Monday, July 24, 2023

મધુરમ 16

 

મધુરમ 16

2019ની સાલમાં ચાઈનામાં પહેલીવાર કોરોના વાયરસે દેખા દીધી. ધીરે ધીરે આખી દુનિયામાં ફરી વળ્યો. અમેરિકા પણ એની ઝપેટમાં આવ્યું અને સૌથી વધુ લોકોને ભરખી ગયો. આ દરમ્યાન આખી દુનિયા લોકડાઉનમાં સપડાઈ. એની સીધી અસર પ્રવાસન ઉદ્યોગને થઇ. ઘણી હોટેલો અને મોટેલોએ દેવાળાં ફૂંક્યાં. નીલની મોન્ટ્રિઅલની બંને મોટેલો પણ માંદી પડી. પરંતુ માયામી ખાતે મોટેલ મધુ એ એનો બિઝનેસ વધાર્યો. કારણકે કોરોનાગ્રસ્ત લોકોને સરકારે મોટેલોમાં કોરોનટાઇન કર્યા. મધુએ પેશન્ટોને સારી સેવા પુરી પાડી. પોતે પણ બાસઠ વર્ષની ઉમર ધરાવતી હોવા છતાં દઢ મનોબળ અને તેની ભગવાન કૃષ્ણ ઉપરની શ્રદ્ધાને કારણે મહેશભાઈ અને મધુને કોઈ વાંધો આવ્યો નહીં. મોટેલ મધુના સ્ટાફમાં તમામ લોકોએ વેક્સીન લઇ લીધી. સદનસીબે મોટેલ મધુમાં કોરોનટાઇન થયેલ તમામ ગ્રાહકો અને સ્ટાફમાંથી જેને જેને ચેપ લાગ્યો તે તમામે મૃત્યુને હરાવ્યું.

મોન્ટ્રિઅલની બંને મોટેલો માટે પણ મધુએ જ કોરોનટાઇન પેશન્ટો માટે સગવડ કરાવી. એ માટે એણે પોતાને ઓળખીતા એવા અમેરિકન કોન્ટેકટનો સહારો લીધો. આમ પણ મોન્ટ્રિઅલમાં સરકારને જરૂર હતી જ. સાલ 2020માં માંદી પડેલી બંને મોટેલોએ 2021ની સાલમાં નફો રળી લીધો. મધુ વધુ એકવાર માન ખાટી ગઈ અને ઇલાબહેન જોતાં રહી ગયાં.

ઈલાબહેનને કોરોના એ લપેટમાં લીધાં. પૂરાં બે વીક હોસ્પિટલમાં એડમિટ રહ્યાં પણ કોરોનાને હરાવ્યો. જો કે હવે ઇલાબહેન ઘણાં ઢીલાં પડી ગયાં. તેમના શરીરમાં સ્ફૂર્તિ રહી નથી.

રિષભ અને રિયાનો અભ્યાસ સરસ ચાલે છે. રિષભ કોલેજમાં અને રિયા હાઈસ્કૂલના છેલ્લા વર્ષમાં છે. આજે રિયાની સ્વીટ સિક્સટીન છે. પરંતુ કોરોનાનું કોરોનટાઇન અને સોસીયલ ડિસ્ટન્સ આ ઉજવણીની પરવાનગી નથી આપતું. જીવનમાં આ દિવસ પાછો ક્યારેય આવવાનો નથી એ જાણતી રિયા અને એની બહેનપણીઓએ ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક મીડિયાનો સહારો લીધો. વોટ્સએપ કોન્ફરન્સની મદદથી સખીઓ હાજર રહી અને માત્ર ઘરની છ વ્યકતિઓની હાજરીમાં જ બર્થ ડે કેક કપાઈ.

રિષભનાં 21 વર્ષ પૂરાં થયાં. એણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. રિયા પણ એની પાછળ પાછળ એ જ લાઈનમાં આગળ વધી રહી છે. સ્નેહાએ તો માસ્ટર્સ કર્યું જ છે.

મુંબઈમાં પ્રોપર્ટી ખરીદીને કોલસેન્ટર ચાલુ કરવાનો પ્રોગ્રામ મોકૂફ રખાયો. હવે તેમણે તેમનું ધ્યાન મોન્ટ્રિઅલ ઉપર કેન્દ્રિત કર્યું. 2023ના જાન્યુઆરી મહિનામાં સ્વપ્નિલ, સ્નેહા, રિષભ, રિયા ના નામ ઉપરથી ‘SSRR Software Corporation’ નામની સોફ્ટવેર ડેવલપિંગ કંપની ચાલુ કરી. સાથે રિષભે માસ્ટર્સનો અને રિયાએ બેચલરનો અભ્યાસ ચાલુ રાખ્યો.

અરવીંદભાઈએ હવે ફરજીયાત ઘરે જ રહેવું પડતું. ઇલાબહેનની તબિયત હવે સારી રહેતી નથી. ઈલા વારંવાર બોલે છે કે આખી જિંદગી મેં ઢસરડો વેઠયો અને હવે આ ઉંમરે માંદગી પરેશાન કરી રહી છે. હું મારે માટે તો જીવી જ નથી. પહેલાં સેટલ થવા મહેનત કરી પછી સેટ થવા. રિષભ અને રિયાને મેં જ મોટાં કર્યાં. તમે બધાં તો બિઝનેસ પાછળ પડયાં હતાં. હવે મારી સેવા માટે કોઈ પાસે સમય નથી.

ઈલાબહેનનો બળાપો ખોટો નથી એવું સૌને લાગે છે. થોડા સમય પછી મમ્મી મધુનો પણ આવો ખરાબ સમય આવી શકે એવું વિચારી નીલ અને સ્નેહાએ માયામીની મોટેલ મધુ વેચી દેવાનો નિર્ણય કર્યો. અને મધુએ તેને વધાવી લીધો.સારી કિંમતે એનું વેચાણ થયું અને એ જ રકમ નવી કંપનીમાં વાપરી. બેન્ક પાસે લોન લેવાનો સમય જ ન આવ્યો.

મધુને મોટેલ મધુ માટે ઘણી લાગણી હતી. ખુબ મહેનતથી એણે એને વિકસાવી અને પ્રખ્યાત કરી હતી. પરંતુ બે મહિના પહેલાં બનેલા એક બનાવે મધુને હચમચાવી મૂકી હતી. અને તેથી જ મધુ એ મોટેલનો બિઝનેસ સમેટવા રાજી થઇ ગઈ હતી. 

બન્યું હતું એવું કે 21મી સપ્ટેમ્બર 2022, સ્નેહાના જન્મદિને મધુને વોટ્સએપ ઉપર કોઈ અજાણી વ્યક્તિ તરફથી એક મેસેજ મળ્યો. સામાન્ય રીતે મધુ અજાણ્યા સાથે સોસીયલ મીડિયા ઉપર ટચમાં નથી રહેતી. પણ આજે સ્નેહાનો બર્થ ડે હોવાથી એણે એ મેસેજ જોયો. જેમાં કુલ નવ પિક્ચર હતાં. આ તમામ પિક્ચર આજથી 44 વરસ પહેલાં નવસારીના એક રેસ્ટોરન્ટમાં પોતાના બોયફ્રેન્ડ રાજુ સાથેનાં હતાં. મધુને માથે જાણે આભ તૂટી પડયું. મૂંઝવણ એના ચહેરા પર દેખાતી હતી. જરા વાર પછી બીજો એક મેસેજ મળે છે. આવતા સોમવારે તારી મોટેલમાં આવું છું. પચાસ હજાર ડોલર કેશ તૈયાર રાખજે. નહીં તો તારા તમામ પિક્ચર સોસીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવશે. ઉપરાંત તારા પતિની પણ હત્યા કરવામાં આવશે.

અત્યારે કાઉન્ટર પર એ એકલી હતી. આ વાત કોઈને પણ કહેવાય એવી તો હતી નહીં. પોલીસને જાણ કરવાનો વિચાર કર્યો પણ તેનાથી શું વળશે ? વધુ એક મેસેજ મળે છે, તેરા રાજુ અભી જિન્દા હૈ ઔર તેરે સામને ખડા હૈ. મધુએ એ મેસેજ વાંચ્યો અને સામે એક સિત્તેરેક વરસની ઉંમરનો જણાતો, મુસ્લિમ પહેરવેશમાં, દાઢીધારી પુરુષ દેખાયો. કાઉન્ટર પર એણે એક એન્વેલોપ મૂક્યું. તેમાં પણ પેલા ફોટા હતા. પછી બોલ્યો; "મધુ, હું તારો રાજુ."

મધુના હોશકોશ ઉડી ગયા. વર્ષોના વહાણાં પછી પણ બદલાયેલી સુરતમાં મધુએ રાજુ ને ઓળખી લીધો. જેનાથી એ ખુબ ડરતી હતી એ ફોટા અને રાજુ ઉર્ફે રફીક એની સામે ઉભો હતો. મધુએ ધીમેથી ફોટા વાળું એન્વેલોપ ગાર્બેજમાં ફેંકી દીધું. ફોટા સહીત તે ડિસ્ટ્રોય થઇ ગયું. મધુ માંડ માંડ બોલી શકી;" હું પૈસાની વ્યવસ્થા કરું છું. પ્લીઝ પણ હવે પછી મને હેરાન કરતો નહીં. મેં તારું કશું બગાડયું નથી. તું જ મારા જીવનમાં આવ્યો અને તું જ જતો રહ્યો."

તું તો મેરી સોને કે અંડે દેને વાલી મુર્ગી હો. કૈસે જાને દુંગા? તેરે પાસ દો રાસ્તે હૈ, પહેલા મૈં જબ ભી પૈસે માંગુ દેતે રહેના. યા દુસરા તું મેરી બેગમ બન જા."

તું ગાંડો નથી થઇ ગયો? આ ઉંમરે આવું થાય ? અરે મારે પણ સંસાર છે. મધુએ કહ્યું.

"જાનતા હું. સબ જાનતા હું. તેરે પાસ કેનેડામેં ભી બિઝનેસ હૈ. અગર મુઝે પૈસે નહીં મિલેંગે તો સબ કો માર ડાલુંગા. ફીર તુઝે ઉઠાઉંગા. મૈં ને કચ્ચી ગોલીયાં નહીં ખાઈ હૈ. તુઝે બેગમ બનાના મેરા ખ્વાબ થા, ખ્વાબ હે ઔર રહેગા.

મધુએ મનોમન પોતાના આરાધ્યદેવ કૃષ્ણને યાદ કર્યા. "હે પ્રભુ તારી ભક્તાણી મધુ આજે દ્રૌપદી બનીને તને પોકારે છે. કૃપા કરો પ્રભુ કૃપા કરો." આટલું વિચારતાં તે બેહોશ થઈને ઢળી પડી. તેને દૂર દૂર ફટાકડા ફૂટતા હોય તેવા અવાજો સંભળાયા. જયારે આંખ ખુલી ત્યારે તે કોઈ અજાણી જગ્યાએ હતી. 

કોઈ એના માથા ઉપર હાથ ફેરવી રહ્યું હતું. એ હાથ રફીકનો તો નથી ને એ જાણવા મધુએ પ્રયત્ન પૂર્વક પોતાની આંખ ખોલી. તે કોઈ સફેદ વસ્ત્રધારી સ્ત્રી હતી. મધુને લાગ્યું તેનું મૃત્યુ થયું છે અને તે હાલ સ્વર્ગમાં છે.

ધીરે ધીરે મધુ હોશમાં આવી. ડોક્ટર અને એક નર્સ હાજર હતાં. તેમણે ધીરે ધીરે મધુ સાથે વાતચીત શરુ કરી. મધુ પણ સ્વસ્થ થવા લાગી. હવે મધુને પુરેપુરો ખ્યાલ આવી ગયો કે તે હોસ્પિટલમાં છે. પણ કોણ લાવ્યું અને અને શું કામ એની ખબર નથી. ઉપરાંત મહેશભાઈ કયાં ? મધુએ મહેશભાઈ માટે પૂછ્યું. અને ડોક્ટરે મહેશભાઈને હાજર કર્યા.

મહેશભાઈને એ વળગી પડી. પણ પછી ખ્યાલ આવ્યો એના જમણા હાથ ઉપર પાટે બંધાયેલો છે  હાથમાં ફ્રેક્ચર હતું. પછી પોલીસ આવી. મધુને સવાલો પૂછી શકાય એવી હાલત છે તે જાણ્યા પછી પોલીસે તેનું નિવેદન લીધું.

તમારી સામે કાઉન્ટર પર ઉભેલી વ્યક્તિ સાથે તમે શું વાત કરતાં હતાં?” પોલીસનો પહેલો સવાલ.

મધુનામાં માનસિક સ્વસ્થતા આવી ચુકી હતી. હવે થોડું જૂઠું તો બોલવું પડે એવી કૃષ્ણની કુટનીતિ યાદ આવી. જે અસત્ય આપણને કે બીજાને પણ હાનિ ન પહોંચાડે પણ થોડે ઘણે અંશે પણ ફાયદો કરી શકે તે અસત્ય સત્ય કરતાં પણ વધારે પવિત્ર છે. મધુએ જવાબ આપ્યો; આઈ ડોન્ટ નો.હજુ પણ એણે બચવાનું હતું રફીકથી અને સમાજથી. મોટા ભાગના સવાલોના જવાબમાં એણે આઈ ડોન્ટ નો નો જ સહારો લીધો.

પોલીસ અને ડોકટરો એવા નિર્ણય ઉપર આવ્યા કે દર્દીને કશું જ યાદ નથી. એની યાદદાસ્ત આવે પછી જ વધુ સવાલો કરી શકાય એમ છે. પછી એને સુવા દીધી. મધુ પણ ઊંઘવાનો ડોળ કરી સુઈ રહી. આ દરમ્યાન પોતાની જાતને અને શરીરને મજબૂત કરવાનો પ્રયત્ન કરતી રહી.

છેક મોડી સાંજે મહેશભાઈ મધુ સાથે બેઠા છે. એક નર્સ અને ડોક્ટર ખડે પગે હાજર છે. અને ડોકટરની સૂચનાથી મહેશભાઈએ મધુને હકીકતથી વાકેફ કરવાની શરૂઆત કરી.મધુ અમે આપણા સી.સી.ટી.વી. ચેક કર્યા. કોઈ ગેસ્ટ આવે છે, તારી સાથે વાત કરે છે, તને કોઈ એન્વેલોપ આપે છે, તું તે જોઈને પછી તેને ગાર્બેજમાં નાંખે છે. પછી પણ વાત ચાલુ રહે છે. તું અચાનક ઢળી પડે છે. અને ત્યારબાદ કોઈ એક વ્યક્તિ હાથમાં ગન લઈને આવે છે અને આપણા કાઉન્ટર ઉપર ઉભેલા પુરુષ ઉપર અંધાધૂંધ ફાયરિગ કરે છે. પછી એક ગ્રેનેડ ફેંકીને ભાગી જાય છે. થોડી સેકન્ડ પછી ગ્રેનેડ ફાટે છે. પેલા પુરુષના ફુરચે ફુરચા ઉડી જાય છે. આપણા કાંઉન્ટરમાં પણ નુકશાન થાય છે. આપણો રોડ્રિક્સ દોડી આવીને તને ઊંચકીને દૂર લઇ જાય છે. પછી એમ્બ્યુલન્સ અને પોલીસને બોલાવવામાં આવે છે. તરત તને આ હોસ્પિટલમાં ખસેડી અને હવે તું સલામત છે.

આટલું બધું? હજુ બીજું કંઈ?” મધુ એ પૂછ્યું.

"હા, તારો આઈફોન બળી ગયો છે પણ પોલીસ તે લઇ ગઈ છે. ઉપરાંત ગાર્બેજ બિન પણ." મહેશભાઈએ ઉત્તર વાળ્યો.

મધુ સ્વસ્થ હતી પણ મહેશભાઈની  આઈફોન અને ગાર્બેજ બિન વાળી ઈન્ફોર્મેશને મધુને અકળાવી. પોતાની અકળામણ છુપાવવા મધુએ પોતાને ઊંઘ આવતી હોવાનું જુઠાણું ચલાવ્યું. અને ડોકટરે પણ તેને આરામ કરવાની સલાહ આપી. મધુ હવે પછી વિચારોના ચકડોળે ચડી. પાછી મનોમન કૃષ્ણને પ્રાર્થવા લાગી.

બીજી સવારે ફરીથી પોલીસ આવી. લેડી પોલીસ ઓફિસરે મધુને એકલીને રૂમમાં રાખીને પૂછપરછ કરી. મધુએ તમામ સાચી હકીકત જણાવી દીધી. પરંતુ આ બ્લાસ્ટમાં કે રફીકની હત્યામાં એનો હાથ નથી તે પણ સ્પષ્ટ કર્યું.

અમેરિકન પોલીસે પણ મધુના નષ્ટ થઇ ગયેલા આઈફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત મધુનો નંબર હવે વોચલિસ્ટમાં હતો.

બીજી બાજુ હત્યારો પણ પકડાઈ ગયો હતો. આ એક ગેંગવોર હતી. મરનાર રીઝવાન હતો. તેનું ઓરિજીન પાકિસ્તાન હતું. તેનું પાકિસ્તાનનું સરનામું પેશાવર હતું. રેફ્યુજી તરીકે તે 2004ની સાલમાં એક બેગમ અને પાંચ બાળકો સાથે કેનેડા આવ્યો હતો. અહીં આવીને ડ્રગ્સના ધંધામાં પડી ગયો હતો. આ ધંધામાં હરીફાઈ થઇ અને અંતે રિઝવાનનું કાસળ કાઢી નંખાયું. આ બધું ટીવી અને ન્યુઝ પેપરમાં આવતું હતું.

મરનાર પાકિસ્તાની રિઝવાન એ મૂળે ભારતીય રફીક હતો અને એક કસ્ટમ ઓફિસરનો હત્યારો હતો એ માહિતી હવે અમેરિકન પોલીસ અને એફ.બી.આઈ એ ભારતીય એજન્સી રો અને સી.બી.આઈ. સાથે શેર કરી. જો કે આ માહિતી ગુપ્ત રાખવામાં આવી. કારણ કે આવી જાહેરાતથી ગેંગવોર વધુ વકરવાનો અને વધુ હત્યાઓ થવાનો ડર હતો.

 

No comments:

Post a Comment