દાંડીનો મેળો
સૌ બાળમિત્રો ભેગા મળીને દાંડીના મેળામાં જતા હતા,
હિતુ, ખંડો, મોહન અને જયંતી
અમારા લીડર હતા.
બા પાસેથી મળેલા સિક્કામાં લખપતિનો અનુભવ થતો હતો,
અમારી નાની નાની આંખોથી દુનિયાની અજાયબી જોતા હતા
સોમવતી અમાસે નાગનાં દર્શન કરતા હતા,
ને પાંચ પૈસામાં આખી ટોળી પુણ્ય કમાતી હતી.
ફુગ્ગો ફુલાવી, વાંસળી ને પીપુડી વગાડી હતી,
રેવડી, ચીકી, દાળિયા ને ‘જાત્રાબોર’ ખાધાં હતાં.
ત્યારે પ્લાસ્ટિકના લાલ લીલા ચશ્માથી
દુનિયાની રંગીની જોતો હતો,
અને આજ સવારથી ‘કહાં ગયે વો દિન’
કહીને આત્મા મારો રોતો હતો.
(પંકજદાંડી)
આજે રવિવારે આખા ઇન્ડિયામાં કોરોના સામે લડવા માટે જનતા કર્ફ્યુ છે ત્યારે
50-55 વરસ પહેલાંના ભૂતકાળને વાગોળતી આજની રચના .............અમારા બાળપણ દરમ્યાન સોમવતી અમાસના દાંડીના મેળાનું ખાસ્સું આકર્ષણ રહેતું.
તેમાં પરિમલની પ્લાસ્ટિકની ટ્રક (રમકડું), પ્રકાશનું ખમણ
અને મારું કેલિડોસ્કોપ (જેને અમે દૂરબીન કહેતા) લગભગ નિશ્ચિત ખરીદાતાં. કરંડિયાઓમાં સાપ લાવીને સાપને દૂધ પીવડાવવાના બહાના હેઠળ પૈસા પડાવતા
મદારીઓ પણ આવતા. અમે હોંશે હોંશે પુણ્ય કમાવા માટે પાંચ પૈસા
ખર્ચીને નાગના દર્શન કરી ધન્યતા અનુભવતા. ક્યારેક કોઈએ
દરિયાદેવને ધરેલું નાળિયેર મળી જાય તો સૌ બાળમિત્રો વહેંચીને ખાતા. બાળપણની આ એક અનેરી મઝા હતી. સૌના ખીસા લગભગ ખાલી પણ દિલ ઉદાર રહેતાં. અને સૌથી મોટી વાત નિશાળમાં અનોફીશીયલ રજા રહેતી. ........અફસોસ એ જ કે હવે એવો મેળો થતો નથી.
No comments:
Post a Comment