Friday, April 4, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 13 ભાષા અને લોક બોલી

 

13. ભાષા અને લોક બોલી

દાંડીવાસીઓની ભાષા ગુજરાતી છે. પરંતુ બોલી શુધ્ધ ગુજરાતી નથી. લોકબોલીના શબ્દો પણ સમયાન્તરે બદલાતા રહ્યા છે. કહેવાય છે કે; બાર ગાઉએ બોલી બદલાય. કાંઠાની તળપદી ભાષામાં દાંડી અને અન્ય ગામોની લોક બોલીમાં પણ થોડો ભેદ જોવા મળતો. દાંડીમાં લડે અને ઓંજલમાં બાઝે.  દાંડીમાં અલા એ...ઈ…, સામાપુરમાં એ…ઈ….પેલા. 

સરેરાશ તોછડી ગણાતી અમારી બોલી જ અમારી ઓળખ છે. માનાર્થે બહુવચન જેવા ભારે શબ્દપ્રયોગ નો તો છેદ ઉડાડી દેવાયો છે. એક રમુજી દાખલો જણાવું છું. એક વાર ધીરુભાઈ એમના આચાર્ય નિવાસમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી આવેલા મહેમાનો જોડે બેઠા હતા. ત્યાં આવીને એક યુવાને ધીરુભાઈને જ પૂછ્યું; " ધીરુભાઈ, હારા તું કીયારનો કાં ગેલો ઉતો ? અમે કીયાર કીયારના તને હોધીએ."

મહેમાનોને થોડું સમજાયું, થોડું સમજી લીધું. પરંતુ આશ્ચર્ય, ધીરુભાઈને એક વચનમાં ‘તું’ કહ્યું તેનું હતું. જો કે તે પછી ધીરૂભાઇએ મહેમાનોને આપેલો જવાબ પણ મઝાનો હતો. મહેમાનોને કહેલું; “જો આપણે આપણી સૌથી નજીકના કુદરતી સબંધી મા ને માટે એક વચન અને ભગવાન માટે પણ એક વચન વાપરતા હોઈએ તો ધીરુભાઈની શું વિસાત ?!

સરેરાશ ભણેલા યુવાનો ગાળ ઓછી બોલે છે. પરંતુ શબ્દે શબ્દે ગાળ બોલનારા અનેક માણસો ગામમાં મળી આવશે. આવા માણસોને તેઓ ક્યાં, કોની સાથે કે કેવા લોકોની હાજરીમાં ગાળ બોલી રહ્યા છે એનું પણ ભાન હોતું નથી. એમની ગાળની ક્વોલિટી અને ઇન્ટેન્સિટી, વિષય અને વ્યક્તિ પ્રમાણે થોડી બદલાય ખરી. પરંતુ ‘ઝીરો ગાળ પોલ્યુટેડ બોલી’ અમુક લોકો માટે લગભગ અશક્ય છે. ગુસ્સામાં અને આનંદના અતિરેકમાં તેમના મોં માંથી પહેલાં ગાળ અને પછી જ શબ્દ બહાર આવે છે. આ અમારી સંસ્કૃતિની વિકૃતિ છે. શિક્ષણ સાથે અને પેઢી બદલાતી જશે તેમ તેમ ધીમે ધીમે સુધરશે.

મેં વીસમી સદીના છઠ્ઠા, સાતમા અને આઠમા દસકામાં સાંભળેલી ભાષા ત્યારના જ શબ્દપ્રયોગો સાથે રજૂ કરું છું. હજુ અડધી સદી પહેલાં પણ કેવું બોલાતું તેનો ખ્યાલ આવશે.

·       તને ખબર પળી કે, ભાંકીની હોખની પોરી, નાતરું કરવાની કેય તે ?

·       એ હે કાલે સીમકી ની ઘેરે એક બૈરી ને માંડો આલાં ઉતાં, તે બૈરીએ તો સોગો ઓ મુકેલો ઉતો.

·       સોમલો કાલે પી ને આલો ને ઝીણીને મારી તો….. મારી તો….. મારી. ને પોરાં તો ભધળ ભધળ ભધળ નાહે. મારીગ્યો સોમલો તો બો જ ગોજો.

·       અમે તો ખાવા નાં જ ઉતાં, ને મા પોરી આવી. પસી વેલો વેલો બુમલો હેકી કાયળો. પોરાં ધાન ને દાર ખાઈ ગીયાં.

·       અમા ઘેર ની જસુની પોરી નાતાલથી આલી, તીયાર મને એક ડગલીનું કાપળ આપી ગેલી ઉતી. પસી કાલે મગન દરજી હે લાખી આવી.

·       કાનજીની સત્રી કાગળો થઇ ગેઇ.

·       પોરી, તારી ચીતર કાં ખોયાવી ? જા હદીક વેરી હોધી લાવ.

·       હબ્બાડ્ડો ગાણો.

·       ભાણા, આ આરબાં કેમ આઇપાં?

અહીં વીસમી અને એકવીસમી સદીમાં વપરાતા લોક બોલીના શબ્દો આપ્યા છે. વખત જતાં ભાષા સુધારા સાથે તેમાંથી કેટલાક નામશેષ પણ થઇ જશે.

વીસમી સદી      

એકવીસમી સદી   

સાચો શબ્દ

બુઆઢી              

હારમણી

સાવરણી

વહરાત       

વહરાત

વરસાદ

નહારી/નવહારી/નહવારી

નવહારી      

નવસારી

વહલાળ/ વલહાળ

વલસાડ

વલસાડ

કાંહો રકેબી / કપ લાસ્કીટ

કપ લાસ્કીટ    કપ પ્લેટ       

કપ પ્લેટ

ઉરેફ

ગંજી / બોડી

ગંજી

ઈ વણ       

ઈ વણ

એ લોકો

હેલું હન્ને સે    

હેલું હન્ને સે/    હેલું તાં સે        

ત્યાં છે

કાં હેં  ?

કાં હેં ?

ક્યાં છે ?

કી ફા/ આ ફા/ તી ફા

કી ફા/ આ ફા/ તી ફા

કઈ તરફ/ આ તરફ/ તે તરફ

વા ઘોડો /સાયકલ

સાયકલ

સાયકલ

ચોરબતી/ટોર્ચ/બેટરી  

ટોર્ચ/બેટરી

ટોર્ચ/બેટરી

ફટફટિયું             

ગાડી / બાઈક

ગાડી / બાઈક

કી યાર / તી યાર    

કી યાર / તી યાર /ક્યારે / ત્યારે 

ક્યારે / ત્યારે 

ડોયલું

માચીસ

માચીસ

ગાણી

ગાણી

જેમ

ધણકો

ઝોકું   

ઝોકું

હદાબડું

જરા પણ

જરા પણ

વંટી આવ    

કૂદી આવ     

કૂદી આવ

રીંગી આવ   

રીંગી આવ   

પસાર થઈ આવ

ચીતર

બંગડી

બંગડી

આરબુ / આરબાં

બટાકા / બટાટા

બટાટા

 

વીસમી સદીમાં બોલતા કેટલાક શબ્દો હવે એકવીસમી સદીમાં નામશેષ થયા છે. તો બીજી બાજુ કેટલાક ખોટા શબ્દોએ પણ એન્ટ્રી કરી છે. ‘હું આવીશ’ ને બદલે ‘મેં આવીશ’ બોલાય છે.

સમાચાર માધ્યમોને સારી ભાષામાં ઇન્ટરવ્યુ કે માહિતી આપી શકે એવા કોઈ માણસો મને દેખાતા નથી. ધીરુભાઈ, અમૃતભાઈ, કેશવકાકા, દયાળજી, મોહન દાંડીકર વગેરે જેવું વ્યવસ્થિત ગુજરાતી બોલતા માણસોની અછત એ દાંડીની કમનસીબી છે. હવે આ નવો સર્જાઈ રહેલો શૂન્યાવકાશ પણ જો દાંડીથી ન પુરાશે તો, ત્યાં પણ બહારના માણસો ગોઠવાઈ જશે. પાછલે બારણેથી એની શરૂઆત થઇ ચુકી જ છે.

ઉપર જણાવેલ તમામ માણસો પણ એમના બાળપણમાં ગામઠી બોલી જ બોલ્યા હશે. પરંતુ અભ્યાસની સાથે સાથે તેમણે તેમની બોલી પણ સુધારી. પરંતુ બાકીના લોકો આ બાબતમાં પાછળ રહી ગયા. ભાષાની સભાનતા ન હોવાથી આપણો અવાજ નબળો પડી જાય છે.

દિલ્હી, ગાંધીનગર અને નવસારીમાં પણ આપણો અવાજ (માંગણી) મોકલવા માટે સારી ભાષાની જરૂર છે. ધીમે ધીમે આપણે આ બાબતમાં ઉણા ઉતરતા જઈએ છીએ. આ એક ગંભીર વિષય છે.

હવે ઇંગ્લીશના ચક્કરમાં ગુજરાતી ભુલાતી જાય છે. મારાં બાળકોને ગુજરાતી નથી આવડતું એ બાબતનો ગર્વ લેવામાં આવે છે.

 

No comments:

Post a Comment