Sunday, April 6, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 22 ધાર્મિક સ્થાન

 

22. ધાર્મિક સ્થાન

સંપૂર્ણ બિન ઉજળિયાત વસ્તી ધરાવતા દાંડી ગામમાં, હિન્દુ અને મુસ્લિમ ધર્મસ્થાનો આવેલાં છે. નાત જાતના કોઈપણ ભેદભાવ વિના મંદિરો અને દરગાહ પર ભક્તોને આવકાર મળે છે.

રાધાકૃષ્ણ મંદિર

એવું કહેવાય છે કે કોળી પ્રજાના પોતપોતાના દેવ, કુળદેવતા કે કુળદેવી હતાં. જેને દેવલાં કહેવાતાં. તે ઉપરાંત શિવલિંગ અને હનુમાનજીની પૂજા થતી.

એવી વાત મળી છે કે દેવાફળીયાનાં એક કુટુંબે પહાડ તરીકે ઓળખાતા દાંડીના એક ટેકરા ઉપર આવેલા પોતાના ખેતરમાં એક પથ્થરને હનુમાનજીનું રૂપ આપી તેની પૂજા શરુ કરી. પછી ત્યાં નાનકડી દેરી બનાવી. જે હનુમાનજીની દેરી તરીકે ગામમાં ઓળખાતી થઇ. ધીમે ધીમે લોકોની શ્રધ્ધા વધી અને સંખ્યા પણ વધતી રહી.

નરસિંહભાઇ નાનાભાઈ એમનાં સંભારણામાં જણાવે છે કે; તેઓ જન્માષ્ટમી વેળા કોકના ઘરના ઓટલા ઉપર બેસીને કીર્તન કરતા. આનો અર્થ એ થયો કે હનુમાનજીની દેરીમાં આવો કાર્યક્રમ થઇ શકે એવી સગવડ ન હતી.

લગભગ 1965માં રાધાકૃષ્ણ મંદિર બન્યું. આ મંદિરના નાનકડા સંકુલમાં બે ભાગ હતા. એક જુના ભાગમાં હનુમાનજી અને નવા ભાગમાં રાધાકૃષ્ણની મુખ્ય મૂર્તિ ઉપરાંત જલારામબાપા અને અન્ય બે ત્રણ મૂર્તિઓ હતી. લગભગ 1980ની આસપાસ આ બે મંદિરોની વચ્ચેની જગ્યાએ શિવલીંગની સ્થાપના થઇ.

લગભગ એ જ અરસામાં ગામના આગેવાનોએ ‘રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ’ ની સ્થાપના કરી. એના પ્રથમ પ્રમુખ પી.કે.દાસ હોવા જોઈએ. ક્યારેક નરસિંહભાઇ નાનાભાઈ, કેશવભાઈ નાનાભાઈ, અમૃતભાઈ મકનજી, દયાળજી મોરારજી, પરિમલભાઈ અમૃતભાઈ વગેરે પણ પ્રમુખ હતા. ટ્રસ્ટ રચવાનું મુખ્ય કારણ નાણાકીય વહીવટ સ્વચ્છ અને પારદર્શક રહે એ જ હતું. સમય જતાં, ગામમાં કાર્યકર્તાઓનો અભાવ ઉભો થતાં ટ્રસ્ટ પોતે સગવડને બદલે અગવડ બનતું જાય છે.

આ મંદિર પણ જીર્ણ થતાં નવું સારું મંદિર બનવું જોઈએ એવી લાગણી જોર પકડતી ગઈ. એ વિચાર વિદેશમાં પણ વહેતો થયો. દેશ અને પરદેશમાં ફંડ ઉઘરાવવાનું શરુ થયું. દાનની સરવાણી વહી. જોતજોતામાં પચાસ લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમ મળી ગઈ. વર્ષ ……માં  જૂનું મંદિર તોડીને નવા મંદિરનું બાંધકામ શરુ થયું અને વર્ષ ………માં પ્રાણપ્રતિષ્ઠા પણ થઇ ગઈ.

મંદિરના પાછળના ભાગમાં શાંતુભાઇ હીરાભાઈ પટેલ તરફથી લગભગ અગિયાર લાખ રૂપિયાને ખર્ચે એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં લગ્ન, એન્ગેજમેન્ટ, સભાઓ, જન્મદિનની ઉજવણી જેવા સામાજિક, અંગત, અને ધાર્મિક કાર્યક્રમો પણ થાય છે. એક દાતા તરફથી પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવી છે. રસોડું પણ ઉપલબ્ધ છે.

નવરાત્રી એક ધાર્મિક ઉત્સવ છે. ગામનાં દરેક ફળિયામાં નવરાતના ગરબા રમાતા. વિનય મંદિર બન્યા પછી ત્રણ-ચાર વર્ષ એના મેદાનમાં અને પછી કાયમ માટે શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ગરબા રમવાનું શરુ થયું. જે કેટલાક અપવાદો સિવાય હજુ પણ ચાલુ છે.

જ્યારથી મંદિરની સ્થાપના થઇ ત્યારથી કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાતી રહી છે. સમય અને સંજોગો અનુસાર તેમાં કેટલાક ફેરફાર આવ્યા પરંતુ આ ઉત્સવ પ્રત્યે લોકોની ઊંડી લાગણી હોવાથી ઉજવણીમાં કોઈ કચાશ આવી નથી.

મારા માનવા પ્રમાણે મંદિરના હોલનો પૂરતો ઉપયોગ થતો નથી. સંચાલકોએ થોડી વેપારી કુનેહ કેળવીને ભાડામાંથી ટ્રસ્ટની આવક મેળવી લેવી જોઈએ. પાણીના અભાવ, સ્વચ્છતા, મજૂરોની અછત વગેરે પ્રશ્નોને કારણે હોલનો ઉપયોગ સીમિત બન્યો છે. જો વ્યવસ્થિત આયોજન થાય તો બહારગામના માણસોને આ હોલ ભાડે આપવાથી તેઓ તેમના લગ્ન, બર્થ ડે જેવા સામાજિક કે પૂજા, કથા જેવા ધાર્મિક પ્રસંગો અહીં ગોઠવી શકે. ટ્રસ્ટની આવક ઉભી થાય. પછી દાન કે લોકફાળાની જરૂર ન રહે.

હવે લોકો પાસે વાહનોની સંખ્યા ઘણી વધારે હોવાથી વધુ મોટા પાર્કિંગ લોટની પણ જરૂર છે. સંચાલકોએ બાજુના ખારા તળાવને પૂરીને ત્યાં આ સગવડ ઉભી કરવી પડશે એવું મને લાગે છે.

અગાસીમાતા મંદિર

ગામની ઉત્તર દિશામાં દરિયા કિનારે માલણ તરીકે જાણીતા વિસ્તારમાં અગાસીમાતાનું સ્થાનક છે. ત્યાં કરંજના ઝાડની નીચે એક પથ્થર હતો. તેને અગાસીમાતા ગણવામાં આવતું. બાજુમાં જ અમારું વાલ-પાપડીનું ખેતર હતું, આથી અહીં થતી ક્રિયા-પ્રક્રિયા મેં નજરે જોયેલી છે. ભાવિકો પોતાની માનતા કે બાધા ચડાવવા માટે અહીં આવતા. બાધામાં મોટેભાગે નાળિયેર હોય અથવા જીવતો મરઘો હોય. નાળિયેર ફોડી, તેનો પ્રસાદ ધરાવી, બાકીનું નાળિયેર ભાવિક લઇ જાય. મરઘાને છૂટો મૂકી દેવામાં આવે.

અગાસીમાતા વિષે મને ખાસ જાણકારી નથી પરંતુ તેનાં મંદિરો ઘણાં છે. મટવાડ, જલાલપુર, બારડોલી વગેરે.  યુટ્યુબ ઉપર માનતા પુરી કરવામાં મરઘો ચડાવતા હોવાનો વિડીયો ઉપલબ્ધ છે.

ધુલીયા રોડ, બારડોલી ખાતે આવેલ અગાસીમાતાના મંદિરના ઇતિહાસ મુજબ અગાસીમાતાનું મૂળ નામ ‘અઘનાશીમાતા’ છે. અઘન એટલે દુઃખ. અને દુઃખ નો નાશ કરનારી દેવી તે અઘનાશીદેવી અથવા અઘનાશીમાતા. જે કાળક્રમે અપભ્રંશ થઈને અગાસીમાતા થયાં.

જે જાતિઓ ચાંપાનેરથી પરાજિત થઈને દક્ષિણ તરફ ભાગી તે પૈકીની એક તે કોળી. આ લોકો પોતાની કુળદેવી ગણાતી અગાસીમાતાને પણ પોતાની સાથે લેતા આવ્યા. અને જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં અગાસીમાતાની સ્થાપના કરી. આમ જોવા જઈએ તો અગાસીમાતા એ વન્યદેવી છે. પરંતુ પ્રાકૃતિક ધર્મ અને સનાતન ધર્મનું સંયોજન એવું રચાયું કે હિન્દુ સંસ્કૃતિમાં હવે એમને છૂટાં પાડવાનું અઘરું છે. એક તરફ અગાસીમાતા અઘનાશી છે, વન્યદેવી છે. તો વળી તેને જ આદ્યશક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અગાસીમાતાના મંદિરોની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં વધારે છે.

આપણા પૂર્વજો ચાંપાનેર વિસ્તારથી આવ્યા હતા તેની સાબિતીરૂપ આપણું અગાસીમાતાનું સ્થાનક છે. આમ એનું ઐતિહાસિક મહત્વ છે. આ સ્થાનકને ગામથી આટલું દૂર શા માટે રાખ્યું હશે તેની કલ્પના કરવી અઘરી છે. છતાં કદાચ એવું હોય શકે કે આ વન્યદેવી હોવાથી ગામથી દૂર વનવગડામાં સ્થાપિત કરવામાં આવી હોય. વળી વસતિથી દૂર હોવાથી વિધર્મીઓના આક્રમણ સામે એને સહેલાયથી છુપાવી અને બચાવી શકાય. એની સ્થાપના વખતે ખાસ કરીને મુસલમાનોના આક્રમણનો ખ્યાલ રખાયો હોવો જોઈએ. કારણ કે મહંમદ બેગડા સામે હારીને ભાગેલા આ સૈનિકોના મનમાં પોતાના ધાર્મિક સ્થાનકોના નાશ અને ધર્માંતરણનો ડર અચૂક રહ્યો હશે. મારા અંદાજ મુજબ આ સ્થાનક દાંડી ગામની સ્થાપનાના સમયથી જ અસ્તિત્વમાં આવ્યું હોવું જોઈએ. અને એવું હોય તો એ ગામનું સૌથી જૂનું ધાર્મિક સ્થાનક છે.

બીજી એક શક્યતા એ છે કે, જો ઓરીજીનલ દાંડીના ટાપુને દરિયો ભરખી ગયો હોય તો આ ઓરીજીનલ દાંડીની નજીકના માલણ વાળા ટાપુ ઉપર અગાસીમાતાનું સ્થાનક રખાયું હોય. ટૂંકમાં માતાનું સ્થાનક ત્યાં નું ત્યાં જ રહ્યું પરંતુ દાંડી ગામનું સ્થાન ડૂબેલા ટાપુથી બદલાઈને હાલના બે ટાપુ પર સ્થળાંતરિત થયું. જો કે આ કે મારી કલ્પના છે. કલ્પના અને હકીકત ક્યારેક એક બીજાની ખુબ નજીક હોય, તો કે ક્યારેક ખુબ દૂર.

કરંજના ઝાડ નીચે આ પવિત્ર જગ્યાએ એક પથ્થર સિવાય કશું જ ન હતું. મને મળેલી માહિતી મુજબ તળાવ ફળીયાના નારણભાઇ ભાણાભાઈને આ સ્થાનક ઉપર ભારે શ્રદ્ધા હતી. તેમણે અહીં વર્ષ . ..  માંએક નાનકડી દેરી બનાવડાવેલી. ત્યારપછી લગભગ ભુલાતા જતા આ સ્થાનકનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે અહીં ઉજાણી અને પૂજા પણ થવા લાગી. ઉજાણીમાં માંસાહાર અને શરાબને પણ સ્થાન હતું. આ બાબતમાં કોઈ નાનમ કે શરમ અનુભવવાની જરૂર નથી. કારણ કે કોળી લોકો પ્રકૃતિના પૂજક છે અને હતા. માંસાહાર અને શરાબ સેવન એમના જીવનના અભિન્ન અંગે અંગો હતા. હજુ પણ આપણે વેજિટેરિયન નથી.

આવી જ એક ઉજાણી દરમ્યાન ગામના કેટલાક માણસોને અહીં એક મંદિર બનાવવું જોઈએ એવો વિચાર આવ્યો. એ પૈકીના એક કાંતિભાઈ દાજીભાઈએ મને જણાવેલું કે; સ્થળ ઉપર જ લગભગ એકાદ લાખ રુપિયાના દાનની જાહેરાત થઇ ગઈ. અને એ વિચારને અમલમાં આવતાં બે વર્ષ કરતાં પણ ઓછો સમય લાગ્યો. આજે ત્યાં સરસ મંદિર બની ગયું છે. વળી કોસ્ટલ હાઈવે થી એ જોડાઈ પણ જશે.

આ મંદિરની વ્યવસ્થાપક કમિટીએ હવે નિર્ણય કર્યો છે કે, ત્યાં બાધા કે માનતા ચડાવતી વખતે મરઘાને બદલે માત્ર નાળિયેર વધેરવું. ઉપરાંત ઉજાણીમાં પણ માંસાહાર અને શરાબ સેવનની બાદબાકી કરવી. આ નિયમ આપણી જૂની સંસ્કૃતિ થી વિરુદ્ધ હોવા છતાં અપનાવવો જરૂરી છે, જેથી નવી સંસ્કૃતિ, સભ્યતા અને ધાર્મિક આસ્થા નો ત્રિવેણી સંગમ જળવાય રહે.

તે જ રીતે સિંધ પ્રાંતથી આવેલ પ્રજાએ પોતાની કુળદેવીની સ્થાપના કરી, જેને સિંધવાળી માતા કહેવાઈ. સમય જતાં અપભ્રંશ થઈને તેનું ‘સિંધવાઇ માતા’ થયું. આવું એક સ્થાનક આપણા અગાસીમાતાના સ્થાનકથી ઉત્તરે લગભગ બે થી ત્રણ કિલોમીટર દૂર પૂર્ણા નદીના કિનારે છે. આ ઐતિહાસિક સ્થાનક પણ કાંઠામાં વસતાં કેટલાંક કુટુંબો સિંધથી આવ્યાં હોવાની ગવાહી પુરે છે.

અન્ય સ્થાનકો

ગામી તળાવના ઈશાન ખૂણામાં તળાવ ફળિયામાં એક નાનકડું મંદિર છે. જેને ખત્રી બાપાનું મંદિર કહેવાય છે. આ મંદિર બાબતે ગામલોકોમાં કોઈ ખાસ આસ્થા જણાઈ નથી. પરંતુ મળેલ માહિતી મુજબ અવાર નવાર નવસારીથી કેટલાંક વણિક કુટુંબો અહીં આવીને પૂજા કરે છે. તેમના પૂર્વજોનું આ મંદિર છે. પરંતુ એઓ તેઓ અહીં ક્યારે અને શા માટે રહેતા હતા તેની માહિતી મળેલ નથી.

ગામમાં લગ્ન પછી બીજે દિવસે નવદંપતિ લગ્ન પ્રસંગમાં વપરાયેલ હાર, ગજરા વગેરે સાથે ફૂલો અને નાળિયેર લઈને જે જગ્યાએ જાય છે એ જગ્યા સ્વરાજ ફળિયામાં આવેલ છે. લગભગ 1990-95 સુધી આ જગ્યા એટલે બોરડીના ઝાડનું થડિયું. અને આ ફૂલો મુકવાની વિધિને ‘દોષી  મુકવા’નો વિધિ ગણાય છે. લગ્ન પ્રસંગ દરમ્યાન થયેલ ભૂલો અને દોષોના શમન માટે કરાતી આ વિધિને અજ્ઞાનતાને કારણે ‘ડોશી’ મુકવાનો વિધિ કહે છે.

કહેવાય છે કે આજથી સાંઠ સિત્તેર વર્ષ પહેલાં લગ્નની જાન પરગામ જાય એ કે પરગામની જાન દાંડી આવે ત્યારે બંને ગામના યુવાનો વચ્ચે મારામારી થવી એ તદ્દન સ્વાભાવિક હતું. વાંકડો,પહેરામણી વગેરે બાબતે પણ ઉગ્રતા જોવા મળતી. લગ્નગીતોના ફટાણાં ને કારણે પણ ઝગડા થતા. આવા દોષો દંપતીના ભાવિ જીવનમાં પરેશાનીરૂપ ન થાય એ માટે આ સ્થાનકે જઈને જૂનાં ફૂલોને ત્યાં મૂકીને તમામ દોષનો ટોપલો ભગવાનને ધરી માફી માંગી લેવાની અને આશીર્વાદ મેળવી લેવાની આ એક પ્રથા છે.

છીમાભાઈ જસમતભાઈએ પોતાના વાડામાં પ્લોટ પાડી તે જમીન વેચી દીધી. આજે આ વાડામાં એક સોસાયટી જેટલાં મકાનો છે. જેમના પ્લોટમાં આ પવિત્ર બોરડીનું ઝાડ આવ્યું તેમણે તે જગ્યાએ નાનકડી દેરી બનાવી છે. હવે નવદંપતી દોષનું નિવારણ બોરડીના થડિયાંને બદલે નવી બનેલી દેરીમાં કરે છે.

પહાડ તરીકે ઓળખાતા વિસ્તરામાં રેવા માતાની નાનકડી દેરી છે. રેવા એટલે નર્મદા. સંભવ છે જે કુટુંબો નર્મદા વિસ્તારમાંથી અહીં સ્થળાંતર પામ્યાં તેઓ પોતાની સાથે પોતાની કુળદેવી ‘’રેવા માતાને સાથે લાવ્યાં હોય.

દેસાઈ ફળિયામાં ‘રાંદલમાતા’નું સ્થાનક છે. રાંદલમાતાનો સંબંધ સૌરાષ્ટ્રના ગોંડલ વિસ્તાર સાથે છે. કોઈ કુટુંબ ગોંડલ વિસ્તારથી પણ આવ્યું હોઈ શકે.

થોડા સમય પહેલાં દેસાઈ ફળિયામાં શીવલાલ મકનજીના વાડામાંથી શિવલિંગ મળ્યું. હવે તેની પણ પૂજા થઇ રહી છે. આ સ્થાને પહેલાં દેસાઈ કુટુંબોનો વસવાટ હતો. વર્ષો પહેલાં આ કુટુંબો ગામ છોડી ગયેલાં. સંભવ છે એમણે ગામ છોડયું ત્યારે આ શિવલિંગ જ્યાં હતું ત્યાં જ રહેવા દીધું હોય.

 

હજાણી દરગાહ

એનો વિગતવાર ઇતિહાસ હજાણી દરગાહના મુલ્લાંજીની ઓફિસેથી મળી શકે છે. અહીં એનો બહુ ટૂંકમાં ઉલ્લેખ કરીએ.

વર્ષો પહેલાં જયારે દાંડીમાં ખુબ ઓછી વસ્તી હતી, વાહનવ્યવહારનાં કોઈ સાધન ન હતાં ત્યારે દરિયા કિનારે બે સ્ત્રીઓની લાશ આવી. તે જ રાતે વાઘા ફળિયાના કોક વૃદ્ધને સ્વપ્નમાં દેખાયું કે મક્કા મદીનાની હજ કરીને પાછા ફરતાં બે મુસ્લિમ બહેનો જે વહાણમાં સફર કરતાં હતાં તે ડૂબી ગયું. અને તેના તમામ મુસાફરો પણ ડૂબી ગયા છે. માત્ર આ બે હાજી બહેનોનાં શબ કોક લાકડાંને સહારે દાંડીના દરિયા કિનારા સુધી આવ્યાં છે. તમારે હવે એને સારી કુંવારી જગ્યા શોધીને દફનાવવાનાં છે. આ જ સંકેત સ્વપ્ન મારફત નવસારીના એક મુંજાવરને પણ કરવામાં આવેલ છે.

આ ભાઈ દરિયા કિનારે પહોંચ્યા ત્યારે શબ પાછાં દરિયાનાં પાણીમાં તરતાં દેખાયાં. તરત બંને શબને બહાર કાઢી કિનારાની ઊંચી જગ્યાએ રેતીમાં દાટી દીધાં. પછી સ્વપ્નના આદેશ મુજબ મુંજાવરને શોધવા નવસારી ગયા. મુંજવર મળી ગયા. પછી સ્વપ્નની વાતો થઇ. પછી બંને જણા દાંડી આવ્યા. થોડા સમય બાદ આ દફનાવેલ જગ્યાએ લોખંડના પતરાંનો શેડ ઉભો કરાયો. પરંતુ તેમને આટલાથી સંતોષ ન થયો. આથી ગામમાં જગ્યા શોધવામાં આવી. વાઘા ફળિયાના લોકોએ દાનમાં એ જમીન દરગાહ બનાવવા માટે આપી. પછીથી આ બંને શબ દરિયા કિનારે જ્યાં દફનાવ્યાં હતાં ત્યાંથી લાવી ફરીથી વિધિસર નવી જગ્યાએ દફનાવ્યાં. અને પછી ત્યાં દરગાહ બનાવવામાં આવી. આજે તે હજાણીબીબીની દરગાહ તરીકે ઓળખાય છે.

દરગાહની હદની ફરતે લોખંડનાં પતરાંની વાડ બનાવી. અને પૂર્વ પશ્ચિમ એમ બે દરવાજા રાખ્યા. ત્રીજો દરવાજો ઉત્તરમાં કાળાફળીયામાં જશુભાઈ ફકીરભાઈના ઘર તરફ હતો. વચ્ચે એક મોટું તળાવ ખોદાવ્યું. તેની પાળે એક કૂવો બાંધ્યો. અને યાત્રીઓ માટે રહેવાની ઓરડી બાંધી. દેખરેખ માટે કાયમી ધોરણે મુંજાવર ને રાખ્યો. કેમ્પસના મધ્યમાં એક ઊંચો થાંભલો ઊભો કર્યો. તેની ટોચે દરરોજ સળગતું ફાનસ ચડાવાતું. આ ફાનસ દૂરથી દેખાતું. જેનાથી સામાપુર, આટ, ઓંજલ તરફથી રાત્રે આવનારને દિશાસૂચન મળતું.

કેમ્પસમાં લોખંડના મોટા માંચડા વાળો બગીચો હતો. આ માંચડા ઉપર સુગંધિત ચમેલીની વેલ પથરાયેલી રહેતી. તેનાથી રાત્રે આખા કેમ્પસ તથા કેમ્પસ બહાર પણ સુગંધ ફેલાતી. સવાર-સાંજ નિશ્ચિત સમયે મુંજાવર ઢોલકું વગાડતો, જેનો નાદ આખા ગામમાં પહોંચતો. હજાણીના કેમ્પસનું મુખ્ય પ્રવેશદ્વાર ખુબ ઊંચું, મોટું અને નકશીદાર બારણાં વાળું હતું. દાંડીમાં પ્રવેશવાનો આ મુખ્ય રસ્તો હતો. બાજુમાં બચુમિયાંની દુકાન હતી. જનરલ સ્ટોર જેવી. ગામની આ મુખ્ય દુકાન હતી. સાંજ પડયે એની ઘરાકી જોવા જેવી હતી. આજે આ દુકાન અબ્બાસભાઈનું કુટુંબ “હાતીમસ્ટોર્સ”ને નામે ખુબ સરસ રીતે ચલાવે છે.

હજાણી દેવસ્થાનનો આજે પણ એટલો પ્રભાવ છે કે સારા-માઠા પ્રસંગે ગામનાં હિન્દૂ લોકો પણ એની બાધા રાખે છે અને ચઢાવે છે ! આ હિન્દુ -મુસલમાન એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

આજથી ઓછામાં ઓછાં દોઢસો-બસો વર્ષ પહેલાં કે જયારે ગામમાં બારે માસ પાણીના દુકાળની પરિસ્થિતિ હતી. સાયકલ પણ ચલાવી શકાય તેવા રસ્તા નહીં. ઈંટ વાળું કોઈ પાકું મકાન નહીં. માલસામાનની હેરાફેરીથી લઇ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓનો સદંતર અભાવ. એવા વિપરીત સમયગાળામાં પણ હજાણીનું કેમ્પસ બન્યું.

       કેમ્પસની ફરતે લોખંડનાં પતરાંની વાડ.

       પૂર્વ પશ્ચિમ બે દરવાજા.

       પૂર્વનો દરવાજો રજવાડાંના મહેલ જેવો. 25 ફૂટ ઊંચો અને 20 ફૂટ પહોળો. મોટાં વાહન આવે ત્યારે જ તે ખુલે. લોકોની અવાર જવર માટે દરવાજામાં જ એક નાનો બારી જેવો બીજો દરવાજો.

       ગેટની બાજુમાં બચુની દુકાન ને નામે પ્રખ્યાત એક જનરલ સ્ટોર. આ એક જ દુકાન જેમાં તમામ ઘરઘથ્થુ જરૂરી વપરાશની વસ્તુઓ મળે.

       આખા કેમ્પસનું અદભુત પ્લાનીંગ.

       વચ્ચે 40 X 40 ફૂટનો લોખંડના થાંભલા અને પટ્ટી વાળો મંચ.  તેના પર ચમેલીની વેલી ચડાવેલ. જેની સુગંધ આજુબાજુના રહેઠાણ વિસ્તારમાં ફેલાતી.

       ચમેલીની વેલ નીચે પાણીનો નળ અને બેસવા માટે બાંકડા.

       મુસ્લિમ યાત્રાળુઓ માટે પાકાં મકાન.

       નૈઋત્ય છેડે એક તળાવ અને તેની પાળે કૂવો.

       વચ્ચે મુંજાવરનું નિવાસસ્થાન.

       રોજ નિયમિત સમયે નમાજ અદા થાય, બાંગ પોકારાય અને નગારું વગાડાય.

       કેમ્પસની મધ્યમાં હાજાણીબીબીની કબર અને તેના પર ભવ્ય કલાત્મક દરગાહ.

ગામમાં એ સમયે એક પણ મંદિર ન હતું. ફક્ત ગામી તળાવની પશ્ચિમ દિશાની પાળ ઉપર વ્યવસ્થિત મૂર્તિ પણ ન કહી શકાય એવો પથ્થર હતો. તે પણ ખાનગી માલિકીનો. તેને જ હનુમાનજી ગણીને પૂજા થતી. ગામમાંથી બહુ ઓછા લોકો પૂજા કરતા. તે સમયે ગામના હિન્દુ કોળી લોકોની આસ્થાનું કેન્દ્ર હજાણીબીબીની દરગાહ હતું. લોકો બાધા રાખતા તે પણ હજાણીબીબીની.

દાંડી ગામથી લગ્ન માટે જાન પરગામ જાય ત્યારે વરરાજા આશીર્વાદ લેવા માટે હજાણી દરગાહ આવે. અને લગ્નના બીજા દિવસે વરવધુ સજોડે આવે. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે.

દર વર્ષે હજાણીમાં ઉર્સ ભરાય. ખાસ કરીને સુરત અને મુંબઈથી વહોરા મુલિમો મુસ્લિમો સેંકડો કે હજારોની સંખ્યામાં આવે. તે દિવસે તેમની વસ્તી ગામની કુલ વસ્તી કરતાં પણ ઘણી વધી જાય. ચાર પાંચ દિવસ ઉર્સ ચાલે. તાજીયાં પણ નીકળે.

કેમ્પસની વચ્ચે એક મોટા લાકડાંના થાંભલા પર રાતે ફાનસ ચડાવાતું. જે પગપાળા મુસાફરી કરનાર માટે દીવાદાંડી સમાન હતું. ઉર્સ ચાલે એટલા દિવસ ગામલોકોને દૂધ, ઘી, શાકભાજી, ઈંડાં, મચ્છી, મરઘાં વગેરેના વેચાણથી ઠીક ઠીક આવક થતી.

આટલાં વર્ષો થયાં પરંતુ કે ક્યારેય હિન્દુ -મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય નથી થયું. કે કોઈ ભેદભાવ નથી દેખાયો. આ મઝાર કોમી એકતાનું અનોખું ઉદાહરણ છે.

આજે તો હવે એનું ટ્રસ્ટ રચાયું છે. પુષ્કળ પૈસો આવે છે. જુનાં મકાનો તોડી નવાં આધુનિક સુવિધા વાળાં મકાનો બન્યાં છે. હજારો મુસ્લિમો દર વર્ષે દાંડી યાત્રાએ પધારે છે.

થોડા વર્ષ પહેલાં હજાણી કેમ્પસમાં ‘હાતીમસ્ટોર્સ’ ચલાવતા અબ્બાસભાઈની પુત્રીનાં લગ્ન થયાં તેમાં ગામનાં બહેનોએ પોતાની બહેન કે દીકરીનાં લગ્ન હોય એ રીતે આનંદ અને ઉલ્લાસથી પ્રસંગ ઉજવેલો. હિન્દુ લગ્નગીતો ગવાયેલાં અને હિન્દુ રસોઈ બનાવેલી. કેળવણી મંડળ દાંડી સંચાલિત કન્યા છાત્રાલયના મકાન માટે કુલ પાંચ લાખ રૂપિયાનું દાન આપેલું.

હજાણી દરગાહ માટે સંચાલકોની પાણી મેળવવાની અદભુત વ્યવસ્થા : દાંડીમાં પાણીનો અભાવ એ જાણીતી વાત છે. દરગાહનું  કેમ્પસ પણ મોટું. મસ્જિદ, મકબરો, મુલ્લા અને મુંજાવર તથા યાત્રીઓ રસોડું ભોજનાલય ઉપરાંત બગીચો વગેરે માટે પાણીની અનિવાર્યતા. વિકટ ભૌગોલિક પરિસ્થિતમાં પાણી મેળવવાનો રસ્તો કરવો એ અદભુત કાર્ય ગણાય.

દાંડી ગામનો સૌથી ઊંચો ભાગ તે ટેકરી તરીકે ઓળખાતો. ટેકરીથી હજાણી દરગાહ અડધો કિલોમીટર દૂર ગણાય. એમણે ટેકરી ઉપર કૂવો ખોદ્યો. સદ્દનસીબે વાપરવા લાયક પાણી મળ્યું. ત્યાં કૂવાનું પાકું ચણતર કર્યું. આજે એ કૂવો હજાણીના કુવા નામે હયાત છે. કુવા પાસે પંપહાઉસ અને ઓવરહેડ ટાંકી બનાવી. હાથથી ચલાવી શકાય તેવો મોટો જબરદસ્ત હેન્ડપંપ મુક્યો. મજબૂત માણસ જ ચલાવી શકે તેવો ભારે હેન્ડપંપ. ખાલપા ફળિયાના નાના ખાલપા હાથથી હેન્ડપંપ ચલાવી ટાંકી ભરતા. ઈ.સ.1960 પછી ડીઝલ એન્જીન ગોઠવાયું.

આ ટાંકીથી દરગાહ સીધી કાસ્ટ આયર્નની પાઇપ લાઈન નાંખવામાં આવી હતી જે હજુ પણ દાંડીની ધરતીમાં દબાયેલી પડી છે. આ પ્રોજેકટ તે સમયે સ્વપ્નવત લાગતો પણ તેના કર્તાહર્તાઓએ તે પાર પાડેલો.

વર્ષ 1976 પછી દરગાહનો કાયાપલટ શરુ થયો. ધીમે ધીમે જૂનાં મકાનો તોડીને નવાં આધુનિક આવાસો બનાવાયા. ફરતેની લોખંડના પતરાંની ફેન્સીંગ કાઢી પાકી દીવાલ બનાવવામાં આવી. કાળાફળીયા તરફ નો દરવાજાને પરમેનન્ટ બંધ કરી પાકી દીવાલ બનાવી દીધી. સૈફીવીલા તરફના દરવાજાને પણ કાયમી બંધ કરવાનો પ્લાન હતો પરંતુ સ્થાનિક  લોકોની માગણીને માન આપીને એ ચાલુ રખાયો. કૂવો અને તળાવ પૂરીને ત્યાં સરસ બગીચો બનાવવામાં આવ્યો છે.

ટ્રસ્ટ તરફથી મળેલ માહિતી :

દાઉદી વહોરા ધર્મના અનુયાયીઓ માટે ગુજરાતનું સિદ્ધપુર શહેર એક પવિત્ર ધામ સમાન છે. આ ધરતીમાં જન્મેલા સૈયદના યુસુફ નજમુદ્દીન સાહેબ (આ.કુ.) એ ધર્મનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે યમન દેશનો પ્રવાસ કરેલો. અને ઉચ્ચ જ્ઞાન મેળવી ભારત પાછા ફર્યા. અને તે પછી તેમણે દાઉદી વહોરા ધર્મના દાઈ તરીકે સર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કર્યો. હજરત મહંમદ પયગંબર સાહેબના વંશજો ફાતેમી ઇમામોએ મીસરમાં બસો વર્ષ રાજ કર્યું. અને યમનમાં પોતાના પ્રતિનિધી કાયમ કર્યા, જે ફાતેમીદાઈથી ઓળખાય છે. આશરે ચાર સૈકાઓ સુધી આ હોદ્દો યમનમાં રહ્યો. સોળમી સદીના આરંભમાં આ હોદ્દો ભારત તરફ વાળ્યો. સૈયદના યુસુફ નજમુદ્દીન સાહેબ (આ.કુ.) આ હોદ્દો પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે.

મક્કા શરીફની હજ માટે જવું એ ઇસ્લામ ધર્મનું અગત્યનું અંગ છે. સૈયદના યુસુફ નજમુદ્દીન સાહેબ (આ.કુ.) ના માતાજી નૂરબીબી સાહેબા અને બહેન ફાતેમાબહેન સાહેબા હજયાત્રાએ જનાર કાફલા સાથે હજ માટે ગયાં હતાં. હજયાત્રા પુરી કરીને જયારે તેઓ પોતાના દેશ પાછાં ફાંટા ફરતાં હતાં ત્યારે હિ સ. 900 માં 22-23મી મહોરમે (23 મી ઓક્ટોબર, 1494 ને બુધવાર-ગુરુવારની રાત) તેઓનું વહાણ દાંડી નજીક તોફાનમાં સપડાયું અને અંતે ભાંગીને ભુક્કો થઇ ગયું. વહાણના બધા મુસાફરો દરિયાને ખોળે સમાઈ ગયા. સૈયદના યુસુફ નજમુદ્દીન સાહેબ (આ.કુ.) ના માતાજી અને બહેનની લાશ મુબારક એક પાટિયાને આધારે તરતી તરતી દાંડીના કિનારે આવી. ‘મારુ’ નામના માછીએ આ લાશ મુબારકો જોઈ. આ સમયે ગણદેવીમાં રહેતા એક વહોરા સજ્જન મુલ્લા તાજખાનજીને સ્વપ્નમાં કોઈએ કહ્યું કે દાંડીના દરિયાકાંઠે બે લાશ મુબારકો આવી છે. તેની દફનવિધિ કરો. તે ક્યાં છે તેની માહિતી ‘મારુ’ નામના માછીમારને છે. મુલ્લા તાજખાનજી તરત જ દાંડી પહોંચ્યા. અને સ્વપ્નમાં થયેલ સૂચનાનો અમલ કર્યો. કબરની ઉપર રોઝો બનાવવામાં આવ્યો. અને માત્ર દાઉદી વહોરા ધર્મના અનુયાયીઓ માટે જ નહીં પરંતુ સર્વ ધર્મ પ્રેમીઓ માટે પવિત્ર યાત્રાધામ બની ગયું. આ સ્થળ આજે ‘મા હજાણી’ના નામથી લોકોમાં જાણીતું બન્યું છે.

51માં ફાતેમી દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબે દાંડી ગામની અનેકવાર મુલાકાત લીધી હતી. અહીં આપ નામદારનું એક નિવાસસ્થાન હતું. જે સૈફીવીલા થી ઓળખાય છે. જ્યાં 1930ની ઐતિહાસિક દાંડીકૂચ વખતે મહાત્મા ગાંધીજીએ નિવાસ કર્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા માટે 1961 માં નામદાર સૈયદના સાહેબે ભારતના વડાપ્રધાન પંડિત શ્રી જવાહરલાલ નહેરુના હસ્તે આ મકાન રાષ્ટ્રને અર્પણ કરીને રાષ્ટ્રીય સ્મારક બનાવી દીધું.

 

No comments:

Post a Comment