મધુરમ 9
સ્નેહા કેનેડા પહોંચી ગઈ અને મધુનું સ્વપ્ન ફળીભૂત થયું. અને
સ્નેહાનું કેનેડામાં વિવાહિત જીવન શરુ થયું.
શરૂઆતમાં સ્નેહાને મોન્ટ્રિઅલની ભૂગોળ બરાબર સમજાઈ નહીં. એને બધી
સ્ટ્રીટ એક સરખી જ લાગતી. સ્ટ્રીટ ઉપર ચાલતા માણસોની સંખ્યા ખુબ જ ઓછી. માણસ કરતાં
કાર વધુ દેખાય. ઉપરથી ડિસેમ્બરની ઠંડી,
સ્નોફોલ અને પવનનું તોફાન. ખુબ જ ટૂંકો દિવસ અને
લાંબી રાત. છતાં એની વચ્ચે પણ ક્રિસ્ટમસની તૈયારીઓ અને લાઇટિંગ્સના શણગાર એને
અત્યંત આકર્ષક લાગ્યા. શોપિંગ મોલમાં સાન્ટા સાથે ફોટો પડાવીને એ ખુશ થઇ ગઈ.
ક્યારેક ખુબ ખુશ થઇ જતી ત્યારે એનો વ્યવહાર નાના બાળક જેવો થઇ જતો. આમ પણ એનું
માત્ર ઓગણીસમું જ ચાલતું હતું ને !
નીલે સૌ પ્રથમ સ્નેહાના ફ્રેન્ચ ભાષાના અભ્યાસનું આયોજન કર્યું. એને
ફૂલ ટાઈમ ફ્રેન્ચ સ્કૂલમાં મોકલી. સ્નેહાનો ભાષા પ્રત્યેનો લગાવ ઘણો. આથી બહુજ
ટૂંકા ગાળામાં એણે ફ્રેન્ચ ભાષા ઉપર સારું કહી શકાય એવું પ્રભુત્વ મેળવી લીધું.
અરવિંદભાઈ પોતે પણ ફ્રેન્ચ ભાષામાં આવેલી મેઈલ સ્નેહા પાસે વંચાવતા થયા.
‘અરવિંદમ’ ફેમિલીનું જીવન આધુનિક ખરું પણ કેટલાક વણલખ્યા નિયમોનું પાલન
કરનારું. એમાંનો એક નિયમ તે રાતનું ડીનર બધાએ એકસાથે કરવું. બરાબર આઠ વાગે બધાં
ડાયનિંગ ટેબલ પર આવી જાય. અને આખા દિવસની ચર્ચા લગભગ ત્યાં જ થાય.
શરૂઆતના વર્ષોમાં
અરવિંદભાઈ,
ઇલાબહેન અને નીલ આમ માત્ર આ ત્રણ જણાંના ફેમિલીને એક સાથે બેસીને
જમવાનું નસીબ ન હતું. સ્કૂલ કાળથી જ છોકરીઓ પાછળ દોડતા થયેલા
નીલની બાબતમાં અરવીંદભાઈ સ્પષ્ટપણે માનતા હતા કે પોતાના એકમાત્ર સંતાનને બાળપણમાં
માતાપિતા તરીકે તેઓ પૂરતો સમય આપી શક્યા ન હતા. તેમણે પૈસા
ખર્ચ્યા હતા,
રમકડાં અપાવ્યાં હતાં પણ એમની પાસે નીલ માટે સમય ન હતો. ધંધાની
શરૂઆતની આ એક મુશ્કેલી છે, જે મોટાભાગના ધંધાર્થીઓએ અનુભવી
છે. એક અર્થમાં નીલનો છોકરીઓ પાછળનો સમય અને નાણાંનો
વ્યય એ એના જીવનમાં રહી ગયેલી ઉણપને પુરવા માટેના વ્યર્થ પ્રયત્નો છે એવું
અરવિંદભાઈને લાગતું. આથી છેલ્લા ત્રણ વરસથી તેમણે ફેમિલી ડીનરનું મહત્વ વધારી
દીધું હતું.
‘સ્નેહા બેટા, તને ઇન્ડિયા અને કેનેડાની લાઈફમાં ખાસ કયા તફાવતો દેખાયા?’ અરવિંદભાઈએ ડીનર ટેબલ પર બેસતાંની સાથે જ પૂછ્યું.
“ડેડી તફાવતો તો ઘણા છે. ઇલેક્ટ્રિક
સ્વીચ, ડ્રાયવિંગ ડીરેક્શન વગેરેનો તફાવત તો દેખાય છે પરંતુ
જે ઈંગ્લીશ ભાષા મને અને મારી મમ્મીને ખુબ ગમે છે, જે શીખવા
પાછળ અમે સારી એવી મહેનત કરી છે એ ભાષાનું અહીં મોન્ટ્રિઅલમાં એટલું મહત્વ નથી
જેટલું અમે ઇન્ડિયામાં સમજતાં હતાં. લગભગ મોટા ભાગના લોકો ખોટું ઈંગ્લીશ અને ખોટું
ફ્રેન્ચ બોલે છે. છતાં કોઈ તેમને હસતું નથી.”
ડેડીની થાળીમાં એક
રોટલી મૂકીને સ્નેહાએ આગળ ચલાવ્યું; " મારી પાસે કેનેડિયન
લાઇફનો માત્ર ત્રણ મહિનાનો અનુભવ છે, એ દરમ્યાન હું દરરોજ
રાતે એકલી આવું છું છતાં મને હજુ સુધી છેડતીનો અનુભવ નથી થયો. સ્ત્રી પુરુષની જે
સમાનતા મને અહીં અનુભવાઈ છે તે ઈંડિયામાં નથી. ત્યાં સમાનતાની વાતો વધુ થાય છે પણ
વ્યવહારમાં સંપૂર્ણ અસમાનતા જ છે. બિહાર અને
ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં તો પરિસ્થિતિ ઘણી ખરાબ છે.”
પાણીનો એક ઘૂંટડો
ઉતારીને તેણે ઉમેર્યું, "આપણે આપણા દેશને ગાંધીનો દેશ કહીએ
છીએ પરંતુ ગાંધીમૂલ્યોને તો આપણે જ સમજી શક્યા નથી. આખા દેશમાં સ્વચ્છતાનો સંપૂર્ણ
અભાવ છે. શહેરો હવે ઉકરડા બની રહ્યા છે. આપણો આટલો સારો બિઝનેસ હોવા છતાં મમ્મીને
હું આપણી મોટેલમાં જાતે સફાઈકામ કરતાં જોઉં છું ત્યારે મને શરમ કે સંકોચ નહીં પણ
ગર્વ થાય છે. સ્વચ્છતા અને સ્વાવલંબનનું ખરું પાલન
કેનેડામાં થાય છે.”
ડીનર તો પતી ગયું પણ સ્નેહાની
વાતો ચાલુ રહી. તેણે કહ્યું; “ગુજરાતમાં દારૂબંધી હોવા
છતાં આપણા ગામમાં દારૂ પીનારા અનેક વ્યસનીઓ છે. તેઓ છાશવારે ધમાલ કરતા હોય છે.
રસ્તા ઉપર ડોલતા દારુડીયા દેખાય. બીડી સિગારેટનાં ઠૂંઠાં અને માવા-મસાલાની પડીકીઓ
ગમે ત્યાં ફેંકતા લોકો જોવા મળે છે. સૌથી ખરાબ તો તેઓ ગમે ત્યાં થૂંકતા હોય છે.
વાતમાં પોતાનો સૂર
પૂરતાં અરવિંદભાઈએ જણાવ્યું, "બેટા, હવે ધીમે ધીમે જેમ જેમ ઈમીગ્રાન્ટની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અહીં પણ ગંદકી
દેખાવા માંડી છે. આપણી મોટેલના સ્ટાફમાંથી પણ એક છોકરાને માવો ખાઈને થૂંકવાની ટેવ
હતી. અનેક વાર સૂચના આપવા છતાં તે સુધર્યો નહીં, અંતે મારે
તેને ફાયર કરવો પડેલો.”
“ડેડી જસ્ટ ગઈકાલની જ વાત કહું. મારી સ્કૂલના
એક પંજાબી સ્ટુડન્ટને પોલીસે ચાલુ કારમાં સીટબેલ્ટ ન બાંધવાને કારણે ટીકીટ આપી
ત્યારે તેણે આપણી ઇન્ડિયન સ્ટાઈલમાં ડોલર આપી સમજી જવા જણાવ્યું. પણ ટ્રાફિક પોલીસ
ન માન્યો,
ઉપરથી ગુસ્સે થયો. જો ઇન્ડિયામાં હોત તો આ
પંજાબી બચી ગયો હોત.” સ્નેહાએ સ્કૂલનો અનુભવ જણાવ્યો.
“ડેડી તમને મારી વાત જરા બોલ્ડ
લાગશે પણ મને જે સમજાયું છે તે તમને જણાવું છું. અહીં મેં ઘણી ગોરી સ્ત્રીઓ પાસે
બ્લેક બોયફ્રેન્ડ જોયા છે. તેઓ આનંદથી જીવતાં હોય એવું લાગે છે. આપણે માત્ર
કૃષ્ણની પૂજા કરી છે, જયારે આ ગોરી સ્ત્રીઓ કૃષ્ણ ને પામી છે.
રંગભેદ આ દેશમાં ખાસ નથી એવું હું સમજી શકી છું. થોડા અપવાદ જરૂર હશે. જયારે આથી
ઉલ્ટું ઇન્ડિયામાં છે. મારી એક ક્લાસમેટ જેનો વાન જરા ભીનો હતો તેના નામ પાછળ ‘કાળી’ શબ્દ જોડાય ગયો હતો. મારા ક્લાસની છોકરીઓ પણ
એની સાથે ફ્રેન્ડશીપ રાખવામાં માનતી ન હતી. જાતિવાદ હજુ પણ ગયો નથી. નવસારીમાં સ્કૂલ
કોલેજમાં મારી સખીઓને અને તે પહેલાં મારાં મમ્મી અને પપ્પાને પણ એનો અનુભવ થયો છે.
વાણીયા, બ્રાહ્મણ અને કણબી પટેલો આપણને, કોળી પટેલોને તુચ્છ સમજતા હતા. આપણી મજાક પણ ઉડાવતા હતા. અરે એક દલિત છોકરાના
નામ પાછળ તેની જાતિવાચક શબ્દ જોડી દીધો હતો. પરંતુ તે ‘એટ્રોસિટી
એક્ટ’ની બીક બતાવતો હતો આથી એની સામે કહેવાતા ઉચ્ચ વર્ણના
વિદ્યાર્થીઓ સીધી ટક્કરથી દૂર રહેતા. ઇન્ડિયામાં
હજુ પણ દલિતો લગ્નનો વરઘોડો કાઢી નથી શકતા. હજુ પણ તેમના કૂવા અલગ છે. ઘણી જગ્યાએ
તેમને મંદિર પ્રવેશ નથી.” આજે સ્નેહા એના વિચારો મુક્તપણે વર્ણવી
રહી હતી. અરવિંદભાઈ એને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
"બેટા લુન્સીકૂઈનાં મેદાન
ઉપર ક્રિકેટ રમતી વેળા મેં પણ કેટલીક વાર અભદ્ર ટિપ્પણીઓનો સામનો કર્યો છે. આપણા
નવસારી વિસ્તારમાં તો આપણી બહુમતી છે છતાં આપણને કડવા અનુભવો થયા છે. તો જરા વિચાર
કર દલિતો અને અતિ પછાત સમુદાય સાથે આપણે હિન્દુઓએ જ કેટલો અત્યાચાર કર્યો હશે? અમદાવાદ, બરોડા
અને દેશના બીજાં શહેરોમાં નોકરી અર્થે ગયેલા મારા મિત્રો ત્યાં પોતાની જાતિ છુપાવે
છે. કારણ કે તેમને ઈન્ટોલેરન્સ નો ભય સતાવે છે. એમની કિમંત કોડીની થઇ જશે એવો ડર
રહે છે. અને બીજું રંગભેદ તો અહીં પણ છે જ. અમે
1972માં જયારે નવા નવા આવેલા ત્યારે અમને પણ ક્યારેક કડવા અનુભવ થયેલા. બસ અને
મેટ્રોમાં ગોરી સ્ત્રીઓ અમારી બાજુમાં
બેસવા રાજી નો'તી. જો કે હવે ઘણું બદલાયું. એમને આપણા શરીરમાંથી ડુંગળીની વાસ આવતી. વળી
આપણું હેર ઓઇલ પણ એમને પસંદ ન હતું." અરવીંદભાઈએ પણ
પોતાના વિચારો જણાવ્યા.
સાસરામાં સ્નેહાની
રસોઈ સૌને ભાવી ગઈ. ઇલાબહેન પણ ખુશ થયાં. રસોઈની બાબતમાં વહુ એ સાસુને ટક્કર મારી
હોવા છતાં સ્વાદને લીધે વહુ સાસુનું દિલ જીતવામાં સફળ રહી. સ્નેહાની વાતો, વાણી
અને વર્તન તથા આવડત જોઈને અરવીંદભાઈ ખુશ થયા. એમને લાગ્યું, વહુ
રૂપસુંદરી તો છે જ, પણ સાથે ગુણસુંદરી પણ છે. મારા નીલનો
ઘરસંસાર એ સુખેથી ચલાવશે એવું હાલ તો લાગી રહ્યું છે.
સ્નેહાને લગ્નની
પહેલી એનિવર્સરીમાં અમેરિકા ખાતે માયામી, ફ્લોરિડામાં એક મોટેલ
ભેટ મળી. નામ રાખ્યું મોટેલ 'મધુ'. આમતો
બીજાં ઘણાં નામો વિચારાયાં પરંતુ સ્નેહા એની મમ્મીને બહુ લવ કરતી હતી આથી મોટેલનું
નામ 'મધુ’ વધુ યોગ્ય લાગ્યું. માલિક
બદલાયો અને મોટેલનું માત્ર નામ બદલાયું બાકીનો સ્ટાફ તે જ રહ્યો. મોન્ટ્રિઅલમાં
રહીને માયામીમાં બિઝનેસ કરવાનો હતો. કામ કઠિન હતું પરંતુ મેનેજર ગુજરાતી પટેલ હતો
અને ખુબ વિશ્વાસુ હતો.
સ્નેહાના શુભ હસ્તે 'મોટેલ
મધુ' નું ઉદઘાટન થયું. મમ્મી મધુ પણ ઘણી ખુશ હતી. પછીતો
ફેમિલી સ્પોન્સર માટેની ફાઈલ મુકાઈ. મહેશભાઈએ અર્લી રિટાયર્ડમેન્ટ લઇ લીધું.
પી.એફ. નાં નાણાં પણ મળી ગયાં.
No comments:
Post a Comment