Friday, April 4, 2025

ઐતિહાસિક દાંડી ગામનો પરિચય - 12મહેમાનો અતિથિઓ

 

12. મહેમાનો અતિથિઓ

કોઈપણ ગામના લોકજીવન ઉપર સમય, સંજોગો, રાજકારણ, અભ્યાસ, ધર્મ વગેરેની સાથે ગામની મુલાકાતે આવનાર મહેમાનોની પણ અસર થતી હોય છે. દાંડી આનાથી શી રીતે બાકાત રહી શકે!

ગામની રચના પછી પહેલી મોટી ધાર્મિક ઘટના એટલે હજાણી બીબીની દરગાહની સ્થાપના. હજાણીબીબીની દરગાહ વિષે અલગ પ્રકરણમાં વિગતવાર માહિતી આપી છે. પરંતુ અહીં આપણે દાંડીના લોકજીવન ઉપર એની અસર વિષયે જોઈશું.

મહંમદ બેગડા સામે યુદ્ધમાં હારવાને કારણે મુસ્લિમ ધર્માંતરણથી બચવા જે લોકો ભાગીને દાંડીમાં વસ્યા હતા તેમણે જ એક મુસ્લિમ ધર્મસ્થાન - દરગાહ બનાવવા જમીન અને સહકાર આપ્યાં.

દરગાહ બની એટલે એના મુલ્લાં અને મુંજાવાર આવ્યા. પછી એનું કેમ્પસ બન્યું. શ્રદ્ધાળુઓના ઉતારાની વ્યવસ્થા થઇ. સાથે જ પૈસાપાત્ર વહોરા કુટુંબોએ જમીનો ખરીદી તેના ઉપર બંગલાઓ બનાવ્યા. તેમણે એક દુકાન પણ શરુ કરી. આ પૈકીનો એક બંગલો આજે હેરિટેજનું સ્થાન પામીને રાષ્ટ્રીય સ્મારક બન્યો છે. જ્યાં નમક સત્યાગ્રહ પછી ગાંધીજી થોડા દિવસ રહ્યા હતા.

ગામનાં લોકોને ઈંડા, મરઘાં, માછલી અને દૂધ તથા શાકભાજી વેચવા માટે ગ્રાહકો મળ્યા. ગામનાં કેટલાંક લોકોને કેમ્પસમાં કામ મળ્યું. મારી જાણ મુજબ વાઘાફળિયાનાં નંદીફોઇ અને કાળાફળીયાનાં નંદીકાકી તથા ખાલપા ફળિયાના લખીબેન વગેરેએ જીવનનો મોટો ભાગ આ કેમ્પસમાં કામ કરીને વિતાવ્યો. તેમનો આ રોજગાર ગણી શકાય. કેમ્પસની સાફ સફાઈ માટે એક દલિત કુટુંબને વસાવવામાં આવ્યું. એ કુટુંબના કંકુબહેન ગામમાં સમાચાર કે માહિતીના પ્રસારનું કામ કરતાં. સ્થાનિક ભાષામાં આ માટે વેઠિયો શબ્દ પ્રચલિત છે.

બોરડી ઉપરથી બોર તોડી લાવી છોકરાઓ પ્રવાસી વહોરાઓને વેચતા. એટલું જ નહીં, આ જ પૈસામાંથી તેઓ ક્રિકેટ રમવા માટે બોલ અને બેટ પણ ખરીદતા. એમની ભાષાની નકલ કરીને મીમીક્રી કરતા.

ઈ.સ. 1870 પહેલાં સુરત જિલ્લના કોઈ ગોરા કલેકટર સાથે તેમના આઈરીશ મિત્ર, મિ. સી.ફોર્ડ આવ્યા અને ગામને નેધરલેન્ડની ટેક્નોલોજી વાળા બંધો અને જમીન નવસાધ્ય કરવાની ટેક્નોલોજી મળી. લોકો ખેતી તરફ વળ્યાં અને આજના દાંડીના લોકજીવનનો પાયો નંખાયો.

બંધની જાળવણી અને મહેસુલ ઉઘરાવવા માટે દેસાઈ કુટુંબો આવ્યાં તેમણે પણ ખેતી અને પશુપાલન કર્યું. તેમની કુટનીતિથી ગામમાં ભાગલા પણ પાડયા. ‘મોટીદાંડી અને નાનીદાંડીને નામે લોકોમાં મતભેદ અને મનભેદ ઉભા થયા. આઝાદી પહેલાં અને બાદના સમયગાળામાં આ કુટુંબો અન્યત્ર સ્થળાંતર કરી ગયેલાં. આથી જ એમને મહેમાનની શ્રેણીમાં મુક્યા છે. ગામમાં આજે એક પણ દેસાઈ કુટુંબ ન હોવા છતાં દેસાઇફળીયું અસ્તિત્વ ધરાવે છે. ગામમાં મોટો હળપતિવાસ છે. આ હળપતિઓને પહેલીવાર ગામમાં વસાવવાનું શ્રેય દેસાઈઓને જાય છે. આમ ગામને ખેતી અને અન્ય કામ માટે હળપતિ મજૂરો મળ્યા. ગામનાં પહેલાં શીડયુલ ટ્રાઈબ સરપંચ આ પૈકીનાં એક છે.

દાંડીના પ્રથમ ઐતિહાસિક મહેમાન રાજપુરુષ એટલે મહાત્મા ગાંધીજી. નમકનો કાળો કાયદો તોડવા સાબરમતીથી દાંડી સુધી પોતાના 79 સૈનિકો સાથે ગાંધીજીએ દાંડીકૂચ કરી. ચપટી નમક ઉપાડી, કાયદો તોડી, સત્યાગ્રહ કર્યો અને દાંડીને વૈશ્વિક ઓળખ મળી.

બાપુ સાથે તેમના સૈનિકો ઉપરાંત સરોજિની નાયડુ સહીત બીજા અનેક મહાનુભવો હતા. ગાંધીજી દાંડીમાં તો થોડા જ દિવસ રહ્યા પરંતુ તે દિવસથી દાંડીની જનતાના જીવનધોરણના બદલાવનો પાયો નંખાયો. લોકોમાં જાગૃતિ આવી. બહારની દુનિયાની જાણકારી મળી. યુવક મંડળ દાંડીની સ્થાપના થઇ. બંધો બંધાયા અને વિકસતું વિકસતું દાંડી આજના આધુનિક યુગમાં આવી ગયું.

1948 ની સાલમાં ગાંધી બાપુના અસ્થીવિસર્જનનો શોકયુક્ત મોટો પ્રસંગ પણ ગામે અનુભવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં બાપુને અહિંસક સત્યાગ્રહમાં સાથ આપનાર નાના સીતા ના અસ્થિનું પણ 1969 માં દાંડીના દરિયામાં વિસર્જન થયું હતું.

દાંડીકૂચને કારણે દાંડી ઐતિહાસિક બન્યું. પરિણામે અતિથિઓ અને પ્રવાસીઓ આવવા લાગ્યા. ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબાજી આવ્યા. ઈ.સ. 1964 માં કોક ભારતીબાળા નામનાં આધ્યાત્મિક શક્તિ ધરાવતાં સન્નારી પણ આવેલાં, પરંતુ મારી પાસે એમની કોઈ વિગત નથી.

ઈ.સ. 1961માં તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ગાંધી સ્મારકનું ઉદઘાટન કરવા આવ્યા. દાંડીની ધરતી પર પહેલીવાર નાનકડાં બે વિમાનોનું લેન્ડિગ થયું. ત્યારે એક લોકગીત બહુ પ્રખ્યાત થયેલું. ગાંધીજી આવ્યા પેદલ ચાલીને, જવાહરનાં ઉતાર્યાં વિમાન દાંડીના દરિયા કિનારે.

નહેરુજીના આગમન સાથે મટવાડના બંદરવાળા પુલનું ઉદ્ઘાટન થયું. દાંડી નવસારી રોડ બન્યો. એસ.ટી.બસની સુવિધા મળતી થઇ. અને તેના થોડા વર્ષ બાદ ગામને પીવાના પાણીની યોજના મંજુર થઇ. ગામનું વીજળીકરણ પણ થયું.

ઈ.સ.1972માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દાંડીની મુલાકાત લીધી. તેમનાં બે હેલીકૉપ્ટર સૈફીવીલાની સામે હાલ જ્યાં નવું સંકુલ ઉભું થયું છે ત્યાં ઉતર્યાં હતાં. એક દિવસ માટે મટવાડથી દાંડી સુધીની ટેલિફોનની લાઈન પણ લઇ આવવામાં આવી હતી. તે સમયના દાંડીના સરપંચ શ્રી નારણભાઇ પાંચાભાઈને વડાપ્રધાનનું સ્વાગત કરવાનો મોકો મળેલો. ક્રિકેટના મેદાનમાં તેમની જાહેરસભા થયેલી.આ માટે મેદાનમાં થોડી પીળી માટી પાથરવામાં આવેલી. મેદાન સમતળ થયું. જૂની ખાડીના અવશેષ રૂપે જે થોડી નીચી જગ્યા હતી તે સમતળ થઇ. આ સભાનો મંચ બનાવવા માટે ઈંટ- સિમેન્ટનો બ્લોક બનાવાયો હતો. જે લાંબા સમય સુધી ક્રિકેટના સ્કોરર્સને બેસવા અને સ્કોરબોર્ડ રાખવા માટે કામ આવ્યો. મોરારીબાપુ દાંડી આવ્યા ત્યારે તેમનાં રસોડા માટે આ બ્લોક તોડી નંખાયેલો. આ સિવાય ગામને બીજો કોઈ લાભ ન થયો.

દાંડી અને આજુબાજુનાં ગામનાં લોકોમાં ઇન્દિરા ગાંધીને જોવા કે સાંભળવાને બદલે હેલીકૉપ્ટર જોવાનો ઉત્સાહ વધારે હતો. આગલા દિવસે જ્યારથી હેલીકૉપ્ટર ઉતર્યાં ત્યારથી દાંડી, સામાપુર, મટવાડ વગેરે ગામનાં લોકો ઉમટી પડેલાં. સુરક્ષા વ્યવસ્થા માટે ઉકાઇથી ગુજરાત પોલીસની એસ.આર.પી. બટાલિયન બોલાવવામાં આવી હતી. જેમનો કેમ્પ હજાણીના કેમ્પસમાં રખાયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા…   2019 ના રોજ વડાપ્રધાન તરીકે દાંડીની મુલાકાત લઇ નવા બનાવાયેલા ગાંધીસમારક સંકુલનું ઉદઘાટન કર્યું હતું. એ પહેલાં પણ એમણે અવાર નવાર દાંડીની મુલાકાત લીધી હતી. એમનાં હેલીકૉપ્ટર બોરી વિસ્તરમાં ઉતર્યાં હતાં અને જાહેર સભા પણ એ તરફ જ થઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત પછી દાંડીના લોકજીવનમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. નવા બનેલા ગાંધી સ્મારક સંકુલમાં દાંડી અને આજુબાજુનાં ગામોનાં લોકોને રોજગાર મળ્યો. પ્રવાસીઓ વધ્યા એટલે નાનો વેપાર ધંધો કરનાર ધંધાર્થીઓની સંખ્યા પણ વધી. ગામમાં આવકનો નવો સ્ત્રોત ઉભો થયો.

શ્રી મોરારજી દેસાઈ નાયબ વડાપ્રધાન હતા ત્યારે લગભગ વર્ષ 1965-66માં ગાંધી જયંતિ પ્રસંગે દાંડી આવ્યા હતા. ઈ.સ. 1969માં ચૂંટણી પ્રચાર માટે અને ઈ.સ. 1980માં ગાંધી સ્મારકના તૂટી પડેલા વડને સ્થાને નવો વડ રોપવામાં માટે પધાર્યા હતા.

ઈ.સ. 1979 માં ચૂંટણી પ્રચાર માટે નવસારી આવેલ અટલ બિહારી વાજપેયીજીએ દાંડીની ગુપ્ત મુલાકાત લીધી હતી. વાજપેયીજી લગભગ પંદર મિનિટ મોડા નવસારીના લુણસી કૂઈનાં મેદાનમાં પધાર્યા. સૌથી પહેલાં સભામાં ઉપસ્થિત લોક મેદનીની માફી માંગતાં જણાવેલું કે; "મૈં ઇતની દૂર, નવસારી તક આયા હું, ઔર પવિત્ર ભૂમિ દાંડી કી મુલાકાત ન લું તો કૈસે ચલેગા ? મેરે મરને કે બાદ અગર બાપુ મુઝે ઉપર મિલ ગયે તો મેં ક્યા જવાબ દૂંગા ?"

ઈ.સ. 1987માં રાષ્ટ્રપતિ વેંકટ રમન દાંડી પધારેલા. આટલો ભવ્ય અને એટલો જ બોગસ પ્રોગ્રામ દાંડીએ પહેલી વાર જોયો. સમગ્ર પ્રોગ્રામમાં દાંડીની કોઈ જ ભાગીદારી ન હતી. બધું જ સરકારી. લોકો રાષ્ટ્રપ્રમુખને જોવા આવેલા પરંતુ તેમનું અંગ્રેજી ભાષણ સાંભળવા માટે ખાસ કોઈ રોકાયેલું નહિ. આ પ્રોગ્રામ પણ હાલના નવા ગાંધીસમારક સંકુલના સ્થાને ખુલ્લી જગ્યામાં થયેલો.

ગુજરાતના અનેક રાજ્યપાલોએ દાંડીની મુલાકાત લીધી છે. રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણે હતા. (1968 ) દાંડી ગામમાં ચાલતાં ફરીને ખાદીનું વેચાણ કરેલું.

સૈફીવીલાને જોડતો રોડ  બન્યો તે પહેલાં જે કોઈ રાજ્યપાલ દાંડી આવે તે તેમની એમ્બેસેડર કારમાં આવતા. યુવક મંડળ દાંડીનું બેન્ડ તેમનું સ્વાગત કરતુ. પી.ડબલ્યુ.ડી. વાળા સૈફીવીલાના રસ્તાની પૂર્વમાં પાળની નીચે રોલર ફેરવીને કાચો રસ્તો તૈયાર કરી દેતા. માટીનાં ઢેફાં ઉપર ચૂનો લગાવીને રોડની બોર્ડર બનતી. જ્યાં હાલ નમક સત્યાગ્રહ સ્મારક છે ત્યાં ગુજરાતનો નકશો બનાવી દાંડીના સ્થાને બે ત્રણ કિલો દેશી મીઠું નો ઢગલો કરવામાં આવતો. ગુજરાતનો ભાગ્યેજ કોઈ એવો રાજ્યપાલ હશે જેણે દાંડીની મુલાકાત ન લીધી હોય.

નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન વર્ષ 1976 માં રાજ્યપાલ કે.કે.વિશ્વનાથનને વરદ હસ્તે થયેલું. ઇન્દિરા સરકાર દ્વારા જાહેર કરાયેલી ઇમર્જન્સીનું વર્ષ હતું. આ કાર્યક્રમ પણ સંપૂર્ણ સરકારી હતો. વિનય મંદિરની કન્યાઓએ પ્રાર્થનાગીત ગાયું, એટલો જ ગામનો ફાળો. સભામાં સંખ્યા બતાવવા માટે એરૂ, હાંસાપોર, મંદિર, ઘેલખડી વગેરે ગામોમાંથી હળપતિ બહેનોને લાવવામાં આવેલાં.

બાબુભાઇ જશભાઈ પટેલ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ  વર્ષ 1978માં દાંડીની મુલાકાતે આવેલા. હિતેન્દ્ર દેસાઈ અને ઘનશ્યામ ઓઝા એ પણ મુલાકાત લીધી હતી. થોડાં વર્ષ પહેલા પરીખ પણ દાંડી પધાર્યા હતા. હિતેન્દ્ર દેસાઈ જ્યાં સુધી સંસ્થા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તેમનો ચૂંટણી પ્રચાર દાંડીથી જ શરુ કરતા.

ઈન્દીરાગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી કટોકટી વેળા તેનો વિરોધ કરવા માટે લોહ પુરુષ સરદાર વલ્લ્ભભાઈનાં દીકરી મણિબહેન દાંડીની મુલાકાતે પધાર્યાં હતાં. ત્યારે પણ કોઈ છમકલું ન થાય એ ડર થી સરકારે ઉકાઇથી એસ.આર.પી.ની બટાલિયન બોલાવી હતી. જો કે મણિબહેન તેમની સભા ભરે એ પહેલાં જ ગામલોકોને સભાસ્થાનેથી તગેડી મુકાયા હતા. બિચારાં મણિબહેન સભાને સંબોધન પણ ન કરી શક્યાં. રોડ ઉપર ઊભાં રહીને કશુંક બોલ્યાં પણ લોકો સાંભળી શકેલા નહિ. એ પછી સરદાર પુત્રી મણિબહેને દાંડીની મુલાકાત લીધી નથી.

મણિબહેનની આ મુલાકાત પછી ગામનાં સામાન્ય લોકોમાં પણ ઈન્દીરાગાંધી પ્રત્યે નફરત ઉભી થઇ અને પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં દાંડીવાસીઓએ ઇન્દિરા વિરુદ્ધ જનતાપક્ષના ઉમેદવારને ખોબેખોબા ભરીને વોટ આપ્યા.

1930ની મહાત્મા ગાંધીની દાંડીકૂચ પછી અનેક દાંડીકૂચ યોજાઈ છે. ઈ.સ. 2005-06 માં કોંગ્રેસ પાર્ટી દ્વારા એક દાંડીકૂચનું આયોજન થયેલું. ત્યારે સોનિયાગાંધી સહીત અનેક પોલિટીશીયનો દાંડી પધાર્યા હતા. એક્ટર ગોવિંદા પણ તેમાં સામેલ હતા.

ઓસ્ટ્રેલિયાના એક ઇતિહાસ લેખકે પણ પોતાની રીતે દાંડીકૂચ કરેલી. તેમનો ઉદ્દેશ ગાંધીજી અને તે સમયનું હિન્દુસ્તાન કેવું હશે તેનો ચિતાર મેળવવાનો હતો.

કેટલાક સ્થાનિક આગેવાનો જુદા જુદા પ્રસંગે ગામમાં આવતા રહેતા. જેમાં લલ્લુભાઇ મકનજી, ગોસાંઈભાઈ છીબાભાઈ, દિલખુશભાઈ દીવાનજી, રાવતજી (કરાડી- મટવાડ) પરભુભાઈ મથુરાવાળા (ઓંજલ) તેમજ વેડછીથી જુગતરામ દવે, બારડોલીથી મીનુભાઈ કીકલીયા મુખ્ય હતા.

ધીરુભાઈએ વિનય મંદિર દાંડીના વાર્ષિકોત્સવ પ્રસંગે કેટલીક મહાન હસ્તીઓને દાંડીમાં આમંત્રી હતી. તે પૈકી નવલભાઈ શાહ, ગુલામ રસુલ કુરેશી, રામલાલ પરીખ,  ગોવિંદ રાવળ વગેરે છે. સ્વિસ એઇડ વાળા ઓપ્લીગરદાદા અને સ્નેલમેનને પણ ભૂલી ન શકાય. સ્વિસ એઇડ સંસ્થાની મદદથી જ વિનય મંદિર સંકુલ બન્યું. ગામના પીવાના પાણીનો પ્રશ્ન પણ કઈંક અંશે હલ થયો. ગામની જનતા આ મહાનુભાવોની વાતો સાંભળતી. જેમાંથી કશુંક નવું જાણવાનું મળતું. દાંડીના લોકજીવનને સમારવામાં આવી વ્યક્તિઓનો પણ નાનો ફાળો જરૂર રહ્યો છે.

1972-73 ની સાલમાં મુંબઈની SNDT યુનિવર્સીટી PTCના અભ્યાસક્રમનાં પચીસ જેટલાં બહેનોનો બેચ દાંડી આવ્યો. તેમનો ઉતારો વિનય મંદિરમાં હતો. ત્યારે વોશરૂમ જેવી પ્રાથમિક સગવડ પણ વિનય મંદિર પાસે ન હતી. હજાણીના કેમ્પસમાં એક મહિના માટે તેમણે બાલમંદિરના વર્ગો ચલાવેલા. આ હતું દાંડીનું પ્રથમ અનઓફિશિયલી બાલમંદિર.

 ઈ.સ. 2002-03 માં શ્રી મોરારીબાપુએ ગાંધીને કેન્દ્રમાં રાખીને દાંડીમાં રામાયણની કથા ગોઠવી હતી. ખુબ ભીડ થતી. ક્રિકેટના મેદાનમાં રસોડું ચાલતું. પરંતુ આ સફળ કથાને અંતે ગામને એઠવાડની ગંદકી મળી. કથાના સંચાલકો કે આયોજકો સ્વચ્છતાની બાબતમાં ઉણા ઉતર્યા હતા. મોરારીબાપુએ ગામનાં કેટલાંક ઘરોમાં રાત્રિનું ભોજન લીધું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામી, સ્વાધ્યાય પરિવારના  પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, વિશ્વમાં યોગ ને પ્રખ્યાત બનાવનાર બાબા રામદેવ વગેરે પણ દાંડી ગામની મુલાકાત લઇ ગામની પવિત્રતા વધારી છે. ધ્યાન યોગના શીવકૃપાનંદ સ્વામીનો આશ્રમ બન્યો છે. એનું સંકુલ પણ ઘણું મોટું છે. એમના અનુયાયીઓ સતત આવતા રહે છે.

સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, બાબાસ્વામીધામ વગેરેને કારણે ગામને એક ફાયદો થયો છે. કેટલાક લોકોએ દારૂનો નશો કરવાનું બંધ કર્યું છે અથવા શરાબ સેવનનું પ્રમાણ ઘટાડયું છે.

કેટલાક ક્રિકેટર્સ પણ દાંડીની મુલાકાત લઇ ગયા છે. ઇસ્ટ આફિકાની ટીમના સ્પિનર પી. નાના અને ભારત તરફથી એક માત્ર ટેસ્ટ રમેલા ઓપનર કે. જયંતીલાલે કરાડીના મનસુ પટેલના માધ્યમથી દાંડીની મુલાકાત લીધી હતી.

છીમભાઈ જસમતભાઈના પ્રયત્નોથી ભારતીય ટેસ્ટ સ્પિનર પોલી ઉમરીગર લગભગ વર્ષ 1989માં દાંડી પધાર્યા હતા. ઉપરાંત હરભજનસિંહ, મુનાફ પટેલ વગેરેએ પણ કેટલીક ખાનગી મુલાકાત લીધી હોવાના અહેવાલ મળ્યા છે.

સિત્તેરના દાયકાની શરૂઆતમાં પોરબંદરથી દાંડી સુધીની સાયકલ સ્પર્ધા યોજાતી. આને કારણે ગામના યુવાનોમાં સાયકલની સ્પર્ધાનો કીઝ ક્રેઝ ઉભો થયો. અનેક પ્રકારની સાયકલ સ્પર્ધાઓ યોજવા લાગી.

કેટલાક લેખકો અને કવિઓપણ પ્રસંગોપાત દાંડીની મુલાકાતે આવ્યા હતા. જેમાં ઉમાશાંકર જોશી, કાકાસાહેબ કાલેલકર, દર્શક-મનુભાઈ પંચોળી, ગુણવંત શાહ વગેરે નામો ગણાવી શકાય. દાંડીની મુલાકાત વેળા ઉમાશાંકર જોશીએ મહિલાવર્ગને તેમના  સ્થાનિક પોશાક (કાછડો) માં જોયાં ત્યારે તેમણે એક નાનકડી પંક્તિ રચી હતી : સાત વાર લાંબી સાડી, તો યે અડધી ટાંગ ઉઘાડી.

નવસારીના સ્થાનિક પત્રકાર ચંદ્રકાન્ત પંડયા ઘણીવાર દાંડી આવતા. જો કે તેઓ દરિયા કિનારે ફરવા માટે આવતા. વર્ષ 1976માં એક અલ-મદીના નામનું ઇજિપ્શિયન જહાજ, દરિયાના તોફાનમાં સપડાઈને, વાંસીના કિનારે આવી ગયું હતું. દાંડીના કિનારેથી આ જહાજ જોઈ શકાતું. આ જહાજને ગુજરાતમિત્ર દૈનિકની નવસારીના પત્ર વિભાગમાં દાંડી કિનારે દાણચોરીનું વહાણ દર્શવાયું બતાવ્યું હતું. દાંડી ગામે ખોટી રીતે દાંડીને બદનામ કરવા બાબતનો વિરોધ ગુજરાતમિત્રને જતાવ્યો હતો.

ધીમે ધીમે દાંડીમાં પ્રવાસીઓનો ધસારો વધતો ગયો. વીસમી સદીના અંત સુધીમાં ગણ્યા ગાંઠયા પ્રવાસીઓ આવતા. પરંતુ એકવીસમી સદીમાં તેમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. નવું સત્યાગ્રહ સ્મારક બન્યા પછીતો હવે એ ધસારો બેકાબુ બનતો જાય છે.

પ્રવાસીઓ ખુબ ગંદકી ફેલાવે છે. તેમની પાસેથી સફાઈવેરો ઉઘરાવીને દૈનિક મજૂરો રોકી કચરો સાફ કરવાના પ્રયત્નો પણ થાય છે. ઠેર ઠેર કચરાપેટી પણ રાખી છે. પરંતુ આપણી ભારતીય પ્રજાને ગંદકી માફક આવી ગઈ હોવાથી ઘણી તકલીફ ઉભી થાય છે. પ્રવાસીઓ જ્યાં ને ત્યાં એઠવાડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરે ફેંકીને જતા રહે છે. લડાઈ ઝગડા પણ થાય છે. અકસ્માત ડૂબી જવાના બનાવો પણ બનતા જ રહે છે.

No comments:

Post a Comment