કરી. જો કે આ માહિતી ગુપ્ત રાખવામાં આવી. કારણ કે આવી જાહેરાતથી ગેંગવોર વધુ વકરવાનો અને વધુ હત્યાઓ થવાનો ડર હતો.

 

મધુરમ 15

 

મધુરમ 15

ભારતમાં પુલવામા ખાતે આંતકવાદી હુમલો થયો અને સી.આર.પી.એફ. ના ચાલીસ જવાનો શહીદ થયા. તેના જવાબમાં એરસ્ટ્રાઇક થઇ. અભિનંદનનું પ્લેન ક્રેશ થયું. તે પાકિસ્તાનમાં પકડાયો અને ખુબ ઝડપથી છોડી દેવો પડયો. આ સમાચારોથી મહેશભાઈ ખુબ દુઃખી હતા. પાકિસ્તાન માટેની નફરતને લઈને તેમણે એક બાંગ્લાદેશી એમ્પલોયને છૂટો કરી દીધો. અને મનોમન ભારતમાતા માટે કઈંક કર્યું હોવાનો જશ લઇ લીધો. 

માયામી ખાતે ગુજરાતીઓની સંખ્યા ઘણી. તેમને એક ગુજરાતી લોકો માટેનું હિન્દુ મંદિર બનાવવાની ઈચ્છા હતી. મંદિર એટલે અમુક મિલિયન ડોલરની જરૂરિયાત. આથી ગુજરાતી સમાજના મોભીઓએ એક મંડળની સ્થાપના કરી. મધુ અને મહેશભાઈ પણ એના સભ્ય બન્યા.

 નાણાં એકત્ર કરવા માટે એમણે એક કથાનું આયોજન કરવાનું વિચાર્યુ. મોરારીબાપુ અને બીજા નામી કથાકારોને બોલાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા. કારણકે કથાકારો અમેરિકા આવવા તો તૈયાર હતા પરંતુ તેમને આયોજકોની તારીખ સાથે મેળ પડતો ન હતો. અંતે એક કથાકાર મળી ગયા. અને ભાગવત ઉપર કથાનું આયોજન થયું.

ત્રણ દિવસની કથા ઘણી સરસ થઇ. દાન પણ સારું મળ્યું. પરંતુ છેલ્લા દિવસે શ્રોતા સાથેની પ્રશ્નોત્તરી દરમ્યાન એક શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો, "મેં એવું સાંભળ્યું છે કે રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણ વગેરે ગ્રંથો શુદ્રો માટે નથી. શાસ્ત્રો તેમને એનું વાચન, પઠન કે શ્રવણ કરવાનો અધિકાર આપતાં નથી. શું એ સાચું ?" એના જવાબમાં કથાકારે જણાવ્યું "હવે આધુનિક જમાનામાં આવું ખાસ રહ્યું નથી. હાલના સંજોગોમાં આ પ્રશ્નનો જવાબ પણ એટલો સરળ નથી. એક જવાબ બીજા અનેક પ્રશ્નો ઉભા કરી શકે. છતાં પરંતુ શાસ્ત્રોની વાત કરીએ તો હું એક સંદર્ભ આપું છું. ધ્યાનથી સાંભળજો. શ્રી હરિહર પુસ્તકાલય, સુરત દ્વારા પ્રકાશિત અને શ્રી મહર્ષિ વેદવ્યાસ પ્રણિત શ્રી હરિવંશ અથવા ઉત્તર મહાભારતના પ્રથમ પેજ ઉપર નીચે નોંધમાં જે લખાયું છે તે લગભગ આ પ્રમાણે છે. શ્રોતાઓએ પ્રાતઃકાળે ઉઠીને નિત્યકર્મ પતાવી પ્રારંભે કથાકાર વિદ્વાન આચાર્યને નમસ્કાર કરવા. પછી હરિવંશ માહાત્મ્યનું શ્રવણ કરવું.  સામાન્ય રીતે શ્રોતાઓમાં બ્રાહ્મણોને આગળ, તેમની પાછળ ક્ષત્રિયો અને પછી વૈશ્યોને બેસાડવા જોઈએ. શુદ્રોને પણ કથાનું શ્રવણ કરાવી શકાય.

આ બાબત મધુને ખટકી. મધુના મગજમાં પોતાની કોળી જાતિ માટે એક પ્રકારનું ગૌરવ. નવસારી સાયન્સ કોલેજમાં પણ ક્યારેક મિત્રોની જાતિ વિષયક મજાક  કે ટિપ્પણી તે બિલકુલ સહન કરતી ન હતી.

પ્રશ્ન પૂછવા માટે મધુએ આંગળી ઊંચી કરી. કથાકારે કહ્યં; "બહેન તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો." માઈક હાથમાં લઇ મધુએ પોતાનો પ્રશ્ન પૂછવાનું શરુ કર્યું.

આપે જણાવ્યું કે શુદ્રોને પણ કથા શ્રવણ કરાવી શકાય. ચાલો સમજ્યા મનુસ્મૃતિની જાતિ વ્યવસ્થા અનુસાર તમે આવું કહો છો. પણ તમે જે ભાગવતની કથા કરો છો એ ખરેખર તો મહાભારતની જ કથા છે. મહાભારતના લેખક વેદ વ્યાસ. વશિષ્ઠ ઋષિ બ્રાહ્મણ હતા. તેમનો પુત્ર શક્તિ, તેનો પુત્ર પરાશર. આ પરાશરને શુદ્ર કન્યા મત્સ્યગંધાથી થયેલો પુત્ર વેદ વ્યાસ. આ વેદ વ્યાસ અડધા શુદ્ર અને અડધા બ્રાહ્મણ ગણાવા જોઈએ. વેદવ્યાસના નિયોગ એટલેકે લગ્ન બાહ્ય સબંધોથી થયેલા પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને દાસીપુત્ર વિદુર.

ઋષિ પરાશરે કામના આવેગમાં લગ્ન કર્યા વગર શુદ્ર મત્સ્યગંધા સાથે શરીર સબંધ બાંધ્યો, અને તેનાથી તેમને એક અનૈતિકપુત્ર પેદા થયો, જે વેદવ્યાસ કહેવાયા. વિચિત્રવીર્યને બે પત્નીઓ હતી. તેઓ નિઃસંતાન મર્યા. જયારે તે વંશમાં કોઈ પુરુષ રહ્યા નહીં અને ભીષ્મપિતાની લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા હતી ત્યારે ભીષ્મએ ગતકડું કાઢ્યું કે જો રાજા મૃત્યુ પામે અને રાણી નિઃસંતાન હોય તો શુદ્ધ બ્રાહ્મણ પાસે નિયોગ થી સબંધ બંધાવી પુત્ર પેદા કરી શકાય. અને આ ધર્મથી પેદા થયેલા બાળકો ગણાય. પણ આવું કરવાનું કયા ગ્રંથોમાં લખાયું છે એ ન જણાવ્યું. વ્યાસમુનિએ તો બંને રાણીઓ અને એક દાસીને પણ નિયોગથી પુત્રો પેદા કરી આપ્યા.

       હવે પ્રશ્ન એ છે કે વ્યાસના દાસી સાથેના સંબંધથી વિદુર પેદા થયા તેઓ આખી જીંદગી તરછોડાયેલા રહ્યા. દાસીપુત્ર કહેવાયા. કારણ કે તેની માતા દાસી હતી, શુદ્ર હતી. જો આવું જ હોય તો પરાશર મુનિની લગ્ન કર્યા વગરની શુદ્ર મત્સ્યગંધા સાથેના સંબંધથી પેદા થયેલ બાળક વેદ વ્યાસ બ્રાહ્મણ શી રીતે કહેવાય ? હજુ એક આડ પ્રશ્ન બાકી રહી જાય, પરાશર મુનિએ એ શુદ્ર કન્યા સાથે એની સંમતિથી, પ્રેમથી શરીર સબંધ બાંધ્યો હતો કે બળાત્કાર કર્યો હતો? કહેવાય છે કે તે સમયે સૂર્ય હજુ આકાશમાં હતો પણ આવેગી પરાશરે પોતાની વિદ્યા શક્તિથી આજુબાજુમાં ધુમ્મસનું વાતાવરણ ફેલાવી દીધું હતું.

          વ્યાસજીના બાપ બ્રાહ્મણ એટલે વ્યાસજી બ્રાહ્મણ, ભલે માતા શુદ્ર હોય. જયારે એ જ વ્યાસજીના દાસી સાથેના સંબંધથી પેદા થયેલ વિદુરજી વ્યાસપુત્ર અર્થાત બ્રાહ્મણ શા માટે નહીં ? જો વિદુર શુદ્ર તો વ્યાસ પણ શુદ્ર અને જો વ્યાસ બ્રાહ્મણ તો વિદુર પણ બ્રાહ્મણ જ ગણાવા જોઈએ. આ બન્નેની માતા શુદ્ર હતી.

રામાયણના લેખક વાલ્મિકી ઋષિ મૂળે કોણ હતા? કેટલાક લોકો વાલ્મિકી ઋષિને શુદ્ર ભીલ અથવા કોળી સમજે છે. તો કેટલાકના મતે તેઓ બ્રાહ્મણ હતા. અરે ! રાવણની બાબતમાં પણ મતમતાંતરો છે. જે કથાની રચના થોડાંક હજાર વરસ પહેલાં એક શૂદ્રે કરી, તે જ કથા અત્યારના આધુનિક અને વૈજ્ઞાનિક કહેવાતા યુગમાં એક બ્રાહ્મણ શ્રોતાઓ સમક્ષ કરી રહ્યા છે. અને એનું શ્રવણ કરવા માટે શૂદ્રોએ જ પાછળ બેસવાનું ??

મહાભારતના પાત્રોમાં તો શુદ્રોનું લોહી છે. એમના અડધા જીન શુદ્રના છે. તો પછી શૂદ્રોએ પણ બ્રાહ્મણો સાથે આગળ ન બેસવું જોઈએ? અને ખરેખર તો હજુ જાતિવાદની શી જરૂર છે ? તમે કથાકારો કેમ જાતિવાદ વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતા?”

મધુના આ પ્રશ્નોથી આખી સભા સ્તબ્ધ થઇ ગઈ. કારણ કે ત્યાં બ્રાહ્મણ માત્ર એક જ હતા તે કથાકાર. ત્રણ કુટુંબો ક્ષત્રિયોનાં અને પંદર વીસ શાહ અટકધારી વાણિયાઓ એટલેકે વૈશ્યો હતા. આ સિવાય લગભગ અઢીસો માણસો શુદ્રો હતા જેમાં પાટીદાર પટેલો, કોળી પટેલો અને અન્યો હતા.

બહેન તમારી હિંમત અને જ્ઞાનથી હું પ્રભાવિત થયો છું. ખરેખર જાતિવાદને તિલાંજલિ આપવાનો સમય તો ક્યારનોય પાકી ગયો છે. પણ હિન્દુસ્તાનનું રાજકારણ એની પરવાનગી નથી આપતું. અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ ભારતીય રાજકારણીઓને બરાબર માફક આવી ગઈ છે. જાતિવાદની સાથે શિક્ષણ અને નોકરીમાં અનાતમનો પ્રશ્ન જોડાયેલો છે. જે અનામતની નીતિ આઝાદી પછી માત્ર દસ થી પચીસ વરસ બાદ દૂર કરવાની જરૂર હતી તેને હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. એમાંથી જ મંડલ - કમંડલ ના પ્રશ્નો ઉભા થયા. બહેન આપણું આ પ્લેટફોર્મ જાતિવાદ, મનુવાદ, અનામત, અંધશ્રદ્ધા વગેરે માટે ઘણું નાનું છે. પ્રજામાં જ શિક્ષણ, સંસ્કાર, નિખાલસતા, સમાનતા, ભાઈચારો વગેરે સાથે નૈતિક જાગૃતિ આવે એ જ જરૂરી છે. અને એ માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. એવું કહી કથા કથાકારે પુરી કરી દીધી. પણ માયામીના ગુજરાતી સમાજના કેટલાક લોકોએ  મધુના જ્ઞાન અને હિંમતના વખાણ કર્યાં. જયારે કેટલાકે એને હલકટ ગણાવી.

હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે યોજાયેલા 'હાઉ ડી મોદી' કાર્યક્રમમાં મધુ અને મહેશભાઈએ ઉત્સાહભેર ભાગ લીધો. એટલું જ નહીં પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે હસ્તધુન કરવાની અને નરેન્દ્રભાઈ મોદીને એકદમ નજીકથી નમસ્તે કરવાની તક પણ મધુને મળી. 

મહેશભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ખુબ ખુશ છે. તેઓ અને તેમના કેટલાક મિત્રો પોતાને મોદીફાઇડ ગણાવે છે. મહેશભાઈના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનાં કાર્યો અને વિચારો ઉપર ગાંધીજીનો જબરો પ્રભાવ. તેમણે આજીવન ખાદીનાં કપડાં પહેર્યાં હતાં. જો કે તેઓ ઈન્દીરા ગાંધીના વિરોધી હતા. કોંગ્રેસના ભાગલા પછી તેઓ સંસ્થા કોંગ્રેસના કાર્યકર્તા બની ગયા. કટોકટી વેળા જેલમાં જવાનો તેમનો વારો આવે તે પહેલાં જ ચૂંટણીની જાહેરાત થઇ ગઈ અને તેઓ બચી ગયા. જો કે મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા અને પછી માત્ર એકાદ મહિનામાં જ તેમનું અવસાન થયેલું. 

મહેશભાઈ જેવા ઘણા લોકો એવા છે જેમને શ્રી નરેન્દ્ર મોદી ગમે છે. કાયમ માટે ભાજપ ની સરકાર બને અને નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન બને એવું ઈચ્છે છે. તેમને સાવરકર સામે પણ કોઈ વાંધો નથી. આર.એસ.એસ. પણ ગમે છે. સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝદ વગેરે માટે પણ ઉચ્ચ આદર ધરાવે છે. જવાહરલાલ નહેરુ માટે પણ એટલો બધો અણગમો નથી. ભાજપને વોટ આપે છે અને અપાવે પણ છે. પણ કહેવાતા હિન્દુવાદીઓ દ્વારા મહાત્મા ગાંધી વિષે સોસીયલ મીડિયામાં જે ખોટેખોટા આરોપો લગાવીને ઝેર ઓકવામાં આવે છે તે નથી ગમતું. તેઓ સ્પષ્ટપણે માને છે કે ભારતની આઝાદીમાં ભલે બીજા અનેક લોકોનો હાથ હોય પણ બ્રિટિશ સરકારે વાતચીત માત્ર ગાંધીજી અને કોંગ્રેસ સાથે જ કરી હતી. આથી આઝાદી ગાંધીજીએ અપાવી એ ખોટું તો નથી જ. ઉપરાંત તેમને વોટ્સએપ યુનિવર્સીટીના બોગસ જ્ઞાન સામે પણ વાંધો છે. આવા ખોટા સમાચારો અને અફવાઓ ક્યારેક દેશની શાંતિ ડહોળી શકે અને આફત નોતરી શકે એવી સંભાવનાઓ પણ રહેલી છે.

 

મધુરમ 14

 

મધુરમ 14

મોટેલ મધુનો બિઝનેસ બરાબર ઝામ્યો છે. સ્ટાફ પણ પૂરતો છે અને સારો છે. હવે મધુ પોતે ખાસ સમય નથી આપતી. મોટા ભાગનું કામ એપ્મ્પ્લોયયીઝ પતાવી લે છે. મેનેજર વિશ્વાસુ મળ્યો છે. જુલાઈ મહિનાની ખુબસુરત સાંજે એક લક્ઝરી કોચ મોટેલ મધુના પાર્કિંગ લોટમાં એન્ટર થઇ. મેનેજરે કહ્યું, “મોન્ટ્રિઅલ, કેનેડાથી ગુજરાતી મિત્રોનું એક વૃન્દ અમેરિકાની સહેલગાહે નીકળ્યું છે. એમનો આપણી મોટેલમાં બે દિવસનો ઉતારો છે. મોન્ટ્રિઅલ નામ સાંભળી મધુના ચહેરા પર ચમક આવી ગઈ. કોચમાંથી મુસાફરો ઉતરતા ગયા અને મધુ પોતાની ઓફિસમાં બેઠી બેઠી તેમને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. ઘણા ચહેરાઓ પરિચિત હતા.

મોટેલ મધુ અને મધુબહેનથી મોન્ટ્રિઅલના, નવસારી વિસ્તારના લોકો પરિચિત હતા. મધુએ સૌને આવકાર આપ્યો. મહેમાનોને પણ મોટેલ મધુ પોતીકી લાગી. આ વૃંદના લીડર હતા પંકજભાઈ પટેલ. મધુ અને પંકજભાઈ ઇન્ડિયાની બહાર પહેલીવાર મળ્યાં. બંને એકબીજાને ભેટી પડયાં. આ એ જ પંકજભાઈ છે જેઓ નવસારીની એગ્રિકલચર કોલેજમાં ભણતા હતા અને મધુને જયારે અચાનક લોહી ની જરૂર પડી હતી ત્યારે તેમણે જ ખુબ મદદ કરી હતી.

રાતે પથારીમાં પડી પડી મધુ પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ. વાત હતી વર્ષ 1983ની. મધુને બીજી ડીલીવરી માટે નવસારીની આનંદ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડીલીવરી પહેલાં મધુને કેટલાક શારીરિક કોપ્લિકેશન્સ શરુ થયાં. નવસારીના ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ ભેગા થયા. સુરત અને અમદાવાદના ગાયનેકૉલોસ્ટિસ્ટની પણ સલાહ લેવામાં આવી. પરંતુ મધુની તબિયત બગડતી જતી હતી. બ્લડપ્રેશર સતત વધતું જતું હતુ. ડોકટરો મા અથવા બાળક બે માંથી કોઈ એક ને જ બચાવી શકશે એવું લાગતું હતું. મહેશભાઈએ મધુને બચાવી લેવા માટે સંમતિ આપી અને જરૂરી પેપરો ઉપર સહી કરી આપી.

સિઝેરિયન કરીને બાળકને લઇ લેવામાં આવ્યું. પણ બાળક થોડું કુપોષિત હતું. દીકરી સ્નેહા પછી એને દીકરો અવતર્યો હતો. એક તરફ દીકરો અવતરવાની ખુશી હતી પરંતુ તેની શારીરિક પરિસ્થિતિ ચિંતાજનક હતી. બરાબર આ જ દિવસે ઈંગ્લેન્ડમાં પ્રુડેન્શિયલ ક્રિકેટ વર્ડ કપની સેમી ફાઇનલમાં સંદીપ પાટીલની ધમાકેદાર બેટિંગના જોરે ભારતે વિજય મેળવ્યો હતો. અને એ જ પાટિલના ફેન મહેશભાઈએ પોતાના સંતાનનું નામ 'સંદીપ' રાખ્યું હતું.

મધુને વધુ એક સર્જરીની જરૂર પડી. એની ઓવરી કાઢી નાખવી પડી. બીજી બાજુ સંદીપ પણ બે અઠવાડિયાનું આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવી ગયો. આ સર્જરી વખતે એને લોહીની જરૂર પડી. કમનસીબે નવસારીની  રેડક્રોસ સોસાયટી પાસે ઓ પોઝીટીવ બ્લડ ઉપલબ્ધ ન હતું. તાત્કાલિક બ્લડ ડોનેટ કરે તેવી વ્યક્તિઓની શોધ શરુ થઇ. મધુના ગામના જે લોકો નજીક હતા તે પૈકી ત્રણ જણાનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ હતું પરંતુ આ ત્રણે ત્રણ આલ્કોહોલિક હતા. ત્યારે કોકે નવસારી એગ્રિકલચર કોલેજના વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશનમાં અગ્રેસર રહે છે એવી માહિતી આપી. મહેશભાઈના મિત્ર, કેમેસ્ટ્રી ટીચર, જયપ્રકાશ પંડયા રીક્ષા લઇ એરૂ ચાર રસ્તા ઉપર આવેલ ખેતીવાડી કોલેજમાં પહોંચ્યા. ત્યાં તેમને પંકજ મળી ગયો. પરિસ્થિતિની ગંભીરતા સમજી જઈને પંકજ અને એમના સાત મિત્રો તરત જ સાયકલ લઈને નવસારી રેડક્રોસ ભવન પહોંચ્યા. તાત્કાલિક બ્લડ ડોનેટ થયું. આનંદ હોસ્પિટલમાં મોકલાયું અને મધુને બચાવી લેવાઈ.

બીજા દિવસે મોન્ટ્રિઅલનું પ્રવાસી વૃંદ પરત થયું ત્યારે મધુએ તમામ પેસેન્જરોને પચાસ ટકા રાહત આપી. ઉપરાંત પંકજને પોતાના ઘરના આંબાની કેરીનું એક પેકેટ ભેટ આપ્યું. અને બસના પેસેન્જરોને 1983ની સાલના બ્લડ ડોનેશનની વાત જણાવી.

 

મધુરમ 13

 

મધુરમ 13

ભારતમાં 2011ની સાલમાં ક્રિકેટનો વર્લ્ડકપ ચાલી રહ્યો હતો. મહેશભાઈ અને અરવિંદભાઈએ ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી પરંતુ મધુ વધારે વ્યસ્ત હોવાથી એણે  પોતાની અશક્તિ જાહેર કરી. આ બાબત ઈલાબહેનને ભાવતી મળી. આથી આ બન્ને સાથે ઇલાબહેન ચાર વીક માટે ઇન્ડિયા ગયાં.

"એઈ, સાંભળો કે?" તક મળતાં ઇલાબહેને અરવીંદભાઈ તરફ બાઉંસર ફેંક્યો. "તમને એવું નથી લાગતું કે આપણો નીલ ધીમે ધીમે આપણો મટીને વહુનો થતો જાય છે? અને હવે તો આ મધલી પણ બિઝનેસ પાર્ટનર બનીને બહુ હોંશિયારી મારતી થઇ ગઈ છે. આજે આપણી એક મોટેલની અડધી માલિકણ બની બેઠી છે. આવતી કાલે આપણી બધી જ મોટેલ એ પચાવી જશે. નીલ અને વહુ પણ કોઈ નવો ધંધો શરુ કરવાનું વિચારે છે. હું તો કહું છું જરા વિચારો, આપણા ઘડપણમાં આપણેઓલ્ડ એજ હોમમાં જવાનો વારો આવવાનો છે.

પહેલી એપ્રિલની રાતે મુંબઈ ખાતે હોટેલ હોલીડે ઈન ના સ્યુટમાં અરવીંદભાઈ પત્નીનો બાઉન્સર ખાસ કોઈ પ્રતિભાવ આપ્યા વિના ખાળી ગયા. હજુ અડધો કલાક પહેલાં જ મહેશભાઈ જોડે બિયરના બે જામ સાથે ડીનર પતાવીને તેઓ આવ્યા હતા. મહેશભાઈ બાજુના સ્યુટમાં જ હતા. અરવીંદભાઈએ ઈલાના મોઢે મધુ માટે 'મધલી' શબ્દ પહેલી વાર સાંભળ્યો. ઇલાના મનનો આ વહેમ એપ્રિલફૂલ જેવો ખોટો નીકળે તો સારું, જો કે સમાજમાં ચાલતા કાવાદાવાથી વાકેફ અરવિંદભાઈએ પોતાની રીતે સાવધાની રાખવી સારી એવું મનમાં નક્કી કરી લીધું.

વર્લ્ડ કપની ફાઇનલનો ધોનીનો છગ્ગો અને ઈલાબહેનનો બાઉન્સર અરવીંદભાઈના દિમાગને ક્યારેક બેલેન્સ તો ક્યારેક ઈમ્બેલેન્સ કરી દેતા હતા. રાતે વર્ડકપની જીતની ખુશી અને ઇલાબેનની ટકોરને કારણે અરવીંદભાઈ એક પછી એક એમ હાર્ડ ડ્રિંકના પેગ લગાવતા ગયા. મહેશભાઈની, હવે વધુ નહીં ની કોઈ વિનંતી તેમણે ધ્યાને લીધી નહીં. પરિણામે તેઓ લગભગ ટલ્લી થઇ ગયા.

બીજા દિવસથી અરવીંદભાઈએ જાતને સંભાળી લીધી. થોડા દિવસ પછી અરવિંદભાઈ અને ઇલાબહેન મોન્ટ્રિઅલ જયારે મહેશભાઈ માયામી પરત ફર્યા. જો કે અરવિંદભાઈના મગજમાં શંકાનો કીડો સળવળતો કરી દેવામાં ઇલાબહેન કઈંક અંશે સફળ જરૂર રહયાં.

નીલના બિઝનેસ માઈન્ડમાં મુંબઈમાં પ્રોપર્ટી ખરીદી ત્યાંથી કોલસેન્ટર ચલાવવાના પ્લાન હતો. જે આઠ કરોડથી વધીને હવે પંદર કરોડ ઉપર પહોંચ્યો હતો. જો કે હજુ બધું કાગળ ઉપર જ હતું. સ્નેહાના કમ્પ્યુટર સાયન્સના અભ્યાસને અહીં કામે લગાડવાનો પ્લાન હતો.

2008 અને 2011ની ઇન્ડિયાની વિઝીટ વેળા અરવિંદભાઈ સારી એવી રકમ ઇન્ડિયાની બેંકમાં ડિપોઝીટ કરાવી ગયા હતા. એ ઉપરાંત ગામ અને નવસારી ખાતે જુદી જુદી બેન્કના લોકરમાં પણ દોઢથી બે કરોડ રૂપિયા કેશ પડેલા હતા. આ તમામ રકમ કોલસેન્ટર માટેની હતી.

આખા અરવિંદમ ફેમિલીમાં સોપો પડી ગયો જયારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કરી. પાંચસો અને હજારના મૂલ્યની ચલણી નોટો રદ થયેલી જાહેર કરવામાં આવી. આ ફેમિલીનું ઇન્ડિયા ખાતે ટ્રાન્સફર થયેલ કાળા નાણાં પૈકીનું કેટલુંક હજારની નોટના સ્વરૂપમાં જુદી જુદી બેંકોના લોકરોમાં પડયું હતું. જે વડાપ્રધાનની એક જ જાહેરાતને પગલે કરોડને બદલે ધૂળ બરાબર થઇ ગયું હતું. અરવિંદભાઈને ખુબ આઘાત લાગ્યો. છાશવારે નરેન્દ્ર મોદીના વખાણ કરતા મહેશભાઈ ઉપર પણ તેમનો ગુસ્સો નીકળ્યો. બળતામાં ઘી હોમતાં ઇલાબહેન પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવા મંડયાં. સ્નેહા અને નીલ પણ અપસેટ હતાં.

પણ માયામીમાં બેઠાં બેઠાં મધુ પાસે આને ઉકેલ હતો. એમનો મિત્ર નાયર જે હવે બેંક મેનેજર બની ગયો છે અને સુરતની જ એક બ્રાન્ચમાં પોસ્ટીંગ પામ્યો છે. મધુએ યેન કેન પ્રકારે મોટાભાગનાં કાળા નાણાંનું વ્હાઈટમાં રૂપાંતર કરાવી દીધું. અમુક ટકા રકમ લાંચ આપવા માટે પણ વાપરવી પડી. આ પરાક્રમથી કુટુંબમાં મધુના મોભામાં ઘણો વધારો થયો. ઈલાબહેનને પણ નાણાં બચવાનો આનંદ થયો પરંતુ મધલી વટ પાડી ગઈ તેનો અફસોસ પણ થયો.

બે વેવણો, પરસ્પરના વિરુદ્ધ ધ્રુવો, એક બીજાથી સેંકડો કિલોમીટર દૂર મોન્ટ્રિઅલ અને માયામીમાં હોવા છતાં પણ ઈલાબહેનના સ્વભાવમાં રહેલી સ્ત્રી સહજ અદેખાઈને કારણે થોડા ખટાશ વાળા બનતા જતા હતા.

આમ તો આ બંને વેવણો વચ્ચે ક્યારેય બોલાચાલી થઇ નથી પરંતુ ઈલાબહેનના ટોણા મધુની સમજદારીથી બહાર રહેતા ન હતા. ચબરાક મધુ સમજી જતી પણ મૌન રહીને મામલો બગડવા દેતી ન હતી. આમ ઈલાબહેનના પ્રયત્નો નિષ્ફળ રહેતા. આનો જશ મધુની નિખાલસતાને જ આપવો પડે.