7. આગેવાન
જયારે ફળિયું બંધાયું હશે, અને
ઘરમાં કે પાડોશમાં પ્રશ્નો ઉભા થયા હશે,
ત્યારે ફળિયામાં જે કોઈ જોરાવર હશે,
જેની પાસે ધમકાવીને શાંત પાડવાની શક્તિ અને આવડત હશે,
બીજાં લોકો કરતાં એની પાસે બે પૈસા વધારે હશે, તે
આપોઆપ તેમનો આગેવાન ગણાયો હશે.
ગામની શરૂઆતના સમયના લોકજીવનના કોઈ કાયદા કે
નીતિરીતિ પણ ન હતાં. આગેવાન બોલે તે કાયદો અને આગેવાન ફેંસલો આપે તે જ ન્યાય. એનું
પાલન સૌએ કરવાનું હોય. પોલીસ કે કોર્ટ જેવું હજુ અસ્તિત્વમાં આવ્યું ન હતું.
ત્યારે એ બધી કામગીરી ગામ અને ફળિયાના આગેવાનો બજાવતા. તેનાથી લોકજીવન વ્યવસ્થિત
અને એકંદરે સંપીલું ચાલતું.
ત્યારે સ્ત્રીઓનું સ્થાન ક્યાંયે ન હતું.
સંતાનોત્પત્તિ, રસોડું અને જરૂર
પડયે પતિ કે પુરુષવર્ગને કામકાજમાં મદદ કરવી એ જ સ્ત્રીનું કર્તવ્ય ગણાતું.
ગામની સ્થાપનાથી લઇ સને 1930ના
અરસા સુધીના ગામના આગેવાનો વિષે કોઈ માહિતી મળતી નથી. પરંતુ આ સમયગાળામાં ગામને
કોળી ઉપરાંત દેસાઈ અને દાઉદી વહોરા લોકોની નેતાગીરી જરૂર મળી હશે. કારણ કે ગામમાં
તેમની હાજરી હતી, અને
તેઓ પૈસાપાત્ર કુટુંબો હતાં. ગામની મોટા ભાગની જમીનના માલિક વહોરા લોકો હતા. એમના
આલીશાન બંગલાઓ હતા. તેમની પાસે વેપાર ધંધાની આવડત હતી. દેસાઈ લોકો મહેસુલ
ઉઘરાવવાનું કામ કરતા. આથી તેમનો પ્રભાવ ગામ ઉપર હશે જ.
આગેવાન 1930 પછી
ગાંધીજી દાંડી આવ્યા તે સને 1930 ના
અરસામાં ગામની આગેવાની નીચે મુજબ હતી. (અહીં ફળિયાનાં નામ જે તે સમયનાં અને
આગેવાનોનાં નામ ત્યારે બોલાતી અને લખાતી ભાષા મુજબ છે.)
• નાના
મકન અને નાના ચપલા (કાળા ફળીયા),
• મંગા
મકન, કાનજી ગોપાળ, મોયા
(મોરાર) મંગળ, (વાઘાફળીયા)
• લાલા
ગોવન (દેવાફળીયા)
• છીબા
ડાહ્યા અને પાંચાડાહ્યા (પાંચલીફળીયા)
• છીબા
રવજી, મંગા બુધિ, ડાહ્યા
રવજી, દાજી રણછોડ રવજી (તળાવફળીયા)
• મોયા
દલિયા, કાયા બાવલા, કાયા
બુધિયા (કારિયાફળીયા)
• નાના
ખાલપા (ખાલપા ફળીયા)
• મકન
દેવા (દેસાઇફળીયા)
• નીછા
ડાહ્યા, ભીખુ નીછા, ભીખુ
ગોપાળ, ડાહ્યા કુંવર, મગન
રતનજી, નાનું ડાહ્યા (દેસાઈ કુટુંબો)
આ બધામાં આખા ગામના આગેવાન લાલા ગોવન (દેવાફળીયા)
હતા.
ઉપરાંત ઇજ્જતદાર અને પૈસાપાત્ર દાઉદી વહોરા મુસલમાનોનો
ગામમાં ઘણો પ્રભાવ હતો. જેમાં મોહમ્મદઅલી ગુલામહુસેન ડાયા, અબ્દુલહુસેન
ચાંગાભાઇ અને સૈફીવીલાવાળા સૈફુદ્દીનનાં નામો ગણાવી શકાય.
આગેવાન 1951 પછી
1951 થી 1972
સુધીમાં ગામની આગેવાનીમાં ધરખમ ફેરફારો આવ્યા. એક તો આઝાદીનો ઉત્સાહ હતો. યુવાનોની
એન્ટ્રી થવા લાગી. ઉપરાંત રિટાયર્ડ થઈને ગામમાં આવેલ વૃદ્ધો પણ ગામનાં કામોમાં રસ
લેતા થયા. સ્વરાજ ફળિયામાંથી કેશવભાઈ નાનાભાઈ અને દયાળભાઈ નાનાભાઈ (અંગ્રજ) નું
મહત્વ વધ્યું. રામભાઈ ફકીરભાઈ અને મોરારભાઈ સુખાભાઈ પણ આગળ આવ્યા. દેસાઈ ફળિયાથી
નારણભાઇ પાંચાભાઇ, છોટુભાઈ
કાલિદાસ, ભાણાભાઈ ગોપાળજી, લલ્લુભાઇ
પરભુભાઈવગેરેને ગણાવી શકાય. આઝાદ ફળિયાથી કેસુર પટેલ, અમૃતભાઈ
મિસ્ત્રી, ડાહ્યાભાઈ
નમાભાઇ વગેરે આવ્યા. તળાવફળીયાથી રામભાઈ
લાલભાઈ, રણછોડભાઈ પ્રેમાભાઈ, વલ્લભભાઈ
ભાણાભાઈ, પરભુભાઈ રામભાઈ, પરસોતભાઈ
કાનાભાઈ, મંગાભાઇ નાગજીભાઈ વગેરે તથા દેવાફળીયાથી રણછોડજી
ગોવિંદજી અને મકનકાકાએ ગામના કામમાં રસ લીધો. વાઘાફળીયાથી સોમભાઈ ડાહ્યાભાઈ, નારણભાઇ
રવજીભાઈએ પોતાનાથી બનતી સેવા આપી.
આગેવાન 1972 પછી
ધીરુભાઈ ગામમાં આવ્યા, અને 1969માં
વિનય મંદિરની સ્થાપના થઇ. તે પછી ગામનાં
વિકાસનાં કામોને વેગ મળ્યો. કેશવકાકા, ધીરુભાઈ
અને અમૃતભાઈની ત્રિપુટીએ ગામમાં આગવી ઇમેજ ઉભી કરી. એમને જુના અને નવા તમામ
કાર્યકર્તાઓનો સાથ મળ્યો. મગનભાઈ કાનજીભાઈ, મોરારભાઈ
ભાણાભાઈ, મોરારભાઈ પરભુભાઈ, છોટુભાઈ
ગોવિંદજી, કેશવભાઈ ઉંકાભાઈ, પરસોતભાઈ
ધીરજભાઈ, જસુભાઈ ફકીરભાઈ સહીત અનેક લોકોએ પોતપોતાની રીતે
ગામનાં નાનાંમોટાં કામોમાં રસ લીધો. વિનય મંદિર, યુવક
મંડળ, રમતગમત મંડળ, દૂધ
મંડળી, ખેતી મંડળી, રાધાકૃષ્ણ
મંદિર વગેરેની પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલ્યો. ગ્રામપંચાયત દાંડીમાં સરપંચપદ મહિલા
માટે અનામત આવ્યું ત્યારે,
ગાંધીફળિયાનાં કમળાબહેન છોટુભાઈએ પાંચ વરસ સુધી એ કામગીરી હિંમતપૂર્વક નિભાવી. તેઓ
ગામનાં પહેલાં મહિલા સરપંચ બન્યાં. વીસમી સદીના છેલ્લા દશકામાં અલીયાબાડાની
નોકરીમાંથી નિવૃત્ત થઇ દયાળજી મોરારજી અને રુક્ષ્મણીબહેનની ગામમાં વાપસી થઇ.
અમદાવાદથી છગનભાઇ પાંચાભાઇ આવ્યા.
આગેવાન 2000 પછી
વીસમી
સદી પુરી થઇ ત્યાં સુધીમાં મોટા ભાગના કાર્યકર્તાઓનાં નિધન થઇ ચૂક્યાં હતાં.
કેટલાક પરદેશ સ્થાયી થયા હતા. હવે નવી નેતાગીરી આવી. પ્રવીણભાઈ દયાળજી, રૂક્ષ્મણી
બહેન, કલાબહેન વિનુભાઈ, પરિમલ
અમૃતભાઈ, વિમલભાઈ નટુભાઈ, નિકિતા
બહેન રાઠોડ એ સરપંચ પદ શોભાવ્યું.
ઉપરાંત
અશોકભાઈ અમૃતભાઈ, જયંતીભાઈ
જીવણભાઈ, મનુભાઈ દાજીભાઈ, પ્રવીણભાઈ
વલ્લભભાઈ, બિપીનભાઈ
દાજીભાઈ, પ્રવીણભાઈ છીકાભાઈ, પ્રિતેશભાઇ
મનુભાઈ, શીતલબેન, રમણભાઈ
છગનભાઇ વગેરે ગામના આગેવાનો ગણાય છે.
સરપંચ
જ્યારથી
ગ્રામ પંચાયત દાંડી અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીના સરપંચની યાદી નીચે મુજબ
છે. (આ લિસ્ટ અંદાજ લગાવીને તૈયાર કર્યું
છે. તલાટી પાસે કદાચ સાચી માહિતી મળી શકે.)
પિરિયડ |
નામ |
1962-1977 |
નારણભાઇ પાંચાભાઇ |
1977-79 |
કમળાબહેન છોટુભાઈ |
1977 - 1981 |
કેશવભાઈ નાનાભાઈ |
1981-1982 |
નારણભાઇ પાંચાભાઇ |
1982 – 1991 |
કેશવભાઈ ઉંકાભાઈ |
1991-1996 |
પ્રવીણભાઈ દયાળભાઈ |
1996-98 |
રુક્ષ્મણીબહેન દયાળજી |
1998-2003 |
કલાવતીબહેન વિનુભાઈ |
2003-2013 |
રુક્ષ્મણીબહેન દયાળજી |
2013 - 2017 |
પરિમલભાઈ અમૃતભાઈ |
2017 - 2023 |
વિમલભાઈ નટુભાઈ |
2023 - |
નીકિતાબહેન રાઠોડ |
ગામના જાહેર જીવનના ઉલ્લેખનીય અગ્રણીઓ.
કેશવભાઈ નાનાભાઈ:
ત્રીજી માર્ચ 1912ના
રોજ દાંડી ગામના ચપલાવાળા કુટુંબમાં નાનાભાઈ જેરામભાઈ (ચપલાભાઈ) ના ઘરે જન્મેલ એક
તેજસ્વી બાળકનું નામ કેશવ રખાયું. ગામમાં નવી જ શરુ થયેલી પ્રાથમિક શાળામાં એમને
દાખલ કરાયા. સુરત કેન્દ્રમાં લેવાતી ફાઇનલની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી.
પરીક્ષકો તેમના લખાણથી એટલા બધા પ્રભાવિત થયેલા કે તેમને એક મેડલ એનાયત થયેલો.
ફાઇલન પાસ કર્યા બાદ તેમને પ્રાથમિક શિક્ષક તરીકે
દાંડીની સ્કૂલમાં જ નોકરી મળી. ત્યારબાદ સુરત ખાતે પ્રાયમરી ટીચરની ટ્રેનિંગ
મેળવી. બીજા વરસની આ ટ્રેનિંગ માટે થતો છ રૂપિયાનો ખર્ચ એમના પિતા કરી શકે એમ ન
હતા આથી એક જ વર્ષની ટ્રેનિંગ લીધી. જો કે આટલું શિક્ષણ પણ એમના જીવનનું તેજ લિસોટો
બની રહ્યું.
તેઓ ઉત્તમ શિક્ષક હતા. તેમની ભણાવવાની રીતથી
એજ્યુકેશન ઇન્સપેકરે ખુશ થઈને પાંચ રૂપિયાનું ઇનામ આપેલું. આ પાંચ રૂપિયા તે સમયે
ઘણી મોટી રકમ ગણાતી. નિવૃત્તિ સમયે તેઓ વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષણના
એજ્યુકેશન ઇન્સપેકર હતા. ગામ અને કાંઠામાં તેઓ કેશવકાકા કે કેશાભાઈ માસ્તર તરીકે
ઓળખાતા. શિક્ષણ ક્ષેત્રને પોતાનું જીવન સમર્પિત કર્યું હોવાથી કેશવભાઈ અને માસ્તર
એકમેકના પર્યાય બની રહ્યા.
એમના અંતરમાં હર હંમેશ સમાજનું ચિંતન ચાલતું
રહ્યું, પરિણામે દાંડી ગામ તથા વિભાગના વિકાસ માટે કામ
કરતા રહ્યા. યુવાન વયથી જ ગામનાં વિકાસનાં કામોમાં રસ લેતા થયા. નાની ઉંમરમાં યુવક મંડળના પ્રમુખ બન્યા. અને ખુબ લાંબો સમય
સુધી એ જવાબદારી સંભાળી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓને યુવક મંડળના ચેરમેન
બનાવાયા.
1932 થી 1962 ના
ત્રીસ વર્ષના ગાળામાં સ્થાનિક ઝગડા અને છૂટાછેડાના પ્રશ્નોના નિકાલ યુવક મંડળના
મુખ્ય કામો ગણાતાં. આ કામોમાં કેશવકાકાની નિપુણતા હતી. એમનો ન્યાય લગભગ સર્વસંમત
રહેતો. આથી જ કાંઠાના ગામોમાં એમની ઇમેજ ઘણી સારી હતી.
વર્તમાન દાંડી ગામના તેઓ શિલ્પી હતા. યુવક મંડળ
ઉપરાંત કેળવણી મંડળ, દૂધ
ઉત્પાદક સહકારી મંડળી, ખેતી
વિભાગ સહકારી મંડળી, રાધાકૃષ્ણ
મંદિર ટ્રસ્ટ વગેરેમાં પ્રમુખ, ઉપપ્રમુખ
કે કારોબારી સભ્ય તરીકે તેમની સેવાઓ મળી છે. નવસારી તાલુકા
પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. અકિંચનપણે
ગામનું અને સમાજનું કાર્ય કર્યું છે.
તેમની બુદ્ધિની તેજસ્વીતા, વાકછટા, પ્રસન્નતા, સમભાવ, વ્યક્તિના
દિલને જીતવાની કળા વડે તેઓ દાંડીના આબાલવૃદ્ધના પ્રિયજન અને આદરણીય બની રહ્યા.
છઠ્ઠી ફેબ્રુઆરી 1999 ના
રોજ તેમનો જીવનદીપ બુઝાયો અને ગામે એક મુઠી ઊંચેરો અને બહુમૂલ્ય કાર્યકર ગુમાવ્યો.
ધીરુભાઈ : ચપલાવાળા કુટુંબમાં દરજીનું કામ કરતા
હીરાભાઈ નાનાભાઈ અને ભાણીબહેનના ઘરે 15 જૂન
1930 ના રોજ અવતરેલ, પ્રથમ
પુત્રરત્નનું નામ, ધીરજલાલ
રખાયું. કોઈએ લાડથી એને ‘ધીરુ’ કહ્યું, અને
એ જ એમની ઓળખ બની ગઈ.
નેતાગીરીનો ગુણ કિશોરાવસ્થાથી જ દેખાવા લાગ્યો
હતો. ગામના વિદ્યાર્થી સમાજને રચનાત્મક રાહે દોરવણી આપી. માધ્યમિક શિક્ષણ
નવસારી હાઈસ્કૂલમાં લીધું, પરંતુ
ગામના વિદ્યાર્થી સમુદાયથી વિમુખ ન થયા. ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ ગયા.
સ્નાતકની
પદવી પ્રાપ્ત કર્યા પછી ભાલ નળ કાંઠા વિસ્તારની એક સર્વોદય સંસ્થા હેઠળ કાર્યકારી જીવનની
શરૂઆત કરી. જો કે કિશોરાવસ્થાથી જ એમની ઈચ્છા દાંડીમાં શૈક્ષણિક સંસ્થા - માધ્યમિક
શાળા શરુ કરવાની હતી. પોતાના જીવનને હોડમાં મૂકીને, મક્કમ
અને દઢ મનોબળ સાથે ગામમાં શિક્ષણની સંસ્થા સ્થાપવાનો નિર્ણય લીધો, અને
જવલંત સફળતા મેળવી.
દાંડી ગામમાં બંધ પડેલી વણાટશાળાના જુના અને
જર્જરિત મકાનનું સમારકામ કરીને તારીખ 15 જૂન
1969 ના રોજ
પોતાના 39 મા જન્મદિને ‘વિનય મંદિર દાંડી’ નામની ઉત્તર
બુનિયાદી માધ્યમિક શાળા શરુ કરીને, નવો
ઇતિહાસ લખી દીધો.
સ્વિસ
એઇડ પાસેથી લગભગ બાર લાખ રૂપિયાની મદદ મેળવી સંસ્થા માટે સ્કૂલ, વર્કશોપ
અને સ્ટાફ ક્વાર્ટર્સનાં મકાન બનાવ્યાં. ગામના પીવાના પાણીનો પ્રશ્ન પણ ઘણે અંશે
હલ કર્યો.
વિનય
મંદિરમાં ‘ગ્રામયંત્રવિદ્યા’ અને ‘ગૃહવિજ્ઞાન’ જેવા વિશિષ્ઠ વિષયના શિક્ષણની શરૂઆત
થઇ. આ વિષયોનો અભ્યાસક્રમ ધીરૂભાઇએ તૈયાર કર્યો અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
સ્વીકૃતિ પામ્યો. રાજ્ય પાઠયપુસ્તક બોર્ડ, એસએસસી
બોર્ડ, હાયર સેકન્ડરી બોર્ડ, ટેક્નિકલ
એજ્યુકેશન બોર્ડ, હાયર
સેકન્ડરી સ્કૂલોની ઇસ્પેકશન પેનલ ઇત્યાદિ રાજ્યકક્ષાના મહત્વના શૈક્ષણિક બોર્ડના સભ્યપદે પણ કામગીરી કરી દાંડી
ગામને રોશન કર્યું.
રમત
ગમતના મેદાન પર એમની હાજરી માત્રથી ખેલાડીઓ જ નહિ પ્રેક્ષકોમાં પણ શિસ્ત દેખાવા
લાગતું. ક્રિકેટના બે પ્રસંગોએ એમની વ્યવહારુ કુશળતાને કારણે પ્રસંગ બગડતાં અટકી
ગયા હતા. અપજશનો ટોપલો ધીરુભાઈના માથે જ ઢોળાય એવી પરિસ્થિતિમાં પણ તેમની દઢ
નિર્ણયશક્તિ ઉભરી આવી હતી.
ગામના
લગભગ બધા જ કાર્યક્રમોમાં ધીરુભાઈ કેન્દ્રસ્થાને રહ્યા છે. સરકાર, સંસ્થા
કે વ્યક્તિગત કાર્યક્રમોમાં ગામની જવાબદારીનું આયોજન ધીરૂભાઇએ સફળતા પૂર્વક કર્યું
છે. કેટલાક આગેવાનોનાં પરદેશ ગમન અને કેટલાકના અવસાન બાદ ધીરુભાઈને માથે જવાબદારીઓ
વધતી ગઈ. એક સમયે કેશવકાકા, ધીરુભાઈ
અને અમૃતભાઈની ત્રિપુટી ગામમાં શીર્ષ નેતાગીરી ગણાતી. કેશવકાકા અને અમૃતભાઈની
વિદાય પછી ધીરુભાઈને એમના મિત્ર દયાળજીનો ઘણો સાથ મળ્યો.
અમૃતભાઈ
મકનજી: માત્ર દસ વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર
અમૃતભાઈનો જન્મ 28 જૂન
1932ના રોજ થયેલો. તેમના પિતા મકનજી નાનાભાઈ ગામના
અગ્રગણ્ય આગેવાન અને યુવક મંડળના શિલ્પી હતા.
પ્રાથમિક
શિક્ષણ દાંડી અને સામાપુરની શાળામાં લીધું. ફાઇનલ પાસ કરીને સરાવની શાળામાં માસ્તર
બની ગયા. કારણકે ગરીબી એટલી બધી હતી કે નોકરી સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ
ન હતો. નવસારી હાઈસ્કૂલમાંથી બહારના વિદ્યાર્થી તરીકે મેટ્રિકની પરીક્ષા આપી.
તેમાં સમગ્ર મુંબઈ રાજ્યમાં પંદરમાં અને નવસારી કેન્દ્રમાં પ્રથમ નંબરે પાસ થયા.
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદથી બી.એ. અને રાજપીપળાથી બી.એડ કર્યું. જેમાં પ્રથમ નંબર
મેળવ્યો. પછી એમ.એ. માં પણ પ્રથમ વર્ગ મેળવ્યો. હિન્દી વિનીત પરીક્ષામાં સમગ્ર
ભારત દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો. આમ શિક્ષણ ક્ષેત્રે ગામનું નામ રોશન કર્યું.
ઓરણા, ખડસુપા
અને કરાડીની હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. 1965ની
સાલથી નવસારીની એગ્રિકલચર કોલેજમાં લેક્ચરર અને આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા.
કેળવણી
મંડળના સ્થાપક ટ્રસ્ટી હતા. લાંબો સમય યુવક મંડળના મંત્રી અને પ્રમુખ બની
ગ્રામસેવા કરતા રહ્યા. યુવક મંડળ સંચાલિત, રમત
ગમત મંડળની સ્થાપનાના શિલ્પી અને મંત્રી હતા. દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી
મંડળીના મુખ્ય સ્થાપકો કેશવકાકા અને અમૃતભાઈ ગણાય. વિપરીત પરિસ્થિતિમાં પણ આવી
સહકારી મંડળી સ્થાપીને ગામને આર્થિક સધ્ધરતા અપાવવાની પહેલ કરી. વર્ષો સુધી દૂધ
મંડળીના પણ મંત્રી રહ્યા. દાંડી વિભાગ ખેતી સહકારી મંડળીની કારોબારી સમિતિમાં પણ
લાંબો સમય કાર્યરત રહ્યા. રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રથમ મંત્રી પણ તેઓ જ હતા.
દાંડીની પાણી પુરવઠા યોજનામાં પણ ઘણું કામ કર્યું. ટૂંકમાં ગામની તમામ
પ્રવૃત્તિઓમાં તેમની સીધી ભાગીદારી હતી.
હૃદયરોગના
ભારે હુમલા બાદ, 18
જાન્યુઆરી,1994ના
રોજ એમનો જીવન દીપ બુઝાયો ત્યારે ગામે એક અદનો કાર્યકર ગુમાવ્યો.
દયાળજી નાનાભાઈ પટેલ : ‘અંગ્રેજ’ના
ઉપનામથી ઓળખાતા દયાળજીભાઈ નાનાભાઈ, કાળા (સ્વરાજ)
ફળિયાના એક સમ્પન્ન ગણાતા પરિવારના સભ્ય હતા. યુવક મંડળ દાંડીમાં તેમનું વજન હતું.
યુવક મંડળ સંચાલિત બેન્ડ મંડળના તેઓ કેપ્ટન હતા. બ્લ્યુ હાફપેન્ટ, સફેદ
શર્ટ, બુટ-મોજાં સહિતના ગણવેશ સાથે તેઓ બેન્ડ વગાડતા
ત્યારે તેમનો વટ પડતો. ક્યારેક તેઓ પણ યુવક મંડળ દાંડીના પ્રમુખ હતા. 1976 માં
તેઓ ઇંગ્લેન્ડના કૌટુંબિક પ્રવાસે હતા ત્યારે ત્યાં હાર્ટ એટેકને કારણે તેમનું
અવસાન થયેલું.
સોમભાઈ ડાહ્યાભાઈ પટેલ : સોમભાઈ
એટલે બ્લ્યુ અથવા સફેદ હાફપેન્ટ અને સફેદ સફેદ શર્ટ પહેરેલ,
પગપાળા કે સાયકલ લઈને જતા,
દાંડીના એક પ્રગતિશીલ ખેડૂત અને આગેવાન. એમનો જન્મ દાંડીકૂચ પહેલાં થયેલો. શિક્ષણ
પશ્ચિમ બંગાળમાં ટાટાનગર ખાતે લીધું. દાંડી ગામમાં ક્યાં સુધી ભણ્યા તેની માહિતી
મળી નથી. પ્રાથમિક શિક્ષણ દાંડીમાં લીધું હોવું જોઈએ.
આમ તો સોમભાઈ દાંડીના યુવાનોના નેતા હતા. રમત
ગમતને ખુબ પ્રાધાન્ય આપેલું. ખોખો, કબડ્ડી
વગેરે ટીમના તેઓ કેપ્ટન પણ હતા. આટાપાટા, લંગડી, દોડ-કૂદ
જેવી દેશી રમતો ઉપરાંત કસરત, યોગ
અને ધ્યાનના પ્રયોગો પણ કરેલા. જયારે ગામમાં ડોક્ટરની કોઈ સુવિધા ન હતી, અને
મટવાડથી ડોક્ટર બોલાવવાનું શક્ય ન હતું ત્યારે તેમણે દર્દીની પ્રાથમિક સારવાર કરી
છે. કેટલીક આયુર્વેદિક દવાઓ તેઓ રાખતા.
દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી દ્વારા દરિયાની
ભરતીનાં ખારાં પાણી રોકવા માટે બનાવવામાં આવેલ બંધોના બાંધકામમાં તેમનો ફાળો
અમૂલ્ય હતો.
શાંતિસેના વિદ્યાલય કરાડીના તેઓ આચાર્ય હતા.
દાંડીમાં ડાંગર ઉપરાંત ઘઉં, શેરડી
જેવા પાકોનું સફળ ઉત્પાદન લેનાર ખેડૂત તરીકે તેઓ જાણીતા બન્યા હતા. છાણીયું ખાતર, લીલો
પડવાશ જેવાં કુદરતી અને રાસાયણિક ખાતરો, જંતુનાશક
રસાયણો વગેરેના કૃષિ પ્રયોગો એમણે કર્યા, અને
લોકોને તેમનું અનુસરણ કરતા કર્યા. વર્ષ 1984માં
તેઓ અમેરિકા શિફ્ટ થયા. તેમનું અવસાન પણ અમેરિકામાં જ થયેલું.
પરભુભાઈ સોની : આફ્રિકામાં સોનીનો બિઝનેસ કરતા
પરભુભાઈ બ્રીજલાલ પટેલ, ઈદી
અમીનના અત્યાચાર પછી ઇંગ્લેન્ડ મુવ થઇ ગયેલા. વર્ષ 1980 પછી
નિવૃત્તિની ઉંમરે દાંડી પાછા ફર્યા. ગામના જાહેર કામોમાં રસ લેતા થયા. યુવક મંડળના
પ્રમુખ બન્યા. લગભગ 1990ની
આસપાસ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા.
નારણભાઇ રવજીભાઈ પટેલ : વર્ષ 1962માં
ટાટાનગરથી નિવૃત્ત થઈને દાંડી આવ્યા પછી રાધાકૃષ્ણ મંદિરને પોતાનું કાર્યક્ષેત્ર
બનાવ્યું. એમના સમયગાળા દરમ્યાન મંદિર ટ્રસ્ટ હસ્તક ન હતું. તેઓ મંદિરના મંત્રી
અને ખજાનચી હતા. વર્ષ 1965માં
હનુમાનજીની દેરીના સ્થાને રાધાકૃષ્ણ મંદિર બન્યું હતું. પુજારીને મહિનાના પંદર
રૂપિયાનો પગાર ચૂકવવાનાં પણ ફાંફાં પડતાં ત્યારે નારણભાઈએ ગામના પૈસાદાર લોકોને
દાન માટે અપીલ કરવી પડતી. પોતાનાં સ્થિતિપાત્ર સગાં સંબંધીઓ પાસેથી પણ દાન મેળવીને
મંદિરને કાર્યરત રાખ્યું છે.
બાબુભાઇ સુખાભાઈ પટેલ : સરકારી
નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ દાંડીના જાહેર કામોમાં રસ લેતા થયા. એમના આગમન પછી
ગામના ઘણા આગેવાનોનાં અવસાન થવાથી એમને માથે જવાદારીઓ વધતી ગઈ. યુવક મંડળ, રાધાકૃષ્ણ
મંદિર, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ગ્રામ
પંચાયત વગેરેમાં સભ્ય, પ્રમુખ
અને મંત્રીપદે રહી ગામની સેવા કરી.
રૂક્ષ્મણીબહેન અને દયાળજી મોરારજી : અલિયાબાડાથી
નિવૃત્ત થઈને આ દંપતીએ દાંડી ગામમાં જાહેર જીવન જીવવાનું શરુ કર્યું. બંને શિક્ષત
અને સરકારી અધિકારીઓ તથા રાજકારણીઓ સાથે ઓળખાણને કારણે કામોમાં ઘણી સરળતા રહી.
રુક્ષ્મણીબહેન ગામનાં સરપંચ હતાં. દયાળજી ભાઈ રાધાકૃષ્ણમંદિર, યુવક
મંડળ વગેરેમાં સક્રિય રહ્યા. એમનો પરિવાર ન્યુઝીલેન્ડ સ્થાયી થયો હોવાથી અવારનવાર
ન્યૂઝીલેન્ડના આંટા ફેરા થતા રહ્યા.
મોરારભાઈ પરભુભાઈ : સ્વભાવે
સેવાભાવી એવા મોરારભાઈએ વિનય મંદિર દાંડીમાં પટાવાળા તરીકે નોકરી કરી. જ્યારથી
દાંડીમાં ક્રિકેટની ટુર્નામેન્ટ શરુ થઇ ત્યારથી, એટલેકે
લગભગ 1973-74થી તેમણે દાંડી ક્રિકેટની સેવા કરી
હતી. એમનું મુખ્ય કામ બોલ, બેટ, સ્ટમ્પ, પેડ્સ, ગ્લવ્ઝ, સ્કોરીંગબૂક, પ્રાથમિક
સારવારની દવાઓ (આયોડેક્સ, ટીંકચર, પાટાપીંડી, માથાના
દુખાવાની ગોળી વગેરેનું બોક્સ) ઉપરાંત કારપેટની સાચવણીનું હતું. આ બધી જ વસ્તુઓ, તેઓ
વિનય મંદિરના સ્ટોરરૂમમાં રાખતા. મેચ દરમ્યાન નાની નાની વસ્તુઓ માટે ખેલાડીઓ અને
વ્યવસ્થાપકો મોરારભાઈને શોધતા. ખોવાયેલી
કે ન મળતી વસ્તુ ક્યાં છે એની જાણ મોરારભાઈને હોય જ.
ગામનો ભાગ્યે જ એવો કોઈ લગ્ન પ્રસંગ હશે જેમાં
મોરારભાઈની સક્રિયતા ન હોય. રસોડું મોટેભાગે મોરારભાઈને હવાલે હોય. જેના ઘરમાં
લગ્ન પ્રસંગ હોય તે પણ રસોડા બાબતે તો મોરાભાઈ કહે એમ જ કરે.
વર્ષ 2008ના
અંતિમ દિને અંતિમ શ્વાસ લેનાર મોરારભાઈ દાંડી ગામના એક મૂકસેવક હતા એમ કહેવું જરાય
ખોટું નથી.
નરસિંહભાઇ નાનાભાઈ : નરસિંહભાઈનો
જન્મ 1912 ની આસપાસ થયો હશે. પ્રાથમિક શિક્ષણ દાંડીમાં લઇ
પ્રાથમિક શાળા દાંડીમાં જ શિક્ષક જીવનની શરૂઆત કરી. ગાંધીજીની 1930ની
દાંડીકૂચ નજરે જોનાર, અને
સ્વાતંત્ર ચળવળના અદના સૈનિક.
પોશાકમાં ખાદીનો ઝભ્ભો-ધોતી, અને
માથે ટોપી. 1964-65 ના
વર્ષમાં તેઓ જયારે બોદાલી શાળાના હેડમાસ્તર હતા ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ
સર્વપલ્લી રાધાકૃષ્નન ને હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો. એક લોકગાયક તરીકે પણ
ખ્યાતિ ધરાવતા હતા. આકાશવાણી ઉપરથી તેમનાં લોકગીતો પ્રસારિત થતાં. હીઝ માસ્ટર્સ
વોઇસ તરફથી તેમને રોયલ્ટી પણ ચૂકવાતી.
લગ્ન પછી તેઓ જલાલપોરમાં સ્થાયી થયા છતાં દાંડી
સાથેનો નાતો જોડી રાખ્યો હતો. ગામમાં પહેલીવાર ભજનમંડળી અને લાયબ્રેરી શરુ કરવામાં
તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. વિનય મંદિર દાંડી, રાધાકૃષ્ણ
મંદિર દાંડી, દાંડી વિભાગ
ખેતી સહકારી મંડળી ના તેઓ સ્થાપક સભ્ય અને ટ્રસ્ટી રહ્યા હતા.
દાંડીમાં તેમના વિના જન્માષ્ટમીની ઉજવણીની કલ્પના
પણ ન થઇ શકે એવું હતું. તેઓ આબાલવૃદ્ધ સૌને ભક્તિમાં તરબોળ કરી દેતા. તેમનું
નાચતાં નાચતાં “નંદ ઘેર આનંદ ભયો, જય
કનૈયાલાલકી” ભૂલી શકાય એવું નથી. 103
વરસની જૈફ વયે લગભગ 2015માં
ન્યુઝીલેન્ડમાં એમનું અવસાન થયેલું.
રણછોડજી ગોવિંદજી પટેલ : આર.જી.કાકા
ને નામે ઓળખાતા રણછોડજી કાકા, દાંડી
ગામમાંથી આફ્રિકા જનાર પહેલા કેટલાક સાહસિકો પૈકીના એક હતા. પૈસે ટકે સુખી કુટુંબ
ગણાય. જયારે સહકારી ખેતી મંડળી દ્વારા દરિયાની ભરતીનાં ખારાં પાણી રોકવા માટે
માટીના બંધો બાંધવાની યોજના બની ત્યારે જૂની મુંબઈ સરકાર સાથે અંગ્રેજી ભાષામાં
પત્રવ્યવહાર કરવાનું કામ તેમણે કર્યું હતું. અંગ્રેજી ભાષા ઉપર તેમની સારી પકડ
હતી. એમનું અવસાન 1971-72 માં
થયેલું.
કેશવભાઈ ઉંકાભાઈ : શારીરિક
બાંધો અને પહેરવેશથી ધીરુભાઈની પ્રતિકૃતિ જેવા દેખાતા કેશવભાઈ, 1969
ની સાલમાં ગૂંદીથી ધીરુભાઈ જોડે આવીને,
વિનય મંદિરમાં શિક્ષક તરીકે જોડાયેલા. તેઓ 1982 થી 1991 સુધી ગામના
સરપંચ રહ્યા હતા. હાલ કેનેડામાં તેમના કુટુંબ જોડે રહે છે.
મોહન દાંડીકર : મોહનભાઇ દાંડીકર એક લેખક તરીકે
પ્રસિદ્ધ હતા. લેખનકળાને કારણે એમણે દાંડીનું નામ રોશન કર્યું છે. એમને સાહિત્યના
ક્ષેત્રે અનેક એવોર્ડ પણ મળેલ છે. એમનું એક ઉપયોગી કામ તે ગુજરાતી શબ્દકોશમાં
‘કોળી’ શબ્દના અર્થમાં સુધારો કરાવવાનું હતું. પહેલાં’ કોળી’નો અર્થ કાળો પુરુષ, ચોર
વગેરે હતો. તેમના પ્રયત્નોથી કોળીના અર્થમાંથી ‘ચોર’ શબ્દની બાદબાકી કરવામાં આવી
છે. એકવીસમી સદીની શરૂઆતના વર્ષોમાં ધીરુભાઈ, દયાળજી
અને મોહનભાઇ ત્રણ જણા જ ગામના પ્રમુખ આગેવાનો ગણાતા હતા.
વલ્લભભાઈ ભાણાભાઈ : વલ્લભભાઈ
ભાણાભાઈને નાનપણથી જ રમતગમત ક્ષેત્રે ઘણો રસ હતો. એક ખેલાડી હતા. એમના સમયમાં
નવસારી ખાતે રમાતી ઓલિમ્પિક્સમાં અવશ્ય ભાગ લેતા. એમની સફળતાની સાબિતીરૂપ કેટલાંક
પ્રમાણપત્રો એમના કુટુંબ પાસે ઉપલબ્ધ છે.
તેઓ યુવાનોના નેતા હતા. યુવક મંડળમાં પણ સક્રિય
હતા. દૂધ ઉત્પાદક સહકારી મંડળી શરુ કરી ત્યારે ગામને તેની શરૂઆત કરવામાં એમનો ઘણો
સહકાર મળ્યો હતો. તેઓ દૂધ મંડળીના પહેલા પગારદાર કર્મચારી હતા. તેમનું કામ સવાર
સાંજ દૂધ એકત્ર કરવાનું, સેમ્પલ
લેવાનું, નોંધણી કરવાનું અને બસ અથવા ટ્રક મારફત નવસારી
સુધી પહોંચતું કરવાનું હતું. લાંબી માંદગી બાદ તારીખ 14-5-2023ના
રોજ અવસાન થયું ત્યારે ગામે એક ઉત્સાહી કાર્યકર ગુમાવ્યો.
રણછોડભાઈ પ્રેમજીભાઈ : રણછોડભાઈ અમારા
પ્રાથમિક શાળાના હેડમાસ્તર હતા. હું એમને જાણતો થયો ત્યારથી જ તેઓ આચાર્ય અને
પોષ્ટમાસ્ટર હતા. ખાદીનાં પેન્ટ શર્ટ અને પછીથી કફની પાયજામો એમનો પહેરવેશ હતો.
તેમણે ક્યારેક યુવક મંડળનું મંત્રીપદ પણ શોભાવ્યું હતું. આચાર્ય તરીકે થોડા કડક
ખરા પરંતુ ખુબ જ હેતાળ હતા. ગણિત શીખવવામાં એમની માસ્ટરી હતી. પહેલી ડિસેમ્બર 1995ના
રોજ એમનું અવસાન થયેલું.
પરસોતભાઈ કાનજીભાઈ: પી.કે.દાસ ના
નામે જાણીતા પરસોતકાકા ગામનાં તમામ જાહેર કામોમાં રસ લેતા. રાધાકૃષ્ણ મંદિર તેમનું
મુખ્ય કાર્ય હતું. મંદિરનું ટ્રસ્ટ બનાવવામાં પણ તેઓ અગ્રેસર હતા. પહેલા ટ્રસ્ટી
પૈકીના તેઓ એક હતા. ટ્રસ્ટ બનાવવાનું મુખ્ય કારણ નાણાંકીય હિસાબની પારદર્શિતા
જાળવવાનું હતું.
કેસુર પટેલ : એક સમયે ગામમાં ત્રણ દુકાનો હતી, તે
પૈકીની એક કેસુર પટેલની દુકાન. આ સ્થળ ગામના કેન્દ્રમાં ગણાય. ક્યારેક જ્યાંથી
ખાડી પસાર થતી હતી, અને
મીઠું પાકતું હતું, એવી
તદ્દન ખારપાટ વાળી જગ્યાએ કેસુરભાઈએ પોતાની દુકાન શરુ કરી. ઘર,દુકાન
અને ગાય-ભેંસનો તબેલો. બિલકુલ ભારતીય ગ્રામ્ય પ્રણાલીનું જીવન.
વર્ષ 1960થી
ગામના ‘પોલીસપટેલ’ તરીકે પોતાના જાહેર જીવનની શરૂઆત કરનાર કેસુરભાઈની ગામમાં સારી
પકડ. ગામમાં ન્યાયનું કામ યુવક મંડળ અને પોલીસપટેલના માધ્યમથી થતું. પોતે સાહસિક
જીવ. 5, નવેમ્બર 1932ના
રોજ જન્મ લેનાર, અને
ખુબજ નાની વયે માતૃછાયા ગુમાવનાર, કેસુરભાઈના
બાળપણનો ઉછેર તેમનાં ફોઈના ઘરે થયો. ગરીબી સામે ટક્કર ઝીલવાનું શિક્ષણ અને હિંમત
તેમને ફોઈ મારફતે મળ્યાં. વાડામાં શાકભાજી ઉછેરી, તેને
દાંડી તથા સામાપુરમાં વેચીને કમાણી કરવાનું હુન્નર કેળવ્યું. વેપારી કુનેહ ધરાવતી
આ વ્યક્તિએ શરૂઆતમાં ‘ગ્રોસરીસ્ટર સ્ટોર’ કહી શકાય એવી નાનકડી દુકાન શરુ કરી. આગળ
જતાં આની સાથે ભેંસનો તબેલો કર્યો. ઉપરાંત ગામના પશુપાલકો પાસેથી દૂધ એકઠું કરી
નવસારી સપ્લાય કરવાનો બિઝનેસ પણ ઝમાવ્યો.
વર્ષ 1975 પછી
તેમનું કુટુંબ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયું. ન્યુઝીલેન્ડ ગયા ત્યારે તેમણે પોલીસ
પટેલ પદેથી રાજીનામું આપ્યું. જો તેઓ ન્યુઝીલેન્ડ ન ગયા હોત તો આજીવન પોલીસપટેલ
રહ્યા હોત. સન 2011 માં
તેમનું અવસાન થયું. ભારતમાં જીવ્યા ત્યાં સુધી તેમણે બીજા માટે કામ નથી કર્યું, અર્થાત
નોકરી નથી કરી. નાનો તો નાનો, પણ
પોતાનો જ બિઝનેસ કર્યો. ન્યુઝીલેન્ડમાં પણ પુત્રને બિઝનેસમાં મદદરૂપ બનતા રહ્યા.
દાંડીમાં નાઈટ હોલ્ટ કરનારી તમામ બસના ડ્રાયવર
અને કંડક્ટર માટે પાણીની વ્યવસ્થા એમના ઘરેથી જ થતી. આજે તેઓ સદેહે નથી પરંતુ
દાંડી ગામમાં ‘કેસુરપટેલનું બસસ્ટેન્ડ’ નામથી અમર થઇ ગયા છે.
ડાહ્યાભાઈ નમાભાઈ: વીસમી સદીના મધ્યકાળથી એકવીસમી સદીના
પહેલા દસકા દરમ્યાન, માથે
સફેદ ગાંધી ટોપી, કફની
અને ધોતી પહેરેલ, સુકલકડી
કાયાવાળો, આબેહૂબ ખેડૂત
જેવો દેખાતો, કોઈ માણસ તમને
મળી જાય, તો તે ડાહ્યાભાઈ નમાભાઇ હોય પણ શકે. મારી
કલ્પનાના ખેડૂતમાં ડાહ્યાકાકાનું કેરેક્ટર આદર્શ હતું. કેસુરભાઈ પટેલ ન્યુઝીલેન્ડ
ગયા ત્યારે ગામના પોલીસ પટેલની જવાબદારી ડાહ્યાકાકા પાસે આવી. અને સરકારે એ પદ રદ
કર્યું ત્યાં સુધી તેઓ જ ગામના પોલીસ પટેલ રહ્યા.
એક રમુજી વાત એ છે કે સરકારે જયારે આ પદ રદ
કર્યું, ત્યારે જ જાણવા મળ્યું કે, પોલીસ
પટેલને સરકાર તરફથી દર મહિને છ રૂપિયા પગાર પણ મળતો હતો. જે ડાહ્યાકાકા કે
કેસુરભાઈએ ક્યારેય લીધો ન હતો.
નારણભાઇ પાંચાભાઇ : નારણભાઇ ગામના
સરપંચ પદે સૌથી વધુ સમય સેવા આપનાર વ્યક્તિ હતા. હું 1967ની
સાલમાં આઠ વર્ષની ઉંમરે દાંડી આવ્યો તે પહેલાંથી તેઓ સરપંચ હતા. વચ્ચે થોડા સમય
માટે કમળાબહેન, કેશવભાઈ નાનાભાઈ, કેશવભાઈ
ઉંકાભાઈ એ આ જવાબદારી નિભાવી હતી. 1972 માં
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની દાંડીની મુલાકાત વેળા તેમનું સ્વાગત
કરનારાઓમાં નારણભાઇ પણ એક હતા.
મફતલાલ મિલ, નવસારીમાં
કામ કરનાર આ માણસે ગામની સેવા કરવા માટે નોકરી છોડીને ઢોરના તબેલા સાથે દૂધનો
વ્યવસાય સ્વીકાર્યો હતો. જો કે આ વ્યવસાયમાં તેમને ગંભીર નિષ્ફળતા મળી હતી. છતાં
ખેતી અને પશુપાલન સાથે કુટુંબનું ભરણપોષણ કર્યું અને સંપૂર્ણ નિષ્ઠા સાથે ગામનાં
સેવાકાર્યો પણ કર્યાં. લગભગ 1995-96માં
એક રોડ અકસ્માતમાં એમનું અને એમના પરિવારજનો માંથી કેટલાંકનું દુઃખદ અવસાન થયું.
ભવનભાઈ પરભુભાઈ : ભવનભાઈ એક ખેલાડી હતા. ક્રિકેટ માટે
અનહદ લાગણી. ઘરમાં ક્રિકેટર્સના ફોટાઓનો ઝમેલો. કાંઠાના ઉત્તમ ક્રિકેટ અમ્પાયર.
લગભગ આખી જિંદગી નવસારીની એક ક્લોથ સ્ટોરમાં નોકરી કરી. દાંડી ક્રિકેટને વર્ષો
સુધી અમ્પાયરિંગની સેવા આપી. એક વાર રમત ગમત મંડળના પ્રમુખ પણ બન્યા.
મગનભાઈ કાનજીભાઈ: મગનદાદાના નામે પ્રખ્યાત આ માણસ
દાંડીના યુવાનોનો નેતા હતો. ગામની એકતા માટે એ બધું જ કરી છૂટતા. એક સારા ક્રિકેટર
હતા. એક અકસ્માતમાં હાથે ઇજા થવા પછી ધીરે ધીરે ક્રિકેટ રમવાનું બંધ કર્યું પરંતુ
આજીવન ટીમના મેનેજર બની રહ્યા. 1973-74માં
એમના પિતાજીને નામે ‘કે. એસ.પટેલ એન્ડ સન્સ ક્રિકેટ રોલિંગ ટ્રોફી’ શરુ કરાવેલી જે
કેટલાક પરિવર્તનો સાથે હજુ ચાલે છે. યુવક મંડળ અને રમત ગમત મંડળ એમના વિના અધૂરું
લાગે. (જન્મ
20-02-1942 સ્વર્ગવાસ 09-02-1995).
છોટુભાઈ કાલિદાસ : આફ્રિકામાં સ્થાયી થયેલા છોટુકાકા
ગામના એક ધનવાન માણસ હતા. ગામની પહેલી કાર એમણે વસાવી હતી. એમની કાર પણ ઘણીવાર
દર્દીઓને નવસારી હોસ્પિટલે પહોંચાડવા માટે કામ આવી છે. આ ધનવાન માણસના દાનની રકમ
પણ ક્યારેક દાંડી ક્રિકેટને માટે આશીર્વાદ બની રહેતી.
ભાણાભાઈ ગોપાળજી: બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ પહેરીને
સાંજે દરિયા કિનારે ચાલવા જતી ભાણાકાકા, છોટુકાકા
અને પરસોતકાકાની ત્રિપુટી ને અમે જોઈ રહેતા. સફાઈદાર અને ઇસ્ત્રીટાઇટ કપડાંમાં
શોભતી આ ત્રિપુટીને અમે દાંડીનું ગૌરવ ગણતા. ભાણાકાકાના ઘરે એક પક્ષી હતું, જે
માણસ જેવું બોલી બોલતું. આફ્રિકાથી આ પક્ષી લાવેલા. ગામનું પ્રથમ વાસ્પા સ્કૂટર પણ
એમની પાસે હતું. રમત ગમત મંડળના તેઓ ખજાનચી હતા.
છગનભાઇ પાંચાભાઇ: અમદાવાદથી નિવૃત્ત થઈને દાંડી આવ્યા પછી ગામનાં
ઘણાં કામોમાં તેઓ પ્રવૃત્ત રહ્યા. યુવકમંડળ, રમત
ગમત મંડળ, રાધાકૃષ્ણ મંદિર, પાણી
પુરવઠા વગેરે તમામ મંડળોમાં ખુબ સક્રિય રહ્યા. પરંતુ એમની સેવા ગામને વધુ સમય ન
મળી શકી. એમનું અવસાન થતાં ગમે એક કર્મઠ વ્યક્તિ ગુમાવી.
શીવલાલ મકનજી: ભારતની આઝાદીના લડવૈયા શિવલાલકાકા
ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. રીટાયર્ડ થયા બાદ દાંડી આવી ગયા. ગામનાં બધા જ બધાં
જ કામોમાં એમણે એમની શક્તિ પ્રમાણે યોગદાન આપ્યું.
મોરારભાઈ ભાણાભાઈ: ક્રિકેટ ઉપરાંત વોલીબોલ અને ખોખો તથા
કબડ્ડીના સારા ખેલાડી એવા મોરારભાઈ લગભગ બધી જ રમતના ગામના કેપ્ટન હતા. થોડો સમય
રમત ગમત મંડળના પ્રમુખ પણ હતા. યુવક મંડળ અને પાણી યોજનામાં
પણ એમની ઘણી ભૂમિકા જોવા મળે છે.
લલ્લુભાઇ પરભુભાઈ: દાંડી વિભાગ ખેતી સહકારી મંડળીની
સફળતા પાછળ જે કેટલીક વ્યક્તિઓનો હાથ હતો
તે પૈકીના એક લલ્લુભાઇ પરભુભાઈ હતા. જન્મ તારીખ 20-01-1929.
પ્રાથમિક શિક્ષણ દાંડીમાં. દાંડીની ખોખો ટીમના તેઓ કેપ્ટન હતા. ગુજરાતમાં આ ટીમની નામના હતી.
શરૂઆતમાં મુંબઈ, નવસારી, જમશેદપુર
વગેરે સ્થળોએ કામ કર્યું. થોડીક રખડપાટ પછી દાંડી પરત ફર્યા. ખાદી પરિશ્રમલય
ચલાવતા સોમભાઈને મળ્યા. તેમની સાથે પણ કામ કર્યું. અંતે તારીખ 31-12-1953ના
રોજ ખેતી સહકારી મંડળીમાં જોડાયા. બંધ
ઉપર ચાલતાં મજૂરોનાં માટીકામ ઉપર દેખરેખ રાખવાના એમને રોજના બે રૂપિયા મળતા. આ કામ
છોડીને જમશેદપુર ભાગ્યા, પણ
પાછા આવીને ફરીથી મંડળીમાં જોડાયા. હવે એમને દેખરેખ ઉપરાંત મજૂરોની હાજરી પૂરવી, પગાર
ચૂકવવો, માટીકામનું માપ લેવું વગેરે કામ સોંપાયું. સાથે
મંડળીનો કાચો હિસાબ રાખતા થયા. વર્ષ 1957માં 75
રૂપિયા માસિક પગાર સાથે મંડળીના મેનેજર તરીકે એમની નિમણૂંક થઇ.
એમના સાહસને કારણે મંડળીએ નાના મોટા સરકારી કામો
માટેના કોન્ટ્રાકટ લેવા માટેનું લાયસન્સ મેળવ્યું. અને આ કામો થકી મંડળીનું દેવું
પણ ચૂકતે કર્યું. મંડળી દ્વારા ચાલતી સસ્તા અનાજની દુકાન પણ લલ્લુભાઈની જ મહેનત
નું પરિણામ છે. મંડળીના ઇતિહાસમાં ભરતી-ઓટ આવ્યાં છે. તોફાનો અને વિરોધનો સામનો પણ
કરવો પડયો છે. છતાં એમાં તેઓ અડીખમ રહ્યા. એમણે મંડળીને પ્રામાણિક અને ચોખ્ખો
વહીવટ આપ્યો હતો. 9 જૂન
2010 ના રોજ એમણે અંતિમ શ્વાસ લીધા, અને
દાંડી ગામે એક પાયાનો સહકારી કાર્યકર ગુમાવ્યો.
પરભુભાઈ મંગાભાઇ
: વાઘાફળીયાના આ સેવાભાવી અને ઉત્સાહી
કાર્યકરને કારણે અને મહેનતને પરિણામે ગામમાં લાયબ્રેરીનું મકાન બની શક્યું હતું. ગામના બેન્ડ મંડળમાં પણ એમનું પ્રશસ્ય યોગદાન
રહ્યું હતું.
રામભાઈ ફકીરભાઈ
: રામભાઈ ફકરીભાઈ ગામના એક યુવાન આગેવાન
હતા. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1930 ના રોજ થયેલો. અભ્યાસ પૂરો કરીને જંગલ સહકારી મંડળી વાંસદા ખાતે
નોકરી મેળવી. સ્થાનિક આગેવાન માધુભાઇના પરિચયમાં આવ્યા. પોતાની મહેનત, આવડત અને કુશળતાથી સાથી કાર્યકરો અને રાજકારણીઓ
ઉપર સારો પ્રભાવ પાડયો.
1957 થી 1969 સુધીના સમયગાળામાં દાંડીના ભણેલા ગણેલા યુવાનો નોકરી અર્થે ગામ બહાર
ગયા હતા, ત્યારે નેતાગીરીમાં થોડો શૂન્યાવકાશ
જોવા મળેલો. આ સમયે વાંસદામાં રહીને પણ તેમણે યુવક મંડળના મંત્રી તરીકેની સેવા
ચાલુ રાખી હતી.
જયારે
હિન્દુસ્તાન લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે તા.21-2-1967 ના રોજ વાંસદાથી ક્યાંક જતાં રસ્તામાં જીપ
અકસ્માત થયો અને રામભાઈ ફકરીભાઈ પટેલનું અણધાર્યું અવસાન થયું. ગામે એક યુવાન
કાર્યકર ગુમાવ્યો અને કુટુંબે તેમનો મોભી.
આ ઉપરાંત લલ્લુભાઇ બ્રિજલાલની સેવા રાધાકૃષ્ણ
મંદિરને મળતી હતી.ગામના જાહેર કામમાં વાંસદા નજીક સુખડા ખાતે પ્રાઇવેટ જોબ કરનાર ભગવાનદાસ
કાલિદાસનો પ્રવેશ મોડો થયો. લગભગ નિવૃત્તિ પછીની તેમની પ્રવૃત્તિમાં જાહેર જીવન
આવ્યું. નારણભાઇ બુધીભાઇને સામાજિક કાર્યો
કરવામાં કરવામાં રસ હતો. ગામને પણ કાર્યકરની જરૂર હતી. લગભગ 1982 પછી તેઓ યુવક મંડળના મંત્રીપદે આરૂઢ થયા.
કમનસીબે એમને ઝાઝું કામ કરવાની તક ન મળી. એક જીવલેણ માંદગી સામે તેઓ જીવનનો જંગ
હારી ગયા. લગભગ 1990ની આસપાસ તેમું તેમનું અવસાન થયું. દાંડી ગામનાં પ્રથમ મહિલા સરપંચ એવાં કમળાબહેન
એક હિંમતવાન મહિલા છે. સરકારી નિયમ મુજબ જયારે એક ટર્મ ફરજીયાત મહિલા માટે અનામત
આવી ત્યારે ગામના આગેવાનોની વિનંતી સ્વીકારીને તેઓ સરપંચ બન્યાં. ઈંગ્લેન્ડથી રિટાયર્ડ થઈને આવ્યા પછી દેવા
ફળિયાના લલ્લુભાઇ મોરારજીએ ગામની રમત ગમતની પ્રવૃત્તિમાં રસ દાખવ્યો. એમને રમત ગમત
મંડળના પ્રમુખ બનાવાયા. તેમણે ખેલાડીઓમાં બ્રિટિશ ઢબની શિસ્ત ખીલવવાનો પ્રયત્ન
કર્યો. જો કે ખુબ જ ટૂંકા ગાળાની સેવા બાદ તેમનું અવસાન થયું. પોતાના દાદા, કારાબાપાના
હુલામણા નામે ઓળખાતા પરભુભાઈ રામભાઈની ગામનાં જાહેરના તમામ કામો ઉપર બાજ નજર રહેતી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીની
રચનામાં શરૂઆતના કટોકટીના દિવસોમાં એમનો ટેકો અને સલાહ મળતાં રહ્યાં હતા. ઈંગ્લેન્ડથી નિવૃત્ત થઈને આવ્યા પછી ધીરુભાઈ
પ્રેમજીભાઈએ ગામનાં જાહેર કામોમાં ઘણો રસ દાખવ્યો હતો. ટ્રકભાડાનો બિઝનેસ કરનારા પરસોતભાઈ ગામનાં
જાહેરનાં કામોમાં કાર્યકર્તાઓને મદદરૂપ બની રહેતા. ઇમરજન્સી દરમ્યાન ગામ માટે એમની
ટ્રક એમ્બ્યુલન્સ બની રહેતી.: જયારે રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ અસ્તિત્વમાં ન હતું
ત્યારે (લગભગ 1960 થી 1975 દરમ્યાન કયારેક) મંગાભાઇ નાગજીભાઈએ મંદિરના પ્રમુખ, મંત્રી કે ખાજાનચી ખજાનચી તરીકે સેવા આપી હતી.
No comments:
Post a Comment