Monday, July 24, 2023

મધુરમ 4

 

મધુરમ 4

બીજે આઠવાડિયે સગાઇ કરવાની હતી પરંતુ એમના ગોર મહારાજને ઝેરી મેલેરિયા થયો હોવાથી તેઓ નવસારીની કે.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પણ સુધાના મોહનમામા પાસે આ પ્રશ્નનું નિરાકરણ હતું. એમના એક જુના મિત્ર અને કોલેજના સહાધ્યાયી, મહાવીર જોષી સુરતમાં રહેતા હતા. એમણે સગાઈની વિધી પતાવી આપવાની ખાતરી આપી. સાથે વર, કન્યા અને તેમનાં માતા-પિતા એમ છ જણાની જન્મકુંડળી મંગાવી.  આ છ એ છ પૈકી કોઈની પણ જન્મકુંડળી ક્યારેય કઢાવી ન હતી. મહાવીર જોષીએ એ કામ પોતે જ કર્યું. બીજા અઠવાડિયાના સોમવારે સારું મુહૂર્ત આવતું હતું.

બંને પક્ષે ખાસ કોઈને આમંત્રણ નો'તાં અપાયાં. મધુએ તમામ વ્યવસ્થા પોતાના ઘરમાં જ કરી. મહારાજ થોડા મંત્રો બોલ્યા, એકબીજાને ફૂલોના હાર પહેરાવાયા અને તદ્દન સાદાઈથી માત્ર એક રિંગ સ્નેહાની આંગળીએ પરોવાયને સગાઇ થઇ ગઈ. પછી સ્નેહા નીલને લઈને એની બહેનપણીના ઘરે ગઈ.

મહારાજને એમની દક્ષિણા અપાઈ ગઈ.  કેતન મોહનમામાની ગાડી લઈને આવી ગયો અને મહારાજ તેમાં બેઠા. આવજો, આપનો આભાર અને જય શ્રી ક્રિષ્નના અવાજો વચ્ચે મારૂતીવાન ઉપડી. પણ મહારાજે તરત ગાડી રોકાવી, નીચે ઉતરીને મધુને બોલાવી. જરા બાજુમાં લઇ જઈ ધીરેથી કહ્યું કે;  "બહેન, તમારી જન્મ કુંડળીમાં ગુનાખોરીની દુનિયાના યોગ દેખાય છે. તમે હવે કેનેડા જશો જ એ નક્કી છે. પરંતુ એરપોર્ટ ઉપર કસ્ટમમાં તકલીફ થાય એવી કોઈ વસ્તુ જીવનમાં ક્યારેય પણ સાથે રાખશો નહીં. ક્યારેક તમે હેરાન થઇ શકો એવું મને લાગી રહ્યું છે.

મધુના ચહેરા ઉપર તરત આની અસર થઇ. ચહેરો ફિક્કો પડી ગયો. હવે મહારાજે સરસ સલાહ આપી. આ વાત કોઈને કહેવી નહીં, અને અત્યારે થોડા અસત્યનો આશરો લઇ કહી દેજો કે મહારાજ વધુ દક્ષિણા માંગતા હતા.

મધુ એ હસતાં હસતાં આવીને કહ્યું; મહારાજને દક્ષિણા ઓછી પડી. મોહનમામા જોડે મોકલી આપીશું.

        અહીં સુધા, મધુ, મહેશભાઈ,અરવીંદભાઈ, મોહનભાઇ અને મોહનભાઈના પત્ની મીનાબહેન વાતે વળગ્યાં.

"મહેશભાઈ, એક જૂની વાત છે. મને બરાબર યાદ છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. રાતે બ્લેકઆઉટ થતો. તે સમયે અમે તમારા ગામમાં અમે ક્રિકેટની મેચ રમવા આવેલા. અમારી ટીમનો હું આધારભૂત વન ડાઉન બેટ્સમેન. અને મને તદ્દન નવા છોકરાએ પોતાની પહેલી ઓવરના પહેલા બોલે મને બોલ્ડ કરેલો. અંતે અમે વીસ રનથી એ મેચ હારી ગયેલા. એ દેખાવે લગભગ વેંકટ રાઘવન જેવો હતો. અને ઓફ સ્પિન બોલિંગ પણ રાઘવન જેવી જ કરતો હતો. ખબર નહીં એ છોકરો પછી  ક્રિકેટમાં આગળ વધ્યો કે નહીં." અરવિંદભાઈએ પૂછ્યું.

એ વર્ષોમાં મન્સુ પટેલ, બેટ્સમેન ધીરુ પટેલ, ફાસ્ટ બોલર એચ.યુ. પટેલ અને ઓલરાઉન્ડર અરવિંદ પટેલ, નારણ પટેલ વગેરે કાંઠાની ક્રિકેટના જાણીતાં નામો હતાં.

એ વેંકટ રાઘવન હું જ હતો. ક્રિકેટનો શોખ તો ખરો પણ ગરીબી ઘણી એટલે ફરજીયાત ભણવામાં વધુ ધ્યાન આપ્યું. અને પછી માસ્તર બની ગયો. મહેશભાઈએ જવાબ વાળતાં કહ્યું. 

ક્રિકેટની વાતો શરુ થાય એટલે એનો વહેલો અંત આવે જ નહીં. દાંડી અને મટવાડમાં રમાતી ટુર્નામેન્ટ અને નવસારીની તૈલીશિલ્ડની વાતો થઇ. લુન્સીકૂઈનાં મેદાન પર ટેસ્ટ પ્લેયર રામનાથ પારકરને અને મફતલાલના મેદાન પર અશોક માંકડને આઉટ કરનાર મહેશભાઈના કોલર પણ ઊંચા થયા. અરવિંદભાઈએ 1983ના વર્લ્ડકપની  વિન્ડીઝ સામેની ફાઇનલ, ઇંગ્લન્ડ સામેની સેમિફાઇનલ અને ઝિમ્બાબ્વે સામેની કપિલની 175 રનની મેચ લાઈવ જોયેલી એની વાતો થઇ.

શુભ પ્રસંગની મીઠાઈનો ટુકડો મોં માં મૂકતાં અરવિંદભાઈ પાછા મૂળ વાત પર આવ્યા. તેઓ સ્પષ્ટ વક્તા. એમને વાંકીચૂકી વાતો ફાવે નહીં. કોઈપણ જાતની પહેરામણી,વાંકડો જેવી બાબતોના તેઓ વિરોધી છે એવું સ્પષ્ટ જણાવ્યું. મહેશભાઈને પણ સમાજ સુધારણાની બાબતમાં ઘણો રસ, આથી આ લગ્નમાં આ બંને બાબતોનો છેદ ઉડાડી દેવાનું પણ લગભગ સર્વાનુમતીએ નક્કી કરી લીધું.

"જુઓ મહેશભાઈ, મને જરા છાંટા પાણીની ટેવ. બે બિયર પીધા વિના ઊંઘ ન આવે. તમે તો માસ્તર રહ્યા એટલે નોનઆલ્કોહોલીક હશો ખરુંને ?" અરવીંદભાઈએ પૂછ્યું.

"મને કોઈ જ વ્યસન નથી એ સાચું પણ મિત્રો જોડે ક્યારેક છાંટોપાણી તો કરી લઉં છું." મહેશભાઈ તદ્દન સાચું બોલ્યા. પણ મને તાડી અને નીરાનો શોખ છે. શિયાળામાં વહેલી સવારે સાઇકલ લઈને મટવાડના ખાદી કાર્યાલય પાસે નીરો પીવા જવાનો મારો લગભગ નિત્ય ક્રમ. અવાર નવાર મછાડ મામાના ઘરથી તાડી આવે.

મધુને આ જવાબ ન ગમ્યો એ એના મુખારવિંદ પરથી મોહનમામા કળી ગયા. બોલ્યા; "મધુ, બહુ ડાહ્યો પુરુષ નકામો. પુરુષમાં થોડાક દુર્ગુણ તો જરૂરી. હું પણ ક્યારેક ક્યારેક ચુસ્કી મારી લઉં છું. અને આ અરવિંદ આવે ત્યારે તો બધી જ રાતે અમારી મહેફિલ જામે.

મહેશભાઈ તમારા કયા મિત્રો આમાં રસ ધરાવે છે?" મોહનમામાએ પૂછ્યું.

"અમારા કેમેસ્ટ્રી ટીચર જયપ્રકાશ પંડયા, ભાષાના ટીચર જયંત પાઠક, બેન્ક મેનેજર સૂર્યકાન્ત મોદી, કેરાલિયન કેશિયર નાયર, તલાટી માલેશ દેસાઈ, ગ્રામસેવક રાજેશ ચૌધરી અને હું એમ અમારી સાત મિત્રોની સપ્તર્ષિ. આ બધા બહારગામના નોકરિયાતો આ જ સોસાયટીમાં ભાડેથી રહે. અને આ કહેવાતા ઉચ્ચ વર્ગના લોકોને એગ્સ અને ચિકનનો ભારે શોખ. પણ અમારે આ બધું છાનુંમાનું કરવું પડે. રાજેશ ચૌધરીના ઘરે અમારો પ્રોગ્રામ થાય. અને મહિલા મંડળ મારા ઘરે ભેગું થાય." મહેશભાઈનો આ જવાબ સાંભળી અરવિંદભાઈ ખુશ થયા અને નેક્સ્ટ સન્ડે  આ તમામને સાથે રાખીને  દમણ જવાનો પ્રોગ્રામ બન્યો.

વાતોમાં સમય વીતતો જતો હતો ને મોહનભાઈની ભૂખ પણ વધતી જતી હતી. છેવટે એમણે કહી જ નાખ્યું, "મધુ, તારો અમને જમાડવાનો વિચાર છે કે નહીં ?" તેમનો સ્વભાવ જરા રમુજી. ટીખળ કરવાની ટેવ.

"હા રે હા મોહનમામા, રસોઈ તૈયાર જ છે. આ જરા સ્નેહા અને સ્વપ્નિલ આવે એટલી વાર. પણ તમને ભૂખ લાગી હોય તો થાળી બનવું." મધુએ બહુ મધુરતાથી કહ્યું.

આ બાજુ નીલની પરિસ્થિતિ ગોપીઓના વૃંદ વચ્ચે બેઠેલા કનૈયા જેવી હતી. બિચારાને ગુજરાતી બોલવામાં થોડી તકલીફ પડે અને આ કન્યાવૃંદમાં બ્રોકન અમેરિકન ઈંગ્લીશ સમાજનારાં ઓછાં. વળી ખાસ સહાયક કેતન પણ આજે નો'તો. છતાં  તેણે પોતાનો અનુભવ કામે લગાડયો. મર્યાદામાં રહીને પણ ગમ્મત કરી જ લીધી. છેવટે જમવાનો કોલ આવ્યો અને તેઓ ઘરે પરત થયા.

બપોરનું જમણ પૂરું થતાં ત્રણ વાગી ગયા. ધીમે ધીમે કામ નિપટતું ગયું અને મહેમાનો વિદાય થતા ગયા. આજે રાતે મધુ, મહેશભાઈ કે સ્નેહાને ડિનરની ઈચ્છા જ ન થઇ.

રાતના અગિયાર વાગ્યે પણ આ ત્રણે જણ ઊંઘી શકતાં ન હતાં. સ્નેહા ભવિષ્યનાં સપનાંમાં ખોવાઈ હતી. મહેશભાઈ આવનારી જવાબદરીઓ વિષે વિચારી રહ્યા હતા. પરંતુ મધુ મહારાજ શ્રી મહાવીર જોષીની ખાસ તાકીદના વિચારે ચઢી હતી. ગુનાખોરીની દુનિયામાં પગ મુકતાં મુકતાં એ કેવી આબાદ બચી ગઈ હતી એ ઇતિહાસ ને ખંખોળી રહી હતી.

 

No comments:

Post a Comment