30. દાંડીની આવતી કાલ
મળેલા માહિતીઓને
આધારે લગભગ ઓગણીસમી સદીથી શરુ કરી વીસમી સદીના અંત સુધીના ગઈકાલના દાંડીને જોયું.
સાથે સાથે એકવીસમી સદી ઈ.સ.2001 થી 2025 સુધીના આજના વર્તમાન દાંડી ઉપર પણ નજર ફેરવી લીધી. હવે આવતી કાલનું દાંડી
કેવું હશે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરીએ.
શરૂઆત લોકજીવનથી
કરીએ તો તે યોગ્ય ગણાશે. જેમ જેમ દુનિયા અને દેશનું લોકજીવન બદલાતું જશે
તેમ તેમ દાંડીના લોકજીવનમાં પણ પરિવર્તન આવતું જશે. સ્થાનિક ભાતીગળ પોશાક લગભગ
અદ્રશ્ય થશે. નવા ફેશનેબલ પોશાક તેનું સ્થાન લેશે. સ્ત્રીઓનાં ઓગણીસમી અને વીસમી
સદીના કેટલાક પહેરવેશ હવે દેખાતા નથી. કાછડો હવે ભૂતકાળ બની ગયો. સાડી પણ ભૂતકાળ
બની જાય તો નવાઈ નથી. કન્યાના કપાળેથી ચાંદલો ગાયબ થયો. પરણિતાને
માથેથી સિંદૂર ગયો. હવે ધોતિયું પહેરતાં કયા પુરુષને આવડે છે?
દાળ-ભાત, શાક-રોટલી ને બદલે પીઝા, બર્ગર, સેન્ડવીચ જેવાં ફાસ્ટફુડનો પ્રચાર પ્રસાર વધશે. વળી
તેમાં કોઈક ભારતીયતાનો તડકો લાગશે. જેથી તે સ્વદેશી અને વિદેશીના હાઈબ્રીડ જેવું
હશે.
ખેતી અને
પશુપાલન લગભગ બંધ થશે. હવે જો ખેતી થશે તો, તે હાઈટેક હશે. ગ્રીનહાઉસ ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ, બાયોફાર્મિંગ
વગેરે વધી શકે. પશુપાલનમાં પણ ગાય ભેંસના મોટા અને
વ્યવસ્થિત તબેલા બની શકે. પરંતુ દરેક ઘરમાં એકાદ ગાય-ભેંસ હોય એવા દિવસો હવે ગયા
સમજો. મરઘાં પાલનમાં પણ આવું જ થશે.
દેખાદેખીને
કારણે લગ્નના ખર્ચા વધશે. બર્થ ડે, મેરેજ સેરેમની અને અન્ય પ્રસંગોની ઉજવણી અને
તેની પાછળનો ખર્ચ વધશે.
ખેતી અને
પશુપાલનની આવક બંધ થતાં લોકો નોકરી ધંધા તરફ વળશે. તેમાં પણ સ્મોલ સ્કેલ બિઝનેસ
ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત થશે. દુનિયામાં જેમ જેમ ટેક્નોલોજી વિકસતી જશે તેમ તેમ
નોકરીની તકો ઘટતી જશે. આવા સંજોગોમાં દુનિયામાં મંદી આવી શકે. અને મંદી સામે નાના
બિઝનેસ ટકી જાય.
શિક્ષણની વાત
કરીએ તો, વર્ધા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા દાંડીનું ભવિષ્ય ઉજળું દેખાતું
નથી. નજીના ભવિષ્યમાં એને તાળાં લાગી શકે છે. ઓછો બાળ જન્મ દર, ઘટતી વસતી, પરદેશ અને શહેરો તરફનું માઈગ્રેશન, અંગ્રેજી ભાષાનો મોહ અને તેનો સમગ્ર ભારતના
શિક્ષણ જગત ઉપર પ્રભાવ જેવાં કાબુ ન કરી શકાય એવાં પરિબળો જવાબદાર રહેશે.
અમે કેનેડામાં
અમારાં બાળકોને ગુજરાતી ભાષા બોલતાં શીખવીએ છીએ. જેથી તેઓ ભાષાના માધ્યમથી ભારત
દેશ, ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલાં
રહી શકે. બીજી બાજુ ગુજરાતમાં જે બાળકો ગુજરાતી નથી
બોલતાં તેનાં મા-બાપ એ બાબતનો ગર્વ લે છે. એક વાર ભાષા
ભુલાશે એટલે સંસ્કૃતિ ખોવાશે. તેને પરિણામે ધર્મ પણ
ગુમાવાશે. આપણે સંસ્કૃત ભાષા સમજી શકતા નથી. આથી સંસ્કૃત જાણનારાઓએ
પોતાની રીતે અર્થઘટનો કરી આપણને સાચું ખોટું બંને ભણાવ્યું. જાતિવાદના ચક્કરમાં સંસ્કૃત ભાષા બ્રાહ્મણો
પૂરતી માર્યાદિત થઇ ગઈ. હવેના ગ્લોબલાઈઝેશન અને મોડર્નાઈઝેશનના ચક્કરમાં ભારતની પ્રાદેશિક
ભાષાઓ વિલુપ્ત થશે. અંગ્રેજી જાણનારાં બાળકો અંગ્રેજી પુસ્તકો વાંચશે. તેમાં રામનું રામા અને કૃષ્ણનું ક્રિષ્ના તો
થઇ જ ગયું છે.
માધ્યમિક શાળા - વિનય મંદિર, ધીરુભાઈના પ્રયત્નોને કારણે જ હજુ સુધી ટક્કર
ઝીલી રહી છે. સંસ્થા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા
ઉભી કરી શકી અને શાળા ટકી ગઈ. આજે જો હોસ્ટેલ બંધ થઇ જાય તો શાળા પણ બંધ કરાવી જ
પડે. દાંડી અને સામાપુર મળીને પણ એક હાઈસ્કૂલ ચાલી શકે એટલા વિદ્યાર્થીઓ આપી શકે
એમ નથી. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા
સામેનાં મુખ્ય અવરોધક પરિબળોમાં, ઘટતી વસ્તી અને વધતો અંગ્રેજીનો પ્રભાવ જ
જવાબદાર છે.
જો આ બંને શાળાઓ
બંધ થઇ જાય તો દાંડી ની હાલત એક સદી પહેલાં જેવી હતી તેવી જ થઇ જાય. શાળા વિનાનું
ગામ પોતાની ઓળખ ખોઈ બેસે. ઈ.સ.1920 પહેલાં ગામમાં
શિક્ષણની કોઈ વ્યવસ્થા ન હતી. તેની સીધી અસર લોકજીવન પર હતી. હવે ભવિષ્યમાં શિક્ષણ તો હશે જ પણ શિક્ષણનું
ધામ અર્થાત શાળા ન હશે. એટલે વિદ્યાર્થી અને તેનાં વાલી સૌ એ પોત પોતાની રીતે અને પોત
પોતાની જગ્યાએ તકલીફો સહન કરવાની રહેશે. ઘણીવાર એ તકલીફો પડકાર જનક બની રહે. વિદ્યાર્થી ગમે તે ઉંમરનો હોય એણે દરરોજ
દાંડીની બહાર જવાનું ફરજીયાત થઇ જશે. એ માટે સરકારી અને ખાનગી વાહનોની જરૂર
રહેવાની. એ સગવડ ક્યારેક ખોટકાય પણ ખરી. એમાંથી જ પતિ- પત્ની- બાળકોના ઝગડા પણ થઇ જાય એવું બની શકે. માંદગી અને હોસ્પિટાલાઇઝેશન ના કિસ્સામાં વળી
તે વધુ ગંભીર બને. આ બધાંની અસર લોકજીવન ઉપર થયા વિના રહે નહીં જ.
ગામની પોષ્ટ
ઓફિસ પણ ડચકાં ખાઈ રહી છે. આવતાં પાંચ દસ વર્ષમાં સરકાર એને મટવાડ સુધી મર્યાદીય
માર્યાદિત કરી દે તો નવાઈ નથી. બેન્કને કોઈ વાંધો આવે એવું હાલ તો લાગતું નથી.
વર્ષ 1970 થી 1995 નો ગાળો એવો હતો જે દરમ્યાન ગામમાં કાર્યકર્તાઓની સંખ્યા ઘણી સારી
હતી. તેમના શિક્ષણનું પ્રમાણ પણ સારું હતું. ઈ.સ. 1930 થી 1970 સુધીમાં શિક્ષણનું પ્રમાણ ભલે ઓછું હતું, પરંતુ ધગશ વધારે હતી. આજના દાંડીમાં
કાર્યકર્તાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. અને આવતી કાલ માટે કોઈ વ્યવસ્થિત નવી
નેતાગીરી દેખાતી નથી. હાલ કેટલા કાર્યકર્તાઓ છે એ જોવું હોય તો નૂતન
વર્ષના સ્નેહસંમેલનમાં જવું જોઈએ. માંડ પંદર વીસ માણસો ભેગા થાય. તેમાં વળી
કાર્યકર્તાઓ તો આંગળીને વેઢે ગણાય એટલા જ હોય.
જ્યાં
શૂન્યાવકાશ સર્જાય ત્યાં તેને પુરવા માટે બીજાં પરિબળો કામે લાગી જાય છે. જો ગામ
યુવક મંડળ, રમત ગમત મંડળ, ગ્રામ
પંચાયત, દૂધ મંડળી, ખેતી
મંડળી, કેળવણી મંડળ વગેરે ને માટે કાર્યકર્તાઓ પુરા
પાડવામાં નિષ્ફળ જશે તો ગામને સ્વીકૃત કે અનુકૂળ ન હોય તેવાં પરિબળો ભેગાં થઈને આ
તમામ સંસ્થાઓ પચાવી પાડશે. પછી તેઓ ગામનું કે સર્વનું હિત જોવાને બદલે સ્વહિત ને
પ્રાધાન્ય આપશે. ધીમે ધીમે દાંડી એની અસ્મિતા ગુમાવતું જશે.
દસ પંદર વરસ પછી
દાંડીનો સરપંચ કોઈ કાઠિયાવાડી કે યુ.પી. બિહારનો ભૈયાજી પણ હોઈ શકે. જો ગામના
સજ્જનો કામ કરવાથી ડરશે તો માથાભારે તત્વો રાજકારણનો સહારો લઈ ગામના મુખિયા બની
બેસશે. અને પછી એમની સામે સાચો અવાજ ઉઠાવનારને
વેઠવાનું આવશે.
દાંડીની કમનસીબી
એ છે કે ગામનું કામ કરી શકે એવા માણસો ગામમાં રહ્યા નથી. ભૂતકાળમાં ગામનાં કામો
કરનારા કાર્યકર્તાઓનાં અવસાન બાદ તેમનાં સંતાનો જાહેરનાં કામથી દૂર રહે છે. એનું
મુખ્ય કારણ એ છે કે; તેમનાં કાર્યકર્તા પિતાજીને ગામના કેટલાંક તત્વો દ્વારા પરેશાન
કરવામાં આવ્યા હતા. એમને વિષે અભદ્ર અને અસભ્ય ભાષા પ્રયોગો થયા હતા. ખોટે ખોટા આરોપો લગાવાયા હતા. તે ઉપરાંત બીજા ભણેલા ગણેલા યુવાનો પરદેશ સ્થાઈ
થઇ ગયા. ગામની હાલતથી તેઓ દુઃખી હોવા છતાં કશું કરી શકે એમ નથી.
મને બીજો એક ડર
સતાવે છે તે જમીન માફિયાઓનો છે. સત્યાગ્રહ સ્મારક બન્યા પછી પ્રવાસીઓની સંખ્યા
વધી. દાંડીના લોકોને રોજગારની નવી તકો મળી. કોસ્ટલ હાઈવેનું કામ ચાલે છે. હવે
બહારના લોકોને દાંડીની જમીન ખરીદવાનો લોભ જાગ્યો છે. કારણ કે દાંડી હવે બિઝનેસ કરવા માટેની સારી
જગ્યા બની રહ્યું છે. બીજી બાજુ દાંડીમાં રહેતા લોકો પાસે બાપ દાદાઓની જે જમીન
હતી તે અનેક ભાગોમાં વહેંચાઈ ગઈ. પરંતુ સરકારી દફતરે હજુ જુના વડવાઓના નામ જ ચાલે
છે. એની ટ્રાન્સફરની વિધિ થોડી અટપટી છે. બહારનાં માણસો પોતાની ઓળખાણ અને આવડતનો ઉપયોગ કરી આ જમીનો ખરીદી લે છે. બીજી
બાજુ ગામના માણસોને રોકડમાં ઘણી રકમ મળી જતાં તેઓ એમાંથી એકાદ ઘર બનાવે. બાકીનું
દારૂ ના નશામાં પૂરું કરે. આ સિલસિલો આવતાં વર્ષોમાં હજુ વધારે જોર પકડશે.
તેમાં ગામના પણ કેટલાક લોભિયા માફિયા જોડાશે.
ગામમાં ઉચ્ચ
શિક્ષણધારી લોકો વધશે એમાં શંકા નથી. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર કરનારા યુવાનો અને યુવતીઓ
ગામને મળશે. આઇ.ટી. સેકટરમાં પણ ઘણા જઈ શકે છે. પરંતુ કેટલા યુવાનો સેવા માટે તૈયાર થશે
?
જો દાંડી ગામનો કોઈ સાહસિક અને હોશિયાર યુવાન
રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતો હોય તો તેને સુવર્ણ તક છે. આપણા કાંઠા
એ લલ્લુભાઇ મકનજી, ગોસાંઈભાઈ છીબાભાઈ, આર.સી.પટેલ, છોટુભાઈ સુખાભાઈ વગેરે જેવા પોલિટિશિયનો આપ્યા
જ છે. દાંડીમાંથી કેશવભાઈ નાનાભાઈ, ધીરુભાઈ હીરાભાઈ, નારણભાઇ પાંચાભાઇ અને લલ્લુભાઇ પરભુભાઈ તાલુકા
અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડી ચુક્યા છે.
હાલનું અને
ભવિષ્યનું રાજકારણ એ સેવા નહીં ગણાય. એમાંથી મેવા મળે જ છે. સરકાર તેમને પગાર આપે
છે. વળી જીવો ત્યાં સુધી ભરપૂર પેન્શન
મળે. ઉપરાંત બે નંબરની આવક તો ખરી જ. એ કોઈ નકારી શકે એમ નથી.
ટૂંક સમયમાં
નવસારીનો નવો નકશો જાહેર થશે. જે પશ્ચિમમાં મટવાડ બંદરના પુલ સુધીનો અને દક્ષિણમાં આટ ગામ ને પણ પોતાનામાં સમાવી લેતો હશે. ઇસ
2050 સુધીમાં સુરત નવસારીને ગળી જશે. ત્યારે દાંડી પણ સુરત શહેરનો એક ભાગ બની જશે.
ઊંધિયાની
પાપડીને કારણે પ્રખ્યાત થયેલું કતારગામ આજે સુરતનો એક વિસ્તાર બની ગયું છે. ત્યાં
કોઈ ગામ રહ્યું નથી. એક સમયે વાલ પાપડીના છોડવાથી લહેરાતાં ખેતરો હવે સોસાયટીઓથી ઉભરાઈ
રહ્યાં છે. ગામનાં મૂળ વતનીઓ ક્યાંક ખોવાઈ ગયા છે.
તે જ રીતે કોળી પ્રજાનું આપણું દાંડી ગામ સુરત શહેરનો ‘દાંડી બીચ’ વિસ્તાર બની જશે. આપણી પ્રજા પાસેથી જ ખરીદેલી જમીન વેચીને માફિયાઓ
અબજો રૂપિયા કમાશે. કોળી પ્રજાનું ગામમાંથી નિકંદન નીકળી જશે. કોસ્ટલ હાઈવેની બંને તરફ પેટ્રોલ પંપ , ધાબા, રેસ્ટોરન્ટ, હોટેલ અને શોપિંગ મોલ બની જશે.
No comments:
Post a Comment