Saturday, September 5, 2026

ચાંદનીની યાદો

 

ચાંદનીની યાદો

ચાંદનીની કેટલીક યાદો કેવી મઝાની છે !

પણ એ જ યાદો મારે માટે તો સજાની છે.

મારી પસંદ તો બાળપણથી માત્ર એ જ હતી,

પણ એની પસંદને ઓળખવી અતિમુશ્કેલ હતી.

જાણું છું, એની સમજદારીમાં થોડીક તો નાદાની હતી,

પણ મારી સમજદારીમાં તો નાદાની જ નાદાની હતી.

કાશ ! હું સમજી શક્યો હોત એની થોડી સમજદારીને,

મને પણ મોકો મળી જાત, બતાવવાનો મારી વફાદારીને.

વારંવાર વિચારું છું, હજુ પણ મને એનું ખેંચાણ શા માટે છે ?

ગુડમોર્નિંગના મેસેજ પછી પણ કોલનો ઇન્તજાર શા માટે છે?

આ મારી મહોબતની ભક્તિ છે, કે એના હૃદયની શક્તિ ?

અરે દોસ્તો ! આ જ મથામણ મને નવરો નથી મૂકતી

 (પંકજદાંડી)

ચહેરો

 

ચહેરો

પચાસના દાયકાના અંતમાં ભગવાને જયારે તારો ચહેરો ઘડયો,

આટલી અદભુત રચના એની પોતાની છે એ માની જ ન શક્યો !

ત્યારે એની પાસે નો'તું ડેસ્કટોપ, લેપટોપ, આઇપેડ કે આઈફોન,

નો'તી કોપી, કટ, પેસ્ટ કે ફોટશોપ જેવી કોઈ હાથવગી સગવડ ઓન.

છતાં એણે તારો ચહેરો એવો ઘડયો

મારે કુદરતની કરામત ગણવો પડયો

તારું મુખારવિંદ એક એવી અદભુત રચના છે,

 જેની સરખામણી કોની સાથે કરું ?

દાંડી કિનારે અસ્તાચળે આભમાંથી ઉતરેલી એક પરી છે,

માનીને મારી જ બોલતી બંધ કરું.

છતાં પણ કોઈ ક્યારેક પૂછે કે, તું કોણ છે?

 તો...

મારા હાથનો ઈશારો ચંદ્ર તરફ કરીને બસ મૌન ધારણ કરી લઉં છું.

સમજદાર કો ઈશારા કાફી હૈ કહી ચાંદનીની ચમક ચમકાવી દઉં છું.

 

(પંકજદાંડી)

 

 

 

ચંદ્રકમળ

 

ચંદ્રકમળ

આમ તો દરરોજ વહેલી સવારે મને ઇંતજાર રહે છે,

 ગુડમોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ વાળા તારા મેસેજનો.

ને રોજ સવારે ભાવ પૂર્વક વાંચું છું તો મને મળે છે,

મીઠો ભાવ એ મેસેજમાં તારા હૃદયની ઉર્મિઓનો.

કોકના ફોરવર્ડ કરેલા ચીલાચાલુ મેસેજમાં પ્રેમની ઉણપ છે,

પણ આપણે જાતે લખેલા મેસેજમાં હેતના હાથનો સ્પર્શ છે.

આમ જોઈએ તો વ્યક્તિ વ્યક્તિએ મેસેજનું મૂલ્ય બદલાય છે

પણ ચંદ્રકમળના દરેક મેસેજનો પ્રગાઢ મૈત્રીભાવ અમૂલ્ય છે.

એક બાજુ ઇલેક્ટ્રોનિક પ્રેમાલાપની મર્યાદાઓ પણ ઘણી છે,

સબંધના સિક્કાની બીજી બાજુની આ જ તો કરુણ વાસ્તવિકતા છે.

(પંકજદાંડી)

ગાંધી અને શાસ્ત્રી

 

ગાંધી અને શાસ્ત્રી

 ભવિષ્યમાં ગૂગલ ઉપર ઇતિહાસ ચેક કરાશે,

બીજી ઓક્ટોબરે કોણ જન્મ્યું હતું?’ એવું ય પુછાશે.

સ્ક્રીન પર ગાંધી અને શાસ્ત્રીનાં નામ ચમકશે.

રાષ્ટ્રપિતા ને વડાપ્રધાન, વંદન તમને થાશે

સત્ય, અહિંસા ને કરુણા સાથે ચરખાને યાદ કરાશે,

 જય જવાન, જય કિસાનનો નારો બુલંદ થાશે.

ચર્ચીલ માટે નંગા ફકીર,’ કસ્તુરબાના કંથ,

મોહનથી બની ગયા મહાત્મા, સાબરમતીના સંત.

એક ગરીબ અને પ્રામાણિક વ્યક્તિ વડાપ્રધાન બન્યા,

1965ના યુદ્ધમાં લાહોરના પાદરમાં આપણે પહોંચ્યા.

હમણાં જ શાંતિઘાટ પર મોદીજીએ G-20 ને આમંત્ર્યા,

ભાઈચારા ને વિશ્વશાંતિના સંદેશ દુનિયાને અપાવ્યા.  

તમે બંને મહાન આત્માઓ, સ્વર્ગેથી હાથ હલાવો,

 સૌ ભારતીયો તરફથી હેપ્પી બર્થ ડે વીશ સ્વીકારો.

(પંકજદાંડી)

 

ખુશ્બુ

 

ખુશ્બુ

કેટલીય રાતોના ઉજાગરા પછી,

છેક પચાસ વરસ બાદ તને શોધી શક્યો છું.

હજુ તો માંડ તારું સરનામું જડયું છે,

વોટ્સએપ અને ફેસબુકથી સંપર્ક થયો છે.

હવે જોવું છે, તારામાં હજુ પણ

પહેલાં જેવી ખુશ્બુ છે કે નહીં ?

તારા હૃદયમાં મારે માટે

 એટલીજ લાગણીઓ છે કે નહીં ?

તારી નજાકતને નજીકથી માણવી છે,

પછી તારી એક કવિતા લખવી છે.

તને બે પ્રશ્નો પૂછવા છે.

વોટ્સએપ પર હું તને મળ્યો, કે તું મને મળી ??

છોડ ને યાર !

આપણે મળ્યાં પણ ક્યારે ?

બન્ને સિક્સટી પ્લસ થયાં ત્યારે !!!

(પંકજદાંડી)

ખુશીનો ભ્રમ

 

ખુશીનો ભ્રમ

ચાલ આજે આપણે વોટ્સએપથી મળીએ,

બંને વારાફરતી એકબીજાને સાંભળીએ.

તું મારી લાગણીના પ્રવાહમાં વહી જઈશ,

હું તારા વહાલના દરિયામાં ડૂબતો રહીશ.

હું ફેસબુક પર કવિતા લખતો રહીશ,

તું વોટ્સએપથી લાઈક કરતી રહેજે.

આપણે એક મેક ની આંખોમાં રમતા રહીશું,

ને હૃદયમાં ચંદ્રકમળખીલવતા રહીશું.

......પણ......

જો તારો જવાબ હાનો હોય તો કહી નાખજે,

નહીં તો મારી ખુશીનો ભ્રમ યથાવત રાખજે.

(પંકજદાંડી)

કવિતાની સાંજ

 

કવિતાની સાંજ

તું મારી કવિતાની એક એવી સાંજ છે,

જેમ જેમ ઢળતી જાય છે,

 તેમ તેમ ખીલતી જાય છે.

જેમ જેમ ખીલતી જાય છે,

 તેમ તેમ નશીલી બનતી જાય છે.

જેમ જેમ નશો વધતો જાય છે ,

તેમ તેમ ચાહત પણ વધતી જાય છે.

ચાહત વધે છે, આથી ઇંતજાર પણ વધે છે.

ઇંતજાર અકળાવનારો હોય છે.

આ અકળામણ એ જ પ્રેમની અનુભતી છે.

જે નથી મળ્યું એને પામવાની ઝંખના છે,

આ ઝંખનાનાં પરિણામ ઉઝરડા છે.

એ ઉઝરડા જેમ વધુ પડે એમ વધુ મઝા આવે છે.

મને તું નથી મળી એ કિસ્મતની વાત છે,

પણ તને ચાહતા રહેવું એને મેં બનાવી મારી કવિતાની બાબત છે.

(પંકજદાંડી)

 

એક બીજાના હૃદયમાં

 

એક બીજાના હૃદયમાં

 સાચું છે, હું ક્યારેય તારી સાથે નથી હોતો.

તે જ રીતે, તું પણ મારી સાથે નથી જ હોતી.

પણ યાદ રાખજે,

જયારે જયારે આપણે એક બીજાની સાથે નથી હોતા,

ત્યારે ત્યારે એક બીજાના હૃદયમાં જરૂર હોઈએ છીએ,

અને તે પણ એકદમ ઊંડાણમાં !

આ ઊંડાણની ખાતરી કરાવી હોય તો કરી લે,

કેટલી વાર આપણે વોટસએપ ચેક કર્યું તે જોઈ લે.

ગુડ મોર્નિંગનો મેસેજ આવે છે હૃદયના ઊંડાણમાંથી.

જય શ્રી કૃષ્ણનો ઉત્તર બને છેરાધે રાધે ના જોડાણમાંથી.

એકબીજાને સૌથી ખાસ ગણ્યા છે, આપણા જ દોસ્તમાંથી,

દૂર રહીને પણ દિલમાં રાખ્યાં છે, વોટ્સએપના લિસ્ટમાંથી.

(પંકજદાંડી)

 

એ વાતને આજે પચાસ વરસ થયાં.

 

એ વાતને આજે પચાસ વરસ થયાં.

 

એક ભમરાને પહેલીવાર યૌવનની પાંખો ફૂટી.

બેસવા માટે સુંદર પુષ્પ તેના બાગમાં હાજર હતું.

પરંતુ

દિવાળીના ફટાકડા એવા ફૂટ્યા કે,

બાગ ત્યાં નો ત્યાં રહ્યો,

ભમરો પણ ગુંજન કરતો રહ્યો,

ને પુષ્પનો બગીચો બદલાય ગયો.

ભમરાની પહોંચથી દૂર ગયો.

પછી હવાની એક એવી આંધી આવી,

પુષ્પને હજારો માઈલ દૂર ઉડાડી ગઈ.

એ વાતને આજે પચાસ વરસ થયાં.

હવે એ બાગ ઉજ્જડ ભાસે છે,

પુષ્પની સુવાસ ઘટી છે.

ભમરાની ગુંજનશક્તિ પણ ક્ષીણ છે.

છતાં હકીકત એ છે કે,

સોશીયલ મીડિયાની ઇફેક્ટ સારી છે,

દરિયાપારનો ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટ ભારી છે,

અને એટલે, હજુ ય પરફેક્ટ યારી છે.

 (પંકજદાંડી)

 

ઉત્તર- પરદેશી પંખી

 

ઉત્તર- પરદેશી પંખી

અહીં જ તારી ભૂલ થાય છે પંકજ !

તને લાગ્યું હું આકાશે ઉડી ને પરદેશી પંખી બની ગઈ પણ,

મારા અંતરમનનું અસ્તિત્વ તો તારી પાસે છોડીને જ ગઈ હતી !

ફરિયાદ તો મારી ઘણી હતી, પણ હું તારાથી અતિ દુર હતી.

સામાજિક બંધનો પણ ઘણાં હતાં.

વિકટ પ્રશ્ન એ હતો કે મારી વ્યથા હું ક્યાં અને કોને વ્યક્ત કરું ?

છેક પચાસ વર્ષે વોટ્સએપની દુનિયાએ આપણો ફરી મેળાપ કરાવ્યો.

હવે દર બુધવારે બપોરે હું તને રીંગ કરું છું,

અને પછી શુક્રવારે તું કવિતામાં એનું જ વર્ણન કરે છે.

 જાયે કહીં ભી મગર હમ સજના, યે દિલ તુઝે દે જાયેંગે

વાળો વાયદો મેં બરાબર નિભાવ્યો છે.

હવે એની કવિતા લખવાનું કામ તારે કાયમ માટે નિભાવવાનું છે.

ને આ રીતે પ્રેમના ચંદ્રકમળ ને ખીલેલું રાખવાનું છે.

(પંકજદાંડી)

 

આવતી કાલ ને આવવા જ નથી દીધી

 

આવતી કાલ ને આવવા જ નથી દીધી

તેં મને કહ્યું હતું; "આવતી કાલથી મને ભૂલી જજે "

પણ તને ક્યાં ખબર છે મેં શું કર્યું ?

કેટલાંયે વરસથી એ આજને સાચવીને બેઠો છું,

આવતી કાલ ને આવવા જ નથી દીધી.

આમ પણ આવતી કાલ ક્યારે ય આવતી નથી,

કેમકે જેવી આવે છે તેવી આજ બની જાય છે.

અને હું પાછો આવતી કાલના ખ્યાલોમાં ખોવાઈ જાઉં છું.

અને...બીજું હું હવે સિક્સટી પ્લસ પછી પણ,

સિક્સટીન પર ફીક્સ છું, તારી તાજગીની જેમ.

હવે મને, તારા વોટ્સએપના ઇશારાને સમજતાં આવડી ગયું છે,

કેમ કે તને તારું દર્દ શબ્દોમાં વર્ણવતાં આવડતું નથી.

(પંકજદાંડી)

આપણો ફ્લર્ટ

 

આપણો ફ્લર્ટ

કેવો સ્પષ્ટ પવિત્ર અને પારદર્શક આપણો ફ્લર્ટ !

નથી કરતો કોઈ યાર-દોસ્ત કે દુશ્મનને ય હર્ટ.

છે તો આપણા બંનેના કોઈ અન્ય જીવન સાથીદાર,

છતાં મોજ થી કરીએ ફ્લર્ટ ને રહીએ તેમને ય વફાદાર.

કોઈને સમજાતી નથી સિક્સટી પછીની આપણી પ્રીત,

બી એવર સિક્સટીન એ જ આપણા જીવનનું સંગીત.

રહ્યું પ્રથમ પ્રીતનું સાક્ષી આપણા ગામનું વિદ્યાનું મંદિર,

નથી જોયું કોઈએ મોડર્ન રાધા ને કૃષ્ણનું મિલન ગંભીર.

આપણા હૃદય ની ઉર્મિઓને જાણીએ આપણે બે જ,

એક હું કમલમ’, ને બીજી તું પૂનમની ચાંદનીનું તેજ’.

આ છે આપણી સિક્સટી પછી જીવન જીવવાની યુનિક કળા,

મળાય તો જરૂર મળીશું, નહીં તો ફ્લર્ટીંગની જ જપીશું માળા.

(પંકજદાંડી)