Monday, July 24, 2023

મધુરમ 2

 

મધુરમ 2

 પ્રાથમિક શાળા સુધી સ્નેહા ગામમાં જ ભણી. અભ્યાસમાં બહુ હોંશિયાર. ગણિત, વિજ્ઞાન ઉપરાંત પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ફાવટ સારી. વકૃત્વ સ્પર્ધામાં તે હંમેશા પહેલી આવતી. ગરબા અને ડાન્સનો પણ શોખ. પરંતુ મમ્મીની કડકાઈ સામે ડાન્સનો શોખ દબાવી દીધેલો. આઠમા ધોરણથી ગામની બહાર જ ભણાવવાના મધુના આગ્રહને કારણે સ્નેહાનો હાઇસ્કૂલનો અભ્યાસ પપ્પાની સ્કૂલમાં થવાને બદલે નડિયાદ અને હાયર સેકન્ડરીમાં સાયન્સ વિષય સાથે વડોદરાની ગર્લ્સ સ્કૂલમાં ખાતે થયો.

બારમાં ધોરણમાં હતી ત્યારે તેનું સત્તરમું રનિંગ હતું. દિવાળીની રજાઓ દરમ્યાન ઘરે આવી. કોઠી સળગાવી નાચતી ને ફટાકડાથી ભાગતી સ્નેહા હજુ બાળપણ અને યુવાનીની અધવચ્ચે હતી. ત્યારે નવસારીના કાંઠા વિસ્તારમાં કેનેડાથી લગ્ન કરવા માટે સાત આઠ છોકરાઓ આવેલા હતા. અનેક કન્યાઓ એમને પરણવા થનગની રહી હતી.

આમ તો સારી ભૂગોળ ધરાવતી મધુ પોતેજ પરણીને કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ કે ઇંગ્લેન્ડ જઈ શકી હોત પરંતુ એને એનો પોતાનો જ ખરડાયેલો ઇતિહાસ આભડી ગયો. એમના લગ્ન એ બે દિલના મેળ કરતાં મહેશભાઈની ગરીબી અને મધુની મજબૂરીનું પરિણામ હતું એમ કહેવું વધુ યોગ્ય ગણાય.  પરંતુ ઇન્ડિયામાં રહ્યા રહ્યા પણ પરદેશ ન જઈ શકવાનો અફસોસ મધુને હતો જરૂર. અને આથી જ પોતે જે નથી કરી શકી તે પોતાની દીકરી કરશે એવી ઊંડે ઊંડે એને આશા ખરી.

મા ના ગુણ દીકરીમાં ઉતરે એ બાબતે જાણકાર મધુને સ્નેહાના ભવિષ્યની ખુબ ચિંતા. યુવાનીમાં પોતે જે કઈં ભૂલો કરી હતી અને જે પરિણામ ભોગવવું પડયું એવું સ્નેહા સાથે ન બને તેની સતત તકેદારી રાખતી. એનું ઈંગ્લીશ બોલવાનું નાનપણથી જ શરુ થયું. ઘરમાં મમ્મી જોડે એ ઈંગ્લીશમાં જ બોલે. પરંતુ એને સ્પોકન ઇંગ્લીશના ક્લાસ માટે નવસારી મોકલી નહીં. મધુએ યુવાનીની મહત્તમ ભૂલો આ ક્લાસ દરમ્યાન જ તો કરી હતી.  ભણવા માટે નડિયાદ મોકલવી, ગર્લ્સ હોસ્ટેલમાં રાખી છોકરાઓના સંપર્કથી દૂર રાખવાની બાબત પણ એની સ્પષ્ટ વિદેશગમન નીતિનો જ ભાગ હતો.

"મહેશ,તું તો માસ્તર નો માસ્તર જ રહ્યો. નિબંધ અને કવિતાઓમાંથી ઊંચો જ નથી આવતો. તને તારી પોતાની દીકરીની જરા પણ ચિંતા નથી. છોકરી પરણવા લાયક થઇ ગઈ છે અને તું હજુ ઊંઘે છે." રાતે સૂતી વેળા મધુએ બાઉન્સર ફેંક્યો. 

અન્યોની હાજરીમાં મહેશભાઈને 'તમે' અથવા 'સ્નેહાના પાપા જેવું સંબોધન કરનારી મધુ એકાંતમાં એકવચનમાં જ વાત કરતી. મહેશભાઈને પણ આ એકવચનનું સંબોધન ખુબ ગમતું. અને જયારે તે જાનુ કહેતી ત્યારે તો ત્યારે તેઓ ખરેખર રોમેન્ટિક થઇ જતા. હોંશિયાર મધુ આવી રોમેન્ટિક ક્ષણે પોતાના મનગમતાં કામ કરાવી લેતી.

"21 નવેમ્બર 1978 માં સ્નેહાનો જન્મ અને અત્યારે 1995 ની દિવાળી. એટલે આપણી સ્નેહા હવે સત્તર વર્ષ પૂરાં કરશે. ભારત સરકારના નિયમ મુજબ લગ્ન સમયે કન્યાની ઉમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આપણે હજુ એક વર્ષ રાહ જોવી જ જોઈએ. વળી સ્નેહા તો બિલકુલ તારી ઝેરોક્ષ કોપી છે. જે છોકરો એને જોશે એને પસંદ પડી જ જશે." મહેશભાઈએ વાતને ટાળતાં કહ્યું.

આ ઝેરોક્ષ કોપી વાળી વાતે મધુને અંદરથી અકળાવી મૂકી. કોઈપણ જયારે કહે કે; 'સ્નેહા મધુ જેવી જ દેખાય છે' ત્યારે મધુના શરીરમાં કંપારી છૂટી જતી. કોઈ અજ્ઞાત ભય એને સતાવતો રહેતો. જે ભૂલો પોતે કરી છે એવી ભૂલો સ્નેહા પણ કરશે અને જીવન બરબાદ કરી નાખશે એવું એને લાગતું. 

એક વર્ષ રાહ જોવાની વાત કરીને મહેશભાઈ તો ઊંઘી ગયા પણ મધુને ઊંઘ ન આવી. 'ટીન એઈજએ જ કન્યાઓની 'ક્રિટિકલ એઈજ'. જીવનની મહત્તમ ભૂલો આ ઉંમરે  જ થાય.  અને પછી કરેલી ભૂલોની પીડા આખી જિંદગી ભોગવવી પડે. પોતે પણ આ જ ઉંમરે ભૂલો કરી હતી ને! પડખાં ફેરવી ફેરવી ને મધુએ રાત વિતાવી. આ વર્ષે આપણા કાંઠાના જુદા જુદા ગામોમાં લગભગ આઠ મુરતિયાઓ કેનેડાથી પરણવા માટે આવ્યા છે, એવી વાત મધુને મળી હતી. આમાંથી એકાદનો તો શિકાર કરવો જ જોઈએ એવું મધુએ મનમાં પાક્કું કરી નાખ્યું.

"મમ્મી, પરમ દિવસે મને વડોદરા મુકવા તું એકલી જ આવવાની છે કે પપ્પા પણ સાથે આવશે?" દિવાળી વેકેશન બાદ ગુજરાતની તમામ સ્કૂલો એક સાથે જ ખુલી રહી હતી એ જાણતી સ્નેહાએ, બીજી સવારે ચા પીતી વેળા વેળા મમ્મીને પૂછ્યું.

"પરમ દિવસની વાત પરમ દિવસે પણ આજે આપણે નવસારી જઈને થોડું શોપિંગ કરી આવીએ.  સાડા દશની બસમાં જઈએ તો અઢીની બસમાં પાછા આવી જઈએ. તું નાહીને તૈયાર થઇ જા." મધુએ બહુ લાડથી દીકરીને સમજાવ્યું. મા-દીકરીની વાતમાં કોઈ ટાપશી પૂર્યા વિના મહેશભાઈએ  ડ્રોઈંગ રૂમમાં જઈ ટીવી ઓન કરી ન્યુઝ  જોવામાં મન પરોવ્યું.

નવસારીમાં બસમાંથી ઉતરી મધુએ રીક્ષા લીધી. રાધેશ્યામ સોસાયટીમાં રહેતી એની ખાસ બહેનપણી સુધાના બંગલાના ગેટ ઉપર રીક્ષા ઉભી રહી. ભાડું ચૂકવી ડોરબેલ વગાડયો. "અલી...મધલી..તું....." કહેતી સુધા એને વળગી પડી. "તમે બે જ ? માસ્તર ક્યાં છે ?"  સુધા મહેશભાઈને લાડથી માસ્તર કહેતી.

મધુ અને સુધા બાળસખી. મધુના દરેક પ્રેમ પ્રકરણમાં સુધાનો સાથ. સુધા ભણવામાં તદ્દન ડફોળ પણ જૂઠું બોલવાની કળા અદભુત ! આથી જ મધુના કુરિયરની ભૂમિકા એણે સરસ ભજવેલી. ભીનો વાન એટલે છોકરાઓ પણ એને પસંદ નથી કરતા એનો પુરેપુરો ખ્યાલ. પપ્પાની જોબ ઉધના, નવીન ફ્લોરિન નામની કંપનીમાં ચીફ ઈન્જીનીયરની. સાથે જ જોબ કરતા યુવાન પ્રવીણ સાથે પપ્પાએ પરણાવી દીધી. નવસારીમાં મકાન ખરીદીમાં પણ પપ્પાની આર્થિક મદદ મળી. અને સુધાની લાઈફ સેટ થઇ ગઈ. પ્રવીણ જોડે એ ખરેખર સુખી અને ખુશ હતી. સંતાનમાં એકનો એક અને અભ્યાસમાં તેજસ્વી દીકરો સુરત એન્જીનીયરીગ કોલેજમાં ભણતો હતો. 

સુધા સ્કૂલમાં હતી ત્યારે તેને નવસારી કોલેજમાં ભણતો એક છોકરો ખુબ ગમતો. પરંતુ તે ગરીબ હતો અને નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યો હતો. આ એક જ વાત એવી હતી જે એણે મધુ જોડે શેર નો'તી કરી. આ ગરીબ છોકરો એ જ મહેશ. મેટ્રિકની પરીક્ષા પુરી થયા પછી તરત જ એપ્રિલ મહિનામાં સુધાનાં લગ્ન થઇ ગયાં. સુધા ઉંમરમાં મધુ કરતાં છ મહિના નાની. જયારે સુધા મહેશને મળતી ત્યારે પોતે એની સાળી હોવાને બહાને પ્રેમથી અડપલાં કરી લેતી. સુધાના દિલમાં શું હતું તેનાથી અજાણ મધુ એણે કહેતી, "તું છૂટછાટ લઇ લે, સાળીમાં તો જીજાજીનો અડધો ભાગ હોય જ." 

ઘરમાં સુધા એકલી જ હતી. ત્રણે રસોડામાં જ બેઠાં. સુધાને શાક રોટલી બનાવવામાં મદદ કરતાં કરતાં ગપસપ શરુ થઇ. પછી ધીરેથી મધુએ પૂછ્યું; "સુધા, તારા મામાના દોસ્તનો દીકરો કેનેડાથી પરણવા આવ્યો છે એવા સમાચાર મળ્યા. આપણી સ્નેહા બતાવીએ તો ઠીક રહેશે ને ?"

"મમ્મી મારે લગ્ન નથી કરવાં. હું હજુ ઘણી નાની છું." કહી સ્નેહા રિસાઈને ડ્રોઈંગ રૂમમાં જતી રહી. હવે સુધા અને મધુને વાત કરવાનો મોકો મળી ગયો. મધુએ પોતાના દિલની વાત સુધાને જણાવી. સ્નેહાને પ્રેમ કરવાનો મોકો મળે અને મધુ જેવી ભૂલ કરે એવી તક આપવી જ નથી એવું બંનેએ નક્કી કરી લીધું. તેજ ઘડી સુધાએ STD PCO પર જઈ મામીને ફોન જોડયો. સામેથી મામીએ સમાચાર આપ્યા કે, મામા, મામાના દોસ્ત અને તેમનો દીકરો નવસારી આવવાના છે. તારે ઘરે બપોર પછી લગભગ ત્રણ સાડાત્રણ વાગે આવશે. મામાને તારી ચા બહુ પસંદ છે ને !

સ્નેહા સમજી ગઈ. મમ્મી અને સુધામાસી આજે મને કોઈ મુરતિયા સમક્ષ ખડી કરી દેવાના છે. "સુધામાસી તમેજ કહો આ મારી ઉમર ખરેખર લગ્ન માટેની છે ખરી?" સ્નેહાએ બચાવના સ્વરમાં પૂછ્યું.

સુધાએ એને બાથમાં લઈને ખુબ પ્રેમપૂર્વક કહ્યું; "બેટા સ્નેહા, કાયદાની દુનિયા અને વ્યવહારની દુનિયા અલગ છે. આપણા ગામમાં જેટલી છોકરીઓ પરણીને પરદેશ ગઈ છે તેમાંની મોટાભાગની અંડર સિક્સટીન હતી. તું અત્યારે ભલે લગ્ન ન કરે પણ એકવાર છોકરો જો તો ખરી. તું ગમશે તો લગ્ન એક વરસ પછી કરીશું. હાથ આવેલો ચાન્સ ગુમાવીએ તો લાઈફટાઈમ ઇન્ડિયામાં જ રહેવું પડે. તું જ જો, હું અને તારી મમ્મી ઇન્ડિયામાં રહી ગયાં અને અમારી સખીઓ પરદેશ પહોંચી ગઈ. ઈંગ્લીશ બોલતી થઇ ગઈ. સાંભળ્યું છે કે મોન્ટ્રિઅલમાં તો લોકો ફ્રેન્ચ બોલે છે.  અરે બીજું કંઈ નહીં તો પ્લેનમાં તો ફરતી થઇ ગઈને ! બેટા પરદેશી મુરતિયાને પરણીએ એટલે ગામમાં વટ પડી જાય. કેનેડા બધાના નસીબમાં નથી હોતું. ભગવાન પણ વારંવાર ચાન્સ નથી આપતો. તેં ગયા જન્મમાં કોઈ સારાં પુણ્ય કર્યાં હશે તો આ જન્મે કેનેડા જવાનું મળશે. અને હા..એક વાર ત્યાં પહોંચી જાય પછી તારી આ માસીને ભૂલી ના જઈશ."

માત્ર બે જ મિનિટમાં સ્નેહાનું બ્રેઈન વોશ થઇ ગયું. એને પણ પ્લેનમાં બેસવાની, ઈંગ્લીશ સાથે ફ્રેન્ચ પણ બોલવાની અને વટ પડવાની વાત ગમી.

મધુએ તરત પ્લાન બનાવ્યો. પહેલાં તો માધુરી દીક્ષિત સ્ટાઈલનો ડ્રેસ ખરીદ્યો. સ્નેહાને સામેના રોડ ઉપર આવેલ બ્યુટી પાર્લરમાં મોકલી. જયાં સુધાની સખી કામ કરતી હતી. અને એક કલાકમાં તો સ્નેહા પોતે માધુરી દીક્ષિતને ટક્કર મારે એવી સજી ગઈ.

રૂપ રૂપના અંબાર સમી સ્નેહા કન્યા કરતાં પરી કે અપ્સરા જેવી વધારે લગતી હતી. ગોરો વાન, ભરાવદાર સુડોળ શરીર, નજાકતનું તો કહેવું જ શું? ઊંચાઈ પણ સારી એટલે સુંદરતા આપોઆપ નીખરે. આવી જ અપ્સરાને જોઈને વિશ્વામિત્રનો ધ્યાનભંગ થયો હશે.

ઘડિયાળનો કાંટો પોતાની ફરજ ચુક્યા વિના એકધારી ઝડપે ફરતો જતો હતો. અને આ ત્રણ જણાં હવે પછીના સીનની ગોઠવણીમાં ગૂંથાયાં. તેઓ પોતે જ એક્ટર અને ડાયરેક્ટર હતાં. આમ પણ ટીવી ઉપર સિરિયલો જોઈ જોઈને ઘડાઈ ચૂક્યાં હતાં.

સ્નેહાને સમજાવી દીધું, તારે કિચનમાં જ રહેવું. અને પછી પાણી આપવા જવું. કશું બોલવું નહીં. પાણીની ટ્રે મૂકીને તરત પાછા આવી જવું. એમને એવું ન લાગવું જોઈએ કે આપણે એમની રાહ જોઈને બેઠા છીએ.

પછી તરત મધુએ બોલવું કે ચાલો તમે બેસો, અમે જઈએ છીએ. અને જવાની ખોટી ખોટી તૈયારી કરવી. પણ પછી સુધાના રોકાઈ જવાના આગ્રહને વશ થઇ રોકાઈ જવું. 

પોણા ત્રણ સુધીમાં તો ડ્રોઈંગ રૂમમાં પડેલ ન્યુઝ પેપર અને બીજી વસ્તુઓ બરાબર ગોઠવાય ગઈ. અને ત્રણેની ઇંતજાર ભરી નજર બારીમાંથી બહાર ડોકાય રહી.

વ્હાઇટ મારુતિ ઓમની વેન દરવાજે ઉભી રહી. પહેલાં મામા અને પછી ત્રણ જણ ઉતર્યા. સુધા બારણું ખોલીને આવકાર આપે તે પહેલાં આ મા-દીકરી કિચનમાં બેસી ગયાં.

ડોરબેલ વાગ્યો પછી બરાબર ૧૦ સેકન્ડ બાદ સુધાએ બારણું ખોલ્યું. "આવો મામા. કેમ છો?" કહી સુધાએ બાકીના ત્રણને પણ આવકારતાં ડોકું નમાવી નમસ્તે કર્યા.

"મામા તમે સૌ બેસો, હું પાણી લઇ આવું છું" કહી સુધા રસોડામાં આવી. પ્લાન મુજબ  ત્રણ મિનિટ પછી 'બ્યુટીફૂલ' શબ્દ પણ ફિક્કો લાગે એવી અપ્સરા જેવી સુંદર કન્યા પાણીની ટ્રે લઈને આવી. અને ટ્રે મૂકીને જતી રહી. મહેમાનો તો એને જોતા જ રહી ગયા પણ કોઈ કશું બોલ્યું નહીં.

મહેમાનોમાં મોહનમામા ઉપરાંત એમના કેનેડાથી આવેલ મિત્ર અરવિંદભાઈ તેમના દીકરા સ્વપ્નિલ અને જાણીતો ડ્રાયવર કેતન હતા.

અરવિંદભાઈ અને મોહનભાઇ લંગોટિયા દોસ્ત. બંને એ ૧૯૭૨ માં સાથે કેનેડા જવાનો પ્રયત્ન કરેલો. સદ્દનસીબે અરવિંદભાઈ કસ્ટમ પાસ કરી નીકળી ગયા. પરંતુ ટ્રાવેલ એજન્ટે મોહનભાઇને અમેરિકન ડોલરની નકલી નોટો પધરાવેલી એટલે પરત થયા. પછી નવસારીમાં નાની ફેક્ટરી શરુ કરેલી. જે વખત જતા ખુબ સારી ચાલી. આથી કેનેડાથી પરત થવાનો અફસોસ રહેલો નહીં. 

અરવિંદભાઈ મોન્ટ્રીઅલ ઉતરેલા. પહેલાં જનરલ જોબ કરી. પછી એક મોટેલમાં જોબ શોધી. પત્નીને બોલાવી. ઇલાબહેન એક વર્ષના સ્વપ્નિલને લઈને મોન્ટ્રિઅલ આવ્યાં બંને એ મોટેલમાં જ રહીને દિવસ રાત જોબ કરી. સ્વપ્નિલના બીજા જન્મદિને અરવીંદભાઈએ ‘LOTTO 649 લોટરીની ટિકિટ ખરીદી અને એક લાખ ડોલરનું ઇનામ જીત્યા. અને આ જ રકમમાંથી સ્વપ્નિલના ત્રીજા બર્થ ડે ના દિવસે જયાં જોબ કરી એ જ મોટેલ ખરીદી.

હાલ તેઓ મોન્ટ્રીઅલમાં બે મોટેલના માલિક. મોન્ટ્રીઅલ અને કેનેડાના ધનાટય ગુજરાતીઓમાં એમની ગણના થાય. અને સંતાનમાં એક માત્ર સ્વપ્નિલ.

સ્વપ્નિલ મિલિયોનર ડેડ નો સન, પણ અભિમાન જરા પણ નહીં. સ્કૂલમાંથી જ અનેક છોકરા છોકરીઓ જોડે ફ્રેન્ડશીપ. ગોરીયા કાળીયાને સ્વપ્નિલ શબ્દ બોલવાનું ફાવે નહીં એટલે એનું નામ 'નીલ' થઇ ગયેલું. ખાસ ગોરો નહીં પણ દેખાવ આકર્ષક. ઊંચો અને મજબૂત બાંધો. કોલેજમાં એ લેડીકીલર કહેવાતો. લુલિયા નામની એક ગોરી છોકરી એને 'નીલ આર્મસ્ટ્રોંગ' કહેતી. કારણકે એ લુલિયાના દિલના ચંદ્રની ધરતી પર પગ મુકનાર પ્રથમ છોકરો હતો. ગર્લફ્રેન્ડની સંખ્યા ગણવા માટે આંગળીના વેઢા ઓછા પડે. પણ મોટેલનો અનુભવ એટલે કોઈ સાથે વધુ ડીપમાં ઉતરેલો નહીં.

એ કોઈ પરાક્રમ કરે એ પહેલાં જ ઠેકાણે પાડી દેવા માટે અરવિંદભાઈ એને ઇન્ડિયા લઇ આવેલા. અને માત્ર ચોવીસ વર્ષની ઉમર ધરાવતો ' નીલ' ઇન્ડિયામાં લગ્ન કરવા રાજી પણ થઇ ગયેલો. આ માટે અરવિંદભાઈએ પ્રભુનો ખુબ પાડ માનેલો. લગ્ન કરાવીને કેનેડા પરત થયે મોન્ટ્રિઅલની ચાર હોસ્પિટલોને અને માંધાતા રામજી મંદિર બનશે તો તેને પણ સારી એવી રકમના દાન કરવાની પ્રભુને પ્રાર્થીને ખાતરી આપેલી. 

'નીલ'નો શોખ ગુજરાતીઓ કરતાં જરા જુદો. માઉન્ટેનિયરિંગ, સ્કાય ડાયવિંગ, મોટર રેસ અને રમતમાં બેઝબોલ એને પ્રિય. ક્રિકેટ રમે પણ વધારે નહીં. ભણવામાં હોશિયાર. મેથ્સ અને એકાઉન્ટિંગ ગમે પણ ભણ્યો હોટેલ મેનેજમેન્ટનું.  આખરે એ જ વ્યવસાય હતો ને ! અને બીજો શોખ તે ફરવાનો. આટલી ઉંમરમાં અડધી દુનિયા જોઈ વળ્યો છે.

હવે મધુએ અને સ્નેહાએ શું બોલવું અને કરવું એની સ્ક્રીપ્ટ તો તૈયાર જ હતી. બધાને સંભળાય એમ મધુ બોલી; "સારું ત્યારે, સુધા અમે જઈએ છીએ. તું  મહેમાનનો જોડે બેસ અને બેટા સ્નેહા, મહેમાનોએ પાણી પી લીધું હોય તો ટ્રે પાછી લાવીને માસીને આપી દે. જતાં જતાં માસીને જરા મદદ કરતી જા.

આગળનો ડાયલોગ પણ સ્ક્રીપ્ટ મુજબ જ થયો. સુધાએ રોકાય જવાનો આગ્રહ કર્યો. મામા વચ્ચે બોલ્યા; "બેન તમારે જવાની જરૂર નથી. આ તો મને બપોરે ચા પીવાની ટેવ. હોટેલની ચા કરતાં ઘરની ચા સારી. આથી સુધાને પણ મળાય અને ચા પણ પીવાય એટલા માટે જ અહીં આવ્યા છીએ. બસ ચા પી ને અમે ચાલ્યા."

આમને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો. પ્લાન અને સ્ક્રીપ્ટ મુજબ વાત આગળ ચાલવા લાગી. 

કેતનને સ્નેહા ખુબ ગમી. એણે ધીરેથી સ્વપ્નિલની આંગળી દબાવી કહ્યું;" આઈટેમ સારી છે. કોઈ કાગડો દહિતરું લઇ જાય એ પહેલાં ઉપાડી લે. કારણકે કેનેડાથી જ  બીજા આઠ આવેલા છે. આ છોકરીના લગન કરવાના છે કે નથી તે આપણે જાણતા નથી પણ આવી સુંદર આઈટેમ મેળવી મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ બોસ." 

લેડી કિલર ગણાતા નીલે પણ આવી 'એન્જલ' પહેલી વાર જોઈ. મોન્ટ્રીયલમાં દુનિયા આખીની બ્યુટી જોવા મળે પણ આતો ખરેખર સ્વર્ગની અપ્સરા છે. જો કે મેરેજ માટે ઉમર જરૂર ઓછી છે એવું એને લાગ્યું. સાથે કેતનની 'નામુમકીન' વાળી વાતમાં એને દમ પણ લાગ્યો.             સ્નેહા ખાલી ટ્રે લેવા આવી ત્યારે નીલે માઈલ્ડ સ્માઈલ આપ્યું. સામે સ્નેહાએ પણ થોડી સ્ત્રી સહજ શરમ વાળું હળવું સ્મિત ફરકાવ્યું. પણ ગંભીરતા બતાવ્યા વિના કિચનમાં જતી રહી.

કેતન થોડો ચાલુ માણસ. "સુધાબેન તમારો બંગલો સરસ છે." બોલી ઉભો થયો અને  અમસ્તો બારીમાંથી બહાર જોવા લાગ્યો. એનો ઈરાદો સ્નેહા ક્યાં છે અને શું કરે છે એ જોવાનો હતો. એમાં એ સફળ પણ થયો. બારીની બાજુમાંથી કિચન બરાબર દેખાતું હતું. તેમાં સ્નેહા પણ દેખાતી હતી.

"નીલ, અહીં આવ, જો બહાર સુધાબેને કેવા સરસ પ્લાન્ટ રાખ્યા છે. અરે જો તો ખરો, આ જાસુદનું ફૂલ કેટલું સરસ છે!". અને નીલ જાસુદનું ફૂલ જોવા બારી પાસે આવ્યો પણ એની નજર તો કિચનના ફૂલ ઉપર જ હતી.

સુધા અને મધુની અનુભવી આંખો એટલે બાયનોક્યુલર અને માઇક્રોસ્કોપનું મિશ્રણ. એમને તો ખ્યાલ આવી જ ગયો કે તેઓ કયા જાસૂદના ફૂલની વાત કરે છે. અને બંને યુવાનોની નજર કઈ દિશામાં છે. સુધાએ મધુની આંગળી દબાવી કાનમાં કહ્યું; "શિકારી,ખુદ શિકાર હો ગયા."

 સુધાની ચા મોહનમામાને બહુ ભાવે. વળી મોહનભાઇને સંતાનમાં બે દીકરાઓ જ. આથી બહેનની દીકરી ને પોતાની દીકરી જેટલો જ પ્રેમ કરે. તેમના મનમાં પણ થયું કે આ છોકરી જો લગ્ન કરવા જેવડી હોય તો સ્વપ્નિલે બીજી કન્યા જોવાની જરૂર નથી. કારણ કે આનાથી વધુ રૂપાળી કન્યા કમ સે કમ દક્ષિણ ગુજરાતમાં તો નહીં જ હોય. લગભગ છ સાત વરસ પહેલાં તેમણે જોયેલી ફિલ્મતેજાબ યાદ આવી. તેની હિરોઈન માધુરી દીક્ષિત કરતાં પણ આ છોકરી વધારે સુંદર લાગી. તેમને થયું મારી સાંઠ વરસની ઉંમરમાં મેં નવસારી કાંઠામાં અને તે પણ આપણા કોળી સમાજમાં જોયેલી આ કન્યા માટે મોસ્ટ બ્યુટીફૂલ શબ્દ પણ ફિક્કો લાગે છે.

ચા અને નાસ્તાની ટ્રે લઈને ફરી વાર સ્નેહાની એન્ટ્રી થઇ. બીજા કોઈ બોલે એ પહેલા જ મોહનભાઇએ સીધું જ પૂછ્યું; " બેટા, તારું નામ શું ? ".

"સ્નેહા." બસ એક જ શબ્દમાં સસ્મિત જવાબ મળ્યો.

પરંતુ હવે સુધાએ વાતનો દોર પોતાના હાથમાં લઇ લીધો. "અરે મામા, તમે કેમ ન ઓળખો? આ તો મહેશભાઈ માસ્તરની દીકરી. અને આ મધુ તો મારા ગામની.

અને મોહનમામાને મધુ યાદ આવી ગઈ. અરે આ તો નવીનભાઈ માસ્તર અને નીલાબેનની છોકરી. સાથે સાથે એનો ભૂતકાળ અને પરાક્રમો પણ યાદ આવ્યાં. મોહનભાઇ અને નવીનભાઈ બંને જયારે કોલેજમાં હતા ત્યારે નીલાબેન, ડી.ડી. ગર્લ્સ હાઈસ્કૂલમાં હતાં. વખત જતાં નવીનભાઈ-  નીલાબેનનો મેળ પડી ગયેલો અને મોહનભાઇ બિચારા નસીબને કોસતા રહી ગયેલા.

મોહનમામા ભૂતકાળમાં જતા રહ્યા અને સુધા બોલાતી રહી. અમે બંને બાળ સખી. સ્નેહા હાલ હાયર સેકન્ડરી સાયન્સનું વડોદરામાં ભણે છે. ન્યુ એસ.એસ.સી. નડિયાદથી પાસ કરેલી. આવતી કાલથી એનું વેકેશન પૂરું. કાલે સવારે ગુજરાત કવીનમાં વડોદરા જવાની. આથી શોપિંગ માટે એ લોકો આવેલાં. પણ સાથે સાથે મને મળવા આવ્યાં. આ છોકરીના તો એટલાં બધાં માગાં આવે છે કે ન પૂછો વાત. પણ એણે તો ભણવું છે. મેં થોડી વાર પહેલાં જ એને કહ્યું કે બેન ભણવું જ હોય તો પરણીને ય ભણાય. આ તમે જ જુઓ ને આપણી કેટલી બધી છોકરીઓ પરણીને અમેરિકા, કેનેડા જાય ને પછી ભણે  જ છે ને !"

સુધામાસીનું ગપ્પુ સાંભળીને સ્નેહા હસવું આવ્યું. પણ એને આ 'પરફેક્ટ ગપ્પુ' મારવાની માસીની આવડત ગમી. નથી મારુ કોઈ માગું આવ્યું, નથી મેં ભણવાની વાત કરી છતાં માસીનું ભેજું કેવું ફળદ્રુપ છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં સરસ સ્ટોરી બનાવી નાખી. થયું, આવું બધું માસી જરૂર ટીવીની સિરિયલ જોઈને શીખ્યાં હશે. એને બિચારીને શી ખબર કે માસીની આ માસ્ટરી તો ઘણી જૂની છે.  

"ડેડી આઈ એમ ઈન્ટરેસ્ટેડ ઈન ધીસ ગર્લ," નીલે ધીરેથી ડેડના કાનમાં કહ્યું.

"બટ શી લૂક્સ અંડર એઈજ." ડેડે ધીરેથી જવાબ વાળ્યો. 

કિચનમાંથી ડ્રોઈંગ રૂમની વીન્ડોના કાચમાં જોતાં તે મિરર બની જતો હતો. બંને ચબરાક બહેનપણીઓ એમાંથી મહેમાનોની હલચલ જોતી હતી.

સુધાએ હવે 'ગુગલી' ફેંક્યો. "મામા જરા અહીં આવો તો, મારે મામી માટે કઈંક આપવું છે તમે લઇ જશો ?" મામા કિચનમાં આવ્યા એટલે લાગલું પૂછી લીધું; “મામા, અરવિંદમામા એમના છોકરાને લગન કરાવવાના છે? આમતો અમારી સ્નેહા છે પણ હજુ અંડર એઈજ છે. પણ તમે કહેતા હોય તો વિચારીએ. વળી હજુ માસ્તરને તો પૂછ્યું જ નથી.

 "મને પણ આ છોકરી ગમી. મહેશભાઇની છોકરી આટલી મોટી થઇ ગઈ હશે એ નો'તી ખબર. પણ આ ઉંમરનો પ્રશ્ન નડશે તો ખરો જ છતાં હું અરવિંદને પૂછી જોઉં." કહી મામા અરવિંદભાઈને પૂછવા ગયા.

આમ તો મોહનમામાને મધુના ઇતિહાસનો ખ્યાલ, પણ સ્નેહાની સુંદરતા સામે આટલી નબળાય તો ચલાવી લઇ શકાય એવું એમને લાગ્યું. ઉપરાંત નીલા સામેની હારનો બદલો લેવાઈ જશે એવો ખોટો ખ્યાલ પણ આવ્યો. ને મોહનભાઇ મનમાં ને મનમાં હસી પડયા.

અરવિંદભાઈને પણ કન્યાની ઉંમર ઓછી લાગી. કેતનને થયું કે આ છોકરી સ્વપ્નિલના હાથમાંથી ગઈ. એણે એનો દેશી દાવ ખેલ્યો. કહ્યું, "હજુ સ્વપ્નિલને વિચાર કરવા દો, પછી એકાદ વીકમાં જણાવીએ. તમે હાલ વડોદરા જવાનું માંડી વાળો."

"પણ કેતનભાઈ એક વીક પછી તમે ના પાડો તો આનો તો અભ્યાસ બગડે ને. બોર્ડની એક્ઝામ માર્ચના પહેલા વીકમાં. અને આ ઓક્ટોબર પૂરો. આપણે એનો પણ વિચાર કરવો પડે ને ! વળી આ બંનેએ હજુ વાત તો કરી નથી. સીધું જ કહું તો હજુ ઇન્ટરવ્યૂ થયો જ નથી. જો તમારી ઈચ્છા હોય તો હાલ જ ઇન્ટરવ્યૂ લઇ લો ને."

 અરવિંદભાઈ થોડા અવઢવમાં હતા પણ સ્વપ્નિલ રેડી થઇ ગયો. કહ્યું;" ઓ.કે. આઈ એમ રેડી ફોર ધેટ."

સુધાએ માળ ઉપરના પોતાના દીકરા સ્નેહલના રૂમમાં જગ્યા કરી આપી. અને બંનેને ઉપર મોકલી આપ્યાં.

સ્વપ્નિલ પ્રથમ તો સ્નેહાની બ્યુટીથી ઘાયલ થયો હતો. વળી કેતનની કાગડો દહિતરૂ ન લઇ જાય એ વાત પણ જોર કરી ગઈ. કોઇપણ ભોગે આ બ્યુટીકવીન મારે જોઈએ જ એવું એણે સ્નેહાને પહેલીવાર જોઈને જ નક્કી કરી લીધેલ હતું. વળી ઇન્ટરવ્યૂ દરમ્યાન સ્નેહાની વર્તણુક એને ગમી. બ્રિટિશ ઈંગ્લીશ બોલવાની છટા પણ સારી લાગી.

અનુભવી નીલ માટે કોઈપણ છોકરી સાથે વાત કરવી એ ડાબા હાથનો ખેલ હતો. છેક અજાણી છોકરીને પણ કોઈ રસ્તો કે સ્થળ વિષે પૂછીને કે પછી માત્ર 'હાય' કહીને વાતની શરૂઆત કરી લેતો.

ગર્લ્સ હોસ્ટેલમાં રહીને સ્નેહા હોંશિયાર થઇ ગઈ હતી. સામાન્ય રીતે ગર્લ્સને જે માહિતી હોસ્ટેલમાંથી મળે તે બીજે ક્યાંયથી મળતી નથી. રાતે કોક રૂમમાં 'એડલ્ટ એજ્યુકેશન' ના ક્લાસ ચાલતા હોય જેમાં ટીચર અને પ્રિન્સિપાલનો રોલ અનુભવી કન્યાઓ ભજવતી હોય. વળી કોઈ પરણિત વિદ્યાર્થીની શાદી કે બાદ ક્યા ક્યા હુઆ નું વિગતવાર અને મસાલેદાર વર્ણન કરતી હોય. આથી ભલે મધુ, સ્નેહાને ગભરુ અને નાસમજ માનતી હતી  હતી, પણ હતું એનાથી ઉલ્ટું. સ્નેહા પાસે સંપૂર્ણ જ્ઞાન અને સમજ હતી. પરંતુ એ મધુને જાણવા દેવા માંગતી ન હતી. અનેક સખીઓના પ્રેમપત્રો અને શાયરીઓ એણે વાંચી હતી. ક્યારેક એને પણ 'બોયફ્રેન્ડ' બનાવવાની ઈચ્છા જાગતી પણ મધુએ એ તક જ આપી નો'તી.

વાતચીતની શરૂઆત નામ, અભ્યાસ, મમ્મી-પપ્પાના જોબ વગેરેથી થઇ. નીલ જાણતો હતો ઇન્ડિયન એટલે ક્રિકેટના ઘેલા. એણે પોતાને વિનોદ કાંબલી ગમતો હોવા છતાં છોકરીઓને તો સચિન જ ગમે એવું વિચારી પોતે સચિન તેંડુલકરનો ફેન હોવાનું જણાવ્યું. અહીં એની ગણતરી ખોટી પડી. સ્નેહાએ સ્પષ્ટ જણાવ્યું તે વિનોદ કાંબલીની ફેન છે. પોતે ખોટો  પડયો હોવા છતાં નીલ મનોમન ખુશ થયો એ ચાલો બંનેની પસંદગીમાં પણ સામ્યતા છે.

પોતાના શોખની વાતમાં સ્નેહાએ જણાવ્યું કે તેને ફોટોગ્રાફીનો ઘણો શોખ છે પરંતુ ફોટા ડેવલપ કરાવવા માટે મુંબઈ અથવા મામાને દુબઇ મોકલવા પડે છે. આમાં સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી વિષે વાંચ્યું છે પણ ક્યારેય ચાન્સ નથી મળ્યો. વળી પોતાના તથા પપ્પા અને મમ્મીના ફરવાના શોખની અને એલ.ટી.સી.ની વાતો પણ થઇ. ગ્રેજ્યુએશન પછી માસ્ટર અને ડૉક્ટરેટ સુધી પપ્પા ભણાવવા માંગે છે. પરંતુ જો એડમિશન ન મળે તો સુરતમાં એરહોસ્ટેસ અથવા  રાજકોટ ખાતે 'હોટેલ મેનેજમેન્ટ' નો કોર્સ કરવાની માનસિક તૈયારી કરી રાખી છે એવું પણ જણાવ્યું.

સ્નેહલે મનોમન વિચાર્યું, આ રૂપ એરહોસ્ટેસ બની પેસેન્જરોની સેવા માટે નથી. તું રૂપની રાણી છે અને તારે તો મારી રાણી અને મારી કંપનીની બૉસ બનવાનું છે.

વધુમાં સ્નેહાએ મધુનાં વખાણ કરતાં જણાવ્યું કે, મમ્મીને કવિતાઓ લખવાનો શોખ છે અને નવપ્રગતિ સામયિકમાં અવાર નવાર મમ્મીની કવિતાઓ છપાતી રહે છે. સ્વપ્નિલના મનમાં ભાવિ સાસુની બૌધિક ક્ષમતા માટે અહોભાવ પ્રગટ્યો. 

આમ સ્નેહાની અનેક વિગતો નીલને ગમતી આવી. એક બાબતમાં વિરોધાભાસ પણ સામે આવ્યો. નીલને ગર્લ્સના ટૂંકા વાળ ગમે પરંતુ પોતાના લાંબા વાળ માટે સ્નેહાને ગર્વ હતો. આથી એણે કોઈપણ ભોગે વાળ ન કપાવવાની ખાતરી પણ માગી લીધી. જોકે નીલને ખાતરી હતી કે કેનેડા આવ્યા પછી એ પોતે જ વાળ ટૂંકા કરાવી  નાખશે.

નીલે સ્નેહા પાસે તેનો કોન્ટેક્ટ નંબર માંગ્યો. સ્નેહા પાસે નંબર તો હતો પણ ફોન હજુ એક્ટિવ થયો નથી તે હકીકત પણ જણાવી. છતાં બંને વચ્ચે કોન્ટેક્ટ નંબરની આપ લે જરૂર થઇ. ઉપરાંત સ્નેહાએ બાજુ વાળા જગદીશકાકાનો નંબર ઇમરજન્સી માટે આપ્યો.

અંતે આવતે વર્ષે જયારે સ્નેહા અઢાર પુરાં કરે, નીલ પણ પચીસનો થાય અને  પછી તે ઇન્ડિયા આવી લગ્ન કરવાની બાબતે બંને વચ્ચે સહમતી થઇ.

બરાબર દોઢ કલાક પછી પચીસ વર્ષનો સ્વપ્નિલ અને 17 વર્ષની સ્નેહા હાથમાં હાથ રાખીને નીચે ઉતર્યાં. નીલ સ્વસ્થ દેખાતો હતો પણ સ્નેહા પરસેવે રેબઝેબ. આમ પણ નીલને તો છોકરીઓ સાથે ફરવાનો અનુભવ હતો જ. સ્નેહા માટે પોતાના પપ્પા અને મામા સિવાય કોઈ પુરુષનો હાથ પકડવાનો અનુભવ નો'તો. વળી પપ્પા અને મામાના હાથ અને નીલના હાથના પ્રેમમાં પણ ફેર તો ખરો જ ને. આ જોડાંમાં કન્યા વધુ નાજુક અને નમણી લગતી હતી.

અરવિંદભાઈ દિલથી ખુબ ખુશ થયા, ચાલો દીકરાને ઇન્ડિયન કન્યા ગમી. કોઈપણ દબાણ વિના લગભગ એણે પોતેજ પસંદ કરી. હવે ઠેકાણે પડશે અને બિઝનેસમાં સારું ધ્યાન આપશે. છોકરીઓ પાછળ સમય અને ડોલર બગાડતો બંધ થશે.

મધુનો આનંદતો સમાતો ન હતો. આનંદના આંસુ આંખનો કિનારો છોડીને બહાર વહી આવ્યાં. એ છુપાવવા તે કિચનમાં દોડી ગઈ. પણ ત્યાં જઈને તો એ રડી જ પડી. આ રુદન આનંદનું હતું. હવે આ આનંદ મહેશ સુધી પહોંચાડવા એ અધીરી બની ગઈ. 

સુધા પોતાનો આનંદ બતાવવા સ્નેહાને વળગી પડી. "મારી ઢીંગલી મોટ્ટી થઇ ગઈ" જોકે આટલું બોલતાં એ પણ ગળગળી થઇ ગઈ. મોહનમામા ખુશ થયા. પોતાની ટ્રીક કામ કરી ગઈ એવું વિચારી કેતન મનોમન ખુશ થયો. "કોંગ્રેટ્સ નીલ" કહીને સ્વપ્નિલને વળગી પડયો.

સ્નેહાને સ્વપ્નિલમાં પોતાના ભાવિ જીવનનું સ્વપ્ન દેખાયું. આમ પણ તેનામાં કોઈ અદ્રશ્ય વાયબ્રેશન હતાં જે કોઈપણ સ્ત્રીને તેની તરફ આકર્ષિત કરતાં. જયારે પહેલીવાર નીલે  એનો હાથ પકડ્યો ત્યારે તે રોમાંચિત થઇ ઉઠી. આમ પણ ટીન  એઈજ કન્યાને એનો ભાવિ પતિ એક બંધ રૂમમાં હાથ પકડે ત્યારે એની માનસિક અને શારીરિક બંને પરિસ્થિતિ અસામાન્ય બની જાય એમાં નવાઈ શી ?

હવે તો એને પાસપોર્ટ, એરપોર્ટ, પ્લેન, એરહોસ્ટેસ, મોન્ટ્રિઅલ, ત્યાંની કોલેજ, ત્યાંનું જીવન, સ્નો, માઉંટેઈનીંગ, સ્વિમિંગ, સાયકલિંગ, સ્કીઈંગ વગેરે વગેરે દેખાવા લાગ્યાં. એ ધરતી પર હતી એના કરતાં હવામાં વધુ હતી. સુધાએ બાથમાં લીધી તોય હજુ સ્વપ્નો અને વિચારોમાં જ ખોવાયેલી હતી. લગ્નજીવન વિષે આજસુધી ક્યારેય ગંભીરતાથી  વિચારેલું જ નહીં અને આજે અચાનક એ કોઈની ભાવિ પત્ની બની ગઈ. એની  ગુંચવણ તો એ હતી કે હજુ પપ્પાની મંજૂરી તો લીધી જ નથી અને ભાવિ જીવનનો આટલો મોટો નિર્ણય એણે પોતે જ લઇ લીધો.

હવે બધાની હાજરીમાં જ સુધાએ આખરી દડો ફેંક્યો. "અરે ! આપણે આટલું બધું નક્કી કરી નાખ્યું અને હજુ કન્યાના પપ્પા તો અજાણ છે. જયારે આ લોકો ઘરે પહોંચશે ત્યારે જ તેમને તો સમાચાર મળશે. એમને ઘરે પણ અમારી જેમ ફોન આવી તો ગયો છે પણ હજુ એક્ટિવ નથી થયો. અને હા મામા અમારો ફોન આવતી કાલે એક્ટિવ થશે એવું મને લાઇનમેને આજે સવારે જ કહ્યું છે.

સારું ત્યારે, અમે જઈએ છીએ. અને તમારા બંનેના ફોન જલ્દી એક્ટિવ થઇ જાય એવી શુભેચ્છા,” કહીને મામા પગથિયાં ઉતરી ગયા. નીલ અને સ્નેહા વચ્ચે બાય બોલાયું અને વ્હાઇટ મારુતિ વેન મહેમાનોને લઈને પરત થઇ.

સ્નેહાએ ફરીથી ડ્રેસ ચેન્જ કર્યા. પછી મા-દીકરી સાડા છ વાગે ઘરે આવ્યાં. બસ સ્ટેન્ડથી ઘર સુધીનું પાંચ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ માત્ર બે મિનિટમાં જ આંબી લીધું છતાં મધુને ચાર કલાક જેવું લાગ્યું. સ્નેહાના પપ્પાને ખુશીના સમાચાર આપવા તે અધીરી થઇ ગઈ હતી.

 

No comments:

Post a Comment