Monday, July 24, 2023

મધુરમ 12

 

મધુરમ 12

મુંબઈ થી માયામી સુધી એમનો જીવ ફફડતો રહ્યો. પોતાની ફ્લાઈટમાં પણ બૉમ્બ બ્લાસ્ટનો ડર લાગતો રહ્યો. તેમાં મધુ સતત આંખો બંધ કરીને એના આરાધ્યદેવ કૃષ્ણને ભજતી રહી.

વધુ એકવાર રાજુ ઉર્ફે રફીક યાદ આવ્યો. આ નાલાયક યાદોમાં પણ મારો કેડો મુકતો નથી. એ એના અલ્લાહને પ્યારો થઇ ગયો હોય તો સારું. આ મુંબઈના આતંકવાદી હુમલામાં એ બદમાશ રફીકનો તો હાથ નથી ને ? એવા વિચારો મધુને સતત સતાવતા રહ્યા.

સ્નેહાના કેનેડા આવ્યાનાં લગભગ તેર ચૌદ વર્ષ થવા આવ્યાં. એ દરમ્યાન એ બે બાળકોની મમ્મી બની ગઈ. પણ એણે સાથે સાથે પોતાની ભણવાની ભૂખને પણ ન્યાય આપ્યો. એમાં નીલનો પણ ઘણો સાથ મળ્યો. ઉપરાંત અરવિંદભાઈ, ઇલાબહેનનો સહકાર તથા મધુ અને મહેશભાઈનું પ્રોત્સાહન પણ સારું મળ્યું. ફ્રેન્ચ ભાષા ઉપર એણે સરસ પકડ જમાવી હતી. સ્કૂલમાંથી જ એને વધુ અભ્યાસ માટે ઓફર મળી. એક સારી એજન્ટના સહારે સ્નેહા કમ્પ્યુટર સાયન્સના ડિપ્લોમા કોર્સમાં એડમીશન મેળવી શકી. હવે એને ભાષાને બદલે ઇલેક્ટ્રોનિક સાયન્સમાં રુચિ જાગી. એક અને બે વર્ષના ડિપ્લોમા કોર્સ પછી એણે મેકગીલ યુનિવર્સીટીમાંથી માસ્ટર્સ કર્યું. હવે તેને એક આઈ.ટી. કંપનીમાંથી સિત્તેર હજાર ડોલરના વાર્ષિક પગારની ઓફર થઇ. નીલે તે સ્વીકારી લેવાની સલાહ આપી. અને હવે સ્નેહા મોટેલમાંથી આઈ.ટી.માં પરિવર્તિત થઇ ગઈ. જો કે નીલનો આશય સ્નેહા પાસે માત્ર જોબ કરાવવાનો ન હતો. નીલનું બિઝનેસ માઈન્ડ સ્નેહા પાસે નવા ઉઘડી રહેલા આઈ.ટી. ઉદ્યોગમાં પગ પેસારો કરવાનું કહી રહ્યું હતું.

છેલ્લા પંદર વર્ષ દરમ્યાન નીલ અને સ્નેહાના મિત્રો અને સંબંધીઓમાં પણ ઘણા શુભ અને અશુભ અવસર આવ્યા. સુધામાસી અને માસાજી પણ મોન્ટ્રિઅલ આવીને કેનેડિયન સીટીઝન થઇ ગયાં. એમની પાસે બે ગ્રાન્ડ કીડઝ છે. પણ તેઓ હવે ટોરોન્ટો મુવ થયાં છે. ઈંગ્લેન્ડમાં જ્યોતિમાસીના પાર્થ પાસે બે બાળકો આવ્યાં. પાર્થ અને તેની ગર્લફ્રેન્ડ જુલિયા લગ્ન કર્યા વિના જ લિવ ઈન રિલેશનમાં રહેતાં હતાં. પૂજા લગ્નની ઝંઝટમાં પડવા માંગતી નથી. બોયફ્રેન્ડ બદલાતા રહે છે પણ આજીવન સિંગલ રહેવાનું મન બનાવી લીધું છે. દુબઈમાં કિરણ મામાનો પ્રથમ હવે મેક્ડોનાલ્ડ ઉપરાંત અન્ય બિઝનેસ પણ હેન્ડલ કરતો થઇ ગયો છે. તેની ચરોતરી ગુજરાતી વાઈફ વૈશાલી અને મામીનું બનતું ન હોવાથી તેઓ અલગ રહે છે. ખરેખર તો પ્રથમની કન્યા પસંદગી અને ચુપચાપ લગ્ન રજીસ્ટર્ડ કરાવી લેવાના મુદ્દા સામે જ હંસામામીને વાંધો હતો. મામાની દીકરી ક્રિષ્ના પાસે પંજાબી બોયફ્રેન્ડ છે. તેણે મિલ્કતમાં ભાઈ પાસે કોઈ ભાગ માંગ્યો નથી. તેમનો પોતાનો સોનાનાં ઘરેણાંનો ભવ્ય શો રૂમ છે. સુધામાસીના મોહન મામાનું અવસાન થઇ ગયું છે.

 

No comments:

Post a Comment