Monday, July 24, 2023

મધુરમ 3

 

મધુરમ 3

મહેશભાઈ ડ્રોઈંગરૂમમાં બેસીને નવા જ ખરીદેલા ‘MP-3’ ઉપર જૂની ફિલ્મોનાં રોમેન્ટિક ગીતો સાંભળતા હતા. લતા મંગેશકરના કોકિલ કંઠે ગવાયેલું, સુનિલ દત્ત અને નૂતન અભિનીત મિલન ફિલ્મનું ગીત 'હમ તુમ ..... યુગ યુગ સે યે ગીત મિલનકે વાગી રહ્યું હતું. આ ગીતના શબ્દો મહેશભાઈને એટલા પ્રિય હતા કે તેઓ અચાનક રોમેન્ટિક થઇ ગયા. આજે એમની પાસે પણ મધુને આપવા માટે એક ખાસ સરપ્રાઈઝ હતી. એક વરસ પહેલાં નોંધાવેલો લેન્ડલાઈન ફોન આજે રણકતો થઇ ગયો હતો. જે ફોનની મધુને ખુબ તાલાવેલી હતી તે જયારે એક્ટિવ થયો ત્યારે મધુ પોતે ગેરહાજર હતી.

 ને મધુની ઉતાવળી એન્ટ્રી થઇ. તે દોડીને મહેશભાઈને વળગી પડી. પણ ખુશી એટલી બધી હતી કે કશું જ બોલી શકતી ન હતી. મહેશભાઈએ વિચાર્યું કે ફોન એક્ટિવ થવાના સમાચાર મધુને ક્યાંકથી મળી ગયા લાગે છે, આથી જ તે આનંદના અતિરેકમાં બોલી નથી શકતી. તેમણે રોમેન્ટિક મિજાજમાં મધુને બાહુપાશમાં જકડી લીધી. તે મહેશભાઈને વળગીને રડતી રહી, માત્ર એટલું જ બોલી, "આપણી સ્નેહા મોટ્ટી થઇ ગઈ, જાનું ".

આ સાંભળીને તો મહેશભાઈ પોતે જ સરપ્રાઈઝ થઇ ગયા. અચાનક અંગ્રેજીમાં બોલી ઉઠયા, "વૉટ હેપન ડાર્લિંગ ?"

એક ગ્લાસ પાણી ગટગટાવીને મધુએ પતિદેવને આખી હકીકત ટૂંકમાં જણાવી. સાથે લગ્ન માટે ફરજીયાત સંમતિ પણ માંગી લીધી. કોઈપણ પુરુષને માટે રોમેન્ટિક અવસ્થામાં સ્ત્રીને નાખુશ કરવું કે તેની માંગણી નકારવી અસંભવ હોય છે. મહેશભાઈએ પણ ડોકું હલાવી લગભગ મંજૂરી આપી જ દીધી.

હવે સરપ્રાઈઝ આપવાનો વારો મહેશભાઈનો હતો. એમણે લેન્ડલાઈન ફોન એક્ટિવ થઇ જવાના સમાચાર મધુને આપ્યા. મધુ સીધી ઘરના મંદિરિયાં તરફ દોડી. રાધાકૃષ્ણની મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બોલી, "ભગવાનજી આજે આપે મને બબ્બે સરપ્રાઈઝ આપી છે. આપનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. બસ આવી કૃપા કાયમ રાખજો". કૃષ્ણ મધુના આરાધ્ય દેવ. મધુની દરેક તકલીફમાં જયારે જયારે માર્ગ મળી રહેતો ત્યારે ત્યારે મધુને એમાં કૃષ્ણની કૃપા દેખાતી.

રાત જામી ચુકી હતી. મધુ અને સ્નેહા કપડાં બદલવા ગયાં અને આ દરમ્યાન મહેશભાઈએ પોતાની જૂની હાર્ડ ડિસ્ક ખંખોળી. અરવિંદભાઈને તેઓ ઓળખાતા હતા. ઉંમરમાં પોતે તેમનાથી થોડા નાના. મોહનભાઇ અને અરવિંદભાઈને સાથે ક્રિકેટ રમતા જોયેલા. મટવાડના મેદાન પર પોતે પોતાની પ્રથમ મેચ રમતાં પ્રથમ દડે ક્લાસ બેટ્સમેન અરવિંદભાઈને 'બોલ્ડ' કરેલા એ યાદ આવ્યું. જો પોતાની પાસે બે હજાર રૂપિયા હોત તો પોતે પણ ૧૯૭૨માં આ લોકો સાથે કેનેડા જઈ શક્યા હોત એ પણ યાદ આવ્યું.

"સ્નેહા બેટા આપણે પહેલો ફોન કોને કરીએ?" મધુએ સહજ પૂછ્યું.

"મામાને." સ્નેહાનો સીધો જવાબ મળ્યો.

 "પણ બેટા એને માટે STD ને ISD  જોઈએ. હજુ વાર લાગશે. એક કામ કર. સ્વપ્નિલને જ આ સારા સમાચાર આપ. જસ્ટ કોલ હીમ બેટા.”

સ્નેહાએ સ્વપ્નિલને ફોન જોડયો. સામેથી હેલો સંભળાયું પણ સ્નેહા ગભરાઈ ગઈ. હેલો પણ ન બોલી શકી. એનું મોં સીવાઈ ગયું. અને રીસીવર મૂકી દીધું, ફોન કટ થઇ ગયો અને રસોડામાં ભાગી.

સામે સ્વપ્નિલ હતો. એના કોલર આઈ. ડી. સ્નેહાનું નામ દર્શાવી રહ્યો હતો.  એને ખ્યાલ આવી ગયો, સ્નેહાનો ફોન એક્ટિવ થઇ ગયો છે. એણે તરત ડાયલ કર્યો

ટ્રીન.... ટ્રીન..... અને મહેશભાઈએ રીસીવર ઉપાડયું. "હેલો",  બોલતાં ઘડિયાળમાં જોયું. પોણાઆઠ થયા હતા. સામેથી કોઈ યુવાનનો અવાજ સંભળાયો.

"મે આઈ ટોક વિથ સ્નેહા પ્લીઝ".

" ઓફ કોર્સ ! બટ મે આઈ નો હું ઇસ સ્પીકિંગ "?

આઈ એમ નીલ --સ્વપ્નિલ."

ઓહ, આઈ એમ મહેશભાઈ, સ્નેહા'ઝ પાપા.

નમસ્તે પાપા. ગુડ ઇવીનીંગ.

ગુડ ઇવીનીંગ બેટા

ઇફ શી ઇસ બીઝી આઈ વીલ કોલ લેટર

નો નો શી ઇઝ ઈન હર રૂમ. આઈ એમ ગિવિંગ હર. હોલ્ડ ઓન પ્લીઝ.           

હવે તો આ કાર્યક્રમ રોજનો રહેશે એવું વિચારી ઝાઝી વાતચીત કર્યા વિના મહેશભાઈએ રીસીવર સ્નેહાને સુપરત કર્યું. ઉતાવળમાં અભિનંદન કે આશીર્વાદના બે શબ્દો કહેવાનું પણ ભૂલી ગયા.

નીલ ખરેખર ઘાયલ હતો. મમ્મી-પપ્પાની મંજૂરી બાદ સ્નેહા પણ બિન્દાસ્ત બની. આગ હવે બંને બાજુ લાગી ચુકી હતી. પહેલી વાર ફોન પર હતાં છતાં લગભગ એક કલાક વાત થઇ. બપોરની રસોઈ ગરમ કરીને મમ્મી પપ્પાએ જમી લીધું અને વાસણ પણ સાફ થઇ ગયાં છતાં સ્નેહા ફોન ઉપર ચીટકેલી હતી.

સામ પિત્રોડા અને રાજીવ ગાંધીએ જોયેલું ભારતના ટેલિકોમ્યુનિકેશન સેક્ટરના  આધુનિકીકરણનું સ્વપ્ન નરસિંહરાવના વડાપ્રધાનપદ દરમ્યાન સાકાર થઇ રહ્યું હતું. ઠેર ઠેર ખોદકામ કરી કેબલ નંખાઈ રહ્યા હતા. ટીવી ઉપર એકવીસમી સદીનાં સ્વપ્નો સાથે 'ભારત બદલ રહા હૈ' એવું બતાવવામાં આવી રહ્યું હતું.. ટીવી પણ હવે દૂરદર્શન પૂરતું માર્યાદિત ન રહેતાં કેબલ ઓપરેટર દ્વારા કે ડીશ એન્ટેના દ્વારા અનેક ખાનગી ચેનલો સાથે નવીન રૂપ રંગ ધારણ કરી રહ્યું હતું. લોકજીવન અને લોકમાનસનું પણ પરિવર્તન થઇ રહ્યું હતું. આ પરિવર્તનની સીધી અસર મહેશભાઈ, મધુ અને સ્નેહાના વર્તનમાં પણ જોઈ શકાતી હતી.

 

No comments:

Post a Comment