મધુરમ 6
હવે સ્નેહાએ અભ્યાસમાં મન પરોવ્યું. અને
માર્ચમાં હાયર સેકન્ડરીની પરીક્ષા આપી. એ દરમ્યાન નીલે પણ ફોનનું બ્રહ્મચર્ય
પાળ્યું. ત્યારે પેજર અને મોબાઈલ હજુ નવા હતા. એસ.ટી.ડી. પી.સી.ઓ. નો જમાનો હતો.
જૂન મહિનાના પહેલા
વીકમાં સ્નેહાનું રિઝલ્ટ આવ્યું. દિવાળી પછી એના દશ વીક બગડ્યાં હતાં છતાં 85 ટકા માર્ક્સ મેળવી તે સ્કૂલમાં પ્રથમ આવી. હવે કોઈ
કોલેજમાં એડમિશન લેવાને બદલે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાના ક્લાસ શરુ કર્યા. વળી પાછી
મધુને ચિંતા પેઠી. પોતે પણ નવસારી જઈને ઇંગ્લીશના ક્લાસ કરેલા ત્યારેજ મોટ્ટી ભૂલ
પણ કરેલી ને ! ઘણી વાર મધુ સ્નેહાના જવાના સમયે કોઈને કોઈ બહાનું કરીને બસમાં સાથે
જતી અથવા આવતી વેળા સાથે થઇ જતી. ટૂંકમાં ચોકી પહેરો રાખવાનું શરુ કર્યું.
સ્નેહાને પહેલાં તો ખ્યાલ ન આવ્યો પણ પછી જયારે એને ખાતરી થઇ ગઈ ત્યારે એણે
મમ્મીને ખખડાવી.
બસમાં અને સ્કૂલમાં અનેક
છોકરાઓનું ધ્યાન સ્નેહા તરફ રહેતું તે મધુ જાણતી હતી. છતાં ‘સેલ્ફ
કોન્ફિડેન્સ’ની વાત કરીને સ્નેહાએ મધુના મનનો ભાર હળવો
કર્યો.
સ્નેહા અને નીલની ફોન
પર વાતો કલાકો ચાલતી. ક્યારેક એમાં મધુ અને મહેશભાઈ તથા અરવિંદભાઈ અને ઇલાબેન પણ
જોડાતાં. છેલ્લા છ મહિનામાં મધુએ સાત પાર્સલ મોકલ્યાં, જેમાં
અથાણાં,પાપડ અને મસાલા મુખ્ય હતાં.
મધુના વ્યવહારમાં હવે
થોડો ફેર પડવા મંડયો. કેનેડાની ગરમી એના વ્યવહારમાં સ્પષ્ટ દેખાતી. કોઈપણ મિત્રો
કે સગાસંબંધી જોડે વાતચીતમાં સ્વપ્નિલની વાતો તો આવે જ. કેટલાંક વાક્યો હવે એની
વાતચીતની આદત બની ગયાં. જેમકે; “અમારા
સ્વપ્નિલકુમારને મારાં હાથનાં બનાવેલાં મેથિયાં અને ગોળીયાં અથાણાં બહુજ ભાવે...
હવે તો તેઓ લિજ્જત બીજજતના
પાપડ ખાતા જ નથી. ઘરનાં બનાવેલા પાપડમાં જે સ્વાદ મળે એ કંપનીના પાપડમાં થોડો હોય?”
એક દિવસ મધુ પાર્સલ
કરવા માટે નવસારી ગઈ. ત્યાં તેને મિસિસ નાયર અને મિસિસ ચૌધરી મળ્યાં. મિસિસ નાયરને
આ પાર્સલ વાળી બાબત જરા વિચિત્ર લાગતી. તેને સમજાવતાં, મિસિસ
ચૌધરીએ હિન્દી ભાષામાં સમજાવ્યું; “હમ ગુજરાતી લોગ કો બહાર
જા કે ગુજરાતી ખાના વગર ચેન નહીં પડતા હૈ. ઇસલિયે પાર્સલ મોકલના પડતા હૈ. જો ખાને
કી મઝા હૈ વો તો અથાણાં એન્ડ પાપડમાં જ હૈ. સમજી ગ્યાં ?”
જોતજોતામાં નવેંબર
આવી ગયો. આજે ૨૧મી નવેમ્બર. સ્નેહાનો અઢારમો બર્થ ડે. અઢાર પૂરાં એટલે, 1996ની સાલના ભારત સરકારના નિયમ મુજબ, ઓફિશિયલી પરણવા
લાયક. પણ બે દિવસથી નીલનો ફોન નથી. એનો ફોન જરૂર આવશે માનીને સ્નેહાએ સામેથી ફોન
નથી કર્યો. દિવસ આખો રાહ જોઈ. અહીં સાંજ થઇ એટલે મોન્ટ્રિઅલમાં સવાર થઇ હશે. હવે
જરૂર ફોન આવશે માનીને સતત ફોન ઉપર નજર રાખતી રહી. રાતના આઠ વાગ્યા, હજુ સુધી ફોન નથી આવ્યો. તે દરમ્યાન અનેક લોકોના ફોન આવી ગયા. મામા-મામી,
માસી અને માસાજી, સુધામાસી અને કેટલીય સખીઓના
ફોન આવ્યા. બધાએ બર્થ ડે વિશ કરી. પણ જેની રાહ જોતી હતી એ બેખબર હતો.
સ્નેહાની કેક સુધામાસીએ
સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવી હતી. લગભગ ત્રીસ મહેમાનો હાજર હતા. જેમાં વીસ તો
સ્નેહાની સખીઓ જ હતી. સૌ સ્નેહાને વિશ કરીને સ્વપ્નિલ વિષે પૂછતાં હતાં. સ્નેહા
કૃત્રિમ હાસ્ય લાવીને વાત કરતી હતી પણ મન મૂંઝાતું હતું. આવું જ મધુનું પણ હતું.
મહેશભાઈ પણ થોડા બેચેન હતા. સૌમાં કોઈ અતિ ખુશ હોય તો તે સુધા અને પ્રવીણ હતાં. જો
કે એમનો છોકરો સ્નેહલ ગેરહાજર હતો.
બરાબર આઠ વાગે પ્રોગ્રામ શરુ થયો. રૂમની બંને લાઈટો બુઝાવી નાખી હતી.
માત્ર અઢાર કેન્ડલનો પ્રકાશ હતો. અને એ પ્રકાશ પણ સ્નેહાની ફૂંક સાથે ગયો.
અંધારું થઇ ગયું. સૌ 'હેપી બર્થ ડે ટુ યુ' ગાતા હતા ત્યાં અચાનક રૂમની બંને લાઈટો ચાલુ થઇ. સ્નેહાની આંખમાં આંસુ
હતાં. બે દિવસથી નીલનાં કોઈ સમાચાર નથી. અને એની પાછળ ઉભો રહીને નીલ 'હેપી બર્થ ડે' વાળા ગીતમાં પોતાનો સુર પૂરાવતો હતો.
સૌ આશ્ચર્ય ચકિત થઈને નીલને જોઈ રહ્યા હતા અને સ્નેહા હજુ સુધી બેખબર હતી.
બરાબર સ્નેહાના બર્થ
ડે ના દિવસે જ ચુપચાપ ઇન્ડિયા આવવાનો કોન્ફીડેન્શીયલ પ્લાન નીલનો જ હતો. તેમાં
કેતન અને સુધાના સ્નેહલનો સાથ લીધો હતો. આ બંને નીલને રિસીવ કરવા મુંબઈ ગયા હતા.
સવારે નવસારી આવીને સુધાને બંગલે આરામ કર્યો ત્યારે જ સુધા અને પ્રવીણને પણ ખબર
પડી. જો કે કોઈને ન કહેવાના વચનને કારણે સુધાએ આ વાત મધુથી પણ છુપાવી રાખી હતી.
લોકો હસતાં હતાં, સ્નેહા
રડતી હતી અને એક સખી બોલી; "અલી આંધળી, જરા પાછળ તો જો". સ્નેહાએ જરા પાછળ નજર કરી અને સ્તબ્ધ થઇ ગઈ. આખો
દિવસ કશુંક અમંગળ બની ગયું કે શું એવું વિચારતી સ્નેહા નીલની હાજરીને પચાવી ન શકી
હોય એમ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ આનંદનું આક્રંદ હતું. જો મિત્રો, સગાંઓ અને ખાસ તો પપ્પાની હાજરી ન હોત તો, સ્નેહા
નીલને કાચો ને કાચો ખાઈ જાત.
પછી તો પાર્ટી એવી
ઝામી એવી ઝામી કે ન પૂછો વાત. વેજ અને નોનવેજ સાથે જ્યુસ અને હાર્ડ ડ્રિન્કની
વ્યવસ્થા પણ કેતન,
સ્નેહલ અને પ્રવીણભાઈ દ્વારા થઇ ગઈ હતી. નીલ પણ પેરિસથી એક બોટલ
શેમપેઇન લઇ આવ્યો હતો. સખીઓએ નોન આલ્કોહોલિક ડ્રિન્ક સમજીને પહેલાં શેમપેઇન અને
પછી સેવન-અપ મિશ્રિત વોડકાનો સ્વાદ પણ ચાખી લીધો. રાતે એક
વાગે પાર્ટી પુરી થઇ. નીલની સાથે કેતન અને સ્નેહલ પણ સખીઓ સંગ મન મૂકીને નાચ્યા.
નવેમ્બરની ઠંડીને હાર્ડ ડ્રિંકે અને ડાન્સે દૂર ભગાડી દીધી. ગામમાં કેટલાક માટે તો
‘બર્થ ડે’ ની ઉજવણીનો પહેલો પ્રસંગ
હતો. કહેવાતા કડક વડીલોની ગેરહાજરીનો પુરેપુરો લાભ લઇ લેવાયો.
No comments:
Post a Comment