6. લોકજીવન
એવું
લાગે છે કે દાંડીની જે તે સમયની ભૌગોલિક કુદરતી રચના અને પરિસ્થિતિ જોતાં
પહેલવહેલાં બે ત્રણ કુટુંબો સાથે આવીને વસ્યાં હશે. કોઈ એકલદોકલ કુટુંબે ભાગ્યે જ હિંમત કરી હોય.
નજીકનો વસવાટ સામાપુરનો પણ 3 કિલોમીટર દૂર છે. જમીન તો ખુલ્લી, અવાવરું, માલિક વિનાની હશે. એટલે ઊંચાણવાળી
જગ્યા શોધી ત્યાં વસવાટ કર્યો હશે. ઊંચી ટેકરાવાળી જગ્યાને “દાંડો” કહેવાય. આ થોડી નાની જગ્યા હતી એટલે “દાંડી” કહેવાયું હોય એમ માની શકાય.
જેનું
અસ્તિત્વ પણ હવે નથી રહ્યું એ દીવાદાંડી તો પાછળથી બંધાયેલી હતી. એટલે દાંડી નામ સાથે
દીવાદાંડી અથવા તો દીવાદાંડી ઉપરથી દાંડી શબ્દ બન્યો હશે એમ માની શકાતું નથી.
બીજું દાંડીના વસવાટની જગ્યાથી દીવાદાંડી ઘણી દૂર હતી.
એ
જે હોય તે પણ સને સોળમી સદી સુધીમાં લોકોનો વસવાટ અહીં જરૂર થયો હશે. ભૌગોલિક પરિસ્થિતિ જોતાં ખેતીલાયક જમીન પણ કદાચ
ન હશે. એટલે માછીમારી કરનારાં કુટુંબો જ આવીને વસ્યાં હશે.
કોઈ
વ્યક્તિ કે કુટુંબ સાથે ટંડેલ, ખારવા, માછી, કહાર, નાવિક જેવી અટક આજદિન સુધી જોવા મળી નથી. ‘પટેલ’ અટક જ ચાલી આવી છે. (જો કે જમીનના જુના
દસ્તાવેજોમાં કોળી અટકનો ઉલ્લેખ છે.) એટલે એમ પણ કહી શકાય કે જાતના માછી નહીં પણ
માંસ-મચ્છી ખાનાર અન્ય જાતિનાં કુટુંબ આવીને વસ્યાં હશે.
કોળી જાતિના લોકોએ અહીં પ્રથમ વસવાટ કર્યો હતો એ નિશ્ચિત છે.
ગામની
ફરતે દરિયાનું પાણી ફરી વળતું. અવર જવર અને માછલાં પકડવા માટે ગામમાં ઘણાં ઘરો
પાસે નાની હોડી (મછવા) હતા. સમાજજીવન ખુબ જ માર્યાદિત હશે.
એમ
પણ જાણવા મળે છે કે પાવાગઢ વિસ્તારમાં “પતઇ રાવળ” રાજા, જે રાજપૂત હતો તેનું રાજ હતું. પરંતુ મુસ્લિમોએ આક્રમણ કરી એ પ્રદેશ જીતી લીધો.
એટલે એ પ્રદેશનાં કોલ જાતિના લોકો ત્યાંથી સ્થળાંતર કરી પશ્ચિમ કાંઠા પ્રદેશમાં
આવીને વસ્યાં. કોલ ઉપરથી કોલી કે કોળી શબ્દ બન્યો હશે. અને આજે પણ જુઓ તો
ઉમરગામથી ભરૂચના દરિયા કિનારાની મોટી વસ્તી “કોળી” લોકોની જ છે. એટલે દાંડીમાં આવેલ પ્રથમ કુટુંબ “કોળી” જ હશે એમ માનવું રહ્યું.
પહેલ
વહેલાં જે લોકો આવ્યાં હશે તેમણે ઉંચાણ કે
ટેકરા વાળી જગ્યાઉપર ઘર બાંધ્યાં હશે. ઘર એટલે છાપરાં
જ સમજવું. પાકું ઘર બાંધવાની તો કોઈ શક્યતા જ ન
હતી.
ફળિયાનાં નામકરણ
કહેવાય છે કે મૂળ દાંડી સાત છાપરાંનું ગામ હતું.
અર્થાત સાત જુદાં જુદાં કુટુંબો હતાં. ધીમે ધીમે વસ્તી વધી. પછી એ કુટુંબ અને
વસવાટનો વિસ્તાર જે તે કુટુંબના વડવાના નામથી ઓળખાવા લાગ્યો. વખત જતાં એ જ ઓળખાણ
ફળિયાના નામના સ્વરૂપે આગળ આવી.
તે સમયનું સાવ નાનું ગામ, અને આખા ગામનું કોઈ મંડળ, સંગઠન કે પંચાયત જેવું
કશું ન હશે.
લોકોએ થોડે છેટે છાપરાં બાંધી વસવાટ કર્યો હશે. અને ભૌગોલિક પરિસ્થિતિ એવી હશે કે
પરસ્પર, એકમેકના કુટુંબ સાથે નજીકમાં જ રહીને જીવન જીવવું
પડ્યું હશે. એટલે છૂટક છૂટક છાપરાંમાંથી કામળીની ભીંત, જુવારના
સાંઠા અથવા તળાવમાં ઉગતા ઊંચા-લાંબા ઘાસનો ઉપયોગ શરુ થયો હશે. પછી
પીંઢોર (માટીની દીવાલ), લાકડાં, નળિયાં વગેરેનો ઉપયોગ કરી એક મેકની જોડા જોડ બે-ત્રણ થી લઇ દશ- બાર-પંદર ઘરોની લાઈન થઇ. અને આવી એક, બે કે તેથી
વધુ લાઈનોનો સમૂહ ફળિયું કહેવાયું. અને
તે ફળિયાને એના વડવાનું નામ મળ્યું.
પહેલાં સાત કુટુંબો આ પ્રમાણે હતાં.
·
કારિયાબાપાનુ કુટુંબ “કારિયાફળીયા” તરીકે ઓળખાયું. પાછળથી તેનું નામ
બદલીને આઝાદ ફળીયા કરાયું છે.
·
સોમાલાડોસાનું કુટુંબ “સામલુફળિયું” જેને ગામીતળાવની નજીક હોવાથી વર્તમાનનું તળાવફળીયાનું નામ મળ્યું.
·
વાંસી ગામથી આવેલ વાઘાડોસાના કુટુંબને
“વાઘાફળીયા” નામ મળ્યું. હજાણી
દરગાહની નજીક હોવાથી ક્યારેક “હજાણીફળીયા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
·
કાળાબાપાનું કુટુંબ તે “કાળુંફળિયું”. 1997ની સાલમાં આ
નામ બદલીને “સ્વરાજફળીયા” કરાયું હતું.
·
પાંચા ડોસાનું કુટુંબ “પાંચલીફળિયું” છે
·
દેવાકાકાનું “દેવાફળીયા” બન્યું.
·
સને 1870
પછીથી સી. ફોર્ડના બંધોની જાળવણી તથા જમીનનું મહેસુલ ઉઘરાવવા માટે
દેસાઈ લોકો બહારથી આવીને દાંડીમાં વસ્યા. તેમણે
જે વિસ્તારમાં ઘરો બનાવ્યાં તેને “દેસાઈફળિયા”નું નામ મળ્યું. આઝાદી બાદ આ કુટુંબો અન્યત્ર સ્થળાંતર કરી ગયાં. આજે
ગામમાં એક પણ દેસાઈ ન હોવા છતાં દેસાઇફળીયું અસ્તિત્વ ધરાવે છે. અહીં વસતા મોટા
ભાગના લોકો આઝાદફળીયા અને સ્વરાજફળીયાના મૂળ વતનીઓ છે.
·
ખાલપા ડોસાનું કુટુંબ “ખાલપુફળિયું”. ગાંધીજીની દાંડીકૂચ પછી “ગાંધીફળિયું” બન્યું. સને 1875ની આસપાસ દાંડીની
મુલાકાત વેળા ખાલપાભાઈ ભૂલ્યા અને માણલીબેનની જોડીને દાંડીનો દરિયા કિનારો અને સી.
ફોર્ડની જમીનમાં થતી ડાંગરની ક્યારીઓએ મોહી લીધાં. તેમણે
દાંડીમાં વસવાનું મન બનાવી લીધું. દાંડીની ઘણી જમીન દેસાઈઓએ કળે બળે પચાવી પાડી
હતી. તેમની માલિકીનો ત્રણ વીંઘાનો વાડો આ દંપતીએ ખરીદી લીધો. પહેલાં છાપરું બનાવ્યું.
પછી વસ્તી વધતાં સાત ગાળાની ઘરોની એક લાઈન બની. ગામમાં બનેલું આ છેલ્લું ફળિયું
હતું.
ગામના
નૈઋત્યખૂણામાં હળપતિવાસ આવેલો છે. કોળી લોકોના આ ગામમાં હળપતિઓ ક્યારે આવ્યા તેની
ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ 1870 પછી દેસાઈ કુટુંબોએ હળપતિઓને દાંડીમાં વસાવ્યા. તેઓ દેસાઈ લોકોના ઘરે
ખેતમજુર અથવા લગભગ ગુલામગીરી કહી શકાય એ રીતે કામ કરતા. દેસાઈઓનાં તમામ ઘરકામ
હળપતિઓ કરતા. આ દેસાઈઓ ગામ છોડી ગયા ત્યારે દેસાઈ ફળિયામાં એમનું ઘર અને જમીન એક
હળપતિ કુટુંબને સોંપતા ગયા. આ કુટુંબમાંથી મંગાકાકા ગામના વેઠીયાનું કામ કરતા.
ત્યાર બાદ આવેલાં કુટુંબોએ પોતાની અલગ
ઓળખ બનાવી રાખી હોવા છતાં તેમને અલગ ફળિયાનું નામ નથી મળ્યું. આ કૂટુંઓ જે તે
ફળિયામાં અલગ અસ્તિત્વ સાથે લાંબા સમયથી રહેતાં આવ્યાં છે. જે પૈકી ઓંજલથી આવેલ
ઢેડીયા વાલિયાનું કુટુંબ આજે સ્વરાજફળિયામાં “ચપલાવાળા પરિવાર”ને નામે ઓળખ ધરાવે છે. ઢેડીયા
વાલીયાના અન્ય વંશજો દેસાઈ ફળિયામાં વસવાટ કરે છે. સ્વરાજ ફાળિયાના ‘ટેકરા’ વિસ્તારના લોકો પણ કાળાબાપાના વરાસદારો નથી. આ
અલગ કુટુંબ વિષે ખાસ માહિતી મળતી નથી.
કેટલાંક કુટુંબોમાં માતૃપક્ષનું ગામ દાંડી હોવાથી તેઓ મામાના ઘરે
(મોસાળમાં) જ સ્થાઈ થયા. મોસાળને જ પોતાનું ગામ બનાવ્યું.
આ ઉપરાંત દાઉદી વહોરા લોકોનું
ધર્મસ્થાન હજાણી દરગાહ આવેલી છે. જેના કેમ્પસમાં એક ફળીયા કરતાં વધુ મકાનો અને
વિસ્તાર છે. પરંતુ આ ફળિયું ગણાતું નથી. આ
દાઉદી વહોરાઓ પાસે ગામમાં ઘણા બંગલા અને મિલકતો હતાં.
દાંડીના સને
1900 થી 2025 સુધીના લગભગ સવાસો વર્ષના જાહેરજીવન લોકજીવનનું
વિહંગાવલોકન.
આ સવાસો વરસના
મુખ્યત્વે ત્રણ તબક્કા પાડી શકાય.
I – સને 1900 થી 1930
(30 વર્ષ) પ્રથમ તબક્કો
II - સને 1930 થી 1970 (40 વર્ષ)
બીજો તબક્કો
III - સને 1970 થી 2025 (55 વર્ષ) ત્રીજો
તબક્કો
ગાંધીજીની
દાંડીકૂચ સને 1930માં
થઇ. ત્યારે તો વ્યવસ્થિત રીતે દાંડી ગામ વસી ચૂક્યું હતું.
એના
30 વર્ષ
પહેલાં પણ ગામ તો હતું જ. કારણ કે તે પહેલાં. દરિયાનું પાણી ગામતળમાં પ્રવેશતું
અટકાવવા માટે બંધો બંધાયેલા હતા. એટલે સને 1900ના વર્ષથી વાતનો આરંભ કરીએ તે ઠીક
ગણાય.
1900 થી 1930 સુધીના આરંભના પ્રથમ તબક્કા વિષે ઝાઝું જાણવા મળતું નથી. પણ ધીરુભાઈએ તો '30 પછીનો તબક્કો નજરોનજર જોયો છે, એટલે તે પહેલાંનો સમય કેવો હતો તેની તેઓ સહેજે અટકળ - કલ્પના કરી શકે છે.
ધીરુભાઈ
લખે છે કે; મારો જન્મ 1930માં. મેં જોયેલી ભૂગોળ પ્રમાણે દાંડી
ગામ બે ભાગમાં વહેચાયેલું. ગામની વચ્ચે થઈને દરિયાનાં ખારાં પાણીની ખાડી વહેતી. હાલના દેસાઈ ફળીયા અને આઝાદ ફળિયાનો એક ટેકરો
અને બાકીનાં ફળિયાંનો બીજો ટેકરો. ગામ રીતસરનું બે વિભાગમાં કુદરતી રીતે
વહેંચાયેલું. લોકો તેને બે નામે ઓળખતાં- "મોટી
દાંડી" અને "નાની દાંડી". સામાપુર મટવાડથી આગળનાં બધાં જ ગામોનાં લોકોને, ક્યાં જવાનાં?
એમ પૂછો તો જવાબ મળે 'મોટી દાંડી' કે 'નાની દાંડી'નો.
નાની દાંડી - મોટી દાંડી
તે
સમયની ભૌગોલિક રચનાને કારણે દાંડી ગામ બે ભાગમાં વહેંચાયેલું હતું. ગામ ઉત્તર- દક્ષિણ એમ બે ટાપુઓથી બે ભાગમાં
વહેંચાયેલું રહેતું. ઉત્તરનો ભાગ “મોટી દાંડી” અને દક્ષિણનો ભાગ “નાની દાંડી” કહેવાતો.
નાની
દાંડીમાં તે વખતે યુવાનો થોડું ભણેલા. જાહેરજીવનના અગ્રેસર ગણાતા અને સમગ્ર ગામ
ઉપર નાની દાંડીનું વર્ચસ્વ રહેતું
વસતી
અને વિસ્તાર પ્રમાણે દેસાઈ ફળિયું અને આઝાદ ફળિયાં નાનાં. પણ ત્યાં ત્રણ ચાર દેસાઈ
કુટુંબો હતાં. ગામ ઉપર બધી જ બાબતોમાં દેસાઈ લોકોનું વર્ચસ્વ. એટલે વિસ્તાર અને
વસ્તીમાં નાનું હોવા છતાં નામ “મોટી દાંડી” પડયું.
સને
1930માં ગાંધીજીના આગમન પછી ગામમાં અને પ્રદેશમાં
વૈચારિક જાગૃતિ પ્રગટી. અત્યાર સુધી લોકો પોતાનું કુટુંબ, ફળિયાં સુધીનું જ વિચારતાં. વિચાર-વર્તુળ બહુજ
નાનું. બહુ બહુ તો દાંડી ગામ અને કંઇક અંશે આસપાસના ગામ સુધીનો જ વિચાર લોકોના
મનમાં ચાલતો. બહુ ઓછાં લોકો નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ કે મુંબઈ વિષે થોડું ઘણું જાણતાં
થયાં હશે. 1930 પછી એટલેકે ગાંધીજી અને એમના કારણે વિવિધ પ્રદેશના, કોમના, વેપારધંધાના લોકો દાંડી આવ્યાં ત્યારે તેમને
આવાં શહેરોનું થોડું ઘણું ભાન થયું. ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાન એક વિશાળ અને મહાન દેશ છે, એવી સમજ ધરાવનાર
ગણ્યા ગાંઠયા લોકો જ હતા. એનું મૂળ કારણ નિરક્ષરતા અને ગરીબી હતાં.
દાંડીથી નવસારી જવું એ તો ઘણી મોટી મુસાફરી થઇ
ગણાય. બાળકને નવસારી જવા અને જોવાની ઈચ્છા થાય ત્યારે તે રડે કે તોફાન કરે ત્યારે
ત્રણ, ચાર કે છ મહિને એકાદ વાર પગપાળા નવસારી જવા મળે. અને
તે પણ ગામનાં માંડ વીસ ટકા બાળકોને નસીબ થતું.
દાંડીમાં
કોઈની પાસે સાયકલ સુદ્ધાં ન હતી. એટલે વાહનનું ભારે કુતુહલ. આટ ગામના પાંચાકાકા
(પાંચા ખોડા) પાસે એક ટેક્ષી હતી. હજાણીના મુસ્લિમ મુસાફરોને નવસારીથી વાયા આટ
થઈને તેઓ દાંડી લઇ આવતા.
આ
વાત એટલા માટે જણાવી છે કે એ સમયે દાંડીની આર્થિક અને ભૌગોલોક પરિસ્થિતિ કેટલી
વિકટ હતી તેનો ખ્યાલ આવે. લોકોએ નવસારીથી આગળની ભૂગોળ જોઈ જ ન હતી. છાપું તો એકેય આવે નહીં. અને કોઈ ગામ પરગામ જઈને
આવે અને જે વાતો લાવે તેને જ સૌ સાચી માને. બહારની દુનિયાનો સંપર્ક જ નહીં. શિક્ષણ
પણ નહીંવત. એટલે લોકોની માનસિક દુનિયા બહુ નાની. પરંપરાગત જે ચાલ્યું આવે તેને જ સાચું માનીને
અનુસરે. અને તેથી જ ભૂત-પ્રેત, શંકા-વહેમ, અંધશ્રદ્ધાનું ભારે
જોર. વૈદ કરતાં ભુવાનું વધારે ચાલે.
બાળમરણ તો એટલાં કે દરિયા કિનારે બાળશ્મશાન અલગ કરેલું. જે હજુ પણ નાના સ્મશાન તરીકે
અસ્તિત્વ ધરાવે છે. જ્યાં કુંવારા લોકોને
દફનાવવામાં આવે છે.
વિજ્ઞાનની
નવી શોધોનો કશો જ પરિચય નહીં. અરે ! 1948માં દાંડીના દરિયામાં
ગાંધી અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો ત્યારે પાર વિનાની ભીડ ઉમટી પડેલી.
વક્તાનું ભાષણ સંભળાય એ માટે લાઉડસ્પીકર ગોઠવેલાં. દૂર દૂર સુધી માનવ મહેરામણ
ઉમટેલો.
હવે
પાછા મૂળ વાત પર આવીએ... નમક સત્યાગ્રહ પછી જ લોકોમાં કંઈક
જાગૃતિ આવી. ત્યાં સુધી તો ગામમાં પેલા ઘરડેરાઓનું જ રાજ ચાલતું.
હરિપુરા(બારડોલી)માં
કોંગ્રેસનું પ્રખ્યાત અધિવેશન ભરાયું. ત્યાં સ્વયંસેવક તરીકે દાંડીના આઠ દસ યુવાનો
પંદરેક દિવસ રહ્યા. ત્યાં બધું જોયું, સાંભળ્યું, પ્રત્યક્ષ
અનુભવ્યું. તેમાંથી આ યુવાનોને દાંડી ગામમાં કંઈક કરવાનો વિચાર ઉદભવ્યો. અને
તેમાંથી “યુવક મંડળ દાંડી” સ્થપાયું.
આ આ યુવક મંડળ ઘણા વરસ સુધી દાંડીના લોકજીવનનું કેન્દ્ર રહ્યું
હતું. લોકજીવન
ઉપર આ યુવક મંડળની સીધી છાપ હજુ પણ દેખાય છે આથી જ યુવક મંડળનું વર્ણન અલગ
પ્રકરણમાં આપેલ છે.
ઓછા શિક્ષણને કારણે અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું વધારે હતું. ભૂત
પ્રેતમાં ખુબ વિશ્વાસ હતો. ડોશીઓ દરરોજ રાતે વાળુ કરીને કોકના ઓટલા ઉપર ગપાટા
હાંકવા ભેગી થાય. દરરોજ કોકને ને કોકને તો ભૂત,
બલા, ડાકણ, વૈતરી કે મામાડેન્ચ મળ્યા જ હોય.
મહાત્મા ગાંધી દાંડી આવ્યા તે પહેલાં એક ડોશીમાંને તે માતાજીની
માફક આવતા. ડોશીમા ધૂણે અને લોકો એના દર્શને આવે. આ ભાંડો ત્યારે જ ફૂટ્યો જયારે
ગાંધીજી દાંડી આવ્યા. ગામનાં ઘણાં લોકોએ ત્યારે જ જાણ્યું કે, ગાંધીજી એક જીવતા જાગતા માણસ છે.
કોઈ ભગવાન,
દેવ, કે ભૂત નથી. (વીર સાવરકરે તેમના પુસ્તક ‘મારી જેલ યાત્રા’માં પણ લખ્યું છે કે; તેમની સાથેના કેટલાક કેદીઓ પણ ગાંધીને
ચમત્કારીક પુરુષ માનતા. જેને અંગ્રેજો જેલમાં
તો પુરે, પણ પોતાની ચમત્કારીક શક્તિથી બહાર આવી
જાય.) આખા દેશમાં
ઘણી જગ્યાએ આવી હાલત હતી.
No comments:
Post a Comment