Monday, July 24, 2023

મધુરમ 7

 

મધુરમ 7

બીજા દિવસે અગત્યનું એક કામ એમના લગ્ન રજીસ્ટર્ડ કરાવવાનું થયું. જેથી તેમને સ્પોન્સરશીપની ફાઈલ મુકવામાં ઉતાવળ કરી શકાય અને દેશમાં તેમજ પરદેશમાં સાથે ફરવા તથા હોટેલમાં રહેવામાં કોઈ અડચણ ન આવે.

લગ્નની તારીખ ૧૪મી ફેબ્રુઆરી 1997 નક્કી કરી હતી. આમ પણ વેલેન્ટાઈન ડે હતો અને બંનેની જન્મકુંડળી મુજબ પણ એ તારીખ અનુકૂળ હતી. આથી લગ્ન પહેલાં હનીમૂનનો પ્લાન બનાવીને જ નીલ ઇન્ડિયા આવ્યો હતો.

આખું સાઉથ ઇન્ડિયા ફરીને ૩૧મી ડિસેમ્બર એમણે ગોવામાં મનાવી.  પછી દુબઇ ત્યાંથી હોંગકોંગ, બેંગકોક, સિંગાપુર ફરીને તેઓ જાન્યુઆરીના છેલ્લા વીકમાં પરત થયાં. તેઓ દરરોજ ફોનથી ઇન્ડિયા અને કેનેડાનો સંપર્ક કરી સમાચાર મેળવી લેતા. દુબઇ, હોંગકોંગ અને સિંગાપોરમાં કરેલ શોપિંગના પાર્સલો આવી રહયાં હતાં. પાર્સલો મેળવીને મધુ ખુબ ખુશ થતી પરંતુ સ્નેહાને વધુ પડતો ખર્ચ ન કરવાની ખોટી ખોટી સલાહ પણ આપતી.

બંને પક્ષોની પત્રિકાઓ છપાઈ ચુકી હતી. મોટાભાગની પત્રિકા મધુ અને મહેશભાઈ  જાતે જઈને સગા સબંધી અને મિત્રોને આપી આવ્યાં. સાથે લગ્નમાં જરૂર આવવાની મૌખિક તાકીદ પણ કરી આવ્યાં. અન્ય શહેરો, રાજ્યો અને પરદેશની પત્રિકાઓ પોષ્ટ કરી દીધી.

નીલના પક્ષે આ કામ કેતને ઉપાડી લીધું. અરવિંદભાઈ અને ઇલાબેન પણ આવી ગયાં. નીલના દશ મિત્રો લગ્નના બે દિવસ પહેલાં આવવાના હતા. એમની રહેવાની વ્યવસ્થા ગામના ખાસ મોટા પૈસાપાત્ર ઘરોમાં કરવામાં આવી. આ દશ પૈકી પાંચ ગોરા, એક કાળો, એક ચાઇનો, એક પંજાબી અને એક ગુજરાતી હતો. વળી તેમાંથી પાંચ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આવતા હતા. આમ કુલ પંદર પરદેશી મહેમાનો હતા.

મોસાળા માટે મધુના પિયરિયામાં દુબઈથી ભાઈ કિરણ, ભાભી હંસા, પ્રથમ અને ક્રિષ્ના તથા ઈંગ્લેન્ડથી બહેન જ્યોતિ, બનેવી કાંતિ, પાર્થ અને પૂજા આવ્યાં. આ ઉપરાંત મધુના મામા ન્યુઝીલેન્ડથી, ફોઈ અને ફુઆ અમેરિકાથી, એક પિતરાઈ ભાઈ મુંબઈથી અને બીજો અમદાવાદથી આવ્યા. મધુના પિયરિયાં ગામ કરતાં પરગામ અને પરદેશમાં વધુ હતાં. એના સ્વભાવમાં બોલ્ડનેસ નું આ પણ એક કારણ હતું.

જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મહેમાનો અને સગા સબંધીઓની સંખ્યા પણ વધવા લાગી. બંધ ઘરો ખુલી ગયાં. લગન મધુના ઘરે હતાં પરંતુ વસ્તી એના પિયરના ગામના મહોલ્લાની વધી ગઈ. જુદી જુદી જરૂરિયાતની વસ્તુઓ અને ખાસ તો ઘરેણાં અને કપડાંની ખરીદી છેક લગ્નના દિવસ સુધી ચાલી.

બંને બાજુ સારા માં સારા કોન્ટ્રેક્ટર દ્વારા રસોઈ અને મંડપ બન્યા. પીરસનારા પણ વેલ ડ્રેસ્ડ. ગૃહ શાંતિના ભપકા પણ ભારી રહ્યા. લગ્નની આગલી રાતના નજારા જોરદાર હતા. કોનો શણગાર અને ભપકો વધુ કહેવું મુશ્કેલ. બંને બાજુ લાખોના ખર્ચ. કાંઠાના ગામોમાં લગનની આગલી રાતે કામ નહીં પણ  પેણા ના નામે બેન્ડ-વાજા, ડી.જે., ગરબા, ડાન્સ, ફિલ્મીગીતો વગેરેનું આગમન થઇ રહ્યું હતું.

નીલને ઘરે રાતે જયારે નાચગાન શરુ થયાં ત્યારે આબાલવૃદ્ધ સૌ મન મૂકીને નાચ્યાં. શરૂઆતમાં વિદેશી મહેમાનોને ઇન્ડિયન મ્યુઝિક ઉપર ડાન્સ કરવાનું બહુ ફાવ્યું નહીં. કારણકે કેનેડામાં ક્લબમાં થતા ડાન્સ અને આ દેશી ડાન્સમાં આસમાન જમીનનું અંતર હતું. પરંતુ ધીમે ધીમે તેમણે પણ ઇન્ડિયન દેશી સ્ટેપ્સ શીખી લીધા. વળી ડાન્સનો પાવર જાળવી રાખવા માટે છુપી રીતે પરંતુ પૂરતા પ્રમાણમાં દમણ અને પરદેશી બ્રાન્ડ બોટલોની વ્યવસ્થા હતી.

સ્નેહાના ઘરનો માહોલ પણ લગભગ સરખો જ હતો. મધુના સાસરિયાં કરતાં પિયરિયાંની સંખ્યા વધુ હતી. પ્રથમ, પાર્થ, ક્રિષ્ના અને પૂજા માટે ઘરના લગ્નનો આ પહેલો પ્રસંગ હતો. એમનો ઉત્સાહ અને થનગનાટ જોવા જેવો હતો. વળી એમના ધ્યાનમાં આવી જવા માટે ગામના છોકરા છોકરીઓ પણ વધુ વ્યવસ્થિત પણે ડાન્સ કરતા હતાં. અહીં પણ દમણ વળી વ્યવસ્થા હતી જ. રાતે એક વાગ્યા સુધી નાચી કૂદીને સૌ થાક્યાં ત્યારે એ બંધ થયું. આવી જગ્યાએ યુવાનનોને તો મઝા આવે જ પણ અહીં તો ઘરડાં પણ ગરબે ઘૂમ્યાં. 

૧૪મી ફેબ્રુઆરીની સવાર થઇ. દુનિયા આખી વેલેન્ટાઈન ડે માનવી રહી હતી અને અહીં નીલ અને સ્નેહા જીવનભર માટે એકબીજાના થઇ રહયાં હતાં.

ગૃહશાંતીનું  મુહૂર્ત થોડું મોડું હતું આથી મોસાળું પણ મોડું આવ્યું. તેમાં પરદેશીઓની સંખ્યા ખાસી વધારે હતી. અનેક ભેટ સોગાદો સાથે મોભાદાર મામા-મામી અને સાથે માસી અને માસાજીના અનેક સાગા સ્નેહીઓએ હાજરી આપી. આમ કરતાં કરતાં તેમનું જમવાનું સાંજે  ચાર વાગે પત્યું. અને નીલની જાનનો આવવાનો સમય પણ થઇ ગયો.  

એક બગી અને અનેક કારોનો કાફલો ધરાવતી નીલની જાન માંડવે આવી પહોંચી. સૌથી આગળ બેન્ડ વાજાં અને પછી વરરાજા. સાથે અણવર, નીલની માસીનો જમાઈ અને ફ્રેન્ડ પરિમલ હતો. પરિમલની પત્ની પારુલ પણ ઇન્ડિયન સાડીમાં શોભી રહી હતી. હજુ ગયા વર્ષે જ તો તેમના લગ્ન થયાં હતાં.

મઝા તો ત્યારે આવી જયારે સ્નેહા નીલને વરમાળા પહેરાવવા મંડપ બહાર તોરણે આવી. મોન્ટ્રિઅલથી આવેલ નીલના સાડા છ ફૂટ ઊંચા બ્લેક  ફ્રેન્ડ  ગાર્નરે નીલને પોતાના ખભા પાર બેસાડી દીધો. કન્યા પક્ષે કોઈની એટલી હાઈટ હતી નહીં. પણ એ મુંઝવણનો ઉકેલ સુધા પુત્ર સ્નેહલે લાવી દીધો. મંડપ વાળાની નિસરણી લાવીને સ્નેહાને ઉપર ચડાવી દીધી. અને વરમાળા સીધી નીલના ગાળામાં. પરદેશી કન્યાઓને આ વિધિ 'વેરી ફની' લાગી.

હવે હસ્તમેળાપનું મુહૂર્ત પૂરું થાય તે પહેલાં મહારાજે ટવેન્ટી ટવેન્ટીની ઝડપે  મંત્રો બોલી વિધિ પતાવી નાખી. અને બે કલાકમાં તો કન્યા વિદાય પણ થઇ ગઈ. અત્યાર સુધી ખુબ ખુશ દેખાતા મહેશભાઈ અને મધુ આ ઘડીએ પડી ભાંગ્યાં. મધુ પોતાના જીવનમાં પહેલીવાર આટલું બધું રડી. મહેશભાઈ પોતાની વ્હાલસોયીને છેલ્લીવાર ભેટીને ખુબ રડયા. ત્યારે સ્પીકર ઉપર ગીત વાગી રહ્યું હતું, ‘બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે........

 

No comments:

Post a Comment