Monday, July 24, 2023

મધુરમ 5

 

મધુરમ 5

મધુનો પહેલો બોયફ્રેન્ડ એની સાથે કોલેજમાં ભણતો પ્રકાશ હતો. પછી ત્રણને એણે બોયફ્રેન્ડ બનાવ્યા વિના અધ્ધર લટકાવી રાખ્યા હતા. પાંચમો તે રાજુ. રાજુનો દેખાવ ઘણો સારો પરંતુ એ કોલેજમાં ભણતો ન હતો. કોક બિઝનેસમેનનો છોકરો હોવાનું જણાવતો હતો. તેમનો બિઝનેસ સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, પુના અને હૈદરાબાદ સુધી વિસ્તરેલો છે એવું તેણે જણાવેલું.  મધુ પાછળ તે ગાંડાની જેમ રૂપિયા વેરતો હતો. ધીમે ધીમે મધુ રાજુની ખુબ નજીક આવી ગઈ. હવે તેઓ લગ્નની વાતો કરતાં હતાં. મધુ કરતાં રાજુને વધુ ઉતાવળ હતી. રાજુ અવાર નવાર લગ્ન પહેલાં જ મધુરજની માટે ઉતાવળ અને દબાણ પણ કરતો હતો. તેમના વચ્ચેની તમામ મર્યાદાઓ ઓળંગાઈ ગઈ હોત એ નિશ્ચિત હતું. પણ એક દિવસથી અચાનક રાજુ દેખાતો બંધ થઇ ગયો.

થોડા દિવસ પછી એક સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા. કોક રાજુ નામે ઓળખાતો  રફીક મુસ્તાક કુરેશી નામનો નવસારીનો યુવાન, જે પહેલાં શુકર બખિયા, પછી ભાણા ખાલપા અને છેલ્લાં ત્રણ વરસથી હાજી મસ્તાન સાથે દાણચોરીના વ્યવસાયમાં સંકળાયેલો હતો. તે દમણ ખાતે કસ્ટમ ઓફિસરને હાથે પકડાયો હતો. પણ પછી ઓફિસરને પેટમાં ચપ્પુ મારીને ભાગી છૂટ્યો હતો. એનો પીછો કરતાં પોલીસ નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, પૂના અને છેક ભુજ સુધી પહોંચી પણ તે કચ્છ સરહદેથી પાકિસ્તાન ભાગી ગયો હોવાનું બહાર આવ્યું.

દાણચોરી ઉપરાંત તેનો વ્યવસાય લોહીના વેપારનો પણ હતો. છોકરીઓને ફસાવીને દેશના જુદા જુદા શહેરોના રેડલાઈટ એરિયામાં સપ્લાય કરતો. એના ચક્કરમાં ફસાયેલી યુવતી વેશ્યા બની જતી. જો એ સહકાર ન આપે તો તેણે આપઘાત કરવો પડતો અથવા તેની હત્યા થઇ જતી.

આ સમાચારો ગુજરાતમિત્રમાં વિગતવાર રીતે વાંચ્યા પછી જ મધુને ખ્યાલ આવેલો કે તેના પ્રેમીનું સાચું નામ રાજુ નથી પણ રફીક છે અને તે હિન્દુ નથી પણ મુસલમાન છે.

એક દિવસ એ રાજુએ મધુની હાજરીમાં નવસારી પોષ્ટઓફિસમાંથી મુંબઈ ટ્રંકકોલ બુક કરાવ્યો, ત્યારે પોતાનું નામ રાજુ પરંતુ સામેવાળાનું નામ મુસ્તાક શેખ જણાવેલું. જો કે મધુએ ત્યારે આ નામ બાબતે કોઈ ગંભીરતા દાખવેલી નહીં. પણ ગુજરાતમિત્રમાં એના સમાચાર વાંચતાં વાંચતાં એને આ પ્રસંગ યાદ આવ્યો હતો.

સુધાને પણ આ સમાચારો મળ્યા હતા. આમ પણ સુધાએ પોતાના લગ્ન પછી પણ મધુ જોડે મિત્રતા ટકાવી રાખી હતી. અને રાજુ સાથેની મધુની ઓળખાણ સુધાએ જ કરાવી હતી.

રફીકના પાકિસ્તાન ભાગી જવાના સમાચારથી તેઓ બંને ને થોડી હાશ થઇ હતી, પરંતુ એક બાબત એ બંનેના જીવને કોરી ખાતી હતી. થોડા દિવસ પહેલાં મધુ, સુધા અને રાજુ ઉર્ફે રફીક નવસારીના એક રેસ્ટોરન્ટમાં આઇસ્ક્રીમ ખાવા ગયાં હતાં, ત્યારે રાજુના કેમેરા વડે તેમણે થોડા ફોટા ખેંચ્યા હતા. જો કે આ રંગીન ફોટા નવસારીમાં ધોવડાવવાની સગવડ ન હોવાથી બીજા આઠવાડિયે રાજુ મુંબઈમાં ધોવડાવી લાવવાનો હતો. આ કેમેરો ક્યાં અને કોની પાસે હશે તેની કોઈ જાણકારી આ બંને પાસે ન હતી. ભવિષ્યમાં આ ફોટોગ્રાફ તેમના જીવનમાં પ્રશ્નો ઉભા કરી શકે એવું તેમને લાગતું. જો કે લાંબા સમય સુધી આ બાબતે બીજા કોઈ અશુભ સમાચાર ન આવતાં તેમણે રાહતનો દમ લીધો હતો.

આ પછી મધુએ ગામના રાધાકૃષ્ણ મંદિરમાં જઈને કૃષ્ણ ભગવાનના પગમાં પડીને હવે પછી ક્યારેય પણ આવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી મધુ રોજ સવારે પોતાના ઘરનાં મંદિરીયામાં દીવો કરે છે. અને કૃષ્ણની સામે રાધા બનીને નહીં પણ દ્રૌપદી બનીને પ્રાર્થના કરે છે. જેમ કૃષ્ણે દ્રૌપદીના ચીર પુરી તેની લાજ બચાવી હતી તેવી જ રીતે રફીક ઉર્ફે રાજુને પોતાના જીવનથી દૂર કરીને લાજ અને જિંદગી બચાવી છે એવું મધુ સ્પષ્ટ પણે માને છે.

આજે મધુનો જુનો બોયફ્રેન્ડ રાજુ વિચારોમાં રફીક ની હકીકત બનીને મધુને પજવી રહ્યો હતો. મધુનું બ્લડ પ્રેશર આચાનક વધી ગયું. તેનું માથું જાણે ફાટી જશે એટલું જોરથી દુખવા લાગ્યું. તેને ધ્રુજારી પણ ચડી. મહેશભાઈ બાજુમાં સુતેલી મધુની અસહજતા પામી ગયા. મધુ થી બોલી શકાતું ન હતું.  તેમણે સ્નેહાને પણ બોલાવી. પણ પાંચેક મિનિટમાં મધુ સ્વસ્થ થવા લાગી. એનાસીન ની એક ગોળી પીવડાવી તેમણે મધુને સુવડાવી દીધી. અને મધુ પણ પછી શાંતિથી ઊંઘી ગઈ.

બીજા રવિવારે એક ટેમ્પો ટ્રાવેલરમાં બાર પુરુષોની ટીમ દમણ રવાના  થઇ. કાંઠા વિભાગના ઇતિહાસમાં પ્રથમવાર આવું બની રહ્યું હતું જેમાં એરેન્જ મેરેજ ના કિસ્સામાં  સગાઇ થયા બાદ અને બંને વેવાઈઓ ભેગા પાર્ટી કરવા દમણ જઈ રહયા હતા. નવા મિત્રો સાથે અરવિંદભાઈ અને મોહનભાઇને ખુબ મઝા આવી. પરંતુ વધારે નશો ન થાય તેની સૌએ કાળજી રાખી. સમયસર ઘરે પરત થયા. પણ આ બહાને બંને વેવાઈઓ મિત્રો બની ગયા. તમામ સલામત ઘરે આવ્યા પછી જ મધુને ટાઢક વળી. ત્યાં સુધી એનો જીવ ઊંચો જ રહ્યો હતો.

એક મહિના બાદ જાન્યુઆરીના અંતે નીલ અને અરવિંદભાઈ મોન્ટ્રિઅલ પરત થયા. એ પહેલાં આ બંનેએ થાય એટલી મઝા માણી લીધી. આ બંને બહાર ફરવા જાય ત્યારે કારમાં ડ્રાયવર કેતન સાથે હોય જ. નીલને નવસારીમાં મોટર બાઈક ચલાવવાનો ડર લાગે. એક તો અહીં ટ્રાફિકના નિયમો કોઈ પાળે નહીં અને બીજું કેનેડાનો રાઈટ હેન્ડ ડ્રાયવિંગનો એક્સપીરીયન્સ.

એન્ગેજમેન્ટ થયા છતાં પણ મધુના મનનો ડર યથાવત રહ્યો. રખેને આ બંને આવેશમાં કોઈ ગરબડ કરી નાખે અને પ્રેગ્નન્સીની પરિસ્થિતિ ઉભી થાય તો શું કરવું ? વળી ભલે સગાઇ કરી હોય છતાં મારો ભૂતકાળ એમને ખબર પડે અને સગાઇ કેન્સલ કરે તો શું થાય ? કમ સે કમ મોહનમામાને તો મધુના ભૂતકાળ વિષે માહિતી હતી જ. પોતાનો જ ભૂતકાળ ભૂત બનીને એને અકળાવતો હતો.  

મોન્ટ્રિઅલ પરત થવાનું થયું ત્યારે અરવિંદભાઈ અને નીલની સાથે ડ્રાયવર કેતન સિવાય કોઈ નો'તું. મહેશભાઈને પણ ઈલેક્શન ડયુટી હોવાથી રજા મળી નહીં. આથી સ્નેહા અને મધુ બે જ મુંબઈ ગયાં. વિદાય વેળા સ્નેહા રડે એતો સ્વાભાવિક કહેવાય પણ નીલની આંખો પણ ભરાય આવી. અને અંતે તો એ સ્નેહાને વળગીને રડી જ પડયો. મધુના અશ્રુ પણ ઉભરાય આવ્યાં પણ સાથે સાથે એને મનમાં ખાતરી થઇ ગઈ કે ખરેખર સ્વપ્નિલ સ્નેહાને દિલથી પ્રેમ કરે છે. આથી હવે મારા પોતાના ભૂતકાળની વાતો ત્યાં ન પહોંચે તો સારું.  

 

No comments:

Post a Comment