Saturday, November 30, 2019

શ્રીકૃષ્ણ-આજીવન બ્રહ્મચારી



ઉત્તરમહાભારતની એક કથા અનુસાર યુદ્ધના અંતિમ ચરણમાં દ્રૌણપુત્ર અશ્વત્થામાએ દુર્યોધનના મોતનો બદલો લેવામાં ભૂલથી રાત્રે પાંચ પાંડવપુત્રોની હત્યા કરી નાખી. ભીમ એને શોધીને મારી નખાવા માટે પાછળ દોડ્યો. પરંતુ તે દિવ્યાસ્ત્રવિદ્યાનો જાણકાર હોવાથી ભીમને મારી પણ શકે એ બીકે કૃષ્ણ અને અર્જુન ગાંડીવ લઈને પાછળ પાછળ ગયા.
વ્યાસજીના આશ્રમ પાસે તેમને અશ્વત્થામા મળ્યો. પરંતુ તેણે તો અર્જુન તરફ જ બ્રહ્માસ્ત્ર છોડી દીધું. સ્વબચાવમાં અર્જુને પણ ગાંડીવ છોડયું. આ બંને બ્રહ્માસ્ત્રો આકાશમાં અથડાયાં આનાથી પૃથ્વી ઉપર વિનાશ સર્જાય શકે. આથી વ્યાસમુનિ અને કૃષ્ણની વિનંતીને માન આપીને અર્જુને પોતાનું ગાંડીવ પાછું ખેંચી લીધું. પરંતુ અધૂરા જ્ઞાની અશ્વત્થામા પાસે પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાની આવડત ન હતી. એકવાર ફેંકાયેલું બ્રહ્માસ્ત્ર ભોગ લીધા વગર શમે નહિ. આથી તેણે પોતાના બ્રાહ્માસ્ત્રને પાંડવોના વંશનો નાશ કરવા માટે અર્જુનની પુત્રવધુ ઉત્તરાના ગર્ભમાં વિકસી રહેલા બાળકને મારવા માટે દિશા આપી દીધી.
આ પછી લગભગ છ મહિના બાદ જયારે પાંડવોનો અશ્વમેઘ યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે અભિમન્યુપત્ની ઉત્તરાએ મૃત બાળકને જન્મ આપ્યો. પાંડવોના વંશને ચાલુ રાખવાની આશા ઠગારી નીવડી. પોતાની કુખે જન્મેલા મૃત બાળકને જોતાંવેંત તે મૂર્છિત થઇ ઢળી પડી. દ્રૌપદી પણ ભાંગી પડી. આવા કપરા અને દુઃખદ સમયે કૃષ્ણનો સહારો શોધવામાં આવ્યો. તાબડતોબ અર્જુન અને કૃષ્ણને ત્યાં બોલાવવામાં આવ્યા.
પરિસ્થિતિ પામી ગયેલા કૃષ્ણે દ્રૌપદીની નજીક જઈ કહ્યું;" બહેન ! પંચમહાભુતનો બનેલો આ બાલદેહ ભલે મૃત દેખાતો હોય પણ જીવનની એક સત્ય પ્રતિજ્ઞામાં એટલી દિવ્ય તાકાત છે કે તેમાં આત્માનો પુનઃપ્રવેશ શક્ય છે !"
"બહેન દ્રૌપદી ! તારા સતીત્વની જ પ્રતિજ્ઞા કરું છું, "એમ કઃહીને કૃષ્ણે પોતાના હાથમાં જમનાજળ લઈને પ્રતિજ્ઞા ઉચ્ચારી; "હે આત્મા ! જો દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી પાંચાલી જ હોય તો, એના સતીત્વની આણ આપીને કહું છું કે તું આ નિશ્ચેતન શબમાં પ્રવેશીને, મૃત બાળકની જીવનજ્યોત પ્રગટાવ."
પણ શબમાં પ્રાણસંચાર ન થયો તે ન જ થયો. કૃષ્ણે દ્રૌપદીના સતીત્વ અહંકારને આ ક્ષણે હણી નાખ્યો. દ્રૌપદીના સતીત્વ સામે કોઈને કશી શંકા ન હતી છતાં આ આણ નિષ્ફળ ગઈ.                       કૃષ્ણે બીજી આણ ઉચ્ચારી; "હે આત્મા ! ધર્મરાજ યુધિષ્ઠિર આ દ્વાપરયુગના સર્વશ્રેષ્ઠ સત્યવાદી માનવ હોય તો એમના સત્યવાદીપણાની આણ આપીને કહું છું કે,તું આ મૃતદેહમાં પ્રવેશીને એને સજીવન કર." આ બીજી આણ પણ નિષ્ફળ ગઈ. શું યુધિષ્ઠિરની સત્યવાદી હોવાની વાતો પોકળ છે ???
કૃષ્ણે ત્રીજી ઘોષણા કરી. "ઓ આત્મા! કુંતીપુત્ર અર્જુન જો દ્વાપરનો સર્વશ્રેઠ ધનુર્ધર હોય અને જો પાડવો જ મહાભારત યુદ્ધના સાચા વિજેતા હોય તો આ બંને ઐતિહાસિક સત્યોની આણ આપીને કહું છું કે, તું આ બાળકને જીવિત કરવા એના મૃતદેહમાં પ્રવેશ કર !'સૌના આશ્ચર્ય વચ્ચે આ ત્રીજી પ્રતિજ્ઞા પણ વ્યર્થ ગઈ.
ભારતની પાંચ મહાન સતીઓમાં જેની ગણના થાય છે તે દ્રૌપદીનું સતીત્વ અતિ શુદ્ધ હોવા છતાં તેનો અર્જુન તરફનો ઝુકાવ જગ જાહેર છે. ધર્મરાજ યુધિષ્ઠિર ખરેખરા સત્યવાદી હોવા છતાં 'ન રોવા કુંજ રોવા (હાથી મર્યો કે માણસ મર્યો) વાળું અર્ધસત્ય ઉચ્ચારાયું છે. અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હોવા છતાં કર્ણ અને એકલવ્યની સરખામણીમાં ક્યાંક એ ઊણો ઉતારતો લાગે. વળી કૃષ્ણ વિનાના અર્જુનની ધાર થોડી બુઠ્ઠી પણ દેખાય. મહાભારતના યુદ્ધમાં પાંડવોએ પણ તમામ નિયમોનું પાલન ક્યાં કર્યું હતું ?  આથી જ આ ત્રણે આણ નિષ્ફળ રહી.
ઉત્તરા-અભિમન્યુ પુત્રના સજીવન થવાની આશાઓ મારી પરવારી ત્યારે કૃષ્ણે પોતાની છેલ્લી આણ આપી. "હે જગચૈતન્ય આત્મતત્વ ! મારામાં જો પરમાત્મ-તત્વ હોય, મેં સદા સત્ય અને ધર્મના રક્ષણ માટે જ 'સાક્ષીભાવે' માનવસહજ કર્મો કર્યાં હોય અને જો હું સંપૂર્ણ સંસારી હોવા છતાં અખંડ ને આજીવન બ્રહ્મચારીજ હોઉં તો હે આત્મા ! મારા એ સાક્ષીભાવ અને બ્રહ્મચર્યવ્રતની આણ આપીને હું તને કહું છું કે તું આ બાળકના મૃત શરીરમાં પ્રવેશીને એને જીવતો કર.
પછી તો ચમત્કાર થયો. પાંચાલીના ખોળામાં પડેલો એ દેહ ધીરેથી સળવળ્યો અને પાંચેક મિનિટ બાદ ઉ.........વાં....... ઉ.........વાં....... ઉ.........વાં.......નો રુદનસ્વર રેલાયો. આમ ઉત્તરાને પુત્ર મળ્યો પરીક્ષિત. આગળ જતાં જન્મેજયરાય અને વૈશંપાય મળ્યા અને આપણને મળી મહાભારતની કથા.
સંસારના બંધનમાં બંધાયેલા હોવા છતાં કૃષ્ણ બ્રહ્મચારી હોવાની આનાથી બીજી સાબિતી શું હોય શકે ? કૃષ્ણના સ્ત્રીઓ સાથેના સબંધો વિશિષ્ઠ રહ્યા છે. એમની સોળ હજાર રાણીઓ હતી એમ કહેવા કરતાં એમના વિષે સોળહજાર ગેરસમજો છે એમ કહેવું વધારે હિતકર લાગે છે.
કૃષ્ણને આઠ રાણીઓ હતી પણ તેઓ કોઈને ય જાન લઈને પરણવા ગયા ન હતા. આ ગોવાળિયાને કોઈ પોતાની દીકરી દેવા તૈયાર ન હતું. એમણે તો તમામ રાણીઓના હરણ કર્યાં છે. તમામને ભરપૂર પ્રેમ કર્યો છે. અને દરેકને બાળકો પણ આપ્યાં છે. ટૂંકમાં તેઓ સંપૂર્ણ સંસારી હતા.
નરકાસુર દ્વારા કેદમાં રખાયેલ સોળહજાર નિર્દોષ કન્યાઓને એમણે મુક્ત કરાવી. પરંતુ સામાજિક બહિષ્કારના ડરે આ કન્યાઓ પોતાના ઘરે જવા તૈયાર ન હતી. આથી તે તમામને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો પરંતુ તેમની સાથે કોઈ સંસાર માંડયો  નહીં. ટૂંકમાં પોતાની આઠ પત્નીઓનેજ  વફાદાર રહ્યા.
કૃષ્ણ હોય એટલે રાધા તો આવે જ. પરંતુ ખરેખર રાધાના પાત્રનું ઉમેરણ પાછળથી થયેલું છે. અને એની સાબિતી એટલે મહાભારતની કથા. આ કથામાં રાધા ક્યાંય આવતી નથી. (ટીવી સિરિયલોમાં બતાવતી રાધાની વાતો પણ એ ઉમેરાનું જ કારણ છે. ઉપરાંત ટી.આર.પી. પણ જોવી પડે ને !). ટૂંકમાં કૃષ્ણે ન તો રાધાને પ્રેમ કર્યો છે કે ન કોઈ અન્ય ગોપી સાથે રીલેશનશીપ કરી છે. 
ટૂંકમાં પત્નીને વફાદાર રહેવું એ પણ બ્રહ્મચર્ય જ છે. કૃષ્ણ પોતાની આઠેય પત્નીઓને આજીવન વફાદાર રહ્યા આથી જ બાલબ્રહ્મચારી કહેવાયા. અને તેથી જ જ્યાં, પાંચ સતીઓમાં જેની ગણતરી થાય છે એવી દ્રૌપદી, સત્યવચનનું પ્રતીક સમા યુધિષ્ઠિર, શ્રેષ્ઠ બાણાવળી અર્જુન અને પાંડવોના લડાઈમાં સત્યનો પક્ષ જેવી આણ નિષ્ફળ રહી ત્યાં કૃષ્ણની બ્રહ્મચર્યની આણ જન્મેજયને જીવિત કરી ગઈ.
(પંકજ પટેલ,દાંડી)

No comments:

Post a Comment