8. લોકજીવન:
લગ્ન, જન્મ, મરણ
અને વસ્તી
લગ્ન પ્રથા
ગામની રચના થઈ ત્યારથી લઇ લગભગ 1930
સુધી, એટલે કે ‘દાંડીમાર્ચ’ સુધી ગામમાં બાળલગ્નનો
રિવાજ હતો. પછી ધીમે ધીમે જાગૃતિ આવતાં અને સરકાર પણ કડક થતાં બાળ લગ્ન બંધ થયા.
નરસિંહભાઈ એમની પુસ્તિકામાં લખે છે કે એમનું પહેલું લગ્ન એ બાળલગ્ન હતું. એમની મા
એમને ખોળામાં લઈને મંડપમાં બેઠી હતી. સપ્તપદી લેવાઇ ત્યારે નરસિંહભાઈ ઊંઘતા હતા.
વળી લગ્નમાં બ્રાહ્મણોની એન્ટ્રી પણ 1920 ની
આજુબાજુમાં જ થઈ. ત્યાં સુધી મંત્રોચ્ચાર વિના જ બાળલગ્ન લેવાતાં. કોઈ
જાણકાર વડીલ અમુક વિધિઓ કરાવતો.
મેડિકલ ફેસીલીટીના નામે કશું જ નહીં આથી મરણનો દર
ઘણો ઊંચો. સ્ત્રીઓનું સુવાવડમાં મરણનું પ્રમાણ ઘણું વધારે,
પરિણામે રીમેરેજ (નાતરા) નું પ્રમાણ પણ વધારે. 1950 અને
1960 ના દશકમાં આર્ય વિધિથી લગ્ન લેવાયાના દાખલા પણ
છે.
બેન્ડના આગમન પછી લગ્નની શોભામાં વધારો થયો. તે
પહેલાં મુસલમાન લોકો તેમના ઢોલ, ત્રાંસાં, નગારાં
અને પીપૂડી જેવા વાજિંત્રો વગાડતા. બદલામાં તેમને પૈસા અથવા ઘણીવાર અનાજ કે કપડાં
આપવામાં આવતાં. 1937 થી
શરૂ થયેલું યુવક મંડળ દાંડીનું બેન્ડ 1980
સુધી બરાબર વાગતું રહ્યું. પછી એમાં યુવાનોની સુસ્તી અને આધુનિકતા આડે આવી. હવે
ક્યારેક બેન્ડવાજા વાળા આવે છે, પરંતુ
હવે ડીજે નો જમાનો છે.
બંધ બંધાયા અને રસ્તા તૈયાર થયા તે પહેલા દાંડી
આવતી કે દાંડીથી જતી જાન કાદવ ખૂંદીને પગપાળા જતી અથવા આવતી. પછી વખત જતાં કાચા
રસ્તા ઉપર બળદગાડા ત્યાર પછી ટ્રકમાં જવા આવવાનું લગભગ સામાન્ય બની ગયું. પછી
ટ્રકનું સ્થાન ટેમ્પો એ લીધું. ક્યારેક એસટી બસ નો ઉપયોગ થયો. હવે લક્ઝરી કોચનો
જમાનો આવ્યો છે.
પ્રાઇવેટ વ્હીકલ એટલા બધા છે કે લગ્ન સમયે તેમના
પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવી પડે છે. હવે લોકો બસ કે અન્ય વાહનને બદલે
પોતાના પ્રાઇવેટ વાહનમાં જ જાન કે મોસાળામાં જવાનું પસંદ કરે છે
19 મી
સદીમાં લગ્નનું ભોજન એટલે માછલી અને ભાત. જેના ઘરે લગ્ન હોય એ અને એના મિત્રો
સંબંધીઓ ભેગા મળી માછલીઓ પકડી લાવે. ભાત રાંધવામાં આવે સાથે માછલીનું સુપ હોય જેને
સ્થાનિક ભાષામાં ‘ડખુ’ કહેવામાં આવે છે. (આજે પણ કોંકણવિસ્તાર, કેરળ
અને બંગાળમાં લગ્ન પ્રસંગે ભાત અને માછલી પીરસવામાં આવે છે.)
જેમ જેમ સગવડ વધતી ગઈ અને લોકોની
આર્થિક પરિસ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ લગ્નના ભોજનમાં પણ ફેરફાર થતા ગયા. લાપસી, દાળ, ભાત, શાક
સામાન્ય બની ગયું. જેની સ્થિતિ સારી ન હોય તે લાપસી ના બનાવે અને માત્ર દાળ ભાત
હોય તે પણ ચાલી જતું. આવું છેક 1975
સુધી તો બનતું. પછી મિષ્ટાનની એન્ટ્રી થઈ. તેમાં મોહનથાળ અને શિખંડ આવ્યા પછી
કેરીનો રસ આવ્યો. અન્ય મીઠાઈઓ પણ આવી. તે પહેલા પાપડ, પાપડી, ખમણ, ભજીયા, ટમટમ
વગેરેની એન્ટ્રી થઈ ચૂકી હતી.
સૌપ્રથમ ગામમાં મોહનથાળ કોના લગ્નમાં બન્યો એનું
ચોક્કસ ખ્યાલ નથી પરંતુ ધીરુભાઈની દીકરી દક્ષાના લગ્નમાં મોહનથાળ બનેલો એવો મને
ખ્યાલ છે
ગ્રામોફોનનો પણ એક જમાનો હતો. એમાં રેકર્ડ પ્લેયર
આવ્યા. લગ્ન હોય એટલે બે ચાર ભૂંગળા અલગ અલગ દિશામાં બાંધવામાં આવે, અને
તેના પર બે થી ચાર દિવસ સુધી ફિલ્મી ગીતો વાગે. દેશી ભાષામાં એને રેડિયો કહેવાતો.
રેડિયો વાગે એટલે લગ્નનું વાતાવરણ જામે. રાત્રે લગ્ન ગીતો ગવાય. તેમાં પણ ક્યારેક
માઇકનો ઉપયોગ થાય, અને
ગાયકોને મજા પડે.
20 મી
સદીના 50, 60 અને 70 ના
દશકમાં લગ્નમંડપ એટલે આટ અથવા મટવાડથી મંડપ વાળો આવે અને સફેદ કપડાનો મંડપ બાંધે.
એને દોટી કહેવામાં આવતી. તેમાં સ્થાનિક
લોકો પણ મદદ કરે. થોડો ફેશનેબલ બનાવવો હોય તો મંડપની ફરતે લાલ, લીલા
અને બ્લુ કલરની પટ્ટીઓ લટકાવવામાં આવે. વર્ષ 1975 થી 1978 દરમ્યાન અમારા
કાળાફળીયા (સ્વરાજફળીયા) પાસે પણ દોટી હતી. દોટીનો ચાર્જ ચાલીસ રૂપિયા ગામ માટે
અને ત્રીસ રૂપિયા કાળાફળીયા માટે હતો. ખંડુભાઇ ખાપાભાઇ અને મોહનભાઇ દયાળભાઈને આ
કામ સોંપવામાં આવ્યું હતું. તેમને બંને ને પાંચ પાંચ રૂપિયા મહેનતાણું મળતું. 20 મી
સદીના અંત થતા પહેલાં આ બાબતમાં બહુ મોટી ક્રાંતિ થઇ. હવે ખૂબ જ આધુનિક અને આકર્ષક
મંડપો બને છે. ક્યાં માત્ર 40 - 50
રૂપિયાનો મંડપ અને ક્યાં અત્યારનો એક બે લાખ રૂપિયાનો ! કોઈ સરખામણી જ શક્ય નથી.
ભારતીય સમાજનું લગ્નનું એક દુષણ એટલે પહેરામણી.
કન્યાના કુટુંબને પહેરામણીના નામે ઘણીવાર
લૂંટવામાં આવતું. ગરીબ કુટુંબ પાસે પણ તેમની સ્થિતિ કરતા વધારે માંગવામાં આવતું.
જો કે બીજા સમાજની સરખામણીમાં આપણા કોળી લોકોમાં આ દુષણ ખૂબ જ ઓછું હતું, અને
છે. આપણા ગામમાં ઘણા એવા હિંમતવાળા યુવાનો હતા,
જેમણે પોતાના લગ્નમાં એક પણ પૈસો વાંકડો કે પહેરામણીના રૂપમાં લીધો ન હતો. આઝાદ
ફળિયાના કાંતિભાઈ દાજીભાઈ પટેલે આવી હિંમત કરી હતી. ત્યાર પછી તો એવા અનેક યુવાનોએ
પોતાના લગ્નમાં વાંકડો અને પહેરામણી નો છેદ ઉડાડી દીધો હતો.
સામાન્ય રીતે લગ્નના બીજા દિવસે આણાં વિધિ હોય. 70,
80 ના દશકમાં આ વિધિમાં એક મોટું દુષણ એ હતું કે લગભગ એક ટ્રક ભરાઈ એટલા
છોકરાઓ આણાં વિધિમાં કન્યાને ઘરે ખાવા પીવા માટે જ જતા. હવે એ દૂષણ પણ લગભગ બંધ
થયું છે. ઘણીવાર લોકો કહે છે કે જમાનો બહુ બગડી ગયો પરંતુ આવા કેટલાંક
દૂષણો દૂર કરીને જમાનો સુધર્યો એની કોઈ ખાસ નોંધ લેતું નથી
લગ્નમાં વર કન્યાની પસંદગીમાં મોટેભાગે કન્યાની
પસંદગીની ઉપેક્ષા થતી. કન્યા માટે પસંદગીનો કોઈ અવકાશ જ ન હતો. મા બાપ કહે ત્યાં
પરણી જવાનું, પછી એ પાત્ર
તેને ગમતું હોય કે ન ગમતું હોય. હમણાં જ એક બહેનને મળવાનું થયું. એમનાં લગ્ન પછી
લગભગ પચાસ વરસ બાદ મારી સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે; “મારાં
મા-બાપે મને ઓછી ઉંમરમાં મારા કરતાં ઘણા વધારે મોટા પુરુષ સાથે પરણાવી દીધી હતી.
મેં એમની સાથે આખી જિંદગી કાઢી નાખી. પણ મારી લાઈફ સ્પોઈલ થઇ ગઈ એનું શું? દારૂ, બીડી, તમાકુ
વગેરેનું વ્યસન અને મારા કેરેક્ટર ઉપર કાયમ માટે શંકા. અવાર નવાર અપશબ્દો, ગાળ, અપમાન
સહન કર્યાં, અને શારીરિક માર
પણ ખાવો પડયો છે. મારું પિયર ગરીબ હતું તેની સજા મારે લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ
ભોગવવી પડી.”
હવે પરિસ્થિતિ બદલાઈ છે આપણા વિસ્તારમાં સરેરાશ
છોકરાઓ કરતા સરેરાશ છોકરીઓની સંખ્યા ઓછી છે આથી લગભગ 100
છોકરામાંથી 89 છોકરાને જ લગ્ન
માટે છોકરી મળી શકે એમ છે. વળી છોકરાઓ કરતા છોકરીઓ અભ્યાસમાં આગળ રહેતી હોવાથી
ભણેલી છોકરીને ભણેલો છોકરો મળતો નથી.
આપણા જુના દાદા દાદીઓને એમના લગ્નની તારીખ જ યાદ
નથી તો પછી લગ્નના ફોટા તો ક્યાંથી હોઈ શકે?
1970 પછી ક્યાંક ક્યાંક ફોટોગ્રાફર આવતા થયા. 70 ના
દશકમાં ફોટોગ્રાફર બોલાવવું સામાન્ય બન્યું. પરંતુ 1980 પછી
તો વિડીયોગ્રાફી ધીમે ધીમે પોતાનો પગ દંડો જમાવતી ગઈ. આજે વિડીયો અને ફોટો વિનાના
લગ્નની કલ્પના થઈ શકે જ નહીં. હવે તો ‘પ્રિ
વેડિંગ શૂટિંગ’ નો જમાનો ચાલે
છે.
દાંડીકૂચ
પહેલાંના વરરાજા માથે પાઘડી કે ફાડીયું પહેરતા. ગાંધીયુગમાં એ પાઘડીનું સ્થાન
ગાંધી ટોપીએ લીધું. લગભગ 1980
સુધી તો ચાલતું હતું, પછી
ગાંધી ટોપી અદ્રશ્ય થઈ. ઉઘાડા માથે જાન લઈને જવું એ કંઈ નવીનતા ન કહેવાય. હવે વળી
પાછા નવા પહેરવેશ સાથે ફરીથી પાઘડી આવી છે.
લગ્ન હોય એટલે ગામ ફળિયાની છોકરીઓ અને સ્ત્રીઓને
લગ્ન ગીતો ગાવાની મજા આવતી. પરંતુ ધીમે ધીમે લગ્ન ગીતો ભુલાતા ગયા. હવે એ ગીતો
ગાવા માટે પૈસા ખર્ચીને બહારથી પાર્ટી બોલાવવી પડે છે. ઘણા લોકોને તો લગ્ન ગીતો
આવડતાં જ નથી.
કેટલાંક લગ્નગીતોને અહીં સ્થાન આપું છું. અહીં
ગીતના શબ્દોચ્ચારની જોડણી દાંડીની સ્થાનિક ભાષા પ્રમાણે રાખી છે. ધીમે ધીમે આવાં
લગ્નગીતો ભુલાઈ જશે અને એનું સ્થાન નવાં ગીતો નવા આયામ સાથે લેશે.
કંકોતરી- કંકુ સાંટી (છાંટી) કંકોતરી મોકલીએ…
પાટલી વિધિ - ગવરીનું સાણ (છાણ) મંગાવજોરે, કોઈ
સુંદર પાટ કઢાવજો.
ગૃહશાંતિ - કુંવર કોણે ભરાવી
રે ખોબલ..
પીઠી વિધિ - એલે તેલે રૂ રે કારીયે પીલે જો….. અરધી મરધી લાડકડાંને
અરધી ચડી..
જાન આવે ત્યારે - કેસરિયો જાન લાઈવો જાન લાઈવો રે..
કન્યા વિદાય- સીતાએ રળીરળી (રડીરડી) ભઈરાં તરાવ (તળાવ) રે સીતા રે
ચાઇલાં સાસર…
મોસાળાનાંગીતો- નીસરો નીસરો મોયારી (મહિયારી) બેની..
સૂકી વાડીમાં
લીલાં ઝાડ રે મોગરીયો મઘમઘે.
વીરો આવે ને
ભાભી આવશે રે નાતાલ નગરીનો રાજા
પ્રભાતિયાં - સૂરજ ઉઈગો રે સરવરિયાની પારે(પાળે) કે
વાણેલાં ભલે વાયાં રે,
મુંબઈથી મગનવીરો
જાઈગો, જાઈગા જાઈગા ચારે દેવ કે કહેનારી તો …
લગ્ન ગીત - લીલાં ઝાડ રે સરની રે વાડી રે વાડીમાં કિયાં દેવ વાસ ઉતાં
વિવાહ ગીત - આપણી રે તુલસીને સુરજ ઘેર માંગાં…..
વિવાહ ફટાણું - સાત જમાઈમાં કયો જમાઈ લાડકો રે…
ફટાણાં - લીલી પીળી લાઈટ પડાવો, લાવ
પંકજને જોવા દે, કારો
સે કે કોલો સે લાવ…
એટલી બધી મોટાઈ પંકજ
તને હું કા (શું કામ / શા માટે) જોવે (જોઈએ) એક પુરી
તારા તારી
મધદરિયામાં ડોલે….
જાન પરત થાય ત્યારે - તમે કોન્ની (કોણની) પોરીને લાઇવા રાજ કડવા વચ્ચે
કારેલી..
નવી
વહુ બારણે આવી, જુદો સુલો
(ચૂલો) કરતી આવી…
આણાંવિધિ ફટાણું - પેન્ટ ફાટેલો રે પંકજ તારો શું લટકો..
કોયલો
લેવટો રે, પંકજને હવાદ
કરે.
કન્યા વિદાય વેળા લાઉડ સ્પીકર ઉપર કેટલાંક ગીતો અવશ્ય સાંભળવા મળતાં.
“તને સાચવે પારવતી, અખંડ
સૌભાગ્યવતી” અને “દીકરીને ગાય દોરે ત્યાં જાય” તથા “બાબુલ કી દુઆએ લેતી જા”
વર્ષોથી અણનમ રહયાં છે.
બાળજન્મ
હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન વેળા કન્યાને ‘અખંડ
સૌભાગ્યવતી’ અને ‘અષ્ટપુત્રાભવઃ’ વગેરે જેવા આશીર્વાદ કે આશીર્વચનો મળતાં હોય છે.
એમાંથી ‘અષ્ટપુત્રાભવઃ’ આશીર્વાદને છેક રામાયણ અને મહાભારત કાળથી આઝાદી બાદ
સ્વતંત્ર ભારતની સરકારો દ્વારા ‘બે બાળકો બસ’ ના સૂત્રને લોકમાનસમાં રમતું કર્યું
ત્યાં સુધી જનતાએ બરાબર પચાવ્યો હતો.
આઝાદી પહેલાં અને પછી પણ લાંબા સમય સુધી બાળકનો
જન્મ સ્ત્રીના પિયરના ઘરે કે સાસરે જ થતો. મેડિકલ ટ્રીટમેન્ટ ને નામે મીંડું હતું.
પરંતુ દરેક ગામમાં એક દાયણ જરૂર હતી. જે પ્રસૂતા પાસે પ્રસુતિ કરાવતી. તેમાં
અજ્ઞાનતા અને અંધવિશ્વાસને કારણે ઘણી ગરબડ થતી. દર વરસે અનેક સ્ત્રીઓ પ્રસુતિ
દરમ્યાન અવસાન પામતી. તેના બાળકના પણ જીવિત રહેવાના ચાન્સીસ ઓછા જ રહેતા. આથી જ
પુનર્લગ્ન (નાતરું) નું પ્રમાણ ઘણું વધારે હતું. ખાસ કરીને બાળકની નાળ કાપવાની
બાબતમાં સ્વચ્છતાના અભાવને કારણે સેપ્ટિક થઇ જવાથી માતાનું મૃત્યુ થતું.
મારી જાણ મુજબ અમારા સ્વરાજફળિયામાં નંદીબા
નામનાં સેવાભાવી માંજી દાયણનું કરતાં. આ
કામ તેઓ માત્ર સેવાભાવથી કરતાં. જો કે એમને મહેનતાણાંને
બદલે બક્ષીસના રૂપમાં ક્યારેક રોકડ રકમ કે અનાજ વગેરે મળતું.
જુના લોકોમાં ભૂત પ્રેતનો ભયંકર ડર હતો. કોઈ
પ્રસૂતા અને તેના બાળકનું અવસાન થાય તે પછી ઘણાં લોકોને બાળક રડતું હોય એવો ભાસ
થાય, અને તે પણ એકાંતમાં. આ મનોવૈજ્ઞાનિક બાબત છે.
માત્ર ડરને કારણે આવું થાય, અથવા
તો આવું કહેનાર ખોટું બોલતું હોય.
મારો અને મારા ભાઈનો જન્મ નવસારી પ્રસૂતિગૃહમાં
થયેલો. ટૂંકમાં ડોક્ટરની હાજરીમાં. પરંતુ મારી બહેનનો જન્મ ગામના ઘરમાં થયેલો.
દાંડીમાંથી પ્રસૂતિગૃહમાં જન્મ લેનાર પ્રથમ બાળક કોણ હતું તેનો કોઈ રેકર્ડ મળ્યો
નથી. પરંતુ આઝાદી પછી જ અને મોટેભાગે 1955ની
આસપાસ એની શરૂઆત થયેલી એવું જાણવા મળ્યું છે. મારી સાથે મારા ક્લાસમાં અભ્યાસ
કરનાર ઘણા સહાઘ્યાયીઓના સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટમાં તેમનું જન્મ સ્થળ,
દાંડી અથવા અન્ય ગામ દર્શાવાયું છે. આમ તેમનો જન્મ પ્રસૂતિગૃહમાં નથી જ થયો એવું
સાબિત થાય છે.
મૃત્યુ-અંતિમ
ક્રિયા
દાંડી અને તેની આજુબાજુના ગામોમાં કોળી લોકોની
વસ્તી છે. એ દરેક ગામ પાસે સ્મશાન ભૂમિ છે. જ્યાં મૃત માનવીના શબને દફનાવવામાં આવે
છે.
મારું માનવું છે કે, દફનવિધિ
એ, કોળી પ્રજા હિન્દુસ્તાનની મૂળ પ્રજાઓ પૈકીની એક
છે, એની સાબિતી છે. અગ્નિસંસ્કાર એ આર્યવિધિ છે.
અનાર્યોમાં દફનવિધિ વ્યાપક હતી.
દાંડીના દરિયા કિનારે નાનું અને મોટું એમ બે
સ્મશાન છે. મોટા સ્મશાનમાં પરણિત વયસ્ક અને નાનાં સ્મશાનમાં બાળકો તથા અપરણિત
સ્ત્રી પુરુષોને દફનાવવામાં આવે છે. જુના સમયમાં જન્મદર ઘણો ઊંચો હતો પરંતુ મેડિકલ
ફેસીલિટીના અભાવે બાળમરણ પણ વધારે હોવાથી નાનું સ્મશાન અલગ બનાવવામાં આવેલું.
સામાન્ય રીતે ગામમાં કોઈનું પણ અવસાન થાય એટલે
પ્રથમ તેના બહારગામ રહેતા કુટુંબીજનો અને સગાસંબંધીઓને સમાચાર મોકલવા માટે
વ્યવસ્થા કરવી પડે. વીસમી સદીના અંત સુધી એટલેકે ઈ.સ. 2000ની
સાલ સુધી મૌખિક સમાચાર મોકલવામાં આવતા. જ્યાં સુધી રસ્તાનો અભાવ હતો ત્યાં સુધી
મૃતકના સગા સબંધીઓને ઘરે ચાલતા જઈને સમાચાર અપાતા. પછી સગવડ વધતાં સાઇકલ અને
મોટરસાઇકલનો જમાનો આવ્યો.
હાથમાં નેપકીન (નાનો ટોવેલ) લઈને કોઈ આવે તો સમજી
જવાનું કે કોઈ અશુભ સમાચાર છે. આ સંદેશાવાહકે તેને સોંપાયેલા સરનામે પહોંચીને
કોનું અવસાન થયું છે અને તેની સ્મશાનયાત્રા કયા દિવસે અને કેટલા વાગે નીકળશે તે
જણાવવાનું હોય. સામેથી તેઓ આવશે કે નહીં તે પણ જાણી લાવવાનું રહેતું.
1960 થી 1980ના
ગાળામાં દાંડી ગામમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ સાયકલો હતી. મને ખ્યાલ છે, ગમે
તે ફળિયામાં અવસાન થાય, પણ
અમારી સાયકલ બધાને માટે લભ્ય રહેતી. વહેલી સવારે કોઈ સાયકલ માંગવા આવે એટલે અમને
કોનું અવસાન થયું છે તેના સમાચાર મળી જાય. જો અમારી સાયકલ આટ, માંડળીયા, કકરાડ, ઓંજલ
વગેરે ગામે ગઈ હોય તો, પાછી
આપી જાય ત્યારે તેમાં એક કરતાં વધારે પંક્ચર જરૂર હોય. કારણ કે કાચા રસ્તા ઉપર
ગાંડા બાવળના કાંટા હોય જ.
સંદેશા વ્યવહારમાં ઘણી પ્રગતિ થઇ હોવાથી આજનાં
લોકોને અઢારમી, ઓગણીસમી અને
વીસમી સદીમાં પડતી તકલીફોનો ખ્યાલ ન આવે એ સ્વાભાવિક છે. ગામેગામ ટેલિફોનની સુવિધા
થઇ ત્યાં સુધી પરગામ અને પરદેશ ઝડપી સંદેશા મોકલવાનું એકમાત્ર સાધન ટેલિગ્રામ
હતું. જેને સામાન્ય ભાષામાં ‘તાર’ કહેવાતું. તેમાં ખુબ જ ટૂંકમાં સંદેશો મોકલવામાં
આવતો. તેજ રીતે પરદેશથી પણ આવા અશુભ સમાચાર તાર મારફતે જ મળતા. કોકને ઘરે ‘તાર’
આવ્યો છે એવું જાણવા મળે તો સમજી જવાનું કે એમના કોઈ સ્વજનનું અવસાન થયું છે.
અહીં મને મટવાડ પોષ્ટ ઓફિસના સ્ટાફની સેવાનો
ઉલ્લેખ કરવાનું ગમશે. તાર અંગ્રેજી ભાષામાં હોય, સામાન્ય
લોકોને તે વાંચવાની મુશ્કેલી પડે. આથી તારના અંગ્રેજી લખાણ સાથે તેનું ગુજરાતી
ભાષાંતર પણ મોકલી આપતા. ઉપરાંત આ પ્રકારનો સંદેશો બીજાં ગામે પણ આવ્યો હોય તો તેની
જાણ પણ આ સ્ટાફના ભલા માણસો કરતા. જેથી આ અશુભ સમાચાર કોને કોને મળી ગયા છે તેનો
ખ્યાલ પણ આવી જતો.
ગામમાં કોઈનું પણ અવસાન થાય એટલે કુટુંબ અને ગામ
તથા ફળિયાના માણસો ભેગા થઇ અંતિમવિધિ માટેનો દિવસ અને સમય નક્કી કરે. જો અવસાન
બપોર બાદ કે સાંજે થયું હોય તો મોટેભાગે
બીજા દિવસે જ અંતિમવિધિ થાય. સગાસંબંધીને દુઃખદ સમાચાર પહોંચાડવા માટે માણસોને
મોકલવામાં આવે. દૂર અને પરદેશ રહેતા લોકો માટે તાર કરવામાં આવે.
અમુક અનુભવી માણસો નવસારી જઈને અંતિમક્રિયા
માટેની સામગ્રી લઇ આવે. જેમાં ચાદર, ગોદડી
અને ઓશીકાંનું કફન, ફૂલ, ગરબત્તી, માટલી, ગુલાબજળ
વેગેરેનો સમાવેશ થાય. વીસમી સદીના અંત સુધી સામાન્ય રીતે અમદાવાદ અને મુંબઈ તરફથી
આવતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન સુધી ખાસ રાહ જોવામાં આવતી. કારણ કે બંને બાજુથી લગભગ
સવારે છ વાગે ઉપડતી આ ટ્રેનમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા
વગેરે શહેરોમાં રહેતાં મૃતકનાં સ્વજનોની આવવાની શક્યતા વધારે રહેતી.
દાંડીની સ્મશાનભૂમિમાં ખાડો ખોદવાનું સરળ હોવાથી
સ્મશાનયાત્રા ત્યાં પહોંચે પછી જ ખાડો ખોદવાની શરૂઆત થતી. જો કે પછીથી તેમાં થોડો
ફેરફાર થયો. કેટલાક માણસો અગાઉથી ત્યાં પહોંચી જઈને ખાડો ખોદી રાખે. જેથી દફનવિધિ
જલદીથી થઇ જાય. તેમાં મૃતકનું શીષ ઉત્તર દિશા તરફ રાખવામાં આવે છે.
મેં 1967થી 1983
સુધી નજરે જોયેલી લગભગ મોટાભાગની દફનક્રિયાઓમાં સ્વરાજ ફળિયાના છોટુભાઈ નારણભાઇને
ખાડામાં ઉતરીને મૃત શરીરને ગોઠવાતા હતા. આ એમણે પોતે સ્વીકારેલી સમાજસેવા હતી. આ
છોટુભાઇનું અવસાન થયેલું ત્યારે તેમના મૃત શરીરને નીચે રાખનારાઓ પણ રડી પડેલા.
મારી જાણ મુજબ દાંડીના દરિયા કિનારે ઘણા ઓછા લોકોના અગ્નિસંસ્કાર થયા છે. જેમાં
મોરારભાઈ સુખાભાઈ, રામભાઈ
ફકીરભાઈ, રણછોડભાઈ જોગીભાઈ, પરભુભાઈ
સોની, અમૃતભાઈ મકનજી વગેરેનો સમાવેશ થાય છે. કેટલાકને
વેરાવળ લઈ જવાયા, જેમાં
બીજા ઘણાંની સાથે મારાં બા, પાર્વતીબહેન
નો ઉલ્લેખ કરું છું.
સરકારે દાંડીના દરિયા કિનારે અંગ્નિસંસ્કાર માટે
સગવડ ઉભી કરી હતી. વાઘાફળિયાનાં ગંગાબહેન ગોવિંદભાઇ ને સૌ પ્રથમ અગ્નિદાહ અહીં
અપાયેલો. પણ પછીથી ચોર લોકો લોખંડની જાળી( ગ્રીલ), જેના
ઉપર અગ્નિદાહ માટેના લાકડાં ગોઠવવામાં આવે, તેની
ચોરી કરી ગયા. ત્યારથી હવે તે બિનવપરાશી હાલતમાં ધૂળ અને રેતી ખાતું પડયું છે.
જેમનો દફનવિધિ થયો છે ત્યાં સારે નરસે પ્રસંગે
તેમનાં ઘરનાં લોકો દીવો અગરબત્તી કરવા જાય છે. પેઢી બદલાય તેમ એ જગ્યા પણ અવાવરું થઇ જાય. પછી ભૂલી જવાય. પરંતુ
હવે તેમના દફનસ્થાને નામ, જન્મ
અને અવસાનની તારીખ દર્શાવતા પથ્થરો રાખવામાં આવે છે. આથી તેમનું અંતિમ સ્થાન
શોધવાનું સરળ બની રહે છે. પથ્થર કે તકતી ન હોવાને કારણે મારાં દાદીમા (1967),
મોમાઈ(1991) અને
મોમાતા(1976) ના અંતિમસ્થાન હવે અમને જડતાં નથી.
મૃત્યુ પછી સૂતક અને શ્રાદ્ધની વિધિઓ પણ થાય છે.
માથાનું મુંડન હવે ફરજીયાત રહ્યું નથી. મેં મારાં દાદીમા, પપ્પા
અને બા ના અવસાન પછી માથે મુંડન કરાવ્યું ન હતું. માત્ર વાળ કપાવ્યા અને દાઢી
કરાવી હતી.
જો મૃતકના પૌત્ર કે પૌત્રી પૈકી કોઈ એકનું પણ
લગ્ન થઇ ગયું હોય તો સ્મશાનયાત્રા વેળા અને અથવા પછીના દિવસોમાં ભજનનો કાર્યક્રમ
રાખવામાં આવે છે. એમાં સમયાનુસાર નાનાં મોટાં પરિવર્તનો થતાં રહ્યાં છે. મારાં બા
નું સાત નવેમ્બર 2023ના
રોજ અવસાન થયું, ત્યારે
ભજનની વ્યવસ્થા થઇ શકી નહીં. પરિણામે અમારે બહારગામથી મહિલામંડળની ટીમને બોલાવવી
પડી.
મેં પોતે બારમાંની વિધિ નિમિત્તે રાત્રે થતાં
ભજનોના કાર્યક્રમમાં ભાગ લીધો છે. જો કે અમને છોકરાઓને તેમાં ભજન કરતાં માલપૂડાના
ભોજનમાં વધુ રસ પડતો. એ સમયમાં માલપૂડા જેવી સામાન્ય વાનગી પણ બધાને ઉપલબ્ધ ન હતી.
આથી એ ખાવા માટે બાળકો તલપાપડ રહેતાં. મારી ઉંમરનાં મોટા ભાગનાં બાળકોને વરસમાં એક
વાર કૃષ્ણ જન્માષ્ટમીની રાતે મંદિરમાં અને બાકી માત્ર બારમાની વિધિ વેળા બીજા
લોકોને ઘરે જ માલપૂડા ખાવાનો ચાન્સ મળ્યો હશે.
જુના જમાનામાં સ્ત્રીઓનું રડવા કૂટવાનું ખુબ
ચાલતું. મૃત્યુ આ પછી ગામેગામથી સબંધીઓનાં ટોળે ટોળાં આવે. બંને પક્ષે બરાબર
રડવાનું ચાલે. એમાં કેવી રીતે રડવું તેની પણ ટ્રીક રહેતી. જે તે ટીમ આવે તેનો
કેપ્ટન દૂરથી પોક મૂકે. એટલે મૃતકના ઘરના લોકોને સિગ્નલ મળી જાય. કોઈ આમતેમ ગયું
હોય તે આગલા રૂમમાં આવી જાય. અને પછી રડવાની રમઝટ ચાલે. આ રમઝટ શબ્દ વાપરવા
પાછળનું એકમાત્ર કારણ એ છે કે એમાંના મોટા ભાગનાં ખોટેખોટું જ રડતાં હોય.
મારો સાચો અનુભવ જણાવું છું.
મારા મમાતાના
અવસાન પછી ના એકાદ બે વર્ષ બાદ એમના પરમ મિત્ર વાલાબાપાનું અવસાન થયું. મારાં
મોમાઈ ત્યાં જઈને ખુબ રડી આવ્યાં. મેં પૂછ્યું;
"માઇ, સાચું
કહેજે, તું કોનું રડીને આવી?"
જવાબ મળ્યો; "મારા
ધણીનું વળી !" મઝાની વાત એ છે કે; ગુજરી
ગયા વાલાબાપા, ઘર પણ
વાલાબાપાનું, તેમ છતાં મારાં
મોમાઈ રડયાં પોતાના સ્વર્ગસ્થ પતિ નારણભાઇ રવજીભાઈ માટે !
જે સ્ત્રીના પતિનું અવસાન થયું હોય એનું તો આવી જ
બને. એક તો પોતાના પતિને ગુમાવવાનું દર્દ, ઉપરથી
અન્ય સ્ત્રીઓનાં મહેણાં ટોણાં ફરજીયાત સાંભળવા પડે. મોટેભાગે ફરિયાદ એ હોય કે ધણી
મરી ગયો પણ આ ગાંડીને રડતાં પણ આવડતું નથી. હવે કે દા’ડે
શીખવાની? દસ પંદર દિવસ સુધી ગામે ગામથી સંબંધીઓ આવે, તેમની
સાથે રડી રડીને બિચારી વિધવા સ્ત્રી શારીરિક અને માનસિક રીતે પણ થાક અનુભવતી થઇ
જાય.
મેં કૂટવા વિષે ઘણું સાંભળેલું. પરંતુ હું સમજણો
થયો ત્યારથી, એટલેકે મારી ઉમર
સાત આઠ વરસની થઇ ત્યારથી, આજ
સુધીમાં ફક્ત એક જ વખત મેં સ્ત્રીઓને કૂટતી જોઈ છે. ટૂંકમાં લગભગ 1967-68
સુધીમાં સામાજિક સુધારાઓના વહેણમાં ફૂટવાની રસમ દાંડીમાંથી તો નીકળી જ ગયેલી.
કૂટતી સ્ત્રીઓ
પોતાની છાતી ઉપર મુક્કા મારતી હોય એવું લાગે પરંતુ હકીકતમાં તેઓ યુક્તિપૂર્વક
એક હાથ ઉપર બીજો હાથ જોરથી પછાડીને માત્ર છાતી સુધી લઇ જાય છે.
અકસ્માત
અકસ્માત
એટલે ઓચિંતી ઘટના, આફત કે હોનારત. દાંડી ગામ પણ અવાર
નવાર અકસ્માતોનો ભોગ બનતું રહ્યું છે. ગામ દરિયા કિનારે છે એટલે ડૂબવાના અકસ્માતથી
શરૂઆત કરીએ. બહારગામથી આવેલ પ્રવાસીઓની ડૂબી જવાના અકસ્માતને ગણતરીમાં લેતા નથી.
માછીમારી
અને વેપાર માટે સઢ વાળા મછવા અને વહાણોનો ઉપયોગ થતો. દરિયાઈ તોફાનોમાં આવાં વહાણો
ડૂબી જતાં. ગામના કેટલાક માણસોએ આ રીતે વહાણ સાથે દરિયાઈ સમાધિ લીધી હતી પરંતુ આ
બધું આઝાદી પહેલાં બન્યું હોવાથી કોઈ નામજોગ ફેરરન્સ મળ્યો નથી. બીલીમોરાથી
મધ્યપૂર્વ તરફ જતા એક વહાણમાં ખલાસી તરીકે કામ કરતા કોક દાંડીવાસી બીમાર પડતાં
તેને કોથળામાં પૂરીને દરિયામાં ફેંકી દીધો હતો એવા બિનસત્તાવાર સમાચાર મને મળેલા.
વાઘાફળીયાની
ખેત તલાવડીમાં એક છોકારો અને રાધાકૃષ્ણ મંદિરની સામેના ખારા તળાવમાં ચારેક વરસની
બાળકીનાં ડૂબી જવાના બનાવ બનેલા. દરિયામાં દેવા
ફળિયાની એક છોકરી અને સ્વરાજ ફળિયાના યુવાનના ડૂબી જવાના અક્સમાત થયેલા. એક બાળક પાણીની ટાંકીમાં ડૂબી ગયાનો
બનાવ પણ બન્યો હતો.
રોડ
અકસ્માતનો પહેલો ભોગ સ્વરાજ ફળિયાના રામભાઈ ફકીરભાઈ બન્યા હતા. જયારે હિન્દુસ્તાન
લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરી રહ્યું હતું ત્યારે તા.21-2-1967 ના રોજ વાંસદાથી ક્યાંક જતાં
રસ્તામાં જીપ અકસ્માત થયો અને રામભાઈ ફકીરભાઈ પટેલનું અણધાર્યું અવસાન થયું.
હજાણીના
બસસ્ટેન્ડ પાસે લગભગ 1979-80ની સાલમાં એક અકસ્માતનો બનાવ બનેલો.
હજાણીના કેમ્પસમાં રહેતા કંકુબહેનના કુટુંબના દીકરા, દલપતભાઈ ચિમનભાઇ એસ.ટી. બસ રિવર્સ
લેતી વેળા તેની નીચે આવી જવાથી મોતને ભેટ્યા હતા.
બીજો
જીવલેણ અકસ્માત તળાવ ફળિયાના છોટુભાઈ મોરારભાઈ ને થયો હતો. તારીખ 18 ફેબ્રુઆરી 1982ના રોજ તેઓ તેમનાં પરદેશગમન કરતાં
સંબંધીઓને મુંબઈ એરપોર્ટ ઉપર મુકવા માટે જતા હતા, ત્યારે તેમની ભાડાની મેટાડોરને
અકસ્માત થયો. જેમાં અન્ય કેટલાંક માણસોની સાથે છોટુભાઈ મોરારભાઈનું પણ દુઃખદ અવસાન
થયું.
ત્રીજા
ગમખ્વાર અકસ્માતમાં નાનકડા દાંડી ગામમાંથી એક સાથે પાંચ પાંચ અર્થીઓ ઉઠી હતી.
નવસારી નજીક ખડસુપા પાસે અકસ્માતમાં સ્વરાજફળીયાના સુરેશભાઈ
દુર્લભભાઈ ઉપરાંત દેસાઈ ફળિયાના નારણભાઇ, તેમનાં પત્ની, મહેશભાઈ અને મહેશભાઈના ત્રણેક વરસનો
દીકરાનો ભોગ લેવાયો.
રોડ
અકસ્માત મૃત્યુનો ચોથો બનાવ વર્ષ 2021માં બન્યો. વાઘાફળીયાના સંદીપભાઈ
ગિજુભાઈ કારના ડ્રાયવર તરીકે પેસેન્જર લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. ત્યાં
કોક નદીના પુલ ઉપર રેલિંગ સાથે તેમની કાર અથડાઈ. જેમાં ત્રણ ચાર પેસેન્જર સહીત
ડ્રાયવર સંદીપભાઈ પણ ઘવાયા અને સારવાર મળે તે પહેલાં જ એમનું અવસાન થયું. એક
દંપતીની મોટર બાઇકને અકસ્માત થતાં બહેનનું
સ્થળ ઉપર જ અવસાન થયું હતું.
ગામની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં
અનેક લોકો સર્પદંશનો ભોગ બન્યા છે. મારી જાણ મુજબ ઝેરી સાપ કરડવાની ચાર જુદી જુદી
ઘટનાઓમાં દાંડીવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગામને નવસારી શહેર સાથે જોડતા
રસ્તાની સુવિધા મળી ત્યાં સુધી અને તે પછી પણ વર્ષો સુધી સાપ કે વીંછી કરડવાના
કિસ્સામાં ગામમાં જ ભુવા પાસે ઝેર ઉતરાવવાના પ્રયત્નો થતા.
વર્ષ
1973
પહેલાં પણ કોક ને કોક તો સાપના ઝેરનો ભોગ બન્યું હશે જ પરંતુ તેની માહિતી મળી નથી.
વર્ષ 1973-74 માં સ્વરાજ ફળિયાના મણિબહેન રામભાઈ ઘાસચારો લેવા માટે તેમનાં ખેતરે
ગયાં હતાં. માલણ વિસ્તારમાં આવેલ આ ખેતરમાંથી એમને ઝેરી સર્પે દંશ દીધો. મણિબહેનને
નવસારીની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં પરંતુ સમય સમયનું કામ કરી ગયો. ગામ લોકો
લગભગ ચાર કલાક મોડા પડયા. આ બનાવ બાદ ઝેરી સાપને પકડવા માટે ગામલોકોની માંગણી ઉભી
થઇ. એક મદારીને વાંસદાથી બોલાવવામાં આવ્યો. પરંતુ તે સાપ પકડવામાં નિષ્ફળ રહ્યો.
ત્યાર
પછી દેસાઈ ફળિયાનાં એક બહેન, આઝાદ ફળિયાના યુવાન અને સ્વરાજ
ફળિયાના એક પુરુષે સર્પદંશને કારણે પોતાના પ્રાણ ખોવા પડ્યા હતા.
આ
ઉપરાંત કમાણી અર્થે પરદેશ ગયેલા કેટલાક લોકો જુદા જુદા કારણોસર ત્યાં જ અવસાન
પામ્યા. તેમનાં પાર્થિવ શરીરને દાંડી લાવવામાં આવ્યાં અને અંતિમવિધિ કરવામાં આવી.
શારીરિક માનસિક
વિકલાંગ:
પૃથ્વી ઉપર ભાગ્યેજ એવું કોઈ ગામ કે
શહેર હશે જ્યાં શારીરિક કે માનસિક વિકલાંગ માણસો ન હોય. દાંડી એમાં કેવી રીતે
અપવાદ રહી શકાઈ શકે ?
સ્વરાજ
ફળિયામાં રણછોડભાઈ પરભુભાઈ મુકબધિર હતા. એમને ભણવા માટે કછોલી મોકલ્યા હતા. વાઘા
ફળિયામાં મુકેશભાઈ પરસોતભાઈ જન્મથી જ વિકલાંગ હતા. તળાવ ફળિયામાં હર્ષદભાઈ નારણભાઇ
મુકબધિર હોવા છતાં પ્રાથમિક શાળામાં ભણ્યા હતા. તેઓ એક સામાન્ય માણસ જેવું જ
જીવ્યા. લગ્ન કર્યાં,
કમાણી પણ કરી. બાળકોને પરણાવ્યાં પણ ખરાં. પાંચલી ફળિયાના મુકબધિર યુવાન અરુણકુમાર
છીમાભાઈ સારું ભણ્યા છે, અને
હાલ કેનેડાના મોન્ટ્રિઅલ શહેરમાં પોતાની મુકબધિર પત્ની સાથે સુખમય જીવન જીવે છે.
માંદગી અને સારવાર
આપણા
રડવાથી શરુ થતા અને બીજાંનાં રડવાથી પુરા થતા, માનવ જીવનને જન્મ અને મૃત્યુના
ઓવારા વચ્ચે વહેતો ચેતન પ્રવાહ કહેવાયો છે. અને આ વહેતા પ્રવાહના પ્રવાસમાં અડચણો
અને પડકારો ન આવે એવું સંભવ ખરું ? ઘણા પડકારો પૈકીનો એક તે માંદગી.
ગામની
સ્થાપનાથી લઈને આજ સુધી લોકો માંદગીમાં સપડાતા રહ્યા છે. કેટલાક સારવાર બાદ ફરી
તંદુરસ્ત થઇ ગયા તો કેટલાકને માંદગી ભરખી ગઈ. જીવલેણ માંદગીનો મને મળેલો પહેલો
રેફરન્સ, મારા
દાદા મકનજીભાઈ નાનાભાઈનો છે. લગભગ બેતાલીસ વરસની યુવાન વયે ક્ષય (ટી.બી.) નો રોગ
એમના મૃત્યુનું કારણ બન્યો હતો. તે સમયે 1942ની સાલમાં દુનિયામાં ટી.બી.નો સચોટ
ઈલાજ ન હતો. આજે જેમ ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાય છે, તેમ તે સમયે ક્ષય પણ જીવલેણ હતો.
લગભગ
1922-23 પહેલાં ગામમાં મરકી (પ્લેગ) ને કારણે કેટલાંક અવસાન થયેલાં. એકાદ બે
વાર ગામમાં કોલેરાનો પ્રકોપ પણ જોવા મળેલો. પરંતુ તેની સ્પષ્ટ માહિતી મળી નથી.
ઇ.સ. 1968ની
મહારેલ પછી દાંડીના દરિયાકિનારે ઘસડાઈ આવેલા માનવ અને પશુઓના મૃત શરીર કહોવાઈ
જવાથી ગામમાં કોલેરા ફાટી ન નીકળે તેની અગમચેતી રૂપે સરકારે આખા ગામ અને
વિસ્તારનું રસીકરણ કરેલું તેનો હું પણ સાક્ષી છું.
અત્યારે
જેમ કોરોના આવ્યો તેવા કેટલાક ચેપી રોગો આઝાદી પહેલાં પણ આવતા. ત્યારે શિક્ષણ અને
જાણકારી તથા મેડિકલ ફેસીલિટીના અભાવને કારણે અંધશ્રદ્ધા હાવી રહેતી. ગામના લોકો રથ
કાઢતા. આ રથ એટલે એકાદ બે માટલીમાં રાખ, વાળ, મીઠું, મરચું, લીંબુ, વગેરે ભરી બાજુના ગામમાં મૂકી
આવવાનું. દાખલા તરીકે મટવાડના લોકો તેમનો રથ સામાપુરની ભાગોળે મૂકી જાય. બીજા
દિવસે સામાપુરવાળા તેમાં તેમનું ઉમેરી દાંડીની ભાગોળે મૂકી આવે. છેલ્લે દાંડી વાળા
વળી તેમાં દાંડીનું ઉમેરી દરિયામાં પધરાવી દે. આ માટે લાકડાની એક પાટલીનો ઉપયોગ
થતો. આવી એક પાટલી મારે ઘરે ઇસ 2004 સુધી હતી.
ટાઢિયો
તાવ (મેલેરિયા) અને મુદતિયો તાવ (ટાઇફોઇડ) ના કિસ્સાનો એકદમ સામાન્ય છે. વર્ષ 1992ના ચોમાસાં દાંડીમાંથી વારાફરતી લગભગ
પચાસ જેટલા મેલેરિયાના દર્દીઓ નોંધાયેલા. એ પૈકી મારા ઘરમાંથી અમે કુલ સાત જણાનો
પણ સમાવેશ થાય છે.
કમળાના
દર્દીઓ સામાન્ય રીતે જોગેશ્વર જતા. એક ભાઈ એની દેશી દવા આપતા. વીંછીનું ઝેર ઉતારવાનું
કામ દેવા ફળિયામાં મકનકાકા, પ્રાથમિક શાળાના એક શિક્ષક, નારણભાઇ અને બાબુભાઇ ખાપભાઈ કરતા.
સોમભાઈ
ડાહ્યાભાઈ પણ પ્રાથમિક સારવારની ટ્રેનિંગ લઈને ગામમાં ક્યારેક દવા આપતા. એમની પાસે સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર
પણ રહેતાં.
લગભગ
1960
ના અરસામાં રમણભાઈ વૈદ્યએ દાંડીમાં પહેલું વ્યવસ્થિત દવાખાનું શરુ કર્યું. એમના
દાંડી છોડયા પછી પ્રવીણભાઈ આવ્યા. ત્યાર પછી ભરતભાઈ આવ્યા. એંસીના દાયકામાં ડો.
ભમગરાએ વિનય મંદિરમાં કન્સલ્ટન્સી શરુ કરી.પરંતુ તેમની ફી ઘણી વધારે હોવાથી દર્દીઓ
મળ્યા નહિ.
રુક્ષ્મણીબહેન
દયાળજી પટેલ જયારે ગામનાં સરપંચ હતાં ત્યારે ગામ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
માટે કોઈ દાતા તરફથી મળેલ ભંડોળ હતું. ત્યારે જયનારાયણ વ્યાસ ગુજરાત સરકારના
મંત્રી હતા. સરપંચ સાથેની એમની વ્યક્તિગત ઓળખાણને કારણે દાંડીથી માત્ર પાંચ
કિલોમીટર દૂર મટવાડમાં પણ સરકારી દવાખાનું હોવા છતાં દાંડીને એની મંજૂરી મળી.
શરૂઆતમાં ગામે આરોગ્ય કેન્દ્ર ચલાવ્યું અને હવે તે સરકાર હસ્તક છે. ગામને માટે આ
એક બહુ મોટી સગવડ છે.
ગામમાં
જ્યાં સુધી લીપણ અને નળિયાં વાળાં ઘરો હતાં, ત્યાં સુધી ઉંદર, માંકડ અને ચાંચડનો ઉપદ્રવ વધારે
રહેતો. હવે એમાં ઘણો કાબુ આવ્યો છે. જો કે દાંડીના ગરમ અને ભેજવાળા હવામાનને કારણે
મચ્છરોનો ત્રાસ રહે છે. ઉધઈ પણ જોવા મળે છે.
વસતિ
ગામ વસ્યું ત્યારે તો આરંભમાં ત્રણ ચાર કુટુંબો
હશે. ક્રમે ક્રમે વધતાં ગયાં હશે. બિલકુલ આરંભના આંકડા તો કદાચ સરકારી ગેઝેટ માંથી
મળે પણ છેલ્લા 150
વર્ષના આંકડા તો પ્રમાણભૂત મળે છે.
વસ્તી ગણતરી વર્ષ |
Population |
Note |
1850 |
65 |
અંદાજિત |
1931 |
460 |
અંદાજિત |
1941 |
530 |
અંદાજિત |
1951 |
600 |
અંદાજિત |
1961 |
800 |
અંદાજિત |
1971 |
1000 |
અંદાજિત |
1981 |
1050 |
અંદાજિત |
1991 |
1000 |
અંદાજિત |
2001 |
926 |
1163 Dhirubhai |
2011 |
1116 (537 M+579 F) |
1288 Dhirubhai |
2021 |
|
|
ભારતમાં
છેલ્લી વસ્તી ગણતરી 2011માં થયેલી. તેના સરકારી આંકડા મુજબ દાંડીમાં કુલ 316 કુટુંબમાં1116 માણસોની વસતી છે. જેમાં 537 પરુષ અને 579 સ્ત્રીઓ છે. તે પૈકી 53 બાળકો છે. જેમાં 22 બાળક અને 31 બાળકીઓ છે. જેમની વય 0 થી 6 વર્ષની છે.
ત્રણ
પુરુષ અને ચાર સ્ત્રી સાથેનું સાત માણસોનું એક કુટુંબ શિડ્યુલ કાસ્ટનું છે. જેઓ
ગામની કુલ વસતીના 0.63 ટકા છે. 136 માણસો શીડયુલ ટ્રાઈબનાં છે. તે પૈકી 67 પુરુષ અને 69 સ્ત્રી છે. જે ગામની કુલ વસ્તીના 12.19 ટકા ગણાય. હજાણીબીબીની દરગાહમાં મુસ્લિમ વહોરા
સમાજનાં બે કુટુંબોમાં લગભગ પાંચ માણસો છે. બાકીનાં બધા બધાં જ કોળી કુટુંબો છે. જે કુલ વસ્તીના લગભગ 86 ટકા ગણી શકાય.
એવરેજ
સેક્સ રેશિયો 1078
છે. (દર 1000
પુરુષ દીઠ 1078 સ્ત્રી.) જે ગુરાતના ગુજરાતના 919 રેશિયો કરતાં વધારે છે. ગામના પુરુષોનો શિક્ષણનો દર 95.92 અને મહિલાઓનો 98.36 છે. આમ કુલ શિક્ષિતવ્યક્તિ દર 97.18 થાય. જે ગુજરાતના 78.03 કરતાં ઘણો વધારે ગણાય.
ગામની
વસ્તી ઘટવાનાં મુખ્ય બે કારણો છે. પ્રથમ તો હવે મોટાભાગનાં દંપતિએ ‘બે બાળકો બસ’ ને બદલે એક જ બાળકનો વણલખ્યો નિયમ
અપનાવ્યો છે. અને બીજામાં સ્થળાંતરણ છે. ગામનાં
અનેક કુટુંબો પરદેશમાં સ્થાયી થયાં છે. અને કેટલાંક કુટુંબો સારી સુવિધાની લાલચે નવસારીમાં
રહેવા જતાં રહ્યાં છે.
No comments:
Post a Comment