Saturday, November 30, 2019

આપણે, ઈન્ડો-કેનેડિયન.



આપણે સૌ કેનેડા તો આવી ગયા, નિવૃત થઈને પેન્શન પણ લેતા થઇ ગયા, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કેનેડામાં આપણું અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય શું? આપણી આવનારી પેઢી ક્યાં સુધી ભારતીય રહેશે? તેઓ કેનેડાના રાજકારણ, અર્થતંત્ર, સામાજિક વ્યવસ્થા  વગેરેમાં કેવો અને કેટલો ભાગ ભજવશે? એ પ્રશ્ન વિચાર માંગી લે તેવો છે.  
કેનેડામાં આપણી પાસે અત્યારે આપણી કહી શકાય એવી ત્રણ પેઢી છે. પ્રથમ પેઢી એટલે જેઓ ભારતમાં જનમ્યા, મોટા થયા અને 25 પ્લસની ઉંમરે અહીં આવ્યા. આવા લોકો પત્ની અને બાળકો સાથે આવ્યા અથવા ઇન્ડિયા જઈને પરણી આવ્યા. બીજી પેઢી એટલે જેમનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો છે. અને આ બે ની વચ્ચેની પેઢી જેને 1.5 મી પેઢી ગણવી પડે, જેમનો જન્મ ઇન્ડિયામાં થયો છે પણ 20 વર્ષ કરતાં  ઓછી ઉમરે અહીં આવ્યા. ફેમિલી સ્પોન્સરશીપ મારફત આવેલાં મોટાભાગના કુટુંબોમાં આ વન પોઇન્ટ ફાઈવ મી પેઢી જોવા મળે છે.
આપણી પ્રથમ પેઢીએ આપણા ભારતીય સંસ્કારો, પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખી છે અથવા તેને જાળવી રાખવાના ભરપૂર પ્રયત્નો કર્યા છે. આપણાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં એ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. પૂજા-અર્ચના, ઉપવાસ, કથા, સત્સંગ, ભજન-કીર્તન જેવા ધાર્મિક પ્રસંગો, દિવાળી, નવરાત્રી, ગણેશસ્થાપન અને વિસર્જન, રામ નવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, હોળી-ધુળેટી, રક્ષાબંધન જેવા ઉત્સવો, સ્વાતંત્ર્યદિનની પરેડ, લગ્ન જેવા શુભ અને મરણ જેવા અશુભ પ્રસંગોને અનુરુપ સાડી, સિંદૂર, કંગન, બિંદી, મંગળસૂત્ર, ચણીયા-ચોળી જેવાં વસ્ત્રો અને આભૂષણો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ જોવા મળે છે. પુરુષો વસ્ત્રોની બાબતમાં પશ્ચિમની સંસ્કૃતિ ઉપર બરાબર ફીટ  થઇ ગયા છે, છતાં ખાસ પ્રસંગોએ ધોતી, કુર્તા, રજવાડી ડ્રેસ જેવા ભારતીય પરિધાનો જોવા મળે છે ખરા. વચ્ચેની પેઢી આ પૈકીનું ઘણું અનુકરણ કરે છે. પરંતુ બીજી પેઢી ફેશન સિવાયની અન્ય બાબતોનું અનુકરણ કરતી નથી એ હકીકત છે. એમનું શિક્ષણ જુદું છે આથી સંસ્કાર પણ જુદા થઇ રહ્યા છે. આપણે એ અટકાવી શકીએ એમ નથી.
જેટલી ઝડપથી યુરોપિયન પ્રજા કેનેડિયન બની શકે તેટલી ઝડપથી એશિયન પ્રજા ન બની શકે એ નિર્વિવાદ હકીકત છે. હાલ તો ભરતીયો કેનેડાના મુખ્ય પ્રવાહ સાથે થોડોઘણો તાલ મેળવી રહ્યા છે પરંતુ આપણી સમાજ વ્યવસ્થા તેમાં આડી આવે છે.
આમ તો કેનેડાનો સમાજ ખુલ્લા દિમાગ વાળો ગણાય. આજે પણ દુનિયાભરના લોકોને આમંત્રીને પોતાના કરવાની કેનેડિયન ગવર્નમેન્ટની પોલીસી આવકાર દાયક છે. પરંતુ એની અવળી અસર પણ ચકાસી લેવાવી જોઈએ. રેફ્યુજી સ્ટેટસ હેઠળ વિશ્વમાં જ્યાં પણ માનવાધિકારોનું હનન થતું હોય ત્યાંથી બહુ મોટી સંખ્યામાં લોકો કેનેડામાં એન્ટ્રી કરે છે. પણ સરકાર એ ભૂલી જાય છે કે આવા સારા હેતુ માટે જે દ્વાર ખોલવામાં આવ્યા છે તેમાંથી જ ચોર, ખૂની, બળાત્કારી અને આંતકવાદીઓ જેવા અસામાજિક તત્વો ચુપચાપ આવીને ભવિષ્યમાં કેનેડાની શાંત, સુઘડ અને શિસ્તબદ્ધ જીવનશૈલીને માટે મોટો ખતરો બની શકે એમ છે. ઘણા રેફ્યુજી પોતાના દેશના મોટા ગુનેગારો હોય છે અને તેઓ ત્યાં પરત ફરી શકે એમ નથી. આવા લોકોની માનસિકતા અહીં આવ્યા બાદ પણ બદલાતી નથી. તેઓ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી શકતા નથી.
ઈમિગ્રન્ટ્સની મહેનતથી દોડતી અર્થતંત્રની ગાડી વાળા આ દેશના બંધારણમાં પહેલેથીજ લઘુમતી અને સ્ત્રીઓના સંરક્ષણના બીજ નંખાયાં છે. સ્ત્રીઓને જે વિશિષ્ઠ હક્કો કે અધિકારો મળ્યા છે તેનો દુરુપયોગ પણ ઘણો થાય છે. લંપટ અને લાલચુ સ્ત્રીઓ સામે પરણિત પુરુષ ખરેખર બિચારો બની જાય છે.
કેનેડાના રાજકારણમાં અત્યાર સુધી મેં કોઈ ગુજરાતી જોયો નથી. એકવાર નવનીત પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેકશનમાં ઝંપલાવ્યું હતું બસ એટલું જ. પંજાબી શીખોનું પ્રભુત્વ જરૂર છે પરંતુ તેમની સંખ્યા પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. જેમાં જગમિતસિંઘ, નવદીપ બંસ, હરજીતસિંગ વગેરેને ગણી શકાય. આપણે તો કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્ય બનાવથી પણ દૂર રહીએ છીએ. જો  આપણા સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડવો હશે તો આપણા પોતાના પોલિટિશિયનો ઉભા કરવા પડશે. માત્ર જસ્ટીન ટ્રુડો કે મેરી દોરેસ વગેરે જેવા મિત્રો કે ઓળખીતા કહી શકાય એવા નેતા અને તેમની પાર્ટીને વોટ આપવાથી તો આપણે માત્ર મતદાર જ રહી જઈશું. ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે સામાન્ય મતદારનું મહત્વ ઈલેક્શન પછી ઘટી જાય છે.
આપણા કોળી લોકોની એક ખાસિયત એ રહી છે કે આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાંના સમાજ અને ત્યાંની ધરતીના થઈને રહેતા નથી. હજુ આપણે કેનેડિયન થઇ શક્યા નથી.આપણા ઘરોમાં ટીવી ઉપર હજુ ઇન્ડિયન ચેનલો જ ચાલે છે. કેનેડાના રાજકારણ, અર્થકારણ, રમત-ગમત, સમાજ, સરકાર વગેરે બાબતે લગભગ ઝીરો નોલેજ ના પોઇન્ટ ઉપર છીએ. એક સમયે આખા આફ્રિકા ખંડના અનેક દેશોમાં આપણે ફેલાયા હતા પરંતુ ત્યાંથી આપણને હાંકી કાઢવામાં આવ્યા અથવા આપણે ભાગી છૂટ્યા. બિહાર અને બંગાળના ટાટાનગર, જમશેદપુર, દુર્ગાપુર અને મુંબઈ નજીક થાણા, કલ્યાણ, મોહના વગેરે સ્થાળોએ આપણી વસ્તી ઘણી હતી. પરંતુ ત્યાં આપણે નોકરી કરવા ગયા, રિટાયર્ડ થઈને  કુટુંબ કબીલા સાથે પરત થઇ ગયા. પરંતુ ત્યાંના સમાજ સાથે ભળી ન શક્યા. પરિણામે આજે આ વિસ્તારોમાં આપણું નામોનિશાન મટી ગયું છે અથવા મટવાને આરે ઉભું છે. અરે આપણી પાસે તો જેની ધાક વાગતી હોય એવો ગુંડો પણ નથી. ગુંડાઓ અથવા માથાભારે તત્વો સમાજને નવી જગ્યાએ સ્થિર થવા માટે અનિવાર્ય અનિષ્ઠ ગણાય છે. તેવા લોકો સમાજને આડકતરી રીતે ઉપયોગી થઇ પડતા હોય છે.
અત્યાર સુધીતો કેનેડા ગોરી અને ખ્રિસ્તી બહુમતીનો દેશ છે પરંતુ આવતી સદીમાં એવું રહેશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. બીજા કોઈપણ ધર્મ કરતાં ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમો આવી રહ્યા છે. એમનું કુટુંબ સામાન્ય રીતે ચાર-પાંચ કે તેથી વધુ બાળકો ધરાવતું હોય છે. સામાન્ય મુસ્લિમ સ્ત્રી રસ્તા પર ચાલતી જોવા મળે તો સાથે બે બાળકો ચાલતાં હોય, ત્રીજું સ્ટ્રોલરમાં હોય અને ચોથું ગર્ભમાં. જયારે ગોરી ખ્રિસ્તી સ્ત્રી બેબી બનાવવાની બાબતે નિષ્ક્રિય જોવા મળે છે. એમને પરણિત જીવન અને બાળકો એક ઝંઝટ સમાન લાગે છે. ભારતીયોએ એક કે બે બાળક બસના સિદ્ધાંતનો લગભગ સ્વીકાર કરી લીધો છે. આમ આપણી જનસંખ્યા વધવાની સંભાવના અત્યંત ઓછી દેખાય રહી છે.
કેનેડા એ ત્રીજા વિશ્વના લોકો માટે લોહચુંબક જેવું આકર્ષણ ધરાવે છે. અહીંની સમૃદ્ધિ અને વ્યક્તિસ્વાતંત્ર્ય તથા સામાન્ય પગારદારને પણ જે ઉચ્ચ જીવનધોરણ આપે છે તેની કલ્પના વિશ્વના ઘણા દેશોના લોકો કરી પણ શકતા નથી. કેનેડાની સરકાર દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાની ઉમદા તક આપે છે. કેનેડાનું આ મોટામાં મોટું આકર્ષણ છે. 20-25 લાખ ભારતીય રૂપિયાનું જોખમ ખેડીને સ્ટુડન્ટ્સ વિઝા કે સ્કિલ વર્કર સ્ટેટસ અને કાયદેસર કે ગેરકાયદેસર રીતે કેનેડામાં ઘુસી જવાની તમન્ના વાળા લોકો આવ્યે જ જાય છે. 
વૃધ્ધ મા-બાપને કેનેડામાં પોષવાના પ્રશ્નો વધતા જાય છે. કેનેડાની ભૌગોલિક અને સામાજિક આબોહવામાં વૃધ્ધોને પોષવું સરળ નથી. તેમના પ્રશ્નો જુદા હોય છે. અતિવૃદ્ધ અને બીમાર તથા અશક્ત માવતરને વૃધ્ધાશ્રમને શરણે રાખવાનો ટ્રેન્ડ વધતો જાય છે.
અહીં ઉછરતી પેઢીના સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય માટે મમ્મી-ડેડી ચિંતિત હોય એ સ્વાભાવિક છે. પોતાનું સંતાન જીવનસાથી તરીકે કોની પસંદગી કરશે, તેમના પ્રણય, લગ્ન, ડિવોર્સ, બેબી વગેરે બાબતોના કેનેડિયન ખ્યાલો સાથે પોતાના ખ્યાલોનો મેળ ન બેસે એવું પણ બની શકે. પોતાનું સંતાન કોઈ ભારતીયને જ પરણે તેમાં પણ મા બાપ ખુશ થઇ જાય છે. અહીંના બોર્ન બાળકો પરણ્યા પછી મા-બાપ સાથે રહેવામાં માનતા નથી. એમને એમની લાઈફમાં પ્રાઇવસી જોઈએ છે. સંયુક્ત કુટુંબ હવે ભૂતકાળની વાત બનતી જાય છે.    
આપણે જયારે આપણો વિચાર કરીએ છીએ ત્યારે આપણી  પાડોશી એવી ખંતીલી ચાઈનીઝ પ્રજા ને જાણવા જેવી છે. દાયકાઓના વસવાટ પછી પણ પોતે બિનગોરી, પીળી પ્રજા હોવા છતાં પોતાની સંસ્કૃતિને જીવંત રાખીને કેનેડાના વિકાસ સાથે તાલ મેળવીને વિકસી રહી છે. ઘણાને ઈંગ્લીશ અને ફ્રેન્ચ ભાષા ન આવડતી હોવા છતાં પણ માત્ર કેનેડા જ નહીં પણ વિશ્વના અનેક શહેરોમાં ચાઇનાટાઉન ઊભાં કર્યાં છે.
બીજો દાખલો યહૂદી પ્રજાનો લેવો જોઈએ. આમ તો આ ગોરી લઘુમતી છે. તેઓ પણ પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખીને મોટાભાગનો બિઝનેસ હસ્તગત કરીને કેનેડાના અર્થતંત્રને મજબૂતી બક્ષી રહ્યા છે.
ભવિષ્યનું વિચારીએ તો હાલ કેનેડામાં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢી ભારતીય નહીં જ હશે એવું ખાતરી પૂર્વક કહી શકાય. તેમના આચાર, વિચાર, સંસ્કાર, સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા બધું જ કેનેડિયન હશે. જો કે એનો અર્થ એ નથી કે તેઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે, પણ તેઓ વધારે કેનેડિયન અને ઓછા ભારતીય હશે. અને પછી એક સમયે પોતાના પૂર્વજોના દેશ ને જોવા, જાણવા, સમજવા તેઓ ઇન્ડિયાની વિઝીટ લેશે.
પંકજ પટેલ (દાંડી)

No comments:

Post a Comment