મધુરમ 13
ભારતમાં 2011ની
સાલમાં ક્રિકેટનો વર્લ્ડકપ ચાલી રહ્યો હતો. મહેશભાઈ અને અરવિંદભાઈએ ઇન્ડિયાની
ટિકિટ બુક કરાવી પરંતુ મધુ વધારે વ્યસ્ત હોવાથી એણે પોતાની અશક્તિ જાહેર કરી. આ બાબત ઈલાબહેનને
ભાવતી મળી. આથી આ બન્ને સાથે ઇલાબહેન ચાર વીક માટે ઇન્ડિયા ગયાં.
"એઈ, સાંભળો કે?" તક મળતાં ઇલાબહેને અરવીંદભાઈ તરફ
બાઉંસર ફેંક્યો. "તમને એવું નથી લાગતું કે આપણો નીલ ધીમે ધીમે આપણો મટીને
વહુનો થતો જાય છે? અને હવે તો આ મધલી પણ બિઝનેસ પાર્ટનર
બનીને બહુ હોંશિયારી મારતી થઇ ગઈ છે. આજે આપણી એક મોટેલની અડધી માલિકણ બની બેઠી
છે. આવતી કાલે આપણી બધી જ મોટેલ એ પચાવી જશે. નીલ અને વહુ પણ કોઈ નવો ધંધો શરુ
કરવાનું વિચારે છે. હું તો કહું છું જરા વિચારો, આપણા
ઘડપણમાં આપણે ‘ઓલ્ડ એજ હોમ’માં જવાનો
વારો આવવાનો છે.”
પહેલી એપ્રિલની રાતે
મુંબઈ ખાતે હોટેલ હોલીડે ઈન ના સ્યુટમાં અરવીંદભાઈ પત્નીનો બાઉન્સર ખાસ કોઈ
પ્રતિભાવ આપ્યા વિના ખાળી ગયા. હજુ અડધો કલાક પહેલાં જ મહેશભાઈ જોડે બિયરના
બે જામ સાથે ડીનર પતાવીને તેઓ આવ્યા હતા. મહેશભાઈ બાજુના સ્યુટમાં જ હતા. અરવીંદભાઈએ
ઈલાના મોઢે મધુ માટે 'મધલી' શબ્દ પહેલી વાર
સાંભળ્યો. ઇલાના મનનો આ વહેમ ‘એપ્રિલફૂલ’ જેવો ખોટો નીકળે તો સારું, જો કે સમાજમાં ચાલતા
કાવાદાવાથી વાકેફ અરવિંદભાઈએ પોતાની રીતે સાવધાની રાખવી સારી એવું મનમાં નક્કી કરી
લીધું.
વર્લ્ડ કપની ફાઇનલનો
ધોનીનો છગ્ગો અને ઈલાબહેનનો બાઉન્સર અરવીંદભાઈના દિમાગને ક્યારેક બેલેન્સ તો
ક્યારેક ઈમ્બેલેન્સ કરી દેતા હતા. રાતે વર્ડકપની જીતની ખુશી અને ઇલાબેનની ટકોરને
કારણે અરવીંદભાઈ એક પછી એક એમ હાર્ડ ડ્રિંકના પેગ લગાવતા ગયા. મહેશભાઈની, ‘હવે વધુ નહીં’ ની કોઈ વિનંતી તેમણે ધ્યાને લીધી
નહીં. પરિણામે તેઓ લગભગ ટલ્લી થઇ ગયા.
બીજા દિવસથી
અરવીંદભાઈએ જાતને સંભાળી લીધી. થોડા દિવસ પછી અરવિંદભાઈ અને ઇલાબહેન મોન્ટ્રિઅલ
જયારે મહેશભાઈ માયામી પરત ફર્યા. જો કે અરવિંદભાઈના
મગજમાં શંકાનો કીડો સળવળતો કરી દેવામાં ઇલાબહેન કઈંક અંશે સફળ જરૂર રહયાં.
નીલના બિઝનેસ
માઈન્ડમાં મુંબઈમાં પ્રોપર્ટી ખરીદી ત્યાંથી કોલસેન્ટર ચલાવવાના પ્લાન હતો. જે આઠ
કરોડથી વધીને હવે પંદર કરોડ ઉપર પહોંચ્યો હતો. જો કે હજુ બધું કાગળ ઉપર જ હતું.
સ્નેહાના કમ્પ્યુટર સાયન્સના અભ્યાસને અહીં કામે લગાડવાનો પ્લાન હતો.
2008 અને 2011ની ઇન્ડિયાની વિઝીટ વેળા અરવિંદભાઈ સારી એવી રકમ ઇન્ડિયાની બેંકમાં
ડિપોઝીટ કરાવી ગયા હતા. એ ઉપરાંત ગામ અને નવસારી ખાતે જુદી જુદી બેન્કના લોકરમાં
પણ દોઢથી બે કરોડ રૂપિયા કેશ પડેલા હતા. આ તમામ રકમ
કોલસેન્ટર માટેની હતી.
આખા ‘અરવિંદમ
ફેમિલી’માં સોપો પડી ગયો જયારે ભારતના વડાપ્રધાન શ્રી
નરેન્દ્ર મોદીએ નોટબંધી જાહેર કરી. પાંચસો અને
હજારના મૂલ્યની ચલણી નોટો રદ થયેલી જાહેર કરવામાં આવી. આ ફેમિલીનું
ઇન્ડિયા ખાતે ટ્રાન્સફર થયેલ કાળા નાણાં પૈકીનું કેટલુંક હજારની નોટના સ્વરૂપમાં
જુદી જુદી બેંકોના લોકરોમાં પડયું હતું. જે વડાપ્રધાનની એક જ જાહેરાતને પગલે
કરોડને બદલે ધૂળ બરાબર થઇ ગયું હતું. અરવિંદભાઈને ખુબ આઘાત લાગ્યો. છાશવારે
નરેન્દ્ર મોદીના વખાણ કરતા મહેશભાઈ ઉપર પણ તેમનો ગુસ્સો નીકળ્યો. બળતામાં ઘી
હોમતાં ઇલાબહેન પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવા મંડયાં. સ્નેહા અને
નીલ પણ અપસેટ હતાં.
પણ માયામીમાં બેઠાં
બેઠાં મધુ પાસે આને ઉકેલ હતો. એમનો મિત્ર નાયર જે હવે બેંક મેનેજર બની ગયો છે અને
સુરતની જ એક બ્રાન્ચમાં પોસ્ટીંગ પામ્યો છે. મધુએ યેન કેન પ્રકારે મોટાભાગનાં કાળા
નાણાંનું વ્હાઈટમાં રૂપાંતર કરાવી દીધું. અમુક ટકા રકમ લાંચ આપવા માટે પણ વાપરવી
પડી. આ પરાક્રમથી કુટુંબમાં મધુના મોભામાં ઘણો
વધારો થયો. ઈલાબહેનને પણ નાણાં બચવાનો આનંદ થયો પરંતુ મધલી વટ પાડી ગઈ તેનો અફસોસ
પણ થયો.
બે વેવણો, પરસ્પરના
વિરુદ્ધ ધ્રુવો, એક બીજાથી સેંકડો કિલોમીટર દૂર મોન્ટ્રિઅલ
અને માયામીમાં હોવા છતાં પણ ઈલાબહેનના સ્વભાવમાં રહેલી સ્ત્રી સહજ અદેખાઈને કારણે
થોડા ખટાશ વાળા બનતા જતા હતા.
આમ તો આ બંને વેવણો
વચ્ચે ક્યારેય બોલાચાલી થઇ નથી પરંતુ ઈલાબહેનના ટોણા મધુની સમજદારીથી બહાર રહેતા ન
હતા. ચબરાક મધુ સમજી જતી પણ મૌન રહીને મામલો બગડવા દેતી ન હતી. આમ ઈલાબહેનના
પ્રયત્નો નિષ્ફળ રહેતા. આનો જશ મધુની નિખાલસતાને જ આપવો પડે.
No comments:
Post a Comment