Saturday, April 5, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 21 દૂધ ઉત્પાદક સહકારી મંડળી

 

21.  દૂધ મંડળી 

સને 1971ના ભારતના પાકિસ્તાન સામેના બાંગ્લાદેશની મુક્તિના યુધ્ધ પછી વૈશ્વિક સ્તરે ભારતને ભાગે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો. યુદ્ધનો આર્થિક ભાર અને માર ઉપરથી કુદરતી આફતો સમાન પૂર અને દુષ્કાળને કારણે ભૂખમરો, બેકારી અને મોંઘવારીએ માઝા મૂકી હતી. દાંડી ગામ પણ આ બધાની સીધી અસર હેઠળ હતું.

વર્ષ 1973માં દુષ્કાળને કારણે ડાંગરની ખેતીમાં ઉત્પાદનને નામે લગભગ મીંડું હતું. તે વર્ષે દાંડીની હરિયાળીક્રાંતિ લગભગ નિષ્ફળ ગઈ હતી. ગામલોકોને નીચા જીવન ધોરણે પણ જીવવાનું કઠિન બને તેવા સંજોગો ઉભા થઇ રહ્યા હતા. ત્યારે પ્રજાના આવકના ઑલ્ટરનેટિવ તરીકે પશુપાલનમાંથી મહત્તમ આવક રળી લેવાના વિચારોમાંથી દૂધ ઉત્પાદક સહકારી મંડળી બનાવવાનો વિચાર આવ્યો. અમૃતભાઈ મકનજી અને કેશવભાઈ નાનાભાઇના મનમાં આવેલા આ વિચારને ગામના અન્ય નેતાગણનો સાથ મળ્યો અને દાંડીમાં શ્વેતક્રાંતિનાં મંડાણ થયાં.

શરૂઆતમાં જનજાગૃતિ માટે દરેક ફળિયામાં રાત્રિ સભાઓ રાખવામાં આવી. લોકોને સમજાય એવી સરળ ભાષામાં જણાવ્યું કે; આપણે જો સહકારી મંડળી બનાવીને દૂધ સુમુલ ડેરીમાં મોકલીશું તો આપણને સારો ભાવ મળશે. દૂધનો ભાવ તેમાં રહેલા ફેટ ને આધારે નક્કી થશે. જેમ ફેટ વધારે, તેમ ભાવ પણ વધારે. આ માટે સારી ઓલાદની ભેંસ અને તે ભેંસ માટે સારો ઘાસચારો અને ખાણદાણ મળવું જરૂરી છે. સુમુલદાણ ની વ્યવસ્થા મંડળી કરશે. પરંતુ દૂધમાં પાણીની ભેળસેળ ચાલશે નહીં.

થોડાક અપવાદને બાદ કરતાં તે સમયે ગામમાં લગભગ દરેક ઘરમાં એક ભેંસ તો હતી જ. કેસુર પટેલ પાસે દૂધનો બિઝનેસ હતો. તેમનો પોતાનો ભેંસનો તબેલો, ઉપરાંત આખા ગામનાં લોકો તેમનું દૂધ કેસુર પટેલને આપે. તેઓ આ દૂધ નવસારી સપ્લાય કરે. તેમાં સારી એવી આવક મળે. પરંતુ પશુપાલકોને ભાગે ખાસ કશું ન આવે. નફો વેપારીઓ લઇ જાય.

લોકોને સત્ય સમજાયું. ધીરે ધીરે મંડળીની શરૂઆત કરવાનું વાતાવરણ જામવા લાગ્યું. થોડો વિરોધ પણ થયો. પરંતુ સમજાવટથી તે શમી ગયો. કેસુર પટેલે પોતાના જમાવેલા બિઝનેસ અને આવકનો મોટો સ્ત્રોત ગુમાવવો પડ્યો. પરંતુ તેઓ આ ઘા જીરવી ગયા. પોતાની શોપનો બિઝનેસ તો ચાલુ જ હતો. એવામાં એમની દીકરીનાં લગ્ન ગોઠવાયાં. તે ન્યુઝીલેન્ડ ગઈ. થોડાં વર્ષ પછી કેસુર પટેલનું ફેમિલી પણ ત્યાં શિફ્ટ થઇ ગયું. નસીબ સારું અને એમનો ત્યાં ઘણો સારો બિઝનેસ થયો.

શરૂઆતમાં તળાવ ફળિયાથી વલ્લભભાઈ ભાણાભાઈ, પરભુભાઈ રામભાઈ અને પરસોતભાઈ ધીરજભાઈ તથા આઝાદ ફાળિયાથી છોટુભાઈ ગોવિંદભાઇ અને ડાહ્યાભાઈ નમાભાઇ, દેસાઈ ફળિયાથી મગનભાઈ કાનજીભાઈ અને નારણભાઇ પાંચાભાઇ વેગેરેનો ઘણો સાથ મળ્યો.

તારીખ…..  ના રોજ મંડળી રજીસ્ટર્ડ થઇ અને સભાસદોની નોંધણી ચાલુ કરવામાં આવી. સાથે સામાપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એટલા માટે જ મંડળીનું નામ દાંડી વિભાગ છે.  સભ્ય ફી દસ રૂપિયા અને એક શેરની કિંમત સો રૂપિયા રાખવામાં આવી. દરેક સભાસદે ઓછામાં ઓછો એક શેર ખરીદવાનું ફરજીયાત રખાયું. તે સમયે સો રૂપિયા ઘણી મોટી રકમ હતી. એક દિવસની ખેત મજૂરી બે રૂપિયા હતી. આમ એક શેર એટલે પચાસ ખેત મજૂરી થાય. થોડા સમયમાં જરૂરી શેરભંડોળ ઉભું થઇ ગયું અને મંડળી કાર્યરત થઇ.

મંડળીના પ્રમુખ કેશવભાઈ નાનાભાઈ અને મંત્રી અમૃતભાઈ મકનજી બન્યા. વલ્લભભાઈ ભાણાભાઈ પ્રથમ પગારદાર કર્મચારી થયા. તેમનું કામ દૂધ એકઠું કરવાનું હતું. દરેક સભ્યના દૂધમાં લેકટોમીટર મૂકી તેમાં પાણીનું  મિશ્રણ નથી થયું તે ચેક કરવાનું અને થોડાક સેમ્પલ લઇ તેને સુમુલ ડેરીની લેબોરેટરીમાં મોકલવાનું કામ પણ અગત્યનું હતું. સેમ્પલને આધારે ફેટ નક્કી થતા અને ફેટને આધારે ભાવ મળતો.

દૂધમાં પાણીની ભેળસેળ કરવાની કુટેવ વાળા મંડળી સાથે પણ છેતરપિંડી કરતા. અને ઓછો ભાવ મળે તો ધમાલ પણ કરતા. મંડળી ઉપર ભ્રષ્ટાચારના આરોપો મુકતા.

શરૂઆત પ્રાથમિક શાળાના ઓટલાથી થઇ. ત્યાં સવાર સાંજ, બે સમયે દૂધ એકઠું કરાતું. સુમુલ ડેરીએ આપેલ એલ્યુમિનિયમનાં મોટાં મજબૂત કેનમાં તે સુમુલ ડેરીમાં જતું. થોડા સમય સુધી એસ.ટી.બસનો ઉપયોગ થયો. પરંતુ બસની અનિયમિતતાને કારણે સાંજે ઘણી તકલીફ થતી. આથી પરસોતભાઈની ટ્રકમાં દૂધને નવસારી મોકલવાનું શરુ કરાયું. જે લાંબા સમય સુધી ચાલ્યું. જો કે ટ્રક્નું ભાડું મંડળીને ભારે પડતું પરંતુ કોઈ છૂટકો જ ન હતો.

જ્યારથી ચીખલી નજીક વલસાડ જિલ્લાની વસુધારા ડેરીનો પ્લાન્ટ શરુ થયો ત્યારથી મંડળીની ડેરી પણ બદલાઈ ગઈ. સુમુલ નું સ્થાન વસુધારા એ લીધું.

થોડાં વર્ષો બાદ દૂધ એકઠું કરવાનું સ્થાન પ્રાથમિક શાળાથી બદલાઈને વિનય મંદિરના ઓટલા પર અને પછી દૂધ મંડળીના પોતાના મકાનમાં શિફ્ટ થયું. તે દરમ્યાન દૂધ લેનાર કર્મચારીઓ પણ બદલાયા. વલ્લભભાઈ પછી વિનુભાઈ જસમાતભાઈ, કાંતિભાઈ ભાણાભાઈ, ગાંડાભાઈ રામજીભાઈ એ પોતપોતાની સગવડ અને જરૂરિયાત મુજબ કામ કર્યું. હવે .......આ કામ સંભાળે છે.

મંડળીના પ્રમુખ પદે કેશવભાઈ નાનાભાઈ, અમૃતભાઈ મકનજી, બાબુભાઇ સુખાભાઈ, પરિમલભાઈ અમૃતભાઈએ સેવા આપી છે. અમૃતભાઈ મકનજીએ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

ગામમાં મંડળીના છૂટક દૂધ વેચાણના કારણે ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે. દૂધ ખરીનારાઓને સસ્તાભાવે દૂધ જોઈએ છે. ઉત્પાદકો પોષણક્ષમ ભાવ માંગે છે. આ ચક્કરમાં મંડળીએ સસ્તું છૂટક દૂધ વેચીને ઉત્પાદકોનો રોષ વહોર્યો છે. ઘણી માથાકૂટ પછી હવે ઉત્પાદકોને સારા ભાવ મળે છે.

મંડળીની સ્થાપનાથી લઈને વરસો સુધી સભ્યોના પગાર રોકડ રકમમાં થતા. લગભગ બે દાયકાથી પગારની રકમ સભ્યોના બેન્કના એકાઉન્ટ્સમાં જમા થાય છે. કંપ્યુટરાઇઝેશનને કારણે કામની વધુ વધી છે. પારદર્શિતા આવી છે.પરંતુ હવે પશુપાલકોની સંખ્યા ઘણી ઘટી ગઈ છે.

ગામમાં પહેલાં ખેતી બંધ થઇ. હવે દૂધ ઉત્પાદન પણ બંધ થવાને આરે છે. નવી પેઢી પાસે નવા વિચાર છે. તેમણે ફિઝિકલ હાર્ડવર્ક કરવું નથી. છતાં ઝીંગાની ખેતી તરફ ઝુકાવ વધતો જાય છે. જમીન ખારી થઇ જવાને કારણે એક દિવસ ઝીંગા ઉદ્યોગ પણ જશે. એનું સ્થાન કોઈ નવો ઉદ્યોગ લેશે.

No comments:

Post a Comment