મધુરમ 8
બીજે આઠવાડિયે નીલ
મોન્ટ્રિઅલ રિટર્ન થયો. બબ્બે મોટેલનો કારભાર પણ સાંભળવાનો હતો ને ! તે પહેલાં આણા
અને ઉંબર પૂજવાની વિધિ પણ પતાવી દેવાઈ. વળી હનીમૂન તો 'પ્રિ
મેરેજ' થઇ જ ગયું હતું.
સ્નેહાનું નસીબ જોર
કરતુ હતું. માત્ર નવ જ મહિનામાં એને કેનેડાના વિસા મળી ગયા. ‘સ્વિસ
એર’ ની બિઝનેસ ક્લાસની એક ટિકિટ બુક કરાવાઇ હતી. સ્નેહાના
સાસરાનું ઘર તો બંધ હતું આથી તેણે પોતાના પિયરમાંથી જ પરદેશ ગમન કરવાનું હતું.
સ્નેહાને વિદાય આપવા
માટે એની અનેક સહેલીઓ અને સહાધ્યાયીનીઓ આવી હતી. ઉપરાંત સાગા-સબંધી અને મિત્રોનું
પણ મોટું ટોળું હતું. મહેમાનોને સ્નેહાની વિદાય વેળા કપાળે ચાંદલો ન કરવાની સ્પષ્ટ
વિનંતી કરવામાં આવી હતી. જેથી તેનો મેકઅપ બગડે નહીં. મહેમાનોએ પણ એ વિનંતીનું પાલન
કર્યું. મોટાભાગના લોકોએ પુષ્પની કલગી પકડાવીને જ વિદાય આપી. એક બાજુ પરદેશગમનનો આનંદ અને બીજી બાજુ વિરહની
વેદનાનો ખીચડો થતો હતો. હસતાં ને રડતાં સ્નેહાની સવારી ઘરની બહાર નીકળી.
કેતને મુંબઈ જવા માટે
ટેમ્પો ટ્રાવેલરની વ્યવસ્થા કરી હતી. મધુ, મહેશભાઈ અને સ્નેહા
ઉપરાંત સુધા અને બીજાં ચાર લોકો પણ મફતમાં મુંબઈની લટાર મારવા અને ચારોટી ખાતે
ચુસ્કી લગાવવાના લોભે ટ્રાવેલરમાં સવાર થઇ ગયા.
સ્નેહા માટે પ્લેનની
આ મુસાફરી પહેલીવારની ન હતી. એરઇન્ડિયા, ઇન્ડિયન એરલાઈન્સ, ગલ્ફ એર, એમિરેટ્સ અને સિંગાપોર એરલાઈન્સ પછી સ્વિસ એર છઠ્ઠી એરલાઇન હતી. તે બિઝનેસ ક્લાસમાં જતી હોવાથી સ્વાભાવિક પણે વટ
વધુ હતો. પણ પહેલીવાર એ એકલી મુસાફરી કરી રહી હતી.
બત્રીસ બત્રીસ કિલો
વજનની બે બેગ અને દસ કિલોની એક હેન્ડબેગમાં ઠાંસી ઠાંસીને સમાન ભર્યું હોવા છતાં
મધુએ ખાસ કાળજી એ રાખી હતી કે કોઈપણ એવી ચીજ બેગમાં ન જવી જોઈએ જેને ઇન્ડિયા કે
કેનેડાની સરકારે પ્રતિબંધિત કરી હોય. અરે ! સ્વનિલનાં માસીએ આપેલા માત્ર પાંચ
માલપૂડાનું પેકેટ એણે કોઈને ખબર ન પડે એમ બેગમાં જવા દીધું ન હતું કારણ કે માલપૂડા
ઉપર ભભરાવાતી ‘ખસખસ’ કેનેડામાં ‘ડ્રગ્સ’ ની ડેફીનેશનમાં આવતી હતી. મહાવીર
જોષીની ગુનાખોરીની દુનિયા બાબતની ટકોરનું આ સીધું પરિણામ હતું.
ઝયુરીચ એરપોર્ટ ઉપર એ
પોતાની મોન્ટ્રિઅલની ફ્લાઈટની રાહ જોતી બેઠી હતી ત્યારે આપણા નવસારી કાંઠાનું
જણાતું એક વૃધ્ધ યુગલ બરાબર એની બાજુમાં આવીને બેઠું. લગભગ સિત્તેરની આસપાસની
ઉંમરનું જણાતું આ યુગલ કોક મુશ્કેલીમાં હોય એવું લાગતું હતું. તેઓ કાંઠાની ગુજરાતી
ભાષામાં વાત કરતાં હોવાથી ખ્યાલ આવ્યો કે તેમનો એક પાસપોર્ટ ક્યાંક પડી ગયો છે.
તેમની મુશ્કેલી એ હતી કે હવે આ દેશમાં એને શોધવો કેવી રીતે ? અને
પાસપોર્ટ વિના કેનેડા કેવી રીતે જઈ શકાશે? પૂછતાં ખબર
પડી કે આ યુગલ મટવાડ ગામનું છે અને તેઓ ઇન્ડિયામાં ત્રણ મહિના રહીને મોન્ટ્રિઅલ
પરત ફરી રહ્યું છે. કોઈ સંગાથ નથી. ઈંગ્લીશ બોલવાનું ફાવતું નથી.
સ્નેહાના હૃદયમાં
કરુણા ઉપજી. સદનસીબે ત્યારે જ એરપોર્ટ ઉપર ઈંગ્લીશ ભાષામાં જાહેરાત થતી હતી કે: મિસ્ટર
રામનભાઈ કારાસાનભાઈ પટેલ ફ્રોમ ઇન્ડિયા, પ્લીઝ કોન્ટેક્ટ ટુ ઘી વિન્ડો
નંબર 8, ઈમિજિએટલી. નામનો ઉચ્ચાર થોડો અટપટો હોવાથી રમણભાઈને
બરાબર ખ્યાલ ન આવ્યો પણ સ્નેહા સમજી ગઈ. સ્નેહા આ યુગલને લઈને 8 નંબરની વિન્ડો પર
પહોંચી. ત્યાં થોડી પૂછપરછ કરીને રમણભાઈને તેમનો પાસપોર્ટ પરત કર્યો. રમણભાઈથી જ એ
પાસપોર્ટ પડી ગયેલો જે કોઈ મુસાફરે ઓફિસમાં પહોંચતો કરેલો.
આ વૃધ્ધ દંપતીએ
સ્નેહાનો ખુબ આભાર માન્યો. અને જયારે તેમને ખબર પડી કે આ દીકરી તો અરવિંદભાઈની વહુ
છે ત્યારે એમની ખુશી બેવડાઈ ગઈ. ફ્લાઇટ
સમયસર મોન્ટ્રિઅલ લેન્ડ થઇ. ફરીથી સ્નેહાએ જ આ દંપતીની ચાર બેગ શોધવામાં મદદ કરી.
જયારે તેઓ બહાર આવ્યાં ત્યારે સ્નેહાને રિસીવ કરવા આખું 'અરવિંદમ' ફેમિલી આવ્યું હતું.
આ દંપતીએ તેમને મળેલી સ્નેહાની મદદની વાત જણાવી ત્યારે હાજર સૌના દિલમાં સ્નેહા
માટે આદરની લાગણી જન્મી. આમ કેનેડાની ધરતી પર પગ મૂકતાંની સાથેજ સ્નેહાએ સ્નેહ સાથે સૌના દિલ જિતી લીધાં.
No comments:
Post a Comment