Sunday, April 6, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 29 હું અને દાંડી

 

29. હું અને દાંડી

મારો જન્મ થયો ત્યારથી અમે લગભગ આઠ વરસ સુધી દાંડીની બહાર ઓરણા અને સામાપુરમાં રહ્યાં. મારાં બા વિદ્યામંદિર સામાપુરમાં મારા પહેલા ધોરણનાં શિક્ષિકા હતાં.

જૂન 1967માં અમે દાંડી, અમારા ગામમાં પરત થયા, ત્યારે મેં પ્રાથમિક શાળા દાંડીમાં, ત્રીજા ધોરણમાં એડમિશન લીધું. ત્યારથી દાંડીમાં જે કંઈ બનાવો બન્યા, તે લગભગ મને યાદ છે. દાંડીની ગઈકાલ અને આજ ના પ્રકરણોમાં મેં મારી જૂની યાદોનો ભરપૂર ઉપયોગ કર્યો છે.

1967 થી 1986 અને 1989 થી 1992 સુધીના બનાવો, મારી નજર સમક્ષ બન્યા. 1986 થી 1989 દરમ્યાન હું છોટાઉદેપુરમાં હતો. અને 1992 થી 2004 સુધી કૃષિ કેમ્પસ નવસારીમાં હતો. અને 2004 થી અત્યાર સુધી કેનેડામાં છું. દાંડીમાં મારી ગેરહાજરી દરમ્યાન બનેલા બનાવો ઉપર પણ મારી બાજ નજર રહી છે. પરંતુ નજરે જોયેલું ઝટ યાદ આવી જાય. સાંભળેલા સમાચારોને સમયનો ઘસારો લાગે. મારી ક્ષીણ થઇ ગયેલી યાદશક્તિ પછી પણ, મગજના ઊંડાણમાં રહેલી ફાઈલો ખોલી ખોલીને, સ્મૃતિપટ પર રી-ઇન્સ્ટોલ કરી છે.

1967-68ની સાલ, મારા ત્રીજા ધોરણનાં શિક્ષિકા કાંતાબહેન. હું એમના પ્રિય વિદ્યાર્થીઓ પૈકીનો એક બની ગયો. આ વરસનું ચોમાસું ભયંકર હતું. રેકર્ડતોડ વરસાદ પડયો. સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ભયંકર પૂર આવ્યાં. દાંડીના દરિયા કિનારે જંગલમાંથી તણાઈને આવેલાં લાકડાંના ઢગલા થયા. દેવા ફળિયાની એક છોકરી દરિયાના કલાયામાં ફસાઈને ડૂબી ગઈ. શિયાળામાં અમને, ત્રીજા ધોરણનાં વિદ્યાર્થીઓને, પૂર્ણા નદી જ્યાં દરિયાને મળે છે એ મુખ વિસ્તારનું પર્યટન કરાવ્યું. ત્યારે દરિયા કિનારો આજે જ્યાં છે ત્યાંથી ઘણો પશ્ચિમમાં હતો. કિનારાથી પૂર્વમાં લગભગ અડધા કિલોમીટર દૂર એક ટાપુ ઉપર દીવાદાંડી હતી. જો કે તે બંધ હાલતમાં હતી. વાંસીની દીવાદાંડી હજુ બની ન હતી. દાંડી તરફ ઉભા રહીને કોઈ કપડું હલાવો, તો વાંસીથી તમને લેવા માટે હોડી આવતી. દરિયા કિનારે જંગલ ખાતાંએ બાવળ, શરુ અને તાડ રોપવાનું શરુ કર્યું હતું. સ્કૂલની ઉત્તર તરફ આવેલા વડના ઝાડ નીચે નર્સરી અને બીટગાર્ડની ઝૂંપડી હતી. આ જ વરસે ગામનું વીજળીકરણ પણ થયું. તે પહેલાં પીવાના પાણીની યોજના કાર્યરત થઇ ચુકી હતી.

1968-69માં હું ચોથા ધોરણમાં. નારણભાઇ અમારા શિક્ષક. તેઓ વીંછીનું ઝેર ઉતારવાનું કામ પણ કરતા. તેઓ વણાટશાળાના મકાનમાં રહેતા. (જ્યાં 1969માં વિનય મંદિર શરુ કરાયું.) આ વરસના ચોમાસાએ ગજબ કરી. ગત વર્ષ કરતાં પણ વધુ વરસાદ પડયો. ફરી ગુજરાત આખામાં રેલ આવી. મહી, નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા અને ઔરંગા નદીઓએ કાળો કહેર વરસાવ્યો. દાંડી પણ બેટમાં ફેરવાયું. દરિયા કિનારે લાકડાંની સાથે મરઘાં, ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, ગધેડાં, કૂતરાં, ડુક્કર વગેરે જાનવરોના સેંકડો (કદાચ હજારો) મૃતદેહો તણાઈ આવ્યા. થોડા માનવ મૃતદેહો પણ આવ્યા.

બે ત્રણ દિવસમાં આ બધાજ પ્રાણીઓનાં મૃત શરીર કહોવાઇને દુર્ગંધ ફેલાવવા લાગ્યાં. સરકારે દાંડી સહીત ઘણા દરિયા કિનારે ઇમરજન્સી જાહેર કરી. દાંડી, સામાપુર, વાંસી બોરસી, ઉંભરાટ, ઓંજલ-માછીવાડ વગેરે ગામોમાં કોલેરાનો રોગ ન ફેલાય, એ માટે દરેક વ્યક્તિનું રસીકરણ કર્યું. દાંડી ગામ જ નહીં, નવસારી તાલુકા પંચાયત, વલસાડ જિલ્લા પંચાયત કે ગુજરાત સરકાર આ પડકારને પહોંચી વળવા માટે શક્તિમાન ન હતાં. ત્યારે આર.એસ.એસ.વહારે આવ્યું. ખાખી હાફપેન્ટ અને સફેદ શર્ટ અથવા સફેદ ગંજી પહેરેલા આર.એસ.એસ.ના સેંકડો સ્વયંસેવકો દાંડી ઉતરી પડ્યા. માનવ મૃતદેહોને આગ્નિદાહ આપ્યા. અને પશુઓના દેહ જ્યાં હતા, તેની બાજુમાં જ ખાડો કરી દફનાવી દીધા. અમે નાનાં બાળકો આર.એસ.એસ. ના સ્વયંસેવકોને પોલીસ સમજી બેઠા હતા. કારણકે ત્યારે ગુજરાત પોલીસનો ડ્રેસ પણ ખાખી હાફપેન્ટ હતો.

વર્ષ 1969-70, હું પાંચમા ધોરણમાં. શારદાબહેન અમારાં વર્ગશિક્ષક. ગામમાં વિનય મંદિર દાંડીની શરૂઆત થઇ. વણાટશાળાનાં બંધ પડેલાં મકાનમાં ધીરુભાઈના શિક્ષણયજ્ઞની જ્યોતિ પ્રજવલિત થઇ. સૈફીવીલા અને ટેકરીને જોડતા લગભગ તૂટી ચૂકેલા રસ્તા પર માટીકામ થયું. ડામર રોડ બન્યો. માટીકામ કરવાથી રસ્તાની બંને બાજુ પડેલા ખાડા પુરાવા બુલડોઝર આવ્યાં. અમે બાળકોએ પહેલી વાર આવાં શક્તિશાળી યંત્રો જોયાં.

1970-71માં હું છઠ્ઠા ધોરણમાં. બાબુભાઇ ટંડેલ અમારા શિક્ષક. અમે શિક્ષક વિના છ મહિના ભણ્યા. ક્યારેક રમણભાઈ, ભગુભાઈ અને રણછોડભાઈ આવે. વળી સ્કૂલનાં નવાં મકાન બનવાનાં હોવાથી હાલ જ્યાં વડ સાથે ગાંધી સ્મારક છે ત્યાંની અમારી સ્કૂલના ત્રણે મકાનો તોડી પડાયાં હોવાથી આખી સ્કૂલ ઝાડના છાંયામાં જ ચાલતી. અમારે માટે ઓપન એર સ્કૂલસગવડની (અગવડ) હતી. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો અને પછી ભયંકર વાવાઝોડું આવ્યું. બેન્ક ઓફ બરોડાની દાંડી શાખાનું ઉદઘાટન થયું.

વર્ષ 1971-72 હું સાતમા ધોરણમાં. ભગુભાઈ અમારા શિક્ષક. સ્કૂલનું નવું મકાન ઘોલવાડો ગણાતા વિસ્તારમાં બન્યું. જ્યાં હજુ પણ છે. બાજુમાં વિનય મંદિર આકાર લઇ રહ્યું હતું. પૂર્વ પાકિસ્તાનમાં ક્રાંતિ થઇ. ભારત પાકિસ્તાન યુધ્ધ થયું. નવા બંગલાદેશનો જન્મ થયો. દરિયા કિનારે ગામે ચોકી પહેરો ગોઠવ્યો. જો કોઈ અસંદિગ્ધ હિલચાલ દેખાય તો, ચાલતા કે સાયકલ લઈ, મટવાડ જઈ, પોલીસચોકીને સૂચના આપવી. પહેલીવાર ક્રિકેટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે તેમની ધરતી પર સિરીઝ જીતી. યુધ્ધ અને ક્રિકેટની જીતથી દાંડીના યુવાનોમાં સમાચારપત્રો વાંચવાનો શોખ જાગ્યો. કેસુર પટેલ અને હાતીમ સ્ટોર્સ ઉપર જઈ યુવાનો પેપર વાંચતા. અમુક કારણોસર ગામની લાયબ્રેરીમાં પેપર મંગાવવાનું બંધ કરાયું હતું.

વર્ષ 1972-73 મેં વિનય મંદિરના આઠમા ધોરણમાં એડમિશન લીધું. હાલ જ્યાં વર્કશોપ છે તેમાં ક્લાસ ચાલતા. ફ્લોરમાં હજુ પથ્થર પણ બેસાડયા ન હતા. કાંકરા ઉપર જાડાં આસાન અને તેના પર ડેસ્ક ગોઠવીને વિદ્યાર્થીઓ પલાંઠી વાળીને નીચે બેસતા. ડેસ્ક ઉપર નોટ રાખી લખવાનું.

1973-74માં હું નવમા ધોરણમાં. ઇન્દિરા ગાંધીએ દાંડીની મુલાકાત લીધી. અમે બાળકોએ પહેલી વાર હેલીકૉપટર નજીકથી જોયા. ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઇ. દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શરુ થઇ.

1974-75 માં હું નવમા ધોરણમાં. ગુજરાતમાં નવ નિર્માણ આંદોલન થયું. અમે વગર પરીક્ષાએ ઉત્તીર્ણ થયા !!! ગાંધીનગરથી કોંગ્રેસની ચીમનભાઈ સરકાર ગઈ અને પહેલી વાર બિનકોંગ્રસી સરકાર બની.

વર્ષ 1975-76. હું અગિયારમા ધોરણ વાળી જૂની એસ.એસ.સી. માં. મારો ભાઈ પરિમલ, દસમા ધોરણમાં નવી એસ.એસ.સી માં. ભારતમાં ઇન્દિરા સરકારે કટોકટી લાદી હોવાથી વિપક્ષના નેતાઓ જેલમાં હતા. કોઈની પણ આંદોલન કરવાની હિંમત ન હતી. એસ.ટી.બસ અને ટ્રેન સમયસર આવતી. વિનોબા ભાવે એ કટોકટીને વખાણતાં અનુશાસન પર્વ નું નામ આપેલું.

વર્ષ 1976ના ચોમાસામાં વ્હેલ માછલીના બચ્ચાનું મૃત શરીર દાંડીના દરિયા કિનારે આવ્યું. નવસારીની બી.પી.બારીયા સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મળી તેનું હાડપિંજર અલગ કરી તેમની કોલેજમાં લઇ ગયા. હજુ પણ કદાચ એ કંકાલ ત્યાં સચવાયેલું પડયું હશે.

મેં મારા બાળપણમાં ગામમાં ઉગતી કેટલીક વનસ્પતિઓની શીંગો ખાધી છે. જે અત્યારનાં બાળકો માટે અચરજ ગણાય. ઢોરના ચારા માટે ઉપયોગમાં આવતી ‘શણીગલા’ તરીકે ઓળખાતી મગ જેવી એક વનસ્પતિની શીંગો ચોમાસામાં ખાસ કરીને ઓગષ્ટ મહિનામાં ખાવા મળતી. કૃષ્ણ જન્માષ્ટમીના ઉપવાસ વેળા કેટલાંક બાળકો ફળાહાર તરીકે એનો ઉપયોગ કરતાં. ફણીફફળા નામે જાણીતી લજામણીની શિંગોના દાણા કાઢીને અમે ખાતા. દરિયા કિનારે અમરવેલ થતી. તેને સુથારડી કહેતા. તેનાં સફેદ નાનાં નાનાં સફેદ ફળો ખાતા. દરિયા કિનારે ચણીબોર પણ ખુબ થતાં.

બોર ને આંથવાનું અમને બાળકોને ખુબ ગમતું. ટોપલા ભરીને બોર આંથવામાં આવતાં.  અને એ આંથેલાં બોર ઉનાળા ચોમાસામાં ખાવાનું મળતું. અમારે માટે એ ડ્રાયફ્રુટ ગણાતું. વળી એ બોરના ઠળિયા ફોડી તેની મીંજ સુધ્ધાં અમે ખાતા. મીંજની ચીકી પણ બનતી.

કેરીનાં ગોટલાં શેકીને કે બાફીને તેની ગોટલી ખાવાની મઝા કઇં ઓર જ હતી. એ ગોટલી વાદળ જોઈ ન જાય, એમ ગોટલામાંથી કાઢીને તરત ખાઈ જતા. વાદળ જોઈ જાય તો ગોટલી કડવી થઇ જાય. વળી શેકેલી કે બાફેલી ગોટલી ખાધા પછી અમે પાણી પીતા. એ પાણી મીઠું અને ઠંડુ લાગતું. અમારે માટે એ ફ્રિઝનું પાણી હતું.

ચોમાસાનો પહેલો વરસાદ પડે એટલે ખાટી આમલીનાં બી, જેને દેશી ભાષામાં કિચોરા કહેવાય, શેકીને ખાવામાં આવતાં. કહેવાય છે કે પ્રકૃતિએ કિચોરા ગરમ, આથી ચોમાસાની ઠંડીમાં શરીરને ગરમી આપે. પરંતુ બીજી બાજુ લીવર ઉપર અવળી અસર કરતા હોવાથી કમળો થવાનો ભય પણ રહેતો.

ત્યારે સબંધે એક ગીત પ્રચલિત હતું. કિચોરા ખાય તો કોરા (પહેલા સ્ટેજનો કમળો) થાય. કોરામાંથી કમળો (બીજા સ્ટેજનો કમળો) થાય. કમળામાંથી કમળી(ગંભીર કમળો) થાય. કમળી માંથી ભમરી(અસાધ્ય કમળો)  થાય. ભમરી થાય તો મરી જવાય. મોટાભાગના કમળાના દર્દીઓ જોગેશ્વર જતા. ત્યાં એક ભાઈ એની દેશી દવા આપતા. અને દર્દીઓ સારા થઇ પણ જતા.

ઈ.સ. 1977માં લોકસભાની ચૂંટણી આવી. દાંડીએ મોરારજી દેસાઈના વડપણ વાળા જનતાપક્ષને વોટ આપ્યા. ત્યાર પછી કોંગ્રેસ, જનતાદળ અને 1992થી ભાજપ તરફી ઝોક રહયો. સરેરાશ 1975 થી 2000 ની સાલ સુધીમાં ગામનું જીવન સામાન્ય રહ્યું. આવકના સ્ત્રોતમાં ખેતી અને પશુપાલન મુખ્ય રહયાં. 1990 થી 2000 ના દસકામાં ગામમાં ટેલિફોન આવ્યા. એક ટી.વી.રીલે સ્ટેશન આવ્યું અને ગયું. અમૃતભાઈ મકનજી, મગનભાઈ કાનજીભાઈ, કેશવભાઈ નાનાભાઈ જેવા ગામના આગેવાનોનાં અવસાન થયાં. ગામના ઘણા યુવાનો, યુવતીઓ અને તેમનાં કુટુંબીજનો યેનકેન પ્રકારે કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં ગયાં. આટ ગામથી દાંડી પાણી લાવવા માટે પાઇપ લાઈન નંખાઈ, પરંતુ આ યોજના નિષ્ફળ ગઈ.

વર્ષ 1976 પછી હજાણી બીબીની દરગાહનું નવીનીકરણ ચાલુ થયું. તેમાં કેમ્પસની ફરતેની પતરાંની વાડ હટાવી ઊંચી દીવાલ ચણી દીધી.

વર્ષ 1985માં દરિયાનાં તોફાનમાં સપડાઈને વિભા-2 નામનું એક વ્યાપારી જહાજ દાંડીના કિનારે ઘસડાઈ આવ્યું. આખો કાંઠો ને એને જોવા ઉમટ્યો. પાણીની ઊંડાઈ ઓછી હોવાને કારણે એને પાછા દરિયામાં લઇ જવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે તેને તોડી નાખવાનો નિર્ણય લેવાયો. ગામના લોકોએ દિવસે તેમાં તોડવાનું કામ કરી મજૂરી મેળવી. રાતે તેની જ ચોરી કરી ભંગારમાં વેચીને વધારાની કમાણી પણ કરી.

ઈ.સ. 2001 થી 2025 દરમ્યાનના મુખ્ય બનાવોમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ સ્મારક સંકુલ મુખ્ય ગણાય. દરિયા કિનારે પ્રોટેક્શન વોલ અને દાંડી આટ રસ્તાનું વિસ્તૃતીકરણ, કોસ્ટલ હાઇવે, દાંડીકૂચ માર્ગનું નેશનલ હેરિટેજ હાઇવેમાં રૂપાંતરણ જેવાં સરકારી કામો થયાં. રાધાકૃષ્ણ મંદિરનું નવીનીકરણ, આરોગ્યકેન્દ્દ, અગાસી માતાનું મંદિર, પીવાના પાણીની હોમ ડીલીવરી જેવાં ગામનાં કામો પણ થયાં. કેસુર પટેલ, વલ્લભભાઈ ભાણાભાઈ, લલ્લુભાઇ પરભુભાઈ, પરભુભાઈ રામભાઈ, સોમભાઈ ડાહ્યાભાઈ, બાબુભાઇ સુખાભાઈ વગેરે જેવા ગામના આગેવાનોએ પણ વિદાય લીધી.

 

 

 

No comments:

Post a Comment