Monday, July 24, 2023

મધુરમ 10

 

મધુરમ 10

1997માં નીલ-સ્નેહાના લગ્નથી લઈને 2001માં મહેશભાઈ-મધુના કેનેડાગમન દરમ્યાન ભારતમાં છાશવારે સરકાર અને વડાપ્રદાનો બદલાય રહ્યા હતા. વાજપેયીજીની તેર દિવસની સરકારથી શરુ થયેલું નાટક, દેવગોવડા અને ગુજરાલ પછી પાછા વાજપેયીજી સુધી લંબાયું. આ દરમ્યાન ભારતની ઈકોનોમી ઊંધે માથે પછડાઈ. મહેશભાઈ વાજપેયીની બીજી સરકારથી અતિ ખુશ હતા જયારે મધુને રાજકારણમાં જરા પણ રસ ન હતો. મહેશભાઈના આગ્રહને કારણે જ મધુ મતદાન માટે જતી અને પતિની પસંદગીના ઉમેદવારને પોતાનો મત આપતી. સન 1998 માં ભારત દ્વારા કરવામાં આવેલ પાંચ અણુ અખતરાઓએ મહેશભાઈને અતિ ખુશ કરી દીધેલા. ત્યાર પછી સ્કૂલના છોકરાઓને ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરવા માટે પ્રોત્સાહન આપતા. જો કે કાંઠાના લોકોને આવી જોબમાં રસ ન હોવાથી મહેશભાઈનો પ્રયત્ન એળે ગયો એવું કહી શકાય ખરું.

દુનિયા એકવીસમી સદીના આગમનની ઉજવણી કરી રહી હતી ત્યારે બરાબર પહેલી જાન્યુઆરી 2001ની વહેલી સવારે (31,ડિસેમ્બર 2000ની રાતે) 1.00 કલાકે એરફ્રાન્સની ફ્લાઈટે મધુ અને મહેશભાઈને લઈને મુંબઈના એરપોર્ટ ઉપરથી ટેકઓફ કર્યું. મુંબઈ થી પેરીસ અને ત્યાંથી મોન્ટ્રિઅલ સુધીની મુસાફરી દરમ્યાન નવી સદીની ઉજવણી થતી રહી. મધુ  અને મહેશભાઈએ પણ ખૂબ આનંદ કર્યો.

મોન્ટ્રિઅલ એરપોર્ટ ઉપર અરવિંદમ ફેમિલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થયું. અને ઘરે પહોંચ્યા પછી પણ થોડો આરામ કરીને તેમણે મોટેલમાં આયોજિત નવાવર્ષ અને નવી સદીની ઉજવણીની પાર્ટીમાં જવું પડયું.

હાજર તમામ મહેમાનોનું ધ્યાન મધુ ઉપર હતું. સ્નેહાની મોટીબહેન જેવી દેખાતી આ સ્ત્રી ચેરી કલરની સાડીમાં શોભી રહી હતી. આખી પાર્ટીમાં સાડી પહેરેલી માત્ર પાંચ જ સ્ત્રીઓ હતી. જેમાં મધુ ઉપરાંત ઇલાબહેન અને બીજાં ત્રણ એમનાં સબંધીઓ હતાં. સ્નેહા અને નીલ તથા અરવિંદભાઈ અને ઇલાબહેને તમામ મહેમાનો સાથે મધુ-મહેશભાઇની ઓળખાણ કરાવી. મહેશભાઈ થાકી ગયા પણ મધુની સ્ફૂર્તિ જળવાય રહી. અંતે મોડી રાતે પાર્ટી પુરી થઇ.

બે અઠવાડિયાં સુધી તેમણે આરામ કર્યો અને કેનેડાના વેધરથી પોતાને એડજસ્ટ કર્યાં. એમનો ઉંઘનો પ્રશ્ન પણ હલ થઇ ગયો. સ્નોફોલ, અતિશય ઠંડી, ભારે પવનનું તોફાન અને ફ્રીઝીંગ રેઈનનો પણ અનુભવ લઇ લીધો.

છવ્વીસમી જાન્યુઆરી, 2001, ભારતમાં એકવીસમી સદીના પહેલા ગણતંત્ર દિનની ઉજવણી ચાલતી હતી. મહેશભાઈ એમના જીવનમાં પહેલી વાર એ ઉજવણી ચુકી રહ્યા હતા. છતાં એના સમાચારો ડીશ ટીવી ઉપર આવતા હતા તે મોડી રાત સુધી જોયા. દિલ્હીની લશ્કરની પરેડ જોવાનો એમને શોખ. વચ્ચે એક ભૂકંપના સમાચાર ચમક્યા પણ ખાસ વિગતો આવી નહીં.

બીજા દિવસે સવારે એમને ગુજરાતના ભૂકંપના સમાચારો વિગતવાર મળ્યા. ભૂકંપનું એપીસેન્ટર કચ્છનું ભૂજ છે એ જાણીને એમનું હૃદય બેસી ગયું. હજુ બે વીક પહેલાં જ એમના ખાસ મિત્ર, બેન્ક ઓફ બરોડાના કેશિયર, નાયરની પ્રમોશન સાથે ભુજ ખાતે બદલી થઇ હતી. અને તેઓ ત્યાં એકલા રહેતા હતા. નાયરનો કોન્ટેક્ટ સંભવ ન હતો પણ એમનાં પત્નિ અને બે બાળકો હજુ ગામમાં હતાં. તેમના કોન્ટેક્ટ કરવાના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે એટલા સમાચાર મળ્યા કે ગામમાંથી પણ નાયરભાઈનો કોન્ટેક્ટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે પણ સફળતા મળતી નથી. ટીવી ઉપર ભુજ, ભચાઉ, અંજાર વગેરે સ્થળોની બેહાલીના દશ્યો બતાવાઈ રહયાં હતાં. મધુ અને મહેશભાઈને આજે જમવાની ઈચ્છા જ ન થઇ. છેક સાંજે સમાચાર મળ્યા કે નાયરભાઈને થોડી ઇજા થઇ છે પણ બચી ગયા છે. પ્રાથમિક સારવાર લઈને તેઓ ગામ આવવા નીકળી ગયા છે. હવે એમનો જીવ હેઠે બેઠો. બંને એ શાંતિથી લંચ લીધું. નાયરભાઈને બચાવવા બદલ મધુએ ભગવાનનો પાડ માન્યો.

મહેશભાઈ પોતે શાંત જીવ. એમને ઘરમાં ગમે નહીં. આથી સ્વેચ્છાએ ઘરથી નજીકની 'મોટેલ મોન્ટ્રિઅલ'માં પોતાને બીઝી કરી દીધા. અહીં મહેશભાઈ અને અરવિંદભાઈની જોડી ઝામી. ડીશ ટી..વી.ઉપર ઇન્ડિયાની જે કોઈ ક્રિકેટ મેચ જોવા મળે તે તેઓ જોતા. સાંજે બિયરની ચુસ્કી હવે નિયમિત બની. એની અસર રૂપે મહેશભાઈનું પેટ દેખાવા માંડયું. 

મધુ ખુબ ખુશ હતી. જે પોતે ન કરી શકી તે તેની દીકરીએ કરાવ્યું આથી તે દીકરીની આભારી હતી. મારી દીકરીએ મને કેનેડા બતાવ્યું એવું એ ઘણી વાર કહેતી. મધુની રસોઈમાં મધુરતા ઘણી. ભલે ઇલાબેન વર્ષોથી કેનેડામાં રહેતાં હોય પણ રસોઈમાં મધુને કોઈ ન પહોંચે. સામાન્ય રીતે બે વેવણોના સંબધો થોડા તણાવ ભર્યા હોય પરંતુ આ બન્ને તો ફ્રેન્ડ બની ગયાં. મધુએ ઇલાબેનને મોડર્ન બનાવી દીધાં. ઇલાબેનને ફ્રેન્ચ ભાષાનો કક્કોય આવડતો નો'તો. આથી તેઓ બંને વેવણો સાથે ફ્રેન્ચ ભાષા શીખવા ગઈ. અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે ૬=૦૦ થી ૯=૩૦ ક્લાસ ચાલે. ભણવાનું મફત. જોકે એમાં ઇલાબેન અટવાયાં પણ મધુ એ ચાર લેવલ પુરા કર્યાં અને શોપિંગ વગેરેમાં ફ્રેન્ચ ભાષા બોલાવા મંડી.

ઇલાબેનના નાનાંબેન નીલા પણ મોન્ટ્રિઅલમાં રહે.  તેમના પતિ મનુભાઈ એક મોટી કંપનીમાં વેલ્ડરની જોબ કરતા હતા. પણ વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે તબિયત બગડી. આથી તેમણે જોબ છોડવી પડી. નીલાબેન ક્યારેક જનરલ જોબ તો ક્યારેક ઇલાબેનની મોટેલ પર જોબ કરે. જો કે એમને મોટેલની જોબ બહુ ફાવે નહીં. એમની દીકરી અર્ચના જોડે મધુએ સુધાના સ્નેહલનું ગોઠવી નાખ્યું.

અર્ચના અને સ્નેહલના લગ્ન વેળા સહુ ઇન્ડિયા જવાના હતા પરંતુ મનુભાઈનું અવસાન થતાં ખુબજ સાદાઈથી નવસારીમાં એક મંદિરમાં લગ્ન થયાં આથી મધુ, મહેશભાઈ કે સ્નેહા કોઈ ઇન્ડિયા ગયું નહીં.

ઇલાબેનનું અંગ્રીજી પણ બહુ સારું નહીં. હવે ધીમે ધીમે ઇલાબેનમાં અદેખાઈ આવવા લાગી. તેને થવા લાગ્યું કે આ ગઈ કાલે આવી અને રસોડાની રાણી બની ગઈ.  નીલ અને અરવિંદને પણ મધુની જ રસોઈ ભાવે. વળી તે મારા કરતાં વધુ હોંશિયાર છે. આથી મારો હવે વટ પડતો નથી. ઉપરથી તેનો દેખાવ પણ મારા કરતાં સારો.  મારી બેટી છે તેંતાળીસની પણ લાગે છે તેત્રીસની.

ટ્રીન..... ટ્રીન....... ફોનની ઘંટડી વાગી. સમરની સીઝન હતી ને બપોરનો સમય હતો. ઇલાબેન હજુ માંડ પથારીમાં આડાં પડયા હતા. અરવિંદભઇના ખુબ જુના મિત્ર ઈંગ્લેન્ડથી કેનેડા આવ્યા હતા, અને અરવિંદભાઈને મળવા માગતા હતા. પછી ઇલાબેને તેમને આવવાનું આમંત્રણ આપી દીધું. અને સાંજે અહીં જ જમવાનું છે એમ પણ કહી દીધું.

અરવિંદભાઈ અને મિત્ર જેરામભાઈ બરાબર તેત્રીસ વર્ષ પછી મળ્યા. ખુબ આનંદ કર્યો. જમતાં જમતાં જેરામભાઈ અને જશુબહેને રસોઈના ભરપેટ વખાણ કર્યાં. ઉપરથી મધુ જે રીતે બ્રિટિશ ઈંગ્લીશ બોલી તે સાંભળીને તો મહેમાન દંપતી દંગ રહી ગયું. ઉપરથી અરવિંદભાઈએ વેવણનાં ફ્રેન્ચ ભાષાના જ્ઞાનના પણ વખાણ કર્યાં. આ બધું ઇલાબેનને ગમતું નહીં. હવે આ મધલીની ઘરવાપસી કરાવી જોઈએ એવું વિચારવા લાગ્યાં.

 

No comments:

Post a Comment