Saturday, November 30, 2019

અનાસક્તિયોગ



કહેવાય છે કે માનવ જીવનના તમામ પ્રશ્નોનું નિરાકરણ આપણા ધાર્મિક પુસ્તક ગીતામાંથી મળી રહે છે. મેં મારી રીતે અવારનવાર ગીતા વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે. ગીતાના ગૂઢ જ્ઞાનને સમજવાની મારી અશક્તિ જાહેર કરવામાં મને કોઈ ક્ષોભ નથી.
અત્યારે મારી પાસે અનાસક્તિયોગ’, મહાત્મા ગાંધીએ ગુજરાતીમાં ઉતારેલી શ્રીમદ્દ ભગવદ્ ગીતા, આવી. એ પણ મારી પોતાની સમજશક્તિની મર્યાદા બતાવી ગઈ. પરંતુ એની પ્રસ્તાવના હું સમજી શક્યો. ગાંધીજી જેવા મહાત્માના લખાણને ટૂંકું કરીને દીપ અંકના વાચકો માટે રજુ કરવાની ગુસ્તાખી કરી રહ્યો છું. 
પ્રસ્તાવનાની શરૂઆતમાં જ ગાંધીજી જણાવે છે કે સ્ત્રીઓ, વૈશ્ય તથા શુદ્ર જેવા, જેમને અક્ષરજ્ઞાન થોડું જ છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઈચ્છા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને જ સારું આ અનુવાદની કલ્પના છે. અને આ અનુવાદ પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે.
સામાન્ય માણસને આંચકો લાગે તેવું ગાંધીજીનું આ વિધાન સમજવા જેવું છે. એમણે આ પ્રસ્તાવના તા.29 જૂન 1929ના રોજ એટલેકે દાંડીકૂચ પહેલાં લખી છે. ત્યારે અંગ્રેજોનું રાજ હતું અને સમગ્ર હિન્દુસ્તાનમાં જાતિવાદ ચરમ સીમાએ હતો. વૈશ્યો પાસે ખપ પૂરતું જ અને શુદ્ર તથા  સ્ત્રી શિક્ષણ લગભગ ઝીરો પરસન્ટેજ હતું. ખુદ ગાંધીજીને ઇંગ્લેન્ડ ભણવા જવાના વાંકે વૈષ્ણવ સમાજે ન્યાતબહાર મુકેલા હતા.
ગાંધીજીને ગીતાની પ્રથમ ઓળખ એડવિન આર્નોલ્ડના પદ્ય અનુવાદ Song Celestial થી સ.ન.1888-89માં થઇ. ત્યારથીજ એમને લાગ્યું કે આ ગ્રંથ ઐતિહાસિક નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વયુદ્ધનું જ વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુધ્દ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. મહાભારત ગ્રંથને તેઓ આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતા. તેમના મતે મહાભારતના પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને માટે જ કરેલો છે. મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિધ્ધ નથી કરી, તેની નિરર્થકતા સિધ્ધ કરી છે. વિજેતા પાસે રુદન કરાવ્યું છે, પર્શ્ચાત્તાપ કરાવ્યો છે ને દુઃખ સિવાય બીજું કઈં રહેવા દીધું નથી. સામાન્ય કૌટુંબિક ઝગડાની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય કરવા માટે ગીતા જેવું પુસ્તક ઉપયોગી નથી.
આ બાબતને આપણે વર્તમાનમાં સમજીએ તો પાકિસ્તાન સામેની એરસ્ટ્રાઇક પછી કાશ્મીર મોરચે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા પાયલોટની પત્નીએ સોસીયલ મીડિયા ઉપર ચલાવેલી નો વોર ની ઝુંબેશ તદ્દન સાચી હતી. કારણકે યુદ્ધને અંતે વિજેતા પાસે પણ રુદન સિવાય કશું બચતું નથી. જો યુદ્ધ થયું હોત તો ભલે પાકિસ્તાનનો ખુરદો બોલી ગયો હોત પણ સામે પક્ષે ભારતની તબાહી પણ કલ્પના બહારની હોત એ નિશ્ચિત હતું. જો કે આ ઝુંબેશની નબળી બાબત એ રહી કે નાના નિર્દોષ બાળકની માતા એવી શહિદની વિધવા ને ઘણા લોકોએ ખુબ ખરાબ રીતે ટ્રોલ કરી હતી.
ગાંધીજી કહે છે ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુધ્ધ-સંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે. સંપૂર્ણાવતારનું પાછળથી થયેલું આરોપણ છે. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતાર રૂપે પૂજે છે. 'આદમ ખુદા નહીં લેકિન ખુદાકે નૂરસે જુદા નહીં.' આ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિન્દુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.
મનુષ્યને ઈશ્વરરૂપ થયા વિના સુખ અને શાંતિ નથી મળતાં. ઈશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એકમાત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આત્માર્થીને આત્મદર્શન કરવાનો અદ્વિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિન્દૂ ધર્મગ્રંથોમાં છૂટીછવાઈ જોવામાં આવે છે તેને ગીતાએ અનેક રૂપે અનેક શબ્દોમાં પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે. એ અદ્વિતીય ઉપાય છે કર્મ-ફળ-ત્યાગ.
કર્મ બંધનમાંથી કેમ છૂટાય? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો; નિષ્કામ કર્મથી; યજ્ઞાર્થે કર્મ કરીને; બધા કર્મો કૃષ્ણાર્પણ કરીને, એટલે જ મન, વચન કાયાને ઈશ્વરમાં હોમી દઈને. જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્યરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિ ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું. એટલે ગીતાની ભક્તિ તે વેવલાપણું કે અંધ્શ્રધ્દ્ધા નહિ. માળા, તિલક અર્ધ્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિના લક્ષણ નથી. અને ગીતાનો મોક્ષ એટલે પરમ શાંતિ. ફળત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવો અર્થ ક્યારેય ન કરી શકાય પણ ફળ વિષે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફળત્યાગીને હજારગણું ફળ મળે.
આજે પણ હિન્દૂ ધર્મમાં છૂટી છવાઈ પશુહિંસા જોવા મળે છે. નેપાળના પશુપતિનાથના  મંદિરે પાડા અને બંગાળમાં કાળીમાતાને બકરાના બલિની વિગતો અવારનવાર સમાચારોમાં ચમકે છે. અરે અમારા દાંડી ગામમાં અમારી કુળમાતા સમાન અગાસીમાતાના સ્થાનકે મરઘાને છૂટો કે રમતો મુકવાના પ્રસંગો મેં નજરે જોયેલા છે. આવી બાબતો અંગે ગાંધીજી જણાવે છે કે ગીતાયુગ પૂર્વે કદાચ યજ્ઞમાં પશુહિંસા માન્ય ગણાતી હોય પણ ગીતાના યજ્ઞમાં તેની ગંધ સરખી ય નથી. તેમાં તો જપયજ્ઞ એ યજ્ઞનો રાજા છે. ત્રીજો અધ્યાય સૂચવે છે કે યજ્ઞ એટલે મુખ્યપણે પરોપકાર અર્થે શરીરનો ઉપયોગ, ત્રીજો અને ચોથો અધ્યાય મેળવીને બીજી વ્યાખ્યાઓ પણ ઘટાવી શકાય પણ પશુહિંસા તો નહિ જ.
ગીતા જનસમાજને માટે હોવાને કારણે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તેમાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે પણ તેનો મૂળમંત્ર કદી નહીં બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ સાધે ને ગમે તે અર્થ કરે. ગીતા વિધિ-નિષેધ બતાવવાનો સંગ્રહ પણ નથી. એકને માટે જે વિહિત હોય તે બીજાને માટે નિષિદ્ધ હોય.  એક કાળે એક દેશમાં જે વિહિત હોય તે બીજે કાળે  બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ માત્ર ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.
આ બાબતને વર્તમાનમાં જોઈએ તો આઝાદી માટે ગાંધીજીનું જ અહિંસક જનઆંદોલન તે સમયે અંગ્રેજો સામે કારગર નીવડયું પણ જાપાનીઓ કે જર્મનો સામે નિષ્ફળ જ રહ્યું હોત. તે જ રીતે ગાંધીજીની અહિંસાએ અંગ્રેજોને ભગાડયા અને મોદીની આક્રમક્તાએ પાકિસ્તાન અને ચીનને કાબુમાં રાખ્યાં છે. ગાંધી માટે શસ્ત્રતો શું એક તમાચો પણ નિષિધ હતો ત્યાં હવે મોદી માટે મિસાઈલ અને એટમબોમ્બ પણ વિહિત છે.
ગીતામાં જ્ઞાનનો મહિમા જળવાયો છે. છતાં ગીતા બુદ્ધિગમ્ય નથી, એ હૃદયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને માટે નથી. ગીતાકારે જ કહ્યું છે; "જે તપસ્વી નથી, જે ભક્ત નથી અને જે મારો દ્વેષ કરે છે તેને આ જ્ઞાન તું કદી ન કહેજે. પણ આ પરમ ગુહ્યજ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમભક્તિ કરવાથી નિ:શંક મને પામશે. વળી જે મનુષ્ય દ્વેષરહિત થઈને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ મુક્ત થઈને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોક ને પામશે."
પંકજ પટેલ (દાંડી)


No comments:

Post a Comment