Sunday, April 6, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 25 વિદેશ ગમન

 

25. વિદેશ ગમન

        દાંડીથી કેટલાક સાહસિકો 1940 ની આસપાસ પહેલવહેલા સ્ટીમર માર્ગે કલકત્તાથી રંગુન (બર્મા માનમ્યાર) ગયા. જેમનાં નામો આ મુજબ છે. નાના  ભાંકા, છીબા રવજી, રણછોડ રાવજી, ડાહ્યા રાવજી વગેરે (સામલા-તળાવ ફળીયા). નાના મકન (અંગ્રેજ), વાલા છીબા, નારણ પુના, હીરા નાના વગેરે (કાળા -સ્વરાજ ફળીયા).

        બર્મા બ્રિટિશ હકુમત હેઠળ હતું. આ સાહસિકો ત્યાં બ્રિટિશરો નવી રેલવે લાઈન નાખતા હતા તેમાં ખલાસી તરીકે કામ કરતા. પછીથી નારણ પુના સ્વતંત્ર કોન્ટ્રાક્ટરનું કામ કરતા થયા. હીરાભાઈ નાનાભાઈની દરજીની દુકાન હતી. સામાપુરના ભાણાભાઈ નાનાભાઈ તો રંગૂનવાળા તરીકે ઓળખાતા.

        તે પછી ઇસ્ટ આફ્રિકાનો પ્રવાહ ચાલુ થયો. તેમાં દેવા ફળિયાથી રણછોડજી ગોવિંદજી, કારિયા-આઝાદ ફળિયાથી પરભુભાઈ મોરાર, ભાણાભાઈ મોરાર તથા દેસાઈ ફાળિયાથી મીઠાભાઇ પુનિયા, હીરાભાઈ કેશા, શિવલાલ, શાંતિલાલ વગેરેનો સમાવેશ થાય છે.

        આ ઉપરાંત વાઘાફળીયાથી પરસોત લાલા અને પ્રભુ લાલા સાઉથ આફ્રિકા જયારે છનિયા મંગા સિંગાપોર ગયા. તળાવફળીયાના ધીરુભાઈ પ્રેમજી અને દેસાઈ ફળિયાના લાલભાઈ કાલિદાસ ઝામ્બિયા અને રહોડેશિયા ગયા. ભાણાભાઈ લાલાભાઇ ગોવન ન્યુઝીલેન્ડ ગયેલા.

        આ દરમ્યાન બીજું વિશ્વયુધ્ધ થયું. રંગૂનવાળાની હાલત કફોડી થઇ. કેટલાક જમીન માર્ગે ચાલતા તો કોક નસીબદાર સ્ટીમર મારફત ભારત પરત થઇ શક્યા. છનિયા મંગા પણ સિંગાપોરથી પરત આવ્યા. આફ્રિકા વાળા ત્યાં ટકી રહ્યા. પાછળથી તેઓ પૈકી કેટલાંક કુટુંબો ઇંગ્લેન્ડ માઈગ્રેટ થયાં.

        દેસાઈ ફળિયાના છોટુભાઈ કાલિદાસ અને ભાણાભાઈ ગોપાળજી આફ્રિકામાં હતા. તળાવફળીયાના પરસોતભાઈ કાનાભાઈનું કુટુંબ ઈંગ્લેન્ડમાં હતું છે તેઓ પણ તે પહેલા આફ્રિકા હોવા જોઈએ.

ઇંગ્લેન્ડ: પ્રથમ ઇંગ્લેન્ડ કોણ ગયેલું એનો ખ્યાલ નથી. પણ 1955 થી 1965 સુધીમાં ઘણા લોકોએ ત્યાં જવાનું સાહસ કરેલું. જેમાં સ્વરાજફળીયાથી રમણભાઈ અને શાંતુભાઇ, છીમાભાઈ, ભવનભાઈ, તળાવફળીયાથી યશવંતભાઈ વેગેરે મને યાદ છે.

ફીજી : પાંચલીફળિયાના બાબુભાઇ અને એમના પિતાજી રણછોડભાઈ (1967) માં મુંબઈ કે કલકત્તા બંદરેથી સ્ટીમર મારફતે ફીજી ગયેલા.

કેનેડા: વર્ષ 1972 માં સૌ પ્રથમ કેનેડા જનારાઓમાં આઝાદ ફળિયાથી કાંતિભાઈ મગનભાઈ, રમણભાઈ હીરાભાઈ, અમરતભાઈ છીબાભાઈ, મોરારભાઈ મોતીભાઈ, ગિજુભાઈ સુખાભાઈ, તળાવફળીયાથી બાબુભાઇ ધીરજભાઈ, વાઘાફળીયાથી રણજીતભાઇ ગોવિંદભાઇ, ગાંધીફળીયાથી ગોવિંદભાઇ છીકાભાઈ હતા. ત્યાર પછી લગ્ન કરીને જે લોકો ત્યાં ગયાં તેમણે તેમનાં કુટુંબને બોલાવ્યાં. આમ કરતાં ઘણાં ફેમિલી કેનેડા ગયાં. સ્કીલ્ડ વર્કર્સ સ્કીમ હેઠળ પ્રવીણભાઈ રામભાઈ (સ્વરાજ ફળીયા) અને વિમલકુમાર જયંતીભાઈ (દેસાઈ ફળીયા) કેનેડા જવામાં સફળ રહ્યા. વર્ષ 2004માં મેં પણ મારા કુટુંબ સાથે આ સ્કીલ્ડ વર્કર્સ સ્કીમ હેઠળ જ સાહસ કરેલું. હવે સ્ટુડન્ટ વિઝા મેળવીને ઉચ્ચ અભ્યાસ માટે ત્યાં જવાનો ટ્રેન્ડ શરુ થયો છે. તળાવ ફળિયાથી .... હસમુખભાઈ, દેસાઈ ફળિયાથી ... હર્ષદભાઈ, સ્વરાજ ફળિયાથી  ..  દિનેશભાઇ, ,,,  સુરેશભાઈ.....વગેરે વગેરે

ન્યુઝીલેન્ડ: વાઘાફળીયાથી વિનુભાઈ દયાળજી અને આઝાદફળીયાના રમેશભાઈ હીરાભાઈ (1973-75). લગ્ન કરીને ન્યુઝીલેન્ડ ગયેલા એ મને યાદ છે. એમના પહેલાં કોઈએ ન્યુઝીલેન્ડગમન કર્યું હોય પણ શકે, મારી પાસે તેની માહિતી નથી. પ્રકાશભાઈ રામભાઈ(1981) વિઝીટર વિઝાથી ન્યુઝીલેન્ડ ગયા અને  સેટલ થઇ ગયા. ત્યાર પછી ઘણા યુવાનોને આ નસીબ પ્રાપ્ત થયું. પાંચલી ફળિયાનાં આશાબહેન સ્ટુડન્ટ વિઝાથી ઓકલેન્ડ ગયાં હતાં. મેહુલ પ્રફુલભાઈ (તળાવફળીયા) હમણાં ગયા.

ગલ્ફ : ગલ્ફના દેશો જેવાકે ઈરાન, ઇરાક, સીરિયા, સાઉદી એરેબિયા, યમન, ઓમાન વગેરે ઉપરાંત આફ્રિકાના દેશો ઇજિપ્ત, સુદાન, અલ્જીરિયા, મોરોક્કો, નાઈજીરિયા વગેરે દેશોમાં જુદી જુદી કંપનીઓ મારફત ટેક્નિકલ કામ અર્થે વીસમી સદીના સિત્તેરના દાયકાથી જવાનું ચાલુ થયું હતું. ગામના મોટાભગના ભાગના પુરુષોએ એમના જીવનમાં એકાદ વાર તો આ દેશોની વિઝીટ કરી જ છે. મારી જાણ મુજબ મોરારભાઈ રાવજીભાઈ 1970માં કુવૈત ગયેલા. ગલ્ફ દેશોમાં કામ માટે ગયેલા લોકોનું લિસ્ટ ખુબ લાંબુ થઇ જાય એમ છે. પરંતુ પ્રવીણભાઈ નારણભાઇ (સ્વરાજફળીયા) પોતાના કુટુંબ સાથે દુબઇ/ શારજાહ માં રહ્યા હતા. તેમનાં બાળકો ત્યાં ભણ્યાં હતાં.

યુ.એસ.એ.:સ્વરાજફળીયાથી છોટુભાઈ કેશવભાઈ પ્રથમ ગયા હોવા જોઈએ. હવે કિરણભાઈ કેશવભાઈ અને જયંતીભાઈ દયાળજી ત્યાં છે. હજાણી ફળિયાથી સોમભાઈ ડાહ્યાભાઈ, તળાવ ફાળિયાથી નટુભાઈ સોમાભાઈ, મનુભાઈ છીબાભાઈ, આઝાદ ફાળિયાથી હીરાભાઈ અને (ઇલુ).....ડાહ્યાભાઈ નું કુટુંબ યુ.એસ.એ.માં છે.

ફ્રાન્સ : લગભગ 1980-81માં ગાંધી ફળિયાથી ગુણવંતભાઈ રામભાઈ પહેલીવાર ફ્રાન્સ ગયેલા અને એમનું કુટુંબ ત્યાં સ્થાયી થયેલું. ત્યારબાદ તેમના ભાઈ રમણીકભાઇ અને જમાઈ નવનીતભાઈ પણ ફ્રાન્સમાં સેટલ થયા.

ઇથિયોપિયા: તળાવફળીયાના છોટુભાઈ મોરારજી ઇથિયોપિયાના એડીસઅબબામાં ભારતીય એમ્બેસીમાં કામ કરતા હતા. જો કે નિવૃત્તિ પછી તેઓ ભારત પરત થઇ ગયા હતા.

ઓસ્ટ્રેલિયા: દાંડી ગામમાંથી ઓસ્ટ્રેલિયા કોણ સેટલ થયું છે તેની મને જાણ નથી.પરંતુ ન્યુઝીલેન્ડ અને ફિજીમાં રહેતાં કેટલાંક કુટુંબો ઓસ્ટ્રેલિયા મુવ થયાં છે. જેમાંથી એક દિલીપભાઈ લલ્લુભાઈના પુત્ર વિષે જાણકારી મળી છે.

આજે દાંડીની વસતી જેટલી દેશમાં છે લગભગ તેટલી જ વિદેશોમાં પણ છે.

No comments:

Post a Comment