મધુરમ 1
“સ્નેહા બેટા, કાકાને પેલું રમકડું બતાવ તો, મામાએ દુબઈથી મોકલ્યું છે તે!” રસોડામાંથી મધુનો
પ્રેમભર્યો પણ હુક્કમ હોય તેવો અવાજ સંભળાયો. જેમાં ‘મામા’ અને ‘દુબઇ’ એ બે શબ્દો પર ખાસ
ભાર હતો. નાની સ્નેહા ઇલેક્ટ્રોનિક રમકડું લઈને ડ્રોઈંગ
રૂમમાં આવી. મહેશભાઈના મિત્રો એ જોઈ ખુશ થયા. પોતાના પિયરયાં દ્વારા અપાયેલી
વસ્તુઓ મહેમાનોને બતાવવી એ મધુનો સ્વભાવ.
મહેશભાઈ અને મધુના
લગ્નની પ્રથમ એનીવર્સરી પહેલાં જ સ્નેહાનો જન્મ થયેલો. સ્નેહા રંગે રૂપે મધુની
ઝેરોક્ષ કહેવાય પણ સ્વભાવ મહેશભાઈ જેવો શાંત. એમણે બીજા સંતાન માટે ઉતાવળ કરી ન
હતી. વસ્તી નિયંત્રણ માટેના સરકારી સૂત્ર 'બીજું બાળક ક્યારે?
પહેલું ભણવા જાય ત્યારે' નું યથાર્થ પાલન
કરીને પાંચ વરસનો સમય લીધો. એમનું બીજું સંતાન દીકરા સ્વરૂપે પાંચ વર્ષ પછી અવતર્યું, જેનું નામ
મહેશભાઈએ સંદીપ રાખ્યું. પરંતુ ડીલીવરી પછી મધુ અને બાળક બંનેને એવાં
કોમ્પ્લીકેશન્સ આવ્યાં કે માત્ર પંદર દિવસનું આયુષ્ય ભોગવી સંદીપે આ ફાની દુનિયાની
વિદાય લીધી. સાથે મધુની પણ સર્જરી કરી ઓવરી કાઢી નાખવી પડી. હવે મધુ બીજા બાળકને
જન્મ આપી શકે એવી હાલતમાં ન રહેવાથી તેમનો તમામ પ્રેમ સ્નેહાને જ મળ્યો.
મહેશભાઈ પોતે B.Sc., B.Ed. ઈન મેથ્સ એન્ડ ફિઝિક્સ, અને ગામની હાઈસ્કૂલમાં
શિક્ષક. ગણિત અને વિજ્ઞાન એમના વિષય. નબળામાં નબળા વિદ્યાર્થીને સમજાય એવી રીતે
શીખવવાની એમની રીતને કારણે વિદ્યાર્થી આલમમાં એમનું નામ આદરથી લેવાય.
મધુ માંડ માંડ ગ્રેજ્યુએટ. B.Sc.
થર્ડ ક્લાસ ઈન માઈક્રોબાયોલોજી. એને માટે
M.Sc. કે B.Ed. નો તો વિચાર પણ કરી શકાય એમ ન
હતો. પણ ઈંગ્લીશ બોલવાનો ક્રેઝ ભારે. નવસારીમાં પી. એલ. પટેલના સ્પોકન ઇંગ્લીશના
ક્લાસ કરીને ઈંગ્લીશ બોલવામાં પાવરધી થઇ ગયેલી. એના પપ્પા નવીનભાઈ પોતે
હાઈસ્કૂલમાં ઇંગ્લીશના ટીચર અને મમ્મી નીલાબેન પ્રાથમિક શાળામાં હેડમાસ્તર. આથી
ઈંગ્લીશ એને વારસામાં જ મળ્યું ગણાય. બે હજારની વસ્તી વાળા ગામમાં પ્રાથમિક શાળા
અને માધ્યમિક શાળાનું એક જ કેમ્પસ. ગામમાં સારું ઈંગ્લીશ બોલી શકનારાઓમાં એની
ગણતરી થાય. ઘણા લોકોને ઈંગ્લીશ ભાષામાં આવેલા ટેલિગ્રામ એણે વાંચી આપ્યાના દાખલા
છે. મોટાભાગના ટેલિગ્રામ ઈંગ્લેન્ડથી આવતા અને તે પણ મૃત્યુના દુઃખદ સમાચાર સાથે. ઉપરાંત
ગલ્ફના દેશોમાં નોકરી માટેના, ડોડસેલ પ્રાઇવેટ લિમિટેડના
કે બૅકટેલ કંપનીના.
મેટ્રિકમાં મધુના ઇંગ્લીશ
વિષયમાં સૌથી વધારે 85 માર્ક્સ આવેલા. પણ કોલેજમાં ગયા પછી એનો
અભ્યાસ બગડયો જેનું જેનું મુખ્ય કારણ સબ્જેક્ટ સિલેક્શન ને જ ગણી શકાય. અને ખોટા
સબ્જેક્ટ સિલેક્શનનું કારણ એની માતા નીતાબહેનનો હઠાગ્રહ. મધુનો મોટોભાઈ કિરણ અને
ગામમાંથી અન્ય પાંચ છોકરાઓ વિદ્યાનગરમાં એન્જીનીયરીંગ કોલેજમાં ભણતા હતા. વળી એક
છોકરી અમદાવાદમાં મેડિકલ કોલેજમાં હતી. આથી નીતાબહેન મધુને પણ ડોક્ટર બનાવવાનાં
સ્વપ્ન જોતાં હતાં. પરંતુ મધુ ‘લિટરેચરની દુનિયાની છોકરી’ હતી. અંગ્રજી ઉપરાંત ગુજરાતી અને હિન્દીમાં પણ એની ફાવટ સારી હતી. વકૃત્વ
અને નિબંધ સ્પર્ધામાં તે હંમેશાં પ્રથમ આવતી.
પરંતુ નીતાબહેનના
આગ્રહની સામે નવીનભાઈ અને મધુ પોતે લાચાર હતાં. આથી મેટ્રિક પછી મધુનું પ્રિ-યુનિવર્સીટી
સાયન્સમાં નવસારીની બી.પી.બારીયા કોલેજમા એડમિશન થયું. પ્રિ-સાયન્સ
થર્ડ ક્લાસમાં પાસ કર્યું. એની નબળાઈ મેથેમેટિક્સ અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીમાં
જોવા મળી. છતાં સાયન્સમાં જ અભ્યાસ ચાલુ રખાયો જે વખત જતાં બગડયો. જીવનમાં
પ્રથમવાર થર્ડ ક્લાસ આવવાથી મધુ નાસીપાસ થઇ ગઈ. બીજી બાજુ યુવાની પણ પોતાનો રંગ
બતાવવા લાગી. પોતાના જ એક સહાઘ્યાયીને દિલ આપી બેઠી. પછી નવસારીમાં નવાં નવાં શરુ
થયેલાં એરકંડીશન્ડ થિયેટરો નટરાજ, ગિરિરાજ અને પ્રકાશ તથા
જહાંગીર, લક્ષ્મી, વસંત જેવા જુનાં
થિયેટરોમાં મધુની હાજરી દેખાવા લાગી. એકાદ વરસમાં
પહેલા પ્રેમપ્રકરણનું બ્રેક અપ થયું. પછી પણ બીજા ચાર છોકરાઓના પરિચયમાં એ રહી. સિનેમાનો
શોખ અને યુવાનીની સ્વચ્છંદતાને કારણે એની ઇમેજ ઘણી બગડી.
મધુને રૂપનું અભિમાન
જરૂર હતું. જોતાં જ ગમી જાય એવી મધુની ભૂગોળ ઘણી સરસ પરંતુ ઇતિહાસ ખરડાયેલો રહ્યો.
વધુ પડતો મીઠો સ્વભાવ એનું મુખ્ય નબળું
પાસું હતું. અમસ્તું અમસ્તું હસી હસીને વાત કરતી સ્ત્રીને પુરુષો પોતાની માનતા થઇ
જાય અને પછી એ જ નવા ઉભા થતા પ્રશ્નોનું કારણ બને. મધુની બાબતમાં આ વિધાન અક્ષરસહ
સાચું પડયું.
હમણાં જ બનેલી ગામની
એકમાત્ર સોસાયટીમાં પોતાનો નાનકડો બંગલો અને
તેમાં આ ત્રણ જણાનું કુટુંબ રહે. મકાન ખરીદી માટે મહેશભાઇની અનિચ્છા હોવા છતાં મધુ
પિયરમાંથી સારી એવી આર્થિક મદદ લઈ આવી જે પરત કરવાની ન હતી.
મહેશભાઈ પોતે
સદગૃહસ્થ. પરંતુ મધુના મામા હાઈસ્કૂલના ટ્રસ્ટી અને જો મહેશભાઈ મધુ જોડે લગ્ન કરે
તો જ હાઈસ્કૂલમાં નોકરી મળે એવી શરતને કારણે આર્થિક સ્થિતિએ ખુબ નબળા એવા મહેશભાઈ
મધુની ભૂગોળમાં ભેરવાયા. મધુ પોતે આ જ ગામની ભાણેજ હોવાને કારણે મોટેરાંઓ સહુ એને
ટૂંકમાં 'મધુ' કહેતા.
રૂપાળી મધુરી મધુને આ શબ્દ રુચતો પણ હતો. જો કે નાનાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે તો ‘મધુબહેન’.
મહેશભાઇની નોકરી અને
ઘર બંને મધુને કારણે હોવાને લીધે તેઓને મધુના આભારી કરતાં દબાયેલા હતા એવું ગણવું
વધુ યોગ્ય કહેવાય.
લગ્ન પછી ઘરમાં
મધુનું જ ચલણ. મહેશભાઈના પિતા નવસારી ખાતે ‘બેન્ક ઓફ બરોડા’માં ક્લાર્ક હતા. રોડ અકસ્માતમાં
ભરયુવાનીમાં અવસાન પામ્યા હતા. ઘરની ગરીબીનું આ જ મુખ્ય
કારણ. સવિતાબહેને ‘બેન્ક ઓફ બરોડા’ની ગામમાં
નવી જ શરુ થયેલી શાખામાં પટાવાળાની નોકરી કરીને મહેશભાઈને ભણાવ્યા.
સવિતાબહેન અને મધુની
સાસુ વહુની જોડી ગામમાં વખણાવા લાગી. મધુ પરણીને આવી પછી સવિતાબહેન માત્ર ત્રણ વરસ
જીવ્યાં. સવિતાબહેનને પેટનું કેન્સર હતું. મધુએ ખુબ સેવા કરી પરંતુ રોગ સામે
લડવામાં સવિતાબહેન હારી ગયાં. મધુના સંદીપ અને સાસુ સવિતાબહેનના અવસાન વચ્ચે
માત્ર છ મહિનાનું જ અંતર રહ્યું.
મધુને દિયર, જેઠ
કે નણંદ નામે કોઈ અન્ય સગું નહીં. આથી સ્નેહાના સગામાં મામા-મામી અને માસી-માસાજીનું
ઘણું મહત્વ. મહેશભાઈને એમની વધુ પડતી ચંચુપાત પસંદ નો'તી પણ
બોલતા નહીં.
આમ તો મધુ અને
મહેશભાઈના સ્વભાવ વચ્ચે ખાસ્સું અંતર. મહેશભાઈ થોડા અંતર્મુખી. બોલે ઓછું પણ નવી
સ્ટાઇલના ઈસ્ત્રી ટાઈટ કપડાંના શોખીન. ક્યારેક
જીન્સ અને ટી શર્ટ પણ પહેરે. મધુને બોલવાનું વધુ જોઈએ. ફેશનેબલ કપડાંનો
શોખ. સાડી ઉપર એની સુંદરતા નીખરી ઉઠે. છતાં ઘણીવાર પંજાબી ડ્રેસ, કૂરતા,
ટોપ અને ક્યારેક જીન્સ, તો વળી ટુર ઉપર નીકળે
ત્યારે ફ્રોક અને સ્કર્ટ પણ અજમાવે. મિરર એનો બેસ્ટ ફ્રેન્ડ. જયાં ચાન્સ મળે ત્યાં
મિરરમાં પોતાને જોઈ લેવાનું ન ચૂકે. બંનેને ફરવાનો શોખ. એલ.ટી.સી. લઈને તેમણે
કાશ્મીર થી કન્યાકુમારી અને છેક આંદામાન સુધીના પ્રવાસો કર્યા છે. નેપાળ અને
માલદિવ્ઝ પણ ફરી આવ્યાં. માત્ર પૂર્વ ભારત હજુ બાકી છે. જો કે આ તમામ પ્રવાસો ‘દુબઇ વાળા મામા’ દ્વારા જ સ્પોન્સર થતા. બાકી
હાઈસ્કૂલના શિક્ષકની માર્યાદિત આવકમાં વધુ પડતા પ્રવાસો કરવાની હેસિયત કોની ?
મામા એટલે કે મધુના
ભાઈ, કિરણ દુબઈમાં જોબ કરતા હતા. પછી ત્યાંજ એરપોર્ટ ઉપર ‘મેકડોનાલ્ડ’ રેસ્ટોરન્ટના મલિક બન્યા. અને પછી એમણે
દુબઈમાં બીજી ચાર મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ ફ્રેચાઈઝી ખરીદી. એક મિકેનિકલ ઇંજિનિયર, રેસ્ટોરન્ટના બાદશાહ બની ગયા. ભાભી હંસા અને બંને બાળકો પણ દુબઈમાં જ રહે,
ઈંગ્લીશ મીડીયમ, ઇન્ડિયન સ્કૂલમાં ભણે.
વર્ષમાં એક વાર ઘરે આવે. અને આવે ત્યારે બહેન મધુ અને બનેવી મહેશભાઈ તથા ભાણકી
સ્નેહા માટે ઢગલાબંધ વસ્તુઓ લાવે.
મધુની નાની બહેન
જ્યોતિ પણ મધુ જેવી જ સુંદર. ઇતિહાસ ચોખ્ખો, છતાંય મધુનો ઇતિહાસ
એને નડેલો. જો કે મા-બાપે ઈંગ્લેન્ડથી
આવેલ એક પાંત્રીસ વર્ષના હાથીકાય પુરુષ કાંતિ જોડે સોળ વર્ષની જ્યોતિને પરણાવીને
ઇંગ્લેન્ડ ભેગી કરી દીધેલી. ત્યાં ત્રણ વર્ષમાં જ બે બાળકોની મમ્મી બનીને તે
બિલકુલ બીઝી થઇ ગયેલી. તેણે પણ સવિતાબહેનની સારવાર માટે આર્થિક મદદ મોકલી મધુને પુરેપુરો
સાથ આપેલો.
No comments:
Post a Comment