Thursday, April 3, 2025

9. ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને શિકાર

 

 9. ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને શિકાર:

મત્સ્યોદ્યોગ

જ્યારથી દાંડી વસ્યું હશે ત્યારથી માછીમારી જરૂર કરી હશે. કારણ કે વિશાળ દરિયા કિનારો અને ખાડીઓનો વિસ્તાર માછીમારી માટે ખુબ અનુકૂળ હતો. પરંતુ માનવી સંપૂર્ણ માંસાહારી હોતો નથી. આથી જરૂર મુજબ ખેતી પણ કરી જ હશે.

માછીમારી કરવી એ કેટલાંક કુટુંબોનો પારિવારિક ધંધો હતો. તેઓ દરિયામાં જુદી જુદી જાતની જાળ પાથરીને માછલી પકડતા. આ જાળના પણ જુદા જુદા પ્રકાર હોય છે,  જેવાંકે જાળ, માગ,પડ્ડી, ઘોલવું, છોગ્યો અથવા સોગ્યો વગેરે. જુદા જુદા પ્રકાર અને જુદી જુદી સાઈઝની માછલીઓ માટે જુદી જુદી જાતની જાળ વપરાતી હોય છે. આ ઉપરાંત હુક-ગલ પણ ઉપયોગમાં લેવાય છે. માગમાં બુમલા, જાળમાં રામચું, પડ્ડીમાં બોઈ, ગોલવામાં ભોપચી સહીત જાત જાતની માછલીઓ પકડી શકાય. હાથથી ફેંકીને નાખવાની છોગ્યા કે સોગ્યા નામે જાણીતી જાળમાં પણ બોઈ, ભાદરાં વગેરે પકડી શકાય. લેવટા પકડવા માટે એના દરમાં હાથ નાંખવા પડે. ક્યારેક ખાડો ખોદીને તેમાં માટલું મૂકીને લેવટાને પકડવાની ટ્રીક પણ મેં જોઈ છે. કરચલાં પકડવા માટે કેટલાક લોકો છેક પૂર્ણા નદીના મુખ સુધી જતા.

મત્સ્યોદ્યોગની બાબતમાં પણ ખેતીની માફક સોમભાઈએ જ પહેલ કરી હતી. એમને નહેરનું પાણી મળતું હતું. તેમની ખેત તલાવડીમાં તેમણે માછલીઓ ઉછેરી. એમનો પ્રયોગ સફળ રહ્યો. તેમનું અનુકરણ કરીને બીજા લોકોએ પણ વરસાદી પાણી સંગ્રહ કરી મત્સ્યોદ્યોગ શરુ કર્યો.

પશુપાલન અને મરઘાંપાલન

પશુપાલન અને મરઘાંપાલન એ કોઈ વ્યવસાય નહીં, પણ અમારી જીવનશૈલીનો જ એક ભાગ છે. મારા જીવનના પાંસઠ વરસ દરમ્યાન મેં મારા ગામમાં ગાય અથવા ભેંસ અને મરઘાં પાલન ન કરતાં હોય એવાં બહુ ઓછાં કુટુંબો જોયાં છે. જો કે ઘેટાં બકરાંનું પાલન કરનાર કોઈ કોળી કુટુંબ જોયું નથી. ભરવાડ જાતિના બે કુટુંબો પાસે ઘેટાં બકરાં હતાં ખરાં.

દરેક ઘરમાં ઓછામાં ઓછી એક ભેંસ હોય જ. તેનું દૂધ ઘરમાં વપરાય. રાતના વાળુ દરમ્યાન ખોરાકમાં માત્ર દૂધ અને રોટલો ખાનાર માણસો ઘણા હતા. બાળકોમાં દૂધ અને રોટલા માટે ‘દૂધ-બાબો’ તથા માછલી અને રોટલા માટે ‘ચીચી-બાબો’ શબ્દો પ્રચલિત હતા. વધારાના દૂધમાંથી દહીં અને છાશ, માખણ, ઘી વગેરે બને. છાશ કોઈ વેચે નહીં. જે ઘરે છાશ વલોવાય તે ઘરે જઈને અડોશ પાડોશના લોકો છાશ લઇ આવે. માત્ર ઘી નું જ વેચાણ થાય. પણ એના ઘરાક ઓછા.

દાંડી ગામ રોડ મારફતે નવસારી સાથે જોડાયું પછી જ દૂધનો વેપાર શરુ થયો. કેસુર પટેલ અને નારણભાઇ પાંચાભાઈએ આ વેપાર કર્યો. તેઓ પશુ પાલકો પાસેથી દૂધ એકઠું કરી નવસારી સપ્લાય કરતા. ઈ.સ. 1980 પછી દિનુભાઈ સુખાભાઈ (દિનસુખ) પણ આ બિઝનેસ કરતા થયા. લગભગ 1974ની સાલમાં દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી બની. લોકોને દૂધનું આર્થિક મહત્વ સમજાયું.

ભેંસની બાબતમાં મોટાભાગના લોકો પાસે દેશી ભેંસ હતી. કેસુર પટેલ અને નારણભાઇ પાંચાભાઈએ પહેલીવાર મહેસાણી ભેંસ વસાવી હતી. એનું દૂધનું ઉત્પાદન વધારે હતું પરંતુ દાંડીનું હવામાન બહુ માફક આવતું ન હતું.

લગભગ 1978-79 ની સાલમાં મટવાડના સરકારી પશુ દવાખાનામાં બાબુભાઇ પટેલ નામના એક ડોક્ટર આવ્યા. આ ઉત્સાહી યુવાન ડોક્ટરે દાંડીમાં પહેલીવાર ભેંસમાં આર્ટીફીસીયલ ઇન્સેમિનેશન ચાલુ કરાવ્યા કર્યું હતું. તે પહેલાં અને પછી પણ લાંબા સમય સુધી સામાપુરમાં પ્રાથમિક શાળા નજીક ભરમલીયા તરીકે જાણીતી એક વિચરતી જાતિનું કુટુંબ પાડો રાખતું ત્યાં લઇ જઈને ભેંસને ગર્ભધારણ કરાવાતું.

ચોમાસામાં ખેતર, શેઢા-પાળી અને વાડાઓમાં લીલો ઘાસચારો મળી રહેતો પરંતુ દિવાળી પછી તેની તંગી ઉભી થતી. ત્યારે પૂર્ણા નદી જ્યાં દરિયાને મળે છે એ દાંડા નામે જાણીતી જગ્યા સુધી કાદવ કીચડમાં લગભગ ત્રણ ચાર કિલોમીટર ચાલીને ગામનાં બહેનો આલ નામે ઓળખાતી ખારી ચાર અને તવરાં (તિવાર-Mangrove) લેવા જતાં.

ડાંગરની પરાળ સુકાઘાસચારા માટે ઉપલબ્ધ રહેતી. ઉપરાંત સૂકું ઘાસ પણ મળતું. અમે સવારે વહેલા ઉઠીને સૂકું ઘાસના પૂળા બાંધવા માટે જતા. સવારે ઝાકળભીનું ઘાસ  બાંધવાનું સરળ રહેતું. પછી બાંધેલા પૂળાનું કુંદવું (ગંજી) સીંચતા.

લગભગ દરેક ઘરમાં એકાદ બે મરઘીઓ તો હોય જ. જરૂર પડયે લંચબોક્સ માટે ઈંડાની આમલેટ કે શાક ફેવરિટ ગણાતું. મહેમાનો માટે મરઘાનું બલિદાન લેવાતું.

ખેતી

મળેલા પુરાવાઓ મુજબ સી. ફોર્ડ દ્વારા બનાવાયેલા બંધો પછી વ્યવસ્થિત ખેતીની શરૂઆત થઇ. જેમાં ડાંગર મુખ્ય હતી. તે ઉપરાંત નાના પાયા ઉપર વાલ-પાપડી, ચોળી, ગુવારશીંગ, મઠ, મગ, જુવાર વગેરેની પણ ખેતી થતી હતી. દરિયાઇભાજી ગણાતી મરચર (Salicornia)  અને મોહરો (Suaeda maritima-મોરસ- મોરડ- લૂણો)પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતા. જ્યાં સુધી દાંડીની પ્રજાના ખોરાકમાં આ બે વનસ્પતિનું સ્થાન હતું, ત્યાં સુધી બહેનોને હિમોગ્લોબીનની ઉણપ અને લો બી.પી. ની સમસ્યા ન હતી.

દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી બન્યા પછી આમુલ પરિવર્તન આવ્યું. 1967-68 પછીની અમારા ઘરની ખેતી વિષે મારી પાસે જાણકારી છે. અમે પણ અમારી દાંડી મંડળી વાળી જમીનમાં ખેતી શરુ કરી. આ જગ્યાને અમે નવી ક્યારી તરીકે આજે પણ ઓળખીએ છીએ. ‘કડા’ નામની દેશી જાતની ડાંગર અમે ઉગાડતા. એનું ઉત્પાદન ઓછું હતું. ચોખાનો રંગ લાલ હતો. દાણો ટૂંકો અને જાડો. જાડું ધાન્ય ગણી શકાય. પરંતુ સ્ટાર્ચથી ભરપૂર. થોડાક ચોખા રાંધો તો આખા ઘરને ચાલી રહે. ખાધા પછી ઊંઘ ચડે. જલદી ભૂખ ન લાગે. ટુંકમાં લાંબો સમય જવાબ આપે.

મારાં દાદીમા (માય) દાળ, ભાત, શાક, રોટલા વગેરે લાકડાના ચૂલા ઉપર, માટીનાં વાસણમાં બનાવતાં. વાસણ માંજતી વખતે માટી અને ચૂલાની રાખનો ઉપયોગ કરતાં. બધું જ કુદરતી. ઝીરો પોલ્યુશન. ક્યારેક મારી બા, પિત્તળ કે એલ્યુમિનિયમનું વાસણ વાપરે અને કેરોસીનથી ચાલતો સ્ટવ ઉપયોગમાં લે, તો તેને આધુનિક ગણવામાં આવતું. ચૂલા ઉપરથી ગરમ વાસણ ઉતારવા માટે પણ ભાગ્યેજ કોઈ સાણસીનો ઉપયોગ કરતું. મોટેભાગે એકાદ જૂનું ફાટેલું કપડું જ ઉપયોગમાં લેવાતું.

કડા પછી અમે ફાર્મોસા, ભુરારાતા, જયા, પદમા, રત્ના, આઈઆર 8, આઈઆર 22 વગેરે નવી સુધારેલી અને હાઈબ્રીડ જાતની ડાંગર પણ પકવી હતી. ઘણી વાર ઓછા, અપૂરતા અને અનિયમિત વરસાદ વેળા તળાવમાં ત્રણ વાંસનો ત્રિકોણ બનાવી સૂપડાં વડે પાણી ખેંચીને પણ પાક લીધો છે. ક્યારેક ભાડેના ડીઝલ એન્જીન વાળા પંપનો પણ ઇરીગેશન માટે ઉપયોગ કર્યો છે.

શરૂઆતના વર્ષોમાં તમામ ખેડૂતો પોતાની બધી જ ક્યારીઓ હાથ વડે કોદાળીના ઉપયોગથી ખોદીને ખેડ કરતા. ક્યારેક હળ બળદનો ઉપયોગ પણ જોયો છે. પછી ટ્રેકટરનો જમાનો આવ્યો. ધીમે ધીમે કોદાળીથી ખોદવાનું સદંતર બંધ થયું. લગભગ 1973ની આજુબાજુનાં વર્ષમાં તળાવ ફળિયાના રણજીતભાઇ કેશવભાઈએ ભાડે ખેડ કરવા માટે ટ્રેકટર વસાવેલું.

ડાંગરની ખેતીમાં ફેરરોપણી, કાપણી અને ઝૂડણીમાં ઘણા મજૂરોની જરૂર પડે. ગામમાં મજૂરોની તંગી, ઉપરાંત ખેડૂતોની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે એક સહકારી પધ્ધતિ અમલમાં હતી જેને માટે સાંઢલ જેવો સ્થાનિક શબ્દ પ્રચલિત હતો. આ પધ્ધતિ અનુસાર પહેલાં એક ખેડૂતની ક્યારીમાં ચાર પાંચ ખેડૂત કુટુંબો એક સાથે ફેરરોપણી કરે. પછી બીજા, ત્રીજા આમ દરેકની ક્યારીમાં ફેરરોપણી થઇ જાય. આવું જ કામ કાપણી અને ઝૂડણી વેળા પણ થાય.

ડાંગરનો પાક લઇ લીધા પછી જો તળાવડીમાં પાણી હોય તો લોકો શાકભાજી પણ ઉછેરતા. અમે ઘણી વાર ગાજર, મૂળા, મેથી, ધાણા, ટામેટાં, રીગણા વગેરે ઉછેર્યાં છે. રોજ સવારે ઉઠીને ડોલ કે તપેલાં વડે છોડને પાણી આપતા. એક વાર ઘઉંની સફળ ખેતી પણ કરી હતી.

દિવાળીની આસપાસ ડાંગરની કાપણી અને ઝૂડણી થાય. ટૂંકમાં નવું ધાન્ય ઘરમાં આવે. એટલે સૌથી પહેલું કામ પૌંવા ખંડાવવાનું થાય. રાતે ગરમ પાણીમાં ભાત (ડાંગર) બોળી રાખવામાં આવે. વહેલી સવારની બસમાં નવસારી જઈ તેના પૌંવા ખંડાવવામાં આવે. અને એ જ પૌંવા એકાદ મહિના સુધી સવારે ચા માં પલાળીને ખાવાની જે મઝા અમે માણી છે, તે હવે સવારના નાસ્તામાં  ચા સાથે પારલે કે બ્રિટાનિયાની બિસ્કીટમાં નથી આવતી. ઈ.સ. 1960 પહેલાં સવારની ચા સાથે ગઈકાલ રાતનો વાસી રોટલો ખાવાનું પણ પ્રચલિત હતું.

જ્યાં સુધી ખેતી અને પશુપાલન હતું ત્યાં સુધી સવારે ચા પછી એકાદ કલાક બાદ રોટલો અને શાક ખાવાનું ચલણ હતું. એટલું ખાઈને લોકો બપોર સુધી ખેતર ક્યારીમાં મહેનત કરતાં.

એવું લાગે છે, ખોરાકમાં ચોખા અને જુવારનું સ્થાન લગભગ ગામની સ્થાપનાથી જ રહ્યું હશે. ચોખા રાંધતી વખતે જે પાણી ઉભરાય તેને સ્થાનિક ભાષામાં પેચ કહેવાતું. આ પેચ બાળકો ખુશી ખુશીથી પીતાં એવું સાંભળ્યું છે. જુવાર ઉપરાંત બાજરી, નાગલી, મકાઈ વગેરે ધાન્યો પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાયાં પરંતુ તેમનું સ્થાન કાયમી બની શક્યું નહીં.

ગામમાં કોઈએ કંટોલાંની વ્યવસ્થિત ખેતી કરી નથી. પરંતુ કુદરતી રીતે ઉગી નીકળતાં કંટોલાં વીણી લાવીને તેનું શાક બનાવવું કે વેચીને પૈસા કમાઈ લેવાની નીતિ સરેરાશ ગામલોકોની રહી છે. ઘણાં ઘરોનાં વાડામાં ચીભડાં, કાકડી, દૂધી, ગિલોડાં વગેરે ઉછરતાં મેં જોયાં છે. ઉપરાંત કેટલાંક કુટુંબો પાસે ખાટીઆમલી, બોરડી અને સરગવો જેવાં ઝાડ પણ હતાં. ભગવાનદાસ કાલિદાસ પાસે આંબાના કેટલાંક ઝાડ હતાં. જેનાં અથાણાં મેં ખાધાં છે.

શિકાર

પ્રારંભે માનવી શિકારી હતો. અમે કોળી પ્રજા ભારતવર્ષની મૂળ પ્રજાઓ પૈકીની એક છીએ. શિકાર કરવો એ અમારી જીવનશૈલીનો જ એક ભાગ છે. કહેવાય છે કે પાવાગઢ વિસ્તરામાં પતઇ રાજા રાવળની મહંમદ બેગડા સામે હાર થવાથી તેના સૈન્યમાં રહેલા કોળી સૈનિકો ધર્માંતરણ થવાના ડરથી પોતાના કુટુંબ સાથે દક્ષિણમાં નમર્દા નદી પાર કરીને ભાગી ગયેલા. પાવાગઢ વિસ્તારમાં કોળી લોકોનો વ્યવસાય ખેતી ઉપરાંત શિકાર જ હતો. આથી સ્થળાંતર કર્યા પછી ખોરાકની જરૂરિયાત શિકાર મારફતે જ પુરી થતી. જ્યાં વસ્યા ત્યાં ખેતી જરૂર કરી પરંતુ શિકાર કરવાનું ચાલુ જ રહ્યું. દાંડી અને સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારષ્ટ્રમાં પણ જ્યાં વસ્યા ત્યાં શિકાર કર્યો. આજે પણ કોળી પ્રજાના ખોરાકમાં માંસાહાર સામાન્ય બાબત છે.

જ્યારથી દાંડી વસ્યું ત્યારથી માછીમારી જરૂર થઇ. સાથે પશુઓનો શિકાર પણ થતો રહ્યો. એક સામે સમયે દાંડીની સીમમાં હરણ (કાળીયાર-નીલગાય) પણ હતાં. સી. ફોર્ડના બંધ હતા તે દરમ્યાનમાં ગામના છેલ્લા કાળિયારનો શિકાર વાઘાફળીયાના મંગાભાઇએ કરેલો એવા અહેવાલ છે. આ મંગાભાઇ એટલે બંધ બન્યા ત્યારે પાડા વડે ચાલતું રોલર બંધની માટી ઉપર ફેરવતા એ બ્રિજલાલભાઈના પિતાજી. આ બ્રિજલાલભાઈનું અવસાન 1976માં થયેલું. એમનો જન્મ 1900 ની આસપાસ ગણીએ તો તેમના પિતાજીએ લગભગ એ સમયગાળામાં જ આ છેલ્લો શિકાર કર્યો હોવો જોઈએ.

લલ્લુભાઇ પરભુભાઈએ એમની નોંધમાં જણાવ્યું છે કે સી.ફોર્ડના બંધ બન્યા પછી દાંડીનું જીવન મોર અને હરણાં જેવાં પ્રાણીઓથી ધબકતું થયું હતું. આથી હરણાંનો શિકાર જરૂર થયો છે. ટૂંકમાં ગામના લોકો તક મળે તો હરણાંનો શિકાર કરતા એ નક્કી.

જ્યાં હરણાં જેવાં ઘાસપાન ખાનારાં પ્રાણીઓ હોય ત્યાં તેમનો શિકાર કરનારાં જંગલી પ્રાણીઓ પણ હોવાની શક્યતા રહે જ. દાંડી અને આસપાસમાં શિયાળ ઉપરાંત લાક્ડીયાવાઘ (હેઇના- Hyena) પણ હતાં એવું જુના લોકો કહી ગયા છે.

જાળ પાથરીને કે કુતરાઓ દોડાવીને સસલાંનો શિકાર વીસમી સદીના અંત સુધી થતો હતો. ઘો (ઘોઈ) નો પણ શિકાર થતો. તે ઉપરાંત તેતર અને લાવરીનો પણ શિકાર થતો મેં જોયો છે. દરિયાઈ પક્ષીઓ સીગલ, તાવી નામે ઓળખાતા અમુક પ્રકારના બગલાઓ, કુરિયારી, આર, ભોર ઉપરાંત વિઘન, પીરોટ, દિવાળી ગલ્લા (દેવચકલી), હૈયા વગેરે ઘણી જાતનાં પક્ષીઓના શિકાર ગિલોલ વડે થતા. (પક્ષીઓનાં નામ સ્થાનિક ભાષામાં જણાવ્યાં છે. તેનાં સાચાં નામો વિષે ચોક્કસ જાણકારી ન હોવાથી તે જણાવ્યાં નથી.) ગામની દુકાનોમાં આ ગિલોલ માટેના રબરના પટ્ટા વેચાતા.

પક્ષી પકડવાની વધુ એક ટ્રીક તરીકે, વડના પાન તોડી તેમાંથી નીકળતું દૂધ હાથમાં લઇ ઘસીને જે ચીકણો પદાર્થ બને તેને ચુઈંગમની માફક ખુબ ચાવવાથી તે અતિશય ચીકણો બની જાય. તેને સ્થાનિક ભાષામાં ચીકી કહેવાતું. આ ચીકી ઝાડની ટોચ ઉપર લગાવવામાં આવતી. પક્ષી તેની ઉપર બેસે એટલે એના પગ આ ચીકીમાં ચોંટી જાય. પછી ઝાડ ઉપર ચડીને તે પક્ષીને પકડી લેવાનું. ખાસ વિઘન અને પીરોટ નામનાં પક્ષીઓ આ રીતે પકડાતાં.

ખારી જમીનમાં ઉગતી પીલવણ નામની વનસ્પતિનાં ડોર નામે ઓળખાતાં નાનાં નાનાં ફળ ખાવા માટે હૈયા પક્ષીઓનાં ઝુંડ નાં ઝુંડ આવતાં. આ હૈયાનો શિકાર ગિલોલ વડે તો થતો જ પરંતુ કેટલાક કુશળ લોકો હાથથી પણ પકડી લેતા.

દિવાળી દરમ્યાન જયારે ડાંગર અને ઘાસની કાપણી થતી ત્યારે બીજા એક પ્રકારનાં નાનાં કદનાં પ્રવાસી પક્ષીઓ આવતાં. પ્લાસ્ટિકની દોરીના પાસ બનાવી તેનો પણ શિકાર કરાતો. તેતર પકડવા માટે જુવારના સાંઠામાંથી નાનાં પાંજરાં (ઢાફાં) બનાવાતાં. તેને ખેતરની વાડમાં, તેતર પસાર થતા હોય એવા રસ્તા પર મુકીને તેતરનો શિકાર થતો.

વીસમી સદી પુરી થઇ અને સાથે આ બધી બાબતો પણ ધીમેધીમે ઇતિહાસની ગર્તામાં સમાવા લાગી. આજની પેઢીને આ બાબત છેક જંગલી પણ લાગી શકે. પરંતુ અહીં કશું છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો. નિષ્ઠાપૂર્વક સત્ય લખવાનો પ્રયત્ન છે. સત્ય મોટેભાગે ખરબચડું જ હોય, સુંવાળું નથી હોતું.

આ થઇ ગઈ કાલની વાત, અર્થાત વીસમી સદીના અંત સુધીની વાત. હવે આજની વાત કરીએ તો, સન 2001 થી 2025 સુધીમાં ઘણું બદલાયું છે. હવે નવી પેઢીને ભેંસ કે પશુપાલનમાં રસ નથી. ખેતી કોઈ કરતુ નથી. મરઘાં પાલન પણ ઘટ્યું છે. શિકાર લગભગ બંધ થયા છે. હવે લોકોને ઝીંગાના ઉત્પાદનમાં રસ પડયો છે. જો કે આ એક જોખમી ધંધો છે. એમાં આર્થિક રોકાણ ઘણું કરવું પડે છે. ઉપરાંત કુદરત ઉપર પણ ઘણો આધાર રહેતો હોવાથી નુકશાન થાય ત્યારે કશું જ હાથમાં ના આવે એવું પણ બની શકે.  

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment