4. દાંડી અને પ્રકૃતિ
પ્રકૃતિએ વિશાળ દરિયાકાંઠો આપ્યો. નજીકમાં નવસારી, મટવાડ,
વાંસી જેવાં બંદરો મળ્યાં.
દાંડી પોતે પણ એક નાનું બંદર હતું. ભૂતકાળમાં દાંડીની જીડીપી માં દરિયાનો ફાળો
મહત્તમ રહ્યો હતો. વહાણવટાને કારણે દાંડીના ખલાસીઓ બીલીમોરા, સુરત, ખંભાત, પોરબંદર, દીવ, દમણ,
ગોવા, મુંબઈ,
મલબાર, મદ્રાસ,
કલકત્તા, કરાંચી ,ઢાકા,
રંગુન અને ઇસ્તંબુલ તથા આફ્રિકા સાથે નાતો જોડી શક્યા.
દરિયા
કાંઠાને પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનો પરચો મળ્યા વિના રહે જ નહીં. લગભગ દરેક ચોમાસું
ઓછામાં ઓછું એકાદ વાવાઝોડાંનો અનુભવ કરાવી જ જાય. આજથી વીસ વરસ પહેલાં તારીખ 26-12-2004ના રોજ આવેલ ભયંકર ત્સુનામીને કારણે
ભારતના પૂર્વના કાંઠામાં ભયંકર તબાહી થઇ હતી. ત્યારે દાંડીમાં પણ દરિયાનું પાણી
ઉપર આવ્યું હતું ખરું પરંતુ તેનું પ્રમાણ ખાસ વધારે ન હતું. ગામમાં એની ખાસ નોંધ
પણ લેવામાં આવી ન હતી.
તારીખ
26-06-1941 ના દિવસે પણ નાનકડાં ત્સુનામીનો
અનુભવ દાંડીને થયેલો. તારીખ 27-11-1945ના રોજ આવેલ
ત્સુનામીનાં પાણી દાંડીના દરિયાના કાંઠાને ઓળંગી ગયાં હતાં. પરંતુ ત્યારે ગામમાં ‘ત્સુનામી’ નામની કોઈ જાણકારી ન હોવાથી એને
દરિયાનું તોફાન માની લેવાયેલું. અને સમય જતાં લોકો
ભૂલી ગયા.
દરિયાઈ
વાવાઝોડામાં ફસાઈને 1976માં
ઇજિપ્તનું અને 1985માં
ભારતનું વ્યાપારી જહાજ દાંડી નજીક કિનારે આવી ગયાં હતા. હતાં જેને પાછાં દરિયામાં
લઇ જઈ શકાયાં ન હતાં. ONGC નું
એક બાર્જ પણ દાંડીના દરિયામાં એના કપ્તાન સહીત ડૂબ્યું હતું.
ગુજરાતે
અનુભવેલા ધરતીકંપથી દાંડી કેવી રીતે અલિપ્ત રહી શકે? લગભગ દરેક વેળા દાંડીની ધરતી પણ
ધ્રુજી છે. 26
જાન્યુઆરી 2001ના ભયાનક ધરતીકંપ વેળા દાંડીનાં ઘણાં
ઘરોની દીવાલમાં તીરાડો પડી હતી.
દરિયાના
કિનારા ઉપર કેટલીક વનસ્પતિઓ ઉગી નીકળતી. જેમાં વેલાવાળી મરજાદ અને ચણીબોર મુખ્ય
હતાં. તે ઉપરાંત અમરવેલ થતી. જેને સ્થાનિક
ભાષામાં સુથારડી કહેવાતું. ફાફડાથોર અને કુંવારપાઠું (એલોવીરા) તથા આંકડાના છોડ ઉગતા. જંગલખાતા તરફથી ગાંડોબાવળ, સરૂ અને તાડનું પ્લાન્ટેશન થયું. તેમાંથી ગાંડો બાવળ અહીં પોતાનો
પગદંડો જમાવી ગયો.
દરિયાઇભાજી
ગણાતી મરચર (Salicornia) અને મોહરો (Suaeda maritima-મોરસ- મોરડ- લૂણો), ખારી આલ, તિવાર, ઘાબાજરિયું ઉપરાંત અનેક પ્રકારનાં
ઘાસ દાંડીની ભૂમિમાં ઉગતાં હતાં. પીલવણ, હંદીરો(ગુલમહોર-સોનમહોર વર્ગનું ઝાડ), ભીડી(પીપરડી), ખારી ભીડી, ખારી સરૂ જેવી વનસ્પતિ દાંડી જેવા
ખારપાટ માં જ જોવા મળે.
અન્ય
ઝાડમાં ખાટી આમલી, વિલાયતી
આમલી, ચોરમલો (ગોર આમલો), સરગવો, દેશી આંબા, બોરડી, દેશી મહેંદી, દેશી બાવળ વગેરે જોવા મળતાં. હવે કલમના આંબા, ચીકુ, નાળિયેરી વગેરે જેવાં ઝાડોની સંખ્યા
વધી છે.
પક્ષીઓનું
પ્રમાણ હવે ઘણું ઘટી ગયું છે. છતાં ઋતુ પ્રમાણે અમુક પક્ષીઓ જોવા
મળે છે. જેમાં પીરોટ,
વિઘન, હમીંગ બર્ડ, દેવ ચકલી (દિવાળી ગલ્લા), ઘર ચકલી, ખારી ચકલી, તેતર, લાવરી, શકરો- બાજ, ગીધ, સમડી, બગલા, કાગડા, મોર, કાબર, હૈયા, કબૂતર વગેરે મુખ્ય છે. સીગલ, સારસ અને તેના પ્રકારના કેટલાંક ઋતુ
પ્રવાસી પક્ષીઓ પણ જોવા મળતાં.
જંગલી
પ્રાણીઓમાં સસલાં અને શિયાળ મુખ્ય છે. ક્યારેક દીપડાની હાજરી પણ નોંધાઈ છે. હવે
રખડતી ગાયો અને ભેંસોનું પ્રમાણ ઘણું વધારે છે. એક શતાબ્દી અગાઉ નીલગાય - હરણ અને તેની
સાથે લાકડીયા વાઘ પણ હતા. રાની બિલાડીઓ અને જળ બિલાડીઓ સાથે સ્થાનિક ભાષામાં વનોર નામે ઓળખાતું નિશાચર
પ્રાણી પણ છે. સાપ, નોળીયા, કાચબા, કાચીંડા, ઘો, ખિસકોલી, ઉંદર, છછૂંદર, કોર, વંદા, માંકડ, ચાંચડ, મચ્છર વગેરે સાથે સ્ટ્રીટ ડોગ પણ
હોવાના જ.
દરિયામાં
દરિયાઈ કાચબા છે. ચોમાસામાં તે ઈંડા મુકવા માટે બહાર આવે ત્યારે તેમનાં ઈંડાનો
શિકાર થઇ જાય છે. ડોલ્ફિન પણ ક્યારેક જોવા મળે છે. 1976માં મૃત વ્હેલ માછલી પણ તણાઈ આવી
હતી. જેનું હાડપિંજર બી.પી.બારીયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે સાચવી રખાયું
છે.
પ્રકૃતિનો
રૂપાળો પરિચય કરવા માટે દાંડીના દરિયા કિનારે થતો સૂર્યાસ્ત નિહાળવો જોઈએ.
દરિયાનાં પાણીમાં ધીમે ધીમે ડૂબતો સૂરજ તેના પ્રકાશને ઝાંખો કરતાં કરતાં ઊંધા
માટલાં જેવો દેખાઈને અસ્ત થઇ જાય એ ઘટના અતિ આહલાદક હોય છે.
દાંડીની
ધરતી અને હવામાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી
ઘરોમાં કાટ અને લૂણો લાગવાનું પ્રમાણ વધારે છે.
No comments:
Post a Comment