Saturday, November 30, 2019

ગાંધી, મોદી અને સોસીયલ મીડિયા



ફેસબુક પર એક પોષ્ટ જોઈ હતી; ‘અગર મજબૂરીકા નામ મહાત્મા ગાંધી થા તો મજબુતીકા નામ નરેન્દ્ર મોદી હૈ,’ અને એણે જ મને આ આર્ટીકલ લખવા પ્રેર્યો.
તા. 30મી જાન્યુઆરી, 2019ના ગાંધીનિર્વાણ દિન નિમિત્તે ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ એકબીજાથી વિરુદ્ધ બે બનાવો બન્યા. જે બંનેનું કેન્દ્રબિંદુ હતું મહાત્મા ગાંધી. પહેલા બનાવમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાંડી ખાતે ઐતિહાસિક નમક સત્યાગ્રહના આધુનિક સ્મારકનું લોકાર્પણ કર્યું. આ એક હકારાત્મક અને આવકારદાયક બનાવ થયો ગણાય. બીજો બનાવ ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે હિન્દુ મહાસભા લીડર પૂજા શકુન પાંડે દ્વારા મહાત્મા ગાંધીજીના ફોટા ઉપર રમકડાંની બંદૂક વડે ત્રણ ગોળી ચલાવી તેમની શહાદતને વિકૃત રીતે રિપ્લે કરવામાં આવી. આ નેગેટિવિટીથી ભરપૂર બનાવ હતો.
જેઓ મોટાં કામ કરે છે તેમના વિરોધીઓ પણ મોટા હોવાના, સંખ્યામાં અને કદમાં પણ. મહાત્મા ગાંધી માટે આવું જ બન્યું. ગાંધીજીને જીવનકાળ દરમ્યાન અને મૃત્યુબાદ પણ એટલા બધા અંધ અનુયાયીઓ અને અંધ દ્વેષીઓ મળ્યા છે કે તેમણે બાપુના શુદ્ધ ચિત્રને ભારે ડહોળી નાખ્યું છે. લગભગ આવું જ હવે શ્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ બની રહ્યું છે. તેમના સમર્થકોને અંધભક્ત કહેવાય છે.
છેલ્લાં થોડાં વર્ષોથી સોસીયલ મીડિયા ઉપર મહાત્મા ગાંધીની ઇમેજને હાનિ પહોંચાડવાના આયોજન પૂર્વકના વ્યવસ્થિત પ્રયત્નો થતા રહ્યા છે. જેમની પાસે ઇતિહાસનું ખાસ જ્ઞાન નથી એવી નવી પેઢીને ગાંધીજી જ દેશના ભાગલા માટે અને આજની તમામ અરાજકતા માટે જવાબદાર છે એવું ઠસાવવાના પ્રયત્નો થતા રહ્યા છે. એક ને એક જુઠાણું વારંવાર રજુ કરવાથી તે સત્ય બની જાય છે એ સિદ્ધાંતનો તેઓ અમલ કરી રહ્યા છે.
મહાત્મા ગાંધી પર પ્રથમ આરોપ છે દેશના ભાગલા પડાવવાનો. પરંતુ દેશના ભાગલા માટે સૌથી વધુ જવાબદાર છે ત્યારની રાજકીય પરિસ્થિતિ, મુસ્લિમ લીગ, મહંમદ અલી ઝીણા અને કોંગ્રેસ. ખરા ગુનેગાર મહંમદ અલી ઝીણાને તેઓ અજાણપણે ક્લીનચીટ આપે છે.                               
બીજો આરોપ ભગતસિંહને ફાંસીની સજામાંથી ન બચાવવાનો છે. ગાંધીજીએ આ બાબતે ઇર્વિનને કહેલું; "કદાચ આપને અનુચિત લાગશે પણ હાલની પરિસ્થિતિને વધુ બહેતર બનાવવા માટે ભગતસિંહ અને એમના સાથીઓની ફાંસીની સજા રદ થવી જોઈએ." ઈરવિન આમતો સહમત થયા હતા પરંતુ પરિણામ કશું આવ્યું નહિ. અંગ્રેજો આખી દુનિયામાં રાજ કરતા હતા. જો તેઓ આ સજા રદ કરે કે માફી આપે તો વિશ્વમાં જ્યાં એમનું રાજ છે ત્યાં એમનો ડર ઓછો થઇ જાય. પરિણામે બીજા દેશોની આઝાદીની માંગ પણ મજબૂત બનતી જાય. આથી અંગ્રેજો વિદ્રોહીઓને માફ નથી કરતા એવું સાબિત કરવા માટે પણ અહીં માફી આપવાથી તેઓ દૂર રહ્યા. ઉપરાંત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પોતે સજા સામે માફી માંગવાના વિરોધી હતા અને મરવા માટે મક્કમ હતા. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી વેલેન્ટાઈન-ડે 14 ફેબ્રુઆરી 1931 ના રોજ નહીં પણ 23મી માર્ચે 1931 ના દિને આપવામાં આવી હતી. સોસીયલ મીડિયા ઉપર આવતી વેલેન્ટાઈન ડે ના દિવસની ફાંસીની વાત પણ પાયા વિહોણી છે.
ત્રીજો આરોપ છે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવાનો. પરંતુ સરદાર ત્યારે લગભગ 71-72 વર્ષની ઉમ્મરે પહોંચી ગયા હતા, નહેરુ તેમાંથી લગભગ 14 વર્ષ નાના હોવાથી લાંબી રેસનો ઘોડો ગણાયા. બીજું વલ્લભભાઈની તબિયત પણ સારી રહેતી ન હતી. ઉપરાંત જો નહેરુ વડાપ્રધાન ન બને તો તેઓ દેશને શું નુકશાન પહોંચાડી શકે તેનો અંદાજ પણ ગાંધીને હતો.  નહેરુ મહત્વાકાંક્ષી માણસ હતા અને સરદારમાં એવો અવગુણ ન હતો આથી સરદારને સમજાવી લેવાયા.
ચોથો આરોપ પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા અપાવવાનો. આ વાયદો કોંગ્રેસે કર્યો હતો. એ રકમ આપી દેવી જોઈએ એ સિદ્ધાંતમાં ગાંધીજી સો ટકા સાચા હતા પરંતુ વ્યવહારમાં કદાચ ખોટા સાબિત થાત. જેમ સરદાર માનતા હતા તેમ પાકિસ્તાન એ રકમનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે જ કરત.
પાંચમો આરોપ લઘુમતીઓને અનામત આપવાનો. લઘુમતીઓને અનામત આઝાદી પહેલાં મોટાભાગના નેતાઓ જેલમાં હતા ત્યારે ડો.ભીમરાવ આંબેડકરે અંગ્રેજ શાસનમાં અપાવી છે. ગાંધીજી એના વિરોધી હતા. આનાથી સવર્ણો અને દલિતો વચ્ચેનું અંતર વધશે એમ માનતા હતા પરંતુ આ અનામત થોડા વર્ષો બાદ હટાવી લેવાની શરતે તેઓ રાજી થયા હતા.
છઠ્ઠો આરોપ ઇંગલિશ ને બદલે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનો. ઈંગ્લીશ યુનિવર્સલ લેન્ગવેજ ગણાતી હોવા છતાં દુનિયાના મોટાભાગના દેશોમાં શિક્ષણ માતૃભાષામાં જ અપાય છે. સૌથી વધુ લોકો હિન્દી બોલતા હોવાથી અને સંસ્કૃતની નજીક હોવાથી તેને રાષ્ટ્રભાષા બનાવાઈ.
સાતમો આરોપ શસ્ત્રોને બદલે અહિંસક આંદોલન કરી મુસીબત વહોરવાનો. આઝાદી પહેલાંનું ભારત એક અત્યંત ગરીબ અને પછાત રજવાડાં ધરાવતો વિસ્તાર હતો. કોઈ રાષ્ટ્ર ન હતું.  બ્રિટન સામે યુદ્ધ લડવાની કોઈ ક્ષમતા ધરાવતું ન હતું. અહિંસા એ શસ્ત્ર નહિ પણ મજબૂરી હતી. એટલેજ તો કહેવાયું, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. અને આઝાદી અહિંસાથી જ મળી. ધારાસણામાં સત્યાગ્રહીઓએ સખત માર ખાઈને પણ અહિંસા બતાવી. આઠમો આરોપ પોલીસના દંડા ન ખાવાનો. એમણે આફ્રિકામાં માર ખાધો છે. અને એમાંથી જ નેતા બન્યા છે. અનેક વાર જેલવાસ વેઠયો  છે.
નવમો આરોપ મુસલમાનોને લાડકા કરવાનો અને પાકિસ્તાન ન ધકેલવાનો. ભારતમાંથી તમામ મુસલમાનોને હાંકી કાઢવું શક્ય ન હતું. આમ કરવામાં ભારતના જ વધુ ભાગલા કરવા પડત. ત્રાવણકોર(કેરાલા) અને હૈદરાબાદ જો મુસ્લિમ રાષ્ટ્રો બની જાત તો હિન્દુસ્તાન ઘણું વેતરાય ગયું  હોત. વળી રઘુપતિ રાઘવ રાજા રામ ધૂનમાં ઈશ્વર અલ્લાહ તેરો નામ વાળી પંક્તિ કોમી એકતા માટે ઉમેરી હોય તો હવે એને કાઢી નાખવી જોઈએ. આપણે આપણી જાતને પુછવાની જરૂર છે કે હજુ પણ શા માટે એ ગાઈએ છીએ ? 
દશમો આરોપ ગાંધીવાદીઓ દ્વારા 70 વરસ સુધી દેશને લૂંટવાનો. દેશમાં 70 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. 1967ના કોંગ્રેસના ભાગલા પછી કોઈપણ કોંગ્રેસી ગાંધીવાદી નથી રહ્યો. ગાંધીવાદી કોંગ્રેસીઓ સંસ્થા કોંગ્રેસ અને પછીથી જનતા પક્ષમાં ગયા. તેમના છેલ્લા નેતા હતા મોરારજી દેસાઈ. દેશને કોંગ્રેસે લૂંટ્યો છે નહીં કે ગાંધીવાદીઓએ.
અન્યમાં ઇન્દિરા ગાંધીને પોતાની સરનેમ આપવાનો આરોપ તદ્દન ખોટો છે. ઈન્દીરાએ પતિ ફિરોઝની ગાંધી અટક પોતાના નામ સાથે લગાડી. આ ચિત્રમાં મહાત્મા ગાંધી ક્યાંય નથી.  જો ગાંધીજી ખ્રિસ્તી બને તો હિન્દુસ્તાનનું ખ્રિસ્તીકરણ ખુબ સહેલું બની જાય. આ માટે વ્યવસ્થિત પ્રયત્નો પણ થયા. ગાંધીજીએ બાઇબલ વાંચ્યું. પણ એમને એના કરતાં ગીતા વધુ ગમી. એમણે સામાન્ય લોકોને સમજાય એવી સરળ ગુજરાતી ભાષામાં ગીતાનો અનુવાદ કરી તેને અનાસક્તિયોગ નામ આપ્યું. વૈષ્ણવ હોવા છતાં કૃષ્ણ ને બદલે રામનામ જપ્યા. પણ હિન્દુ સમાજમાં ચાલતી આભડછેટનો વિરોધ કર્યો. પોતાના આશ્રમમાં બહેન અને પત્નીનો વિરોધ સહીને પણ દલિતોને સ્થાન આપ્યું. આમ બાપુ હિંદુ વિરોધી ન હતા.
મહિલા મિત્રો સાથે અનૈતિક સબંધો હોવાનો આરોપ પણ લગાવવામાં આવે છે. એમણે 38 વરસની વયથી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. છતાં એકવાર સરલાદેવી ચૌધારાણીની ખુબ નજીક આવી જવાની બાબત સ્વીકારી છે. મનુબહેન સાથેના બ્રહ્મચર્યના પ્રયોગો મને પોતાને પણ યોગ્ય લગતા નથી. સરદાર અને નહેરુએ પણ આનો વિરોધ કર્યો હતો. પરંતુ બાપુ પોતે એમાં પોતાની જાતને પવિત્ર રાખી શક્યા એ પણ સ્વીકારવું પડે. પોતાના પુસ્તકના વધુ વેચાણ માટે એક ઈંગ્લીશ લેખીકાએતો ગાંધી અને કેલનબેકને સમલૈંગિક બતાવવાનો ગપગોળો સુધ્ધાં ચલાવ્યો હતો.
તો બીજી તરફ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી લઈને હાલ દેશના બીજીવાર વડાપ્રધાન બની ગયા પછી પણ કેટલાક લોકો એમને નિષ્ફળ જતા જોવા આતુર છે. ભલે તેઓ વિકાસનાં કાર્યો કરે પણ વિરોધીઓને તો તેઓ આંખના કણાની જેમ ખૂંચે છે. 2014 ની સરખામણીમાં 2019ની ચૂંટણી દરમ્યાન મોદી વિરોધ ચરમ સીમાએ પહોંચ્યો હતો. એમના વિરોધીઓ વિષે વિચારીએ તો નીચે મુજબ ગણતરી કરી શકાય.
સૌથી પહેલાં એવા સરકારી નોકરો આવે છે કે જેમને અગાઉની સરકારો દરમ્યાન લાંચ રુશવત અને કામચોરીનો ભરપૂર લાભ મળ્યો હતો. આવા લોકોને મોદીએ સીધાદોર કરી નાખ્યા છે. આવા લોકો સસ્પેન્ડ થયા છે અથવા વી.આર.એસ. લઈને વહેલા ઘરભેગા થઇ ગયા છે. અને તેઓ સોસીયલ મીડિયા ઉપર સક્રિય રહી મોદી વિરોધ કરી રહ્યા હતા.
બીજા નંબરે ભાજપ, આરએસએસ,વીએચપી વગેરેના અસંતુષ્ટ લોકો આવે છે. તેઓ મોદીના નોટબંધી, જીએસટી વગેરે પગલાંઓનો વિરોધ કરે છે. પણ ખરેખર એમનું દુઃખ જુદું હોય છે. મોદીએ એમની ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. અરુણ શૌરી, યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા, નવજ્યોતસિંગ સિધ્ધુ, કીર્તિ આઝાદ વગેરે આ ગ્રુપમાં આવે છે. આ લોકોનો જોર ટીવી ચેનલો પર ખાસ જોવા મળતાં હતાં.
ત્રીજા નંબરે રાજકીય વિરોધીઓ આવે છે. આમાં ખાસ કોંગ્રેસીઓ છે. પછી આપ, સપા, બસપા, તૃણમૂલ, શિવસેના, ડાબેરી વગેરે આવે છે. તેઓ મોદીના તમામ નિર્ણયનો વિરોધ કરે. સર્જીકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકની જાનહાનીની સાબિતી માંગતા રહ્યા. એટલુંજ નહીં મોદીએ જ પુલવામા હુમલો કરાવીને  સી.આર.પી.એફ.ના ચાલીસ જવાનોને મારી નંખાવ્યા એવું જુઠાણું ફેલાવ્યું. ઉપરાંત રાફેલ સોદામાં ગેરરીતિનો આક્ષેપ કરી ચોકીદાર ચોર હૈનું સૂત્ર પણ આપ્યું. .વી.એમ.થી પણ સંતુષ્ટ નહોતા.
એન.જી.ઓ.નાઆંચળા હેઠળ તિસ્તા સેતલવાડ અને મેધા પાટકર તેમના વકીલ કપિલ સિબ્બલ વગેરે આવે જેમનો ફંડીગના અભાવે તેમનો ગરાસ લૂંટાઈ ગયો છે. વળી નોટબંધી બાદ દેશના અર્થતંત્રમાં મંદી આવી છે એવી ભ્રામક વાતો ફેલાવીને કરોડો અને અબજો રૂપિયાનું કાળું નાણું ભેગું કરનારા સોસીયલ મીડિયા ઉપર મોદી વિરોધમાં સક્રિય થઇ ગયા હતા.
હિન્દુ ધર્મના વિરોધીઓ પણ મોદી વિરોધને બરાબર વેગ આપી રહ્યાં હતા. ઝાકીર નાઈક જેવા વિશ્વનું ઇસ્લામીકરણ જોવા ઇચ્છતા ધાર્મિક નેતાઓ, આતંકવાદીઓ અને ખ્રિસ્તી મિશનરીઓ તથા પોતાને નાસ્તિક ગણાવતા ડાબેરીઓ, સામ્યવાદીઓ, માઓવાદીઓ ઉપરાંત આદિવાસીઓ હિન્દુ નથી એવો પ્રચાર કરનારું હાલમાંજ ઉદભવ પામેલું નવું સંગઠન વગેરે સોસીયલ મીડિયાને સહારે દેશની એકતા અને અખંડિતતાને ભોગે પણ મોદીનો વિરોધ કરી રહ્યા છે. વળી કેટલાક લોકો દેખાદેખીથી પણ મોદી વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાને બુદ્ધિશાળી કે બુદ્ધિજીવી કહેવડાવવા માટે એક સહેલો રસ્તો અપનાવે છે. તેઓ ભગવાન રામ, મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખાણ, ઓડિયો કે વિડીયો પોષ્ટ કરે અને પછી કેટલી લાઈક મળી, કોમેન્ટ મળી અને શેર થયા એ જોઈ પોતાની જ છાતી ફુલાવે.
એક એવી કેટેગરી પણ છે જેમને હંમેશાં વિરોધ કરવામાં જ મઝા આવે છે. તેઓ ગાંધી, જવાહરથી લઇ મોરારજી, ઇન્દિરા, રાજીવ, અટલજી વગેરે કોઈપણ નેતા વિષે વાંકુ જ બોલશે. આવા લોકો મોદી વિરોધમાં બોલે એમાં મને કોઈ નવીનતા દેખાતી નથી. જેઓ મોદીમાટે ફેંકુ વિશેષણ વાપરતા હતા એમનાં મોં 56 ઇંચની છાતી વાળા મોદીજીટ્રીપલ તલાક અને ‘370મી કલમ જેવા અતિ સંવેદનશીલ  મુદ્દાઓનો ઉકેલ લાવીને બંધ કરી દીધાં છે.
મહાત્મા ગાંધીનો વિરોધ ખાસ કરીને પુના વિસ્તારના બ્રાહ્મણોએ વધારે કર્યો છે. એમને સામાજિક રચનામાં ત્રીજા ક્રમે આવતા વૈશ્ય એવા ગાંધીજીને મહાત્માનું અપાયેલું બિરુદ ગમતું ન હતું. એમાં એમને પ્રથમ નંબરે આવતા બ્રાહ્મણોનો ગરાસ લૂંટાઈ જતો લાગતો. અને મોદી વિરોધ તો આપણી નજર સામે જ ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓએ ધ્યાનમાં રાખવા જેવું છે કે; જયારે જયારે દેશના સર્વોચ્ચ સ્થાન પર એક ગુજરાતી આવ્યો છે, ત્યારે ત્યારે બિનગુજરાતીઓ એનો વિરોધ કરી મુશ્કેલીઓ વધારી છે.    
કૃષ્ણથી માંડીને ગાંધીજી, નેલસન મંડેલા, અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ, મુજીબુર અલી રહેમાન, લેચ વાલેસા અને હવે નરેદ્ર મોદી જેવી અનેક વિભૂતિઓએ પોતાના જીવન આદર્શો વ્યવહારમાં મુકવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે. એ તમામ સફળ થાય છે એવું કહી શકાય નહિ. પરંતુ આવા યુગપુરુષો નિષ્ફળ ગયા છે એવું કહેવામાં પણ શાણપણ નથી.
                                                                             પંકજ પટેલ (દાંડી).

No comments:

Post a Comment