આદરણીય વડીલો, પૂજનીય માતાઓ, ભાઈઓ, બહેનો,
મિત્રો અને બાળકો.
જયારે
ઇન્ડિયા અને સમગ્ર દુનિયા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી
રહી છે ત્યારે આજના પ્રોગ્રામમાં મારે એક સ્પીચ આપવી જોઈએ એવું સંસ્થાના પ્રમુખ
ઈશ્વરભાઈએ મને જણાવ્યું.
જે માણસ વિષે જુદી જુદી ભાષાઓમાં એક
લાખ કરતા વધુ પુસ્તકો લખાયાં હોય, જેને વિષે વિશ્વની 600 કરતાં વધુ યુનિવર્સીટીઓમાં ભણાવાતું
હોય, છેલ્લા સો વર્ષમાં ભાગ્યેજ કોઈ વિચારક કે ઇતિહાસકારે જેને વિષે સારો
કે નરસો અભિપ્રાય ન આપ્યો હોય, જેને ભારતે પોતાના રાષ્ટ્રપિતા
માન્યા હોય, જેને દુનિયા મહાત્મા ને નામે ઓળખતી હોય એવા ગાંધીબાપુ વિષે આ પંકજ પાંચ
મિનિટમાં શું કહી શકે ?
આપણે સૌ જાણીએ જ છીએ કે તેમનો જન્મ
બીજી ઓક્ટોબર, 1869ની સાલમાં પોરબંદરમાં થયેલો. માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ. 13વર્ષની વયે બાળલગ્ન. પત્નીનું નામ કસ્તુર. ભણવા માટે
ઇંગ્લેન્ડ ગયા એટલે સમાજે ન્યાતબહાર મુક્યા. પણ એક કેસ માટે
સાઉથ આફ્રિકા ગયા અને ગોરાઓના અભદ્ર વ્યવહાર પછી તેમની સામે લડત ચલાવતાં શીખ્યા, વગેરે.
હું સીધો દાંડીકૂચ
ઉપર આવું છું.1929માં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન
મળ્યું. ત્યારે ભારત નામનો કોઈ દેશ ન
હતો. 565 જેટલાં નાનાં મોટાં રજવાડાં ઉપરાંત અંગ્રેજોના સીધા તાબા હેઠળનો વિસ્તાર
મળીને આજના ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશનો આખો
વિસ્તાર બ્રિટિશ ઇન્ડિયા ગણાતો. કોંગ્રેસજ આઝાદીની લડત લડનારી
મુખ્ય સંસ્થા હતી. ત્યાં ગાંધીજીને આઝાદીની લડતની પૂર્ણ સત્તા સોંપવામાં આવી.
અહિંસા સિવાયનો માર્ગ ગાંધીજીને માન્ય ન હતો. જો કે અહિંસા એ એમનું શસ્ત્ર નહીં પણ મજબૂરી હતી. જેમાં લોકોને જોડી શકાય એવો મુદ્દો શોધવાનું વિચારતાં વિચારતાં ગાંધીજીને
નમકવેરો દેખાયો.
બ્રિટિશ સરકારે 2400 ટકા વેરો નાખ્યો હતો. અને બાપુએ
નમક સત્યાગ્રહનું એલાન કર્યું. એની સામે બિહારના ‘ચોકીદારકર’ ની વાત આવી પણ બાપુએ નમક પકડી
રાખ્યું. પછી સ્થળની શોધ ચાલુ થઇ. ગાંધીને
તો ગુજરાત જ યોગ્ય લાગતું હતું આથી સૌ પ્રથમ મહી નદી કાંઠે આવેલ બદલપુરનો વિચાર
થયો. પણ એ કૂચ તો ચાર પાંચ દિવસમાં પતી જાય. પછી દાંડીની પસંદગી થઇ. એમાં કરાડીના
પાંચાકાકાનો હાથ ખરો. વળી ગાંધીજીને સાઉથ આફ્રિકા વાળા મટવાડના નાના છીતા, સુરત જિલ્લાના કાછલીયા અને આટના ફકીરાની યાદ આવી.
બીજી એક ઓછી જાણીતી થિયરી મુજબ દાંડીનો
કોઈ વિદ્યાર્થી મરોલી આશ્રમમાં ભણતો હતો તેણે મીઠુબેન પિટિટને દાંડીની પસંદગી થવી
જોઈએ એમ જણાવ્યું. ત્યાંથી વાયા વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ
આ વાત ગાંધી સુધી પહોંચી. આથી ગાંધીજીએ જાતે કહ્યું છે કે; દાંડીની પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની છે.
મીઠાના સત્યાગ્રહથી
સ્વરાજ મેળવવાની વાતનો સરદાર પટેલે વિરોધ કરેલો.
તેમની
નારાજગી એટલી બધી હતી કે આશ્રમમાં ચાલતી કૂચ માટેની મિટિંગમાં પણ તેઓ જતા ન હતા. તેમણે મહાદેવભાઈ દેસાઈને કહેલું કે જ્યાં સુધી ગાંધીજી જેલ બહાર છે
ત્યાં સુધી હું કશું કરીશ નહિ, એકવાર તેઓ જેલમાં જાય પછી હું મારો પ્લાન જણાવીશ. પણ બાપુએ ઉસ્તાદી કરીને ગુજરાતના કયા સ્થળે નિમકનો કાયદો તોડી શકાય
તે શોધવાનું કામ જ સરદારને સોંપ્યું. હવે તેઓ બરાબરના ભેરવાયા. આમતો તેઓ બાપુના મક્કમ અનુયાયી. તેમણે આ કામ ઉપાડી લીધું. પણ દાંડીકૂચ પહેલાંજ એક સભા કરવાને બહાને સરાદરની ધરપકડ થઇ. પરંતુ
તે પહેલાં સ્થળ નક્કી થઇ ગયું.
હવે
સત્યાગ્રહી સૈનિકોની પસંદગી કરવાની હતી. તેમ શિસ્તબદ્ધ અને કઠોર નિયમોનું ચુસ્ત
પાલન કરે તેવા તથા આખા દેશને આવરી લેવાય તેવા સૈનિકો પસંદ કરવાનું હતું. બાપુ એ તે આશ્રમ માંથી જ પસંદ કરી લીધા. જેમાં 79 પૈકી સૌથી
વધુ ગુજરાતના 32
સત્યાગ્રહી હતા.
12મી માર્ચ
પ્રસ્થાનનો અને 6ઠ્ઠી
એપ્રિલ દાંડીમાં સત્યાગ્રહનો દિવસ નક્કી થયો. છઠ્ઠી એપ્રિલ બે રીતે મહત્વની હતી.
એક તો જલિયાંવાલા બાગનો બનાવ અને પૂર્ણસ્વરાજનો ઠરાવ આ જ દિવસે થયા હતા.
કુલ 241 માઈલ નું અંતર અને 24 દિવસની યાત્રા. રોજના સરેરાશ સાડા દશ
માઈલની પદયાત્રા નક્કી થઇ. લગભગ 17 કિલોમીટર, દાંડીથી નવસારી જેટલું.
દાંડીકૂચ વખતે ગાંધીજીની ઉમર 61 વરસ હતી. ખભે બગલથેલામાં પોતાની જરૂરિયાતની
વસ્તુઓ રાખીને ચાલવાનું હતું, આથી વાંસની એક લાકડી, એક
ટૂંકી ધોતી અને પગમાં ચંપલ સાથે ઝડપભેર ચાલીને તેમણે ઇતિહાસ રચ્યો.
12મી માર્ચની સવારે બરાબર 6-20કલાકે
ગાંધીજીએ 79 સત્યાગ્રહીઓ સાથે કૂચનો આરંભ કર્યો. જ્યાં વિસામો હોય ત્યાં સભા પણ થાય. જુદી જુદી
સભાઓમાં ગાંધીજીએ જે કહ્યું તે ટૂંકમાં કહું છું.
* હું
કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો આશ્રમમાં નહીં આવું
* આપણે ગૌ સેવાનો ઊંધો અર્થ કરીએ છીએ. મુસલમાનના
હાથાંથી ગાય બચાવવી તે ગૌ સેવા નથી. આપણે ગાયની અંત સુધી સેવા કરવી જોઈએ. ટૂંકમાં કતલ માટે મુસલમાનોને વેચવી ન જોઈએ.
* હું એક સમયે અંગ્રેજ સલ્તનત ને પૂરો વફાદાર
હતો.અને બીજાને વફાદારી શીખવતો. હૃદયપૂર્વક ‘ગોડ સેવ ધ કિંગ’ ગાતો. પણ પછી મારી ભ્રમણા ભાંગી. સલ્તનત વફાદારીને લાયક નથી. તે મને રાજદ્રોહને લાયક લાગી. અને હવે રાજદ્રોહને મારો ધર્મ કરી બેઠો છું.
* અત્યંજોને (અસ્પૃશ્યો) અળગા
રાખે એવું સ્વરાજ મને જોઈતું નથી.
* દાંડીને આપણે હરદ્વાર માન્યું છે. તો હરદ્વાર
જેવા પવિત્ર ધામમાં જવાની લાયકાત આપણે મેળવીએ.
* મીઠાનો કર કાઢવો એ તો નિમિત્ત છે. આપણે તો આઝાદ
થવું છે.અને તે માટેની શક્તિ આ કર કઢાવીને મેળવવાની છે.
છેલ્લો રાત્રી મુકામ કરાડી ખાતે હતો.છેવટે પાંચમી એપ્રિલે 241
માઈલ ની પદયાત્રા પૂર્ણ થઇ. પુણ્ય આત્માના પાવન પગલાંથી દાંડીજી
ધરતી ધન્ય બની. સાબર અને સાગર નો સંગમ થયો.
ગાંધીજીનો ઉતારો શેઠ સિરાજુદ્દીન વાસીને બંગલે હતો. જ્યાં આજે
સંગ્રહાલય છે. અમે એને ગાંધીજીનો બંગલો કહીએ છીએ. અને સૈનિકોનો ઉતારો ડાહ્યાભાઈ
કુંવરજી દેસાઈના મકાનમાં હતો. આજે દાંડીમાં દેસાઈ ફળિયું છે પણ દેસાઈઓ નથી રહ્યા
ત્યારે દાંડીની વસતી 460 માણસની. પણ ત્યાં
હજારો માણસો ઉભરાય પડ્યા હતા. સાંજે
છ વાગે આજે જ્યાં ગાંધી સ્મારક છે તે વડ નીચે સભા થઇ. ત્યાં ગાંધીજીએ કહ્યું; દાંડીની
પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની જ છે.જ્યાં અનાજ ન મળે, જ્યાં
પાણીના અભાવનો ભય હોય, અને જ્યાં માણસો અગવડથીજ આવી શકે જ્યાં પહોંચવા
માટે સ્ટેશનથી દશ માઈલ ચાલવું પડે, પગપાળા ચાલનારને કાદવકિચડથી ભરેલી ખાડી
ઓળંગવાની રહી હૉય એવી ખૂણે પડેલી જગ્યાએ સત્યાગ્રહનો મોરચો કેમ મંડાતો હશે ? પણ
સાચી વાત તો એ છે કે આ લડત જ સહન કરવાની છે. આ તો શાંતિનું યુદ્ધ છે.
વળી ન્યુયોર્ક ટાઈમ્સ માટે જગપ્રસિધ્ધ બનેલો સંદેશો લખ્યો – I want world sympathy in this battle of right
against might.
એકબાજુ દેશ અને દુનિયાની નજર દાંડી પર હતી ત્યારે લોર્ડ બ્રેન્ડફર્ડ
બોલ્યા; – we did not conquer India
for the benefit of Indians. We conquer India as the outlet for the goods of
Great Britain. We conquered India by the sward and by the sward we should hold
it.
આનો મક્કમ જવાબ
ગાંધીજીએ આ રીતે આપ્યો; yes,
but we have something more important than guns. We have truth and justice. And
time is on our side. You can not hold down much longer 350 million people, who
are determined to be free. You will see.
છઠ્ઠી એપ્રિલની સવાર થઇ. ગાંધીજીએ સાથીઓ સાથે સમુદ્રસ્નાન કર્યું અને
પાછા સૈફીવીલા આવ્યા. તેની સામે જ કુદરતી મીઠું પાકતું હતું
તે ઉપાડીને સત્યાગ્રહ કરવાનો હતો. પણ રાત્રે સરકારે માણસો લાવીને બધું મીઠું
કાદવમાં મિક્સ કરી દીધું હતું. છીબુભાઈ કેશવજીભાઈએ એક ખાડામાં ઝાડના
પાંદડા નાખીને થોડું મીઠું સંતાડી રાખ્યું હતું તે બતાવ્યું. ગાંધીજીએ તે ઉપાડ્યું અને લોકો હર્ષનાદ કર્યો -- નમક કા કાનૂન તોડ દિયા.
ચપટી મીઠું હાથમાં લઇ યુગપુરુષ મહાત્મા ગાંધીએ ભવિષ્યવાણી ઉચ્ચારી -
બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.
દાંડીમાં રહીને દેશ અને દુનિયા સાથે સંદેશા વ્યવહારમાં પડતી
મુશ્કેલીઓને કારણે એમનો કેમ્પ દાંડીથી ખસેડીને કરાડી લઇ જવાયો.ત્યાંથી તેમની ધરપકડ થઇ. પછી ધારાસણાનો
સત્યાગ્રહ થયો. અને છેક આઝાદી મળી ત્યાં સુધી આંદોલનો ચાલતાં રહ્યાં.
આચાર્ય કૃપલાણીજીએ કહ્યું છે કે;
ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરુ કરીને ઉગ્રવીચારધારા વાળા લોકોને આઝાદીની લડતમાં
માનભર્યો અને દેશભક્તને શોભે એવો ભાગ લેવાની તક આપી.
જ્યાંથી ગાંધીજીએ મીઠું ઉપાડેલું તે જગ્યાએ એક સ્મારક છે, પણ
મારી પાસે ન્યુયોર્ક ટાઇમ્સની 1960ની આસપાસની એક નકલ છે જેમાં મારા દાદાનો ફોટો છે.
તેઓ પત્રકારને સૈફીવીલાની સામે કાદવમાં એક જગ્યા બતાવે છે. લગભગ આ જગ્યાએથી મીઠું
ઉપાડેલું. આ જગ્યા અંદાજ કરીને બતાવી છે પણ હવે તે
ઐતિહાસિક થઇ ગઈ. બરાબર એ જ જગ્યા ઉપર સ્મારક બન્યું છે. હું પાછો ઇન્ડિયા જઈશ ત્યારે એ મેગેઝીન શોધી
લાવીશ અને એનો ફોટો ગુગલ અને સોસીયલ મીડિયામાં જરૂર શેર કરીશ.
સોસીયલ મીડિયાની વાત આવી એટલે મને અત્યારે ખુબ પ્રચલિત થયેલો શબ્દ
યાદ આવે છે "મોબલિન્ચિંગ".સ.ને.
1908 થી 1948 સુધીમાં સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા મળીને કુલ
નવ નિષ્ફળ પ્રયત્નો બાદ દસમા સફળ પ્રયત્નમાં ગાંધીની હત્યા થઇ. પણ તેમના ચારિત્રનું ખૂન કરવાનો તો કોઈ આંકડો જ
નથી. આજે આખો દેશ સોસીયલ મીડિયા ઉપર ગાંધીજીની સામુહિક હત્યા કરી રહ્યો છે. આજે જો
કોઈ મોબલિન્ચિંગ થઇ રહ્યું છે તો તે
ગાંધીજીનું છે. લોકપ્રિયતામાં ગાંધીજી જેટલી ઊંચાઈ કોઈએ મેળવી નથી. એમને ઈશ્વરનો અવતાર માનનારા પણ ઘણા હતા. અને જો
ગાંધીજીએ રોક્યા ન હોત તો આજે દેશમાં સેંકડો મંદિરો ગાંધીજીના હોત. આની સાબિતી એટલે આપણી દશ અવતારની આરતી. ભગવાનના નવ અવતાર થઇ ચુક્યા છે. હજુ દશમો
કલંકીયો અવતાર હજુ બાકી છે છતાં તે કુદાવીને આરતીમાં આપણે જ ગાઈએ
છીએ કે અગિયારમે મોહન ને મહાદેવ આરતી અંતરમાં ધરશો. આ કડી 1930 પછી ઉમેરાયેલી છે. આ મોહન એટલે કૃષ્ણ નહીં પણ ગાંધીજી. અને મહાદેવ અજન્મા છે એટલે એનું નામ પણ લખી
દીધું. આજ એમની લોકપ્રયતાની સાબિતી છે.
લોકપ્રિયતાની સાબિતીનું લિસ્ટ તો ઘણું લાબું છે. છતાં ત્રણ સાબિતી આપું છું.
1.
ખગોળશાસ્ત્રીઓએ
એક તારાને ગાંધીનું નામ આપ્યું છે.
2.
જગતમાં
અસંખ્ય શહેરોમાં ગાંધીનાં સ્ટેચ્યુ કે સ્મારક છે અથવા રોડ, પુલ કે વિસ્તારને એનું નામ અપાયું છે.
3.
યુનોએ
ગાંધીના જન્મદિનને અહિંસાદિવસ જાહેર કર્યો છે.
અરે હમણાં મોદી જયારે અમેરિકા ગયા ત્યારે અમેરિકન સેનેટરે મોદીનું
સ્વાગત કરતાં કહ્યું હતું , આઈ વેલકમ ધ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી
ફ્રોમ ધ લેન્ડ ઓફ મહાત્માગાંધી.
ગાંધીએક વ્યક્તિ નહિ એક
વિચાર હતા અને એક ચળવળ હતા. આ ચળવળે જ આઝાદી અપાવી.
મારે વોટ્સએપ અને ફેસબુકિયા મિત્રોને ત્રણ સવાલ પૂછવા છે.
શા માટે તમે ગાંધી વિરુદ્ધની પોષ્ટ લાઈક કે શેર કરો છો ? શું
તમારે કોઈ અંગત દુશમની હતી ? એમણે તમારું કંઈ બગાડ્યું હતું ? અને
જો તમે ચોક્કસ કારણ ન જાણતા હો તો પછી આ
બધું શું કામ?
બીજો પ્રશ્ન ગાંધી વિરુદ્ધ આટ આટલું ઝેર ઓકવામાં આવે છે છતાં તે હજુ
કેમ લોકમાનસ પર છવાયેલો રહે છે ?
ત્રીજો પ્રશ્ન ગાંધીને ધિક્કારવાનું સચોટ કારણ તમારી પાસે છે ખરું ? કે
પછી એ પણ વોટ્સએપિયા મેસેજમાંથી જ મળ્યું છે ?
ગાંધી આપણો કોઈનો સગો નથી પણ આખા રાષ્ટ્રનો પિતા છે. એમણે એવી આઝાદી અપાવી છે કે આપણે એમને ગાળ પણ
દઈ શકીએ છીએ. બીજી બાજુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદ અલી ઝીનાહને ફરજીયાત પણે ‘કાયદેઆઝમ’
કહેવું પડે છે,
ન કહેનારને દેહાંતદંડ પણ થઇ શકે.
ગાંધીજીની ત્રીજી પેઢીના સંતાન નીલમબેન પરીખ આપણા નવસારીમાં રહે છે. એમના
દીકરા ડો. સમીર પરીખની આંખની હોસ્પિટલ પણ નવસારીમાં જ છે. ગાંધીજીના આખા
કુટુંબમાંથી એક નાનકડા અપવાદ સિવાય કોઈ રાજકારણમાં નથી. એમને બદલે ઇન્દિરા, સિંધિયા, ઠાકરે, યાદવ, મુંડે
વગેરે વગેરે કુટુંબોનો ભારતીય રાજકારણમાં
તોટો નથી.
એમની પાંચમી પેઢીનું સંતાન ક્રિષ્ના તો મોદીનો ફેન છે. તેમના કહેવા
મુજબ મોદીજી તો ગાંધીજીના અધૂરાં રહેલાં કામો પૂર્ણ કરી રહ્યા છે. જેમકે સફાઈ
અભિયાન, જાતિવાદ અને નશા મુક્તિ, સ્ત્રી સ્વાતંત્ર્ય, સબકા સાથ સબકા વિકાસ વગેરે. માર્ટિન લ્યુથર કિંગ, નેલસન મંડેલા, દલાઈ લામા, સન સુ ચી વગેરે અનેક મહાનુભાવોએ
ગાંધીમાર્ગ અપનાવીને સફળતા મેળવી છે. મંડેલાએ તો કહ્યું હતું કે તમે અમને મોહનદાસ
ગાંધી આપ્યા અમે તમને મહાત્મા આપ્યા.
ગાંધીજીએ કહ્યું હતું કે મારુ જીવન એ જ મારો સંદેશ. ગાંધીને સમજવા માટે તેમના લખાણો વાંચવા પડે
અને કાર્યોને સમજવાં પડે. ગાંધીજીને
સમજીએ તો ગોડસેને પણ સમજવા જરૂરી છે.આજે વધુ સમય નથી પણ એટલું જરૂર કહીશ કે ગાંધીજીની હત્યા શા માટે કરી તે સમજાવતાં ગોડસે
પોતે કહે છે કે;
“હું
સમજી શક્યો હતો કે પૂર્ણ અહિંસાનો ગાંધીનો પ્રયોગ હિંદુઓને નામર્દ બનાવી દેશે અને
પછી તેઓ મુસ્લિમો સામે લડી શકશે નહીં.”
સામાન્ય રીતે મોદી વિચારને ગાંધી વિચારનો
વિરોધી માનવામાં આવે છે. પરંતુ અત્યારેજ યુનોમાં મોદીજીએ ગાંધીજી વિષે જે કહ્યું
તે વાંચીને મારુ વ્યક્તવ્ય પૂરું કરું છું. ''ગાંધીજી ભારતીય હતા, પણ કેવળ ભારતના નહોતા. માનવતાના
મસીહા હતા, એમની
લોકશાહી લોકોના 'સ્વ-રાજ'ની હતી. આજે 'હાઉ ટુ ઈમ્પ્રેસ'નો યુગ છે. એમનું વિઝન 'હાઉ ટુ ઈન્સ્પાયર હતું !'
આભાર !
No comments:
Post a Comment