મધુરમ 15
ભારતમાં પુલવામા ખાતે
આંતકવાદી હુમલો થયો અને સી.આર.પી.એફ. ના ચાલીસ જવાનો શહીદ થયા. તેના જવાબમાં
એરસ્ટ્રાઇક થઇ. અભિનંદનનું પ્લેન ક્રેશ થયું. તે પાકિસ્તાનમાં પકડાયો અને ખુબ
ઝડપથી છોડી દેવો પડયો. આ સમાચારોથી મહેશભાઈ ખુબ દુઃખી હતા. પાકિસ્તાન માટેની નફરતને
લઈને તેમણે એક બાંગ્લાદેશી એમ્પલોયને છૂટો કરી દીધો. અને મનોમન ભારતમાતા માટે કઈંક
કર્યું હોવાનો જશ લઇ લીધો.
માયામી ખાતે
ગુજરાતીઓની સંખ્યા ઘણી. તેમને એક ગુજરાતી લોકો માટેનું હિન્દુ મંદિર બનાવવાની
ઈચ્છા હતી. મંદિર એટલે અમુક મિલિયન ડોલરની જરૂરિયાત. આથી ગુજરાતી સમાજના મોભીઓએ એક
મંડળની સ્થાપના કરી. મધુ અને મહેશભાઈ પણ એના સભ્ય બન્યા.
નાણાં એકત્ર
કરવા માટે એમણે એક કથાનું આયોજન કરવાનું વિચાર્યુ. મોરારીબાપુ અને બીજા નામી
કથાકારોને બોલાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા. કારણકે કથાકારો અમેરિકા આવવા તો તૈયાર
હતા પરંતુ તેમને આયોજકોની તારીખ સાથે મેળ પડતો ન હતો. અંતે એક કથાકાર મળી ગયા. અને
ભાગવત ઉપર કથાનું આયોજન થયું.
ત્રણ દિવસની કથા ઘણી
સરસ થઇ. દાન પણ સારું મળ્યું. પરંતુ છેલ્લા દિવસે શ્રોતા સાથેની પ્રશ્નોત્તરી
દરમ્યાન એક શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો, "મેં એવું સાંભળ્યું છે
કે રામાયણ, મહાભારત, ભાગવત, પુરાણ વગેરે ગ્રંથો શુદ્રો માટે નથી. શાસ્ત્રો તેમને એનું વાચન, પઠન કે શ્રવણ કરવાનો અધિકાર આપતાં નથી. શું એ સાચું ?" એના જવાબમાં કથાકારે જણાવ્યું "હવે આધુનિક જમાનામાં આવું ખાસ રહ્યું
નથી. હાલના સંજોગોમાં આ પ્રશ્નનો જવાબ પણ એટલો સરળ નથી. એક જવાબ બીજા અનેક પ્રશ્નો
ઉભા કરી શકે. છતાં પરંતુ શાસ્ત્રોની વાત કરીએ તો હું એક સંદર્ભ આપું છું. ધ્યાનથી
સાંભળજો. શ્રી હરિહર પુસ્તકાલય, સુરત દ્વારા પ્રકાશિત અને
શ્રી મહર્ષિ વેદવ્યાસ પ્રણિત શ્રી હરિવંશ અથવા ઉત્તર મહાભારતના પ્રથમ પેજ ઉપર નીચે
નોંધમાં જે લખાયું છે તે લગભગ આ પ્રમાણે છે. ‘શ્રોતાઓએ
પ્રાતઃકાળે ઉઠીને નિત્યકર્મ પતાવી પ્રારંભે કથાકાર વિદ્વાન આચાર્યને નમસ્કાર કરવા.
પછી હરિવંશ માહાત્મ્યનું શ્રવણ કરવું. સામાન્ય રીતે શ્રોતાઓમાં બ્રાહ્મણોને આગળ,
તેમની પાછળ ક્ષત્રિયો અને પછી વૈશ્યોને બેસાડવા જોઈએ. શુદ્રોને પણ
કથાનું શ્રવણ કરાવી શકાય.”
આ બાબત મધુને ખટકી.
મધુના મગજમાં પોતાની કોળી જાતિ માટે એક પ્રકારનું ગૌરવ. નવસારી સાયન્સ કોલેજમાં પણ
ક્યારેક મિત્રોની જાતિ વિષયક મજાક કે
ટિપ્પણી તે બિલકુલ સહન કરતી ન હતી.
પ્રશ્ન પૂછવા માટે
મધુએ આંગળી ઊંચી કરી. કથાકારે કહ્યં; "બહેન તમે તમારો પ્રશ્ન
પૂછી શકો છો." માઈક હાથમાં લઇ મધુએ પોતાનો પ્રશ્ન પૂછવાનું
શરુ કર્યું.
“આપે જણાવ્યું કે શુદ્રોને પણ
કથા શ્રવણ કરાવી શકાય. ચાલો સમજ્યા મનુસ્મૃતિની જાતિ વ્યવસ્થા અનુસાર તમે આવું કહો
છો. પણ તમે જે ભાગવતની કથા કરો છો એ ખરેખર તો મહાભારતની જ કથા છે. મહાભારતના લેખક વેદ વ્યાસ. વશિષ્ઠ
ઋષિ બ્રાહ્મણ હતા.
તેમનો પુત્ર શક્તિ, તેનો પુત્ર પરાશર. આ પરાશરને શુદ્ર
કન્યા મત્સ્યગંધાથી થયેલો પુત્ર વેદ વ્યાસ. આ વેદ વ્યાસ અડધા શુદ્ર અને અડધા
બ્રાહ્મણ ગણાવા જોઈએ. વેદવ્યાસના નિયોગ એટલેકે લગ્ન બાહ્ય સબંધોથી થયેલા પુત્રો
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને દાસીપુત્ર વિદુર.
ઋષિ પરાશરે કામના આવેગમાં લગ્ન કર્યા વગર શુદ્ર
મત્સ્યગંધા સાથે શરીર સબંધ બાંધ્યો, અને તેનાથી તેમને એક અનૈતિકપુત્ર પેદા થયો, જે વેદવ્યાસ કહેવાયા. વિચિત્રવીર્યને બે પત્નીઓ હતી. તેઓ નિઃસંતાન
મર્યા. જયારે તે વંશમાં કોઈ પુરુષ રહ્યા નહીં અને ભીષ્મપિતાની લગ્ન ન કરવાની
પ્રતિજ્ઞા હતી ત્યારે ભીષ્મએ ગતકડું કાઢ્યું કે જો
રાજા મૃત્યુ પામે અને રાણી નિઃસંતાન હોય તો શુદ્ધ બ્રાહ્મણ પાસે નિયોગ થી સબંધ
બંધાવી પુત્ર પેદા કરી શકાય. અને આ ધર્મથી પેદા થયેલા બાળકો ગણાય. પણ આવું કરવાનું
કયા ગ્રંથોમાં લખાયું છે એ ન જણાવ્યું. વ્યાસમુનિએ તો
બંને રાણીઓ અને એક દાસીને પણ નિયોગથી પુત્રો પેદા કરી આપ્યા.
હવે પ્રશ્ન એ છે કે વ્યાસના દાસી સાથેના
સંબંધથી વિદુર પેદા થયા તેઓ આખી જીંદગી તરછોડાયેલા રહ્યા. દાસીપુત્ર કહેવાયા. કારણ કે તેની
માતા દાસી હતી, શુદ્ર હતી. જો આવું જ હોય તો પરાશર મુનિની લગ્ન કર્યા
વગરની શુદ્ર મત્સ્યગંધા સાથેના સંબંધથી પેદા થયેલ બાળક વેદ વ્યાસ બ્રાહ્મણ શી રીતે
કહેવાય ?
હજુ એક આડ પ્રશ્ન બાકી રહી જાય, પરાશર મુનિએ એ શુદ્ર કન્યા સાથે એની સંમતિથી, પ્રેમથી શરીર સબંધ બાંધ્યો હતો કે બળાત્કાર
કર્યો હતો? કહેવાય છે કે તે
સમયે સૂર્ય હજુ આકાશમાં હતો પણ આવેગી પરાશરે પોતાની વિદ્યા શક્તિથી આજુબાજુમાં
ધુમ્મસનું વાતાવરણ ફેલાવી દીધું હતું.
વ્યાસજીના બાપ બ્રાહ્મણ એટલે વ્યાસજી બ્રાહ્મણ, ભલે માતા શુદ્ર હોય. જયારે એ જ
વ્યાસજીના દાસી સાથેના સંબંધથી પેદા થયેલ વિદુરજી વ્યાસપુત્ર અર્થાત બ્રાહ્મણ શા
માટે નહીં
? જો વિદુર શુદ્ર તો વ્યાસ પણ શુદ્ર અને
જો વ્યાસ બ્રાહ્મણ તો વિદુર પણ બ્રાહ્મણ જ ગણાવા જોઈએ. આ બન્નેની માતા શુદ્ર હતી.
રામાયણના લેખક વાલ્મિકી ઋષિ મૂળે કોણ હતા? કેટલાક લોકો વાલ્મિકી ઋષિને શુદ્ર ભીલ અથવા
કોળી સમજે છે. તો કેટલાકના મતે તેઓ બ્રાહ્મણ હતા. અરે ! રાવણની બાબતમાં પણ
મતમતાંતરો છે. જે કથાની રચના થોડાંક હજાર વરસ પહેલાં એક શૂદ્રે કરી, તે જ કથા અત્યારના આધુનિક અને વૈજ્ઞાનિક
કહેવાતા યુગમાં એક બ્રાહ્મણ શ્રોતાઓ સમક્ષ કરી રહ્યા છે. અને એનું શ્રવણ કરવા માટે
શૂદ્રોએ જ પાછળ બેસવાનું ??
મહાભારતના પાત્રોમાં તો શુદ્રોનું લોહી છે.
એમના અડધા જીન શુદ્રના છે. તો પછી શૂદ્રોએ પણ બ્રાહ્મણો સાથે આગળ ન બેસવું જોઈએ? અને ખરેખર તો હજુ જાતિવાદની શી જરૂર છે ? તમે કથાકારો કેમ જાતિવાદ વિરુદ્ધ અવાજ નથી
ઉઠાવતા?”
મધુના આ પ્રશ્નોથી
આખી સભા સ્તબ્ધ થઇ ગઈ. કારણ કે ત્યાં બ્રાહ્મણ માત્ર એક જ હતા તે કથાકાર. ત્રણ
કુટુંબો ક્ષત્રિયોનાં અને પંદર વીસ શાહ અટકધારી વાણિયાઓ
એટલેકે વૈશ્યો હતા. આ સિવાય લગભગ અઢીસો માણસો શુદ્રો હતા જેમાં પાટીદાર પટેલો, કોળી
પટેલો અને અન્યો હતા.
“બહેન તમારી હિંમત અને જ્ઞાનથી
હું પ્રભાવિત થયો છું. ખરેખર જાતિવાદને તિલાંજલિ આપવાનો સમય તો ક્યારનોય પાકી ગયો
છે. પણ હિન્દુસ્તાનનું રાજકારણ એની પરવાનગી નથી આપતું. અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિ ભારતીય રાજકારણીઓને
બરાબર માફક આવી ગઈ છે. જાતિવાદની સાથે શિક્ષણ અને નોકરીમાં અનાતમનો પ્રશ્ન
જોડાયેલો છે. જે અનામતની નીતિ આઝાદી પછી માત્ર દસ થી પચીસ વરસ બાદ દૂર કરવાની જરૂર
હતી તેને હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. એમાંથી જ મંડલ - કમંડલ ના પ્રશ્નો ઉભા થયા.
બહેન આપણું આ પ્લેટફોર્મ જાતિવાદ, મનુવાદ, અનામત, અંધશ્રદ્ધા વગેરે માટે ઘણું નાનું છે.
પ્રજામાં જ શિક્ષણ, સંસ્કાર, નિખાલસતા, સમાનતા, ભાઈચારો
વગેરે સાથે નૈતિક જાગૃતિ આવે એ જ જરૂરી છે. અને એ માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની
છે.” એવું કહી કથા કથાકારે
પુરી કરી દીધી. પણ માયામીના ગુજરાતી સમાજના કેટલાક લોકોએ મધુના જ્ઞાન અને હિંમતના વખાણ કર્યાં. જયારે
કેટલાકે એને હલકટ ગણાવી.
હ્યુસ્ટન, ટેક્સાસ
ખાતે યોજાયેલા 'હાઉ ડી મોદી' કાર્યક્રમમાં
મધુ અને મહેશભાઈએ ઉત્સાહભેર ભાગ લીધો. એટલું જ નહીં પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે
હસ્તધુન કરવાની અને નરેન્દ્રભાઈ મોદીને એકદમ નજીકથી નમસ્તે કરવાની તક પણ મધુને
મળી.
મહેશભાઈ શ્રી
નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ખુબ ખુશ છે. તેઓ અને તેમના કેટલાક
મિત્રો પોતાને ‘મોદીફાઇડ’ ગણાવે છે. મહેશભાઈના દાદા સ્વાતંત્ર્ય
સેનાની હતા. તેમનાં કાર્યો અને વિચારો ઉપર ગાંધીજીનો જબરો પ્રભાવ. તેમણે આજીવન
ખાદીનાં કપડાં પહેર્યાં હતાં. જો કે તેઓ ઈન્દીરા ગાંધીના વિરોધી હતા. કોંગ્રેસના
ભાગલા પછી તેઓ સંસ્થા કોંગ્રેસના કાર્યકર્તા બની ગયા. કટોકટી વેળા જેલમાં જવાનો
તેમનો વારો આવે તે પહેલાં જ ચૂંટણીની જાહેરાત થઇ ગઈ અને તેઓ બચી ગયા. જો કે
મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા અને પછી માત્ર એકાદ મહિનામાં જ તેમનું અવસાન
થયેલું.
મહેશભાઈ જેવા ઘણા
લોકો એવા છે જેમને શ્રી નરેન્દ્ર મોદી ગમે છે. કાયમ માટે ભાજપ ની સરકાર બને અને
નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન બને એવું ઈચ્છે છે. તેમને સાવરકર સામે પણ કોઈ વાંધો નથી.
આર.એસ.એસ. પણ ગમે છે. સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝદ વગેરે માટે પણ ઉચ્ચ આદર
ધરાવે છે. જવાહરલાલ નહેરુ માટે પણ એટલો બધો અણગમો નથી. ભાજપને
વોટ આપે છે અને અપાવે પણ છે. પણ કહેવાતા હિન્દુવાદીઓ દ્વારા મહાત્મા ગાંધી વિષે
સોસીયલ મીડિયામાં જે ખોટેખોટા આરોપો લગાવીને ઝેર ઓકવામાં આવે છે તે નથી ગમતું. તેઓ
સ્પષ્ટપણે માને છે કે ભારતની આઝાદીમાં ભલે બીજા અનેક લોકોનો હાથ હોય પણ બ્રિટિશ
સરકારે વાતચીત માત્ર ગાંધીજી અને કોંગ્રેસ સાથે જ કરી હતી. આથી આઝાદી ગાંધીજીએ
અપાવી એ ખોટું તો નથી જ. ઉપરાંત તેમને વોટ્સએપ યુનિવર્સીટીના બોગસ જ્ઞાન સામે પણ
વાંધો છે. આવા ખોટા સમાચારો અને અફવાઓ ક્યારેક દેશની
શાંતિ ડહોળી શકે અને આફત નોતરી શકે એવી સંભાવનાઓ પણ રહેલી છે.
No comments:
Post a Comment