મધુરમ 14
‘મોટેલ મધુ’નો બિઝનેસ બરાબર
ઝામ્યો છે. સ્ટાફ પણ પૂરતો છે અને સારો છે. હવે મધુ પોતે ખાસ સમય નથી આપતી. મોટા
ભાગનું કામ એપ્મ્પ્લોયયીઝ પતાવી લે છે. મેનેજર વિશ્વાસુ મળ્યો છે. જુલાઈ મહિનાની ખુબસુરત સાંજે એક લક્ઝરી કોચ ‘મોટેલ મધુ’ના પાર્કિંગ લોટમાં એન્ટર થઇ. મેનેજરે કહ્યું, “મોન્ટ્રિઅલ,
કેનેડાથી ગુજરાતી મિત્રોનું એક વૃન્દ અમેરિકાની સહેલગાહે નીકળ્યું
છે. એમનો આપણી મોટેલમાં બે દિવસનો ઉતારો છે.” મોન્ટ્રિઅલ નામ સાંભળી મધુના ચહેરા
પર ચમક આવી ગઈ. કોચમાંથી મુસાફરો ઉતરતા ગયા અને મધુ પોતાની ઓફિસમાં બેઠી બેઠી
તેમને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. ઘણા ચહેરાઓ પરિચિત હતા.
‘મોટેલ મધુ’ અને ‘મધુબહેન’થી મોન્ટ્રિઅલના,
નવસારી વિસ્તારના લોકો પરિચિત હતા. મધુએ સૌને આવકાર આપ્યો. મહેમાનોને પણ ‘મોટેલ મધુ’ પોતીકી લાગી. આ વૃંદના લીડર હતા પંકજભાઈ
પટેલ. મધુ અને પંકજભાઈ ઇન્ડિયાની બહાર પહેલીવાર મળ્યાં. બંને એકબીજાને ભેટી
પડયાં. આ એ જ પંકજભાઈ છે જેઓ નવસારીની એગ્રિકલચર કોલેજમાં ભણતા હતા અને મધુને
જયારે અચાનક લોહી ની જરૂર પડી હતી ત્યારે તેમણે જ ખુબ મદદ કરી હતી.
રાતે પથારીમાં પડી પડી મધુ પોતાના
ભૂતકાળમાં ખોવાઈ ગઈ. વાત હતી વર્ષ 1983ની. મધુને બીજી ડીલીવરી માટે નવસારીની આનંદ
હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડીલીવરી પહેલાં મધુને કેટલાક શારીરિક કોપ્લિકેશન્સ શરુ
થયાં. નવસારીના ખ્યાતનામ ગાયનેકોલોજિસ્ટ ભેગા થયા. સુરત અને અમદાવાદના
ગાયનેકૉલોસ્ટિસ્ટની પણ સલાહ લેવામાં આવી. પરંતુ મધુની તબિયત બગડતી જતી હતી.
બ્લડપ્રેશર સતત વધતું જતું હતુ. ડોકટરો ‘મા’ અથવા ‘બાળક’ બે માંથી કોઈ એક
ને જ બચાવી શકશે એવું લાગતું હતું. મહેશભાઈએ મધુને બચાવી લેવા માટે સંમતિ આપી અને
જરૂરી પેપરો ઉપર સહી કરી આપી.
સિઝેરિયન કરીને બાળકને લઇ લેવામાં
આવ્યું. પણ બાળક થોડું કુપોષિત હતું. દીકરી સ્નેહા પછી એને દીકરો અવતર્યો હતો. એક
તરફ દીકરો અવતરવાની ખુશી હતી પરંતુ તેની શારીરિક પરિસ્થિતિ ચિંતાજનક હતી. બરાબર આ
જ દિવસે ઈંગ્લેન્ડમાં પ્રુડેન્શિયલ ક્રિકેટ વર્ડ કપની સેમી ફાઇનલમાં સંદીપ પાટીલની
ધમાકેદાર બેટિંગના જોરે ભારતે વિજય મેળવ્યો હતો. અને એ જ પાટિલના ફેન મહેશભાઈએ
પોતાના સંતાનનું નામ 'સંદીપ' રાખ્યું હતું.
મધુને વધુ એક સર્જરીની જરૂર પડી. એની
ઓવરી કાઢી નાખવી પડી. બીજી બાજુ સંદીપ પણ બે અઠવાડિયાનું આયુષ્ય ભોગવી સ્વર્ગે
સિધાવી ગયો. આ સર્જરી વખતે એને લોહીની જરૂર પડી. કમનસીબે નવસારીની રેડક્રોસ સોસાયટી પાસે ‘ઓ પોઝીટીવ’ બ્લડ ઉપલબ્ધ ન હતું. તાત્કાલિક બ્લડ ડોનેટ કરે તેવી વ્યક્તિઓની શોધ શરુ
થઇ. મધુના ગામના જે લોકો નજીક હતા તે પૈકી ત્રણ જણાનું બ્લડ ગ્રુપ ‘ઓ પોઝિટિવ’ હતું પરંતુ આ ત્રણે ત્રણ આલ્કોહોલિક હતા.
ત્યારે કોકે નવસારી એગ્રિકલચર કોલેજના વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશનમાં અગ્રેસર રહે છે
એવી માહિતી આપી. મહેશભાઈના મિત્ર, કેમેસ્ટ્રી ટીચર, જયપ્રકાશ પંડયા રીક્ષા લઇ એરૂ ચાર રસ્તા ઉપર આવેલ ખેતીવાડી કોલેજમાં
પહોંચ્યા. ત્યાં તેમને પંકજ મળી ગયો. પરિસ્થિતિની ગંભીરતા સમજી જઈને પંકજ અને એમના
સાત મિત્રો તરત જ સાયકલ લઈને નવસારી રેડક્રોસ ભવન પહોંચ્યા. તાત્કાલિક બ્લડ ડોનેટ
થયું. આનંદ હોસ્પિટલમાં મોકલાયું અને મધુને બચાવી લેવાઈ.
બીજા દિવસે
મોન્ટ્રિઅલનું પ્રવાસી વૃંદ પરત થયું ત્યારે મધુએ તમામ પેસેન્જરોને પચાસ ટકા રાહત
આપી. ઉપરાંત પંકજને પોતાના ઘરના આંબાની કેરીનું એક પેકેટ ભેટ આપ્યું. અને બસના
પેસેન્જરોને 1983ની સાલના બ્લડ ડોનેશનની વાત જણાવી.
No comments:
Post a Comment