Saturday, April 5, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 18 શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ

 

18. શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ

 

ગામમાં શિક્ષણની શરૂઆત દેસાઈ લોકોના આગમન બાદ થઇ. સી.ફોર્ડના બંધોની મરામત, કાળજી અને ગણોતિયાઓ પાસે મહેસુલ ઉઘરાવવાની કામગીરી માટે કેટલાંક દેસાઈ કુટુંબોને દાંડીમાં વસાવવામાં આવ્યાં. આ બુદ્ધિશાળી પ્રજાએ સૌ પ્રથમ પોતાનાં સંતાનોના શિક્ષણ અંગે વિચાર્યું. નાનાં નાનાં બાળકોએ કાદવમાં ચાલીને આટ કે મટવાડ સુધી ભણવા માટે જવું પડે એ પરિસ્થિતિ દેસાઈ લોકોને મંજુર ન હતી. આથી તેમણે દાંડીમાં પ્રાથમિક ગુજરાતી શાળા શરુ કરાવી. આમ પ્રાથમિક શાળા દાંડી એ ગામની પ્રથમ શૈક્ષણિક સંસ્થા બની.

પ્રાથમિક શાળા :

ગામની પહેલી પ્રાથમિક શાળાના પહેલા વર્ગનાં પહેલાં વિદ્યાર્થીની દેવાફળીયાનાં મીઠીબહેન હતાં. તેમના જણાવ્યા પ્રમાણે આ નિશાળ તળાવ ફળિયામાં યશવંતભાઇના ઘરના ઓટલા ઉપર શરુ થયેલી. સને 1920 ની આજુબાજુનાં વર્ષોમાં ટેકરી ઉપર પ્રાથમિક શાળાનું મકાન બન્યું. જ્યાં હાલ ગાંધી સ્મારક સંકુલનું પ્રાર્થના સ્થાન આવેલું છે. આ મકાન કોણે બનાવ્યું તેની વિગત મળી નથી. પણ અંગ્રેજ સરકારે જ બનાવ્યું હોવું જોઈએ. બાંધકામનું તમામ મટીરીયલ વહાણ મારફતે આવેલું, અને એ સ્કૂલની પાછળથી પસાર થતી ખાડીના કિનારે ઉતરવામાં આવેલું.

ગાંધીજીએ ઈ.સ. 1937માં વર્ધા ખાતે દેશમાં શિક્ષણની સંકલ્પના તૈયાર કરવા માટે કેળવણીકારોની મિટિંગ બોલાવેલી, ત્યારે જે યોજના રજૂ થઇ, તે વર્ધા યોજના નામે પ્રચલિત થઇ. વર્ધા રાષ્ટ્રિય શાળા, દાંડી નામ પણ ત્યાર પછી જ અમલમાં આવ્યું હોવું જોઈએ.

નરસિંહભાઇ નાનાભાઈ 'મારાં સંભારણાં માં જણાવે છે કે; પ્રાથમિક શાળાના પહેલા ધોરણ પહેલાં, બાળવર્ગ પણ હતો. હાલ આપણે એને બાલમંદિર ગણી શકીએ. બાવાભાઈ નામના એક ઠીંગુજી માસ્તર એ કલાસમાં ભણાવતા. હાથમાં સોટી રાખીને બાળકોને કંટ્રોલ કરતા. બાળવર્ગમાંથી પહેલા ધોરણમાં જવા માટે પરીક્ષા થતી. તે માટે ઇન્સ્પેક્ટર આવતા. તે સમયે કીકાભાઈ, ખંડુભાઇ અને મગનભાઈ નામના ત્રણ દેસાઈ માસ્તરો દાંડીની શાળામાં ભણાવતા હતા. ઉપરાંત રણછોડજી માસ્તર પણ હતા. તેઓ સૌ આટ ગામથી દરરોજ ચાલતા આવતા.

આ દરમ્યાન દાંડી ગામના કેશવભાઈ નાનાભાઈ પટેલ ફાઇનલની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયા. ત્યારે આ પરીક્ષા સુરત કેન્દ્રમાં લેવાતી. એ સમયે મુખ્યશિક્ષકને ઉપશિક્ષકની નિમણૂંક કરવાનો અધિકાર હતો. કેશવભાઈની નિમણૂંક દાંડીની પ્રાથમિક શાળામાં થઇ.

તે વેળા સ્કૂલનો સમય સવારે 8.00 થી 1.00 અને બપોરબાદ 2.00 થી 5.00 રહેતો. દરિયાની મોટી ભરતી સમયે ખાડીમાં વધુ પાણી આવી જવાથી નાની દાંડીના વિદ્યાર્થીઓને વહેલી રજા આપી દેવી પડતી. કારણ કે ત્યારે નાની અને મોટી દાંડીને જોડતો કોઈ રસ્તો ન હતો.

ફાઇનલની પરીક્ષાની તૈયારી માટે રાત્રિ ક્લાસ ત્યારથી શરુ થયેલા, જે છેક 1971-72 સુધી ચાલુ રહ્યા. લગભગ 50 વરસ સુધી ફાનસના અજવાળામાં આ રીતે ભણતર ચાલતું રહ્યું.

આઝાદી બાદ પ્રાથમિક શાળાનું વધુ એક મકાન બન્યું. ઉપરાંત વણાટશાળા પણ બની. સને 1961માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ગાંધીસ્મારકનું ઉદઘાટન થયું. સ્કૂલની ફરતે દીવાલ અને એક તેમાં એક મોટો દરવાજો બન્યો. આમ સ્કૂલની શોભા વધી ગઈ.

સને 1970-71 માં આ ત્રણે મકાનો તોડીને હાલ છે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યાં. અહીં પણ અવારનવાર નાના મોટા ફેરફારો થતા રહ્યા. એકવીસમી સદીની શરૂઆતમાં સ્વરાજફળીયાના છીમભાઈ જસમતભાઈએ નવું મકાન બનાવી આપ્યું. જે હાલ પણ ચાલુ છે.

શાળાની ઉપલબ્ધીઓ જોવા જઈએ તો શરૂઆતના વર્ષોમાં કેશવભાઈ નાનાભાઈ પટેલ નામના વિદ્યાર્થીએ ફાઇનલની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલો. તેમને એવોર્ડ એનાયત કરવા નવસારીથી કલેક્ટર ખુદ દાંડી આવેલા.

વર્ષ 1971-72માં પંકજકુમાર અમૃતલાલ અને પ્રવિણકુમાર છગનભાઇ સાતમા ધોરણમાં નવસારી તાલુકા અને વલસાડ જિલ્લામાં વકૃત્વ અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવેલા. જે એક રેકર્ડ હતો.

એક શિક્ષક તરીકે કેશવભાઈ નાનાભાઈ પટેલના અભિગમ થી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલા બધા પ્રભાવિત થયેલા કે એમને પાંચ રૂપિયાનું ઇનામ આપેલું. પાંચ રૂપિયા ત્યારે ઘણી મોટી રકમ ગણાતી.

શાળાના ભૂતપૂર્વ શિક્ષક નરસિંહભાઇ નાનાભાઈ જયારે બોદાલી શાળાના આચાર્ય હતા ત્યારે વર્ષ 1964-65 માં ભારતના રાષ્ટ્રપતિને હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો હતો.

આ ઉપરાંત બીજી અન્ય ઉપલબ્ધીઓ હશે જ પરંતુ તેની વિગત મળી નથી.

આ શાળામાં દાંડી ગામના ઘણા શિક્ષક અને શિક્ષિકાઓએ સેવા આપી છે. જેમાં કેશવભાઈ નાનાભાઈ, નરસિંહભાઇ નાનાભાઈ,  ગંગાબહેન નરસિંહભાઇ, રણછોડભાઈ પ્રેમજીભાઈ, શારદાબહેન સોમભાઈ, જમુબહેન નારણભાઇ, પાર્વતીબહેન નારણભાઇ (અમૃતભાઈ), કાન્તાબહેન અને ભગુભાઈ, પાનીબહેન મકનભાઈ, ભારતીબહેન ઉંકાભાઈ નો ઉલ્લેખ કરવો જરૂરી છે.

 

માધ્યમિક શાળા :

            ભારતમાં આઝાદીના આંદોલનના ભાગ રૂપે વર્ષ 1942માં ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું, ગામના ઘણા યુવાનો પોતાનો અભ્યાસ છોડીને આ આંદોલનમાં જોડાયા હતા. ત્યારે લગભગ બાર-તેર વરસની ઉંમરના એક વિદ્યાર્થીએ મનોમન એક સ્વપ્ન સેવ્યું હતું. દાંડી ગામમાં માધ્યમિક શાળા શરુ કરવાનું. પછી એને જીવનનો ધ્યેય કે લક્ષ્ય બનાવ્યું. ખંતથી અભ્યાસ કર્યો. ફાઇનલ, મેટ્રિક, ગ્રેજ્યુએશન અને પોષ્ટગ્રેજ્યુએશન કર્યું. બી.એડ પણ પાસ કર્યું. દરેક વખતે ઉત્તમ વર્ગ મેળવ્યો. પછી  અધ્યાપન મંદિર (PTC college)  ગુંદી, તાલુકા ધોળકા,  જિલ્લા અમદાવાદમાં નોકરી મેળવી. સરસ રીતે સેટલ થયેલી લાઈફ છોડીને વર્ષ 1969માં દાંડીમાં આવીને વિનય મંદિર દાંડી નામે ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા શરુ કરી. આ સાહસિક અને ખંતીલી વ્યક્તિ એ જ ધીરુભાઈ.

શરૂઆતમાં કેળવણી મંડળ દાંડી ટ્રસ્ટ બનાવવામાં અનેક અડચણો આવી. કાંઠા વિભાગના બે મુખ્ય રાજકીય આગેવાનો લલ્લુભાઇ મકનજી અને ગોસાંઈભાઈ છીબાભાઈએ આ ટ્રસ્ટથી દૂર રહેવાનું પસંદ કર્યું. અન્ય ગામના આગેવાનોએ પણ તેમનું જ અનુસરણ કર્યું. કરાડી ઓંજલના આગેવાનોને તેમના ગામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની અછત ઉભી થવાનો ડર લાગ્યો. દાંડીના યુવાનોમાં ઝાઝો ઉત્સાહ જોવા ન મળ્યો પરંતુ વડીલોનું પીઠબળ સબળ રહ્યું. અંતે દાંડી ગામના જ આગેવાનોને લઈને પ્રથમ ટ્રસ્ટીમંડળ બનાવાયું. જેમાં ધીરુભાઈ ઉપરાંત કેશવભાઈ નાનાભાઈ, અમૃતભાઈ મકનજી, નરસિંહભાઇ નાનાભાઈ, મગનભાઈ નારણભાઇ નો સમાવેશ થયો. આ ઉપરાંત નવસારીથી મહેશભાઈ કોઠારી નો સાથ મળ્યો. આ તમામ વ્યક્તિઓની કારકિર્દી શિક્ષણ સાથે સીધી જોડાયેલી હતી.

ધીરુભાઈ અભિવાદન ગ્રંથમાં અમૃતભાઈ જણાવે છે કે; દાંડી ગામમાં આવી સંસ્થા હોવી જોઈએ એ વિચાર નવો ન હતો. 1955-56 ના અરસામાં કેશવભાઈ નાનાભાઈ એ પણ માધ્યમિક શિક્ષણ સંસ્થા માટેનું વિચારબીજ વાવ્યું હતું.પરંતુ ગામની આર્થિક સધ્ધરતા નહિંવત હોવાથી આ વિચારબીજ ઘણા વર્ષો સુધી ગામની ધરતીમાં જ દબાયેલું રહ્યું.

કેળવણી મંડળ અને તેના દ્વારા વિનય મંદિર દાંડીની સ્થાપના, એ વર્ષ 1969ની મહત્વની ઘટના હતી, જેણે ગામની વિવિધ પ્રવૃત્તિઓનાં સમીકરણો સાવ બદલી નાખ્યાં. આ ઘટનાને દાંડી ગામની વિકાસ યાત્રાના એક મહત્વના સીમાચિહ્નરૂપ લેખી શકાય. લોકશિક્ષણ ના હેતુ સાથેની પ્રવૃત્તિનું નવું કેન્દ્ર પ્રાપ્ત થયું. યુવક મંડળ દાંડી દ્વારા આઝાદી પછીના પ્રથમ દસકામાં જે યુવાનોનું ઘડતર થયું, એ જ યુવાનો દ્વારા વિનય મંદિરની સ્થાપના થઇ અને દાંડીના વિકાસને વેગ મળ્યો.

15 જૂન 1969 ના વણાટશાળાના બંધ પડેલા જર્જરિત મકાનમાં થોડું સમારકામ કરાવીને, વિનય મંદિર દાંડી નામની માધ્યમિક શાળાના શ્રી ગણેશ થયા. સંસ્થાને દાંડી ઉપરાંત સામાપુર ગામના વિદ્યાર્થીઓ મળ્યા.

વિદ્યાર્થીઓના ગણવેશ તરીકે બ્લ્યુ હાફપેન્ટ અને સફેદ શર્ટ, તથા વિદ્યાર્થીનીઓ માટે સફેદ સ્કર્ટ- બ્લાઉઝ અને ઝાંખો વાદળી રંગનો પટ્ટો હતાં. તમામ વસ્ત્રો ખાદીનાં હોવાં ફરજીયાત હતાં. હું પોતે પણ પહેલાં ચાર વર્ષ પૈકીનો એક વિદ્યાર્થી હતો. અમને ખાદીનાં કપડાં પહેરવાનું ગમતું ન હતું. એ સમયે ખાદી આઉટડેટ થવાની શરૂઆત થઇ ચુકી હતી. કરાડી અને નવસારીમાં ભણતા અમારા મિત્રો અમને ઉતરતી કક્ષાના ગણતા હતા. તે કારણ કે તેઓ મીલ ના કપડાં પહેરતા હતા. જો કે ધીમે ધીમે ખાદીનો આગ્રહ ઓછો થતો ગયો, અને વિદ્યાર્થીનીઓનો વાદળી પણ પટ્ટો પણ ભુલાય ગયો. ત્યારપછી તો ઘણા ફેરફાર થયા. 

વિનય મંદિરના આશ્રયે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણીનો સીલસીલો ફરી શરુ થયો. ગામના પહેલા સામુહિક નવરાત્રી ગરબા હાલ જે જગ્યાએ વર્કશોપ છે તે મેદાનમાં 1969ની સાલમાં થયા. બે-ત્રણ વર્ષ બાદ રાધાકૃષ્ણ મંદિરમાં સ્થળાંતર પામ્યા. યુવક મંડળના કામોને વેગ મળ્યો અને રમત ગમત મંડળનો આરંભ પણ અહીંથી જ થયો. નવા વાતાવરનો લાભ દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સ્થાપવામાં મળ્યો. ગામના પીવાના પાણીનો મોટો પ્રશ્ન પણ હલ કરવાના વ્યવસ્થિત પ્રયત્નો શરુ થયા. અંતે આજે જે પાણી પુરવઠા યોજના હેઠળ ઘર ઘર, નળ દ્વારા જળ, મળે છે તે આ પ્રયત્નોનું જ પરિણામ છે. 

કોઈપણ સંસ્થા નાણાં વિના ન નભે. વિનય મંદિરના શિક્ષકોનો પગાર તો સરકાર આપે, પરંતુ મકાનનું શું ? સ્કૂલના અને વર્કશોપના મકાન માટે લગભગ છ લાખ રૂપિયાની જરૂર હતી. આજના સમયમાં તે છ કરોડ રૂપિયા કરતાં પણ વધારે ગણાય. ધીરુભાઈની કુનેહ, આવડત, ઓળખાણ અને ગામના સદનસીબે સ્વિસ એઇડ નામની સ્વિત્ઝરલેન્ડની સંસ્થાનો સંપર્ક થયો. પિયરી ઓપ્લીગર અને સ્નેલમેન નામના બે અધિકારીઓને સમજાવવામાં ધીરુભાઈ સફળ રહ્યા. ઓપ્લીગરજીને તો ધીરુભાઈ ઉપર ખુબજ વિશ્વાસ. અને લાગણી પણ ખુબ. ઉંમરમાં ઘણા મોટા, આથી અમે એમને ઓપ્લીગર દાદા કહેતા.

પહેલા તબક્કે સંસ્થાને ત્રણ લાખ રૂપિયા મળ્યા. પછી બીજા ત્રણ લાખ, આમ કરતાં કરતાં લગભગ બાર લાખ રૂપિયા મળ્યા. જેમાં ગામની પાણી યોજના માટે મળેલ મદદનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્વિસ એઇડ સંસ્થાના નિયમ મુજબ આજે વિનય મંદિર સંકુલમાં એ સંસ્થાના નામનું કોઈ બોર્ડ કે તકતી નથી.

સંસ્થાના શિક્ષણ વિષે જોઈએ તો, પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું હતું. એસ.એસ,સી.ની પરીક્ષામાં 27 માંથી માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. પહેલા વર્ષનું રિઝલ્ટ માત્ર 11 ટકા આવ્યું. જો કે એની ખાસ વિપરીત અસર ન થઇ. બીજા વર્ષના બેચે 89 ટકા રિઝલ્ટ લાવીને સાટુ વાળી દીધું. પહેલા વર્ષના ખરાબ પરિણામનું એકમાત્ર કારણ પરીક્ષાલક્ષી તૈયારીનો અભાવ હતો. પરીક્ષામાં પાસ થવા માટે જીવનના આદર્શો નહીં, પરંતુ પ્રશ્નોના સાચા જવાબો જ જરૂરી છે એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમજાય ગયું હતું. પહેલા વર્ષના ખરાબ અનુભવ પછી  આજ દિન સુધી પચાસ ટકાથી નીચે પરિણામ ક્યારેય આવ્યું નથી. કેટલીક વાર તો સો ટકા પરિણામ આવ્યું છે.

ઉચ્ચતર અભ્યાસને ધ્યાનમાં લઈએ તો શરૂઆતનાં વર્ષોમાંથી કોલેજમાં જનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ નહીંવત રહ્યું. ઘણી કન્યાઓના લગ્ન, વિનય મંદિરના અભ્યાસ દરમ્યાન જ થઇ જતાં તેઓ તો એસ.એસ.સી. ની પરીક્ષાથી પણ વંચિત રહી ગયાં. બીજાં કેટલાંક નબળી આર્થિક સ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યાં. કેટલાંકે કોલેજનો અભ્યાસ અધૂરો છોડયો. આંગળીને વેઢે ગણી શકાય એટલા જ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા. છોકરાઓ એ તો મોટેભાગે આઈ.ટી.આઈ. માં જઈ વેલ્ડર, ફીટર કે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જેવા કોર્સ કર્યા. ડિપ્લોમા એન્જીનીયરગ કરનારા પણ એકાદ બે જણ જ હતા.

સિત્તેરના દાયકાના અંતમાં હાયર સેકન્ડરીનો પ્રયોગ થયેલો. અહીંથી એચ.એસ.સી. પાસ કરનારને ડિપ્લોમા એન્જીનીયરિંગમાં અમુક લાભો મળતા હતા. પરંતુ વિષય ભારણને કારણે પાસ થવું અઘરું હતું. અને થોડાં જ વર્ષ પછી આ પ્રયોગ બંધ થયેલો.

વર્ષ 1980 પછી પરિસ્થિતિ બદલાઈ. ગામની અને કાંઠાવિભાગની આર્થિક સ્થતિ સુધરવા લાગી. તેનું સીધું પરિણામ ઉચ્ચ અભ્યાસ માં જોવા મળ્યું. હવે ગ્રેજ્યુએટ, પોષ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ડીગ્રી એન્જીનીયર્સ મળી રહે છે.

આજે હવે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ મળે છે. છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે. પરગામના ઘણા વિદ્યાર્થીઓ અહીં રહીને ભણે છે.

મારી વર્ષ 2022 અને 2023 ની ગામની મુલાકાત વેળા અનેક વખત ધીરુભાઈને મળવાનું થયું. અમારા 1972-76 ના વિનયમંદિર બેચના વિદ્યાર્થીમિત્રોનુ સ્નેહસંમેલન પણ, એમના સહકારથી  યોજાયું. એમના મતે શરૂઆતનાં વીસ વરસ જેવું વાતાવરણ હવે રહ્યું નથી. ક્યારેક થયું પણ છે કે મારે યોગ્ય સમયે આ સંસ્થા બંધ કરી દેવી જોઈતી હતી. પરંતુ તેવું થઇ શક્યું નહીં. જે થાય તે સારા માટે માનીને ચાલુ છું.

બાલમંદિર :

ગામમાં બાલમંદિરની શરૂઆતનું વર્ષ ચોક્કસ વર્ષ ખ્યાલ નથી પણ 1985 થી  1990 ની વચ્ચે એની શરૂઆત થયેલી.

શિક્ષણ :

દાંડીમાં પ્રાથમિક શાળા 1920 ની આસપાસ ઈ.સ. શરુ થઇ. પછી કેટલાક લોકોએ ફાઇનલ (ધોરણ 7) પાસ કરી હશે. એમાં કેશવભાઈ નાનાભાઈ પણ હતા. જેઓ દાંડીની શાળામાં જ શિક્ષક બન્યા. નરસિંહભાઇ નાનાભાઈ પણ આ લિસ્ટમાં આવે. પછી કેટલાક વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો. ધીરુભાઈ હીરાભાઈ નવસારી હાઈસ્કૂલમાં ભણેલા. આઝાદ ફળિયાના હીરાભાઈ મોરારજી, તેમનાભાઇ અને તળાવ ફળિયાના છોટુભાઈ મોરારભાઈ નવસારી ખાતે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણ્યા હતા.

પોતપોતાની હોંશિયારી, સગવડ, નાણાંકીય અનુકૂળતા વગેરેને આધારે ગામને ગ્રેજ્યુએટ યુવાનો મળ્યા. સૌ પ્રથમ ગ્રેજ્યુએટ થનાર કોણ હતું તેની જાણકારી મળી નથી. પરંતુ સ્વરાજ ફળિયાથી ધીરુભાઈ હીરાભાઈ, અમૃતભાઈ મકનજી, રમણભાઈ હીરાભાઈ, છીમાભાઈ જસમતભાઈ તથા  વાઘા ફળિયાથી  બાબુભાઇ સુખાભાઈ, મગનભાઈ નારણભાઇ, દયાળજી મોરારજી  ઉપરાંત દેવાફળીયાથી કેશવભાઈ ઉંકાભાઈ વગેરેને શરૂઆતના ગ્રેજ્યુએટ કહી શકાય. આ તમામ આર્ટ્સ ગ્રેજ્યુએટ હતા.

પ્રથમ બી.કોમ. અને બી.એસ.સી. કરનાર વિષે ચોક્કસ જાણકારી નથી. છતાં મળેલી વિગત મુજબ બાબુભાઇ ભગવાનદાસે બી.એસ.સી. અને એમ.એસ.સી. (સ્ટેટિસ્ટિક્સ) પાસ કર્યું હતું. કદાચ તેઓ જ સાયન્સના પ્રથમ ગ્રેજ્યુએટ અને પોષ્ટગ્રેજ્યુએટ હોય શકે છે. તળાવ ફળિયાનાં મંજુલાબહેન છોટુભાઈ એ 1973ની સાલમાં માઇક્રોબાયોલોજી વિષયમાં બી.એસ.સી. કરેલું. બી.કોમ કરનાર કદાચ દિલીપભાઈ લલ્લુભાઇ (દેસાઈ ફળીયા) હોય શકે. પ્રવિણકુમાર દયાળજી (1980) બી,કોમ. કરનાર મારો સ્કૂલનો સહાધ્યાયી હતો.

નવસારીની એગ્રિકલચર કોલેજ આપણી નજીક છે, છતાં ત્યાંથી બી.એસ.સી.(એગ્રી-1981) અને એમ.એસ.સી. (એગ્રી-1984) કરનાર ગૌતમકુમાર ધીરુભાઈ અને પંકજકુમાર અમૃતભાઈ પટેલ હતા. પંકજકુમારે (ઈન સર્વિસ 2002-04) પી.એચ.ડી.માં કુલ પાંચ સેમેસ્ટર અભ્યાસ કરીને પ્રથમ વર્ગ જાળવ્યો હતો. પરંતુ કેનેડાના વિઝા મળી જવાથી એ અભ્યાસ પડતો મુકવો પડેલો. આમ ગામને પ્રથમ પી.એચ.ડી. (ડોક્ટર) મળતાં મળતાં રહી ગયો.

સ્વરાજ ફળિયાના છોટુભાઈ કેશવભાઈ, શાંતુભાઇ હીરાભાઈ ડિગ્રી ઇંજિનિયરિંગ અને તનુભાઈ છોટુભાઈ (તળાવફળીયા) ડિપ્લોમા એન્જીનિયરિંગ કરનાર પહેલા કેટલાક પૈકીના હતા. પછી ઘણાં વર્ષોની ગેપ બાદ વાઘાફળીયાથી કીર્તિભાઇ સોમભાઈએ ડિગ્રી એન્જીનીયરીંગ કર્યું. તળાવ ફળિયાથી જીતુભાઇ પરભુભાઈ અને દેવાફળીયાથી પ્રવીણભાઈ છગનભાઇ ડિપ્લોમા એન્જીનીયર બન્યા. દેસાઈ ફળિયાથી સંજય મોરારભાઈએ પણ ડિગ્રી એન્જીનીયરીંગ કર્યું. હવે એકવીસમી સદીમાં આ લિસ્ટ લાંબું થતું જાય છે.

પોષ્ટ ગ્રેજ્યુએશનમાં પણ શરૂઆતના ગ્રેજ્યુએટો જ વધારે છે. ધીરુભાઈ હીરાભાઈ, અમૃતભાઈ મકનજી, રમણભાઈ હીરાભાઈ, દયાળજી મોરારભાઈ, મગનભાઈ નારણભાઇ વગેરેની ગણતરી કરવી પડે.

ગામની મહિલાઓના શિક્ષણ વિષે મહિલા વિભાગમાં વિસ્તૃત માહિતી આપી છે.

 

 

 

No comments:

Post a Comment