Friday, April 4, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 15 ગામનું કેન્દ્ર ટેકરી

 

15. ગામનું કેન્દ્ર ટેકરી

દાંડી ગામની કેટલીક જગ્યાઓનાં વિશિષ્ઠ નામે હતાં, જેમકે ગોલવાડો/ ઘોલવાડો, સેગઈ,  મેંધિયું /મેંદીયું, બાગ, કોરો, ચહણી, બોરી, માલણ, ભારાભાઠલી, બાવળીયું, ચોરમલી વગેરે.

આ પૈકી સૌથી પ્રખ્યાત જગ્યા તે ટેકરી. ગ્રામતળની એ સૌથી ઊંચી જગ્યા. સૌથી ઉંચાણ વાળી હોવાથી જ એનું નામ ટેકરી પડેલું. આખી ટેકરીની જમીનનું તળ રેતી, કાંકરા અને માટી મિશ્રિત હતું. સ્થાનિક ભાષામાં એને ભાઠુ કહેવામાં આવે છે. આખા ગામનું આ જાહેરસ્થળ ગણાતું.

ગામની મધ્યમાં આવેલી આ વિશાળ ટેકરી સૌને ખુબ વહાલી લાગતી. આ ટેકરી ઉપર મોટા કદના વડ હતા. અને હજુ પણ છે

1.     ગાંધીવડ: જેની નીચે 6 એપ્રિલ, 1930ની સાંજે ગાંધીજીએ નમક સત્યાગ્રહ પછી એક મોટી જાહેર સભાને સંબોધેલી. આ વડની છાંયામાં અગણિત સભાઓ યોજાઈ હતી. અને આજે પણ યોજાય છે. ઓરીજીનલ વડ 1978ની સાલમાં પવનના તોફાનમાં તૂટી પડયો હતો. એની જ એક ડાળખી તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈને હસ્તે મૂળ જગ્યાએ ફરીથી રોપવામાં આવી હતી. આ વડ પણ ઘણો મોટો થયો છે. આ વડને હવે રાષ્ટ્રીયવૃક્ષનો દરજ્જો પ્રાપ્ત થયો છે. એની સારસંભાળનું કામકાજ સરકાર હસ્તક છે. આ સરકારી હસ્તક્ષેપને કારણે ઐતિહાસિક મહત્વ હોવા છતાં હવે ગામલોકોની લાગણી ઘટતી જાય છે.

2.     કેશવવડ: આ વડનું નામ ગામના પ્રતિષ્ઠિત આગેવાન કેશવભાઈ નાનાભાઈની સ્મૃતિમાં રખાયું છે. એવું કહેવાય છે કે આ વડ કેશવકાકા પ્રાથમિક શિક્ષક હતા ત્યારે એમણે પોતે જ રોપેલો.

3.     ભાંગેલો વડ: આ વડ ભાંગી, તૂટી નષ્ટ થયો છે આથી એની વિશેષ માહિતી મળી નથી.

4.     હવાડાનો વડ: ગાંધી સ્મારક સંકુલની દક્ષિણ દિશામાં આવેલ ત્રીજો વડ.

5.     ટાંકીનો વડ: આ વડ હજાણી દરગાહની વોટર સપ્લાયની ટાંકીની બાજુમાં છે. ત્યાં જંગલખાતાની નર્સરી અને બીટગાર્ડની કેબીન હતી.

6.     ચોતરાવાળો વડ: આ વડની ફરતે ચોતરો બનાવેલ છે. એની બાજુમાં બસસ્ટેન્ડ પણ બન્યું છે. થોડાં વર્ષો પૂર્વે ઓરીજીનલ વડ તૂટી પડેલો. તેની જગ્યાએ નવો વડ રોપવામાં આવ્યો હતો. તે પણ હવે ઘણો મોટો થઇ ગયો છે.

7.     આશ્રમ વાળો વડ: આ વડ જુના આશ્રમ (હાલ અતિથિગૃહ) ની સામે છે.

8.     વીસમી સદીના અંતભાગે ટેકરી ઉપર વધુએક વડ રોપાયો. જ્યાં હાલ બેસવા માટે બાંકડા ગોઠવેલ છે.

·       ટેકરી ઉપર ચોરમલા (ગોર આમલો) નાં ત્રણ મોટાં વૃક્ષો હતાં. જેનો કાળક્રમે નાશ થયો.

·       લગભગ એક સદી પુરાણું આમલીનું વૃક્ષ છે. આ વૃક્ષનો છાંયો એટલે દાંડીનું જૂનું બસસ્ટેન્ડ.

·       ચોતરાવાળા વડ વડની સામે પીપરડી (ભીડી) નું એક ઝાડ છે. એ પણ ઘણું જૂનું છે.

·       ટેકરી મુખ્યત્વે રમત ગમતનું મેદાન ગણાતું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ખોખો, આટાપાટા, લંગડી, કબડ્ડી વગેરેનું આ મેદાન હતું. યુવાનો ક્રિકેટ અને વોલીબોલ રમતા. અન્ય ગામની જે તે રમતની ટીમ રમવા માટે અહીં જ આવતી.

·       ગામનાં પશુના ધણ (મુખ્યત્વે ભેંસ) નું બપોરનું આરામનું સ્થળ હતું. વડના છાંયા હેઠળ ગોવાળ ધણને બેસાડતો. તેનું છાણ વારાફરતી ગામના લોકોને મળતું. ઉપરાંત છાણના પોદળામાં ડીંગલું (નાનું ડાળખું) ગોપી તેના પર હક જમાવાતો. જે ડીંગલું ગોપે, તે પોદળો લઇ જાય.

·       હવાડાવાળા વડની બાજુમાં કૂવો અને હવાડો. તેમાં ઢેકુંડી ગોઠવેલી. દરરોજ ઢેકુંડી વડે હવાડો ભરવામાં આવે. ગામનાં ઢોર આ જ પાણી પીએ. નિશાળનાં છોકરાં અહીં હાથપગ ધુએ અને પાણી પણ પીએ.

·       1985 પછી આ હવાડાવાળા કુવા પર ઢેકુંડીને બદલે ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવેલી.

·       હવાડાથી લગભગ 100 મીટર દૂર દક્ષિણમાં પરાગજી દેસાઈનો બંગલો. જેમાં દાંડીકૂચનાં સૈનિકોનો ઉતારો હતો. આજે હવે સરકારને હસ્તક અતિથિગૃહ બન્યું છે.

·       આ બંગલા અને હવાડાની વચ્ચે ગામનો એક મોટો તળાવ. જેને દેસાઈ ફળિયાનો તળાવ કહેવાય છે.

·       પ્રાથમિક શાળાના મકાનના બાંધકામમાં આ જ તળાવનાં પાણીનો ઉપયોગ થયેલો. ઉપરાંત ઢોરનાં પાણી પીવામાં પણ ઉપયોગી હતો.

·       ટેકરીની પશ્ચિમે એક ખાડી આવેલી છે. તેમાં આવતાં દરિયાની ભરતીનાં ખારાં પાણીમાંથી માછલીઓ પકડવા માટે એક ખાસ પ્રકારની જાળ (દેશી ભાષામાં કાઢિયું)  વપરાતી.

·       પ્રાથમિક શાળાની ઉત્તરે વડની બાજુમાં હજાણી માટેનો કૂવો અને પંપહાઉસ છે.

·       આ હતી  # ગામના જાહેર કાર્યક્રમો માટેની ટેકરી.

               #  વિદ્યાર્થીઓ અને યુવાનો માટેની રમતગમત, ખેલકૂદની જગ્યા.

                #  ગામનાં પશુધનનું વિશ્રામસ્થાન.

               #  પાણી ભરવા માટે હવડાવાળો કૂવો.

                                   # કોઈપણ શાકભાજી અને વનસ્પતિ ઉગી શકે તેવી ભાઠાની જગ્યા.


અને હવે છે           

                               # દાંડીનું છેલ્લું બસસ્ટેન્ડ.

                                 #  ગામલોકોનું વિશ્રામ સ્થાન.

                                 #  લારીગલ્લા વાળું શોપિંગ સેન્ટર.

·       હોળી સળગાવવાનું સ્થાન પણ અહીં જ હતું.

·        જ્યારથી એસ.ટી.બસની સેવા શરુ થઇ ત્યારથી દાંડીનું આ છેલ્લું બસસ્ટેન્ડ. અહીંથી બસ પરત થાય. એસ.ટી.બસ દરિયા કિનારા સુધી જતી નથી.

·       1972-73 ના વર્ષમાં ગાંધીસ્મારકના ભાગ રૂપે એની પશ્ચિમે ચાર માળ જેટલી ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, જેમાં ક્યારેય પણ પાણી ભરાયું ન હતું. 2018 પછી તેને તોડી નાખવામાં આવી.

·       વર્ષ 1961માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ગાંધી સ્મારકનું ઉદઘાટન થયું. પછીનાં પંદર વરસ સુધી ગામમાં એ એકમાત્ર રાષ્ટ્રીય સ્મારક હતું. અહીં જ ગાંધીજીએ વડલા નીચે સભાને સંબોધી હતી.

·       પ્રાથમિક શાળાનાં ત્રણ મકાનો અહીં સ્મારકની બાજુમાં જ હતાં. જેમાં એક જૂનું મકાન ગેલેરીવાળું મોટા હોલ સ્વરૂપે હતું. એક વણાટશાળા તથા છ રૂમનું એક શાળાનું મકાન હતું. 1970માં તે ત્રણે તોડી પાડીને હાલ છે ત્યાં પ્રાથમિક શાળા ખસેડવામાં આવી હતી.

·       જુના ગેલેરીવાળા હોલની જગ્યાએ હાલ પ્રાર્થના મંદિર છે.

·       1969માં રોડને સમાંતર ઉત્તર બાજુએ એક દીવાલ બનાવવામાં આવી હતી. આ દીવાલ હજુ પણ છે. ગાંધીસ્મારક ના ભાગ રૂપે જ આ દીવાલ બની હતી.

·       વર્ષ 1970-71 માં સૈફીવીલાને જોડતો સિંગલ લેન ડામર રોડ બન્યો. જે સોલ્ટ સત્યાગ્રહ મ્યુઝિયમ બનતાં ડબલ લેન જેટલો પહોળો બનાવાયો.

·       લગભગ વર્ષ 1985માં રોડની દક્ષિણ બાજુએ એક હવાડો બનાવાયો પરંતુ તેનો કદી ઉપયોગ થયો નહીં.

·       ટેકરીની ઉત્તરે નવું ગાંધીસ્મારક સંકુલ બન્યું. અને પશ્ચિમે દ.ગુ.વીજ કંપનીનું મકાન અને ગ્રીડ બની.

·       ટેકરી અને દરિયા કિનારાની વચ્ચેથી ગુજરાતનો કોસ્ટલ હાઇવે પસાર થાય છે.

No comments:

Post a Comment