Saturday, April 5, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 20. દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી

 

20. ખેતી સહકારી મંડળી 

દાંડીકૂચ 1930 માં થઇ, અને સ્વરાજ 1947 માં મળ્યું. આમ દાંડીને અહિંસક આંદોલનમાં પ્રાધાન્ય મળ્યા પછી સત્તર વરસના વહાણાં બાદ ભારતને આઝાદી મળી.

દાંડીકૂચ પછી દાંડી ગામમાં જાગૃતિનો જુવાળ આવ્યો હતો. 1937માં યુવક મંડળની સ્થાપના પછી લોકોમાં જાગૃતિ વધી. આઝાદ ભારતમાં વિકાસ, સુધારા, શિક્ષણ, આત્મનિર્ભરતા, સ્વદેશી સ્વાવલંબન, વિજ્ઞાન, ટેક્નોલોજી, સુધારેલી ખેતીની વગેરે વાતો થવા લાગી. દાંડી ને પણ આઝાદ ભારતનું વિકસિત ગામ થવું હતું. ગામ માટે તો મોટો પ્રશ્ન આજીવિકાનો હતો. ગામલોકોને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો કે ખેતી જ આપણને આત્મનિર્ભર બનાવી શકે એમ છે. જીવવા માટેનો જુસ્સો જોવા જેવો હતો. અનેક અસુવિધાઓ, અગવડો અને આવકના મર્યાદિત સાધનો વચ્ચે જીવન નિર્વાહ  કરતા દાંડીના લોકોને ફરીથી ખેતી કરવાનો વિચાર આવ્યો. આ માટે તેમણે એક સહકારી મંડળી હોવી જોઈએ એવું વિચાર્યું. 

દાંડીના લોકો માટે ખેતીનો વિચાર નવો ન હતો. એ સમજવા માટે આપણે થોડાં વર્ષ પાછળ ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. લગભગ 1867-68 ની આજુબાજુના વર્ષોમાં, સુરત જિલ્લાના ગોરા કલેકટર સાહેબ કોઈક કામસર દાંડી આવ્યા હતા. સાથે એમનો સી.ફોર્ડ  નામનો  આઈરિશ મિત્ર પણ હતો.  તે હોલેન્ડના બંધની કળાનો જાણકાર હોય તેણે ગામની આજુબાજુનો ખાર વિસ્તાર જોયો, અને તેને નવસાધ્ય કરવાનો વિચાર આવ્યો.

તેણે ખાર વિસ્તારનો વધુ અભ્યાસ કર્યો. પછી એક યોજના બનાવી. વર્ષ 1870માં કુલ 10 બંધો બાંધી દરિયાની ભરતીના પાણી અટકાવી લગભગ 7,800 એકર જેટલી જમીન એ યોજનામાં આવરી લીધી. પછી એ ખાર વિસ્તારને અડીને આવેલાં ગામના લોકોને ગણોતે ખેતી કરવા માટે આપી.

લોકોએ ખૂબ મહેનત કરી. ડાંગરની ક્યારીઓ તૈયાર કરી અને તેમાં ખેતી શરૂ થઈ. ખેતી સાથે સાથે ખૂબ ઝાડી જંગલ પણ બન્યું.  અને હરણાં, મોર જેવા પશુ પંખીઓ મોટી સંખ્યામાં વસ્તી થઈ. દાંડીનું મનુષ્ય જીવન પશુ પક્ષીઓ થકી ધબકવા લાગ્યું. અને સી.ફોર્ડના સીમાડાની હદ બતાવતો દાંડી ગામનો નકશો તૈયાર થયો. જે આજ દિન સુધી ચાલ્યું આવે છે.

પાછળથી સી.ફોર્ડએ આ બધી જ જમીન અને બંધનો વહીવટ નીછા નારણની કંપનીને આપ્યો. કંપની ગણોતિયાઓ પાસેથી ગણોત ઉઘરાવતી, અને બંધોની જાળવણીનું કામ કરતી. પરંતુ પાછળથી બંધો અને ગણોતિયાઓને નવસાધ્ય કરવા આપેલી 1100  એકર જેટલી જમીન મુંબઈની સર ફાઝલભાઈ ઈબ્રાહીમની કંપનીને વેચી દીધી. કંપનીના મુનિમ તરીકે નાનુભાઈ દેસાઈ કામ કરતા હતા તેઓ ગણોતિયા પાસેથી ગણોત (ભાડું) ઉઘરાવતા અને સરકારને મહેસુલ ભરતા. બાકી રહેલી 6688.6 એકર ગુંઠા જમીન સી.ફોર્ડએ સરકારને પરત કરી.

 સર ફાઝલભાઈ કાયમ મુંબઈ રહેતા હતા. તેઓએ બંધોની જાળવણી બરાબર કરી નહીં અને 1929 માં ધીમે ધીમે બંધો તૂટી ગયા. ફરી પાછા દરિયાના ખારાં પાણી ફરી વળ્યાં અને ખેતી નાશ પામી. હરણાં અને પશુ પક્ષીઓ ધીમે ધીમે અદ્રશ્ય થયા. દાંડી ફરીથી ભાંગેલું ગામડું બની ગયું. આમ 1929 થી 1955ના 26 વર્ષના ગાળામાં દાંડીની દશા દયાજનક બની ગઈ. કેટલાક કુટુંબો  દાંડી છોડી પેથાણ, આટ, નવસારી તરફ રહેવા ગયાં.

દરિયાની ભરતીનાં ખારાં પાણી આવતાં અટકાવવા માટેના માટીના બંધો ફરીથી બાંધવાનો વિચાર દેવા ફળિયાના આર. જી. કાકા (રણછોડજી ગોવિંદજી પટેલ) ને આવ્યો અને લગભગ ઈ.સ. 1949 ના અરસામાં તેમણે અંગ્રેજી ભાષામાં વ્યવસ્થિત રીતે લેખિત અરજી મુંબઈ સરકારને મોકલી. આથી તેમને બંધના જન્મદાતા ગણવામાં આવે છે.

લલ્લુભાઇ મકનજી પટેલ એમની વિકાસની ગૌરવગાથામાં જણાવે છે કેઃ ઇસ્ટ આફ્રિકાથી આવેલા રણછોડજી ગોવિંદજી પટેલે બંધની માંગણી કરતી અરજી સરકારને મોકલી હતી. હું મુંબઈ સરકારનો ધારાસભ્ય હોવાથી મને પણ એક નકલ મોકલી હતી. પૂનામાં ધારાસભાની બેઠક હતી. મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઈને આ અરજી બતાવી. દાંડીના નાશ પામેલા બંધો ફરીથી બંધાય તે અંગેની ચર્ચા કરી. તેમણે રસપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક વાતો સાંભળી. અને કહ્યું; "પ્રજા આમાં રસ ન લેશે તો બંધો ફરીથી તૂટી જશે. તેથી સહકારી મંડળી રચી આ કાર્ય હાથ ધરો. સરકાર પોતાનો ફાળો આપશે." અરજી પર તેમણે લખ્યું, “Co-operative effort may be tried”

ફરીથી બંધો બાંધવાની બાબતે સમગ્ર કાંઠાની જાહેર સભા બોલાવવામાં આવી. કામ દાંડીનું હતું પરંતુ સમગ્ર કાંઠો એકહૃદયથી બોલતો હતો. દાંડી વિભાગ સહકારી મંડળીનું બંધારણ લલ્લુભાઇ મકનજીએ ઘડયું. એમાં વૈકુંઠભાઇ મહેતાનું માર્ગદર્શન મળ્યું. લાલભાઈ નાયકે સુધારા સૂચવ્યા. પણ મંડળીને રજીસ્ટર કરાવવા માટે નેવનાં પાણી મોભે ચડાવવા જેટલી હાડમારી પડી.

મંડળી પાસે પોતાની જમીન ન હોવાથી સહકારી ખાતાં તરફથી મંડળીને રજીસ્ટર્ડ કરવાની માંગણી નકારવામાં આવી. મંડળીને જમીન આપવા માટે રેવન્યુ ખાતાના અધિકારીને મળ્યા. તેમનો પ્રશ્ન હતો, આ જમીન નવસાધ્ય થઇ શકે એની ખાતરી શું? તેમણે ખેતીવાડી ખાતાના ડાયરેક્ટરનું સર્ટિફિકેટ માંગ્યું. ખેતીવાડી ખાતાના ડાયરેક્ટરે ખારલેન્ડબોર્ડ નો અભિપ્રાય માંગ્યો. આ બધા ખુલાસા કરતાં કરતાં મુંબઈ સરકારના ધારાસભ્ય અને મંડળીના આગેવાન લલ્લુભાઇ મકનજી થાકી ગયા. છેવટે તેમણે મુખ્યપ્રધાન શ્રી મોરારજી દેસાઈને સીધી વાત કરી. પોતાનીજ સરકારના ખાતાંઓના વડાઓના આવા જવાબથી મુખ્યપ્રધાનને આશ્ચર્ય થયું. તેમણે ફોન લઇ નાણાંમંત્રી શ્રી વૈકુંઠભાઇ મહેતાને આ બાબતમાં સીધો હસ્તક્ષેપ કરવા જણાવ્યું. નાણામંત્રી વૈકુંઠભાઇ સાથેની એક જ બેઠકમાં બધું કામ પતી ગયું. જિલ્લા રજિસ્ટ્રારે તા. 30-11-1950 ના રોજ મંડળી રજીસ્ટર્ડ કરી દીધી. રેવન્યુ ખાતાએ જમીન આપી. ખારલેન્ડ બોર્ડના ઈજનેરોએ પ્લાન એસ્ટીમેટ બનાવ્યા. યોજના મંજુર થઇ ને ગેઝેટમાં પ્રસિદ્ધ પણ થઇ ગઈ.

મંડળીના કાર્યવિસ્તારમાં દાંડી ઉપરાંત સામાપુર, મટવાડ, કરાડી, કોથમડી, આટ, ખંભલાવ, કલથાણ, સુલતાનપુર અને ઓંજલનો સમાવેશ કરવામાં આવ્યો. મંડળીની કારોબારીની રચના પણ કરી દેવામાં આવી. પ્રથમ કારોબારીમાં પ્રમુખશ્રી લલ્લુભાઇ મકનજી, મંત્રીશ્રી ગોસાંઈભાઈ છીબાભાઈ ઉપરાંત સોમભાઈ ડાહ્યાભાઈ, નારણભાઇ પાંચાભાઇ, નરસિંહભાઇ નાનાભાઈ, નાનુભાઈ દેસાઈ, હીરાભાઈ મંગાભાઇ , છીબુભાઈ કેશવજી, ભાણાભાઈ નાનાભાઈ અને પરભુભાઈ નાનાભાઈનો સમાવેશ થતો હતો.

હવે નાણાંનો પ્રશ્ન લોકફાળો, શેરફાળો અને સરકારી મદદ આમ ત્રણ રીતે હલ કરવાનું વિચારાયું. લોકફાળાની શરૂઆતમાં હજાણીબીબીની મઝાર તરફથી સારો સહકાર મળ્યો. દાઉદી વહોરા કોમના વડા ધર્મગુરુએ 751.00 રૂપિયાનું દાન આપી યોજનાને આશીર્વાદ આપ્યા. શેઠ શ્રી અહમદઅલીએ રૂપિયા 5,867.00 નો શેરફાળો આપ્યો. દાંડીના સજ્જન રણછોડજી ગોવિંદજીએ જેમણે બંધો માટે પહેલી અરજી મોકલી હતી તેમણે 1,000.00 રૂપિયાનો શેરફાળો આપ્યો. દક્ષિણ આફ્રિકાથી દયાળજી ભીખાભાઇ અને જસમતભાઈ નાનાભાઈ (કરાડી) એ કાંઠાના વિકાસકાર્યમાં ઊંડો રસ દાખવ્યો અને રૂપિયા 10,181.00 નો શેરફાળો મોકલી આપ્યો.

ભારતમાં અને વિદેશમાં વસતા ભારતીયોમાં પણ આ કામની સફળતા અંગે અનેક સવાલો અને વિરોધો થયા હતા. જોહાનિસબર્ગમાં એક ભાઈએ જસમત ભાઈને કહેલું; "આ ખૂંટાડો કોઈ દિવસ બંધ થાય? તમારા પૈસા ખાડીમાં પુરાશે પરંતુ એનું કોઈ પરિણામ નહીં આવે. ત્યારે તેનો જવાબ વાળતાં દયાળજીભાઈએ કહેલું; "આપણે ખૂંટાડામાં નાંખવા માટે પૈસા આપીએ છીએ એમ સમજીને લલ્લુભાઈને નાણાં આપો. અને તેમના પર વિશ્વાસ મુકો."

બંધના બાંધકામ દરમ્યાન મજૂરોને ચૂકવવા માટે નાણાંની તંગી ઉભી થઇ ત્યારે દિલખુશભાઈ દીવાનજીએ મુશ્કેલી હોવા છતાં ગાંધીકુટીર કરાડી તરફથી ત્રણ હજાર રૂપિયાની લોન આપી. પ્રેમશંકરકાકાના માધ્યમથી લોકલબોર્ડ તરફથી આઠ હજાર રૂપિયા ગ્રાન્ટ રૂપે મળ્યા. લાલભાઈ નાયકે પાંચ હજાર રૂપિયાની લોન આપી. અને નબળા વર્ગને શેરફાળા પેટે આપવા એક હજાર રૂપિયા આપ્યા. સરકાર પાસેથી સીત્તેર હજાર રૂપિયાની લોન મળી. આ યોજનામાં પ્રજા 60 ટકા અને ખાર ડેવલપમેન્ટ બોર્ડ 40 ટકા આપે એવી કાયદાકીય જોગવાય હોવાથી બોર્ડે તેમનો ફાળો ક્રમશઃ આપ્યો. પ્રજાએ પણ શેરફાળો આપ્યો. ઘટતી રકમ લલ્લુભાઈએ મિત્રો પાસે લોન પેટે લઇ બંધના બાંધકામને સતત ચાલુ રાખ્યું.

કુલ દસ બંધ બાંધવાની યોજના બની. એક થી પાંચ નંબરના બંધ દરિયા કિનારાથી સામાપુર ગામ સુધી અને બાકીના બંધો સામાપુરથી આટ અને છેક સુલતાનપુર સુધી બનાવવાના હતા. તા. 21-11-1953 ના રોજ સામાપુરના નિશાળ ફળિયાને સ્પર્શતા પાંચમા બંધની પૂર્વમાં દાંડી ખાર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત મુંબઈ રાજ્યના ખારલેન્ડ ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને નાયબ પ્રધાન શ્રી મુસ્તફા ફકી સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું. જ્યાં ખાતમુહૂર્ત કર્યું ત્યાં ખાડામાં એક કાચની બરણી મુકેલી છે. તેમાં તે દિવસનું દૈનિક ગુજરાત, તે સમયના બધા ચલણી સિક્કા, કુમકુમ સહીત ચોખા, સોપારી અને એક લખાણ મૂકેલાં છે.

આ બાંધકામનો કોન્ટ્રાકટ મંડળીએ પોતે જ રાખવો એવી સલાહ મળી. આ કામ મંડળી માટે નવું હતું. વળી સરકારી અમલદારો લાંચ રુશવત અને ભ્રષ્ટાચારથી ટેવાયેલા હતા. ભ્રષ્ટાચાર વાળો શિષ્ટાચાર ત્યારે પણ અમલમાં હતો જ. પણ ગરીબ મંડળી અમલદારોના ગજવાં ભરી શકે એમ ન હતી. પ્રામાણિકતાનો આગ્રહ રાખનારા અને ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મંડળીના કારભારીઓ માટે આ એક પડકાર હતો. વળી તેઓ અધિકારીઓને આપવી પડતી રકમ ક્યાં ખાતામાં ઉધારે? કમીશન ન મળવાને કારણે ડગલે ને પગલે વિઘ્નો આવવા લાગ્યાં.

ઢેફાં બરાબર ફુટવાં જોઈએ. રોલિંગ બરાબર થવું જોઈએ. બંધ બનાવવા માટેના સરકારી નિયમોનું અક્ષરસહ પાલન કરવાનો ઓવરસિયર આગ્રહ રાખતા. ટો  લાઈનથી પચાસ ફૂટ દૂરથી માટી ખોદવી પડે. પરંતુ કામ કામને શીખવે એ રીતે મંડળી પોતે શીખતી ગઈ. કેટલાક અનુભવી કોન્ટ્રાકટરોએ સહાનુભૂતિથી માર્ગદર્શન આપ્યું. મંડળીએ રોલર ફેરવવા માટે પાડા ખરીદ્યા. લોખંડના મજબૂત રોલર વસાવ્યાં. વાઘાફળીયા, દાંડીના બ્રિજલાલભાઈ મંગાભાઇ આ રોલર ચલાવતા. અને પાડાની સારસંભાળ પણ રાખતા.

ધીમે ધીમે એક થી ત્રણ અને પાંચથી દસ નંબરના કુલ નવ બંધો બંધાઈ ગયા. હવે સૌથી મહત્વનો ચાર નંબરનો બંધ બાંધવાનો હતો. અહીંની ખાડી ખુબ મોટી અને ઊંડી હતી. ભરતીનું પાણી પુરા જોશથી તેમાં આવતું. તેનો કરંટ જોરદાર રહેતો. ધડકતે હૈયે ચોથા નંબરના બંધનું કામ હાથ પર લેવાયું.

બાબુભાઇ જશભાઈ પટેલ અને સાથે અન્ય લોકો આ કામ જોવા આવ્યા. સૌને લાગ્યું કે આ કામ મુશ્કેલ છે. એક વડીલે કહ્યું; "દીકરા આમાં તમે તણાઈ જવાના. કોઈ મોટી મશીનરી લાવી માટી પૂરો. પરંતુ જ્યાં રોલિંગ કરવા માટે પાડા ખરીદવાના પૈસાની તંગી હોય ત્યાં મશીનરી ક્યાંથી મંગાવાય ? ખાડીનો મધ્યભાગ ચાલીસ ફૂટથી પણ વધારે ઊંડો હતો. મોટી સંખ્યામાં મજૂરોની જરૂર હતી. સ્થાનિક મજૂરો ઉપરાંત સોમભાઈ સૌરાષ્ટ્રથી મજૂરો લઇ આવ્યા.

માટી ભરેલી ગુણોની દીવાલ કરી તેની ઓથે માટી પુરી બંધની શરૂઆત કરી. પણ પહેલી જ મોટી ભરતીમાં એ બધું ઘસડાઈ ગયું. બીજો પ્રયત્ન જરા જુદી રીતે કર્યો. ખાડીમાં થાંભલા ઠોકી તેમાં પતરાં જડયાં અને પછી માટી ભરેલી ગુણો ગોઠવી. તેની પાછળ માટીકામ કર્યું. પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. મોટી ભરતીમાં આ દીવાલ મોટા કડાકા સાથે તૂટી, લોખંડનાં પતરાં કાગળના ટુકડાની માફક તૂટીને વહી ગયાં. માટી ભરેલી ગુણો ચિરાઈ ગઈ. ત્યાં એક હોડીમાં મજુર બહેનો બેઠાં હતાં તે તમામ હોડી સાથે સામેના ટેકરા પર જઈ અથડાયાં.  સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઇ.

બે વાર મહેનત માથે પડી. આર્થિક નુકશાન પણ ઘણું થયું. છતાં હિંમત હારવાનું જોખમ લેવા કોઈ તૈયાર ન હતું. ત્રીજો પ્રયત્ન થયો. આ વખતે એક ભલા મજુરની સલાહને ધ્યાનમાં લેવામાં આવી. બીજા પ્રયત્નમાં જયારે પહેલાં દરિયા તરફ લોખંડનાં પતરાં પછી માટીની ગુણો અને પછી દાંડી ગામ તરફ માટીકામ હતું તેને ઉલટાવી નાખ્યું. આનાથી પતરાંની દીવાલ સુધી પાણી પહોંચે જ નહીં. વળી સમુદ્રની ભરતીના પાણીનું જોર આગળ નાંખેલી માટીની ગુણો અને છૂટી માટી ઘટાડી  નાંખે. આ કામને ઉપલબ્ધ મજૂરો પહોંચી વળી શકે એમ ન હોવાથી સમગ્ર કાંઠાના ગામોનાં ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓને મદદ માટે ટહેલ નાંખી. સાતમ આઠમ થી કામની શરૂઆત કરી. પૂનમે શ્રમયજ્ઞ મંડાયો. લગભગ ત્રણ હજાર ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓએ સતત ચાર દિવસ કામ કર્યું. કાંઠાની અજોડ એકતા નાં દર્શન થયાં. ગાંધીઅસરનું અદભુત દશ્ય સર્જાયું.

અખાત્રીજી ત્રીજની મોટી ભરતીનો દિવસ હતો. આખા વરસમાં અખાત્રીજની ભરતી મોટામાં મોટી અને તોફાની હોય છે. આબાલવૃદ્ધ સૌ ભગવાનને એક જ વિનંતી કરી રહયાં હતાં, અમારા બંધને બચાવી લેજે. અમારી લાજ રાખજે. અને સાચેસાચ ભગવાને વિનંતી સાંભળી હોય એમ બંધ આ ભયાનક ભરતી સામે ટકી ગયો. આ બંધ ટકી ગયો, સાથે જ ખુબ નજીકના ભવિષ્યમાં દરિયો દાંડીને ભરખી જવાનો હતો તે કદાચ કાયમ માટે અટકી ગયો. એક નંબરના બંધને તો દરિયો ચાર પાંચ વર્ષમાં જ ગળી ગયેલો. તારીખ 16/4/1955 ના રોજ દરિયાની ભરતીના ખારાં પાણી અટકાવ્યાં.

રાજકીય વિરોધ ન થાય એવી યોજના હિન્દુસ્તાનમાં બહુ ઓછી હશે. આ યોજનાનો પણ વિરોધ થયો. કેટલાકને મતે કુદરતી રીતે પાકતું મીઠું ચાલુ રહેવું જોઈએ. જ્યાં કુદરતી રીતે મીઠું પાકતું ત્યાં જઈ ટોપલા ભરી માથે ઊંચકી પોતાના ઘરવપરાશ માટે લાવનાર બહેનોની સંખ્યા હજારોની હતી. ગાડાંવાળા પોતાના ગાડાંમાં ભરી લાવતા. બહેનો માથે મીઠું લાવી વેચતી પણ ખરી. મોટા પ્રમાણમાં વેગનલોડ મીઠું મોકલનાર વેપારીઓ પણ હતા. આમ મીઠાના વેપારમાં અને વપરાશમાં એક સ્થાપિત હિત ઉભું થયું હતું. આ પ્રશ્ને એક વાવાઝોડું સર્જ્યું. લલ્લુભાઇ મકનજીએ છાપાંઓમાં લેખો લખ્યા. તેમણે અને અન્ય આગેવાનો ગામેગામ સભાઓ ભરી અને લોકોને સમજાવ્યા. એક કુટુંબને આખા એક વર્ષમાં માંડ એક મણ મીઠું જોઈએ. પરંતુ અનાજ તો વીસ થી પચ્ચીસ મણ જોઈએ. પ્રજાને જ પ્રશ્ન પૂછ્યો, તમને શું જોઈએ ? મીઠું કે અનાજ ? સ્વાભાવિક પણે લોકોએ અનાજની પસંદગી કરી. ત્યારે ઓંજલના ખાપાભાઈ ઝીણાભાઈ પોતે મીઠુંના વેપારી હોવા છતાં આ પ્રશ્નને હલ કરવા માટે તેમણે સ્વહિત ને બદલે લોકહિતની પસંદગી કરી. પોતે પણ અનાજની પસંદગી કરી અને લોકોને પણ એવું કરવા સમજાવ્યા. મીઠું વિના ચાલશે પરંતુ અનાજ વિના ન ચાલી શકે એ સત્ય પ્રજા સમજી, તેથી કાર્યકર્તાઓની ચિંતા ટળી અને ઉત્સાહ વધ્યો.

બંધો બાંધવાની કામગીરી પુરી થઇ પરંતુ મુશ્કેલી અને પ્રશ્નો હજુ મંડળી અને કાર્યકર્તાઓનો પીછો છોડવા તૈયાર ન હતાં. પહેલા જ ચોમાસાના ધોધમાર વરસાદે નવા પ્રશ્નો અને નવી મુશ્કેલીઓ  ઉભી કરી.

બંધ વિસ્તાર એટલેકે પહેલા નંબરનો બંધ જે દરિયા કિનારાને જોડતો હતો ત્યાંથી લઇ સામાપુર, આટ , સુલતાનપુર, ઓંજલ માછીવાડ સુધીના વિસ્તારમાં પડતો વરસાદ અને તેના ઉપરવાસથી આવતું વધારાનું વરસાદી પાણી દાંડીની ખાડીઓમાંથી જ દરિયા તરફ વહેતુ હતું તે બંધ થતાં દાંડીની ફરતે સરોવર ભરાયું હોય એવું દશ્ય ખડું થયું. સરકારી ઈજનેરોએ ગામલોકોની સૂચનાને અવગણીને પોતાની રીતે ગરનાળાનું જે લેવલ રાખ્યું હતું તે ઘણું ઊંચું હતું. મંડળી મારફતે તે લગભગ બે ફૂટ જેટલું નીચું રાખવાની કરવામાં આવેલી ભલામણ ફગાવી દેવામાં આવી હતી. સરકારી ઇજનેરોમાં પોતાના શિક્ષણના જ્ઞાનનું ઘમંડ હતું આથી તેઓ દેશી માણસોના અનુભવ અને સમજશક્તિની અવગણના કરતા રહ્યા.

પરિસ્થિતિ એટલી બધી બગડી કે ગામમાં ઉહાપોહ થવા લાગ્યો. દાંડીના લોકોએ સામાપુર કે મટવાડ અથવા નવસારી જવું હોય તો પહેલાં દાંડીના દરિયા કિનારે જવાનું. ત્યાંથી કિનારે કિનારે એક નંબરના બંધ સુધી જઈ વારાફરતી કુલ પાંચ બંધો પાર કરી સામાપુર પહોંચવાનું. વળી ત્યાંથી મટવાડ સુધી પણ પગપાળા જ જવાનું. દાંડી અને સામાપુર વચ્ચેનું માત્ર બે કિલોમીટરનું અંતર વધીને લગભગ આઠ કિલોમીટર જેટલું થઇ ગયું. એ ઉપરાંત આટ, માંડળીયા, કાકરાડ, ઓંજલ તરફ જવાનું તો લગભગ અટકી જ ગયું. લોકો આવી મુશ્કેલી માટે માનસિક રીતે તૈયાર ન હતા. કેટલાક લોકો તો સોમભાઈને મારવા માટે ગયા હતા. એટલું જ નહીં તેઓ બંધ તોડવા માટે પણ તૈયારીઓ કરવા લાગ્યા. લલ્લુભાઇ મકનજી વગેરે આગેવાનોએ તેમને માંડ માંડ સમજાવીને શાંત પાડયા. લલ્લુભાઈએ તેમને જણાવ્યું; "બંધ તોડશો નહીં. તોડશો તો તમારે પક્ષે ગંભીર જવાબદારી ઉભી થશે. ગામની મુશ્કેલી ટળવી જોઈએ એ વિચાર સાથે હું સહમત છું. હું તમારો ધારાસભ્ય છું. પૂના જઈને એનો ઉકેલ લાવું ત્યાં સુધી થંભી જાઓ."

મુંબઈ સરકારમાં આપણા ધારાસભ્ય લલ્લુભાઇ મકનજી, પૂના પહોંચ્યા ત્યારે ધારાસભાની બેઠક ચાલુ થઇ ગઈ હતી. બધાં ખાતાંના અધિકારીઓ પણ ત્યાં હતા. તેમણે ખાર ડેવલેપમેન્ટ બોર્ડના ચેરમેન, મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ વગેરેને સમજાવ્યા કે પ્લાનમાં કઈંક ભૂલ થઇ છે. કેચમેન્ટ એરિયાના પાણીની ગણતરી ઉંધી વળી ગઈ છે. તેથી પાણીનો નિકાલ વ્યવસ્થિત અને સમયસર થતો નથી. ગરનાળાના લેવલ સુધી પાણી પહોંચે ત્યાં સુધીમાં દાંડી ગામને ભયંકર નુકશાન થશે.

સરકારે અધિકારીઓને દાંડી દોડાવ્યા. તેમણે આવીને સામાપુરની પ્રાથમિક શાળા આગળ ઉભા રહીને જે દશ્ય જોયું તેનાથી તેઓને ખામીનો ખ્યાલ આવી ગયો. તેમણે તેમનો અહેવાલ ખાર ડેવલેપમેન્ટના બોર્ડના ચેરમેન ને સુપરત કર્યો. પછી નક્કી કરેલા લેવલે બંધને કાપીને પાણી બહાર વહાવી દેવાની દેવાનું નક્કી થયું. બધું પાણી નીકળી ગયું. ગામલોકોનો ઉશ્કેરાટ શમી ગયો. એ લેવલે ફરીથી પાકાં ગરનાળાં બંધાયાં. આમ મંડળી પર આવેલી અણધારી આફત ટળી ગઈ. મંડળીને આર્થિક નુકશાન જરૂર થયું. મંડળીએ પોતાના ખર્ચે વધારાનાં ગરનાળાં મૂક્યાં. પણ કામ વ્યવસ્થિત થઇ ગયું.

તમામ બંધો બંધાઈ ગયા. ગરનાળાં પણ બની ગયાં ભરતીનાં ખારાં પાણી આવતાં અટકી ગયાં. ચોમાસાના વરસાદના પાણીનો પણ વ્યવસ્થિત રીતે નિકાલ થવા લાગ્યો. તે પછી જમીન વિતરણનું કામ હાથ ધરાયું. મંડળીએ શેરહોલ્ડરોને જમીન લેવા જણાવ્યું. પણ લોકો તૈયાર જ ન થાય. ઉલટું કહે કે; "જમીન લઈને શું કરીએ ? આમાં શું એલચી પાકવાની છે?" શરૂઆતના તબક્કામાં આ પરિસ્થિતિ હતી.

સોમભાઈ ડાહ્યાભાઈ એક પ્રગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા યુવાન ખેડૂત હતા. ગામમાંથી સૌ પ્રથમ તેમણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવાનું વિચાર્યું. હોલેન્ડના નિષ્ણાતો પાસથી જમીનનો ક્ષાર કેવી રીતે દૂર કરવો (લીચિંગ પ્રોસેસ) તેની માહિતી મેળવી. તે મુજબ તેમણે  ટેબલલેન્ડ ક્યારીઓ બનાવી. એમાં ક્યારી બનાવવા માટે જે પાળ નાંખી તેનાથી એક ફૂટ જગ્યા છોડી પાંચ ફૂટ પહોળી અને એક ફૂટ ઊંડી નીક બનાવી. આથી ટેબલ જેવી વચ્ચેની ઊંચી જગ્યા પર જે વરસાદ પડે તે એટલી જમીનનો ક્ષાર ઓગાળીને બાજુની નીકમાં વહાવી દે. આ અને નીકનું પાણી ગરનાળાં મારફતે બહાર વહાવી દીધું.

સાત વરસની જહેમત બાદ આ નિર્જીવ ધરતીમાં પહેલીવાર એક વનસ્પતિ જીવ ઉગ્યો. સાત વર્ષ દરમ્યાન તેમણે ખેડ કરી, ઘાસ કચરો નાંખ્યો, ચિરોડી નાંખી, છાણીયું ખાતર નાખ્યું આમ સતત પ્રયત્નો ચાલુ રાખ્યા. વર્ષ 1968માં ક્ષાર સામે ટકી શકતી ડાંગરની જાત, ભૂરારાતાનું વાવેતર કર્યું. પ્રથમ વાર વીસ મણ ડાંગર પકવી.

સોમભાઈની સાથે સાથે આખા ગામમાં ખેતીની શરૂઆત થઇ ગઈ. જો કે ખેતી કરનારા સોમભાઈ પહેલા ખેડૂત ન હતા. કારણ કે ગામની કેટલીક જમીન ઉપર થોડી થોડી ખેતી થતી હતી. ઉપરાંત દરિયા કિનારે વાલ પાપડીનાં અનેક ખેતરો હતા. હતાં. છતાં સોમભાઈના પ્રયત્નો ગામલોકો માટે બુસ્ટર સાબિત થયા. લોકોએ સોમભાઇના કામની નકલ કરી.

લલ્લુભાઇ મકનજી, મંડળીના વિકાસની ગૌરવગાથામાં જણાવે છે કે; "બંધો બંધાયાથી મનને શાંતિ મળી. સરકારમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને કુશળતાની પ્રસંશા થઇ. તે વેળા અનાજની અછત હતી,  તેથી દેશભરમાં વધુ અનાજ ઉગાડવાની ઝુંબેશ ચાલતી હતી. જ્યાં દરિયાનાં ખારાં પાણી અને ભરતીના પ્રવાહના આતંક ને કારણે વિનાશ અને ઉજ્જડતા હતાં, ત્યાં જમીનને નવસાધ્ય કરીને ડાંગર પકવવાના પ્રજાના પુરુષાર્થનો એ પડકાર હતો. મંડળીએ એ પડકાર ઝીલ્યો. શૂન્યમાંથી સર્જન કરવાની એક રચનાત્મક પ્રવૃત્તિ હતી. રાષ્ટ્રના મહાયજ્ઞમાં કાંઠાની પ્રજાએ મંડળી દ્વારા પોતાનો નાનો સરખો ફાળો આપ્યો. ધીમે ધીમે દાંડી ચોખાના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું. સાથે સાથે સામાપુર, આટ અને ઓંજલે પણ સારી કામગીરી કરી. જ્યાં મીઠું પહતું પાકતું હતું એવી ખારપાટ વાળી જગ્યાએ અનાજ પકવવું એ કંઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. પરદેશ પાસે અનાજની ભીખ માંગવી પડે એમાં રાષ્ટ્રનું સ્વમાન જળવાતું ન હતું. સ્વતંત્ર ભારતનું એ પરાવલંબીપણું હતું. રાષ્ટ્રનું સ્વમાન જાળવવામાં દાંડીનો પણ નાનકડો ફાળો છે. એ ભલે સાગરમાં બિંદુ સમાન હોય, પણ બિંદુ વિના સાગરનું અસ્તિત્વ ક્યાંથી ?”

મંડળીએ જમીનની વહેંચણી કરવા પહેલાં ભાવિ વિકાસને નજરમાં રાખીને કેટલાક અગત્યના અને સમાજોપયોગી નિર્ણયો લીધા હતા.

1.     દાંડી ગામની ફરતે 100 ફૂટની જગ્યા છોડી હતી.

2.     દાંડી-સામાપુર, દાંડી-આટ અને હજાણીના રસ્તા માટે જમીન છોડી હતી.

3.     દાંડીના દરિયા કિનારા નજીક બાગ નામે ઓળખાતી જગ્યા અનામત રાખી હતી.

4.     દાંડી, આટ (પારસ ફળીયા), બોરીફળીયા અને ઓંજલ ગામના રમત ગમતના મેદાનો માટે જગ્યા અનામત રાખી હતી.

5.     ગોચર માટે દાંડી, આટ અને બોરીફળીયામાં જગ્યા છોડી.

6.     સ્મશાન માટે દાંડીમાં જગ્યા રાખી.

તે ઉપરાંત થોડાં જ વર્ષોમાં સરકારી સસ્તા અનાજની દુકાન પણ શરૂ કરી. સામાન્ય પ્રજામાં એને કંટ્રોલની દુકાન તરીકે ઓળખાય છે. એ માટે પહેલાં મટવાડ સુધી જવું પડતું. સરકારી યોજનાનો લાભ લઇ મંડળી માટે ગોડાઉન પણ બનાવ્યું.

ખેતી મંડળીની સુવર્ણ જયંતિ સ્મરણિકામાં ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ જણાવે છે કે; મંડળીએ બંધો બાંધ્યા ત્યારે એક સલાહ એવી મળેલી કે, ક્યારીની પાળ ઉપર ગાંડો બાવળ રોપવામાં આવે તો પાળ મજબૂત રહે અને ખાર પણ ઓછો થાય. આ સલાહને અનુસરીને સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાંથી ગાંડા બાવળના બી મંગાવી રીતસરનો ઉછેર શરુ કર્યો. બાવળ ઉગ્યા ત્યારે પવનના સપાટાથી બચવા માટે દેશી નળિયાનું રક્ષણ આપ્યું. ધીરે ધીરે બાવળની સંખ્યા વધતી ગઈ. એની શીંગો ઢોરને પણ માફક આવી. આનાથી ઢોરનું દૂધ ઉત્પાદન વધ્યું. પરંતુ એનાં બી ખુબ સખત. ઢોરનાં છાણમાં આખેઆખાં બી બહાર આવે. અને વરસાદ પડે ત્યારે ત્યાં જ ઉગી નીકળે. એનો વિકાસ પણ ઝડપી. ગામલોકોને સારું બળતણ પણ મળી ગયું. દરિયા કિનારાના ધોવાણ અટકાવવા માટે જંગલ ખાતા તરફથી પણ કિનારે બાવળનું જંગલ બનાવવામાં આવ્યું છે.

મંડળીને સીત્તેર હજાર રૂપિયાનું સરકારી દેવું હતું. આ દેવું ચૂકતે કરવા માટે મંડળીના કાર્યકર્તાઓએ એક નવું સાહસ કર્યું. મંડળીને બંધો બાંધવાનો અને ગરનાળાં મુકવાનો સારો અનુભવ થયો હતો. આ અનુભવ સરકારી દેવાંની ચુકવણી માટે કામમાં આવ્યો. મંડળીએ બંધારણમાં સુધારા કરીને નાના મોટા કોન્ટ્રાકટ લેવાનું વિચાર્યું અને તે માટેનું લાયસન્સ પણ મેળવી લીધું.

મંડળીએ નીચે જણાવેલ કામોના કોન્ટ્રાકટ લીધા અને સફળતા પૂર્વક પૂર્ણ પણ કર્યા.

1.      દાંડી-સામાપુર રસ્તાનું માટીકામ

2.     દાંડી માઇનોર નહેરનું માટીકામ

3.     દાંડી-સામાપુર-મટવાડ પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઈન નાંખવાનું કામ.

4.     મટવાડ શહીદ સ્મારકનું કામ.

5.     ખેરગામ-ચીખલી રસ્તો.

6.     ગાંધી સ્મૃતિ મંદિર કરાડી સુધીનો રસ્તો.

7.     એરૂ-આટ-ઓંજલ રસ્તો.

લલ્લુભાઇ મકનજી પટેલ અને ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ આ બંને મટવાડ ગામના વતની હતા. એમનું કાર્યક્ષેત્ર ઘણું મોટું હતું, છતાં બંને એ દાંડીને અગ્રીમતા આપી હતી. દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી અને દાંડી ગામ એમનું કાયમનું ઋણી રહેશે.

જયારે લલ્લુભાઇ મકનજી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, ત્યારે દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી સરકારી કામોના કોન્ટ્રક્ટ કોન્ટ્રાકટ રાખતી હતી. વળી તેઓ ખેતી મંડળીના પણ પ્રમુખ હતા. આ બાબત તેમને તેમના સિદ્ધાંતની વિરુદ્ધ અને અનૈતિક લાગી. આથી તેમણે મંડળીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.

મંડળીએ લગભગ એક હજાર કરતાં પણ ઘણા વધારે સભ્યોને જમીનની વહેંચણી કરી છે પરંતુ લલ્લુભાઇ મકનજીએ એક ગુંઠો જમીન પણ લીધી નથી. વળી મંડળીની સ્થાપનાથી લઈને એમના અવસાન સુધી મંડળીના કામકાજ અર્થે જેટલી પણ વાર મુંબઈ, પુના, અમદાવાદ, ગાંધીનગર, સુરત કે નવસારી ગયા હશે ત્યારે મુસાફરી ખર્ચનો એક પણ પૈસો મંડળી પાસે લીધો નથી. ગોસાંઈભાઈએ પણ આ જ રીતે ક્યારેય મુસાફરી ખર્ચ લીધો નથી.

મંડળીને નીચે જણાવ્યા પ્રમાણેના પ્રમુખોની સેવા મળી છે.

1.     લલ્લુભાઇ મકનજી પટેલ (મટવાડ)

2.     ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ (મટવાડ)

3.     ખાપાભાઈ ઝીણાભાઈ પટેલ(ઓંજલ)

4.     રમેશભાઈ છોટુભાઈ પટેલ (આટ)

સ્વરાજ મળ્યા પછી 1950માં એક સહકારી મંડળી શરૂ કરી તેનું શરૂઆતનું નામ ખાર લેન્ડ મંડળી હતું જે પાછળથી દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી થયું.

એકવાર ખારાં પાણી અટક્યાં એટલે મંડળીના શેર હોલ્ડરોને જમીનની ફાળવણીની શરૂઆત કરી. લગભગ બધી જ જમીન ખારી હતી. ગાંધીજીએ જે મીઠું ઉપાડેલું એવું મીઠું પકવી શકે એટલી ખારી. છતાં ગામ લોકોની મહેનત રંગ લાવી. ધીમે ધીમે એ જમીનમાં વનસ્પતિ ઉગવા લાગી તેમાં ગુંદરડો (ચીઢો) ઉગતા ગામના પશુઓ માટે ચારાની વ્યવસ્થા થવા લાગી. અને પછી ધીમે ધીમે ડાંગર ની ખેતી પણ શરૂ થઈ શરૂઆતમાં લોકો કડા વેરાઈટી ડાંગર પકાવતા કારણ કે તે દેશી હોવાથી રોગ, જીવાત અને ખાસ તો ખાર સામે ટકી શકે એવી હોવાથી એની પસંદગી થઈ. જોકે તેનું ઉત્પાદન ઓછું હતું પરંતુ તે લાલ રંગના ચોખા ખૂબ જ પૌષ્ટિક હતા અને ગામના લોકોની ભૂખ ભાંગવા માટે ઉત્તમ હતા.  પછીથી નવી સુધારેલી જાતો પણ આવી. શરૂઆતમાં ફાર્મોસા નામની ડ્રાફ્ટ વેરાઈટી આવી. પછી IR8. IR22, જયા, પદ્મા, રત્ના, મસૂરી વગેરે નો પ્રયોગ પણ થયો

યોજના પૂરી થઈ અને તુરંત મંડળીના વિસ્તારમાં નહેરો પણ આવી શરૂઆતમાં નહેરના પાણી મળ્યાં જેથી જમીન નવસર્જન કરવામાં થોડી રાહત થઈ પણ પાછળથી કેટલાક કારણોસર શહેરના પાણી આવતાં અટક્યાં.  દાંડી ખાર યોજના મૂળ નહેર ઉપર થઈ હતી. દુઃખ સાથે જણાવવું પડે એમ છે કે સોમભાઈ ડાહ્યાભાઈ સિવાય બીજા કોઈ પણ ખેડૂતે નહેરના પાણી લેવામાં રસ ન દાખવ્યો. વરસાદના પાણીથી ચોમાસામાં નહેરો ધોવાય અને તૂટી એ માટે મંડળીના કાર્યકર્તા અને નહેર કરતા અધિકારીઓ સાથે મળી સર્વે કર્યો. કેટલાક ફેરફાર કરી નહેર પાકી કરવાના રૂપિયા 88 લાખના અંદાજ પત્રક બનાવ્યા. નહેરો તો પાકી થઇ પણ તેમાં પાણી ન આવ્યું. ફરી પછી પાછી નહેરો તૂટી. લોકોમાં ખેતી પ્રત્યે રસ ઘટતો ચાલ્યો.

નહેરના પાણી ન મળવાથી ખેતીમાં નુકસાન થતું રહ્યું આથી 1980 પછી ધીમે ધીમે ખેતી ઓછી થવા લાગી અને 21મી સદી ના પહેલા દસકામાં તો લગભગ લગભગ ખેતી લગભગ અદ્રશ્ય થઈ ગઈ.

હવે મત્સ્યોદ્યોગને પ્રાધાન્ય મળતું થયું છે. ઝીંગાની ખેતીમાં અઢળક કમાણી થાય છે. ભવિષ્યમાં ખેતી મંડળીએ તેના હેતુ અને કાર્યોમાં ફેરફાર કરી મત્સ્યોદ્યોગને પણ સમાવવો પડશે એવું લગી લાગી રહ્યું છે.

મંડળી બંધો બાંધી ખારા પાણી અટકાવ્યાં એટલે ખેતી અને ઘાસચારો પણ વધ્યો. જેથી પશુપાલન સરળ બન્યું અને 1972માં દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવી. ખેતી સાથે ઘાસ અને ગાંડા બાવળનું પણ ખૂબ સરસ ઉત્પાદન થાય છે. લાકડા અને ઘાસ બહાર જાય છે. લોકો માટે બળતણના પ્રશ્નહલ થયો છે. મંડળી બની તે પહેલા લોકોએ બળતણ માટે લાકડા બહારથી લાવવા પડતા. ઘાસ પણ બહારથી લાવવું પડતું.

૧૯૫૦ થી ૬૦ ના દસકામાં દરિયાની પાળનું ખૂબ ધોવાણ થયું હતું અને દર વર્ષે દરિયો ગામ નજીક આવતો જતો હતો. અને તે મંડળી માટે પણ ચિંતાનો વિષય હતો. તેથી દરિયા કિનારે જંગલ ઊભું કરવા માટે મંડળીએ ગુજરાત સરકારને રજૂઆત કરી. શરૂઆતમાં સરકારે કેટલાક કારણોસર ના પાડી. જેથી મંડળીએ બંધ નંબર 2 થી બંધ નંબર 10 ને સુધી સાત કિલોમીટર લાંબા કિનારા પર ગાંડા બાવળનું હાથથી વાવેતર કર્યું.  અને લગભગ 3,600 જેટલા તાડના વૃક્ષનું પણ વાવેતર કર્યું. પાછળથી સરકારે કિનારા ઉપર જંગલ બનાવવાનું શરૂ કર્યું અને શરૂ અને ગાંડા બાવળ વગેરે વાવેતર કર્યું.

મંડળીમાં સસ્તા અનાજની દુકાન ચાલે છે જેમાં જીવન જરૂરિયાતથી તમામ વસ્તુઓનું વેચાણ થાય છે. ઉપરાંત રાસાયણિક ખાતર અને સિમેન્ટનું પણ વેચાણ થાય છે. રાંધણ ગેસની એજન્સી પણ ચાલુ થઈ છે. લગ્નનો જરૂરી સામાન પણ વેચે છે. આમ દાંડી ગામના અને વિભાગના લોકોને નવસારીના ભાવે તમામ વસ્તુ મળી રહે છે.

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment