14. તહેવારો અને ઉત્સવો
બીજી સંસ્કૃતિની સરખામણીમાં હિન્દુ સંસ્કૃતિમાં
ઉત્સવો અને તહેવારોની સંખ્યા વધારે છે. થોડા થોડા સમયાન્તરે તહેવારો આવતા રહે છે.
દાંડી પણ પોતાની રીતે અને શક્તિ પ્રમાણે તેની ઉજવણી કરે છે.
નૂતનવર્ષ : વિક્રમ સંવત અનુસાર આવતું
નૂતનવર્ષ, દાંડીમાં થોડા અલગ પ્રકારે ઉજવાય
છે. પરંપરાગત રીતે સવારે નવાં વસ્ત્રો પરિધાન કરીને આબાલવૃધ્ધ સૌ એકબીજાને
નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવે છે. પછી યુવક મંડળ દાંડીની વાર્ષિક
સાધારણ સભા યોજાય છે. આખા વર્ષના હિસાબોની રજૂઆત, સભામાંથી આવતા પ્રશ્નો અને તેના
જવાબો, નવી કમિટી અને પ્રમુખ, ઉપ પ્રમુખ, મંત્રી, ખજાનચી તથા કારોબારી સભ્યોની વરણી
કરવામાં આવે. યુવક મંડળ દાંડીની સ્થાપનાથી લઈને
અત્યાર સુધી અવિરતપણે આ સભા યોજાતી રહી છે.
વીસમી
સદીના આઠમા દાયકામાં સામાપુરથી દાંડી સુધીની સાયકલ સ્પર્ધાનું આયોજન પણ થતું.
ઉપરાંત રમત ગમત મંડળના લાભાર્થે એક લોટરી ડ્રો કરવામાં આવતો. જેનું પ્રથમ ઇનામ
સાયકલ રહેતું. અમૃતભાઈ મકનજી પોતાની વાકછટાથી આ પ્રસંગને યાદગાર બનાવી દેતા.
ઉત્તરાયણ
: ગુજરાતની ઓળખ
ગણાતો ઉત્તરાયણનો ઉત્સવ દાંડીના લોકજીવનમાં ખાસ સ્થાન પામી શક્યો નથી. થોડા પતંગો
ચગતા દેખાય ખરા પરંતુ ખાસ ઉત્સાહ હતો નહીં. વીસમી સદી પુરી થઇ લગભગ ત્યાં સુધી આ
તહેવાર ઉજવનારા લોકોની સંખ્યા બે પાંચ થી વધારે નહીં જ હોય. તેને બદલે ઓગષ્ટ સપ્ટેમ્બરના થોડા વરસાદી વાતાવરણમાં
પતંગ ચગાવવામાં આવતા. તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. હવે એકવીસમી સદીમાં
ફેરફાર થયો છે. બીજાં શહેરો અને ગામડાંની જેમ દાંડીમાં પણ પતંગ ચડાવવામાં આવે છે, અને પેચ લેવાની, એઇ…. કાઈપો છે, ની બૂમ મારવાની મઝા લેવાય છે.
ઓગણીસમી અને વીસમી સદીમાં ગરીબીને કારણે ઘણાં કુટુંબો પાસે લાડુ કે
ચીકી બનાવવાની આર્થિક શક્તિ ન હતી ત્યારે તેઓ ગામમાં મળતાં બોર ખાઈને ઉત્તરાયણની
મઝા માણી લેતાં.
હોળી-ધુળેટી
: ગામમાં ખુબ જ
ઉત્સાહથી ઉજવાતો પ્રસંગ એટલે હોળી અને ધુળેટી. ગામના ઘણા યુવાનોએ પોતાના જીવનમાં
દારૂ પીવાની શરૂઆત આ તહેવારથી કરી હશે.
હોળીના થોડા
દિવસ અગાઉથી ગામમાં ત્રણ પ્રકારનાં ઉઘરાણાં થતાં. પ્રથમ તો દરેક ફળિયાના છોકરાઓ ભેગા મળી હોળીના દાંડિયા રાસ અને ઝેરીયું
નામે જાણીતું સમૂહ લોકનૃત્ય કરતા. તેમની ભેગી થતી રકમ ફળિયાના ટેનિસ
ક્રિકેટમાં વપરાતી. બીજું ગામની ક્રિકેટ ટીમ માટે આખા ગામમાં ફરવાનું થતું. એમાં
વધારે રકમ મળતી. થોડા પૈસામાંથી કેસુર પટેલ પાસેથી જ ખજૂર ખરીદીને ગામના યુવાનો
અને બાળકોને વહેંચવામાં આવતો. અમને એ ખજૂર ખાવાની ખુબ મઝા પડતી. બાકીની રકમ ગામની ક્રિકેટમાં વપરાતી.
ત્રીજા
પ્રકારનું ઉઘરાણું ગામના યુવાનો પાર્ટી માટે કરતા. ધુળેટીના દિવસે તેઓ ઘરે ઘરે
જઈને નાણાં ઉઘરાવતા. મોટે ભાગે મગનભાઈ કાનજીભાઈની આગેવાનીમાં આ કામ થતું. પાર્ટીમાં મટન અને રોટલા બને. કોઈપણ રોકટોક
વિના દારૂની લિજ્જત માણવામાં આવે.
હોળીની
રાતે ગામના મેદાનમાં હોળી સળગાવવામાં આવે. મેં ઘણી જગ્યાએ બ્રાહ્મણ પાસે
મંત્રોચ્ચાર કરાવીને ગામની સારી પ્રતિષ્ઠિત વ્યક્તિના હાથે હોળી પ્રજવલિત કરતાં
જોઈ છે. એનાથી ઉલટું દાંડીમાં કોઈપણ માણસ દારૂના નશામાં હોળી સળગાવાતો. કહેવાય છે
કે હોળીનો તહેવાર મેલો હોવાથી સારા માણસોના હાથે સળગાવવાનું કામ ન કરાવાય. મેલો એટલા માટે કે એમાં ભગવાનના
બાળભક્ત પ્રહલાદને બાળી દેવાનો પ્રયાસ થયો હતો.
હોળી
સળગાવવા માટેનાં લાકડાં દરિયા કિનારે મળી રહેતાં. રેલમાં તણાઈ આવેલાં ખજૂરી કે
તાડનાં થડને સાચવી રખાતાં. ક્યારેક શરૂનાં લાકડાં પણ વપરાયાં છે. ગામનાં બહેનો
નાનાં નાનાં છાણાંનો હાર બનાવતાં. આવા અનેક હારો અને સાથે બે મોટાં
લાકડાં જમીનમાં રોપીને હોલિકાદહન થતું. તેમાં ધાણી અને નાળિયેર પણ હોમવામાં આવતાં. આ હોમાયેલાં નાળિયેર છોકરાઓ ખેંચી
લઈને ખાઈ જતા. એમની આ એક રમત હતી. મેં પણ આવાં ગરમાગરમ નાળિયેરનું કોપરું ખાધું
છે. એ નાળિયેર કાઢવાનો રોમાંચ કંઈ જેવો તેવો ન હતો. એમાં લડાઈ પણ થતી.
ગામનાં
બહેનો ત્યાં ગીતો ગાય અને ગરબા રમે. હોલિકાની ફરતે લગભગ સાત ફેરા ફરવાની
પણ પ્રણાલી છે. એવું માનવામાં આવે છે કે લગ્નોત્સુક યુવક યુવતી, જેમનાં લગ્ન નથી થઇ શક્યાં તેઓ, ‘હોળીમા’ ની પ્રદક્ષિણા કરે તો ‘હોળીમા’ તેમને લગ્ન માટેના આશીર્વાદ આપે છે.
ધુળેટીના
દિવસે પાણી,
રંગ અને ગુલાલ
વડે એકબીજાને ભીંજવીને કે રંગીને ધુળેટી મનાવાય છે. અમે બાળકો અમારા મિત્રોને પકડી
પકડીને પાણીના ખાડામાં નાંખતા. એમાં વારાફતી લગભગ બધાનો જ નંબર લાગતો. માટીના વાસણ ઉપરની મેશને તેલવાળા
હાથમાં લઈને મિત્રોને કાળા રંગમાં રંગવાની મઝા પડતી. ભીંડી (પીપરડી) ના ડીંડવાં
છૂંદીને પીળો કુદરતી રંગ બનાવીને પણ છાંટવાની મઝા લીધી હતી.
કેટલાંક
હોળી ગીતો યાદ આવે છે જે પ્રસ્તુત કરું છું.
·
વેંગણાની વાડી મારી ભાભી વેંગણાની વાડી
રે લોલ, વેંગણા વણી વણી ખાઈ મારી ભાભી વેંગણા વણી વણી ખાઈ જો.
·
બંદૂક લેવા ગેલો લવંગિયો બંદૂક લેવા
ગેલો રે લોલ
·
ખારી જમીનનાં ઢરિયાં રે, લીલી વાંસળી રે
·
લેરી (લહેરી) ગજરો રે ગુલાબી લેરી ગજરો, ગજરામાં તે કોણ ભાઈનાં નામ રે, માલણ તારો લેરી ગજરો
·
લીલા વોવ (વહુ) ની કેળે ચાવી મારા ચંપકભાઈ
·
ઝીણી ઝીણી કાંકરિયાની ઈંટ પડાવો રે, તે પર તે કોણ ભાઈના મહેલ બાંધવો રે
રક્ષાબંધન
: ભારતીય અને
હિન્દુ સંસ્કૃતિ મુજબ દાંડીમાં પણ રક્ષાબંધનનો તહેવાર પરંપરાગત રીતે ઉજવાય છે.
પહેલાં પણ ઉજવાતો હતો. પરંતુ વિનય મંદિર દાંડીની સ્થાપના પછી તેમાં વિદ્યાલયની
વિદ્યાર્થીનીઓ દ્વારા હાથથી રાખડી બનાવીને આખા ગામના ભાઈઓને હાથે બાંધવાનું શરુ
થયું જે આજ પર પર્યન્ત ચાલુ છે. આ રાખડી દેશ
વિદેશના મહાનુભવો ને પણ મોકલવામાં આવે છે. દાંડીની આ એક આગવી વિશેષતા છે જે એને
બીજાં ગામો કરતાં અલગ બનાવે છે.
સામાન્ય
રીતે બળેવના એકાદ અઠવાડિયાં પહેલાં ગોર મહારાજ ઘરે ઘરે ફરીને ક્યારે આ તહેવાર આવે છે તેની જાણકારી આપી
જાય. સાથે ઘરમાં હાજર હોય એટલા છોકરાઓ
અને પુરુષોને રાખડી બાંધે. “બળે
બંધુ રાજા, બળે બંધુ” મંત્રોચ્ચાર કરતાં કરતાં રાખડી
બંધાતી હોય. બદલામાં તેમને સીધું આપવામાં આવે.
સીધામાં અનાજ,
કઠોળ કે
શાકભાજી અને રોકડ રકમ પણ હોય.
જન્માષ્ટમી
: દાંડીમાં મને
ઘણો પ્રિય ઉત્સવ એટલે જન્માષ્ટમી. શ્રાવણના બધાજ શનિવારે શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં
સાંજે ભજન કીર્તન થાય. પરંતુ આષ્ટમીની રાતે બાર
વાગ્યા સુધી બરાબર ધૂન ઝામે. એમાં નરસિંહભાઇ નાનાભાઈની હાજરી અચૂક હોય. આખું ગામ
ભક્તિના રસમાં તરબોળ થાય. છેલ્લાં ત્રીસ વરસથી મને ગામની
અષ્ટમીનો અનુભવ નથી. પરંતુ એટલી તો ખાતરી છે કે આ ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હશે જ.
નવરાત્રી
: દેશ અને
વિદેશમાં પણ ગુજરાતની ઓળખ એટલે નવરાત્રીના ગરબા. આખું ગુજરાત હિલોળે ચઢ્યું હોય.
મેં દાંડી ગામમાં જોયેલા પહેલા ગરબા વર્ષ 1967ના હતા. ત્યારે દરેક ફળિયામાં અલગ
અલગ ગરબા રમાતા. ત્યારે
જ તાજું તાજું ગામનું વીજળીકરણ થયું હતું. માત્ર 25 વોલ્ટના બલ્બના પ્રકાશમાં પણ દિવસ
જેવો આનંદ આવતો. સાંજનું વાળું કરીને ફળિયાનાં ભાઈઓ
બહેનો વર્તુળાકારમાં ગરબા રમે અને એકાદ કલાકમાં તો પુરા થઇ જાય.
માતાજીના
ગરબા ગવાય. કોઈ સાહસિક ફિલ્મી ઢબના નૂતન ગરબા ગવડાવે તો વડીલો એનો વિરોધ કરે. વડીલોને મન જૂનું એ જ સોનું. લગ્નનાં ફટાણાં જેવો એક ગરબો ત્યારે
ગવાતો, જેની સામે વડીલોને વાંધો ન હતો. એના
શબ્દોનો કોઈ અર્થ હજુ સુધી હું સમજી શક્યો નથી. ગરબો હતો – ઉંકેળા (ઉકરડા) પર બીયુ રોઈપું, તડાક લાલ તુમડી રે.
વર્ષ 1969થી નવરાત્રીના ગરબા બાબતે
એક મોટું પરિવર્તન આવ્યું. વિનય મંદિરની હાલ જ્યાં વર્કશોપ છે ત્યાં મોટું મેદાન
હતું. પહેલીવાર આ મેદાનમાં આખા ગામના ગરબા રમાયા. વર્કશોપ બન્યા બાદ વિનય મંદિરના ચોગાનમાં અને
પછી રાધાકૃષ્ણ મંદિરનાં સંકુલમાં ગરબા રમાતા થયા. સ્કૂલની છમાસિક પરીક્ષાઓ અને
નવરાત્રીનો સુભગ સંયોગ થતો. કેટલાક અપવાદને બાદ કરતાં હજુ સુધી મંદિરના પ્રાંગણમાં
ગરબા રમવાનુ ચાલુ રહ્યું છે. ગામની એકતાનું એ પ્રતીક છે.
વિનય
મંદિરના ઉત્સાહી શિક્ષક અજીતભાઈ ઘરિયાએ ગામને અનેક નવા ગરબા આપ્યા હતા. એમના મોટા
ભાગના ગરબા ફિલ્મી ધૂન આધારિત હતા. ગામના વડીલોએ પણ મને-કમને આ પરિવર્તન સ્વીકારી લીધું
હતું.
સિત્તેર
અને એંસીના દાયકામાં ગામની આર્થિક સ્થિતિ સારી ન હતી. લગભગ તમામ લોકો નાઈટ્ડ્રેસ
જેવાં કપડાં પહેરીને જ આવતા. છોકરીઓ ચણીયો અને શર્ટ પહેરીને આવતી. હવે આ બાબતે
આમૂલ પરિવર્તન દેખાઈ રહ્યું છે.
જ્યાં
સુધી નરસિંહભાઇ સોલંકી ગામમાં હતા ત્યાં સુધી ઢોલક અને અથવા હાર્મોનિયમ એમની પાસે
જ હોય. મોટાભગના ગરબા પણ તેઓ જ ગવડાવે. તેઓ એક ગરબો રોજ ગવડાવતા જેના શબ્દો હતા; ‘અંબા મા તારું સત ઘણું ને પેલા વાઘને પાછો વાળ
રે મા, વાઘ વળે ને ગાયો ચરે ગોવાળિયા રાજી
થાય રે મા.’
આઝાદ
ફળિયાના રમણભાઈ મઝા પડે એવો ગરબો ગવડાવતા. “મા તેં સોળે સજ્યા શણગાર મોરી મા, એક જ અંબે મા. તેઓ ‘એક જ અંબે મા’ ને બદલે ‘એઝુક અંબે મા’ ગવડાવતા. અમે પણ અતિ ઉત્સાહમાં આવી
જઈને ‘એઝુક અંબે મા’ ગાતા. એમનો એક બીજો ફની ગરબો આ પ્રમાણે હતો
– “હળવે હળવે
જમાનો બદલાયો. પહેલાં ફાઇનલના પાસ માસ્તરો થતા, હવે બી.એ.માં બૂટપોલિશ થાય, જમાનો બદલાયો.”
ગણેશોત્સવ: વર્ષ 1971માં મટવાડ ગામમાં મરાઠી પોલીસવાળાઓએ
ગણેશની સ્થાપના કરી હતી. પછી દેખાદેખીમાં આખા કાંઠામાં આ તહેવારની ઉજવણી શરુ થઇ
ગઈ. વર્ષ 1979માં સ્વરાજફળીયામાં પ્રકાશભાઈ
રામભાઈએ પહેલીવાર દાંડી ગામમાં ગણેશ સ્થાપન કર્યું જે આજ પર્યંત ચાલુ છે. ત્યારબાદ બીજાં ફળિયાઓમાં પણ એનું
અનુકરણ થયું. આ તહેવાર દરેક ફળિયાવાર અલગ અલગ
ઉજવાય એ જ યોગ્ય છે. દસ દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં મોટા
ભાગના કાર્યક્રમો રાત્રે જ થાય. રાત્રે ઝગડા થવાની શક્યતા વધે.
ગણપતિ
વિસર્જન એ ગામની નવી સમસ્યા છે. છેક નવસારી શહેર અને તેનાથી પણ દૂરના ગામના
ગણપતિની મૂર્તિઓ વિસર્જન માટે દાંડી આવે. દાંડીથી નવસારી સુધી ટ્રાફિક જામ થઇ જાય. અને એમાં પણ ઝગડા થાય. ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે. તે
છતાં અવાર નવાર દરિયામાં ડૂબી જવાના અકસ્માત બનતા રહે છે.
દિવાળી
: દિવાળી એટલે
વિક્રમ સંવત વર્ષનો અંતિમ દિવસ. ભગવાન રામના લંકા વિજય પછી અયોઘ્યામાં પરત થવાનો
પવિત્ર દિવસ. દાંડી પણ બીજાં ગામોની માફક ફટાકડા, ફુલઝર, કોઠી, તનકતારા વગેરે ફોડી- સળગાવી દિવાળી ઉજવે છે
પાટોત્સવ
: શ્રી
રાધાકૃષ્ણ મંદિર અને અગાસીમાતા મંદિરના પાટોત્સવની ઉજવણી એ આજના દાંડીની વિશેષતા
છે. અગાસીમાતાનું મંદિર ભલે હમણાં બન્યું હોય, ગઈકાલના દાંડી પાસે શ્રી રાધાકૃષ્ણ
મંદિર હતું જ પરંતુ ત્યારે પાટોત્સવની ઉજવણી થતી ન હતી. અગાસીમાતા મંદિરના
પાટોત્સવ માટે આગામી ઘણાં વરસ સુધીના સ્પોન્સર્સ મળી ગયા છે.
વાર્ષિકોત્સવ
: લગભગ દર વર્ષે
ઉજવાતો વિનય મંદિર દાંડીનો વાર્ષિકોત્સવ પણ દાંડી ગામની વિશેષતા રહી છે. આમ જોવા
જઈએ તો એ હાઇસ્કૂલનો ઉત્સવ છે છતાં એમાં પ્રાથમિકશાળા અને યુવક મંડળ પણ ભાગ લે છે. સમય અને સંજોગો અનુસાર તેમાં નાના
મોટા ફેરફાર અને અડચણો પણ આવતી રહી છે. છતાં આ
કાર્યક્રમ ચાલતો રહ્યો છે. રાતે સ્કૂલના સ્ટેજ ઉપર ગરબા, નાટકો અને પ્રહસનો ભજવાતાં રહ્યાં
છે. એંસી અને નેવુંના દસકામાં નાટકોમાં પંકજ, જયંતિ જીવણ,
રશ્મિકાન્ત, જીતેન્દ્ર
કેશવભાઈ ઉપરાંત શાંતુભાઇ, અજીતભાઈ
જેવા શિક્ષકો લોકપ્રિય બન્યા હતા. એકવીસમી સદીમાં
મેહુલ પ્રફુલભાઈએ ઘણી લોકચાહના મેળવી હતી.
શરૂઆતનાં
વર્ષોમાં માત્ર ત્રણ ટ્યુબલાઈટ અને ક્યારેક રંગીન જેલેટીન પેપર વડે પ્રકાશ મેળવીને
યોજાતા વાર્ષિકોત્સવે હાલમાં ટેક્નોલોજીને સહારે મોટી છલાંગ લગાવી છે. મારા ક્લાસમાં ભણતી કન્યાઓએ ગરબો
રમવા માટે સાડી શોધવા બીજા ત્રીજા ઘરે જવું પડતું. એક સરખી સાડીઓ પણ મળતી ન હતી.
હવે તો ભાડાના ડ્રેસ પણ મળતા થયા છે.
ઉર્સ
: હજાણીબીબીના
દરગાહમાં ઉજવાતો ઉર્સ આમ તો દાઉદી વહોરા કોમનો ધાર્મિક ઉત્સવ છે પરંતુ તે દાંડીમાં
ઉજવાતો હોવાથી એ દાંડી ગામનો પણ બની રહે છે. વીસમી સદીના છેલ્લા ચાર દાયકા દરમ્યાન
હજારોની સંખ્યામાં દાઉદી વહોરા લોકો આ ઉર્સમાં મટી ઉમટી પડતા. એસ.ટી.ની સ્પેશિયલ બસો દોડાવવામાં
આવતી. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડતો.
રાષ્ટ્રીય
ઉત્સવો : ગાંધીજીની દાંડીકૂચને કારણે જગપ્રસિધ્ધ બનેલા દાંડી ગામમાં રાષ્ટ્રીય
ઉત્સવો ન ઉજવાય તો જ નવાઈ કહેવાય. પંદરમી ઓગષ્ટે
આઝાદદિન અને છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિન અખંડિત પણે ઉજવાયા છે. આઝાદીની
રજત જયંતિ સુધી તો પ્રજાસત્તાકદિને પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની
પ્રભાતફેરી પણ યોજાતી. વિનય મંદિરમાં વાર્ષિકોત્સવ શરુ થયા
ત્યાં સુધી પ્રજાસત્તાકદિન એ જ પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ગણાતો. મેં મારા જીવનના સ્ટેજ પ્રોગ્રામ
અહીંથી જ શરુ કરેલા. ‘કોયલાબાપાની
કહાણી’ પ્રહસનમાં બે રૂપિયાનું ઇનામ
મેળવેલું. દાંડી ગામમાં બીજી ઓક્ટોબરે
ગાંધીજયંતીની ઉજવણી અનેકવાર થઇ છે. એક વાર મોરારજી દેસાઈ એ કાર્યક્રમમાં પધાર્યા
હતા.
વર્ષ
1970 સુધી પ્રાથમિક શાળા દાંડીમાં રેંટીયા
બારસ ની ઉજવણી પણ થતી. રેંટિયા બારસ એટલે કે ભાદરવા વદ બારસ, એ
ગુજરાતી પંચાંગ પ્રમાણે ઉજવાતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. બારડોલી
સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થીના જણાવ્યા અનુસાર,
"બધા પોતાનો જન્મ દિવસ પોતાના માટે ઊજવતાં હોય છે પરંતુ બાપુએ પોતાના
જન્મ દિવસ એટલે કે ભાદરવા વદ બારસને રેંટિયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી
કર્યું." તેઓ વધુમાં કહે છે કે, બાપુનો
"મુખ્ય ઉદ્દેશ દરેક હાથોને કામ આપવાનો હતો. રેંટિયાથી રૂની પૂણી વણવીથી કાંતણ, વણાટકામ
સુધીની પ્રવૃતિમાં અનેક લોકોને રોજગારી મળી રહે છે. જેને કારણે ગ્રામોદ્યોગ અને
ગૃહઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે."
ત્રીસમી
જાન્યુઆરીએ ‘ગાંધી નિર્વાણ દિન’ની શોક ઉજવણીમાં પ્રાથમિક શાળાનાં
બાળકો ગાંધી સ્મારક ઉપર રેંટિયો કાંતવાની
સાથે ગાંધીગીતો અને ગાઈને કરતાં. તે જ રીતે
છઠ્ઠી એપ્રિલે પ્રાથમિક શાળામાં ‘નમક સત્યાગ્રહ દિન’ ઉજવાતો.
નાતાલ અને
ખ્રિસ્તી નૂતન વર્ષની ઉજવણી ખાસ જોવા મળી નથી. પરંતુ નવા યુગમાં 31 ડિસેમ્બરની રાતે બાર વાગ્યા સુધી નાચ-ગાન ના
પ્રોગ્રામ શરુ થયા છે ખરા. આ ગ્લોબલાઇઝેશન અને સોસીયલ- ઇલેક્ટ્રોનિક મીડિયાની અસર
છે. હવે યુવાનો રેવ પાર્ટી તરફ ન વળે એ બાબતનું ધ્યાન રાખવું પડશે.
No comments:
Post a Comment