Sunday, April 6, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 27 દાંડીકૂચ

 

27. દાંડીકૂચ

સ.ને. ૧૯૨૯ માં કોંગ્રસનું આધિવેશન લાહોરમાં મળ્યું. દેશની આઝાદી માટે લડત લડનારી એ મુખ્ય સંસ્થા હતી. આ અધિવેશનમાં 'પૂર્ણ સ્વરાજ' મેળવવાનો ઠરાવ પસાર થયો અને લડતનો દોર ગાંધીજીના હાથમાં સોંપાયો સાથે તમામ લડતની સર્વસતા પણ તેમને જ સોંપાઈ.

સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને, દેશના મહત્તમ લોકોને જોડીને લડાઈ લડી શકાય એવા કોઈ માધ્યમની શોધમાં ગાંધી મંથન શરુ થયું. એમાં એમને ભારતની ગરીબ જનતા ઉપર લગાડેલો ૨૪૦૦ ટકાનો નમકવેરો ધ્યાનમાં આવ્યો.  આ વેરો ભારતની તમામ પ્રજાને લાગુ પડતો હતો. આથી ગાંધીજીએ આ મુદ્દો પકડયો. એમણે 'નમક સત્યાગ્રહ' નું એલાન કર્યું. પરંતુ દેશના મોટાભાગના રાષ્ટ્રીય નેતાઓને  તેમાં કોઈ ખાસ દમ ન દેખાયો. નમક ને બદલે અન્ય સત્યાગ્રહો માટેના સૂચનો પણ થયાં. પણ ગાંધીજી અટલ રહ્યા. આથી તમામ નેતાઓએ ગાંધીજીના આગ્રહ આગળ નમતું જોખી નમક સત્યાગ્રહમાં સાથ આપવાનું નક્કી કર્યું.

સત્યાગ્રહ પહેલાં ગાંધીજીએ વોઈસરૉયને લાંબો વિગતવાર પત્ર લખ્યો. આમ મોરચો માંડતાં પહેલાં સમાધાનની ફોર્મ્યુલા પણ ચકાસી લીધી. જો કે વોઈસરૉય ઉપર આ પત્રની કોઈ જ અસર ન થઇ. અંતે ગાંધીજીને ખાતરી થઇ ગઈ કે, 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.' અને લડતની તૈયારી શરુ થઇ.

સત્યાગ્રહ માટેના સ્થળની પસંદગી ખુબ જ મહત્વની હતી. આ સ્થળ ગુજરાતમાંથી જ પસંદ કરવાનું હતું એ નક્કી હતું કેમકે ગુજરાતને વિશાળ દરિયો કિનારો છે અને ઘણાં સ્થળે કુદરતી મીઠું પકવાય છે. સૌથી પહેલાં ખેડા જિલ્લાના મહી નદી કાંઠે આવેલા 'બાદલપુર' નો વિચાર થયો. પણ સુરત જિલ્લાના કાર્યકરો કલ્યાણજીભાઇ મહેતા, કાનજીભાઈ દેસાઈ, ઈશ્વરલાલ દેસાઈ, નરહરિ પરીખ, કુંવરજીભાઇ વગેરે તિથલ, ધારાસણા, લસુન્દ્રા અને દાંડી માટે આગ્રહ રાખતા હતા. બાદલપુર ની યાત્રા  તો ચાર પાંચ દિવસમાં પુરી થઇ જાય અને દેશભરમાં પ્રચાર પ્રસાર માટે પૂરતો સમય ન મળે. આથી કૂચ સુરત જિલ્લા સુધી લાંબાવવી જોઈએ જેથી વધુ દિવસ ચાલે અને વધુ વિસ્તાર આવરી લેવાય. આ વાત લઇ કલ્યાણજીભાઈ જાતે અમદાવાદ ગયા. તેમણે સરદાર સમક્ષ આ રજુઆત કરી. સરદારને આ વાત ગળે ઉતરી. અંતે કલ્યાણજીભાઇ, નરહરિભાઈ અને લક્ષ્મીદાસ આસારની ત્રિપુટીએ સુરત જિલ્લાના ઘણાં ગામોની મુલાકાત લીધી. એમાં નવસારી વિસ્તારના યુવાનોનો ઉત્સાહ અને કરાડીના સત્યાગ્રહી અને ટેકીલા ભડવીર પાંચાકાકાને કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર 'દાંડી' સૌને ગમ્યું. 

આ સમય દરમ્યાન દાંડીનો એક યુવાન મરોલીમાં મીઠુબેન પીટીટના આશ્રમમાં રહી ભણતો હતો. તેણે મીઠુબહેનને ગાંધીની યાત્રા માટે દાંડી શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું. મીઠુબહેને આ વાત વાયા વિઠ્ઠલભાઈ થઇ વલ્લભભાઈને પહોંચતી કરી.

જયારે ગાંધીજી પાસે દાંડીની પસંદગીની વાત ગઈ ત્યારે તેમણે તરત જ ‘હા’ પાડી દીધી. પછી એમણે યાદ કરી દક્ષિણ આફ્રિકાની લડત. ત્યાં નવસારી કાંઠાના ભાઈઓ; કાછલીયા, નાના છીતા, ફકીરા વગેરેનો સહકાર અને ઉત્સાહ યાદ આવ્યાં.

ગાંધીજીની દાંડી માટેની 'હા' ખુબ જ ઝડપથી લેવાયેલો નિર્ણય હતો. કદાચ સરદાર પટેલ પરનો તેમનો વિશ્વાસ પણ કારણભૂત ગણી શકાય. આથી જ તેમણે ખુલ્લા દિલે સ્વીકાર્યું હતું કે; 'દાંડીની પસંદગી માનવીની નથી પણ ઈશ્વરની જ છે'.

જો કે મીઠાના સત્યાગ્રહથી સ્વરાજ મળી શકે એવી વાતનો નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ સહીત વલ્લભભાઈએ પણ વિરોધ કરેલો.  પરંતુ એકવાર ગાંધીજીએ સરદારને આ સત્યાગ્રહના આયોજનનું કામ સોંપ્યું પછી તેમણે આખી કામગીરી સાંભળી લીધી. 

અંતે ૧૨મી માર્ચ, ૧૯૩૦ ના રોજ ૬૧ વર્ષની ઉંમરના વૃદ્ધ પણ યુવાનને પણ શરમાવે એવી ખુમારી વાળા મહાત્મા ગાંધીએ ૭૯ સૈનિકો સાથે સાબરમતી થી દાંડીકૂચ આરંભી. દરરોજ અંદાજે ૧૦ માઈલ જેટલું પગપાળા ચાલીને ચોથી એપ્રિલે યાત્રા કરાડી આવી પહોંચી.

કરાડીમાં પાંચમી એપ્રિલે પ્રાતઃકાળે બ્રહ્મમુહૂર્તમાં નિત્યક્રમ આટોપી, પ્રાર્થના કરી યાત્રા અંતિમ પડાવ તરફ આગળ વધી. આ વેળા જુગતરામભાઇ દવે સાથે વેડછીથી પગપાળા આવેલ રાણીપરજ સેના પણ ગાંધીજીની સંમતિથી જોડાઈ. માર્ગમાં ખુંટડા ખાડી પરના લાકડાના પુલ પરથી અને પછી સામાપુર ગામની વચમાંથી પસાર થઇ ૨૪૧ માઈલની પદયાત્રા પૂર્ણ કરી સંઘ દાંડી પહોંચ્યો.   

દાંડીમાં ગાંધીજીનો ઉતારો એક મુસ્લિમ યજમાન શેઠ સિરાજુદ્દીન વાસીના 'સૈફીવીલા' નામના બંગલામાં અને સૈનિકોનો ઉતારો ડાહ્યાભાઈ કુંવરજી દેસાઈના મકાનમાં રાખવામાં આવ્યો.

શેઠ સિરાજુદ્દીન રાષ્ટ્રવાદી વોહરા મુસ્લિમ બિરાદર હતા. ખાદીના કપડાં પહેરીને તેઓ ગાંધીજીનો સત્કાર કરવા આવ્યા. બાપુએ તેમને હસીને કહ્યું;' તમે બંગલો આપ્યો અને ઉપરથી સામે લેવા આવ્યા છો, પણ મને સંઘરીને તમે કોઈ વખત બંગલો ખોઈ બેસવાના છો.'જવાબમાં શેઠે ઉત્સાહપૂર્વક જણાવ્યું; 'તે ખોવાની મારી તૈયારી છે.'(વાસ્તવમાં આમ જ બન્યું. ૧૯૬૧માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દાંડી પધાર્યા ત્યારે શેઠે આ બંગલો દેશને અર્પણ કર્યો. હાલ ત્યાં ગાંધી સંગ્રહાલય અને પ્રદર્શન છે.)

ગાંધીજી સાથે અન્ય મોટી હસ્તીઓમાં અબ્બાસ તૈયબજી, સરોજિનીદેવી, મીઠુબેન પીટીટ વગેરે પણ પધાર્યાં હતાં. આજે નાનકડા દાંડી ગામમાં ૧૦ થી ૧૨ હજાર માણસો ઉમટી પડયા હતાં. ગામની વસ્તી માત્ર ૪૬૦ માણસોની અને તેમને માટે પણ પીવાનું પૂરતું પાણી ઉપલબ્ધ ન હતું. ત્યાં આ માનવોનો મહાસાગર ઉમટ્યો હતો.

ગામની વર્ધા રાષ્ટ્રીય શાળા (હાલ આ જગ્યાએ પ્રાર્થના મંદિર છે)  પાસે આવેલ વડલા નીચે સાંજે છ વાગે વિરાટ સભા મળી. ઉમેદરામ ભજનિક અને પંડિત ખરેના ભજન-ધૂન પછી ગાંધીજીએ છેલ્લું ભાષણ કર્યું. આ ભાષણમાં એમણે નીચે પ્રમાણે કહ્યું:

દાંડી બંદર આવવા હું જયારે સાથીઓને લઈને સાબરમતીથી નીકળ્યો ત્યારે હું અને મારા સાથીઓ અહીં સુધી પહોંચી શકીશું એવી મારા મનમાં ખાતરી ન હતી. સાબરમતીમાં જ મને પકડવાની અફવા ચાલતી હતી. સરકાર મારા સાથીઓને કદાચ દાંડી સુધી પહોંચવા દે પણ મને તો નહીં જ એમ હું માનતો હતો.તેમાં કોઈને મારી અધૂરી શ્રદ્ધાની ગંધ આવે તો તેનો ઇનકાર નહીં કરું.  હું પહોંચ્યો છું તેમાં શાંતિ અને અહિંસાનો પ્રભાવ ઓછો નથી. તેનો પ્રભાવ જગતવ્યાપી છે. સરકારને આ બાબતમાં ધન્યવાદ જોઈએ તો લઇ શકે. કારણકે એક એકને પકડી લેવાની શક્તિ સરકારના હાથમાં છે. એમ છતાં આ શાંતિસેનાને પકડવાની હિંમત નથી ચાલી, એમ કહેવામાં પણ સરકારની સ્તુતિ આવી જાય છે. એવી સેનાને પકડતાં તેને શરમ લાગી. જે કૃત્યને પાડોશીઓ નિંદે, તે નિંદવા લાયક કામ કરતાં પણ માણસ શરમાય તો તે સભ્ય માણસ છે. જગતની નિંદાથી શરમાયને પણ જો અમને સરકારે નથી પકડયા, તો તેટલે અંશે પણ તેમને ધન્યવાદ ઘટે છે. આવતીકાલે મીઠાના કાયદાનો સવિનય ભંગ થશે એને પણ સાંખી લેશે કે નહીં તે નોખો સવાલ છે. જો સાંખી લેશે તો તમારે જાણવું કે મીઠાનો કર ગયો છે. પણ સરકારે આ ટુકડી વિષે જે ધીરજ અને શાંતિ રાખ્યાં, તે વિષે તો ધન્યવાદને પાત્ર ગણાશે.

આ લડતનું રહસ્ય સત્યાગ્રહ સર્વવ્યાપક બને એ છે. અત્યાર સુધીમાં લાખો માણસોએ મીઠાના કરનો સંદેશો સાંભળ્યો છે. હવે કદાચ સરકાર મને પકડશે  તો  પણ આ લડત અટકાવાની નથી બીજાં કામ હાલ ચાર પાંચ દિવસથી ગણાવી રહ્યો છું તેનો અમલ પણ જલાલપુર તાલુકામાં તરતોતરત થવો જોઈએ. દારૂ પીવામાં સુરત જિલ્લો પ્રખ્યાત છે અને તેમાંયે આ તાલુકો વધારે પ્રખ્યાત છે. આ તાલુકામાં જયારે આજે આત્મશુદ્ધિનો પવન વાઈ રહ્યો છે, ત્યારે દારૂ-તાડીનો સદંતર નાશ કરવો એ મુશ્કેલીનું કામ નથી.

જલાલપુર તાલુકામાં એકપણ માણસ વિદેશી વસ્ત્ર પહેરતો ન હોવો જોઈએ. દાંડીમાં આવનાર 'સ્વરાજયજ્ઞમાં ભાગ લેવા અને દેવા' આવે છે, એવી દાનતથી આવનાર હોવો જોઈએ.  

દાંડીની અંદર વિદેશી વસ્ત્રો પહેરીને આવશો તે મને ગમશે નહીં. દાંડીને આપણે યાત્રાનું ધામ કે પૂર્ણસ્વરાજનો કિલ્લો બનાવવા ઇચ્છતા હોઈએ તો બધાં ખાદી પહેરીને જ આવજો. અને તેમ છતાં કોઈ વિદેશી કાપડ પહેરનારા આવશે તો મારે દાંડીના નાકા ઉપર સ્વયંસેવકો બેસાડવા પડશે અને તેઓ તમને પગે લાગીને ખાદી પહેરવા વિનવશે. અને તેમ કરતાં તમને દુઃખ થશે અને થાપટ મારશો તો પણ એ સત્યાગ્રહીઓ તમારી થાપટ સહન કરશે.

દાંડીની પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની જ છે. જ્યાં અનાજ ન મળે, જ્યાં પીવાના પાણીના અભાવનો ભય હોય અને જ્યાં હજારો માણસો અગવડથી જ આવી શકે, જ્યાં પહોંચવા માટે સ્ટેશનથી દસ માઈલ દૂર આવવું પડતું હોય, પગપાળા ચાલનારને કાદવકીચડથી ભરેલી ખાડી ઓળંગવાની રહી હોય, એવી ખૂણે પડેલી જગ્યાએ સત્યાગ્રહનો મોરચો કેમ મંડાતો હશે ? પણ સાચી વાત જ એ છે કે, આ લડત જ સહન કરવાની છે. આ યુદ્ધ તો શાંતિનું છે. એમાં તમાશો નથી. તમાશો જોવો હોય તો સુરત-નવસારીમાં અનેક નાટકશાળાઓ અને સિનેમા છે. કાલે કદાચ હું અદશ્ય થાઉં, તો મારી જગ્યા આ ધોળી દાઢીએ (અબ્બાસ સાહેબ તૈયબજી) લેવાની છે. આજે એ મૂંગા બેઠા છે, પણ પછી તમારી સાથે વાતો કરનાર છે. 

આવતીકાલથી શરુ થતું અઠવાડિયું આત્મશુદ્ધિનું છે. તેમાં પુષ્કળ આત્મશુદ્ધિ કરજો અને સરકાર સામે નીડરતાથી વર્તજો. મીઠાના કાયદાનો ભંગ કરવામાં જોડાજો અથવા મદ્યનિષેધના કામમાં રોકાઈ જજો.  સાત દિવસ પછી સરકારની બીક ચાલી જવાની છે.

છેવટે હું પ્રાર્થના કરું છું કે જે વસ્તુ લેવા માટે અમે બહાર પડયા છીએ, તે પ્રાપ્ત કરવામાં અમને સહાય કરજો. આપણું ધ્યેય આપણને ખુબ જલ્દીથી પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરીને હું શાંત થાઉં છું. ગાંધીજી તો તે રાતે શાંતિથી પોઢી ગયા, પણ લોકોને બાપુની ધરપકડની દહેશતથી અનિદ્રા ઘેરી વળી. સૈનિક યાત્રી પૈકીના એક લેખક શ્રી હરિદાસ મજમુદારે ન્યુયોર્ક વસતા એક મિત્ર માટે સંદેશો આપવા ગાંધીજીને ખુબ આગ્રહ કર્યો, આથી તેમણે જગપ્રસિદ્ધ બનેલ સંદેશો લખી આપ્યો. I want world sympathy in this battle of right against might. સત્તાબળ સામે હક્ક માટેની આ લડતમાં હું આખી દુનિયાની સહાનુભૂતિ માગું છું.

જયારે સમગ્ર દેશ અને દુનિયાની નજર દાંડી ઉપર મંડાયેલી હતી ત્યારે છઠ્ઠી એપ્રિલનું મંગલ પ્રભાત ઊગ્યું.  સરકાર ગાંધીને રોકશે એવાં કોઈ ચિન્હો દાંડીમાં જણાતાં ન હતાં. ખાસ કોઈ પોલીસ બંદોબસ્ત પણ ન હતો. દાંડી સુધી વાહન લઇ જવાની કોઈ શક્યતા ન હતી આથી જો બાપુની ધરપકડ થાય તો પણ કમસેકમ ચાર માઈલ કાદવમાં ચાલીને જવું પડે. આથી સવિનય કાનૂનભંગ કરવામાં કોઈ ખાસ વિઘ્ન દેખાતું ન હતું.

સાબરમતીથી પ્રસ્થાનનો સમય સવારે ૬-૨૦ નો હતો કદાચ આથી જ દાંડીમાં સત્યાગ્રહ માટે આ સમય ઠરાવ્યો હતો. પ્રાતઃકાળેબાપુ એમના સાથીઓ સાથે સમુદ્રસ્નાન કરી પરત આવ્યા. બરાબર 'સૈફીવીલા' ની સામે જે કુદરતી મીઠું પાકેલું હતું તે ઉપાડીને સત્યાગ્રહ કરવાનો હતો પરંતુ આ મીઠાવાળી જગ્યા ઉપર સરકારે માણસો લાવી કાદવ અને મીઠું એક કરી દીધું હતું. સદનસીબે એક સ્થાનિક કાર્યકર, નામે છીબુભાઈ કેશવજી પટેલે એક ખાડામાં રહેલા મીઠા ઉપર ઝાડના પાન નાખી તેને ઢાંકી દીધું હતું. તેમણે ગાંધીજીને આ મીઠું બતાવ્યું. અને ગાંધીજીએ વાંકા વળી ચપટી મીઠું ઉપાડયું. આસપાસના લોકોએ ગગનભેદી પોકાર કર્યા, "નમક કા કાનૂન તોડ દિયા !" (અહીં એક જુદો રેફેરન્સ પણ છે. ગાંધી વિચાર અને કાર્યના પ્રણેતા દિલખુશભાઈ દીવાનજીએ એક વાર કહેલું કે, બાપુએ જયારે મીઠું ઉપાડયું ત્યારે લોકો શાંતિથી રામધૂન ગાતા હતા. શક્ય છે જે લોકો ગાંધીજીથી થોડે દૂરના અંતરે હતા તેઓ રામધૂન ગાતા પણ હોય.)

ચપટી મીઠું લઇ યજ્ઞપુરુષ ગાંધીએ ભવિષ્યવાણી ઉચ્ચારી;" બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું."  દાંડીની આસપાસ કુદરતી મીઠું ઠેર ઠેર પાકેલું હતું એટલે બાકીના સત્યાગ્રહીઓએ તે લૂંટીને કાનૂનભંગ શરુ કર્યો.દેશભરમાં મીઠાના સફળ સત્યાગ્રહના સમાચાર વાયુવેગે ફરી વળ્યા અને દેશના ખૂણે ખૂણે આંદોલન સક્રિય બની ગયું.

બીજે દિવસે આટ ગામમાં લોકોએ મીઠું ઉપાડયું અને પોલીસે અત્યાચાર કર્યો. તે દિવસે ગાંધીજીનો મૌનવાર હોવાથી ત્યાં અબબાસ તૈયબજી અને સરોજિની નાયડુ ગયાં.

દાંડીમાં તાર-ટપાલની કોઈ સગવડ નહીં, રસ્તા નહીં, કાદવ અને કીચડ ખૂંદીને મટવાડ સુધી જવું પડે આવી પરિસ્થિતિને કારણે દેશ અને દુનિયા સાથે જોડાઈ રહેવા માટે ગાંધીજી સત્યાગ્રહ કેમ્પ દાંડીથી ખસેડી કરાડી લઇ ગયા. ત્યાં તળાવ કિનારે ખજૂરીના પાનની સાદી ઝૂંપડી બનાવી બાપુ ત્યાં રહ્યા.( હાલ ત્યાં ગાંધી સ્મૃતિ મંદિર છે) 

૧૩મી એપ્રિલે દાંડીમાં ગુજરાતની સ્ત્રીઓની પરિષદ બોલાવી.ટૂંકી નોટિસ અને અવરજવરની અગવડને કારણે દાંડીની આ સભામાં ગુજરાતનાં ઘણા બહેનો આવી ન શક્યાં આથી બીજી સભા ૧૬મી એપ્રિલે વિજલપુરમાં રાખવામાં આવી. વિજલપુરની પરિષદમાં ભાગ લઇ ૧૬મી તારીખે ગાંધીજીએ દાંડી છોડયું પછી ફરી ક્યારેય દાંડી આવી ન શક્યા.

ચોથી મે ની રાત્રીએ સરકારે ગાંધીજીની કરાડીની ઝૂંપડીમાંથી ધરપકડ કરી. તેમને ગાડીમાં બેસાડી નવસારી લઇ જવાને બદલે હાલ જ્યાં ગાંધી ગેટ રેલવે સ્ટેશન છે ત્યાં ફાટક આગળ મુંબઈ જતી ફ્રન્ટિયર મેલ ટ્રેનને ઉભી રાખી ગાંધીજીને તેમાં બેસાડી યરવડા જેલમાં મોકલી આપ્યા.

દેશને સ્વરાજ મળ્યું તેના અનેક પરિબળોમાં દાંડીકૂચ આગવું સ્થાન ધરાવે છે. આ સત્યાગ્રહ થકી દેશ જાગ્યો, એક પ્લેટફોર્મ પર ભેગો થયો. સામાન્ય પ્રજાજનમાં પણ આત્મગૌરવ પ્રગટ્યું. ગુલામીમાંથી મુક્ત થઇ જીવવાનો સાચો જીવનમંત્ર દેશમાં પ્રથમ વાર રજુ થયો.  ૧૯૩૦ની સાલમાં બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતને લાગેલા લુણાએ એને છેક ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે ધરાશાયી કરી.

 

 

દાંડીમાં મહાત્મા ગાંધી સાથે અબ્બાસ સાહેબ તૈયબજી.

****

હવે મેં સાંભળેલી કેટલીક વિગતો રજુ કરું છું જે ૧૯૩૦ની આસપાસના વર્ષોમાં લોકોનું માનસ, જાણકારી, શિક્ષણ અને સમજણ બાબતે પ્રકાશ પાડશે.

૧. ગાંધીજી દાંડી આવ્યા તે પહેલાં પણ  તેઓ દેશના લોકો માટે જાણીતી વ્યક્તિ બની ચુક્યા હતા. છતાં ત્યારે શિક્ષણનું પ્રમાણ બિકુલ નહીંવત અને અંધશ્રદ્ધા પુષ્કળ. કેટલીક સ્ત્રીઓને માતાજી આવતાં. કોઈ સ્ત્રી ધુણતી. એક સ્ત્રીને ગાંધીજી આવતા. ધૂણી ધૂણી ને તે ગાંધીજીનું નામ લેતી. આથી ઘણા લોકો ગાંધીજીને દેવતા માનતા. જયારે તેઓ દાંડી આવ્યા ત્યારે ઘણા લોકોને ખબર પડી કે ગાંધીજી દેવતા નથી પણ માણસ છે. અને ગાંધીજીને નામે ધુણતી સ્ત્રી ખોટી હતી. કમ સે કમ જીવતો માણસ કોઈને કેવી રીતે ‘આવી’ શકે ???? 

૨. લગભગ ૧૯૨૯-30ની સાલની વાત છે. કાંઠાના કેટલાંક ગામના ઘરોના મોભ ઉપર ગાંધીજી દેખાતા. સુરજ આથમે એટલે દેખાય. જેને ન દેખાય તેને 'મેલો માણસ' ગણવામાં આવે. આથી જે કોઈ ડોકિયું કરે તેણે કશું જ ન દેખાતું હોવા છતાં દેખાયું હોવાનો ડોળ કરવો પડે. કોઈને તકલી તો કોઈને ચરખો કાંતતા ગાંધીજી દેખાય. પણ ૧૯૩૦ની દાંડીકૂચ પછી આવાં  નાટકો બંધ થયાં. ટૂંકમાં અજ્ઞાનતા કેટલી વધારે હતી તેનો ખ્યાલ આવે છે.

૩. પાંચમી એપ્રિલ ૧૯૩૦ના દિવસે પણ કેટલાક લોકો એવા હતા જેઓ પૂછતા કે, 'ભાઈ આજે કોઈ લગન છે કે શું ? આટલા બધા માણસો દાંડી તરફ કેમ જાય છે ?' એમને સત્યાગ્રહ વિષે કોઈ જ માહિતી ન હતી. એટલે  કહી શકાય કે અજ્ઞાનતા, અશિક્ષણ અને કોમ્યુનિકેશન નો અભાવ.

 

 

યુ ટ્યુબ ઉપર દાંડીકૂચ અંગેના નીચે મુજબ વિડિઓ ઉપલબ્ધ છે.

Mahatma Gandhi Dandi March Original Video

The Great Salt March (Part I)

The Great Salt March (Part II)

1930: The March: Gandhi

Dandi March

Footage - Events - Salt Satyagraha - 1930 April, #01

Footage - Gandhi - 1930 April, #02

DANDIYATRA

Gandhi's Salt March

The Salt March

Mahatma Gandhi - Footage - 1930 April 7, #01 (events, salt satyagraha) - Google Video.flv

Salt Satyagraha, April 1930

Footage - Gandhi - 1930 April

Footage - Events - Salt Satyagraha - 1930 April, #03

Footage - Gandhi - 1930 March, #03

Footage - Events - Salt Satyagraha - 1930 April, #04

Footage - Gandhi - 1930 March 12, #01

No comments:

Post a Comment